મનુષ્ય અને અન્ય જીવસૃષ્ટિ વચ્ચેનો મુખ્ય ફરક એ છે કે અન્ય જીવસૃષ્ટિ એને જન્મ સાથે મળેલાં લક્ષણોને સહારે જીવન વિતાવે છે, જ્યારે મનુષ્ય વારસામાં મળેલ લક્ષણો (શારીરિક અને બૌદ્ધિક) ઉપરાંત સત્સંગ, અભ્યાસ અને સ્વપ્રયત્નથી અનેક સંસ્કારો કેળવી શકે છે. એને પ્રાપ્ત સંસ્કારો તરીકે ઓળખવામાં આવે છે.
શારીરિક-બૌદ્ધિક લક્ષણો મનુષ્યમાં જન્મથી હોય છે તેમ પ્રાપ્ત સંસ્કારો આપોઆપ મળી જતા નથી. એને એક પેઢીએ બીજી પેઢીને કાળજીપૂર્વક આપવા પડે છે. જો એમાં પ્રમાદ, દૃષ્ટિહીનતા કે ઉપેક્ષા સેવાય તો પછીની પેઢી એ સંસ્કારોથી વંચિત રહે યા એનાથી ઊલટી રીતે વર્તનારી પણ થાય. દા.ત. મનુષ્ય બૌદ્ધિક ક્ષમતા લઈને જન્મયો હોય એનો ઉપયોગ અનેક લોકોના ભલા માટે કરી શકે તેમ રાવણની જેમ અનેકને પીડવા માટે પણ કરી શકે, એથી સંસ્કાર વારસાનું વિતરણ દરેક પેઢીએ જાગૃતિપૂર્વક કરવું પડે છે. સંસ્કારી મનુષ્ય એટલે એવો મનુષ્ય જેનું મનુષ્યત્વ કેળવાઈને વિકાસ પામેલું છે.
મનુષ્યત્વના વિકાસમાં અનેક તત્ત્વો અસર કરે છે. તેમાં અત્યંત અગત્યનું તત્ત્વ ભાષા છે. ભાષાને બાદ કરીને માનવજીવનની કલ્પના કરીએ તો સમજાય, કે શું શું બાદ થઈ જાય. અન્ય પ્રાણી-પંખી પાસે અવાજો છે, ભાષા તો કેવળ મનુષ્ય પાસે છે. અવાજમાંથી ભાષા સુધી પહોંચતાં મનુષ્યને હજારો વરસ લાગ્યાં હશે, પરંતુ માણસે આ એવું અસાધારણ માધ્યમ નીપજાવ્યું કે એના રોજબરોજના વ્યવહારો ચલાવી શકે અને તેના વિવિધ ભાવોને પણ વ્યક્ત કરી શકે. વળી એ ભાવોને એવી રીતે અભિવ્યક્ત કરે છે કે અન્યના હૃદય સુધી સંક્રાન્ત થઈ શકે છે.
ભાષાનો બે પ્રકારે ઉપયોગ થાય છે :
(1) તત્કાલીન વ્યવહારો-સંબંધોનું સ્વરૂપ, વસ્તુ-વિગત કે પરિસ્થિતિનું વિશ્લેષણ, વિવિધ સ્થિતિઓ વચ્ચે તુલના અને તારણ દ્વારા આપણે જીવનને ઓળખવા અને ઓળખાવવા પ્રયત્ન કરીએ છીએ. એમાંથી જ્ઞાનનો જન્મ થાય છે. તેમાં શોધ એ હોય છે કે સાચું જીવન એટલે કેવું જીવન ? એની નિરીક્ષામાંથી અનેક શાસ્ત્રોનો જન્મ થયો છે. સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, ધર્મ, કેળવણી, માનસશાસ્ત્ર વગેરેના યથાર્થ સ્વરૂપની શોધ આ સઘળાં શાસ્ત્રો કરે છે. માનવજાત માટે એક રીતે આ પ્રયોગ અને ખોજનું ક્ષેત્ર છે. એટલે એમાં સુધારા-વધારા થતા રહે છે, નવાં નવાં ક્ષેત્રો અને તારણો ખૂલતાં રહે છે. મનુષ્યસમાજના વિકાસમાં જ્ઞાનનું પ્રભાવક સ્થાન હોય છે. સંસ્કૃિતના વિકાસમાં જ્ઞાનની આ ખોજને પરિણામે આપણને વેદ, ઉપનિષદ, ગીતા, પુરાણો અને આધુનિક યુગનાં અનેક શાસ્ત્રો મળ્યાં છે. આ સર્વ શાસ્ત્રોનો હેતુ એક જ પંક્તિમાં કહેવો હોય તો ‘જીવનનો હેતુ શો છે અને એને પ્રાપ્ત કેમ કરી શકાય તેની ખોજ.’
સંસ્કૃિતની યાત્રા સડસડાટ નથી ચાલતી. કાર્લ માકર્સે કહ્યું છે તેમ એક પગ ભાંગેલી ડોશીની યાત્રા જેવી એ યાત્રા છે. એક પગ મૂકાય છે, બીજો પગ ઢસડાતો ઢસડાતો ત્યાં પહોંચે છે, વળી પાછું આગળનું ડગલું મંડાય છે. મનુષ્યે અવિદ્યાને કારણે અનેક કોયડા સર્જ્યા છે અને વિદ્યાની મદદથી એના ઉકેલો મેળવ્યા છે. જે સમાજ આ અંગે ખુલ્લો, ઉદાર અને પરમત સહિષ્ણુ રહ્યો છે તે વધુ વિકસ્યો છે. ભારતીય સંસ્કૃિતની આ લાક્ષણિકતા છે. એ નોંધપાત્ર છે કે ભગવાન બુદ્ધે ચાલીસ વર્ષ સુધી ભ્રમણ કરીને હિન્દુ ધર્મની મર્યાદાઓ બતાવી, નવા માર્ગ ચીંધ્યા, પરંતુ બુદ્ધ ઉપર કોઈએ આઘાત કર્યો નથી કે તેમને ઉપદેશતા કોઈએ અટકાવ્યા નથી. એના મૂળમાં અનેક પ્રકારની કેળવણી દ્વારા સર્જાયેલી ભારતીય સંસ્કૃિતની નરવી અને નક્કર આધારશિલા રહેલી છે. બુદ્ધે પ્રચલિત સંસ્કૃત ભાષાને બદલે લોકભાષામાં-પાલિમાં-ઉપદેશ આપ્યો. સંસ્કૃતમાંથી પાલિમાં આવવાથી જ્ઞાનનું સંકોચન ન થયું, વિસ્તરણ થયું. એમનો ઉપદેશ સામાન્ય લોક સુધી પહોંચ્યો. આ દૃષ્ટિએ ગુજરાતી ભાષાને જોવાની જરૂર છે.
(2) ભાષાનો બીજો વધુ સૂક્ષ્મ, હૃદયસ્પર્શી અને વિશિષ્ટ ઉપયોગ તે સાહિત્યસર્જન. સાહિત્યમાં ભાષાની બધી શક્તિઓ અને તમામ સમૃદ્ધિ પ્રગટ થતી હોય છે. એટલે જ આપણને રામાયણ-મહાભારત-શાંકુતલથી લઈને મહાપ્રસ્થાન – ઝેર તો પીધાં અને માનવીની ભવાઈ સુધીની કૃતિઓ મળી છે. આવી કૃતિઓ મનુષ્યને આનંદના માધ્યમથી હૃદયની સમજણ આપે છે. એટલે આપણને તેની મોહિની હોય છે. આવી કૃતિઓમાં આપણાં સાંસ્કૃિતક મૂળિયાં પરખાય – અનુભવાય છે.
અહીં પ્રારંભમાં રજૂ કરેલો મુદ્દો ફરી યાદ કરીએ કે ભાષા અને સાહિત્ય પણ પ્રાપ્ત સંસ્કાર છે. એને માટેનો પ્રેમ અને એની ખેવના આગલી પેઢીએ પછીની પેઢીને આપવાનાં હોય છે. તો જ નવી પેઢીને ભાષા-સાહિત્ય માટે અને એનાં મૂલ્યો વિશે પ્રેમાદર જાગે અને જળવાય. અહીં એક બાબત અંગે સ્પષ્ટ થવાની જરૂર છે કે વિશિષ્ટ યુગબળે આપણા દેશમાં સાંસ્કૃિતક કટોકટી સર્જી. અંગ્રેજોના સક્રિય એવાં લગભગ સવાસો વર્ષના શાસને આપણી ભાષા, સમાજવ્યવસ્થા અને સાંસ્કૃિતક મૂલ્યો ખાસ્સાં હલબલાવ્યાં. પરિણામે આજે કેટલાંક બાવરા બનીને દોડે છે, કેટલાંક આંખો મીંચીને દોડે છે, કેટલાંક વ્યૂહરચના કરીને અગ્ર હરોળમાં રહેવા માટે બધું હોડમાં મૂકીને સફળ થવા મથે છે.
ગુજરાતીની એક પ્રજા તરીકેની લાક્ષણિકતા એ છે કે જેમાંથી આર્થિક વળતર મળે તેને પ્રાધાન્ય આપે છે. મરાઠી, કન્નડ કે બંગાળીઓને એની ભાષા માટે ભરપૂર પ્રેમાદર છે. એની તુલનામાં આપણી પ્રજામાં ભાષા અને સાહિત્ય માટે એવું ગૌરવ નથી. અંગ્રેજી જોડણી માટે રાતદિવસ એક કરનારા વિદ્યાર્થીઓ, આચાર્યો, અધિકારીઓ, આયોજકો ગુજરાતી જોડણી માટે બેપરવા રહી શકે છે. વાલીઓમાં ભાષાગૌરવનો ભાવ નથી. નહિ તો, અન્ય પ્રદેશોમાં રાજ્યસરકારો કૉલેજ કક્ષાએ એક પેપર પ્રાદેશિક ભાષાનું હશે જ એવું ઠરાવી શકે તો ગુજરાત પણ એવું જરૂર ઠરાવી શકે.
આજે ભારતમાં તમામ મુખ્ય ભારતીય ભાષાઓ સામે પડકાર ઊભો થયો છે. અંગ્રેજીનું સ્થાન અને માન ભાષાના સામર્થ્ય કે ઉત્તમ સાહિત્યને કારણે નથી, પરંતુ તેને આધારે મળનાર નોકરીઓ અને વળતરને કારણે છે. અંગ્રેજીનો કક્કો પણ ન જાણનાર તેના મોહમાં ખેંચાય છે. આર્થિક વળતરને કારણે પરિણામે આજે અંગ્રેજી ભાષા શિક્ષણનું માધ્યમ બની રહે છે. માતૃભાષાને સ્થાને બેસી ગઈ છે.
આ પ્રશ્ન અંગ્રેજો કે અંગ્રેજીના વિરોધની નથી. એક વિશ્વભાષા તરીકે અંગ્રેજીનો અસ્વીકાર ન જ હોઈ શકે. આપણો પ્રશ્ન ઊગતી પેઢીના સાંસ્કૃિતક અને મનોબંધારણીય વિકાસનો છે. આપણે કેવો સમાજ સર્જવા માગીએ છીએ તેનો છે. એક ભાષા તરીકે અંગ્રેજી તરીકે ઉત્તમ રીતે શીખવાય તે આવકાર્ય જ હોય. પરંતુ જ્યારે એને શીખવાનું માધ્યમ બનાવાય ત્યારે વિદ્યાર્થીની ઉપર પડતી માનસિક અને ભાવાત્મક અસરો તપાસવાની રહે છે. વિદ્યાર્થીની ગ્રહણશીલતા પરભાષામાં ભણવાથી ઘટે છે એ હકીકત સંશોધનોમાં સિદ્ધ થઈ છે. ખાસ કરીને વિભાવનાઓ (concepts) સમજવામાં તો વિદ્યાર્થીને ઘણી મુશ્કેલી પડે છે. સ્મૃિત સારી હોય તો વિદ્યાર્થી બધું ગોખી નાખીને સારા માર્ક્સ લાવીને પાસ થઈ જાય. પરંતુ એને દૃષ્ટાંત દ્વારા સમજીએ તો 1000 W. નો બલ્બ 200 W. જેટલો જ પ્રકાશ આપે તેવી આ સ્થિતિ છે. વિદ્યાર્થી ઉપર પડનારી અસરો અંગે આપણે ત્યાં ભાગ્યે જ સંશોધનો થયાં છે. આને પરિણામે આપણને વિક્રમ સારાભાઈને બદલે નોકરીખાઉં એમ.એસ.સી. મળે છે તે ખોટ કેવળ વ્યક્તિની નહિ, આખા રાષ્ટ્રની છે.
ભારતમાં ભણનાર તમામ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં અમેરિકા, કેનેડા કે ઑસ્ટ્રેલિયામાં જઈ વસવાના હોય તો અંગ્રેજી માધ્યમ સ્વાભાવિક ગણાય; પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે એવું બનવાનું નથી. વિદેશ વસવાટ કરનાર વિદ્યાર્થીઓનું પ્રમાણ તો 1 ટકાથી ય ઓછું હોવાનું. નવ્વાણું ટકા ભારતમાં રહેનારમાંથી પણ એક-બે ટકા જ નિર્ણાયક જગ્યાએ બેસવાના ત્યારે એક નાના વર્ગ માટે વિશાળ પ્રજાવર્ગને અંગ્રેજી માધ્યમ તરફ ધકેલવાની જાણે સાજીશ રચાઈ હોય તેમ દેખાય છે. વિચારણાનો મુદ્દો આ છે. એ અંગે જાગૃત થવાની જરૂર છે.
આપણા રાજકર્તાઓ અને નીતિ-નિર્ણાયકો દેશપ્રેમની વાત કરે છે. અને અંગ્રેજી માધ્યમથી બધા પ્રશ્નોના ઉકેલ મળી જવાના હોય તેવા મુગ્ધ ભ્રમમાં રહેલા છે. વાલીઓ સૌથી વધુ બિચારા છે. તેઓ તો પ્રવાહમાં તણાતાં લાકડાં જેવા છે. એમની પોતાની કોઈ ગતિ નથી. સેલ્ફ ફાઇનાન્સને નામે જેમણે વિદ્યાલયો ખોલ્યાં છે તેમાંના મોટા ભાગના સંચાલકો નફાને જ કેન્દ્રમાં મૂકે છે. તેમને શિક્ષણની ભાગ્યે જ ચિંતા છે. તેઓ ઝાકમઝાળથી આંજી નાખીને વાલીઓને આર્થિક રીતે નિચોવે છે.
સાચું કહીએ તો એક પ્રજા તરીકે આપણાં જીવનમૂલ્યો વિપથગામી બની રહ્યાં છે તે મૂળ સમસ્યા છે. આપણે ભૌતિક સમૃદ્ધિ આગળ સંબંધ, સંસ્કાર, જીવનઘડતરને ગૌણ ગણ્યાં છે. એટલે માતૃભાષાને અને સાહિત્યને, સંસ્કાર ઘડતર અને સંબંધ સ્વરૂપને પણ ગૌણ ગણીએ છીએ. વળી ઉચ્ચ શિક્ષણમાં દાક્તરી, આઈ.ટી. અને મેનેજમેન્ટ જેવી અમુક વિદ્યાશાખાઓને જ મહત્ત્વ આપવાથી અને માનવીય વિદ્યાઓની ઉપેક્ષા થવાથી જીવનની સમતુલા તૂટી રહી છે. માતૃભાષાના શિક્ષણની ઉપેક્ષા થવાથી જે તે ક્ષેત્રના વિદ્વાનો ગુજરાતીમાં લખે છે ત્યારે કાચા પડે છે. તો ઉચ્ચશિક્ષણમાં ગુજરાતી લેનાર માત્ર નોટ વાંચીને પાસ થઈ જાય છે. ભાષા-સાહિત્યનું તેમનું જ્ઞાન ઉપરછલ્લું હોય છે. આ સ્થિતિ બદલવા માટે આપણી યુનિવર્સિટીઓએ આંખ ઉઘાડવાની જરૂર છે. તેમ જ વિષયમાળખું ઉદાર કરવાની જરૂર છે.
સ્વરાજ પહેલાં ગુજરાતી ભાષાના સંવર્ધનનું જેટલું કાર્ય ચારે દિશામાંથી થયું હતું તેની તુલનામાં સ્વરાજ પછી આપણે વધુ ને વધુ બેધ્યાન થતા ગયા છીએ. આ ઉપેક્ષાનું પ્રતિબિંબ આજે પ્રજાની મનોવૃત્તિમાં અને સમાજસ્વરૂપમાં દેખાય છે. કેવળ સાહિત્ય સ્વરૂપે જ નહિ, જ્ઞાનભાષા તરીકે પણ ગુજરાતીમાં ઘણું ખેડાણ થયું છે. પરંતુ છેલ્લા દસકાઓની ઉપેક્ષાથી જ્ઞાનભાષાની ગુજરાતી ક્લિષ્ટ, અઘરી અને અતડી બની રહી છે. આ અંગે પાઠ્યપુસ્તક મંડળથી લઈને ગ્રંથનિર્માણ બોર્ડ અને યુનિવર્સિટીઓના પ્રકાશન વિભાગોએ નવેસર કાળજી લેવાની જરૂર છે. વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, વાણિજ્ય, અર્થશાસ્ત્ર, સમાજવિદ્યા, સમાજગતિશાસ્ત્રનાં પુસ્તકોની ઉપલબ્ધિ ઘટતી જાય અને તેનું ધોરણ કંગાળ બની રહ્યું છે તે ચિંતાનો વિષય છે.
આપણે એ ભૂલવા માંડ્યા છીએ કે ભાષા-સાહિત્યમાં અને જ્ઞાનખોજમાં આખી પ્રજાનો સાંસ્કૃિતક વારસો ધબકતો હોય છે. એ કેવળ કથા, કાવ્ય કે નાટક જ નથી, પરંતુ ભાવ-આંદોલનનો સાક્ષાત્કાર હોય છે. એ એ કૃતિઓ પ્રજાના ભાવજગતને પોષણ આપે છે. અત્યારે તો વિદ્યાર્થીને મેઘાણી સમજાતા નથી એટલું જ નથી, પન્નાલાલ કે જોસેફ મેકવાન પણ સમજાતા નથી. આપણો વિદ્યાર્થી માતૃભાષાની ઉપેક્ષા કરે છે ત્યારે મેઘાણી, દર્શન કે રઘુવીરની ઉપેક્ષા કરે છે. એ ભૂલી જાય છે કે સાહિત્યમાં પ્રગટ થયેલું જીવન તેના પોતાના ધરાતલનું જીવન છે. આ તો ચંદ્રલોકને જાણતો હોય અને ગામની ભૂગોળથી અજાણ હોય તેવો ઘાટ છે. વિદ્યાર્થીને ભાવજગતનું આ પોષણ નથી મળતું ત્યારે એ મૂળિયા વિનાનો થતો જાય છે. તેમાંથી અનેક સામાજિક અસમતુલા સર્જાય છે. એમાંથી તાણ, એકાકીપણું અને નિરર્થકતાના ભાવો સર્જાય છે. દરેક ભાષાએ અને સાહિત્યે પોતાની સાંસ્કૃિતક અને સંસ્કાર પરંપરાને પચાવેલી હોય છે. એનો વારસો બાળકને મળે છે, તેમાંથી બાળકને માનસિક અને આત્મિક પોષણ મળે છે. એટલે ભાષા-સાહિત્યની અને માધ્યમનો પ્રશ્ન દેખાય છે તેથી વધુ અવગાહન માગે છે.
આ વર્ણનમાં પરિસ્થિતિની યથાર્થતા સ્પષ્ટ થાય છે. પરંતુ આના ઉપાયો છે ખરા ? હા, છે. જરૂર છે. તેને આમ મૂકી શકાય :
(1) શિક્ષણપ્રક્રિયામાં અનેક મર્યાદાઓ આવી, રોગ વકર્યો, જાણે બધું તૂટવા બેઠેલું લાગે છે, કારણ કે આપણે શિક્ષણનું રાષ્ટ્રીયકરણ કર્યું. રાષ્ટ્રીયકરણનો અર્થ રાજ્યકારણ થઈ ગયો છે. બધા નિર્ણયોની સત્તા પાટનગરમાં કેન્દ્રિત થઈ ગઈ છે. બાકીના સૌ અમલ બજાવણીવાળા થઈ ગયા છે. જો આપણે પ્રશ્નો ખરેખર ઉકેલવા માગતા હોઈએ તો શિક્ષણની સ્વાયત્તતાની માંગ પ્રબળ કરવાની જરૂર છે. એને વિશે તો કોઈ બોલતું નથી. એકહથ્થુ નિર્ણયપ્રક્રિયાથી ભ્રષ્ટ કાર્યપ્રણાલીઓ ચડી વાગી છે. ધોરણો નબળાં ને નબળાં થતા જાય છે. શિક્ષણ સ્વાયત્તતા હશે તો પ્રયોગશીલતાને પોષણ મળશે, કાર્ય કરનાર વધુ જવાબદાર બનશે. આપણે કેવળ ઉપલા નાના વર્ગ માટે બધું ગોઠવવાનું નથી, પ્રજાના વિશાળ વર્ગની ખેવના રાખવાની જરૂર છે.
(2) વાલીઓએ કેવળ આર્થિક વળતરને બદલે બાળકના સંસ્કાર ઘડતર અને ભાવજગતની પણ કાળજી લેવી જરૂરી છે. અંગ્રેજી માધ્યમના વ્યામોહને બદલે માધ્યમ માતૃભાષા રાખીને ઉત્તમ રીતે અંગ્રેજી શીખવાય તેવો આગ્રહ વાલીઓએ રાખવો પડશે. આજે વાલીઓનો અવાજ ક્યાં ય નથી એટલે સરકાર અને સંચાલકો યથેચ્છ વર્તી રહ્યાં છે.
(3) જો ઊછરતી પેઢીનાં સાંસ્કૃિતક મૂળિયાં અખંડ રાખવાં હોય તો ઓછામાં ઓછું દસ ધોરણ સુધી માધ્યમ માતૃભાષા જ હોવું જોઈએ. રવીન્દ્રનાથ ટાગોરે કલકત્તા યુનિવર્સિટીના પદવીદાન વ્યાખ્યાનમાં કહેલું કે, ‘ભારત સિવાય બીજા કોઈ પણ દેશમાં વિદ્યાર્થીની માતૃભાષા અને તેના ભણવાની ભાષા વચ્ચે છૂટાછેડા નથી.’ રવીન્દ્રનાથે વિદેશી ભાષાના માધ્યમથી ઉદ્દભવતા જોખમ અંગે કહ્યું છે કે, ‘તેનું પોષણ ભલે થતું હોય, પરંતુ તે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસના ભોગે થાય છે. વિદ્યાકીય સફળતા વિદ્યાર્થીની ગોખવાની શક્તિ ઉપર અવલંબે છે. વિદ્યાર્થીની વિચારશક્તિ, પોતાની માન્યતા અંગેની હિંમત તેમ જ સર્જક પ્રેરણા – આ બધું જ નબળું થઈ જાય છે.’ એટલે કે વિદ્યાર્થીની મૌલિકતા અને સર્જનાત્મકતા જાળવવી હોય તો દસ ધોરણ સુધી માધ્યમ માતૃભાષા હોય અને બારમા ધોરણમાં અનિવાર્યપણે એક પેપર ગુજરાતીનું હોય અને તેના માર્ક્સ કુલ ટકાવારીમાં ગણાતા હોય તેવી રચના થાય તો ગુજરાતી પ્રજા ગમે તેમ કરીને ગુજરાતી સક્ષમ કરવા ઉપર ધ્યાન આપશે.
(4) આજે અંગ્રેજી માધ્યમની મોટા ભાગની શાળાઓમાં અંગ્રેજી કંગાળ પદ્ધતિએ ભણાવાય છે. અન્ય શાળાઓમાં સ્થિતિ ચિંતાજનક છે. સરકારી શાળાઓમાં સ્થિતિ ભયાનક છે. કેવળ અંગ્રેજી જ નહિ, માતૃભાષા ગુજરાતીની સ્થિતિ પણ બદતર છે. એટલે તો ગયા વર્ષે બોર્ડની પરીક્ષામાં સવા બે લાખ વિદ્યાર્થીઓ માતૃભાષા ગુજરાતીમાં અનુત્તીર્ણ થયા હતા. કારણ કે ગુજરાતી બોલતા હોઈએ એટલે ભાષા આવડી જાય એવો ભ્રામક ખ્યાલ છે. વળી કોઈ પણ વિષયમાં સરપ્લસ થનાર અને પી. ટી. શિક્ષકને ગુજરાતી ભણાવવાનું સોંપાય છે. એવી શિક્ષક સંખ્યા 45 ટકાથી વધારે છે. શું આવા શિક્ષકોને ગણિત કે વિજ્ઞાન ભણાવવાનું સોંપાયું હોત ખરું ? બોર્ડ અને શિક્ષણ વિભાગ આ અંગે કેમ જાગૃત નથી એ પ્રશ્ન છે. માત્ર માતૃભાષાદિન ઊજવવાથી આ પ્રશ્ન નહિ ઉકલે. જો તમામ અધિકારો તંત્ર હાથમાં રાખતું હોય તો આ બાબતની સુધારણા તંત્રે સૌથી પહેલાં કરવી જોઈએ.
(5) આજે અંગ્રેજી રેઢિયાળ રીતે ભણાવાય છે. એમાંથી અંગ્રેજી માધ્યમ આવ્યું છે. જો એક વિષય તરીકે અંગ્રેજી ઉત્તમ રીતે શીખવાય તો અંગ્રેજી માધ્યમની જરૂર જ ન રહે. વલ્લભવિદ્યાનગરની એચ. એમ. પટેલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇંગ્લિશે આ અંગેની કાર્યયોજના બનાવી છે. તેમાં પ્રાથમિક શિક્ષણને અંતે અંગ્રેજી માધ્યમમાં ભણેલા અને ગુજરાતી માધ્યમમાં ભણેલાની અંગ્રેજી વિષયની ક્ષમતા સમાન હશે, એટલી ક્ષમતા વિકસી હશે તેવું આયોજનપૂર્વક કહેવાયું છે. આપણે એ દિશા તરફ ધ્યાન આપવાની જરૂર છે.
(6) આજે શિક્ષક તાલીમ અધૂરી, વિકૃત અને ઉપરછલ્લી થઈ ગઈ છે તે ગંભીર મુદ્દા તરફ આપણું કે તંત્રનું ધ્યાન જતું નથી. ગુજરાતમાં 75 જેટલી બી.એડ. કૉલેજો હતી. થોડાં વર્ષોમાં 482 થઈ ગઈ. પછી સેલ્ફ ફાઇનાન્સ બી.એડ. કૉલેજો થઈ. આમાં કેટલાકને આર્થિક લાભ થયો, પણ ધોરણો તૂટતાં ગયાં. આજે એવી બી. એડ. કૉલેજો છે જેમાં વિદ્યાર્થી એક દિવસ પણ કોલેજમાં ન ગયો હોય, (એ માટેની ઠરાવેલી રકમ ભરી દીધી હોય) તો પણ એને પદવી મળી જાય છે. એવી રીતે ભણેલો શિક્ષક વર્ગખંડમાં જઈને શું કરશે ? તો નવી પેઢી કેવી કેળવાશે ? આ આખા સમાજનો ગંભીર પ્રશ્ન છે.
આપણી મુખ્ય જરૂરિયાત શિક્ષક તાલીમનો પુનર્વિચાર કરવાની છે. શિક્ષકોની સજ્જતા અને નિષ્ઠા વધે તેવું આયોજન જરૂરી છે. વળી ભાષાના શિક્ષકની કામગીરી, અસરકારકતા અને સજ્જતા વિશેષ હોવી જોઈએ તેનો સ્વીકાર કરવાની જરૂર છે. આપણી યુનિવર્સિટીઓ પણ આમાં નબળી પુરવાર થઈ છે. આપણા ભાષાશિક્ષકો મનુષ્યના ભાવકોષને સમૃદ્ધ કરવામાં ભાષા અને સાહિત્ય શો ફાળો આપે છે એ અંગે સ્પષ્ટ અને સાવધ હોવા જોઈએ. એની ઉપેક્ષાને કારણે આજના કોયડા સર્જાયા છે.
(7) એ આપણી મુગ્ધ ભ્રમણા છે કે અંગ્રેજી આવડવાથી આપણાં બાળકો જીવનમાં સફળ થઈ જશે. અંગ્રેજી તો એક વાહન છે. એ થોડી ગતિ વધારી શકે, એટલું જ. આજના વૈશ્વિક વ્યાપાર વ્યવહારને જોતાં હવે વિદ્યાર્થીએ માત્ર અંગ્રેજી નહિ, ચીની-જાપાની-જર્મન કે રશિયન ભાષા શીખવાની જરૂરિયાત ઊભી થવાની. જો માતૃભાષાનો પાયો પાકો હશે તો વિશ્વની અન્ય ભાષાઓ પણ બાળકો સહેલાઈથી શીખી શકશે. વિશ્વમાં જ્યાં જ્યાં જ્ઞાન-વિજ્ઞાનનો વિકાસ થયો છે ત્યાં બાળકો માતૃભાષામાં જ શીખે છે. એટલે ખરી જરૂરિયાત માતૃભાષાનું શિક્ષણ ઉત્તમ રીતે અને હેતુપૂર્ણ રીતે અપાય તે છે. એ માટે કોલેજમાં પ્રથમ વર્ષથી બી.એડ. સુધી ગુજરાતી ભણેલો શિક્ષક હોય એ પ્રાથમિક જરૂરિયાત છે.
ગુજરાતી પ્રજાની તાસીર જોતાં જો નોકરી, અભ્યાસ કે કામમાં ઉપયોગી હોય તો કોઈ પણ વસ્તુ કે પ્રક્રિયા સ્વીકારે છે. માતૃભાષાનું અને બાળકના ઘડતરનું મહત્વ પણ આ બાબતની પ્રતીતિ કરાવનારું હશે તો પ્રજા જરૂર સ્વીકારશે. એ દિશામાં આગળ વધવાનું કાર્ય પ્રજાકીય ઘડતરની સંસ્થાઓ, શાળા-મહાશાળા અને યુનિવર્સિટીઓ, સાહિત્યિક સંસ્થાઓ, પુસ્તક પ્રકાશન પ્રવૃત્તિ, પાઠ્યપુસ્તક મંડળ, શિક્ષક સંઘો અને નીતિનિર્ણાયકોએ પોતપોતાની કક્ષાએ અને કેટલીક બાબતમાં સંયુક્ત રીતે કરવું પડશે.
આટલી ચર્ચાથી એ સ્પષ્ટ થાય છે કે આ કેવળ માધ્યમ કે માતૃભાષા સુધીનો પ્રશ્ન નથી, પરંતુ પ્રજાના સાંસ્કૃતિક ઘડતરનો મહત્ત્વનો મુદ્દો છે. એટલે એની સાથે સંકળાયેલા મુદ્દાઓ સ્વાયત્તતા, તંત્રગત વાજબી મોકળાશ, નિર્ણયપ્રક્રિયામાં ભાગીદારી, વાલીજાગૃતિ, વાંચનપ્રીતિ જગાડનારા કાર્યક્રમો, ઉત્તમ કૃતિઓ એકાધિક માધ્યમથી (ઓનલાઇન કૃતિ વાંચન શક્ય બનાવવું) વાંચી માણી શકાય તેવી સુવિધાઓ, શિક્ષકની તાલીમ અને કેળવણી અંગે વ્યાપક પ્રજાકીય જાગૃતિ એમ અનેક મોરચે એક સાથે પ્રયત્ન કરશું તો આપણા આ ગંભીર સાંસ્કૃિતક સંકટમાંથી બહાર આવી શકશું.
[ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં આપેલું વિભાગીય અધ્યક્ષીય વક્તવ્ય, ભુજ, તા .27/12/2015]