Opinion Magazine
Number of visits: 9448777
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મત પૂછ કે ક્યા હાલ હૈ મેરા તેરે પીછે તૂ દેખ કે ક્યા રંગ હૈ તેરા મેરે આગે

તેજસ વૈદ્ય|Opinion - Literature|10 December 2015

સંસ્કૃતમાં જે દરજ્જો કાલિદાસનો છે, અંગ્રેજી સાહિત્યમાં જે દરજ્જો શેક્સપિયરનો છે એ જ દરજ્જો ઉર્દૂ સાહિત્યમાં મિર્ઝા ગાલિબનો છે. અસદ ઉલ્લાહ ખાં 'ગાલિબ' થઈ તો ઓગણીસમી સદીમાં ગયા પણ તેઓ વીસમી-એકવીસમી સદીમાં વધુ મહેસૂસ થયા. ડિસેમ્બરની ૨૭ તારીખે જન્મેલા ગાલિબની રચનાઓ આજે બસ્સો વર્ષ પછી પણ ખૂબ પ્રસ્તુત લાગે છે. આગામી બસ્સો-પાંચસો વર્ષ પછી પણ ગાલિબ એટલા જ પ્રસ્તુત રહેવાના છે

એવું કહેવાય છે કે મુઘલોએ ભારતને ત્રણ અણમોલ તોહફા આપ્યા. એક ઉર્દૂ જબાન, બીજો તાજમહાલ અને ત્રીજો મિર્ઝા ગાલિબ.

દૂરદર્શન પર ૮૦ના દાયકાના ઉત્તરાર્ધમાં 'મિર્ઝા ગાલિબ' સિરિયલ આવતી હતી. ગુલઝારે તૈયાર કરેલી એ સિરિયલમાં સંગીત જગજિતસિંહનું હતું. નસિરુદ્દીન શાહે એમાં મિર્ઝા ગાલિબનો રોલ એ અદાયગીથી ભજવ્યો હતો કે આજે પણ ગાલિબનો ઉલ્લેખ નીકળે ત્યારે મનમાં નસિરુદ્દીન શાહનું જ એ ચિત્ર ખડું થાય.

મિર્ઝા ગાલિબ ભારત-પાકિસ્તાનના ઇન્ટેલેક્ચ્યુઅલ્સ-બૌદ્ધિકોમાં તો હંમેશાં આદર પામતા જ રહ્યા છે. ભારતના યુવાઓમાં ગાલિબની જે લોકપ્રિયતા પ્રસરી છે એમાં એ સિરિયલનું પણ પ્રદાન છે એમ કહીએ તો એ અતિશયોક્તિ નહીં ઠરે. એ સિરિયલમાં જગજિતસિંહે કંપોઝ કરેલી ગાલિબની ગઝલો પછી કેસેટ-સીડી સ્વરૂપે રિલીઝ થઇ હતી અને એનું ધૂમ વેચાણ થયું હતું. નવી પેઢીની ગાલિબ વિશે જે જાણકારી બની છે એમાં એ સંગીતનો પણ મોટો રોલ છે.

સાયગલ, મેહદી હસન, બેગમ અખ્તર, લતા મંગેશકર, એહમદ હુસૈન-મોહમ્મદ હુસૈન, ગુલામઅલી જેવા ટોચના ગાયકો સહિત અનેક ગાયકોએ ગાલિબની રચના ગાઈ છે. એ રીતે ઉત્તરોત્તર ગાલિબ લોકો સુધી પહોંચતા રહ્યા છે. ગઝલગાયકોમાં તો ગાલિબની રચના ગાવી એ સ્ટેટસ ગણાય છે.

કલ્પનાને નહીં અનુભવોને શાયરીમાં ઉતાર્યા

મિર્ઝા ગાલિબ અગાઉની શાયરી ઇશ્ક-આશિકી, શરાબ-શબાબ, ઝુલ્ફ -કમર જેવા શૃંગાર તેમ જ અધ્યાત્મના કેટલાક ટિપિકલ એટલે કે ઢાંચાઢાળ કલ્પનોમાં સેટ થઈ ગઈ હતી. ગાલિબે જ સૌ પ્રથમ માનવ મનના વિવિધ ભાવોને શાયરીમાં ઉજાગર કર્યા. માનવ મનના કેટલાંક સૂક્ષ્મ ખયાલાતને એ રીતે ઉજાગર કર્યા કે એ અગાઉ કોઈ કવિ એવું કરી શક્યા નહોતા. રોજબરોજનાં જીવનની પરેશાનીઓ અને પેચીદાં દર્દોને ગાલિબે ગઝલમાં ઉતાર્યાં. માણસની લાચારીને તેણે શાયરીનું અંગ બનાવી. ગાલિબની વિશેષતા એ હતી કે નિરાશાવાદને પણ બૌદ્ધિક ચમત્કૃિત સાથે રજૂ કરતા હતા. એમાં ગૂઢાર્થ રહેતો હતો, માત્ર લાચારી નહીં, જેમ કે,

ગાલિબનો શેર છે –

આહ કો ચાહીયે ઇક ઉમ્ર અસર હોને તક,
કૌન જીતા હૈ તેરી ઝુલ્ફ કે સર હોને તક.

આ જ ગઝલનો આગળનો શેર જુઓ,

દામ-એ-હર-મૌજ મેં હૈ હલ્કા-એ-સદ-કામ-એ-નહંગ
દેખેં ક્યા ગુજરે હૈ કતરે પે ગુહર હોતે તક

દરિયામાં જે મોતી પાકે છે એ એક દરિયાના એક ટીપામાંથી જ તૈયાર થાય છે. હવે ગાલિબની શેર ગહેરાઈ જુઓ ગાલિબ કહે છે કે દરિયાના પ્રત્યેક મોજા (દામ-એ-હર-મૌજ) જાણે વિકરાળ દૈત્યની જેમ સાંકળ બનાવીને (હલ્કા-એ-સદ-કામ-એ-નહંગ) ત્રાટકી રહ્યા છે. હવે જોવાનું છે કે ટીપું (કતરે) મોતી (ગુહર) બને ત્યાં સુધીમાં એના પર કેટલું વિતે છે.

પરવત-એ-ખુર સે હૈ શબનમ કો ફના કી તાલિમ
મૈં ભી હઁૂ એક ઇનાયત કી નજર હોને તક

ગાલિબ પ્રિયતમાને ઉદ્દેશીને કહે છે, સૂરજના પહેલા કિરણ(પરવત-એ-ખુર )થી ફના થઈ જવાની ઝાકળ(શબનમ)ને તાલીમ મળી છે. જેવો તમે મને એ ઇનાયતભરી નજરે જોશો એવો તરત હું ફના થઈ જઇશ. – પ્રેમને આટલી બારીકાઈથી કદાચ જગતના મહાન પ્રેમીઓએ પણ નહીં જોયો હોય.

સમાજનો બૌદ્ધિક વર્ગ જ્યારે શેર-શાયરીથી અસ્પૃશ્યતા પાળતો હતો ત્યારે ગાલિબે ગઝલને એ ઇન્ટેલેક્ચ્યુઅલ ગરિમા આપી કે એ વર્ગ પણ એમાં રસ લેતો થયો. આવું અગાઉ થયું નહોતું. તેના કેટલાક શેરો વાંચો તો લાગે કે આ તો કોઇ શાયરે નહીં પણ મનોવૈજ્ઞાનિકે રચ્યા લાગે છે, જેમ કે, ગાલિબનો શેર છે …

દર્દ મિન્નત કશે-દવા ન હુઆ,
મૈં ન અચ્છા હુઆ બુરા ન હુઆ.

હવે આ શેરનું ઊંડાણ જુઓ, કવિ કહેવા માગે છે કે 'દવા દર્દનો ઉપચાર ન કરી શકી કે ન તો મિન્નત (માનતાઓ) કામ લાગી. હું સારો ન થયો ને ખરાબ પણ ન થયો.'

હવે આ જ શેરમાં સમાયેલો બીજો અર્થ જુઓ, 'દવા દર્દનો ઉપચાર ન કરી શકી કે ન તો માનતાઓ કામ લાગી. – હું સારો ન થયો એ ખરાબ નથી થયું.' દરેક વ્યક્તિ ગાલિબની શાયરીમાંથી પોતાના સંજોગો અને સમજ અનુસાર અર્થ તારવી શકે.

આ જ ગઝલનો બીજો શેર જુઓ.
કિતને શીરીં હૈ તેરે લબ કે – રકિબ,
ગાલિયઁા ખા કે બેમઝા ન હુઆ,

તારા હોઠની મીઠાશ એવી છે કે તે દુશ્મનને ગાળો દીધી એ છતાં પણ તેને એ મીઠી લાગી.

સમયને અતિક્રમી ગયેલો શાયર 

કોઈ પણ રચના-સાહિત્યનું ખરું પાણી એનાં ભવિષ્યનાં વર્ષોમાં મપાતું હોય છે. 'જાને ભી દો યારો' આજે સિનેમાની સિમાસ્તંભ સમાન ફિલ્મ ગણાય છે પણ જ્યારે રિલીઝ થઈ ત્યારે સરિયામ નિષ્ફળ નીવડી હતી. આજે 'જાને ભી દો યારો' ફિલ્મ પર સેમિનાર અને વર્કશોપ્સ થાય છે, તેથી કોઇ કૃતિ કેટલી દમદાર છે એ જ્યારે બહાર પડે છે ત્યાર કરતાં એનો ભવિષ્યનો સમય એની કાળજયિતા નક્કી કરતો હોય છે. મિર્ઝા ગાલિબ સાથે પણ એવું જ થયું હતું. ગાલિબ વિશે કહેવાય છે કે તે પોતાના યુગમાં જ અનેક યુગને સંકોરી બેઠેલા શાયર હતા. ગાલિબ તેમના સમયમાં એટલા ઓળખાયા નહોતા પણ તેમના ગયા પછી તેમની ઓળખ દિલ્લીના કુતુબમિનાર જેવી એટલે કે બુલંદ બની હતી. ગાલિબની મજા એ છે કે બસ્સો વર્ષે પહેલાં તેમણે લખેલી રચનાઓ આજે વાંચો તો એમ જ લાગે કે આ તો આજના સમયનું બયાન છે. આજથી પચાસ વર્ષ પછી પણ જે વાંચશે એને એવું લાગશે કે આ તો અત્યારના સમયનો દસ્તાવેજ છે.

તેમની રચનાઓના કેન્દ્રમાં 'વ્યક્તિ' છે. એ વ્યક્તિ પણ કોઈ દેવત્વ કે આદર્શ સાથે નથી પણ ઇન્સાનના રૂપે જ છે. બીજી વાત એ કે ગાલિબના શેરો સવાલ ઉઠાવે છે. દુનિયાના તમાશા પર સવાલ ઉઠાવે છે, પોતાના યુગ પર સવાલ ઉઠાવે છે. વિચારમાં જો ભવ્ય ઊંડાણ હોય અને એ વિચાર કાળને અતિક્રમીને જોઈ શકતો હોય તો એ વિચાર કોઈ પણ ભાષાનો હોવા છતાં જગતમાં પહોંચે છે. કબીરે જે બોલીમાં દોહા રચ્યા હતા એ બોલી હવે બોલાતી નથી પણ કબીરની રચનાઓ કાળને ચીરીને સમય વચ્ચે અણનમ ઊભી છે. ગાલિબ વિષે પણ એ જ વાત સાચી ઠરે છે.

વાયા મસ્તક, હૃદય તરફ ગયેલો શાયર

ભારતમાં મિર્ઝા ગાલિબનાં નામની પોસ્ટલ સ્ટેમ્પ રજૂ થઈ છે. પાકિસ્તાનમાં પણ ગાલિબનાં નામની સાથે પોસ્ટલ સ્ટેમ્પ અને ફર્સ્ટ ડે કવર રિલીઝ થયાં છે. તકલાદી પરંપરાઓ અને તકવાદી માન્યતાઓને ગાલિબે અડફેટે લીધી હતી. ધાર્મિક જટિલતાઓનો તેણે વિરોધ કર્યો હતો અને માનવતાવાદી દૃષ્ટિકોણ પર ભાર મૂક્યો.

શાયર નિદા ફાઝલી કહે છે કે, "ગાલિબ એવા પહેલા શાયર હતા જેમણે સાંભળેલી માન્યતાઓ અને પરંપરાગત મૂડ પ્રમાણે રીતે રચાતી ગઝલને આધારે નહીં પણ જીવેલા પ્રસંગો અને સંજોગોમાંથી શાયરી સર્જી હતી.

ગાલિબ ભારતવર્ષની મોટી ઉપલબ્ધિ છે, તેમની ભાષા ઉર્દૂ હતી પણ તેઓ ઘરેણું તો સમગ્ર હિંદુસ્તાનનું છે. ભારતની ભાગ્યે જ કોઈ ભાષા હશે જેમાં ગાલિબની રચનાઓ ન ઝિલાઈ હોય.

ગુજરાતી કવિ શોભિત દેસાઈનો ઉર્દૂ શાયરીનો ઊંડો અભ્યાસ છે. તેઓ મિર્ઝા ગાલિબ વિશે વ્યાખ્યાનો આપે છે. એક વ્યાખ્યાનમાં તેમણે કહ્યું હતું કે "ઉત્ક્રાંતિની તવારિખ તપાસીએ તો માનવનો વિકાસ મસ્તિષ્ક તરફનો રહ્યો છે. હૃદય લાખ વર્ષ પહેલાં પણ એવું જ હતું જેવું આજે છે. ગાલિબ એટલે જ લોજિશ્યનના લિબાસમાં ગઝલમાં વિહર્યા. ગાલિબની કૂચ મસ્તકના માઇલસ્ટોનને સર કર્યા બાદ હૃદય સુધી પહોંચવાની રહી."

ગાલિબનો કાળ હિંદુસ્તાનના ઇતિહાસનો એ કાલખંડ હતો જ્યારે મુઘલિયા સલ્તનતના કાંગરાઓ તૂટી રહ્યા હતા, તેમની પરંપરાઓ તૂટી રહી હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપની દેશમાં પોતાનો વિસ્તાર ફેલાવી ચૂકી હતી. તેથી આ યુગપલટાની દૃષ્ટિએ પણ ગાલિબની રચનાઓનો અભ્યાસ અગત્યનો બની રહે છે.

૨૭ ડિસેમ્બર, ૧૭૯૭માં આગરામાં જન્મેલા અસદ ઉલ્લાહ ખાં 'ગાલિબ' ૧૩ વર્ષની ઉંમરે દિલ્લી ગયા અને પછી તેમના ઇન્તેકાલ સુધી દિલ્લીમાં જ રહ્યા. તેમના જીવનની તવારીખ પર નજર કરીએ, તેમના પિતા અબ્દુલ્લાબેગ ખાં અને દાદા કુકાનબેગ ખાં હતા. ૧૮મી સદીના મધ્યમાં તુર્ક કુકાનબેગ પોતાનાં વતન સમરકંદથી હિંદુસ્તાન આવ્યા હતા. શાહઆલમ બીજાને ત્યાં સિપાઈ તરીકેની નોકરી કરી હતી, ત્યાં એ પચાસ ઘોડેસવારોના નાયક બન્યા હતા. પછી જયપુરનાં સૈન્યમાં જોડાયા હતા. છેલ્લાં વર્ષોમાં આગ્રામાં સ્થાયી થયા હતા. પિતાની જેમ અબ્દુલ્લાબેગે પણ સૈન્યમાં નોકરી કરી હતી. ગાલિબના કાકા નસરૂલ્લાહ બેગ પણ મરાઠાઓનાં સૈન્યમાં હતા.

ગાલિબના પિતા લખનૌમાં નવાબ આસિફુદ્દૌલાના સૈન્યમાં હતા. એ પછી હૈદરાબાદના નવાબ નિઝામઅલી ખઁાને ત્યાં સિપાઈ હતા. છેલ્લે અલવરમાં રાવરાજા બખ્તાવરસિંહની નોકરી કરી હતી, એ દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. જમીનદારોના ઉપદ્રવ સામે રાજાએ મોરચો માંડયો એમાં લડતાં લડતાં તેઓ ગુજરી ગયા હતા હતા. ૧૮૦૨માં તેઓ ગુજરી ગયા ત્યારે ગાલિબની ઉંમર પાંચ વર્ષ હતી. એ પછી ગાલિબ તેમના કાકા નસરૂલ્લાહ પાસે રહ્યા. કાકા તેમને ખૂબ લાડ કરતા હતા પણ કુદરતનો ખેલ ન્યારો હતો. ૧૮૦૬માં કાકા પર હાથી પડયો અને તેઓ ગુજરી ગયા હતા. મતલબ કે માત્ર દશ વર્ષની ઉંમરે ગાલિબે બીજી વખત 'બાપ' ગુમાવ્યા હતા. એ પછી તેઓ પોતાની નાનીને ત્યાં રહેવા આવી ગયા હતા. કાકા ગુજરી ગયા પછી મહારાવ બખ્તાવરસિંહે અંગ્રેજ સરકારના લોર્ડ લેકને ભલામણ કરી એટલે ગાલિબના પરિવારને વર્ષે રૂપિયા દશ હજારનું માતબર પેન્શન આપવાનું મંજૂર થયું, જો કે એક જ મહિનામાં પેન્શનની રકમ અડધી થઈ ગઈ હતી, એમાંથી પણ બે હજાર કોઈ ખ્વાજા હાજી નામના શખ્સને મળતા હતા, તેથી ગાલિબના પરિવારને તો વર્ષે ૩,૦૦૦ જ મળતા હતા. ગાલિબની માતા શ્રીમંત પરિવારનાં હતાં, તેથી માતા જીવતાં હતાં ત્યાં સુધી કુટુંબને કોઇ આર્થિક તકલીફ પડી નહોતી.

૧૩ વર્ષે લગ્ન

તેર વર્ષની ઉંમરે ગાલિબનાં લગ્ન દિલ્લીના એક ખાનદાની નવાબ ઇલાહી બખ્શ ખાન 'મારૂફ'ની દીકરી ઉમરાવ બેગમ સાથે થયાં હતાં. ઉમરાવ બેગમની ઉંમર ૧૧ વર્ષ હતી. લગ્ન પછી ગાલિબ ૧૮૧૨-૧૩માં દિલ્લી જતા રહ્યા હતા. ગાલિબના પૂર્વજો સિપાઈ હતા, તેથી ગાલિબ આમ તો સિપાઈબચ્ચા હતા પણ રવાડે ચડી ગયા શાયરીને. તેઓ આગરામાં હતા ત્યારે ૧૧ વર્ષની ઉંમરે જ શાયરી લખવાની શરૂ કરી દીધી હતી. ફારસીના મશહુર શાયર 'બેદિલ'ની તરજ પર તેમણે કેટલીક રચનાઓ રચી હતી, જેમાં રચનાવલી ફારસી ઢબની હતી. પંદરથી પચ્ચીસ વર્ષના ગાળા દરમ્યાન ગાલિબને ભાન થયું કે મારી અગાઉની કેટલીક રચનાઓ પેચીદી હતી તેથી તેમણે જ એ કેટલીક રચનાઓ રદ કરી હતી.

ગાલિબ દિલ્લી આવી ગયા, પરણી ગયા પણ નભતા તો પેન્શનને ટેકે જ હતા. અધૂરામાં પૂરુંં અંગ્રેજ સરકારનું પેન્શન પૂરેપૂરુંં મળતું નહોતું. એ સિલસિલામાં ગાલિબે એક અરજી કલકત્તામાં કરી હતી, જેની સુનાવણી માટે તેઓ બે વર્ષ કલકત્તા રહ્યા હતા, છતાં પેન્શન મામલે તેમને કોઈ રાહતવાળો જવાબ મળ્યો નહોતો. અધૂરામાં પૂરુંં ગાલિબનો નાનો ભાઈ યુસુફ જેના પ્રત્યે ગાલિબને ખૂબ પ્રેમ હતો તે માનસિક રીતે વિક્ષિપ્ત થઈ જતાં તેના પરિવારની જવાબદારી ગાલિબને માથે આવી ગઈ હતી.

મતલબ કે બાળપણ પૂરેપૂરુંં ઠાઠમાઠથી વિતાવનાર ગાલિબની માથે જોખમ અને જવાબદારી એક સામટાં ત્રાટક્યાં હતાં.

૧૮૫૭નો વિપ્લવ અને ગાલિબ

દિલ્લી આખરી મુઘલિયા સલ્તનત હતી, તેના નવાબ બહાદુરશાહ ઝફર પોતે શાયર હતા અને કલાના કદરદાન હતા. તેમના ઉસ્તાદ શેખ ઇબ્રાહીમ ઝોકનું ૧૮૫૪માં નિધન થતાં તેમણે ગાલિબને ઉસ્તાદનો દરજ્જો આપ્યો હતો, તેમણે ગાલિબને મુઘલવંશનો ઇતિહાસ લખવાનું કામ સોંપ્યું હતું અને ખિતાબોથી નવાજ્યા હતા. ગાલિબને માસિક વેતન મળતું હતું, જો કે એ સુખના દાડા પણ લાંબુ ટક્યા નહીં. ૧૮૫૭માં વિપ્લવ થયો અને પરિસ્થિતિ પલટાઈ ગઈ. ગાલિબને મળતું બહાદુરશાહ ઝફરનું માસિક વેતન અને અંગ્રેજ સરકારનું પેન્શન બંધ થયું. ૧૮૫૭ પછી ગાલિબની લાઇફમાં પરેશાનીઓએ ઘેરો ઘાલ્યો હતો. ૧૮૫૭ના વિપ્લવને પગલે અંગ્રેજ સેનાએ દિલ્લીમાં કાળો કેર વર્તાવ્યો હતો, એ જ દિવસોમાં ગાલિબના ભાઈનું મોત થયું અને તેમના જનાજાને તેઓ કાંધ પણ ન આપી શક્યા. ગાલિબની સગી બહેનનો મોટો દીકરો આશૂર બેગ પોતાના દીકરા સાથે અંગ્રેજોની ગોળીઓનો શિકાર બન્યો. ગાલિબના ઘણા સંબંધી, દોસ્તો માર્યા ગયા. કેટલાકને ફાંસીએ લટકાવાયા, કેટલાક દિલ્લી છોડીને ચાલ્યા ગયા, ગાલિબ એકલા-અટૂલા રહી ગયા હતા. એ વખતની તેમની માનસિક પરિસ્થિતિ તેમણે લખેલા પત્રોમાં ઝળકે છે. એક પત્રમાં તેઓ લખે છે … મેરા હાલ ખુદા કે અલાવા કોઈ નહીં જાનતા. કહને કો હર કોઈ ઐસા કહ સકતા હૈ, મગર મૈં અલી કો ગવાહ કર કે કહેતા હું કે ઈન મૃતકો કે શોક મેં ઔર જીવિતોં કે બિછડને કે દુઃખમેં સારી દુનિયા મેરે લિયે અંધકારમય હૈ. યહાં અમિર ઔર ખાતેપીતે લોગોં કે બીવી-બચ્ચે ભીખ માગતે ફિરે ઔર મેં દેખું, ઇસ મુસીબત કો બર્દાશ્ત કરને કે લિયે જિગર ચાહીયે. ઇતને યાર મરે કિ અબ જો મૈં મરું તો કોઈ રોનેવાલા ભી ન હોગા. ગાલિબનાં જીવનના છેલ્લાં વર્ષો ખૂબ ખરાબ રહ્યાં. સાંભળવાની શક્તિ જતી રહી હતી. બીમારીઓએ ગાલિબને ઘેરી લીધા હતા.     

છેલ્લા દિવસો

ગાલિબના અંતિમ દિવસો વિશે વર્ણન કરતાં તેમના શાગિર્દ અલ્તાફ હુસૈન હાલીએ લખ્યું હતું કે "મોતના થોડાં વર્ષ અગાઉ તેમનું ચાલવાનું સાવ બંધ થઈ ગયું હતું. મોટે ભાગે પલંગ પર જ પડયા રહેતા હતા. ખોરાક ઓછો થઈ ગયો હતો. એવી પરિસ્થિતિમાં પણ તેઓ પત્રના જવાબ આપતા હતા. પોતે લખતા અથવા તો કોઈને બોલાવીને તેમની પાસે લખાવતા હતા. જે દિવસે એમનું નિધન થયું એના એક દિવસ અગાઉ હું તેમને મળવા ગયો હતો. એ દિવસે તેમની તબિયત સારી વર્તાતી હતી. નવાબ અલ્લાઉદ્દીન ખાને મોકલેલા પત્રનો તેઓ જવાબ લખાવી રહ્યા હતા. તેમણે ગાલિબના ખબરઅંતર પૂછયા હતા. જવાબમાં ગાલિબે ફારસીનો એક શેર લખાવ્યો હતો અને એક વાક્ય લખાવ્યું હતું. વાક્ય હતું, "મેરા હાલ મુજસે ક્યા પૂછતે હો, એકાધ રોજ મેં પડોશિયોં સે પૂછના.' એના બીજા દિવસે ગાલિબે જન્નતની હકીકત જાણવા દુનિયાને અલવિદા કહી દીધી હતી. ૭૧ વર્ષ ૧ મહિનો અને ૨૦ દિવસ તેઓ જીવ્યા હતા.

e.mail : tejas.vd@gmail.com

સૌજન્ય : ‘છપ્પનવખારી’ નામક લેખકની કોલમ, “સંદેશ”, 09 ડિસેમ્બર 2015

http://www.sandesh.com/article.aspx?newsid=3195273

Loading

10 December 2015 admin
← એક નાનકડી કીડી
‘સ્લો’ ફૂડ ખાઓ, પર્યાવરણ બચાવો →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved