Opinion Magazine
Number of visits: 9448792
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મરવા વાસ્તે જીવવાનો ધરમ

રોહિત શુક્લ|Opinion - Opinion|5 November 2015

તને તો, ભાઈસાબ, ગુમસૂમ બેસી રહેવાની આદત જ પડી ગઈ છે. તારી આ નાળિયેરનાં છોડાં કાઢેલા ગોટા જેવી કથ્થઈ રંગની આંખો ઉપર તો હું વારી ગયેલી. તું કેટલો રસિક હતો; સરખી સહેલીઓમાં તો તારી એકએક અદા ઉપર અમે સૌ ફિદા થતી. ગમે તે બહાનાં કાઢી-ક્યારેક મેળવણ લેવા તો ક્યારેક છલકાતા કચોળે તારી મા પાસે અમે પહોંચી જતી. કોની માવડીને તને પોંખવાનો લહાવો મળશે, તેની ચિંતામાં અમારી રાતો તારામઢી બની રહેતી. ક્યારેક કિશોરકુમાર તો ક્યારેક બેગમ અખ્તરનાં ગીત કે ગઝલ અમને ગમતાં; જો કે અમને શું ગમતું તેનો આધાર તો તેં કૉલેજમાં કયું ગીત ગાયું કે ચર્ચાસભામાં તું શું બોલ્યો, તેની ઉપર રહેતો. અને હવે તને શું થાય છે ? હું જોઈ શકું છું કે તું ક્યારેક એટલે દૂર સુધી તાકે છે કે જાણે સાત સમંદરના છેડે પહોંચવાનો ના હોય!

ચોથેશ્વરીના વલોપાતભર્યાં વેણ અને પ્રેમ પાછળની પીડા, ચોથિયો બેઠો હતો તે ઝાડની ઊંચામાં ઊંચી ડાળીને પણ આંબી જતા હતા. ગમે તેમ કો પણ આખરે ચોથિયો ય માણસ તો ખરો જને! ભલે બાપા, તમે કો, તેમ હશે – આનર્ત જેવા એક વિકસિત દેશનો હોવા છતાં અણવિકસિત માણસ ગણો તો ય ભલે. ઉત્ક્રાંતિમાં એનો એકડો ના માંડો તો ય ભલે.

પોતાની હનુ હેઠે એક અંગૂઠાનો ટેકો મેલી, નેહરુની ચિંતનમુદ્રા અપનાવી, થોડી વાર માટે તે ચોથેશ્વરી તરફ સાવ જ શૂન્ય ભાવે તાકી રહ્યો. કોઈ મહાન યોગીની જેમ બે વાર આંખો ખોલી અને બંધ કરી. વળી, થોડીવાર માટે આંખોને અર્ધનિલિત પણ રાખી. પછી પાછા રોદાંની શિલ્પમુદ્રામાં આવી જઈ ઊંડો અને ફળફળતો નિસાસો મેલ્યો અને કહ્યુંઃ

‘ચોથેશ્વરી, મને ય પેલા લિયોનાર્દો-દ-વિંચી જેવી આદત પડી ગઈ છે – સમજોને કોઈક મનોરોગ લાગી ગયો છે. પેલો લિયોનાર્દો રસ્તે જતા કોઈ દાઢીવાળાને જુએ તો તેની પાછળ જ પડી જાય. પેલાની દાઢીનો એકેએક વાળ કેવી રીતે ગોઠવાયો છે, તેનો દિમાગી નકશો તૈયાર ન થાય, ત્યાં સુધી તે તેની પાછળ ભમતો રહેતો. એ માણસ આજે મારો ગુરુ થઈ ગયો છે!’ 

ચોથેશ્વરીને લગભગ ખાતરી થઈ ગઈ કે આનું કદાચ ધાર્યા કરતાં વધારે છટક્યું લાગે છે. પણ એમણે ય મનોવિજ્ઞાનમાં ફ્રૉઈડ અને વૉટ્સનની પરંપરા બરાબર પચાવેલી. હાલ પૂરતો ચોથિયો પતિ નહીં તો પેશન્ટ ભલો એમ સ્વીકારી – તેમણે પોતાના બ્રેઇન સેલ્સનું વીજ-ચુંબકીય સમાયોજન કરતાં-કરતાં વિચાર્યું.

‘એટલે કહે તો ખરો કે આ લિયોનાર્દો અહીં ક્યાંથી આવી ગુડાણો? અને જો આ દેશમાં દાઢીની તો વાત જ ના કરવી. અહીં જો તારો લિયોનાર્દો પ્રગટ થાય ને તો તેની ખેર નથી; અહીં તો કોઈક ધોળી દાઢી તો કોઈક કાળી દાઢી – કોઈક લઘુમતીની દાઢી તો કોઈક દાઢીના કારણે પ્રભાવક બનતા મહાત્માની દાઢી; કોઈક એદીની દાઢી, તો વળી કોઈક ફિલસૂફની દાઢી – તારો લિયોનાર્દો જો બજારમાં નીકળે ને તો બાર દા’ડેય ઘેર પહોંચે તો હું હારી જાઉં. લે હવે વધારે મોણ નાંખ્યા વગર કહે જોઉં – આમ મૂઢ જેવો થઈને કેમ બેઠો રહે છે ?’

‘ચોથેશ્વરી – આપણાં બાળકોની તમે તો માતા છો. તમે તો એમને છાતીએ ચાંપીને રાખ્યા અને ઉછેર્યાં. ધણણણ ડુંગરા ડોલે એવાં હાલરડાં ગાયાં. ડિલે નરવા રહે તે વાસ્તે તો તમે શિયાળાની કૂળી કૂંપળ જેવા તડકે, કચોળામાં અજમો કકડાવેલું તેલ લઈને માલિસ કરીને મલાવ્યાં. રોજ રાતે તેમના દાંતની બત્રીસી સાબદી રહે, તે વાસ્તે ચીવટ કરીકરીને લીંબુનાં ફાડિયામાં ભરીને દીકામાળી ઘસી. ક્યારેક થોડુંકે આચરકૂચર ખવાઈ ગયું હોય અને પેટમાં અસુખ થાય, તો તમે સવાના પાણીની બાટલી હંમેશાં હાથવગી રાખી.’

ચેાથેશ્વરીને તો આ બધું , જાણે પોતે કોઈ પરીક્ષા આપીને ઉજ્જ્વળ પરિણામો મેળવીને સર્ટિફિકેટ મેળવતા હોય તેવું લાગ્યું. પોતાનો જીવનસાથી આટલી બધી કદર બૂઝે તો અંદર ઝણઝણ-ઝણઝણ થાય અને ગાલ ઉપર શેરડા પડે, તો કાંઈ તેમનો વાંક થોડો જ ગણાય! પણ હાલ તો તેમને માથે આ પતિ નામના પેશન્ટની સારવારની જવાબદારી હતી, તેથી તેમણે અન્યથા જે કર્યું, હોત તે ન કર્યુ. તેમના સાવધ મનમાં એટલી તો ગણતરી બેઠી જ કે પેલો લિયોનાર્દો હાલ પૂરતો તો રુખસદ થયો જ છે.

હાશકારો અનુભવીને અને થોડોક આયાસી વિવેક દાખવીને તે બોલ્યાં – ‘તે લે, પંડનાં દીકરા-દીકરીઓને તો હઉં જીવથી ય અદકાં જાળવે જને. એમાં મારી કોઈ વશેકાઈ થોડી જ ગણાય!

‘એ જ તો વાત છેને! લો આ ફોટો જુઓ. આ નાનકડું બાળક. આમ તો લહેરથી દરિયાકિનારે સુતું હોય તેમ દેખાય છે. પણ એવું છે નહીં . એ શાશ્વત નિદ્રામાં પોઢી ગયું છે. તેને હવે સવાનું પાણી, દીકામાળી કે અજમાના તેલના કચોળાની કોઈ જરૂર નથી. ધર્મના નામે અને તેના જ વાસ્તે ચાલતાં યુદ્ધો જીવતાં રહે છે અને આવાં ફૂલ મસળાઈ ને પિલાઈ જાય છે. વાત છે સીરિયાની. તેની આ ભયાનક કથાનો પ્રારંભ થાય છે ૨૦૧૧ની આરબ વસંતથી. ટ્યુનિશિયા ઇજિપ્ત અને લીબિયામાં થયું તેવું આપણે પણ કરીએ એમ ધારી અસદ સરકાર સામે તેમણે વિરોધ કર્યો. તેમાં શિયા અને સુન્નીના પાસાની સામે તેથી ય નાની લઘુમતી ધરાવનાર પ્રમુખ અસાદના આલાવાઇટ વિભાગની વસ્તી તો માંડ બાર ટકા જ થાય છે. પણ શસ્ત્રો તેમના હાથમાં છે અને ભયાનકતાની કોઈ જ સીમા તે તોડ્યા વગરની રાખવા માંગતા નથી. તેમણે સિત્તેર પત્રકારોને મારી નાંખ્યા છે અને બીજા એંશીને ઉપાડી ગયા છે. હજારો સ્ત્રીઓ સામૂહિક બળાત્કારોનો ભોગ બની છે. જેલોમાં ગુજારાતા અત્યાચારોનું વર્ણન તો ગુલાગને પણ પાછળ પાડી દે તેવું છે.

‘સરકારની સામે પડેલા માત્ર સુુન્ની જ છે તેવું નથી. વાત મૂળ તો ગરીબ-અમીરની પણ છે. ૨૦૧૧માં આ લોકજુવાળ ઊછળી આવ્યો, કારણ કે ૨૦૦૭-૨૦૧૦ દરમિયાન સીરિયામાં મોટો દુકાળ પડ્યો. આથી ઘણા બધા – લગભગ પંદર લાખ લોકો – ખેતી અને ગામડાં છોડીને શહેરોમાં ઠલવાયા. દુકાળના કારણે મોંઘવારી વધી અને સરકારે સ્વીકારેલા મૂડીવાદના પગલે બેકારી પણ વધી. વળી, નવ્ય મૂડીવાદ તો બેરુખ છે – તેણે તો સિદ્ધાંત ઉચ્ચાર્યો – નો મોર ફ્રી લંચીઝ. અને ૧૭૮૯માં પૅરિસમાં બન્યું હતું તેમ, સહનશકિતની હદ વટી જતા લોકો ઊભા થઈ ગયા.

‘પણ જાણો છો ચોથેશ્વરી, હવેની સત્તાખોરી વધુ ધીટ અને નિષ્ઠુર બની છે. સરકારે તો આ લોકો સામે રાસાયણિક શસ્ત્રો વાપર્યાં અને માથેથી હવાઈબૉંબવર્ષા પણ કરી. સરકારના પક્ષે ૯૪,૦૦૦ સૈનિકો મર્યા, પણ લોકોના પક્ષે જાન્યુઆરી ૨૦૧૫ સુધીમાં ૨,૨૦,૦૦૦ માણસો અને એપ્રિલ ૨૦૧૫ સુધીમાં ૩,૧૦,૦૦૦ લોકો માર્યા ગયા. એટલે કે આ ચાર મહિનામંા નેવું હજાર મર્યા; એટલે કે મહિને ૨૨,૫૦૦ અને રોજના હિસાબે ૭૫૦ – એક મિનિટના સવા એકત્રીસ માણસને એટલે દર બે સેકંડે એક આખેઆખા અને જીવતા માણસને મારી નંખાય છે. બધા પૂરેપૂરા માણસો જ હશેને!’

ચોથેશ્વરીને લાગ્યું કે આ પારદર્શક કથ્થાઈ આંખોવાળા માણસમાં હજુ પણ એવું કાંઈક હતું જેને પોતે પામી શક્યાં ન હતાં. આનું પાગલપણું પણ કાંઈ કાઢી નાંખવા જેવું ન હતું, પણ પોતાની પાસે પણ હિંસા અને તેની ઉપયોગિતાના ઘણા દાખલા હતા. કદાચ તેના ઉદાહરણ મારફત આ છટકેલાને ઠેકાણે લાવી પણ શકાય – કોને ખબર. તેમણે હળવે રહીને વાત ગોઠવીઃ ‘જો ચોથિયા, તું એક વાત તો માનીશ જ ને કે જેનું નામ છે તેનો નાશ પણ છે જ. અને આપણાં શાસ્ત્રો અને પંડિતો પણ કહે છે કે – કર્તુમ, અકર્તુમ અને અન્યથા કર્તુમ – બધું ઈશ્વરના હાથમાં છે. મહાભારતના યુદ્ધને ધર્મયુદ્ધ કહેવાય છે. તેમાં પાંડવપક્ષે સાત અને કૌરવપક્ષે અગિયાર અક્ષોહિણી સેના હતી. એક અક્ષૌહિણી એટલે શું? હિસાબ મૂકતો જા :

૧. ૨૧,૮૭૦ રથ
૨. ૨૧,૮૭૦ હાથી
૩. ૬૫,૬૧૦ અશ્વદળ
૪. ૧,૦૯,૩૫૦ પાયદળ

તું આ બધાનો સરવાળો કર અને તેમાં રથ હાંકનાર અને હાથી ચલાવનારની સંખ્યા ઉમેર તો સમજાશે કે માત્ર અઢાર દિવસના આ મહાભારતમાં  લગભગ અડધો કરોડ લોકો માર્યા ગયા હતા. એક અક્ષૌહિણી સેના એટલે ૨,૬૨,૪૪૦ માણસો – હાથી અને ઘોડા જુદા. માત્ર અઢાર દિવસના આ મહાભારતમાં લગભગ ૪૭,૨૩,૯૨૦ માણસો માર્યા ગયા હતા. યુદ્ધ અઢાર દિવસ માટે ચાલ્યું હતું અને અઢાર અક્ષૌહિણી હતી. તે હિસાબે રોજ એક અક્ષૌહિણી જેટલા માણસો મરતા. હજુ આગળ હિસાબ માંડ : રોજના ૨,૬૨,૪૪૦ માણસો, એટલે કે કલાકના ૧૦,૯૩૫ એટલે કે એક મિનિટના ૧૮૨.૨૫ – એટલે કે એક સેકંડના ૩.૦૩ માણસો – હાજી જીવતાજાગતા, કુટુંબ કબીલાવાળા, આશા અને ઓરતાવાળા. મર્યા તે એવા મર્યા કે તેમને કોઈ પાવલાં પાણી દેનાર પણ નહોતું રહ્યું. એટલી જ સ્ત્રીઓ વિધવા બની અને કેટલાં ય બાળકોએ છત્ર ગુમાવ્યાં. બોલતાં – બોલતાં હાંફી ગયેલા ચોથેશ્વરીએ ઊંડો શ્વાસ લીધો અને આગળ ચલાવ્યું – શું થાય પતિને સાજો કરવો હતોને! જો જૂની વાત .. છોડ અને થોડોક નજીકના ભૂતકાળ તરફ નજર નાંખ :

• ભારતના ભાગલા પડ્યાં ત્યારે લગભગ બેથી પાંચ લાખ લોકોનાં મરણ થયાં. દોઢ કરોડ લોકો નિરાશ્રિત બન્યા.

• પ્રથમ વિશ્વયુદ્ધમાં ૧૫-૬૫ લાખ લોકો મર્યા, બીજા વિશ્વયુદ્ધમાં ૪૦-૮૫ લાખ મર્યા.

• અમેરિકાએ ઈ.સ. ૧૪૯૫ અને ૧૯૦૦ વચ્ચે કદાચ ચૌદેક કરોડ રેડ ઇન્ડિયનોને મારી  નાંખ્યા.

• ચીનમાં દુકાળ અને ગ્રેટલિપ ફૉરવર્ડ અને કલ્ચરલ રેવૉલ્યુશનમાં ૫૦-૭૮ લાખ લોકોને મારી નંખાયા.

• સોવિયત રશિયામાં ૧૯૧૭-૧૯૫૩ વચ્ચે આંતરયુદ્ધ, ગુલાગ, ગ્રેટ પર્જ વગેરે નિમિત્તોએ કદાચ એકસઠ લાખને મારી નંખાયા.

અને સ્ત્રીઓ ઉપરનાં બળાત્કાર કે અત્યાચારોની વાત સાંભળવી છે ?’ ચોથેશ્વરીએ બાજુમાં આવીને બેસી ગયેલા શ્વેતકેશી, એકદંતગૂમ, રકતાક્ષ, પુચ્છગુચ્છ અને યપ્પી સહિતની વાનરટોળી સામે ફરીને પૂછ્યું.

‘ના હોં, હવે હાઉ કરજો!’ શ્વેતકેશીને લાગ્યું કે આ નપાવટ માનવજાતના કારણે પોતાની વાનરજાતે વધારે આળા થવાની જરૂર ન હતી. પણ હવે વાતને થાળે પાડવાની જવાબદારી પણ, એક વાનરપુંગવ તરીકે તેની જ હતી. વાનરટોળીના સૌ સભ્યો સામે નજર ફેરવી તેણે વાતની બાંધણી માંડીઃ

‘જુઓ, આ આખી વાતને ધરમ અને ભગવાનના નામ સાથે જોડીને ભારે મોટી ઉપાધિ ઊભી કરી દેવાઈ છે. લોકો મરે તે તો તેમનાં કરમ એમ કહેવું કે પછી અમે ન્યાય માટે લડીએ છીએ, તેમ કહેવું તે કેટલું સાચું છે, તે સમજવા વાસ્તે તો કદાચ બર્ટ્રાન્ડ રસેલને વાંચવા અને સમજવા પડે. ધરમ, રાષ્ટ્રવાદી ઝનૂન, સત્તા, સાચી કે ખોટી મહાનતાના ખ્યાલો વગેરેને કારણે માણસને એમ લાગતું થયું છે કે પોતાની સામે ફરકેલી સાવ જ અજાણ સ્ત્રી પર અત્યાચાર કરાય કે હરતાફરતા પુરુષને મારી નંખાય તે વધાવવા જેવું કૃત્ય છે. જે નરી ક્રૂરતા છે, તેને વીરતા ગણાવીને પોંખાય છે. પણ ધ્યાન રાખજો કે આખી પૃથ્વી આવા માણસોની બનેલી નથી. ક્યારેક કોઈક બુદ્ધ આવે છે અને કલિંગબોધ પણ જાગે છે. ક્યારેક કોઈક ગાંધી પાકે છે અને રહેંસી નાંખતી બર્બરતાની સામે જાનફેસાની આચરે છે. કોઈક શર્મિલા ઇરોમ, કોઈક ઑંગ સાન સૂચી, કોઈક નેલ્સન મંડેલા અને કોઈક માર્ટિન લ્યુથર કિંગ પેલા હણાયેલા, દુણાયેલા, ભીંસાયેલા અને ફેંકાયેલાના નિઃશ્વાસમાંથી પ્રગટે જ છે. આ ઈશ્વરતત્ત્વ નહીં પણ માનવતત્ત્વ છે, તે તમારે રણકાભેર ડંકે કી ચોટ ઉપર કહેવું રહ્યું. ઈશ્વરને આરામ કરવા દો અને માણસની માણસાઈને બરકો – એ જરૂર પડઘાશે.’

‘શ્વેતકેશી, તમે હવે ઘરડા થયા છો અને તમારી તો મત મારી ગઈ છે. જરાક સમજો તો ખરા – આ માર ખાઈખાઈને મરતાં-મરતાં જીવનારા તો દેશ અને વતન છોડીને જીવ બચાવવા ભાગે જ જાય છે. તેમના ચરણરજની જે ડમરી ચડી છે, તે જુઓ તો ખરા. આ નકામો આદર્શવાદ અને તરંગી આશાવાદમાં અમને ના ફસાવો’. રક્તાક્ષે ભારે ઉકળાટ સાથે ધસી જઈને કહ્યું.

‘તારી આંખેથી આ ભ્રમણાના ડાબલા ઉતાર. ગામને ચોરે બેસી – ગોઠણે ફાળિયું બાંધી – ઠૂંગાપણી કરતાં-કરતાં હાકોટા પાડવાનો આ કસબ નથી. અને પેલાં એન્જેલા મર્કલ સામે જો. આ એ જ જર્મની છે કે જેમાં હિટલર પાક્યો હતો. યહૂદી માત્રને મારી જ નંખાય તેમ તે સમયના તારા જેવા ઘણા માનવા માંડ્યાં હશે. મોતની ફૅક્ટરીઓ ચલાવીને તેણે અડધો કરોડને માર્યા. એ જ દેશનાં આ બહેને સીરિયાના નિરાશ્રિતોને આવકાર્યા છે. ૧,૨૦,૦૦૦ને વસાવ્યા છે અને મૂડીવાદી દેશ હોવા છતાં, જીવવા માટેના ભથ્થા રુપે માથા દીઠ દર મહિને ૬૭૦ યુરો આપે છે. વિચાર કર તો જા ભઈલા, આ દેશે હિટલરથી મર્કલ સુધીનો જે કૂદકો માર્યો છે, તે પેલા આદર્શવાદ અને આશાવાદ વગરનો નથી. અને વિમાસણમાં પડ્યા વગર જોતો જા – આવા સમાજ, સંસ્કાર અને સરકાર થકી આપોઆપ જ મહાસત્તા બનાય.’

રાત તો પૂરી થવા આવી અને એકે ય બંદર સૂતો ન હતો. બધી જ આંખો ક્યાંક દૂર પ્રગટવા મથતા ભવિષ્યની ખોજમાં ડૂબી ગઈ હતી.

e.mail : shuklaswayam345@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2015; પૃ. 15, 16 & 23

Loading

5 November 2015 admin
← જૂનાગઢ : આઝાદી, આરઝી હકૂમત અને છેલ્લા નવાબ
નાઝીવાદ વિશે ‘દર્શક’ની નાટ્યકૃતિઓ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved