Opinion Magazine
Number of visits: 9446798
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મનુબહેન : ગાંધીજીનું ભુલાયેલું ધન

લલિત ખંભાયતા|Gandhiana|21 December 2015

ગાંધીજીના ઘણાખરા સાથીદારો ગાંધીજીના મૃત્યુ પછી પણ ઊંચા રાજકીય હોદ્દા પર કે જાહેર જીવનમાં સક્રિય રહ્યાં હતાં. પરંતુ ગાંધીજીની મૃત્યુ સુધી સાથે રહેનારાં મનુબહેન ગાંધી મૃત્યુ પછી સાવ ભુલાઈ ગયાં છે અને આજે ય ભુલાયેલાં જ છે. ગાંધીજી વિનાની જિંદગી તેમણે મહુવામાં ગુજારી હતી ..

‘આજે સવારે દસ વાગ્યે ભાવનગરથી નીકળી સાંજે ૫ઃ૩૦ વાગ્યે મહુવા પહોંચી. મહુવાથી કઈ આશાએ નોઆખલી ગઈ હતી? બાપુએ મને લખેલું કે, 'કરવા કે મરવાનો સંકલ્પ કરીને આવજે.' પણ આખરે બાપુ બાપુ હતા – દાદા હતા, મા હતા .. દીકરીને – પોતાની બાળકીને મરવા શાના દે? પોતે જ પોતાનો મંત્ર સિદ્ધ કર્યો, અને પછી જ મને મહુવામાં આવવા દીધી! અહીં આવ્યા પછી આજે પહેલી જ વાર એવો ભાસ થાય છે કે હવે આ જગતમાં બાપુ નથી મળવાના. સવા વરસ પહેલાં ૧૯૪૬ના ડિસેમ્બરમાં હું મહુવાથી કલકત્તા ગયેલી, અને ૧૯૪૮ના માર્ચના આ પહેલા અઠવાડિયામાં જગતની એક વિશ્વવંદ્ય વિભૂતિની જીવનલીલાને સંકેલીને પાછી ય ફરી! કાળની કેવી અકળ ગતિ!’

૧૯૪૮ની પાંચમી માર્ચે મનુબહેને પોતાની ડાયરીમાં આ નોંધ કરી છે. 'દિલ્હીમાં ગાંધીજી' નામે પ્રગટ થયેલી ડાયરીના બીજા ભાગમાં ૪૬૧માં પાને આ નોંધ છે, જે હકીકતે ડાયરીનો છેલ્લો પેરેગ્રાફ છે. ગાંધીજી ભુલાયા નથી અને ભૂલી શકાય એમ નથી .. પણ, પછી મનુબહેનનું શું થયું હતું?

ગાંધીહત્યા વખતે મનુબહેન ૧૯ વર્ષના જ હતાં. પાછલાં વર્ષો તેમણે કઈ રીતે કાઢ્યાં હતાં?

મનુબહેન કેટલું જીવ્યાં હતાં?

ક્યાં જીવ્યાં હતાં?

સવાલોના સરળતાથી જવાબ મળે એમ નથી. ગાંધીજી સાથે હતાં ત્યાં સુધીની મનુબહેનની બધી પ્રવૃત્તિઓ ડાયરીમાં નોંધાઈ છે. પણ પછી તેઓ મહુવા આવતા રહ્યાં હતાં અને મહુવાને જ પોતાની કર્મભૂમિ બનાવી હતી. તેમનાં જુવાનીનાં વર્ષો મહુવામાં જ ભારે ભગ્નતા સાથે પસાર થયાં હતાં..

* * *

મૃદુલા એટલે કે મનુ ગાંધી, ગાંધીજીના ભત્રીજા જયસુખલાલનાં દીકરી. ગાંધીજીના પિતા કરમચંદના સૌથી મોટા ભાઈ તુલસીદાસ (ચકન) ગાંધી. તેમના સૌથી મોટા પુત્ર અમૃતલાલ જે ગાંધીજીના પિતરાઈ થાય. અમૃતલાલના સાતમા દીકરા જયસુખલાલ અને એમની દીકરી એટલે મનુ ગાંધી. મનુ જયસુખલાલની સૌથી નાની, ચોથી પુત્રી હતી. જયસુખલાલ સિંધિયા સ્ટીમ નેવિગેશનમાં કામ કરતા હતા. માટે તેમની નોકરીનાં સ્થાનકો પણ બદલાતાં રહેતાં હતાં. બાળકી મનુનો જન્મ સંભવત કરાંચીમાં થયો હોવો જોઈએ. કેમ કે એ વખતે તેમના પિતાની નોકરી ત્યાં હતી. મનુબહેન ૧૯૨૯માં જનમ્યાં હતાં, એટલી નોંધ મળે છે. પાંચમાં ધોરણ સુધીનો અભ્યાસ પણ મનુબહેને કરાંચીમાં જ પૂરો કર્યો હતો. નાનકડી મનુ બાર વર્ષની થઈ ત્યાં જ તેમના માતાનું અવસાન થયુ હતું.

મનુબહેન બાર વર્ષનાં હતાં ત્યારે જ તેમના માતા અવસાન પામ્યાં હતાં. એ સમયગાળામાં જ કસ્તૂરબાને કોઈ વિશ્વાસુ મદદગારની જરૂર હતી. મનુબહેનને પૂનાના આખાગાન મહેલ ખાતે કસ્તૂરબા પાસે મોકલી દઈ નવી ફરજ સોંપી દેવાઈ. કસ્તૂરબાની સૂચનાથી અહીંથી જ મનુબહેને ડાયરી લખવાની શરૂઆત કરી દીધી હતી. કસ્તૂરબાના અંતિમ શ્વાસ સુધીના ૧૩ મહિના મનુબહેન તેમની સાથે હતાં. એ પછી ગાંધીજીએ નાનકડી મનુની સંભાળ લેવાની શરૂઆત કરી હતી. બાપુએ મનુને કહ્યું હતું, 'આખા જગત માટે તો હું બાપુ હોઈશ, પણ તારા માટે તો મા છું.' માટે જ તો બાપુ સાથેના પોતાનાં સંસ્મરણોને મનુબહેને 'બાપુ મારી મા' એવા નામથી લખ્યાં છે. મનુબહેને પોતાની ત્રણ માતાઓ ગણાવી હતી, એક જેમણે જન્મ આપ્યો, બીજા કસ્તૂરબા અને ત્રીજા બાપુ.

* * *

બંગાળની દિશામાં કોમી આગ ભડકી ઊઠી હતી. બાપુ બંગાળ પહોંચ્યા ત્યારે મનુબહેન મહુવા હતાં. તેમના નિવૃત્ત થયેલા પિતા મહુવા રહેવા આવતા રહ્યાં હતાં. ડિસેમ્બર ૧૯૪૬માં મહુવાથી મનુબહેન ગાંધીજી પાસે પહોંચ્યાં ત્યારે મહાત્મા નોઆખલીના શ્રીરામપુર ખાતે હતા.  મનુ પહોંચી ત્યારે ગાંધીજી કોઈની સાથે વાતચીતમાં રોકાયેલા હતાં. પણ મનુ દોડીને તેમને પગે લાગી એટલે ગાંધીજીએ તેની પીઠ પર ધબ્બો માર્યો, કાન ખેંચ્યો અને ગાલ પર ટપલી પણ મારી અને કહ્યું, 'કેમ આવી પહોંચીને?' મનુબહેને આવીને ગાંધીજીનાં કેટલાંક અંગત કામોની જવાબદારી સંભાળી લીધી હતી, તેથી ગાંધીજી પરનો થોડો બોજો હળવો થયો હતો. ગાંધીજીએ તેમને પણ બંગાળી શીખવાનો આદેશ કર્યો હતો. મનુ ગાંધી રોજ ડાયરી લખતી અને તેના પર ગાંધીજીની સહી કરાવતી. એ રીતે ડાયરી સત્તાવાર દસ્તાવેજ બનતો જતો હતો.

એ વખતે મનુબહેનની ઊંમર ઓગણીસ વર્ષ હતી. મનુબહેન સંબોધન તો આજે વર્ષો પછી થાય છે, પરંતુ ત્યારે એ કોઈ રીતે બહેન કહેવાં પડે એવડી ઊંમરના ન હતાં. ગાંધીજી તો તેમને મનુડી કહીને જ બોલાવતાં હતાં. ગાંધી હત્યા થઈ ત્યાં સુધીના ૪૦૮ દિવસ સુધી મનુબહેને સતત તેમની તમામ પ્રવૃત્તિની નોંધ રાખી હતી.

* * *

મનુબહેનનું નામ ગાંધીજી સાથે અતૂટ રીતે જોડાયેલું છે. ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીએ નથુરામે ગોળી મારી ત્યારે ગાંધીજીનો ડાબો હાથ મનુ ગાંધીના ખભે અને જમણો આભા ગાંધીના ખભે હતો. મનુએ નથુરામને ગાંધીજી પાસે આવતા અટકાવ્યા ત્યારે નથુરામે એટલા જોરથી ધક્કો માર્યો હતો કે મનુના હાથમાંથી માળા, થૂંકદાની વગેરે તો પડી જ ગયું હતું, પણ મનુબહેન પોતે પણ ગડથોલિયું ખાઈ ગયાં.

ગાંધીજીની અંતિમયાત્રામાં કાંધ આપવા સુધીની જવાબદારીઓ મનુબહેને નિભાવી હતી. ગાંધીજીના મૃત્યુ પછી મનુબહેને પોતાની પાસે રહેલી ગાંધીજીની તમામ ચીજો દેવદાસકાકાને સોંપી દીધી હતી. થોડા દિવસો સુધી ગાંધીજી પ્રાર્થના કરતાં હતાં એ પ્રમાણે સવારે ઊઠીને બીરલા હાઉસમાં પ્રાર્થના પણ થતી હતી. પરંતુ હવે કોઈનું મન લાગતુ ન હતું. ગાંધીજીના અસ્થિ દેશના વિવિધ ભાગોમાં વહેંચવાના હતાં. મુખ્ય અસ્થિકુંભ અલાહાબાદ લઈ જવાયો હતો. જવાહરલાલ એ દરેક કાર્યમાં મનુબહેનને આગળ કરતાં હતાં. અસ્થિ વિસર્જન વખતે પણ તેમને સાથે રાખ્યાં હતાં.

એ પછી દિલ્હીમાં સત્તાના કેન્દ્રમાં રહેવાની તેમની કોઈ ઈચ્છા ન હતી. દરમિયાન મનુબહેન પર પણ ધમકીભર્યા પત્રો આવતાં હતાં કે, 'ગાંધી હત્યા વિશે કોઈ જુબાની આપી છે, તો તમારી પણ ખેર નથી!' ત્યાં સુધીમાં મનુબહેને પણ દિલ્હી છોડવાનું નક્કી કરી લીધું હતું.

'પેશાવર એક્સપ્રેસ'માં ૨૩મી ફેબ્રુઆરી(૧૯૪૮)ના દિવસે મનુબહેન મુંબઈ આવવા રવાનાં થયાં. સાથે તેમના પિતા, કનુ ગાંધી, આભા ગાંધી, વગેરે અને રક્ષણ માટે એક જમાદાર હતો. ડબ્બા પર 'ગાંધી કેમ્પ' એમ લખેલું હોવાથી દરેક સ્ટેશને ડબ્બામાં કોણ છે? શું છે? એ જોવાં લોકોનાં ટોળાં ઉમટતાં હતાં. મુંબઈ થોડા દિવસ રોકાઈને મનુબહેન ૧લી માર્ચે વિમાન મારફતે ભાવનગર આવવા રવાના થયાં. મુંબઈના શાંતિકુમારભાઈએ ધરાર વિમાનની ટિકિટ કઢાવી આપી હતી.

અહીંથી શરૂ થઈ હતી તેમની ગુમનામ જિંદગી.

* * *

ભાવનગર પહેલી વખત આવ્યાં ત્યારે બાપુની વિદાયને હજુ બે મહિના પણ નહોતા થયા. લેખની શરૂઆતમાં જે ડાયરીની નોંધ મૂકી છે, એ અહીં આવીને જ લખાઈ હતી. હવે તેમના પિતા મહુવામાં નિવૃત્ત જીવન ગાળતા હતા. કોઈ કારણોસર મનુબહેને લગ્ન ન કરવાનું નક્કી કર્યુ હતું. સંભવ છે, ગાંધીજીના બ્રહ્મચર્યના પ્રયોગોની તેમના માનસ પર વિપરિત અસર થઈ હોય! સમાજસેવા એ એકમાત્ર કામગીરી તેમની પાસે બાકી રહી હતી.

અહીંના રાજકારણમાં પડવા જેવુ ન હોવાની મનુબહેનને પહેલેથી જાણ હતી. બાપુના જીવતા જે કાર્યકરો હતાં એ બધાના સત્તા હાથમાં આવતાંની સાથે જ શાહી ઠાઠ વધી ગયા હોવાની વ્યથિત હૈયે નોંધ મનુબહેને ડાયરીમાં કરી જ છે. બદલાતા સંજોગોને ધ્યાનમાં રાખીને મનુબહેન કહેવાતા સામાજિક આગેવાનોથી અંતર રાખીને મહિલા-બાળકોને મદદરૂપ થાય એ પ્રકારનું બાલવાડીનું કામ હાથમાં લઈ ચૂક્યાં હતાં.

એ ગાળામાં જ મુંબઈની ન્યુ ઈરા સ્કૂલના પ્રિન્સિપાલ વ્યાસ સાહેબે 'બાપુ જીવનદર્શન' વ્યાખ્યનામાળા કરવા જવાહરલાલને સૂચન કર્યું. જવાહરલાલે સૂચન સ્વીકાર્યુ અને કામ મનુબહેનને સોંપ્યું. પરિણામે મનુબહેન દેશના ઘણા રાજ્યોમાં ફર્યાં અને વિદ્યાર્થીઓ સાથે ગાંધીજી અંગે પરામર્શન પણ કર્યું. ગાંધીજી વિશે વિદ્યાર્થીઓ પૂછે એ સવાલના જવાબો પણ મનુબહેન આપતાં. જવાહરલાલ આ કામથી બહુ પ્રભાવિત હતા અને એટલે જ ડાયરીઓ જોવા તથા મનુબહેનને મળવા ૧૯૬૩માં છેક મહુવા સુધી ધક્કો ખાધો હતો.

ગોહિલવાડના કેટલાક રાજકીય આગેવાનો મનુબહેનથી વિરુધ્ધ હતાં. મનુબહેન પોતાનું કામ કરી ન શકે એવી અડચણો ઊભી કરતાં રહેતા હતા. અલબત્ત, મનુબહેન માત્ર સેવા કાર્યોમાં જ જોતરાયેલા હતાં. કોઈ પ્રકારના સત્તાસ્થાને રહેવાની તેમની મહાત્ત્વાકાંક્ષા હતી નહીં. અહીં રહીને તેમણે મહિલાઓનો 'ભગીની સમાજ' સ્થાપ્યો હતો, જેનું મુખ્ય કામ પાસેના ગામોમાં જઈ બાલવાડીઓ ચલાવાનું હતું. બાળકો અને મોટેરાંઓ અહીં શિક્ષણ લેતાં થાય એ તેમનો મુખ્ય ઉદ્દેશ હતો. એ માટે તેઓ આસપાસના અનેક ગામોમાં પણ ફરતાં રહેતાં હતાં. ૨૦-૨૨ બહેનોને એકઠી કરીને તેઓ મહિલા કલ્યાણની પ્રવૃત્તિઓ ચલાવતાં હતાં. બગદાણા, ભાદ્રોડ વગેરે અનેક ગામોમાં તેમની બાલવાડીઓ ચાલતી હતી.

સદ્દનસીબે મનુબહેન સાથે કામ કરી ચૂકેલાં બહેનો પૈકી કેટલાંક હજુએ જીવે છે. મહુવાનાં ભાનુબહેન લહેરી તેમાંનાં એક છે. ૯૦ વર્ષની વય વટાવી ચૂકેલાં ભાનુબહેનની યાદશક્તિ હજુએ સાબૂત છે. હજુએ ખાદી પહેરતાં ભાનુબહેન મનુ ગાંધીનું નામ આવતાં જ ઉત્સાહમાં આવી કહે છે, 'મેં વીસેક વર્ષ તેમની સાથે કાઢ્યાં છે. પાછલાં વર્ષોમાં મનુબહેને ગાંધી ચિંધ્યા માર્ગે સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. સ્વભાવના તો એ ઉગ્ર હતાં, પણ અમારી સાથે પ્રેમથી વર્તતા હતાં. આજે મનુબહેન જીવતાં હોત તો ૮૫-૮૬ વર્ષનાં હોત.'

એક રસપ્રદ પ્રસંગ યાદ કરતાં ભાનુબા ઉમેરે છે, 'એક વખત એવુ થયું કે અમે બધી કાર્યકર બહેનો બજરંગ બાપા સાથે દ્વારકા-હર્ષદ-જામનગર તરફના પ્રવાસે ગયાં હતાં. જામનગરમાં બહેનોની ઈચ્છા બાંધણી લેવાની હતી. બાંધણી તો લઈ લીધી પણ દુકાનદાર તો કંઈ મનુબહેનને ઓળખે નહીં! માટે તેણે બાપા(બજંરગદાસ)ને પૂછ્યું કે બાપુ પૈસા કોની પાસેથી લેવાના? એટલે બાપાએ ગુસ્સે થઈને કહ્યું કે તારે પૈસા જોઈએ છે? એમ? લે .. એમ કરીને તેમણે બંડીના ખિસ્સામાં હાથ નાખી નીકળ્યા એટલા પૈસા આપી દીધા હતા.'

ગાંધીજી સાથેના અનુભવોમાંથી મનુબેહેને દસ્તાવેજ સ્વરૂપ ૨૧ પુસ્તકો કે પછી ડાયરીઓ દેશને આપી છે. ગાંધી  સાહિત્યના એ બધા અત્યંત મહત્ત્વના દસ્તાવેજો ગણવા રહ્યા. મનુબહેન લખે એ ડાયરીમાં બાપુ રોજ સહી કરી આપતા હતા. સહી કરવાના આગ્રહનું મહત્ત્વ પાછળથી મનુબહેનને સમજાયું હતું. કેટલાક લોકોએ બાપુના મૃત્યુ પછી એવો આક્ષેપ કર્યો હતો કે (મનુની) આવડી નાની ઊંમરમાં આવું લખાણ લખવાની સમજ હોઈ જ ન શકે. એ બધાં લખાણોમાં બાપુની સહી હોવાથી તેની સત્યતા અંગેની શંકા-કુશંકા પર કોઈએ ધ્યાન આપ્યું નહીં.

* * *

દિલ્હીથી મનુબહેનને વારંવાર આમંત્રણ આવતા રહેતા હતાં. ૧૯૬૯માં એવા જ એક આમંત્રણથી તેઓ રેડિયો કાર્યક્રમ આપવા ગયા હતાં. ત્યાં તેઓ બીમાર પડયાં, દવાખાને દાખલ થયાં અને થોડી વારમાં જ મૃત્યુ પણ પામ્યાં … માત્ર ૪૦ વર્ષની ઊંમરે .. મનુબહેન ક્યાં અને કઈ હાલતમાં મૃત્યુ પામ્યાં તેનો કોઈ સત્તાવાર રેકોર્ડ હવે મળતો નથી. ભાવનગર મહારાજ હોય કે રાષ્ટૃીય નેતાઓ .. ગાંધીજીના અંતિમ દિવસોમાં તેમને મળવા આવનારા સૌ કોઈ મહાનુભાવો મનુબહેનની નજર તળેથી અચૂક પસાર થતા હતા. બીજી તરફ એ મનુબહેન મૃત્યુ પામ્યાં ત્યારે તેમના પર કોઈની નજર પડી ન હતી.

* * *

મનુબહેન સંચાલન કરતાં હતાં એ સંસ્થાનાં મકાનો હજુએ ખંડેર હાલતમાં ઊભાં છે. અહીં તેમની સાથે સંકળાયેલા દસ્તાવેજો પણ પડયા છે, પણ કોઈ તેની કદર કરનાર છે નહીં. તો વળી તેમનું કાર્યક્ષેત્ર હતું એ કમ્પાઉન્ડ પર ગેરકાયદેસર દબાણ થઈ ચૂક્યુ છે. બંધ મકાનમાં મનુબહેનનો આત્મા કદાચ આજે ય ક્યાંક ભમતો હશે.

સૌજન્ય : ‘સમયાંતર’ નામક લેખકની કોલમ, ‘રવિ પૂર્તિ’, “ગુજરાત સમાચાર”, 01 ફેબ્રુઆરી 2015

Loading

21 December 2015 admin
← ચુનીકાકા: ગુજરાતના આંદોલનપુરુષ, આજે એમને ગયે બરાબર એક વરસ થશે
આધુનિક ભારતનો ઇતિહાસ મહારાષ્ટ્રને, ખાસ કરીને મરાઠી બ્રાહ્મણોને સતાવે છે. આ ઇતિહાસ કીર્તિશાળી છે એના કરતાં પણ વધુ તો કલંકિત છે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved