
સુમન શાહ
‘ઑલ આઉટ ફૉર અમૂલ’-ના મારા પેલા મૅસેજની રચનાપદ્ધતિને ઍન્કોડિન્ગ કહેવાય. ‘એ બિલ્લી છે’ કહેનારનો એ પ્રયોગ coded છે અને એ એક code પણ છે. એટલે કે, એનો એ પ્રયોગ કશુંક ગુપ્તપણે કહેવા માટે એણે ઊભી કરેલી મામૂલી પણ એક પદ્ધતિ છે, સિસ્ટમ છે, જેને ઍન્કોડિન્ગ કહી શકાય.
મારી સૅમિયોસિસ પ્રવૃત્તિ વડે મેં એની એ પદ્ધતિને ખુલ્લી કરી. પણ એટલે શું કર્યું? કોડેડને ડીકોડ ! વીગતે જણાવું કે ડીકોડિન્ગ વખતે હું શું કરું છું :
‘એ બિલ્લી છે’ પ્રયોગને સમગ્રમાં નીરખું છું. એ પ્રયોગના પ્રત્યેક ભાગને નીરખું છું. એ ભાગમાં સંડોવાયેલી સંજ્ઞાની અંદર પ્રવેશું છું. એની નજીકની સંજ્ઞાને નીરખું છું ને તેની અંદર પણ પ્રવેશું છું. તે પછી એ બન્ને સંજ્ઞાઓએ મને સૂચવેલા અર્થોને જોડું છું. એમ હું જવાય એટલો આગળ જઉં છું.
ગણિત મને આવડતું નથી પણ એનો રૂપક તરીકે ઉપયોગ તો કરી શકું છું. કહું કે જેમ હું પહેલી રકમને સમજું વિચારું ને એમાં બીજી ત્રીજી એમ પછીની રકમોને સમજી સમજીને ઉમેરતો ચાલુ અને છેલ્લે સરવાળો સિદ્ધ કરું એ જ રીતેભાતે હું ડીકોડેડ સંજ્ઞાઓ સાથે વરતું છું.
હું મૅસેજ મોકલું છું એટલે શું કરું છું? કોઈને ઍડ્રેસ કરું છું, સમ્બોધું છું. હું ઍડ્રેસર અને જેને મૅસેજ કરું છું તે ઍડ્રેસી. મારા મૅસેજને ઍડ્રેસી ઉકેલી લે છે – એણે ડીકોડિન્ગ કર્યું કહેવાય. સામે એ પણ મને વળતો મૅસેજ મોકલે છે – અમૂલબટર ક્યાં મળે છે? એ ત્યારે ઍડ્રેસર હોય છે અને હું ઍડ્રેસી.
સંક્રમણ મૅસેજીસના આવા ચૉકક્સ વિનિમયો વડે સધાતું હોય છે તેથી ઉત્તમ મનાય છે. એવાં સંક્રમણને પ્રતાપે સૅમિયોસિસ પ્રવૃત્તિમાં વેગ પણ આવે છે.
વર્તમાનમાં સોશ્યલ મીડિયામાં જીવતી વ્યક્તિઓ માટે ઍન્કોડિન્ગ-ડીકોડિન્ગ રોજિન્દી ઘટના છે, જેને ચૅટિન્ગ અથવા મૅસેજિન્ગ કહેવાય છે. હું મૅસેજ મોકલું કે આવતીકાલે દસ વાગે મળીશું. તો એ મને સામો મૅસેજ મોકલે છે – સવારના દસ કે રાતના? અને હું વળતો મૅસેજ મોકલું કે – રાતના.
જો કે આ વાત મેં શાબ્દી સંજ્ઞાઓના – વર્બલ સાઈન્સના – મૅસેજિન્ગની કરી. પણ સૅમિયોસિસ તો શબ્દ ઉપરાન્તની આપણી આસપાસની તમામ બિનશાબ્દી – નૉનવર્બલ – સંજ્ઞાઓને ઊંડણમાં લે છે. એટલે, નૉનવર્બલનાં પણ મૅસેજિન્ગ થતાં હોય છે.
જેમ કે, કોઈ ભાઈ કે બહેન મને જો નમસ્કારનું ઇમોજી મોકલે તો એનો અર્થ છે – પ્રણામ; નહીં મળી શકાય. ઇમોજી શબ્દ નથી ચિત્ર છે પણ મને સ-પ્રણામ ‘નહીં આવી શકાય’ એવી અશક્યતાનો સંકેત કરે છે. જો કે એણે ભલે ઇમોજી વડે ઍન્કોડિન્ગ કર્યું પણ પ્રણામના ઇમોજીને હું હકાર ગણી લઉં, સ્વીકૃતિ ગણી લઉં, તો મારું એ ડીકોડિન્ગ મને મુશ્કેલીમાં મૂકી દેશે – દસના અગિયાર વાગ્યા હશે તો પણ એ વ્યક્તિ નહીં પધારી હોય !
(હું એમ માનું છું કે ઇમોજીસ બાલાવબોધી છે, સર્જક મિજાજની વ્યક્તિઓની દુનિયા ઇમેજીસની છે. એમણે ઇમોજીસથી આઘા રહેવું જોઈએ).
અનેક લોકો ‘લાઇક’-ને લખતા નથી, માત્ર ક્લિક કરે છે, એ ચેષ્ટા પણ મૅસેજિન્ગ છે. એ ડીકોડ થતાં, સંકેત મળે છે – મેં જોયું, મેં વાંચ્યું, મને ગમ્યું. એ સંકેત દરેક વખતે – મેં વાંચ્યું એમ નથી હોતો ! જો ઍડ્રેસર મોટી સંખ્યામાં મળેલાં લાઈક્સનું એવું ડીકોડિન્ગ કરે કે – હું કેટલો વંચાઉ છું ને કેવો અઢળક સ્વીકાર પામું છું, તો છેતરાઈ જશે.
મેં ફેસબુક પરનાં લાઇક્સનો અભ્યાસ કરીને મારા માટે હળવાશથી એક સૅમિયોસિસ રચ્યું છે : લાઇકનો એક સંકેત – હું તમારી સભામાં હાજર છું, એમ થાય છે. (મને એમનો એ સાક્ષીભાવ ગમે છે.) લાઇક્સરૂપી ડીકોડિન્ગ દેખાદેખીથી અને વાટકી-વ્યવહારથી કરાતાં હોય છે. બધા લાઇક કરે છે અને હું નહીં કરું તો કેવો / કેવી લાગીશ – એવા સામાજિક મનોભાવથી કરાતાં હોય છે. હું ફેસબુક-ફ્રૅન્ડ છું તો એમની તેમ જ અન્ય મિત્રો સાથે જોડાવાની આ તક છે – એવા પ્રેમભાવથી કરાતાં હોય છે. કોઈ તો, કોઈ ઓળખીતાંને જોઈને લાઇક કરે છે – એને ગમતાં કોઈ બહેનનું લાઇક જોવા મળ્યું હોય તો તો, ખાસ.
પેલો કદી કશો જ પ્રતિભાવ નહીં આપનારો ફેસબુક ફ્રૅન્ડ – હું તમારું ધ્યાન રાખું છું, જેવા મોટાઈના ભાવથી લાઇક કરતો હોય છે. કેટલાક તો ફ્રૅન્ડ બન્યા પછી લપાઈને બેઠા રહે છે અને બગલાની જેમ માત્ર મૌનનું સેવન કરે છે. એ મૌનને સૅમિયોસિસમાં આમેજ કરતાં હું ખચકાઉં છું કેમ કે ત્યારે વર્બલ કે નૉનવર્બલ એકેય સંજ્ઞા નથી પ્રગટી હોતી, સિવાય કે હું મૌનને સંજ્ઞા ગણી લઉં.
કેટલાક તો શોકાંજલિને પણ લાઇક કરતા હોય છે, કેટલાક ટ્રૉલ કરતા હોય છે, ગાળો પણ લખતા હોય છે. એવી તમામ કુચેષ્ટાઓને ઍન્કોડિન્ગ તો કહેવાશે જ, એ અર્થ તો આપશે જ, પણ એ અર્થ ઍડ્રેસી માટે વ્યર્થ હશે. ત્યારે ઍડ્રેસી ચૂપ રહે તો એ ચુપકીદી ડીકોડિન્ગ ગણાય કે કેમ તે પ્રશ્ન છે, સિવાય કે ઍડ્રેસી ચુપકીદીને સંજ્ઞા ગણી લે; પણ એની એ ક્રિયાથી કૉમ્યુનિકેશન સાર્થક ઠરશે.
ઘણા લોકો પોતાનો ફોટોગ્રાફ મૂકે છે એ ફોટો પણ ઍન્કોડિન્ગ છે અને મૅસેજનું કામ કરે છે. ઍડ્રેસી એને ડીકોડ કરે છે કેમ કે ફોટો રૂપાળી યુવતીનો હોય છે, એને રસ પડી જાય છે અને એ લવારાછાપ વળતા મૅસેજીસ મોકલવા માંડે છે – જેને કાવ્યશાસ્ત્રીઓ પ્રેમાલાપ કહે છે. પણ પરિણામ, વિલાપમાં આવે છે.
“ઍન્કોડિન્ગ ઍન્ડ ડીકોડિન્ગ ઇન ધ ટેલિવિઝન ડિસકોર્સ” શીર્ષક હેઠળ ૧૯૭૩માં સ્ટુઅર્ટ હૉલે મીડિયા મૅસેજ (મારું “મીડયા મૅસેજ” નામનું પુસ્તક છે) વિશે ઉપકારક અધ્યયન પીરસ્યું છે. એમાં એક મહત્ત્વનો મુદ્દો એ કર્યો છે કે દર્શકો પોતાના સામાજિક સંદર્ભો અંગેની પોતાની શ્રદ્ધા અનુસાર મૅસેજીસને ડીકોડ કરતા હોય છે. સાચું, ’સાસ ભી કભી બહુ થી’ -ને યુરપઅમેરિકાની પ્રજાઓ કેમની ડીકોડ કરવાની’તી? વળી, હૉલ અનુસાર, સંઘબળે દર્શકો મૅસેજીસને બદલી શકતા હોય છે. દર્શકો ઍગ્રીમૅન્ટ, નૅગોશિયેશન કે ઑપોઝિશનનો આશ્રય કરતા હોય છે – સમ્મતિ – ચર્ચા કે વિરોધ.
હૉલની આ વાત જૂની છતાં એકદમ સાચી એ રીતે છે કે આજે તે પ્રેસ ન્યૂઝચેનલ્સ અને ફિલ્મ જેવાં સમૂહમાધ્યમોને એટલી જ લાગુ પડે છે. તાજેતરમાં આપણે ‘કાશ્મીર ફાઇલ્સ’ કે ‘પઠાણ’ વિશેના વિવાદોમાં દર્શકો વડે થતા ડીકોડિન્ગ્સનાં પરિણામોને જાણી ચૂક્યા છીએ.
જોવા બેસીએ તો હરેક સાઈન-પ્રોડક્ટ જોડે માણસો સમ્મતિ, ચર્ચા કે વિરોધની રીતે જ વર્તે છે. સંકેતવિજ્ઞાનીઓનું મન્તવ્ય છે કે મનુષ્યજાતિ બીજા જીવોની સરખામણીમાં વધારે તો ઍન્કોડિન્ગ-ડીકોડિન્ગના નિયન્ત્રણ હેઠળ જીવે છે, કૉમ્યુનિકેશન્સ સાધે છે.
પણ રોલાં બાર્થ એમાં ઉમેરણ કરે છે કે મનુષ્ય મનુષ્ય વચ્ચે સંભવતાં કૉમ્યુનિકેશન્સ મોટેભાગે અભાનપણે જ થતાં હોય છે. એ કારણે મનુષ્યોને જોડનારી કડીઓને તેમ જ તેમણે ઊભાં કરેલાં અર્થઘટન-માળખાંઓને રોલાં બાર્થ ‘મિથ’ કહે છે. બાર્થ એટલે લગી કહે છે કે મિથ્સ સંસ્કૃતિના પ્રત્યેક સંવિભાગમાં પ્રસરીને જામી હોય છે. આ હકીકત વૈયક્તિક વાતચીતોમાં તેમ જ જાહરખબરો અને સમૂહમાધ્યમોની પ્રોડક્ટ્સમાં પણ સ્થિર થયેલી છે.
સામાન્યપણે, મિથમાં ઇતિહાસ પુરાણગાથા કલ્પના માન્યતા ભ્રાન્ત માન્યતા વગેરે તત્ત્વો રસાયાં હોય છે. પણ બાર્થ અર્વાચીન કે આધુનિક મિથ્સની વાત કરે છે. એમની એ પુસ્તિકા “માયથોલોજીસ”-ની વાત હવે પછી.
= = =
(Jan 21, 2023 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર