પાર્લા(વેસ્ટ)માં રહેતા સાહિત્યપ્રેમી અને ગુજરાતી સાહિત્યની સેવામાં સતત કાર્યરત એવા ૭૮ વર્ષના કનુ સૂચક શૅર કરે છે પોતાની તંદુરસ્તીનું રહસ્ય
એવું નથી કે જીવનમાં ક્યારે ય તકલીફો આવે જ નહીં અને એવું પણ નથી કે એ તકલીફો તમને ઉદાસી નહીં આપે, તમને નિરાશ નહીં કરે કે તમને આઘાત નહીં આપે. તકલીફો આવશે અને હૃદયને ઠેસ પહોંચે એવી તકલીફો આવશે, પરંતુ એ તકલીફો સામે હથિયાર નાખીને બેસી જનારી વ્યક્તિ નિરાશાની ગર્તાર્માં ખોવાઈ જાય છે; જ્યારે એ તકલીફો અને દુ:ખને સ્વીકારીને સક્રિય રહેનારી વ્યક્તિ કંઈક વિશિષ્ટ સર્જતી હોય છે. વિલે પાર્લે(વેસ્ટ)માં એસ. વી. રોડ પર વિદ્યા વિનય વિવેક નામની સોસાયટીમાં રહેતા ૭૮ વર્ષના કનુ સૂચક એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. દુ:ખનો અનુભવ તેમણે કર્યો છે. જ્યારે તેમનો જુવાનજોધ દીકરો સાવ અચાનક દુનિયા છોડીને ચાલ્યો ગયો એ પછી નિરાશા અને આઘાતના અંધકારને પણ અનુભવ્યો છે અને એ પછી પ્રેરણાનું એક કિરણ મળતાં ફરી બેઠા પણ થયા છે.
છેલ્લાં ઘણાં વર્ષોથી વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા રહીને મૂકપણે ગુજરાતી સાહિત્યની સેવા કરી રહ્યા છે. સાહિત્યનો રસાસ્વાદ તેમણે પોતે તો માણ્યો જ છે અને સાથે લોકો પણ એ માણે એવા તેમના પ્રયત્નો પણ તેમણે પૂરબહારે કર્યા છે. તેમણે લખેલા બે કાવ્યસંગ્રહ અને ભારતનાં મંદિરો અને એના અપ્રતિમ સ્થાપત્ય વિશે પોતાના અનુભવોને આધારે લખાયેલું પુસ્તક ‘શિલ્પ સમીપે’ પણ પ્રકાશિત થઈ ચૂક્યાં છે. ૭૮ વર્ષની ઉંમરે લગભગ દસથી બાર કલાક અવિરત કામ કરનારા કનુભાઈને એકેય રોગે હજી સુધી પોતાની પકડમાં લીધા નથી. ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, હાર્ટને લગતી સમસ્યા જેવા એકેય લાઇફ-સ્ટાઇલ ડિસીઝ તેમને નથી એટલું જ નહીં, ઉંમરને લીધે સામાન્ય રીતે હાડકાં ઘસાવા કે સ્નાયુઓ નબળા પડવા જેવા પ્રૉબ્લેમ્સ પણ તેમણે ફેસ નથી કરવા પડ્યા. કનુભાઈની તંદુરસ્તીની અને જીવન જીવવાની તેમની કળા વિશે વિગતવાર વાતો કરીએ, જે આજના ઘણા વડીલો માટે દિશાસૂચક બની રહે એવી છે.
અને દિશા બદલાઈ
૧૯૯૪માં સાવ અચાનક દીકરાએ દુનિયામાંથી વિદાય લીધી અને કનુભાઈ તથા તેમનાં પત્ની સુશીલાબહેન પર જાણે વજ્રાઘાત થયો. લગભગ સાત વર્ષ સુધી સૂનમૂન રહેલા આ દંપતીને જોઈને નાનો દીકરો વ્યાકુળ હતો. તેણે પોતાના પપ્પાને કહ્યું કે ‘તમારા મનમાં મારા માટે કોઈ જ લાગણી નથી? તમે જે રીતે જીવી રહ્યા છો એ જોતાં હું તમને ગુમાવી દઈશ એવો ડર અંદરખાને મારા મનમાં લાગી રહ્યો છે. મને તમારી છત્રછાયા જોઈએ છે, પપ્પા.’
દીકરાના આ શબ્દોએ કનુભાઈના વલોપાતને હળવાશ આપી. તેઓ કહે છે, ‘એ વખતે મને સમજાયું કે જીવનમાં ઘણા લોકો હોય છે જેમને આપણી જરૂર હોય છે. સાથ તો છૂટવા માટે જ હોય છે, પરંતુ પ્રિયજનનો સાથ છૂટતાં જીવન પ્રત્યેની અને આપણી આસપાસની જવાબદારીઓ અને કર્તવ્યોને છોડી ન શકીએ.’
અમરેલીમાં જન્મેલા કનુભાઈ ૧૯૪૭માં મુંબઈ આવ્યા અને ૧૯૬૦ની આસપાસના સમયગાળામાં ૧૦૦ રૂપિયાના પગારમાં કન્સ્ટ્રક્શન-કંપનીમાં કામ શરૂ કર્યું હતું. બે વર્ષમાં પોતાની કન્સ્ટ્રક્શન-કંપની શરૂ કરી અને પછી લાંબા સમય સુધી સાહિત્ય સાથેનો નાતો છૂટી ગયો હતો, જે ફરી એક વાર એક દીકરાની કારમી વિદાય અને બીજા દીકરા થકી મળેલી પ્રેરણાને કારણે જોડાયો. તેઓ કહે છે, ‘મારી અત્યારની સ્વસ્થતામાં સાહિત્યનો સૌથી મોટો રોલ છે. દરેકના જીવનમાં આવી ક્ષણ આવતી હોય છે. ત્યારે દિશા બદલી શકાય એવી ક્ષણો પણ આવે. જો એ ક્ષણોને સમજીને સાચવી લેવાય તો જીવવાની શ્રેષ્ઠતમ મકસદ મળી જતી હોય છે. મકસદ સાથે જીવનારા લોકો માંદા નથી પડતા, કારણ કે તેમની સક્રિયતા તેમને જીવંત રાખે છે.’
રૂટીન શું હોય?
આગળ કહ્યું એમ રોજના આઠથી દસ કલાક કામ કરવાનું; જેમાં લેખન, વાંચન, મુલાકાતો આવી ગયાં. રોજ સવારે મૉર્નિંગ વૉક પર જવાનું. ઘરમાં બનેલો આહાર લેવાનો. તેઓ કહે છે, ‘હું ખાવાનો શોખીન છું અને પાણીપૂરી મારી ફેવરિટ છે, પરંતુ એ હું ઘરે બનાવેલી ખાઉં છું. હું કહીશ કે તંદુરસ્ત રહેવા માટે ટેસ્ટલેસ ખાવાની કોઈ જરૂર નથી. સાદો ખોરાક લો એ જરૂરી છે, પરંતુ સાદો ખોરાક સ્વાદિષ્ટ હોઈ શકે. બીજું, તમારી ઉંમર મુજબ કેટલું ખાવું એની મર્યાદા સમજવી ખૂબ જ જરૂરી છે. અમારા કેસમાં સ્વાભાવિક રીતે જ કન્ટ્રોલ આવી જાય છે. અમારે પ્રયાસ નથી કરવા પડી રહ્યા. મનથી તંદુરસ્ત રહેવા માટે અમે પ્રવાસમાં જઈએ છીએ, નિયમિત. ટૂરિસ્ટ પ્લેસ પર નહીં, પણ કુદરતી સ્થળોએ. જેમ કે કાશ્મીરની એવી ઘાટીઓમાં જ્યાં હજીયે લોકોની અવરજવર ઓછી હોય. કુદરત એના મૂળ સ્વરૂપમાં હોય એવાં સ્થળોએ જઈને કુદરતમાં ઓગળવાનો આનંદ માણો એ મનને રીચાર્જ કરવા બરાબર છે. આવા પ્રવાસોએ પણ મને ભરપૂર આપ્યું છે.’
કહેવાનું એટલું જ કે …
માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે તમામ લોકોને સંબોધીને કનુભાઈ કહે છે, ‘અંગ્રેજીમાં એક પ્રચલિત વાક્ય છે કે સફરિંગ ઇઝ યૉર ચૉઇસ. તમે દુ:ખી થવા માગો છો કે સુખી એ તમારી પોતાની પસંદગી છે. આજે ઘણા વડીલો પોતાને એકલા અને દુ:ખી માને છે તો એ ક્યાંક તેમની પોતાની અપેક્ષાઓનું પરિણામ પણ છે. મારો દીકરો અત્યારે અમેરિકા છે અને મારા લાડકા ગ્રૅન્ડસન પણ ત્યાં જ છે. હું અને પત્ની અહીં એકલાં છીએ, પણ અમને એકલું નથી લાગતું. નિયમિત દીકરાની સાથે સંપર્કમાં છીએ અને મોજથી રહીએ છીએ. અપેક્ષા સૌથી મોટું દુ:ખ હોય છે. અપેક્ષા ન રાખો અને જાત સાથે રહીને પણ એન્જૉય કરતાં શીખો એ જરૂરી છે. જ્યાં આનંદ મળે ત્યાં રહો, જેમાં આનંદ મળે એ કરો. આજે પણ અમે મનને ઠેસ પહોંચતી હોય એવા સ્થાનોથી ડિટૅચ થઈ જતાં હોઈએ છીએ. ડિટૅચમેન્ટની પણ પોતાની મજા હોય છે અને એ શીખી લો તો તમે મનથી જીવતા થઈ જતા હો છો.’
સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 04 અૅપ્રિલ 2017