રથિનનાં માતા-પિતાને શહેરની મોટામાં મોટી અને મોંઘામાં મોંઘી શાળામાં પોતાના એકના એક દીકરાને ભણાવવાની હોંશ હતી. રથિન આ શાળામાં ભણે છે એમ તેઓ સૌને ગર્વભેર કહેતાં, પણ રથિન ખુશ નહોતો. શાળામાં શિસ્તને નામે કરવામાં આવતી કડકાઈ, પરાણે થોપવામાં આવતા નિયમો અને બોર્ડમાં શાળાનું સો ટકા પરિણામ આવે એ માટે વિદ્યાર્થીઓ સાથે થતી સખતાઈથી એ ત્રાસી જતો. પણ મા-બાપ જ સાંભળવા નહોતાં માગતાં ત્યાં બીજા કોને ફરિયાદ કરે?
“તમે હવે નવમા ધોરણમાં આવ્યા છો. આ વર્ષે જો ઊંધું ઘાલીને મહેનત નહીં કરો તો બોર્ડની પરીક્ષામાં શું ઉકાળશો?” ગણિતના શિક્ષક કહેતા.
“બીજું બધું હવે ભૂલી જવાનું. અર્જુને જેમ પક્ષીની આંખ પર જ નજર રાખી હતી તેમ તમારું પૂરું ધ્યાન દસમાની પરીક્ષા પર જ હોવું જોઈએ.” – અંગ્રેજીના શિક્ષકની શિખામણ.
નવમા ધોરણની વાર્ષિક પરીક્ષા શરૂ થઈ. આજે બંને ભારે વિષયો – ગણિત અને વિજ્ઞાનનાં ત્રણ ત્રણ કલાકનાં પેપર હતાં. ભલે નવમાની પરીક્ષા હતી પણ શાળાનું વાતાવરણ એવું ભારેખમ હતું કે, જાણે વિદ્યાર્થીઓ પરીક્ષાખંડમાં નહીં પણ યુદ્ધભૂમિ પર જતા હોય. બોર્ડની પરીક્ષા કેવી રીતે લેવાશે એનો વિદ્યાર્થીઓને ખ્યાલ આપવા બહારથી સુપરવાઈઝરને બોલાવવામાં આવેલા, જે હંમેશાં સખત ચહેરો રાખીને ફરતા. પહેલો બેલ પડી જાય પછી શાળાનો મુખ્ય દરવાજો બંધ કરી દેવામાં આવશે. મોડા આવનારને પરીક્ષામાં બેસવા નહીં મળે એવો સરક્યુલર અઠવાડિયા પહેલાં આવી ગયેલો.
પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ બરાબર આજે જ રથિનની સાઈકલમાં પંચર પડ્યું. કોઈ ઓળખીતાની દુકાને સાઈકલ મૂકીને પસીનાથી રેબઝેબ થતો એ પહોંચ્યો ત્યારે દરવાન ગેટ બંધ કરી રહ્યો હતો. એને હાથ જોડીને વિનંતી કરી ત્યારે માંડ અંદર આવવા દીધો.
“કેમ, અત્યારથી જ પરસેવો છૂટવા માંડ્યો? છેલ્લી ઘડી સુધી રખડી ખાઈએ તો આવું જ થાય.” ઉત્તરવહી આપતાં સુપરવાઈઝરે વ્યંગમાં હસીને કહ્યું. રથિનને લાગ્યું કે, જાણે પોતાને કંઈ આવડતું જ નથી. એ પરીક્ષામાં કંઈ લખી નહીં શકે, પણ એ બે મિનિટ આંખો બંધ કરીને બેઠો, મન શાંત કર્યું પછી પ્રશ્નપત્ર જોયું ત્યારે થયું કે, ના, ઘણું આવડે છે. એણે સડસડાટ દાખલા ઉકેલવા માંડ્યા, પણ હજી તો માંડ દોઢ કલાક પૂરો થયો ત્યાં સાહેબની રનીંગ કોમેંટ્રી ચાલુ થઈ.
“હવે માત્ર દોઢ કલાક જ બાકી છે. એક વાગ્યા પછી એક મિનિટ પણ વધારે નહીં મળે.”
વિદ્યાર્થીઓ જેમતેમ ધ્યાન કેંદ્રિત કરવા જાય ત્યાં વળી બીજી સૂચના.
“છેલ્લી ઘડીએ કહેશો કે, સપ્લીમેંટ્રી બાંધવાની રહી ગઈ તો નહીં ચાલે. પેપર પૂરું થવાનો બેલ વાગે એટલે તરત મને પેપર આપી દેવાનું.”
એમની તાકીદ મુજબ રથિને એક વાગવામાં બે મિનિટ બાકી હતી ત્યાં જ પોતાનું પેપર આપી દીધું. રિસેસમાં દોસ્તો એક જ વાત કરતા હતા,
“યાર, સાહેબ કેટલું બોલતા હતા! માંડ માંડ પેપર પૂરું કર્યું. અત્યારે બીજા કોઈ સુપરવાઈઝર આવે તો સારું!”
થોડુંઘણું ખાઈને ક્લાસમાં ગયા તો એ જ સાહેબ સત્કાર કરવા બારણામાં ઊભા હતા. રથિન હજી તો વર્ગમાં દાખલ થવા જાય ત્યાં એમણે એને રોક્યો. “ક્યાં છે તારી ગણિતની ઉત્તરવહી? મારી સાથે જરા પણ ચાલાકી કરી તો તારી વાત તું જાણજે.”
“સાહેબ, મારું પેપર મેં તમારા હાથમાં જ તો આપેલું.”
“એમ? બહુ સ્માર્ટ બનવા જાય છે? યાદ રાખજે આ પેપર પતે ત્યાં સુધીમાં તારો ગુનો નહીં કબૂલે તો તને ફેલ કરવામાં આવશે.”
રથિને જેમતેમ કરીને વિજ્ઞાનના પેપર પર ધ્યાન આપવાની કોશિશ કરી, પણ વાત પ્રિંસિપલ સાહેબ સુધી પહોંચી હતી અને એમણે સુપરવાઈઝરને ઠપકો આપતાં કહ્યું હતું કે, “તમારી લાપરવાહીને કારણે આમ બન્યું એ માટે તમે જવાબદાર છો. મને કોઈ પણ હિસાબે બધાં પેપર જોઈએ.”
સુપરવાઈઝરના મગજ પર ખુન્નસ સવાર થઈ ગયું હતું, ‘આ છોકરો સમજે છે શું પોતાની જાતને? એને સીધો કરવો પડશે.’
વિજ્ઞાનનું પેપર પત્યું ને બધા વિદ્યાર્થીઓ નીકળી ગયા પછી એ રથિનને ખેંચીને બાજુના રૂમમાં લઈ ગયા. એમને ડર હતો કે, રખેને પ્રિંસિપલ ખૂટતા પેપરની તપાસ કરવા આ વર્ગમાં ન આવી જાય! બીજા રૂમમાં લઈ જઈને એમણે રથિન સામે એક ઉત્તરવહી મૂકીને કહ્યું, “ચાલ, ગણિતનું પેપર લખવા માંડ!”
અત્યાર સુધીમાં રથિન તન-મનથી એવો તો નિચોવાઈ ગયો હતો કે, એને સમજાયું જ નહીં કે એણે શા માટે અને શું કરવાનું છે? એણે ધીમેથી કહ્યું, “સાહેબ, હું ખૂબ થાકી ગયો છું અને મને સખત ભૂખ પણ લાગી છે. પેપર તો શું, હું એક અક્ષર પણ નહીં લખી શકું.”
એના મોંમાં પાર્લે જી બિસ્કીટ ઠોસતાં એમણે કહ્યું, “ચાલ, હવે નખરાં કર્યા વિના લખવા માંડ.”
બરાબર એ જ સમયે પ્રિંસિપલ પરીક્ષા ખંડમાં પહોંચ્યા અને પ્યુનને બોલાવીને કહ્યું, “આજે આ રૂમની સફાઈ નથી કરી? ખૂણામાં કાગળિયાનો આટલો ઢગલો કેમ પડ્યો છે? ચાલ, હમણાં ને હમણાં સાફ કર!”
પ્યુને કાગળો તરફ નજર કરીને કહ્યું કે, “સાહેબ, આ તો પાછલી પરીક્ષાનાં નકામાં પેપરો લાગે છે.”
“લાવ જોઉં!” એમણે ઝીણી નજરે જોતાં કહ્યું, “અરે, પણ આ પેપર પર તો આજની તારીખ અને ગણિતનો વિષય લખેલો છે. પરીક્ષાર્થીનું નામ રથિન વોરા લખેલું છે. આ તો પેલા વિદ્યાર્થીનું જ પેપર! ક્યાં ગયા સુપરવાઈઝર સાહેબ?” ગુસ્સાથી ધમધમતા એ વર્ગમાંથી નીકળીને જવા ગયા ત્યારે બાજુના વર્ગમાં જે દૃશ્ય દેખાયું એ જોઈને એમના પગ થંભી ગયા. સુપરવાઈઝર રથિનનું માથું પકડીને, હાથમાં પેન પકડાવીને જબરદસ્તીથી પેપર લખાવવાની મહેનત કરતા હતા અને રથિન આજીજી કરતો હતો, “હું પેપર નહીં લખી શકું સાહેબ, મને જવા દો!”
ધીમા પગલે ત્યાં જઈને પ્રિંસિપલે રથિનને જવા માટે ઈશારો કર્યો અને સુપરવાઈઝરને કહ્યું, “સાહેબ, આ જ પેપર નહોતું મળતું ને? તમારા વર્ગના ખૂણામાંથી એ મળી ગયું છે ને હવે કાલથી તમારે આવવાની જરૂર નથી.”
(શિવનારાયણની કન્નડ વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ઍપ્રિલ 2025; પૃ. 24