Opinion Magazine
Number of visits: 9446114
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મામા નાથાલાલ દવેનાં સ્મરણો  

સરયૂ મહેતા-પરીખ|Opinion - Opinion|9 January 2024

ગુજરાતી સાહિત્યના ગાંધીયુગ (૧૯૧૫-૧૯૪૫) દરમિયાન અનેક કવિઓ ગાંધીજીની અસર તળે આવ્યા અને તેની સીધી અસર તેમનાં જીવન-કવન પર પડી. તે સમુદાયમાં ચાર ભાવનગરી કવિજનો કૃષ્ણલાલ શ્રીધરાણી, પ્રેમશંકર ભટ્ટ, પ્રહ્લાદ પારેખ અને નાથાલાલ દવેનો સમાવેષ થાય. ચારેયનો જન્મ ૧૯૧૧-૧૯૧૨ના અરસામાં એટલે તે સૌ સમવયસ્ક.

નાથાભાઈનાં કવયિત્રી ભાણી સરયૂ મહેતા-પરીખ એક કવિજન તેમ જ આત્મજન તરીકે કવિનું અહીં નીજ જીવન દર્શન રજૂ કરે છે.   

— કનક રાવળ

•••

સરયુ મહેતા-પરીખ

અમારું બાળપણ નાનાજી વૈદ ભાણજી કાનજી અને મામાના વિરભદ્ર અખાડા સામેના ઘરમાં પાંગરેલું. નિર્દોષ ભોળી આંખો પૂજ્ય મામાને અહોભાવથી નિહાળતી. એ સમયે ભાવનગરની બહાર હોવાથી, જ્યારે પણ અમારે ત્યાં એ આવતા, ત્યારે ખાસ પ્રેમપૂર્વક મારાં બા તૈયારી કરતાં હોય એ જોવાનો લ્હાવો હતો.

હું આઠેક વર્ષની હતી તે દિવસોમાં મેં ઊભો સોમવાર કરેલો. મામાને લોકોની સમજ્યા વગર અંધશ્રદ્ધાથી વ્રતો કરવાની રીત સામે સખત અણગમો હતો. મારો હાથ ખેંચીને નીચે બેસાડી દેવાની રમત-રકઝકની યાદ આવતાં હજી પણ મારા ચહેરા પર હાસ્ય ફરકે છે. ખાદીનાં સફેદ વસ્ત્રો, ગોરો વાન અને સુંદર ચહેરાવાળા મારા મામા, નવલકથાના નાયક જેવા દેખાતા. ઘણી વખત કવિ સંમેલન, શિબીરમાં કે અમારી શાળામાં કવિતાની સુંદર રજૂઆત પછી શ્રોતા ગણની પ્રશંસા સાંભળીને મામા માટે ગૌરવનો અનુભવ થતો.

પાઠ્યપુસ્તકમાં ‘પિંજરના પંખીની વાત’, ‘મૌસમ આવી મહેનતની’ એમની સહજ ઓળખાણ માટે પૂરતું હતું. વિનોબાજીની ભાવનગરની મુલાકાત વખતે મામાનાં લખેલાં ગીતો ગવાયેલાં. વિરાણી સ્પર્ધા હોય કે અન્ય કોઈ પ્રસંગ, હું મામાની રચનાઓ, ‘અષાઢના તારા રે, આભ ભરીને ઊગિયા શા?’ કે ‘આજ આભમાં આનંદ ના સમાય રે, ઢળે રૂપેરી ચાંદની’ સમાં ગીતો સૌને ગમશે એ વિશ્વાસ સાથે ગાતી.

નાથાલાલ દવે

મારા પતિ દિલીપના કુટુંબમાં મામા ઘણી વખત કાવ્યરસ વહેંચતા અને અમે હજી પણ સાથે ગાઈ ઊઠીએ ‘હવામાં આજ વહે છે ધરતી કેવી ખુશખુશાલી’.

મારાં બા, ભાગીરથી, એક બાલિકા વધૂ, ચાર ચોપડી પણ પૂરી નહીં કરેલ અને ગામડામાં ગૃહ સંસારમાં મૂંઝાતાં હતાં, ત્યારે તેમના ભાઈ કવિ નાથાલાલ દવે બહેન ભાગીરથીને સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચવા મોકલતાં, જે એમને આત્મશ્રદ્ધા અને જાગૃતિના રસ્તે દોરી ગયાં, અને અઢાર વર્ષની ઉંમરે બાએ ફરી ભાવનગરની શાળામાં ભણવાનું શરૂ કરી કોલેજ સુધી અભ્યાસ કરી, હાઈસ્કૂલમાં શિક્ષિકા બન્યાં. નાનાજી અને પરિવારનાં લગભગ બધાં સભ્યોના વિરોધ સામે ટકી રહેવા એમને અમારા મામાનો સતત સહારો હતો.

એક પ્રસંગે હું હતાશ થયેલી ત્યારે મારી સામે સ્થિર નજર કરી મામાએ કહેલું, “Be brave.” એ બે શબ્દો મને ઘણી પરિસ્થિતિઓમાં આજે ય આવીને મનમાં ગુંજતા અને હિંમત આપતા રહ્યા છે.

મામા ક્યારેક બગીચામાંથી ફૂલ લઈ આવી મામીને આપતા કે એમની લગ્નતિથિને દિવસે કંકુની ડબ્બી અને લાલ સાડી આપતાં હોય એવી રસિક પળો જોઈ છે. તેમ જ મામી બપોરે રસોઈમાંથી પરવારીને આવે ત્યારે મામાએ એમને માટે પાથરણું, ઓશિકું, છાપું અને ચશ્માં તૈયાર કરીને રાખ્યાં હોય કે પુત્ર અરવિંદને વાર્તા કહેતા હોય, એવી એવી કાળજીની પળો પણ અનેક જોઈ છે. ધીરુભાઈ-પ્રફુલ્લા, નીરુભાઈ, શારદા, અરવિંદ અને નીપાએ જે રીતે પ્રસન્નતાથી માતા અને નાથામામાની સંભાળ લીધેલી એ કૌટુંબિક સહકારનો અસાધારણ દાખલો છે. પૌત્રી કવિતાએ મામાના જીવનમાં સુખ પાથર્યું છે.

એક સફળ અને સહાનુભૂતિ ભર્યા કવિ હૃદય મામાની સુવાસ મારા અને મુનિભાઈના અંતરમાં સદાય મીઠી યાદ બનીને રહી છે. અમારા જીવનના ઘડતરમાં અમારા નાથાલાલમામાની પ્રેમાળ ઓથને ઈશ્વરકૃપા સમજી આભાર.

રુદિયાથી રુદિયા તણા પાકા થઈ ગ્યા રેણ,
જ્યાં જ્યાં સાજન સંચરે પાછળ ફરતાં નેણ.

°

કવિશ્રી નાથાલાલ દવેના કાવ્યસંગ્રહ ખોલું છું અને વિવિધ વિષયો પરની રચનાઓથી ભાવવિભોર થઈ જવાય છે. મામા જીવનકાળ દરમ્યાન તેમની મૈત્રીભર્યા સ્વભાવને લીધે અનેક પ્રસંગોમાં, સભાઓમાં, પોતાની રચનાઓનો આસ્વાદ આપી ગયા છે… તેનો આનંદ છે.

‘કાલિંદી’ કાવ્યસંગ્રહમાં રાષ્ટ્રકવિ ઝવેરચંદ મેઘાણીના અને ‘જાહ્નવી’માં આચાર્ય ડોલરરાય માંકડના બે બોલ સમાવિષ્ટ છે.

શામળદાસ કોલેજમાં અભ્યાસ અને શરૂઆતની નોકરીના સમયે ભાવનગરમાં તેમને અનેક કવિ મિત્રો હતા. રાષ્ટ્રીયકવિ ઝવેરચંદ મેઘાણી નજીકમાં રહેતા અને મામાના પહેલા કાવ્યસંગ્રહ ‘કાલિંદી’માં તેમની નોંધ છે. કવિ નાથાલાલ દવેના મિત્રોમાં, પ્રજારામ રાવળ, મુકુંદભાઈ પારાશર્ય, હસિત બુચ, ભાનુભાઈ શુક્લ. જો કે, થોડા નામ તેમના મિત્રોની યાદીને ન્યાય નહીં આપી શકે. ૧૯૬૦ની આસપાસ, સંત વિનોબા ભાવેની ભૂદાનયજ્ઞ યાત્રા દરમ્યાન અને સર્વોદય સંમેલનમાં કવિ નાથાલાલનાં ગીતો ગવાતાં. મારી નાનપણની યાદોમાં, નાથાલાલમામા, મારાં બા, કવયિત્રી ભાગીરથી મહેતા, શારદા અને હું સર્વોદય સંમેલન અને ગુજરાતી સાહિત્ય પરિષદમાં અમદાવાદ ગયાં, ત્યારે ઉમાશંકર જોશી અને બીજા ઘણા સાહિત્યકારોને મળતા જોયેલાં.

મામા શાળા અધિકારી હતા અને પછી અન્ય નોકરીને અંગે પરિવાર સાથે બહારગામ રહેતા હોવાથી ભાવનગર રજાઓમાં આવતા. ભાવનગરના ઉનાળાની બપોરે અમે ૯થી ૧૨ વર્ષનાં પિતરાઈ ભાઈ-બહેનો ‘શું કરવું’ની વિમાસણમાં હતાં. ત્યાં, એક દડો હાથમાં આવતા દિવાલ પર ઠોકવાની રમત માંડી. થોડીવારમાં ગુસ્સાભર્યો તોયે … મુલાયમ અવાજ નાથામામાનો આવ્યો, “અરે અત્યારે અમે સૂતા હોઈએ, આમ અવાજ કરવાનો?” અને અમારું ટોળું પાછલાં બગીચામાં ગાયબ થઈ ગયું.

ઘણાને ખબર નહીં હોય, પણ મામા શ્રીઅરવિંદ અને માતાજીનાં પરમ શિષ્ય હતા. તેઓ ઘણી વખત પોંડિચેરી જઈને રહેતા. એ વર્ષ અમારા કુટુંબ માટે મુશ્કેલ હતું. નાના જીવનમામા, જે મુંબઈમાં વકીલ હતા, તેમનું અને છ મહિના પછી નાથામામાના સૌથી મોટા પુત્ર ગોવિંદભાઈનું અવસાન થયેલ. ૨૨ વર્ષના ગોવિંદભાઈ ભાવનગરમાં double typhoid માંદગીમાં સપડાયા. એ સમયે મામા પોંડિચેરી ગયા હતા. બીજે દિવસે જ શ્રી માતાજીએ કહ્યું કે, “તું ઘરે પાછો જા.” મામા આવ્યા અને તેમના હાથમાં ગોવિંદભાઇનું અવસાન થયું. મામાનું ઋજુ હૃદય કુમળી ઉંમરમાં ગુમાવેલ મોટી દીકરી શારદા અને દીકરાની યાદમાં આળું હતું. તેમની બીજી દીકરીને શારદાના પ્રિય નામથી ઓળખીએ અને યાદ કરીએ છીએ.

*

નાથાલાલ દવે વિવિધ સ્થળે નોકરીના માધ્યમથી અનેકના જીવનને સ્પર્શી ગયા. નિવૃત્તિમાં નાથાલાલમામા ભાવનગરમાં સ્થાયી થયા પછી ઘણા કાવ્યસંગ્રહો અને વાર્તાસંગ્રહો પ્રગટ થયા. એ દરમ્યાન પ્રકાશિત ‘અનુરાગ’ કાવ્યસંગ્રહ આમુખમાં ડૉ. ઈશ્વરલાલ દવે લખે છે, “સુકુમાર પુષ્પોથી શોભતી લતા જેવા સૌંદર્યથી મંડિત ‘અનુરાગની’ કાવ્યરચનાઓ પ્રસન્નમધુર મુદ્રાથી અંકિત છે…” કટાક્ષકાવ્ય સંગ્રહ ‘ઉપદ્રવ’ના કવર પર નવલિકા સંગ્રહ ‘શિખરોને પેલે પાર’ વિશે શ્રી યશવંત શુક્લ અને શ્રી પીતાંબર પટેલના પ્રતિભાવો અને આગામી પુસ્તકોની યાદી છે.

મારા લગ્ન બાબત મારા પિતાશ્રીનો સખત વિરોધ હતો, કારણ દિલીપ વાણિયા અને અમે બ્રાહ્મણ! મેં પિતાને નારાજ ન કરવા દિલીપને ‘ના’ લખી દીધી. પરંતુ મામાની પાસે ગઈ તો તેમણે મને પૂછ્યું કે, ‘તારે દિલીપ સાથે લગ્ન કરવા છે?’

‘હા.’ તેમના સીધા સવાલનો મારાથી સીધો જવાબ અનાયાસ અપાઈ ગયો. પછી અમે ગુપ્ત રીતે લગ્નની યોજના કરી. બીજે દિવસે, હું અને ઇલાભાભી ખરીદી કરવા નીકળ્યાં, ત્યારે રસ્તામાં મામા મળી ગયા. મારો રડતો ચહેરો જોઈને કહ્યું, ‘BE BRAVE.’ આ બે શબ્દ મારા જીવનમાં દરેક સંઘર્ષ સમયે હિંમત આપે છે.

મા વગરના ઉછરેલાં, તેથી મોટાભાઈ તરીકે મારા મામાને તેમની નાની બહેન, મારાં બા ભાગીરથી પર વિશેષ સ્નેહ હતો. ભાણેજ મુનિભાઈ નાનપણથી કવિતા લખતા અને નાથુમામા સાથે લાગણીભરી નિકટતા હતી.

મુનિભાઈ વડોદરામાં સ્થાયી થયા અને હું અમેરિકા આવી ગયેલી, તેથી ભાવનગરમાં એકલા રહેતાં મારા બાને મામાની ઘણી હૂંફ રહેતી. મામાની ઉંમર લગભ ૮૦ની હતી, ત્યારે ભૂલી જવાની બીમારી શરૂ થઈ. ઘણીવાર રસ્તો ભૂલી જાય, વગેરે અનેક તકલીફો શરૂ થઈ હતી. બાને ઘરે, દિવસના એક કે બે વખત આવે. બા દૂધનો પ્યાલો આપે તે પીવે. ક્યારેક ફરી આવે, અને કહે કે, ‘ભાગુબે’ન દૂધ?’ બા કહે, ‘ભાઈ, તમે પી લીધું.’ ‘ભલે,’ કહીને ઘરે જતા રહે.

૧૯૯૩માં બાનું વડોદરામાં અવસાન થયું. અમેરિકા પાછા ફરવાનું હતું તેથી હું ભાવનગર મામા અને બીજાં સગાંને મળવા ગઈ હતી. મામા એવા જ શાંત અને ગૌરવવંતા દેખાતા હતા, મને જોઈને અજાણ્યા સાથે વાત કરતા હોય તેમ વાત કરી. મારા એ મામા જે હું અમેરિકાથી આવું કે, વહેલી સવારમાં પહેલા મળવા આવી પહોંચ્યા હોય, કે ગરમ જલેબી અને ગાંઠિયા લઈને આવીને અનેક વખત મને આશ્ચર્યાનંદમાં મૂકી દેતાં … એ મામાને, મારી ઓળખ આપવી …! આંખો સહેજે ભરાઈ આવી.

અઠવાડિયા પછી મુનિભાઈ ભાવનગર ગયા, અને બા ભાગીરથીબહેનનાં માનમાં બેસણું હતું. મામા મુનિભાઈની બાજુમાં નિર્લેપ ભાવે બેઠા હતા અને લોકો પોતાની બહેનને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે તે જાણ ન હતી. બાની યાદમાં મુનિભાઈનું દિલ વ્યાકુળ હતું અને તેને મામાના ખભા પર માથું ઢાળી રડવું હતું. પણ બાજુમાં નજર કરી તો ત્યાં એક ખોવાયેલા સજ્જન બેઠા હતા ! મુનિભાઈનું હ્રદય કરુણતાથી તડપી ઊઠ્યું … ‘મારા મામા અહીં નથી.’

ત્યારબાદ, ત્રણ મહિનામાં મામા કવિ નાથાલાલ દવે પરલોકમાં કવિતા લખવા ચાલ્યા ગયા.

•••

મામા દિલથી Ever Young હતા. ૧૯૭૯માં પ્રગટ ‘ઉપદ્રવ’ કાવ્યસંગ્રહનું અર્પણ જોઈએ :

યુવા ગુજરાતને

તમારા ચહેરા ઉપર સ્મિત જે મધુ લહેરાય છે!
નેત્રો મહીં આનંદ કેરી ઝલક ચમકી જાય છે,
એ નિહાળી મન મહીં આશા નવી બંધાય છે,
કે તમારી મહેફિલ માંહે સૂર મુજ સંભળાય છે,
ને આપણી વચ્ચે સમજનો સેતુ એક રચાય છે.

એમની કેટલીક ગમતી કાવ્યકૃતિઓ :

ચાકડો  

કાચી રે માટીના ઘૂમે ઘડુલિયા
ધણી ઘડે જૂજવારે ઘાટ,
વાગે રે અણદીઠા એના હાથની
અવળી સવળી થપાટ—કાચી.

વ્હાલા! શીદને ચડાવ્યાં અમને ચાકડે?
કરમે લખિયા કાં કેર?
નિંભાડે અનગળ અગનિ ધગધગે,
ઝાળું સળગે ચોમેર—કાચી.

વેળા એવી વીતી રે વેદન તણી
ઊકલ્યાં અગનનાં અસ્નાન,
મારીને ટકોરા ત્રિકમ ત્રેવડે
પાકાં પંડ રે પરમાણ—કાચી.

હરિએ હળવેથી લીધા હાથમાં,
રીજ્યા નીરખીને ઘાટ,
જીવને ટાઢક વળી તળિયા લગી
કીધા તેં અમથા  ઉચાટ—કાચી.

કવિના કાવ્યસંગ્રહ, ‘અનુરાગ’ ૧૯૭૩માં પ્રગટ આ કાવ્ય અંગે મારા ભાઈ મુનિભાઈનું રસદર્શન માણવું ગમશે. વડોદરા સ્થાયી ડૉ. મુનિભાઈ એચ. મહેતાને ‘પદ્મશ્રી’નું બીરુદ મળેલું છે : 

‘જીવનના ચાકડાનું આ ભજન બેનમૂન છે; અને જીવનમાં ડગલે ને પગલે વધુ સમજાતું જાય, ગમતું જાય. માનવીને ઘડનારો દરેકને નવા નવા ઘાટ આપે છે – ચાકડે ચડાવે છે – અવળી સવળી થપાટો મારે છે. અને પ્રત્યેક જીવને થાય છે કે, એવાં દુ:ખ આવે કે લાગે … ‘હે ભગવાન! કેમ આવી કસોટી? કેમ આવી વેદના આપી? ક્યાં છે આનો અંત?’ પણ દુ:ખ અને કસોટીમાંથી ઘડાઈને જ માણસ ‘પાકો’ ઘડો થાય છે. પુરુષાર્થથી માર્ગ કાઢે છે.

ભજનની ચરમ સીમામાં જાણે કોઈ તંબૂર લઈ સંધ્યા ટાણે શાંત સતોષથી ગાતું સંભળાય છે … 

‘હરિએ હળવેથી લીધા હાથમાં, રીજ્યા નીરખીને ઘાટ,
જીવને ટાઢક વળી તળિયા લગી કીધા તેં અમથા ઉચાટ.’

… એવો અનહદ નાદ સૂણાવી જાય છે.

•

રાત થઈ પૂરી ….

રજા ત્યારે હવે દિલબર! અમારી રાત થઈ પૂરી,
મશાલો સાવ બૂઝી, તેલ ખૂટ્યું, વાત થઈ પૂરી,
અમારી રાત થઈ પૂરી.

ભરાયો  જામ રાત્રિનો  ઉપર  તરતા હતા તારા,
ગયા ડૂબી બધા, ડૂબ્યો વળી મહેતાબ આસ્માને,
તમારો કંઠ થાક્યો, ગાન થંભ્યું, વાત થઈ પૂરી,
અમારી રાત થઈ પૂરી.

અનેરી એક રાત્રિની અમે માગી હતી મહોબત,
સવારે તો જવાનું  હા ! જુઓ વાગી રહી નોબત,
અમારી ઊપડી વણઝાર, હારો ઊંટની ચાલી,
અને છેલ્લી હવે પ્યાલી –

હવે છેલ્લી ચૂમી, ને ભૂલવી બેહિસ્તની ઝાંખી,
તમારા પેરની હિના, ગુલાબી હોઠની લાલી,
ભૂલી જાવી બદન કેરી અહા ! અણમોલ કસ્તૂરી,
સમી ખૂશ્બો અને સુરખી, તમારી આંખની ભૂરી,
અમારી રાત થઈ પૂરી.

જુઓ મસ્જિદમિનારે એ ઝલક આફતાબની આવી;
પુકારે બાંગ મુલ્લાં મસ્ત રાગે, વાત થઈ પૂરી,
અમારી રાત થઈ પૂરી.

અમે જઈશું ત્યહાં દિલબર! નહિ સાકી, નહિ શરબત,
ન આ ઝુલ્ફો તણી ખૂશ્બો, નહિ મ્હેફિલ, નહિ લિજ્જત,
અમે મિસ્કીન મુસાફર-ગાનના શોખીન-નહિ ઇજ્જત.
અમારા રાહ  જુદા ને છતાં આ દર્દ કાં થાતું?
તમારા  ગાનમાં ડૂબી જિગર મારું થયું ગાતું,
અને આ વાત  થઈ પૂરી.

[કાવ્ય સંગ્રહઃ  ‘પિયાબિન’  પાના# ૯૬]

•

હવામાં આજ …         

હવામાં આજ વહે  છે ધરતી કેરી ખુશખુશાલી,
મોડી રાતે મેઘ વિખાયો ભાર હૈયાનો કીધો ખાલી  – હવા.

ઝાકળબિંદુ પાને પાને તૂર્ણે તૂર્ણે ઝબકે જાણે
રાતે રંગીન નિહારિકા ધરતીખોળે વરસી ચાલી   – હવા.

રમતાં વાદળ ગિરિશિખરે મધુર નાની સરિત સરે
દૂર દિગંતે અધિર એનો પ્રીતમ ઊભો વાટ નિહાળી     – હવા.

રવિ તો રેલે ન્યારા સોનેરી સૂરની ધારા,
વિશળે ગગનગોખે જાય ગૂંથાતી કિરણ જાળી      – હવા.

મન તો જાણે જુઈની લતા ડોલે, બોલે સુખની કથા,
આજ ઉમંગે નવસુગંધે ઝૂલે એ તો ફૂલીફાલી      – હવા.

[‘પ્રણયમાધુરી’ કાવ્યસંગ્રહ]

••••••

કવિશ્રી નાથાલાલ  દવે  

જન્મ : 03 જૂન 1912 • મૃત્યુ : 25 ડિસેમ્બર 1993 − પિતાઃ વૈદ ભાણજી કાનજી દવે * માતાઃ કસ્તૂરબહેન * પત્નીઃ નર્મદાબહેન − અભ્યાસ: ૧૯૩૪ – બી.એ.; ૧૯૩૬ -એમ.એ.; ૧૯૪૩ – બી.ટી. − 

વ્યવસાય : શિક્ષણક્ષેત્રે શિક્ષક, આચાર્ય તેઓ ૧૯૫૬થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારીના પદ પર રહેલ અને શિક્ષણાધિકારી તરીકે સેવા આપી. છેલ્લે જી.બી.ટી.સી., માંગરોળમાંથી આચાર્ય તરીકે નિવૃત્ત (૧૯૭૦). ‘સરસ્વતી’ (૧૯૫૩–૧૯૫૬) અને ‘જીવનશિક્ષણ’ (૧૯૫૬–૧૯૫૭) એમ બે માસિકોનું તંત્રીપદ સંભાળેલું. કેટલોક સમય ‘ભાવનગર સાહિત્ય સભા’ના મંત્રી. ‘સાહિત્યભારતી’, ભાવનગરના અધ્યક્ષ.

સંયુક્ત કુટુંબનું મધુર વાતાવરણ, સાહિત્યકારોના પરિચય – તેઓની મૈત્રી; કવિવર ટાગોર, મહર્ષિ અરવિંદ અને ગાંધીજીના વ્યક્તિત્વનો પ્રભાવ; ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યનું વાચન; સાહિત્યાનુરાગી શિક્ષકોનું પ્રોત્સાહન; સ્વાતંત્ર્ય ચળવળનું ઉત્તેજક વાતાવરણ; સમગ્ર ભારતનાં પ્રાકૃતિક સૌંદર્યસ્થાનોનાં પર્યટનો; સંગીતાદિ કલાઓ પ્રત્યે અભિરુચિ ઇત્યાદિ તેમની સર્જક પ્રતિભાને પ્રભાવિત કરનારાં પરિબળો છે.

નાથાલાલ દવે અનુગાંધીયુગના મહત્ત્વના કવિ-વાર્તાકાર છે. ‘કાલિંદી’ (૧૯૪૨), ‘જાહનવી’ (૧૯૬૧), ‘અનુરાગ’ (૧૯૭૩) અને ‘પિયા બિન’- (૧૯૭૮)નાં કાવ્યોમાં શુદ્ધ કવિતા પ્રત્યેનું વલણ અને સૌંદર્યાનુરાગ અનુભવાય છે. રમ્ય શબ્દચિત્રો, ભાવનું માધુર્ય, છંદો અને ગેય ઢાળો પરનું પ્રભુત્વ તથા લલિતમધુર કાવ્યબાની તેમનાં કાવ્યોને આસ્વાદ્ય બનાવે છે. નર્મમર્મ અને કટાક્ષજનિત હાસ્યથી ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરવામાં તેમનું મૂલ્યવાન પ્રદાન છે, મુખ્યત્વે ‘ઉપદ્રવ’ : ૧, ૨ (૧૯૭૪; ૧૯૭૯) અને ‘હળવે હાથે’(ઉપદ્રવ : ૩, ૧૯૮૨)માં એ કાવ્યો સાંપડે છે. મુક્તકસંગ્રહ ‘મુખવાસ’ (૧૯૮૩); ભક્તિકાવ્યોનો સંચય ‘આનંદધારા’ (૧૯૮૯), કવિવર ટાગોરનાં કાવ્યોના સુંદર પદ્યાનુવાદનો સંગ્રહ ‘રવીન્દ્ર-વૈભવ’ (૧૯૮૬), ‘પ્રીતનો ગુલાબી રંગ’ (૧૯૮૧), ‘ઉપહાર’ (૧૯૮૭), ‘ગાયે જા મારા પ્રાણ’ (૧૯૮૮) અને ‘પ્રણયમાધુરી’ (૧૯૯૧) તેમના અન્ય કાવ્ય-સંગ્રહો છે. જનજાગૃતિ, ચૂંટણી, દેશ-વિદેશની ઘટનાઓ, ગ્રામોત્કર્ષ અને ભૂદાનપ્રવૃત્તિ એ બાબતો પ્રત્યેની તેમની જાગરૂકતા ‘સ્વાતંત્ર્યપ્રભાત’ (૧૯૪૭), ‘જનતાને કંઠે’ (૧૯૫૨), ‘મહેનતનાં ગીત’ (૧૯૫૨), ‘લોકકંઠે’ (૧૯૫૩), ‘ભૂદાન યજ્ઞ’ (૧૯૫૯), ‘સોનાવરણી સીમ’ (૧૯૭૫), ‘હાલો ભેરુ ગામડે’ (૧૯૭૯), ‘ચુનાવ પર્વ’ (૧૯૭૯), ‘ભીની માટીની સુગંધ’ (૧૯૮૧), ‘સીમ કરે છે સાદ’ (૧૯૮૨), ‘જનજાગૃતિનો ઉત્સવ’ (૧૯૮૨), ‘ચુનાવ ચક્રવાત’ (૧૯૮૯) એ સંગ્રહોનાં કાવ્યોમાં તથા ‘વિરાટ જાગે’ (૧૯૪૮) નાટક તેમજ ‘ભૂદાન યજ્ઞ’(સંગીત-રૂપક, ૧૯૫૩)માં પ્રગટ થાય છે.

‘નવું જીવતર’ (૧૯૪૫), ‘ભદ્રા’ (૧૯૪૫), ‘ઊડતો માનવી’ (૧૯૭૭), ‘શિખરોને પેલે પાર’ (૧૯૭૭) અને ‘મીઠી છે જિંદગી’ (૧૯૮૩) તેમના વાર્તાસંગ્રહો છે. વિષયનું નોંધપાત્ર વૈવિધ્ય, રોચક વર્ણનો, પાત્રના સૂક્ષ્મ મનોભાવોનું આલેખન, વાર્તાકથનની સહજ ફાવટ અને સરળ,પ્રવાહી ગદ્ય – એ વિશેષતાઓથી આ વાર્તાઓ અત્યંત રસપ્રદ બની રહે છે.

‘શ્રી અરવિંદયોગદર્શન’ (૧૯૪૨) નલિનીકાન્ત ગુપ્તાના અંગ્રેજી પુસ્તકનો તથા ‘મુદ્રારાક્ષસ’ (૧૯૫૬) હરદયાલુસિંહ લિખિત કથાસારનો અનુવાદ છે. કવિ હરગોવિંદ પ્રેમશંકરનાં ‘રુબાઈયાત અને બીજાં કાવ્યો’ (૧૯૪૬), ‘ચંદ્રગુપ્ત મૌર્ય અને બીજાં કાવ્યો’ (૧૯૪૮) તથા નાટક ‘વેનવધ’(૧૯૪૭)નાં સંપાદનો તેમણે આપ્યાં છે. ‘સાહિત્યપરાગ’ (૧૯૩૮) અને શ્રી અંબાણી સાથે ‘સાહિત્ય પાઠમાલા ૧,૨,૩’ (૧૯૩૮) તેમનાં ગુજરાતી પાઠ્યપુસ્તકોનાં સંપાદન છે. તેમણે ચુનીભાઈ ભટ્ટ અને હીરાબહેન પાઠક સાથે ગ્રામસમાજની સચિત્ર વાચનપોથી ‘ચાલો વાંચતાં શીખીએ’ ૧, ૨, ૩ પણ આપી છે. ‘મોતી વેરાયાં ચોકમાં’ (૧૯૯૩) હાસ્યરસિક ટુચકાઓનું સંપાદન છે. ‘પ્રસ્થાન’ અને ‘ફૂલછાબ’(દૈનિક)માં તેમણે લખેલાં અવલોકનો અગ્રંથસ્થ છે.

તેમની કૃતિઓને આ પ્રમાણેનાં પારિતોષિકો પ્રાપ્ત થયેલાં હતાં : (૧) ગુજરાત રાજ્ય દ્વારા શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ તરીકે પુરસ્કૃત : ‘જાહનવી’, ‘અનુરાગ’; (૨) ૧૯૭૮થી ૧૯૮૪ના ગાળાની શ્રેષ્ઠ હાસ્યકૃતિ તરીકે ‘ઉપદ્રવ’ને ‘હસાહસ’ માસિક દ્વારા પ્રથમ પારિતોષિક; (૩) ‘રવીન્દ્ર-વૈભવ’ને શ્રેષ્ઠ પદ્યાનુવાદ માટે ડૉ. લાખાણી સુવર્ણચંદ્રક, (૪) ‘ભદ્રા’ને ન. મા. સુરતી પારિતોષિક; (૫) ‘શિખરોને પેલે પાર’ને ૧૯૭૦–૧૯૮૦ના દાયકાના શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ તરીકે ‘સજની’ વાર્તામાસિક દ્વારા પારિતોષિક, ગુજરાત સરકારનું પારિતોષિક તથા જયંત ખત્રી ઍવૉર્ડ અને પુરસ્કાર; (૬) ‘મીઠી છે જિંદગી’ને પારેખ પુસ્તકાલય, વિસનગર દ્વારા ૧૯૮૩ના શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ તરીકે પારિતોષિક.

− સંકલન – મુંજાલ મહેતા બોપલ, અમદાવાદ 

————————————

પ્રતિભાવો :

૧.

જીવન – મૃત્યુ

રૂઠતી પળોને સમેટતી હું  શ્વાસમાં,
દુઃખના દીવામાં સુખવાટ વણી બેઠી છું.

ઘૂઘવતા સાગરમાં નાનીશી નાવમાં,
હળવા હલેસાંથી હામ ધરી બેઠી છું.

ઓચિંતા ભમરાતી ડમરીની દોડમાં,
રજકણ બની અંક આકાશે ઊઠી છું.
અંજળના આંસુથી  આંખોની  આહમાં,
કરુણાનું કાજળ લગાવીને બેઠી છું.

ઉરના સન્નાટામાં  લાગણીના ગીતમાં,
ઝીણા ઝણકારને વધાવીને બેઠી છું.

આવે છે નક્કી, પણ ના કોઈ વાયદા,
ક્યારનીયે મુજને સજાવીને બેઠી છું.

સરી રહ્યો સથવારો મમતાના મેળામાં
આજે અજાણી, પરાઈ બની બેઠી  છું.

જીવન પ્રયાણમાં ને મંગલ માહોલમાં,
હંસ જાય ચાલ્યો, પિંજર થઈ બેઠી છું.
                                       

                                             − સરયૂ પરીખ 

૨. 

તમે, સરયુબહેન, જ્યોત જલાવી રાખી છે; thanks to you. તમે શબ્દને સુંદર દેહ આપ્યો છે. પૂ. પપાજીનાં વ્યક્તિત્વને શબ્દોથી જીવંત કરી દીધું છે. ખૂબ ખૂબ આભાર. પૂ. પપાજી અનેકવાર મને કહેતા કે સુંદર વાંચો, વિચારો ને સુંદર મૌલીક લખો. 

− નીપા અરવિંદ દવે

Austin, Texas.    
e.mail : SaryuParikh@yahoo.com
https://saryu.wordpress.com

Loading

9 January 2024 Vipool Kalyani
← માસ્તરો છે, મજૂરો નથી !
ભારતનો પહેલો અને છેલ્લો ફિલોસોફર સમ્રાટ : પ્રિયદર્શી અશોક →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved