હોલીવુડમાં ભાતભાતની ફિલ્મો બને છે. તેમાં એક પ્રકાર મૅડિકલ થ્રિલરનો પણ છે. મૅડિકલ જગતમાં એવી ઘટનાઓ બનતી હોય છે અને મનુષ્યના જીવન સાથે તેનો એવો અસરકારક સંબંધ હોય છે કે હોલીવુડના ફિલ્મ-નિર્માતાઓ તેના પર એકેએકથી ચઢિયાતી ફિલ્મો બનાવે છે. આપણે ત્યાં હિન્દી સિનેમામાં વિષયનું આ વૈવિધ્ય હજુ આવ્યું નથી અને બહુધા તે રોમેન્ટિક વિષયની આસપાસ જ રહે છે. દક્ષિણ ભારતની સિનેમામાં હોલીવુડની જેમ ટૅક્નોલોજી-પ્રધાન ફિલ્મોના પ્રયોગો થયા છે.
ગયા વર્ષે જ મલયાલમ ભાષામાં 'વાઇરસ' નામની એક ફિલ્મ આવી હતી અને ઘણી સફળ રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહામારી સામે આગલા મોરચે લડી રહેલા ડૉક્ટરો, નર્સો અને સફાઈ કર્મચારીઓ જેવા લોકોની બહાદુરીને બિરદાવવા માટે થાળી વગાડવાની અપીલ કરી હતી. 'વાઇરસ' ફિલ્મમાં પણ કૈંક એવી જ રીતે મહામારીને પરાજય આપવા માટે જીવના જોખમે લડી રહેલા મોટા ડૉક્ટરથી લઈને સાધારણ લોકોની હીરોગીરીને નોંધવામાં આવી હતી.
આ ફિલ્મને એક જ શેડ્યુલમાં, મતલબ કે કોઝીકોડની ગવર્નમેન્ટ મૅડિકલ કોલેજમાં, સ્ટાર્ટ-ટુ-ફિનીશ શૂટ કરવામાં આવી હતી. તેને આશિક અબૂ નામના એક્ટર-પ્રોડ્યુસર-ડિરેક્ટરે બનાવી હતી. 'વાઇરસ' તેમની પાંચમી જ ફિલ્મ હતી. એમાં મલયાલમ સ્ટાર કુન્ચાકો બોબન અને પાર્વથી થીરુવોથુ મુખ્ય ભૂમિકામાં હતાં અને તેમની સાથે એક્ટર-એક્ટ્રેસની મોટી ફોજ હતી. જાણીતી એક્ટ્રેસ રેવથીએ તેમાં આરોગ્યમંત્રીની ભૂમિકા કરી હતી.
'વાઇરસ'ની કહાની અસલી ઘટના પર આધારિત હતી. ૨૦૧૮માં કેરળમાં નિપાહ વાઇરસની મહામારી ફેલાઈ હતી, જેમાં ૧૮ લોકોનાં મોત થયાં હતાં. તમે કલ્પના કરો કે ચીનના વુહાન શહેરની મૅડિકલ કોલેજમાં ડિસેમ્બર મહિનામાં પહેલી વાર કોરોના વાઇરસના દરદી આવ્યા હશે, ત્યારે ત્યાંનો મૅડિકલ સમુદાય આ અજાણ્યા યમરાજથી કેવો બઘવાઈ ગયો હશે ! આવું જ કોઝીકોડની મૅડિકલ કોલેજમાં થયેલું. મે ૨૦૧૮માં ત્યાં અચાનક તાવના માર્યા દરદીઓ આવવા લાગેલા. ડૉક્ટરો અને નર્સોએ રૂટિનમાં જ તેમનું ચેક-અપ કરીને ફ્લુની દવાઓ કરી હતી. તેમને મોઢા પર માસ્ક પહેરવા જેવી સાવધાની રાખવાની જરૂરિયાત પણ સમજાઈ ન હતી, એવી સાધારણ શરૂઆત હતી. હોસ્પિટલે ફ્લુની અનેક સિઝન જોયેલી, એટલે તેમને આમાં કંઈ નવું લાગ્યું ન હતું. અચાનક તેમના દરદીઓ મરવા લાગ્યા અને ત્યારે તેમના કાન ઊંચા થયા.
લૅબોરેટરીઓમાં ચોકસાઈથી ટેસ્ટ કરવામાં આવ્યા તો ડૉક્ટરો અને વાઇરોલોજીસ્ટ ઘા ખાઈ ગયા: તે ઘાતકી નિપાહ વાઇરસ હતો, જેને રોકવાનો કોઈ ઉપચાર પણ ન હતો. નિપાહનો પહેલો દરદી કોઝીકોડ જિલ્લાની પેરમ્બ્રા હૉસ્પિટલનો મોહમ્મદ સબિથ હતો, જેને વધુ સારવાર માટે કોઝીકોડની સરકારી હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું. તે પછી તેના ભાઈને કોઝીકોડની બેબી મેમોરિયલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને તેના પરના ટેસ્ટમાં નિપાહની ભાળ મળી. મોહમ્મદ સબિથે તેના ભાઈ સહિત ૧૭ લોકોને સરકારી મૅડિકલ કોલેજમાં આ વાઇરસનો ચેપ લગાડ્યો હતો. ત્યાં બે જ સપ્તાહમાં એક નર્સ સહિત ૧૦ લોકોનાં મોત થઈ ગયાં હતાં. આ ચેપ કોઝીકોડમાંથી શરૂ થયો અને નજીકના માલાપુરમમાં ફેલાયો. કોઝીકોડમાં અને માલાપુરમ જિલ્લામાં ૨,૦૦૦ લોકોને અલાયદા કરવામાં આવ્યા હતા.
નિપાહની શરૂઆત ૧૯૯૮માં મલેશિયાના સુન્ગાઈ નિપાહ નામના ગામમાં ડુક્કર અને ડુક્કરને પાળતા લોકોમાંથી થઈ હતી. ૧૯૯૯માં મલેશિયામાં ૧૦૫ લોકોનાં મોત થયાં અને સિંગાપોરમાં શ્વાસની તકલીફના ૧૧ કેસ અને એક મોત નોધાયું. ૨૦૦૧માં બાંગલાદેશના મહેરપુર જિલ્લામાં અને ભારતમાં સિલીગુડી જિલ્લામાં નિપાહનો રોગ દેખાયો. તે પછી ૨૦૦૩, ૨૦૦૪ અને ૨૦૦૫માં બાંગલાદેશના પાંચ અલગ-અલગ જિલ્લામાં પણ નિપાહ દેખાયો.
કેરળમાં એ પહેલી વાર દેખાયો હતો અને લૅબોરેટરીઓમાં જેમ જેમ તેના વિશે જાણકારી મળતી ગઈ તેમ તેમ તેનો પરાજય કરવા માટે મોરચો રચાતો ગયો. એમાં જિલ્લાથી લઈને છેક સરકાર, કેન્દ્ર સરકાર અને વિશ્વ આરોગ્ય સંસ્થા સુધી સહકાર સાધવામાં આવ્યો. ઓસ્ટ્રેલિયામાં ત્યારે નિપાહ માટે ક્લિનિકલ ટ્રાયલ ચાલતી હતી, તે દવાને મંગાવવામાં આવી. એમાં કેરળના તત્કાલીન આરોગ્ય સચિવ ડૉ. રાજીવ સદાનંદને બહુ સક્રિય ભૂમિકા ભજવી હતી અને કેરળ હાઈકોર્ટ તેમ જ બાલ્ટીમોરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન વાઈરોલોજીએ તેમનો ખભો થાબડ્યો હતો. ડૉ. રાજીવ સદાનંદને લોકો ‘નિપાહ રાજીવ’ તરીકે આજે પણ યાદ કરે છે. ૧૦ જૂન ૨૦૧૮ના રોજ સત્તાવાર રીતે નિપાહને નાબૂદ કરાયાની જાહેરાત કરવામાં આવેલી.
નિપાહને નાથવા માટે કેરળમાં ધમાચકડી ચાલતી હતી, ત્યારે મુહસીન પરારી નામના ફિલ્મલેખકને લોકો જે રીતે પરેશાન થતા હતા તેનાથી બહુ દુઃખ થયેલું. તેમનો ખુદનો એક સંબંધી હૉસ્પિટલમાં કામ કરતો હતો અને તેમણે દર્દનો, દરદીઓનો તથા દવાનો ચિતાર આપ્યો હતો. મુહસીન ડિરેક્ટર આશિક અબુને મળ્યો અને તેમાંથી ‘વાઇરસ’ ફિલ્મનો વિચાર પેદા થયો. આશિક કહે છે, “અમે નિપાહ રોગ પર કાબૂ મેળવવાના માણસના સફળ પ્રયાસને બિરદાવવા માગતા હતા.” તેના માટે મુહસીન અને તેના બીજા બે સહલેખકો શર્ફું અને સુહાસ નિપાહનો છેડો પકડીને ઠેઠ એ ગામ સુધી ગયા, જ્યાંથી તેની શરૂઆત થઈ હતી. ત્યારે એ ગામ હિજરત કરી ગયું હતું. ‘વાઇરસ’ ફિલ્મ નિપાહને ઝપટમાં આવેલા તમામ લોકોના અનુભવની કહાની હતી. આશિક અબુ સમજાવે છે, “આ થ્રિલર ફિલ્મ છે. એમાં લોકોના એક એવા જૂથની કહાની હતી, જે મોતથી બચવા ભાગી છૂટે છે. અમે જ્યારે વાઇરસના ફેલાવાનો આખો રસ્તો માપ્યો, તો અમે સ્તબ્ધ થઇ ગયા હતા. લોકો અમને પૂછતા હતા કે એટલા બધા કલાકારોને લઈને શું કામ આવ્યા છો? અમે જ્યારે વાર્તા લખતા હતા, ત્યારે એક વાત સમજમાં આવી કે એમાં પ્રત્યેક માણસ હીરો હતો, કારણ કે તેની કોઈને કોઈ સાહસિક કહાની હતી.”
આશિક અને તેમની ટીમ એવા એવા લોકોને મળી જે દરદીઓનાં કપડાં ધોતા હતા, મૃતકોને દફ્નાવતા હતા અને દરદીઓની સંભાળ રાખતા હતા. આશિક કહે છે, “આ એવા લોકો હતા, જેને આપણે નીચલા વર્ગના કહીએ છીએ, પણ તેઓ પ્રેમ, કરુણા અને સદ્ભાવ બતાવીને મહાનતાની સીડી ચઢ્યા હતા. જે લોકો હોસ્પિટલોમાંથી કે દેશમાંથી નાસી છૂટવા સક્ષમ હતા, તે લોકો વાઇરસનો ખોફ ભૂલીને દરદીઓને સંભાળવા રહી ગયા હતા. એટલે અમને થયું કે આવા લોકોની કહાનીને પડદા પર લાવવી જોઈએ.”
‘વાઇરસ’માં જે ઘટનાઓ બતાવવામાં આવી છે, તે કાલ્પનિક નથી. તેનો સ્ક્રીન પ્લે લખનાર ત્રણ લેખકોએ બધે ફરી ફરીને મહામારીની વિગતો એકઠી કરી હતી. ડિરેક્ટર પણ ઘણા દિવસો માટે લેખકો સાથે જોડાયેલા. એ કહે છે, “લોકો ભયાનક અનુભવોમાંથી પસાર થયા હતા. હૉસ્પિટલ સ્ટાફના પરિવારો ઘરે પ્રાર્થના કરતા હતા. અડોશપડોશના લોકોએ તેમને આઇસોલેશનમાં મૂકી દીધા હતા. અમે એક ડૉક્ટરને મળેલા, જે ઘરે વસિયતનામું લખીને ફરજ બજાવવા આવ્યો હતો. પરિવાર માટે તો એ વસિયત ડેથ-વોરંટ જેવું હતું.”
કોરોના વાઇરસ સામે દેશ આજે સંઘર્ષ કરે છે, ત્યારે લોકો ‘વાઇરસ’ ફિલ્મને ફરીથી યાદ કરી રહ્યા છે. આશિક અબુ કહે છે, “નિપાહ વાઇરસ કોવિડ-૧૯ કરતાં વધુ ઘાતકી હતો. તેનો મૃત્યુદર ૭૦થી ૮૦ ટકા હતો, જ્યારે નોવેલ કોરોના વાઇરસનો દર ૨ થી ૩ ટકા છે. અમુક દરદીઓ તો સાજા પણ થયા છે. નિપાહ ફેલાયો, ત્યારે આરોગ્ય અધિકારીઓ રીતસર ઝઝુમતા હતા. હું એ દિવસોને ક્યારે ય ભૂલી નહીં શકું.”
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 28 મે 2020