
હેમન્તકુમાર શાહ
પાકિસ્તાનના ટુકડા કરીને બાંગ્લાદેશનું સર્જન કરનારા ૧૯૭૧ના યુદ્ધ બાદ તા.૦૨-૦૭-૧૯૭૨ના રોજ ભારતનાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો વચ્ચે શિમલામાં એક સમજૂતી થઈ હતી. એ સમજૂતી કરવા માટે ઇન્દિરા ગાંધી કોઈ ત્રીજા દેશમાં ગયાં નહોતાં, પાકિસ્તાન પણ નહોતાં ગયાં, ભુટ્ટોએ ભારત આવવું પડ્યું હતું.
માત્ર અઢી પાનાંની આ શિમલા સમજૂતીની કલમ-૧(૨)ની પહેલી લીટી આ મુજબ છે : “બંને દેશો દ્વિપક્ષી વાટાઘાટો દ્વારા અથવા બંને દેશો સંયુક્ત રીતે સંમત થાય તેવા અન્ય શાંતિપૂર્ણ માર્ગોએ તેમની વચ્ચેના મતભેદોનું સમાધાન કરવાનું ઠરાવે છે.”
આ કલમનો અર્થ એ થાય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મતભેદોનો ઉકેલ એ બંને દેશો જ લાવશે, બીજું કે ત્રીજું કોઈ વચ્ચે લવાશે નહિ, કોઈની મધ્યસ્થી અમારે જોઈતી નથી.
હવે સવાલ એ છે કે અત્યારે શા માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધ વિરામની જાહેરાત કરે છે, અને યુદ્ધ શરૂ કરનાર ભારત કેમ નહીં? ટ્રમ્પ જાહેરાત કરે એનો અર્થ એવો થાય કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈક ત્રીજો દેશ ઘૂસ્યો!
વળી, કોઈક તટસ્થ સ્થળે પાકિસ્તાન અને ભારત મળશે અને શાંતિ માટે વાટાઘાટો કરશે એમ પણ નક્કી થયું છે એવું અમેરિકાના વિદેશ પ્રધાને કહ્યું હોવાનું આજનો એક અંગ્રેજી અખબારી અહેવાલ કહે છે. હદ થઈ ગઈ આ તો! જો બે જણાએ જ વાત કરવાની હોય તો કોઈ ત્રીજા દેશમાં જવાની જરૂર શું?
અત્યારે દુનિયામાં તટસ્થ દેશો માત્ર ત્રણ છે : યુરોપના સ્વિત્ઝર્લેન્ડ, આયર્લેન્ડ અને લિચટેંસ્ટીન. શું ભારતના પ્રધાનો કે અધિકારીઓ ત્યાં જઈને પાકિસ્તાન સાથે વાટાઘાટો કરશે? જો એમ કરે તો એ પણ સંભવત: શિમલા સમજૂતીનો વિચિત્ર રીતે થયેલો ભંગ જ કહેવાય.
શિમલા કરારના ભંગનું નક્કર પરિણામ એ આવે કે ભારત કોઈક ત્રીજા દેશની શેહમાં આવે, પોતાની રીતે પાકિસ્તાનને સમજાવી કે વાળી શકે નહીં અને સમસ્યા ઉકેલી શકે નહીં. બે દેશો વચ્ચે જ વાટાઘાટો થાય તો ભારતનો હાથ એક સમર્થ દેશ તરીકે ઉપર રહે એ સ્વાભાવિક છે. શું ભારતની હાલની નવી સ્થિતિ સારી કહેવાય?
એમ લાગે છે કે નરેન્દ્ર મોદી સરકારે પહેલગામની ઘટના પછી પાકિસ્તાન સાથે તમામ રાજદ્વારી સંબંધો કાપી નાખ્યા હતા, એટલે પછી પાકિસ્તાન સાથે વાટાઘાટો કરવી ક્યાં? એક વાર આપમેળે અબોલા લઈ લીધા પછી સામે ચાલીને બોલવા જવું કેવી રીતે? એમ નથી લાગતું કે પાકિસ્તાન સાથે સંબંધો સાવ કાપી નાખવાનું પગલું બહુ ઉતાવળિયું હતું? કારણ કે તેને લીધે જ અમેરિકાની ઘૂસણખોરી ભારતની વિદેશ નીતિમાં થઈ ગણાય.
બહુ યાદ નથી રહ્યું, કદાચ ઇન્દિરા ગાંધીના મિડિયા સલાહકાર રહેલા એચ.વાય. શારદાપ્રસાદ(૧૯૨૪-૨૦૦૮)ના એક લેખમાં વાંચેલું કે, કોઈક પત્રકારે પાકિસ્તાનના પ્રમુખ જનરલ ઝિયા ઉલ હક(૧૯૨૪-૮૮)ને એમ પૂછેલું કે, “તમે ઇન્દિરા ગાંધી સાથે વાટાઘાટો કેમ કરતા નથી?” ત્યારે ઝિયાએ એમ કહેલું કે, “હું એ લુચ્ચી બાઈ સાથે વાત કરવા માગતો નથી.” ઇન્દિરા ગાંધી વિદેશ નીતિની બાબતમાં કેવાં વાઘણ જેવાં હતાં એનો ખ્યાલ ઝિયાના આ વાક્યથી આવે છે.
શિમલા કરારની ઉપરોક્ત કલમ ઇન્દિરા ગાંધીની લુચ્ચાઈ કહેવાતી જબરદસ્ત રાજકીય કુનેહનું અને આંતરરાષ્ટ્રીય સંબંધોની આંટીઘૂંટીની ઊંડી સમજનું પરિણામ હતી. પાકિસ્તાનની મજબૂરી તો કદાચ સમજી શકાય, પણ નરેન્દ્ર મોદીની કઈ મજબૂરી છે કે તેઓ શિમલા કરારની આ કલમને નેવે મૂકી રહ્યા છે?
તા.૧૧-૦૫-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર