
ચંદુ મહેરિયા
દેશની પહેલી લોકસભામાં મહિલા પ્રતિનિધિત્વ પાંચ ટકા હતું. આશરે સિત્તેર વરસો પછી વર્તમાન સત્તરમી લોકસભામાં તે વધીને પંદર ટકા થયું છે. અર્ધી આબાદીનું રાજકીય પ્રતિનિધિત્વ કેટલું ઓછું છે અને તેમાં વૃદ્ધિ કેટલી ધીમી છે તેનું આ પ્રમાણ છે. આખા દેશની વિધાનસભાઓમાં મહિલા ધારાસભ્યો સરેરાશ ૮ ટકા જ છે. ગુજરાત સહિત ૧૯ રાજ્યોની વિધાનસભાઓમાં મહિલા ધારાસભ્યો ૧૦ ટકાથી ઓછાં છે. ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ ૨૦૨૨માં મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વના મુદ્દે ૧૪૬ દેશોમાં ભારતનું સ્થાન ૪૮મું હતું.
મહિલાઓ માટે પંચાયતથી પાર્લામેન્ટ સુધીના દ્વાર આપણી પિતૃસત્તાત્મક સમાજ વ્યવસ્થાએ ભીડી રાખ્યા છે. રાજનેતાઓની માનસિકતા અને રાજકીય પક્ષોની વિકટરી ફેકટરની સમજે પણ તેમાં મોટો ભાગ ભજવ્યો છે. મહિલાઓના અલ્પ રાજકીય પ્રતિનિધિત્વ માટે લૈંગિક અસમાનતા પણ કારણભૂત છે. રાજકારણ ગંદુ, ભ્રષ્ટ અને બેહદ કઠોર ક્ષેત્ર છે એટલે નરમ, કોમળ, સંવેદનશીલ, મમતામયી અને ચારિત્ર્યશીલ મનાતી મહિલાઓનું તેમાં કામ નહીં તેવી પણ છાપ ઊભી કરવામાં આવી છે. આ કારણોથી મહિલાઓનો રાજનીતિમાં પ્રવેશ ઓછો છે અને પુરુષો તેમાં બાધક છે. એટલે મહિલા અનામત દ્વારા મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વમાં વૃદ્ધિના પ્રયાસો કરવામાં આવ્યા છે.
પંચાયત અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા અનામત ઘણાં વરસો પૂર્વે દાખલ કરી શકાઈ હતી, પરંતુ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલા અનામતનો પ્રયત્ન લાંબા સમયથી સફળ થઈ રહ્યો નહોતો. પ્યૂ રિસર્ચ સેન્ટરના સર્વેક્ષણ પ્રમાણે દર બે પૈકીનો એક ભારતીય માને છે કે મહિલા અને પુરુષ સમાન રીતે સારા રાજનેતા બની શકે છે. દર દસે એક ભારતીય માને છે કે સામાન્ય રીતે મહિલા પુરુષની તુલનામાં સારા રાજનેતા બની શકે છે. એકંદર ભારતીય લોકમાનસ મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વની તરફેણમાં હોવા છતાં સત્તાવીસ વરસોના દીર્ઘ વિલંબે લોકસભા અને વિધાનસભાઓમાં ૩૩ ટકા મહિલા અનામતનું બિલ પસાર થઈ શક્યું છે.
સંસદના બંને ગૃહોએ લગભગ સર્વાનુમતે પસાર કરેલા નારી શક્તિ વંદન અધિનિયમ ૨૦૨૩માં લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા જગ્યાઓ અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિની મંજૂરી પછી હવે તે કાયદાનું સ્વરૂપ લેવાની પ્રતીક્ષામાં છે. હાલનું મહિલા અનામત બિલ ૧૨૮મો બંધારણ સુધારો છે. બંધારણના અનુચ્છેદ ૩૩૦ (લોકસભામાં મહિલા અનામત), ૩૩૨ (વિધાનસભાઓમાં મહિલા અનામત) અને ૨૩૯ એ એ(દિલ્હી વિધાનસભામાં મહિલા અનામત)માં સુધારા કરવામાં આવ્યા છે. મહિલા અનામત માટે ૧૫ વરસોની સમય મર્યાદા ઠરાવવામાં આવી છે. નવી વસ્તી ગણતરી અને પરિસીમન પછી મહિલા અનામતનો અમલ કરવામાં આવશે. અનુસૂચિત જાતિ અને જનજાતિની હાલની જે અનામત બેઠકો છે તેમાં ૧/૩ બેઠકો મહિલાઓ માટે ફાળવવામાં આવી છે. એટલે અનામતમાં પેટાઅનામત કે કોટા વિધિન કોટાની જોગવાઈ છે.
સત્તાવીસ વરસોથી આઠ વખતના પ્રયત્નો છતાં મહિલા અનામત બિલ પસાર થઈ શકતું નહોતું તેનું એક કારણ ઓ.બી.સી. મહિલાઓ માટે અનામતની જોગવાઈની માંગણી હતી. લોકસભામાં જે બે મુસ્લિમ સાંસદોએ આ બિલના વિરોધમાં મતદાન કર્યું તેમની માંગણી મુસ્લિમ મહિલાઓ માટે અનામતની માંગણી હતી. આ બંને માંગણીઓને આંકડાકીય હકીકતો સાથે ચકાસતાં તેમાં તથ્ય જણાય છે અને વિરોધ વાજબી લાગે છે.
૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૮૪ મહિલા સાંસદો ચૂંટાયાં હતાં. તેમાં સામાન્ય વર્ગના ૫૫, દલિત અને આદિવાસી ૧૨-૧૨, મુસ્લિમ ૪ જ્યારે ઓ.બી.સી. ૧ હતા. ૮૨ મહિલા સાંસદોમાં એક જ અન્ય પછાતવર્ગના હોઈ તેમનું પ્રતિનિધિત્વ માત્ર ૧.૨૧ ટકા જ છે. જો કે ઓ.બી.સી.ના પુરુષ સાંસદો ૧૧૯ છે. મંડલ રાજનીતિના ઉભાર પછી કથિત ઉચ્ચ જ્ઞાતિઓનું વર્ચસ ખતમ કરીને પછાત વર્ગો લોકસભામાં પ્રવેશ્યા છે. હવે જો તેમની બેઠકો સામાન્યવર્ગની મહિલા અનામતમાં ફેરવાય તો પછાત વર્ગોનું વર્ચસ ઘટી જાય. લોકસભામાં દલિતો માટેની ૮૪ અનામત બેઠકોમાં ૨૮ મહિલાઓ માટે, આદિવાસીઓની ૪૭માંથી ૧૬ મહિલાઓ માટે અનામત રાખવાની છે, પરંતુ ઓ.બી.સી. મહિલાઓ માટે અનામતની જોગવાઈ ન હોવાથી સામાન્ય વર્ગની મહિલાઓને જે ૧૩૭ અનામત બેઠકો ફાળવી છે તે ઓ.બી.સી. પુરુષોની બેઠકોને અસર કરી શકે છે. સરકાર પક્ષે એવી દલીલ છે કે અન્ય પછાત વર્ગોને શિક્ષણ અને નોકરીઓમાં રિઝર્વેશન આપવામાં આવ્યું છે, પરંતુ તેમને પોલિટિકલ રિઝર્વેશન આપવામાં આવ્યું નથી. તેથી ઓ.બી.સી. મહિલાઓ માટે અનામતનો સવાલ જ નથી. આ દલીલ પણ બંધારણીય રીતે સાચી છે.
મુસ્લિમ મહિલાઓ દેશની કુલ વસ્તીમાં ૬.૯ ટકા છે પરંતુ લોકસભામાં તેમનું પ્રતિનિધિત્વ ૦.૭ ટકા જ છે. કેમ કે ૨૦૧૯માં ૫૪૩ સભ્યોની લોકસભામાં ૪ જ મુસ્લિમ મહિલા ચૂંટાયા હતાં. સત્તરમાંથી પાંચ લોકસભા ચૂંટણીમાં એક પણ મુસ્લિમ મહિલા ચૂંટાયા નહોતાં. અને તમામ લોકસભામાં તેમની મહત્તમ સંખ્યા ચાર જ હતી. લોકસભામાં દેશના ૨૪ રાજ્યોનું મુસ્લિમ મહિલા પ્રતિનિધિત્વ શૂન્ય છે. એટલે ઓ.બી.સી. અને મુસ્લિમ મહિલાઓનું રાજકીય પ્રતિનિધિત્વ નહિવત હોવાથી મહિલા અનામતમાં તેઓ અલગ ભાગ માંગે છે.
મહિલા અનામતનો મુખ્ય ઉદ્દેશ રાજનીતિમાં મહિલા ભાગીદારી વધારવાનો છે. ભારતમાં વર્ણ, વર્ગ અને ધર્મની રીતે તમામ મહિલાઓ સમાન નથી. તેથી તમામ મહિલાઓના પ્રતિનિધિત્વ વિનાની મહિલા અનામત અંગે ફેર વિચારની આવશ્યકતા છે. સમાજના તમામ વર્ગોની મહિલાઓનો મહિલા સંબંધી કાયદા અને નીતિઓ ઘડતી વખતે અવાજ હોય તે માટે મહિલા અનામતને વધુ સમાવેશી બનાવવાની જરૂર જણાય છે. જો તમામ મહિલાઓને પ્રતિનિધિત્વ ના મળે તો કદાચ જે તે સમુદાયની વાત રજૂ ના થઈ શકે. એટલે કાયદામાં અને યોજનામાં ઊણપ રહી શકે છે. જો કાયદાનો આશય મહિલા પ્રતિનિધિત્વમાં વૃદ્ધિનો હોય તો કથિત ઉચ્ચ વર્ણનાં મહિલાઓની સાથે તમામ જ્ઞાતિ – ધર્મના મહિલાઓને સ્થાન મળવું જોઈએ.
મહિલા અનામતથી પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ ઘટશે તો તે આ કાયદાની સૌથી મોટી ખામી હશે. અનુસૂચિત જાતિ, જનજાતિને પણ તેમની હાલની બેઠકોમાં જ મહિલા અનામત ફાળવી છે એટલે તે વર્ગોના પુરુષોની રાજકીય કારકિર્દીનો સવાલ પણ ઊભો થશે. કદાચ ૨૦૨૯ કે તે પછી મહિલા અનામતનો અમલ શરૂ થશે. અત્યારે તો વિપક્ષોએ મહિલાવિરોધી ના ગણાઈ જવાય તેની બીક્માં સરકારનું સમર્થન કર્યું છે. પરંતુ કાઁગ્રેસ સહિતના તમામ વિરોધપક્ષોએ અને ભારતીય જનતા પક્ષના ઓ.બી.સી. નેતાઓએ ઓ.બી.સી. મહિલાઓ માટે અનામતની માંગ કરી છે. આ માંગ બુલંદ બને તે પૂર્વે તમામ રાજકીય પક્ષોએ એક મતે મહિલા અનામતને વધુ સમાવેશી બનાવવા વિચારવું જોઈએ.
e.mail : maheriyachandu@gmail.com
![]()

