Opinion Magazine
Number of visits: 9449109
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહેન્દ્ર મેઘાણીના જીવન-કાર્ય-સંભારણાં-અભિપ્રાયોનું મેઘધનુષ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|11 August 2022

પત્રકાર, લેખક અને સંશોધક ઉર્વીશ કોઠારીનું ‘મહેન્દ્ર મેઘાણી’ પુસ્તક ગુજરાતના લોકોત્તર વાચનપ્રસારકના જીવનકાર્યની ઓળખ રસાળ રીતે આપે છે. આ પુસ્તક લખીને ઉર્વીશભાઈએ  મહેન્દ્રભાઈના જંગમ પ્રદાનની કદરબૂજ કરવાનું જે કામ કર્યું છે તે ખરેખર તો ગુજરાતની અક્ષરઆલમે કરવા જેવું હતું. 

મહેન્દ્રભાઈ સાથેની દીર્ઘ મુલાકાતનું બનેલું, એક બેઠકે ક્યાં ય રસક્ષતિ વિના વાંચી જવાય તેવું, અનેક ફોટા સાથેનું આ પુસ્તક મહેન્દ્રભાઈના જીવનકાર્યનું પહેલવહેલું આધારભૂત દસ્તાવેજીકરણ છે. તે મહેન્દ્રભાઈના જીવનકાળમાં, તેઓ એકંદરે સ્વસ્થ અને સજાગ હતા ત્યારે તૈયાર થયેલું છે.                    

‘સાર્થક પ્રકાશન’ના આ પુસ્તકનું ઉદ્દઘાટન 26 જાન્યુઆરી 2020ના દિવસે ભાવનગરમાં ‘લોકમિલાપ’ના ફળિયામાં મહેન્દ્રભાઈના પરિવારજનો અને ચાહકોની હાજરીમાં એક અવસર તરીકે થયું.

‘માતબર મુલાકાતો સ્વરૂપે વ્યક્તિવિશેષના જીવન-સર્જનનું અંતરંગ આલેખન’ કરતી જે ‘સાર્થક સંવાદ શ્રેણી’ હેઠળ આ પુસ્તક તૈયાર થયું છે તેમાં આ પૂર્વે ‘સફારી’ વિજ્ઞાન માસિકના શિલ્પી નગેન્દ્રવિજય અને ‘નિરીક્ષક’ના તંત્રી પ્રકાશ ન. શાહ પરનાં પુસ્તકો પણ બહાર પડ્યાં છે.

પુસ્તકનો મુખ્ય હિસ્સો બિલકુલ સહજ સવાલ-જવાબ તરીકે મૂકવામાં આવેલી મહેન્દ્રભાઈ સાથેની 84 પાનાંની દીર્ઘ મુલાકાત છે જે ચાર વિભાગોમાં છે : ‘ઝવેરચંદ મેઘાણી સાથેનાં સંભારણાં’, ‘વિદ્યાર્થી અવસ્થા-લગ્ન-વિદેશગમન’, ‘ગાંધીજી-સરદાર-નહેરુ-પત્રકારત્વ-સ્વામી આનંદ’, ‘મિલાપ-લોકમિલાપ : પ્રવૃત્તિઓ’, ‘ફિલ્મ મિલાપ’, ‘સંક્ષેપ, જોડણી, લિપિસુધાર’, ‘અંગત ગોષ્ઠી’.

સવાલ-જવાબ બાદ, મહેન્દ્રભાઈનો એવો જીવનક્રમ મળે છે જેની એમણે પોતે ખરાઈ કરી હોય. તે પછી કક્કાવારીમાં ગોઠવાયેલી બે યાદીઓ છે : એક, મહેન્દ્ર મેઘાણી દ્વારા સંપાદિત કરાયેલાં પુસ્તકો-પુસ્તિકાઓ; અને બે, મહેન્દ્રભાઈ  દ્વારા અનુવાદિત પુસ્તકો.

પહેલાં વિભાગનાં 132 અને બીજાંનાં 20 પુસ્તકોનાં નામ પણ ધ્યાનથી જોઈએ તો એક અસાધારણ વાચનનિષ્ણાત તરીકેના મહેન્દ્રભાઈના રુચિવૈવિધ્ય અને તેમની દૃષ્ટિનો સાગમટે અંદાજ આવે છે, જે કદાચ આવી સમાવેશક યાદી વિના ન આવી શકે.

ચરિત્રલેખનની એક પ્રયુક્તિ તરીકે સવાલ-જવાબના ફૉર્મ સાથે કામ લેવાની ઉર્વીશભાઈની આવડત અને મુલાકાત લેવા માટે તેમણે કરેલું ઘરકામ, પુસ્તક વાંચતી વખતે ધ્યાનમાં આવતાં રહે છે.

દરેક વિભાગમાં કેટલાક સવાલ-જવાબ તો સોંસરા છે. જેમ કે, ‘ઝવેરચંદ મેઘાણી સાથેનાં સંભારણાં’માં એક સવાલ આ મતલબનો છે : ‘ઝવેરચંદ મેઘાણીનાં ચિત્રાદેવી સાથેનાં લગ્નને તમે સમભાવથી લઈ શકેલા?’ જવાબ છે : ‘સૉરી ટુ સે, નહોતો લઈ શક્યો.’ મહેન્દ્રભાઈના બા એટલે કે ઝવેરચંદ મેઘાણીના પહેલાં પત્ની દમયંતીબાએ અગ્નિસ્નાન કર્યું હતું. મહેન્દ્રભાઈને ઉર્વીશે એમના બાનું સ્મરણ પૂછ્યું. મહેન્દ્રભાઈએ અગ્નિસ્નાનના બનાવની થોડી વાત કરી, અને તેમાં કહ્યું : ‘મને કોઈ  દિવસ ખ્યાલ જ નહીં કે બા આવાં દુ:ખી  હશે …’

મેઘાણીભાઈની ‘છેલ્લી અવસ્થાની વાત’માં મહેન્દ્રભાઈ કહે છે : ‘એમને સ્મશાનમાં ચિતા પર મૂક્યાં ત્યારે મને થતું હતું કે હું ચિતામાં કૂદી પડું, બાપુજીની પાછળ.’

‘ગાંધીજી-સરદાર …’ પ્રકરણમાં સ્વામી આનંદની લાક્ષણિકતા વિશેના સવાલમાં મહેન્દ્રભાઈ કહે છે : ‘એ અતિશય પ્રેમાળ .. મને કહેતાં હું તને પુત્રવત ગણું છું .. બહુ મેં દુ:ખી કર્યા એને. ઘણાં માણસોને મેં દુ:ખી કર્યા … મારા પિતાને દુ:ખી કર્યા છે, મારી પત્નીને દુ:ખી કરી છે. કેટલીક અવળચંડાઈ મારામાં છે.’ પત્નીને ‘અકોણા સ્વભાવને કારણે દુ:ખી કરેલી’ એમ પણ તેઓ કબૂલે છે.

મહેન્દ્રભાઈ તેમણે હાથ ધરેલી લિપિસુધારણાની પ્રવૃત્તિને લગતા સવાલોના વિગતે જવાબ આપે છે. તેમાં એક જગ્યાએ કહે છે : ‘મારો એવો દાવો છે કે કોઈ માણસની સાથે હું અરધો કલાક બેસું તો એના ગળે લિપિસુધાર ઊતરાવી જ દઉં. લૉજિકલ વસ્તુ છે.’

એક જગ્યાએ મહેન્દ્રભાઈ કહે છે : ‘બબલભાઈ મહેતા મારા બહુ પ્રિય-અત્યંત પ્રિય .. રોલ મૉડેલ .. હું મહાત્મા ગાંધી ન થઈ શકું, પણ બબલભાઈ થઈ શકું. એમનું આપણે અનુકરણ કરી  શકીએ.’

ઉર્વીશભાઈનો  સવાલ : ‘મૃત્યુ  વિશેના વિચાર આવે ?’ જવાબ : ‘સરકાર જે સુધારા કરવા માગે છે તેમાંથી એક સુધારાની હું બહુ આતુરતાથી રાહ જોઉં છું. આત્મહત્યાનો પ્રયત્ન કરવો એ ગુનો છે એ કલમ જો કાઢી નાખે તો મારે પહેલો એનો અમલ કરવો છે.’ આ કેટલાક દાખલા છે. આ રીતે મહેન્દ્રભાઈની મનોભૂમિની ઝલક મુલાકાતના દરેક વિભાગમાં મળતી રહે છે.

અનેક બનાવો પણ છે. મહેન્દ્રભાઈ સંભારે છે કે પિતાજીએ તેમને એક જ વખત માર્યા હતા. મોઈદાંડિયાના દાંડિયાથી બજાર વચ્ચે ફટકારેલા એ પ્રસંગ તેઓ વર્ણવે છે. વિદ્યાર્થી અવસ્થા વિશેના પ્રકરણમાં મહેન્દ્રભાઈ કહે છે કે 1942ની ચળવળમાં તેઓ ‘પાટા ઉખેડવાનું ને એવું બધું’ કરતા, ‘બોટાદમાં છમકલાં કર્યાં … તારનાં દોરડાં કાપેલાં ને … છોકરમત બધી’ કરેલી.

દેશના જાહેર જીવનમાં હિન્દુ-મુસ્લિમ ભેદ ન હોવા જોઈએ એવો મહેન્દ્રભાઈનો આદર્શ. એટલે તેઓ કહે છે : ‘હિન્દુ અને મુસલમાનનાં નામ શું કામ જુદાં હોવાં જોઈએ? અને અબુલ કલામના નામ પરથી મેં એનું (મોટા  દીકરાનું) નામ અબુલ રાખ્યું.’

અમેરિકા વિશે  છાપાંમાં અને ખાસ તો કૃષ્ણલાલ શ્રીધરાણીના  ‘My India, My America’ પુસ્તકમાં વાંચીને એ ભોમ વિશે ‘એટલી બધી લાગણી’ જાગી કે 1948માં પત્રકારત્વનું ભણવા ન્યુયૉર્કની કોલમ્બિયા યુનિવર્સિટીમાં પહોંચ્યા. ત્યાં એમના કાગળિયા જોઈને અધિકારીએ કહ્યું કે ‘આ તો પોસ્ટ-ગ્રૅજ્યુએટ સ્કૂલ છે, ને તમે તો ગ્રૅજ્યુએટ પણ નથી થયા’ ! અમેરિકા જવાની આર્થિક વ્યવસ્થા ‘મારા સસરાને આભારી’, એમ પણ મહેન્દ્રભાઈ સ્વીકારે છે.

ગાંધીજીમાં પહેલવહેલી વાર રસ પડ્યો તે શિક્ષક જમુભાઈ દાણીએ કરેલા ‘સત્યના પ્રયોગો’ના સંક્ષેપને કારણે. ‘પ્રિન્સ ઑફ મેન’ જવાહરલાલ નહેરુ સાથેનો એક પ્રસંગ મહેન્દ્રભાઈએ વર્ણવ્યો છે.

યુગોસ્લાવિયામાં એક જગ્યાએ બીજા લોકો માટે પ્રતિબંધિત એવી લક્ઝરી શીપમાં સહેલગાહે ગયેલાં પંડિતજી સાથે ‘ખાદીની ટોપી અને સફેદ કપડાં’ પહેરેલાં મહેન્દ્રભાઈ ‘નહેરુના માણસ’ તરીકે  ‘ગૂપચૂપ ઘૂસી’ ગયા હતા.

મહેન્દ્રભાઈ ભાવનગરમાં રવિવારે ‘લોકમિલાપ’ બંધ હોય તે દિવસે પુસ્તકોની લારી લઈને વેચાણ માટે ફરતા. તેમના મિત્ર માનભાઈ ભટ્ટે ઘોડા પુસ્તકોના ઘોડા સાથેની ખાસ લારી બનાવડાવી હતી.

ઉર્વીશભાઈ ‘મહેન્દ્ર-મિલાપ’ મથાળા હેઠળની પ્રસ્તાવનામાં જણાવે છે કે આ પુસ્તક ‘મહેન્દ્રભાઈને અને લોકમિલાપને આદરાંજલિ તરીકે’ તૈયાર થયું છે. આ પ્રસ્તાવનામાં લેખકના મહેન્દ્રભાઈ સાથેના સંબંધનો આલેખ, તેમના માટેના આદરના કારણો, સંક્ષેપીકરણના તેમના અભિગમ સાથેના મતભેદ અને આ પુસ્તક માટેની પ્રકિયા વાંચવા મળે છે. તેમાં મહેન્દ્રભાઈના વ્યક્તિત્વની કેટલીક ખૂબીઓ પણ નોંધાઈ છે.

ઉર્વીશભાઈએ પુસ્તક આ શહેરના એક જમાનાના જ્ઞાનમાળી એવા મહેન્દ્રભાઈના એક નાના ભાઈ  નાનકભાઈ અને તેમના ‘પુત્રીવત સાથી હંસાબહેન પટેલને’ સરસ નોંધ અને ફોટો સાથે અર્પણ કર્યું છે.

ચોરસ ઘાટના ત્રીસેક ચોરસ ઇંચના ખૂબ આકર્ષક  પુસ્તકના સો પાનાં પૂરાં કરીએ ત્યારે છેલ્લાં આવરણ પરના શબ્દો યથાર્થ છે : ‘મહેન્દ્ર મેઘાણી સાથે બીબાઢાળ ઔપચારિકતા વિનાનો સંવાદ, જેમાંથી ઉપસે છે તેમના જીવન-કાર્ય-સંભારણાં-અભિપ્રાયોનું મેઘધનુષ’.

ગુજરાતને સિત્તેર વર્ષ સુધી ઉત્તમ વાચન પૂરું પાડનાર મહેન્દ્ર મેઘાણીની ગુજરાતની સાહિત્ય સંસ્કૃતિ(literary culture)માં નજીવી કદર થઈ છે. તેમના સમગ્ર પ્રદાન વિશે અત્યાર સુધી કોઈપણ વિસ્તૃત લેખ ધ્યાને પડ્યો નથી.

‘મેઘાણી ગ્રંથાવલી’, ‘કાવ્ય કોડિયાં’ અને ‘ચંદનનાં ઝાડ’ જેવી અસાધારણ સૂઝથી તૈયાર થયેલી અને લાખો નકલોના વેચાણ સુધી પહોંચેલી પુસ્તક યોજનાઓ, સીમચિહ્નરૂપ સંપાદન ‘અરધી સદીની વાચનયાત્રા’ના વિષયવ્યાપ, ‘આંસુ લૂછવા જાઉં છું’ અને ‘ગાંધીજીનું જીવન એમના જ શબ્દોમાં’ સંક્ષેપો જેવા અનેક કામો વિશે સામયિકોમાં કે પુસ્તકોમાં પૂરાં કદનું ભાગ્યે જ કશું વાંચવા મળ્યું છે.

 મહેન્દ્રભાઈના પુસ્તકરાશિનો પટ અને ઊંડાણ એવાં છે કે જેનો સાહિત્ય, વિવેચન, સંપાદન, અનુવાદ શિક્ષણ, પ્રકાશન વ્યવસાય, ગ્રંથાલય વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, પત્રકારત્વ જેવા અનેક ક્ષેત્રોના જાણકારોને રસ પડે. કમનસીબે સાહિત્યિક અને બૌદ્ધિક ક્ષેત્રો દ્વારા અભ્યાસની રીતે મહેન્દ્રભાઈનું કામ અત્યાર સુધી તો એકંદરે ઉપેક્ષિત રહ્યું છે.

અલબત્ત, ઉર્વીશનું પુસ્તક ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન ન્યાયે મૂલ્યવાન છે એવું નથી, એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. અત્યારના તબક્કે એ જીવનચરિત્રનો વિકલ્પ તેમ જ તેના માટેની પાયાની સામગ્રી અભ્યાસ અને માવજત સાથે પૂરી પાડે છે.

બીજી મહત્ત્વની વાત છે તે ઉર્વીશભાઈની ગુણાનુરાગિતાની. મહેમદાવાદથી વીસેક વર્ષથી અપડાઉન કરતાં સતત કાર્યરત, મોટે ગાળે સેલ્ફ-એમ્પ્લોઈડ આ માણસે, તેને ઊંચેરાં કે નોખાં  લાગેલાં કેટલાંક પાત્રોની મહત્તા તેમના વિશેના લાંબા લેખો, ‘સાર્થક જલસો’ની મુલાકાતો અને પુસ્તકો દ્વારા આધાર તેમ જ ભાવથી ગુજરાત સામે મૂકી છે.

તેમાંથી કેટલીક વ્યક્તિઓ છે : કૅપ્ટન લક્ષ્મી સહગલ, રજનીકુમાર પંડ્યા, સરદાર પટેલ, નગેન્દ્ર વિજય, પ્રકાશ ન. શાહ, પ્રશાંત દયાળ, આશિષ  કક્ક્ડ અને મહેન્દ્ર મેઘાણી.

આ બધા જનો પાસે ઝાકઝમાળ, વગ, સત્તા, સંપત્તિ જેવું કશું નથી. પણ તેમનું સાચું વિત્ત ઉપસાવવા માટે ઉર્વીશભાઈ ખુદનાં સમય-ક્ષમતા-સંસાધનો કામે લગાડે છે. એમના માટે આ પૅશન હશે. પણ મારા માટે એ ખૂબ પ્રશંસાની બાબત છે, અને આવનારી પેઢીઓ માટે આ ઇતિહાસ-સામગ્રી છે.

10 ઑગસ્ટ 2022

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌—————————————————————- 

પ્રાપ્તિસ્થાન : 

1. ’ગ્રંથવિહાર’, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ. (સંપર્ક 079-26587949) •  2. ’બુકશેલ્ફ’ ,16, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી.જી. રોડ, અમદાવાદ. કિંમત રૂ .110/-
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

11 August 2022 Vipool Kalyani
← સામાન્ય (અ)જ્ઞાન
દયા અને ઉપેક્ષામાં જીવતા, અધિકાર માગતા વિકલાંગ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved