Opinion Magazine
Number of visits: 9448730
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહાત્મા ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ

ચત્રભુજ બી. રાજપરા|Gandhiana|2 February 2024

ચત્રભુજ રાજપરા

આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો નિર્વાણ દિન, જેને આપણે શહીદ દિનથી સન્માન આપીએ છીએ, તે ૩૦મી જાન્યુઆરી ર૦ર૪ના રોજ આવી ગયો. આઝાદીનો અમૃત મહોત્સવ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે જોગાનું જોગ સુભાષચંદ્ર બોઝે કે જેમણે સૌ પ્રથમ મહાત્મા ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે રાષ્ટ્ર જોગ રેડિયો પ્રવચન સંદેશમાં સંબોધન કરેલ હતું, તે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિનને પણ ૭પ વર્ષ પૂરાં થાય છે. ત્યારે ચાલો, આપણે પણ, આ મહાત્માને સર્વોચ્ચ માન સાથે સાચી શ્રદ્ધાંજલિ આપીએ.

મહાત્મા ગાંધીજીનું પોતાનું સમગ્ર જીવન નીતિમય આધ્યાત્મિક, ધર્માત્મા સ્વરૂપ રહ્યું છે, પોતાના જીવનને એક એક તબ્બકે આત્મમંથન કરી પોતાની ભૂલો સ્વીકારી, સુધારી જીવન જોડ્યું છે. તેમનાં વાણી અને વ્યવહારમાં ક્યાં ય પણ અલગાવ જોવા મળ્યો નથી. તેમનું જીવન એ જ તેમનો સંદેશ ઘણું બધું કહી જાય છે. યુદ્ધ અને પ્રેમમાં બધું જ ચાલે ”evertihing is fair in love an war” – આ સૂત્રને ગાંધીજીએ સંપૂર્ણ બદલી નાખ્યું. તેમણે સ્પષ્ટ કહ્યું કે કોઈ પણ બાબત હોય તેમાં નીતિ માર્ગ છોડી શકાય નહીં. ભલે તે રાજકીય યુદ્ધ હોય કે રાજનીતિ કે કોઈ પણ મોરચો હોય નીતિ છોડી શકાય નહીં. કોઈ પણ શુદ્ધ સાધ્ય માટે શુદ્ધ સાધન હોવું જોઈએ.

ગાંધીજીએ સામાજિક, રાજકીય, આર્થિક, ધાર્મિક અને શૈક્ષાણિક ક્ષેત્રે, તમામ ક્ષેત્રે અહિંસક ક્રાંતિકારી વિચારો રજૂ કરી અમલ કરી બતાવ્યો છે. તેમના પાયામાં તેની મૂળભૂત વિચારસરણી એકાદશ વ્રત અને ઉન્નતિ માટે કે ગ્રામ સ્વરાજ માટે કે પોતાનાં સપનાંના ભારત માટે રચનાત્મક ક્રાર્યક્રમો આપી એક જ નવો રાહ ચીધેલ છે. રાજનીતિ સામે લોકનીતિનો નવો જ વિચાર મૂકેલ છે. આજે પણ આ દેશમાં કોઈ પણ સરકાર હોય તેના વિચારો દરેક કાર્યક્ષેત્રમાં કોઈના કોઈ સ્વરૂપે દૃષ્ટિગોચર થાય છે. પછી તે સ્વચ્છ ભારત  અભિયાન હોય કે સ્વચ્છાંજલિ કાર્યક્રમ હોય તે જ રીતે સ્વદેશની ઝુંબેશ હોય કે મેડ ઈન ભારતનો કાર્યક્રમ હોય કે પ્રત્યક્ષ રૂપે આર્થિક ક્ષેત્રે ખાદી ગ્રામોધોગનો વિચાર એ ગાંધીજીના હિન્દ સ્વરાજના વિચારનું પ્રતિબિંબ છે. તે જ રીતે ભારત સરકારની નવી શિક્ષણ નીતિ ગાંધીજીની ઉદ્યોગલક્ષી શિક્ષણ નવી તાલીમનું જ સ્વરૂપ છે. માતૃભાષા કે પ્રાંતીય ભાષાને અપાતું મહત્ત્વ પણ ગાંધીજીનો મૂળ વિચાર છે, એટલો જ રાષ્ટૃભાષાને મહત્ત્વની ગણનાપાત્ર તેમની જ વિચારસરણી છે.

ગાંધીજીએ હંમેશાં જાત મહેતન સ્વાવલંબનને મહત્ત્વ આપ્યુ છે. પોતે જીવનભર રેંટિયો કાંતીને શ્રમને એટલું જ મહત્ત્વ આપેલું છે. શ્રમ વગર મફતનું ન ખાવાની તેમની પ્રેરણા છે. તેથી જ શ્રમયોગી જેવા કે ખેડૂતો, મજૂરો તથા પછાત વર્ગના લોકોના ઉત્કર્ષ તે તેમનો મૂળભૂત ધ્યેય રહ્યો છે, છેવાડાના માનવીની સેવાને જ માનવ ધર્મ ગણી અપાવ્યો છે, હાલ અંત્યોદય યોજનાથી પ્રચલીત છે. આજ રીતે સર્વ ધર્મ સમભાવની ભાવના દ્વારા તમામ ધર્મ પ્રત્યે સદ્દભાવના દર્શાવે છે. હિન્દુ મુસ્લિમ એકતાનું તેમનું જીવનનું મહત્ત્વનું કાર્ય રહ્યું છે. પોતાની જાતને હંમેશાં સનાતની હિન્દુ ગણાવ્યા છે. ”રામ” રટણ તેના જીવનનો મંત્ર બની રહ્યો છે.

પોતે સાચા રામ ભકત હતા. છતાં તેમણે તમામ ધર્મને એટલું જ મહત્ત્વ આપેલું છે, પોતાના અંતકાળ સમયે પોતાની પૌત્રી મનુને એટલે જ કહ્યું હતુ કે ”કોઈ મને સામી છાતીએ ગોળી મારે અને તેમ છતાં ય મારા મોઢામાંથી સીસકારો ન નીકળે,  ”રામ રામ” રામનું રટણ નીકળે, તો જ માનજે કે આ સાચો મહાત્મા હતો. જો રોગથી, અરે નાનકડી ફોડલીથી ય જો મારું મોત થાય તો તારે દુનિયાને પોકારી પોકારીને કહેવાનું છે કે આ દંભી મહાત્મા હતો.” આવા વિરલ મહાત્મા ગાંધી આપણા દેશનાં રાષ્ટ્રપિતા છે.

આજે સમગ્ર વિશ્વમાં ગાંધીજીની સ્મૃતિ ઊભી થયેલી કોઈના કોઈ સ્વરૂપે દૃષ્ટ્રિગોચર થાય છે. આપણા દેશને પણ સમગ્ર વિશ્વ ગાંધીજીની ભૂમિથી ઓળખે છે, એટલે તો વિશ્વના કોઈ પણ દેશના મહાનુભાવો ભારતની મુલાકાતે આવે, ત્યારે પોતાને મહાત્મા ગાંધીની ભૂમિપર આવવાનું સદ્દભાગ્ય ગણે છે. આપણા દેશમાં પણ થતાં કોઈ પણ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો જેમ કે, તાજેતરમાં ‘જી-ર૦’નું સંમેલન થયું, તેમાં પણ આપણા વડા પ્રધાનશ્રીએ સૌના સ્વાગતમાંગાંધીજીની પ્રતિભા સાથે ઓળખ આપી હતી. તેમ જ પધારેલાં તમામ મહાનુભાવોને મહાત્મા ગાંધીને વંદન કરવા રાજધાટ સુધી પહોંચાડેલાં હતા. ભારતના કોઈ પણ કાર્યક્રમમાં કે મુલાકાતે વિશ્વના કોઈ પણ નેતા કે મહાનુભાવો પધારે છે, ત્યારે તેમનાં કાર્યક્રમમાં રાજધાટ કે ગાંધી આશ્રમ મુલાકાતનો અચૂક સમાવેશ કરે છે. ભારતનાં સર્વોચ્ચ નેતાઓ કે વડાઓને વિશ્વમાં મળતું માન માટે તેમની કાબેલિયત ઉપરાંત મહાત્મા ગાંધીના વિચારોની છાપ તથા ગાંધીની ભૂમિના પ્રતિનિધિ તરીકે મળે છે. આજે યુદ્ધના માહોલમાં વિશ્વના તમામ દેશો સમજે છે કે વિશ્વ શાંતિ માટે ગાંધી ચિંધ્યા માર્ગે જ ગયા વગર છૂટકો નથી. આજ ભલે સત્તા વિસ્તારના આધિપત્ય માટે પોતાની તાકાતને મહત્ત્વ આપી હિંસાત્મક વલણ ધરાવતા દેશો ભલે પોતે સૌથી તાકાતવર ગણતા હોય, તો પણ શાંતિ માટે ગાંધી માર્ગ જ અપનાવવો પડશે. અંતે સૌને વિશ્વ શાંતિ માટે ગાંધી ચિંધ્યા માર્ગે ગયા વગર છૂટકો નથી.

આપણા દેશમાં એક નવી પ્રથા ઉભરી આવી છે કે કોઈ પણ મહાપુરુષ કે મહાનુભાવોની જન્મ જયંતી હોય કે નિર્વાણ દિન હોય, તરત જ તેની આગળ પાછળ કે તે જ દિવસે તેમની સાથે ગાંધીજી સંબંધોને જોડી દે છે. ગાંધીજીને કોઈ પણ રીતે દોષિત ઠરાવવા કે નુકશાન કરતાં ચીતરવામાં આવે છે. જેમ કે સરદાર પટેલની જન્મજયંતી હોય તો ગાંધીજીએ સરદારને વડા પ્રધાન ન બનાવી દેશને મોટુ નુકશાન કર્યું છે. તે જ રીતે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી હોય તો સુભાષચંદ્ર જે સાચા આઝાદી અપાનવાર ભારતના મહાન સેનાનાયક હતા તેને પણ ગાંધીજીએ કાઁગ્રેસ પ્રમુખપદેથી રાજીનામું દેવાની ફરજ પાડી હતી. સતત અવગણના કરી. તે જ રીતે વીર ભગતસિંહની જન્મ જયંતીએ ગાંધીજીએ તેમની ફાંસી ન રોકાવી, આ ઉપરાંત એમ પણ આક્ષેપ થાય છે કે, ગાંધીજીએ ભારતનાં ભાગલા પડાવ્યા. મુસલમાનોને પ્રોત્સાહન આપ્યું. હિન્દુ કુંટુબોને મહત્ત્વ ન આપ્યું. પાકિસ્તાનને ઉપવાસ કરાવી પપ.૦૦ કરોડ રૂપિયા અપાવ્યા. આવા તો કેટલા ય આક્ષેપો મીડિયામાં જુદા જુદા સ્વરૂપે ફરે છે. આ આક્ષેપ કરનાર ઇતિહાસ જાણતા નથી અને આધાર વગર મનધડત રીતે ‘મેસેજો’ મુકાય છે. તેની સામે સાચી વાત કે સચ્ચાઈ જાણનાર મૌન રહેતા હોવાથી ખોટી વાતોને સાચી માની લેવામાં આવે છે, અને સચ્ચાઈનું મૌન ગાંધીજીને તો નુકશાન કરતા છે, પરંતુ સમાજ અને દેશને વધારે નુકશાન કરતા બની રહે છે.

સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, વીર ભગતસિહં, ડો. આંબેડકર જેવા મહાનુભાવોની સાથે ગાંધીજીનાં સબંધોને જોડતા લોકો એ નથી જાણતા કે આ બધા જ મહાનુભાવો માટે  ગાંધીજી પૂજનીય અને વંદનીય રહ્યા છે. તે ન ભૂલવું જોઈએ.

આવા આપણા રાષ્ટ્રપિતા કે જે વિશ્વ વંદનીય હોવા છતાં આજે સખેદ કહેવુ પડે છે  આપણા જ દેશમાં વિશ્વવંદનીય વિભૂતિ ગાંધીજીને એક મોટો વર્ગ નિંદનીય બનાવી રહ્યો છે. આપણા જ દેશમાં સતત તેનું અવમૂલ્યન તેમ જ માનહાનિ થતી રહી છે. વિશ્વ માટે પણ જે મહાન સન્માનીય વિભૂતિ છે. તેને આપણા જ દેશમાં ડગલે ને પગલે અપમાનીત થતાં જોઈએ છીએ. દેશમાં સતત જાહેરમાં ગાંધીજીનું અવમૂલ્યન કરવા અને રીતસર તેમને ભાંડવા એક સિસ્ટમ ઊભી થતી જાય છે. દુનિયામાં કોઈ દેશમાં મહાત્મા ગાંધીજીનું અવમૂલ્યાન થતું નથી. તે વિશ્વવંદનીય હોવા છતાં આપણા જ દેશમાં સતત નિંદાપાત્ર બનતા જાય છે.

અરે, મહાત્મા ગાંધીજી તો ઠીક પરંતુ આપણા ભારત દેશની સંસ્કૃતિ આદિ અનાદિ કાળથી સ્ત્રી સન્માન કે સ્ત્રી શકિતને દેવી સ્વરૂપે પૂજવામાં માને છે, તેવા આપણા જ દેશમાં ગાંધીજીની માતાનું ખુલ્લે આમ ચરિત્રહનન થાય છે …… આ ભારતની મુક્ત લોકશાહી અને વાણી સ્વાતંત્ર્યનો મળેલા અધિકારનો અનિષ્ટ ઉપયોગ છે.

આપણા દેશમાં છેલ્લા કેટલા સમયથી ગાંધીજીને વગોવવાની કે તેની ભૂલો દર્શાવવાની કે આ દેશને સૌથી વધુ નુકશાન કરતાં ચીતરવાની ફેશન બનતી જાય છે. ખાસ કરીને હિન્દુ સમાજને, હિન્દુઓને નુકશાન કરતાં ગણવામાં લોકો બાકી નથી રાખતા.

આજે એ સાંભળી વાંચી ઝણઝણાટી છૂટે છે જ્યારે લોકો ગોડસેને ગાંધી કરતાં મહાન ચિતરી રહ્યો છે કે એટલે સુધી લખાય છે કે બોલાય છે કે ગોડસેએ ગાંધીજીની હત્યા ન કરી હોત તો આ દેશનું શુનું શું થઈ જાત, સમગ્ર દેશ કદાચ મુસ્લિમ બની જાત. આ સાંભળી વાંચી આંખમાંથી આંસુ આવી જાય છે. ગોડસેનું દેશ હિતમાં કોઈ એક કાર્ય તો બતાવો …..  હા, તેમણે એક માત્ર નિંદનીય કાર્ય ગાંધી હત્યાનું કરેલ છે. છતાં આજે ગોડસેને મહાન ગણવા પ્રયત્નશીલ છીએ.

ગાંધીજી સામે આજે સૌથી મોટો આક્ષેપ એ થાય છે કે ભારતનાં ભાગલા માટે એક માત્ર ગાંધીજી જવાબદાર છે. તેમણે જ આ ભાગલા પડાવ્યા છે, તેમણે જ મુસલમાનોને પ્રોત્સાહિત કરી બચાવી લાખો હિન્દુઓની કતલ થવા માટે એક માત્ર ગાંધીજી જવાબદાર છે. તેઓ એ જાણતા નથી કે ભારતના વિભાજનમાં સૌથી વધારે દુ:ખી કોઈ થયા હોય તો મહાત્મા ગાંધીજી હતા. મહમદઅલી ઝીણાએ પાકિસ્તાનની માંગની જીદ મનાવવા અર્થે સીધાં પગલાંની જાહેરાત કરી ત્યારે તેનાથી બહુ જ મોટા પાયે હિન્દુઓની કત્લેઆમ શરૂ  થઈ હતી. ત્યારે સૌથી વધારે હિન્દુ કુટુંબ જ્યાં પીડિત હતા તે નોઆખલી વિસ્તારમાં કે જયાં હિન્દુઓની કતલ, તેમનાં ઘરબારની લૂંટ, હિન્દુ યુવતીઓનાં અપહરણ, બળાત્કાર, પરાણે નિકાહ પઢાવવાના બનાવ રોજ બ રોજના હતા. આ સમયે આ હિન્દુ કુટુંબોને બચાવવા કે હૂંફ આપવા કે રક્ષાણ આપવા કોણ ગયું હતું  !!!  એક માત્ર ગાંધીજી. એક એક હિન્દુ કુટુંબનાં આંસુ લુછવાં અને હૂંફ આપવા આ એકલવીર ગાંધીજી તેમની વચ્ચે ઉધાડે પગે રખડતા હતા. ઝનૂની મુસ્લિમ વસ્તી વચ્ચે જીવના જોખમે આ ભડવીર એકલો ફરતો હતો ….. ત્યારે આજના એ સમયના કહેવાતા કોઈ હિન્દુ આગેવાન ત્યાં નહોતા ગયા. આજે જેને હિન્દુ મસીહા ગણે છે તે સાવરકર અને નથુરામ ગોડસે પણ હયાત જ હતા. તો પણ તેમણે હિન્દુ કુટુંબોને બચાવવાની કોઈ કાર્યવાહી કરવાની નોંધ ઇતિહાસમાં મળતી નથી.

દેશને જ્યારે આઝાદી મળી, ત્યારે તેનો જશ્ન સૌ દિલ્હીમાં મનાવતા હતા, ત્યારે આ માણસ કલકતા બંગાળ, બિહારમાં કોમી હુતાશન ઠારવા મથતો રહ્યો હતો.

વિચારો તો ખરા કે ગાંધીજી જ્યારે દક્ષિાણ આફ્રિકા હતા ત્યારે હિન્દી કોમના (ભારતીય કુટુંબોના) સર્વોચ્ચ મહાન નેતા હતા. હિન્દી કોમ માટે મસીહા હતા; સૌના ”ગાંધીભાઈ” હતા. ર૧ વર્ષ સુધી ત્યાં રહી દરેક ભારતીય કુટુંબના હૃદયમાં સવોચ્ચ સ્થાને બિરાજમાન હતા. તેમ છતાં પોતે આવું માન સન્માન મરતબો છોડી ભારત શું કામ આવ્યા ? શું ત્યારે ભારતમાંથી કોઈએ તેને નિમંત્રણ આપેલ હતું કે તમારા વગર આ દેશને આઝાદી નહીં મળે. છતાં તે માણસ આ બધું છોડી માત્ર માતૃભૂમિની સેવા કરવા નિકળી પડેલ હતો. ગાંધીજીને કયારે ય ભારતમાં આવી મહાન બનવાની લાલસા ન હતી. તેમ જ સત્તા મેળવવાની કોઈ તમન્ના પણ ન હતી. જો આવો મોહ કે લાલસા હોત તો તે દક્ષિણ આફ્રિકામાં બધુ જ મેળવી ચુક્યા હતા. છતાં તે બધુ છોડી માત્ર ને માત્ર પોતાની માતૃભૂમિની સેવા અર્થે વતન તરફ પગરણ માંડેલ હતા.

ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા ત્યારે દેશમાં કોણ તેને ઓળખતું  હતું !!! તે સમયના મોટા ભાગના નેતાઓને (ગોખલે સિવાય) ગાંધીજી ઉપર કે તેના સત્યાગ્રહ પર કોઈ ભરોસો કે શ્રદ્ધા ન હતી. ગાંધીજી ભારતમાં કોઈ મોટા નેતા થવા કે મહાન થવા આવેલ ન હતા. પરંતુ તેમના દિલમાં માત્રને માત્ર અંતિમ જનની સેવા જ પડેલી હતી. ગાંધીજીની માનવ ઘડતરની આવડત, સત્ય પ્રત્યેની નિષ્ઠા, સામાન્ય નાગરિકની સમસ્યા સમજવાની શકિત એે જ તેમને ભારતની આમ જનતાના હૃદયમાં બેસાડેલ છે. તેઓ સામાન્યમાં સામાન્ય જનનો અદ્દભુત વિશ્વાસ ઊભો કરી શક્યા હતા અને આ જનતાના વધતા વિશ્વાસ અને શ્રદ્ધાને જોઈને જ તે સમયના નેતાઓએ ગાંધીજીનું વડપણ સ્વીકારેલ હતું. આ ગાંધીજી જે તે સમયે સામાન્ય જનના, અંતિમ જનના, માનવ ધર્મના મસીહા હતા. તે શું આપણે ભૂલી જશું !!!

એક વાતનો ઇતિહાસ સાક્ષી છે કે ગાંધીજીએ સમગ્ર દેશને ઝંઝોળીને બેઠો કરેલ હતો. આ જન જાગૃતિ અને જુવાળ શું અન્ય કોઈથી બનેલ હતો !!! શું આ દેશ પ્રેમનો એવો જુવાળ અન્ય કોઈથી બનેલ હતો ? ના, આ જુવાળ માત્ર મહાત્મા ગાંધીજીએ ઊભો કરેલ હતો, જે સનાતન સત્ય છે.

આ બધું લખતાં કે વિચારતાં પહેલા પોતાના અંતરાત્માંને કોઈએ કયારે પૂછ્યું છે ?

ગાંધીજીએ આ દેશની સંસ્કૃતિને કોઈ નુકશાન કરેલ છે ? તેમના વિચારોથી કે તેના અમલથી આ દેશે કોઈ વિપરીત પરિણામ ભોગવ્યું છે ? કે તેમણે પોતાના વિચારો કોઈ પર પરાણે લાદી દીધા હતા ? શું ગાંધીજીનું જીવન બેદલુ હતું ? તેના આચાર અને વિચાર અલગ હતા ? શું તેમણે પોતાના અંગત સ્વાર્થ માટે ક્યારે ય કોઈ પ્રયત્ન કર્યો હતો ? શું તેને મહાન નેતા આગેવાન બનવાની તમન્ના હતી ? શું તેમણે કોઈ હોદ્દા તખ્ત કે તાજ માટે મહેનત કરી હતી ?

જો આ પ્રશ્નના તમામ ઉત્તર ‘ના’માં હોય, તો પછી તેમને નીચા દેખાડવા કે ભાંડવા લોકો શું કામ મંડ્યા છે ? ઉપરોકત દરેક પ્રશ્નના સાચા દિલથી ઉત્તર મેળવશું કે સાચો ઇતિહાસ ઉખેડીશું તો સ્પષ્ટ થશે કે ગાંધીજી વિરલ વ્યકિતત્વ વાળી વ્યકિત કે મહાત્મા કે મહાપુરુષ જ હતા. જે માનવે જીવનભર માત્રને માત્ર છેવાડાના અંતિમજનના માટે જ પોતાનું જીવન વ્યતિત કર્યું છે. તેમણે અમીરી ગરીબીના ભેદ ભૂંસવા સતત પ્રયન્ન કરેલ છે. નાતજાત – ધર્મના વાડા દૂર કરવા પોતાનું જીવન વ્યતિત જ કર્યું છે, કોમી તોફાનો સમાવવા પોતાની તમામ શકિત ખર્ચી નાખી છે. એટલું જ નહીં પરંતુ પોતાના જીવને પણ જોખમમાં મૂકેલ છે. ગાંધીજીએે અંગ્રેજ શાસનકાળમાં આ દેશનું ભાંગીં ગયેલું કે ભાંગી નાખેલું સ્વાવલંબી ગ્રામ્યજીવન, ગ્રામસંસ્કૃતિને પુન:સ્થાપિત કરવા પ્રયત્ન કર્યો છે. પાશ્ચાત શિક્ષણ છોડાવીને અસલ ભારતીય શિક્ષણ પ્રણાલી સ્વવાલંબી શિક્ષણ આપવા કે અપાવવા જ પ્રયન્ન કર્યો છે. તેમણે જીવનમાં ક્યારે ય પોતાના વિચારો કદી પણ કોઈ પર ઠોકી બેસાડ્યા નથી. પોતાના જીવનની એક પણ ક્ષણ તેમણે નકામી કે સેવા વગરની વેડફી નથી. તો પછી આ માનવ અકારો કેમ છે ?

આજે આ જ દેશમાં એક વર્ગ સતત એક નિવેદન વહેતું કરે છે કે ગાંધીજી ને ચરખાથી આઝાદી આવી નથી. ગાંધીજી એકલાએ આઝાદી અપાવી નથી. આઝાદીનો જશ ગાંધીજીને ખોટો અપાય છે. હકીકતે ગાંધીજીએ આઝાદી અપાવી છે એવી કોઈ ચર્ચાને સ્થાન જ નથી, ભારતની આઝાદી માટે એકે એક શહીદ અને તે સમયના મહાન નેતાઓ, સત્યાગ્રહીઓ તથા તમામ ભારતવાસીના પ્રયત્નથી અને એકતાથી આઝાદી આવી છે, છતાં પણ એ આઝાદીની ચળવળ માટે ગાંધીજીએ ગુલામીથી ટેવાયેલ જનતામાં નવા પ્રાણ પુરુષ હતા. સમગ્ર ભારતની લાચાર પ્રજાને ઝંઝોળીને બેઠી કરી હતી. અને સ્વભિમાનથી જીવતા અને અહિંસાથી લડતા શીખવ્યું હતું. ગાંધીજી પણ પહેલા એક પણ નેતા સમગ્ર દેશનાં લોકોને ઊભા કરી શકેલ નથી કે સમગ્ર દેશમાં રાષ્ટ્ર પ્રેમ ઊભો કરી શકેલ નથી, તે સનાતન સત્ય છે.

ગાંધીજી કોણ હતા, તે જાણવા કે સમજાવવા ગાંધીજીના અવસાન સમયના વિશ્વનું અવલોકન કરવાની જરૂર છે. તે સમયે સમગ્ર વિશ્વના દેશો તથા માનવો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. ગાંધીજીના અવસાન પછી વિશ્વમાંથી અપાયેલી શ્રધ્ધાંજલિઓ જોઈએ તો સમજાશે કે આ મહાત્મા ગાંધી કોણ હતા. આ રહી વિશ્વ માનવને અપાયેલી અમુક શ્રધ્ધાંજલિઓ. સમગ્ર વિશ્વના મહાન માણસોએ ગાંધીજીને મહાત્મા તરીકે કે આધ્યાત્મિક પુરુષ તરીકે યાદ કર્યા છે. એક પણ વ્યકિતએ કે દેશે તેમને રાજકીય પુરુષ કે નેતા ગણાવ્યા ન હતા. 

•          ગાંધીજીના અવસાનથી મને અને રાણીને સખત આધાત લાગ્યો છે. હિંદના લોકોને અને માનવજાતિને આ ન પૂરી શકાય એવી ખોટ પડી છે, એમાં અમારી સંપૂર્ણ સહાનુભૂતિ છે. 

–  રાજા છઠ્ઠા જ્યોર્જ 

•          ગાંધીજી એક મહાન હિંદી નેતા જ નહિ પણ એક આંતરરાષ્ટ્રીય નેતા હતા. તેમના ઉપેદેશો અને કાર્યક્ષેત્રએ કરોડો મનુષ્યો ઉપર અસર ઉપજાવી હતી. હિંદમાં લોકો તેમના તરફ પૂજયભાવથી જુએ છે અને તેમનો પ્રભાવ રાજદ્વારી ક્ષોત્રમાં જ નહિ પણ આધ્યાત્મિક જગતમાં પણ જબરો હતો. એમનું જીવન અને કાર્ય એમનું સૌથી મહાન સ્મારક બની રહેશે. 

–  પ્રેસિડેન્ટ ટુમેન (અમેરિકા)

•          આજની દુનિયામાં  ઇતિહાસમાં આ પૂજય પુરુષની નિરર્થક હત્યાથી વધારે અકારું કશું બન્યું નથી. સભ્યતા જો ટકી શકવાની હોય તો તેની ઉત્કાંતિમાં સૌ મનુષ્યો કાળે કરીને ગાંધીજીની માન્યતાને અખત્યાર કર્યા વગર રહી શકશે નહિ કે તકરારી મુદાઓનો ઉકેલ માટે હિંસાનો સામુદાયિક ઉપયોગ એ તત્ત્વત: ખોટો છે એટલું જ નહિ પણ તે પોતાની અંદર આત્મનાશનાં બીજ ધરાવતો હોય છે. ગાંધીજી એવા પયગંબરોમાંના એક હતા કે તેઓ પોતાના જમાનાથી ધણા આગળ વધેલા હોય છે. 

–  જનરલ મેક આર્થર (જાપાન)

•          મહાત્મા ગાંધીના અવસાનના ખબર સાંભળી મારી સરકાર અને મને ભારે આધાત લાગ્યો છે. તેમના જવાથી હિંદે એક પ્રેરણાદાયક નેતા ગુમાવ્યો છે કે દુનિયાએ એક મહાન શાંતિનો ગુરુ ગુમાવ્યો છે. 

–  વાંગ શી-ચી (પ્રદેશમંત્રી, ચીન)

•          આપણા સમયના એક સૌથી વધુ શોકજનક સમાચાર દુનિયાએ આજે સાંભળ્યા છે. હજી તો થોડા દિવસ પૂર્વે જેણે સદ્દભાવ અને ત્યાગ તે ધિકકાર અને મહત્ત્વાકાંક્ષાને જીતી શકે એમ દાખવ્યું હતું તે, એક ગાંડા માણસના પ્રહારથી, આપણને છોડી ગયા છે. તેમના પોતાના માણસો જ નહિ પણ જેઓ બંધુતાની લાગણીની શકયતામાં માને છે તે સૌ એમની પાછળ શોક કરશે. ગાંધીજીએ જાતિ અને ધર્મના ભેદભાવ વગર આખી માનવજાતિ પ્રત્યેના પ્રેમની દૃઢતા અને નિષ્ઠાભરી શોધનું દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. જે હિંસાનો એ હંમેશાં સામનો કરતા હતા. તેનો જ ભોગ બનેલા આ મહા પુરુષના મૃતદેહ આગળ આજ રાતે આખું ફ્રાંસ ઊભું છે. એમનું બલિદાન એમના જીવન, કાર્ય અને પ્રકાશ તે માનવજાતિને સદાકાળ ટકે એવી બક્ષિસ છે. 

–  મો. બિદો.(વિદેશમંત્રી, ફ્રાંસ)

•          મેં કદી ગાંધીજીને જોયા નથી, તેમની ભાષા પણ મને આવડતી નથી, તેમના દેશમાં મેં કદી પગ મુકયો નથી અને તેમ છતાં મેં મારું પોતાનું જ કોઇ સ્વજન ગુમાવ્યું હોય એટલો શોક મને થાય છે. આ અસાધારણ માનવીના મૃત્યુથી આખી દુનિયા શોકમાં ગરકાવ થઇ ગયેલ છે.

– મો. લીઓં બ્લુમ(માજી વડાપ્રધાન, ફ્રાંસ)

•          ઓસ્ટ્રેલિયાના લોકો અને સરકારે ગાંધીજીના કરુણ અવસાનના સમાચાર ઘણા જ આઘાત અને શોક સાથે સાંભળ્યા. ગાંધીજી ઓસ્ટ્રેલિયામાં માનવતાના ઉપાસક અને શાંતિ ભર્યા માર્ગે માટે હંમેશાં યાદ રહેશે. અમે હિંદી સરકાર અને લોકો તરફ પૂરેપૂરી સહાનુભૂતિ દર્શાવીએ છીએ.

– જોસફ ચીફલી (વડા પ્રધાન, ઓસ્ટ્રેલિયા)

•          માનવતા સામે ભયંકરમાં ભયંકર ગુનો કરવામાં આવ્યો છે. દુનિયાએ એક મહાન પુરુષ ગુમાવ્યો છે.

                                                                                    – આઝમ પાશા (મંત્રી, આરબ લીગ)

•          ગાંધીજીની ખોટ અમારી પોતાની હોય એટલું અમને દુ:ખ થાય છે.

                                                                        – ડો. મહમદ હાટા (ઉપપ્રમુખ, ઈન્ડોનેશિયન રિપબ્લિક)

•          હિંદમાંથી આવેલ ભયાનક સમાચાર સાંભળી બ્રહ્મદેશની સરકાર અને પ્રજાને ધણો જ આધાત થયો છે. ગાંધીજીના મુત્યુને અત્રે બ્રહ્મદેશની પણ એક ખોટ ગણવામાં આવે છે, અને આજે બ્રહ્મદેશને માટે પણ એક શોકદિન છે. બધી ઓફીસો અને શાળાઓ બંધ છે. આપણી સમાન શોકની પળે બ્રહ્મદેશ હિંદના આ મહાન સંત અને નેતાની ન પૂરી શકાય એવી ખોટ તરફ સંપૂર્ણ સહાનુભૂતિ દર્શાવે છે. 

                                                                        – થાકીન નુ (વડા પ્રધાન, બ્રહ્મદેશ)

•          પોતાની પ્રજાનો નેતા – જેને બહારની કોઈ પણ સત્તાનો સહારો નથી, રાજપુરુષ જેની સફળતા ખટપટ કે આયોજનિક યુક્તિઓ પરના પ્રભુત્વ પર નહિ, પણ કેવળ પોતાના વ્યકિતત્વની સામાને સમજાવી લેતી શકિત ઉપર અવલંબે છે. વિજયી યોદ્ધો – જેણે હંમેશાં હિંસાના ઉપયોગને ધુત્કારી કાઢ્યો છે, પ્રજ્ઞા અને નમ્રતાની મૂર્તિ જે દ્રઢ સંકલ્પ અને અદમ્ય સંગતતાથી સુસજજ છે, જેણે પોતાની પ્રજાને ઉદ્ઘારવામાં અને એમની દશા સુધારવામાં પોતાની સમગ્ર શકિત સમર્પી છે, એક માણસ – જેણે એક સામાન્ય મનુષ્યના ગૌરવ વડે યુરોપની પાશવતાનો સામનો કર્યો છે અને એ રીતે સર્વદા જે ઉત્તરોત્તર ઊંચે ચડ્યો છે. સંભવ છે કે આવતી પેઢીઓ ભાગ્યે જ એ વાત માનશે કે આવો માણસ ખરેખર જીવતા-જાગતા સ્વરૂપે આ ભૂતલ ઉપર વિચર્યો હતો ¦      

– આઈન્સ્ટાઈન

•          ગાંધીજીએ એક આખી પ્રજાને ટટ્ટાર ઊભી રહેતી કરી અને તેના વચને એ પ્રજા ટટ્ટા રઊભી. ગાંધીજી જડતત્ત્વ પર આત્મતત્ત્વના વિજયના, હિંસા પર હિંમતના, અને અન્યાય પર ન્યાયના વિજયની પ્રતિનિધિ હતા. હિંદમાં બ્રિટિશ શાસનની રૂઢ પ્રણાલી ચાલુ રહે એ એમણે તદ્દન અશક્ય બનાવી દીધું. આ એમનો નાનો સૂનો વિજય નથી. ઇતિહાસની અદાલતમાં હિંદી પ્રજાને નામે તેઓ એક ફરિયાદી તરીકે ઊભા રહ્યા અને જ્યારે એમણે એમની દલીલો પૂરી કરી ત્યારે બીજો કોઈ ચુકાદો શકય નહોતો: સ્વાતંત્ર્ય એ જ ચુકાદો હતો. 

                                                                        – પ્રો. હેરોલ્ડ લાસ્કી

•          અમારે મન ગાંધીજી તે પોતે જેને સાચું માને તેને માટે ઊભા રહેનાર બહાદુર પુરુષોમાંના એક હતા. પૃથ્વી પરના રડ્યા ખડ્યા સંતોમાંના એક હતા. અમે હિંદ માટે ગૌરવ અનુભવીએ છીએ કે ગાંધીજી તેનાં સંતાનોમાંના એક હતા, અને અમને હિંદ માટે દયા ઉપજે છે, કે હિંદનાં સંતાને એમને ઠાર કર્યા. ગાંધીજીના મૃત્યુની સંજ્ઞા સાથે સરખાવી શકાય એવો ઈશુના કૃષ-આરોહણ સિવાય કોઈ પ્રસંગ નથી. પોતાના જાતભાઈને હાથે નીપેજલું ગાંધીજીનું મૃત્યુ એ બીજુ કૃષારોહણ છે. 

– શ્રીમતી પર્લ બક

•          ગૌતમ બુદ્ધ પછીના તે સૌથી મહાન હિંદી અને ઈશુ પછીના દુનિયાના સૌથી મહાન પુરુષ હતા.

– ડો. હોમ્સ

•          ખુદ મોત સુધ્ધા ગાંધીજીના આત્માને કદી પણ અભિભૂત કરી શકે એમ નથી. તેઓ મુકતાત્મા છે. મને કોઈ ગળું દબાવીને ગુગળાવે તો હું મદદ માટે ચીસ પાડી ઊઠું, પણ ગાંધીજીને કોઈ ગુંગળાવે તો મારી ખાતરી છે કે તેઓ ચીસ ન પાડે ગળું દબાવનારની સામે તેઓ હસે અને મરવાનું જ આવે તો હસતે મોઢે પ્રાણ છોડે. તેમના સ્વભાવની સરળતા બાળકના જેવી છે. તેમની સત્યનિષ્ઠા અડગ છે. માનવજાતિ પ્રત્યેનો તેમનો પ્રેમ અભાવરૂપ નહિ, પણ ભાવાત્મક છે, ને આક્રમણશીલ છે. જેને ઈશુ ખ્રિસ્તની ભાવના કહેવામાં આવે છે. તે તેમનામાં છે, પૂર્વના આત્માને પ્રગટ થવા માટે ગાંધીજી એક સુયોગ્ય પ્રતીકરૂપે મળી ગયા છે, કેમ કે તેઓ અતિશય બુલંદ વાણીમાં સિદ્ધ કરી રહ્યા છે કે મનુષ્યમાં સારભૂત વસ્તુ તે તેનો આત્મા છે. 

– રવીન્દ્વનાથ ઠાકુર

•          ગાંધીજી ઉપર થયેલા આ પ્રાણધાતક હુમલાથી મને શબ્દ દ્વારા ન વર્ણવી શકાય એવો આધાત થયો છે. બિલકુલ ન માની શકાય અને કલ્પી પણ ન શકાય એવી વાત બની છે. આ યુગની આવી નિર્મળ, ઉન્નત અને આદર્શરૂપ વ્યકિતએ એક પાગલને હાથે પ્રાણ ખોયા, એ ઉપરથી એટલું જ સિદ્ધ થાય છે કે સોક્રેટિસ ઈશુ ખ્રિસ્તના જમાનાથી આપણે ઝાઝા આગળ વધ્યા નથી. સોક્રેટિસને ઝેર પીવું પડ્યું હતું અને ઈશુને ક્રૂસે ચડવું પડ્યું હતું. મહાત્મા ગાંધી આજે આ દુનિયામાં નથી. તેમનો દેહ નાશ પામ્યો છે. પરંતુ તેમનામાં જે સત્ય અને પ્રેમનો દેવી પ્રકાશ ઝળહળતો હતો. તેને બુઝાવી લઈ શકાય એમ નથી. મહાપુરુષને માટે આ પૃથ્વી ક્યારે નિરાપદ બનશે ? હિંદ અને પાકિસ્તાન તથા આખી દુનિયા આજે એ પાઠ શીખે કે હિંસા, નિષ્ઠુરતા અને અવ્યવસ્થાને ટાળવાં હોય તો ગાંધીએ ચીંધેલા  માર્ગ સિવાય બીજો કોઈ માર્ગ નથી. 

– સર્વપલ્લી રાધાકૃષ્ણન્‌

•          હિંદના સ્વાતંત્ર્યનો સંગ્રામ એટલે ગાંધીજીનું સમસ્ત જીવન ચરિત્ર. મારું પોતાનું જીવન ગાંધીજી સાથે ગાઢ રીતે સંકળાયેલું હતું. ગાંધીજી હિંદમાં જન્મ્યા ન હોત તો કેવું સ્વરૂપ લેત એ કહેવું મુશ્કેલ છે. ગાંધીજી હિંદમાં જન્મ્યા ન હોત તો હિંદને કદાચ અત્યાર સુધી આઝાદી મળી જ ન હોત. એે સત્યનો ફીરસ્તો પગલે પગલે હિંદની પ્રજાને આઝાદીની મંઝીંલ ભણી દોરી ગયો, અને કૂચ પૂરી થઈ કે તરત જ આપણામાંના એકે તેમનો જાન લીધો ¦ ગાંધીજી જેવી વિભૂતિનું ખૂન કરી શકાય તો પછી દેશમાં બીજા ભંયકર બનાવોની ધારણા કેમ ન રાખી શકાય. 

– સરદાર વલ્લભભભાઈ પટેલ

•          પ્રકાશ આ દુનિયામાંથી અલોપ થયો છે. મધ કરતાંયે મીઠો અવાજ હવે હંમેશને માટે શાંત પડ્યો છે. એક બુદ્ધિહીન પાગલે આપણી સહુથી મૂલ્યવાન વસ્તુ આપણી પાસેથી ઝુંટવી લીધી છે. ઈશ્વર આ ભયાનક દુ:ખના સમયે હિંદને સહાય કરો.

– ચક્રવર્તી રાજગોપાલાચારી

•          આ અંધકાર ભર્યા દિવસોમાં આપણને મદદ કરી શકે તેવા તેઓ જ એક માત્ર પ્રકાશનું કિરણ હતા. હું આશા રાખું છું કે પ્રેમ, સત્ય અને અહિંસાની તેમની ભાવના આપણને દોરશે. 

– ખાન અબ્દુલ ગફારખાન

•          આ કરુણ બનાવથી હું તો આભો જ બની ગયો છું. હિંદી એકતા ખાતર સૌથી ઉમદા, સૌથી મહાન નેતા અને રાષ્ટ્રપિતાએ પોતાની જાતની કુરબાની આપી છે. 

– સર તેજબહાદુ સપ્રૂ

•          આપણા દેશ અને સમગ્ર જગતને પ્રકાશિત કરનાર જ્યોત બુઝાઈ ગઈ છે. ખૂનીની ગોળીએ મહાત્માના શરીરને જ નહિ, પણ હિંદુ ધર્મના હૃદયને જ વીંધી નાખ્યુ છે. 

– ડો. શ્યામપ્રસાદ મુખર્જી

•          દુનિયાભરમાંથી જે અંજલિઓ બાપુને મળી તેવી, આજ સુધીના કોઈ પણ મહાપુરુષ તેમના જીવનકાળ દરમિયાન કે દેહાંત પછી તરત મળી નથી. કેટલાયને એ અનાથના નાથ જેવા હતા. કેટલાને બાપુ એક જ શરીરે મા અને બાપ બન્ને હતાં. 

બાપુના સ્નેહીજનો પોતાની ખરી શાંતિ બાપુ પાછળ ઝૂરીઝૂરીને જીવન પૂરું કરવામાં ન માની શકે તથા એમની પૂજા આરતી કરવા-વધારવામાં પણ ન માની શકે પણ બાપુની જેમ જ કોઈને કોઈ દુ:ખગ્રસ્ત જીવને છાતીએ વળગાડી, પીડાયેલાંના મિત્ર બની, ન્યાય અને સત્ય માટે એકલે હાથે પણ સત્ય-અહિંસાપૂર્વક ઝઝૂમી, પોતાનું જીવન ગાળીને મેળવી શકે. હવે આપણે કોઈએ શોકના સંગ્રહને જ ધર્મ કરી ન મૂકવો અને ખેદનો નિ:શ્વાસ નાખવો એ જ કાર્યકમ ન થવા દેવો. પણ સૌએ બાપુનાં પ્રજાવિધાયાક જનસેવાનાં કામો પર ચડી જવું.

– કિશોરલાલ મશરૂવાળા

(સંદર્ભ ગાંધી સ્મારક ગ્રંથ) 

આ શ્રદ્ધાંજલિઓ શું નાટકીય હતી ? ના આ શ્રદ્ધાંજલિઓ સ્વયંભૂ હતી. … દિલથી અપાયેલી હતી, કેમ કે તે વિશ્વ પ્રસિદ્ધ મહાન પુરુષ હતા.

ચાલો, આપણે ગાંધી નિર્વાણ દિને મહાત્મા ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ આપવા પ્રયત્ન કરીએ …. આપણે આ દિવસે પ્રતિજ્ઞા લઈએ કે મહાત્મા ગાંધીજી તે માત્ર મહાત્મા જ નથી, પરંતુ આપણા રાષ્ટ્રપિતા જ છે. તેને વગોવતી કે વખોડતી કોઈ પણ વાત સ્વીકારીશું નહી. આવી કોઈ પણ પોસ્ટ કે મેસેજ કે લેખ અમે વાંચીશું નહીં કે ફેલાવશું નહીં. ગાંધીજીની મહાનતામાં અમને કોઈ શક નથી. તેથી તેની મહાનતા ઓછી થાય તેવું કોઈ પણ કૃત્ય કરીશું નહીં.  આવી આજ રોજ પ્રતિજ્ઞા લઈને બાપુને સાચી શ્રદ્ધાંજલિ આપીએ.

ચાલો, આપણે સૌ આપણા લોક પ્રતિનિધિઓ, પદાધિકારીઓ, તમામને અપીલ કરીએ કે સરકાર કક્ષાએ પણ જેમ સુભાષચંદ્ર બોઝે, સૌ પ્રથમ રાષ્ટ્રપિતા તરીકે સંબોધન કરેલ છે, તે જ રીતે સરકાર કક્ષાએથી પણ સત્તાવાર રીતે રાષ્ટ્રપિતાનું બિરુદ આપવામાં આવે ……. તેમ જ રાષ્ટ્રપિતા વિરુદ્ધની કોઈ પણ ટીપ્પણી, નિંદા એ રાષ્ટ્ર વિરુદ્ધની ટીપ્પણી કે નિંદા ગણાશે. વાણી સ્વાતંત્ર્યના મળેલ અધિકારમાં રાષ્ટ્રપિતાની નિંદા કરવાનો અધિકાર બનતો નથી. આવો નિર્ણય આપણે કરાવી શકીએ. ત્યારે જ આઝાદીનો અમૃતકાળ અને મહાત્મા ગાંધીના ૭પમા  નિર્વાણ દિને સાચી શ્રદ્ધાંજલિ અપાયેલી ગણાશે.

તા.ર૬/૦૧/ર૦ર૪
જૂનાગઢ
e.mail : cbrajindia@yahoo.co.in

Loading

2 February 2024 Vipool Kalyani
← પ્રેમ લગ્નમાં હૃદય ભગ્ન
પ્રતીક્ષા  →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved