
રાજ ગોસ્વામી
જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ તાજેતરમાં મહાત્મા ગાંધીની શૈક્ષણિક લાયકાત પર સવાલ ઉઠાવ્યો હતો. ગ્વાલિયરની આઈ.ટી.એમ. યુનિવર્સિટીના એક કાર્યકમમાં, ‘ડિગ્રી મેળવવી એ શિક્ષણની સાબિતી નથી’ એવા મતલબના તેમના તર્કને સાચો ઠેરવવા માટે સિંહાએ કહ્યું હતું કે, “કોણ કહે છે કે ગાંધીજી અશિક્ષિત હતા? મને નથી લાગતું કે એવું કોઈ કહી શકે, પરંતુ શું તમને ખબર છે કે તેમની પાસે એક પણ યુનિવર્સિટીની ડિગ્રી કે શિક્ષણ નહોતું? આપણામાંથી ઘણા એવું માને છે કે મહાત્મા ગાંધી પાસે કાયદાની ડિગ્રી હતી. ના, નહોતી. તેમની એક માત્ર લાયકાત હાઈસ્કૂલનો ડિપ્લોમા હતો. તેઓ કાયદાની પ્રેક્ટિસ કરવા માટે ક્વોલિફાય હતા, પણ ડિગ્રી નહોતી. તેમની પાસે ડિગ્રી નહોતી છતાં પણ કેટલા ભણેલા હતા, એ જુવો!”
મનોજ સિંહા ગ્વાલિયરના વિધાર્થીઓને ભણતર અને ગણતર વચ્ચેનો ફરક સમજાવવા માંગતા હશે તે સમજી શકાય તેવું છે, પરંતુ તેમણે ક્યા આધારે મહાત્મા ગાંધીની કાયદાની ડિગ્રીનું ઉદાહરણ ટાંક્યું હશે, તે સમજવું અઘરું છે. એટલા માટે કે ગાંધીજીની ઔપચારિક ડિગ્રીને લઈને ગાંધીજીના અભ્યાસુઓમાં જ સ્પષ્ટતા નથી. ગાંધીજીના જીવન અંગેનું સૌથી અધિકૃત લખાણ તેમની ખુદની જ આત્મકથા છે, પરંતુ તેમાં ય કોઈ જગ્યાએ લંડનની તેમની ડિગ્રીની વાત નથી.
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, લોસ એન્જેલસ(યુ.સી.એલ.એ.)માં ઇતિહાસના પ્રોફેસર વિનય લાલ એક લેખમાં લખે છે કે મહાત્માનું જીવનચરિત્ર્ય લખનારા જાણીતા લેખકો ડી.જી. તેન્ડુલકર, રોબર્ટ પયને, બી.આર. નંદા અને જ્યોફ્રી એશ પણ ગાંધીની યુનિવર્સિટી કોલેજ લંડન (યુ.સી.એલ.)નો ક્યાં ય ઉલ્લેખ કરતા નથી. એ ધ્યાન આપવા જેવું છે કે નંદાના જીવનચરિત્ર્યમાં ગાંધીનાં લંડનનાં વર્ષો અંગે એક નાનકડું પ્રકરણ છે પણ તેમાં ય ગાંધીની શાકાહારીઓ, થિયોસોફીસ્ટ લોકો અને અન્ય ભિન્ન મતધારીઓ સાથેની દોસ્તીની વાતો જ છે.
વિનય લાલના લખવા પ્રમાણે, ગાંધીના જીવનચરિત્ર્ય લેખક જ્યોફ્રી એશ નોંધે છે કે ગાંધી યુનિવર્સિટી કોલેજ લંડનના ‘ઇનર ટેમ્પલ’માં ‘દાખલ’ (એન્રોલ) થયા હતા, પણ આ ‘ઇનર ટેમ્પલ’ શું છે તેનો તેમણે ખુલાસો કર્યો નથી. ગાંધીજી તેમની આત્મકથામાં ‘વિદ્યામંદિર’ શબ્દ વાપરે છે, પરંતુ ક્યાં ય યુનિવર્સિટી કોલેજ લંડનનો ઉલ્લેખ નથી.
આત્મકથાના પહેલા ભાગના 24માં પ્રકરણમાં તેઓ પહેલીવાર બેરિસ્ટર બનવાની વાત કરે છે. તેઓ લખે છે, “બારિસ્ટર થવા સારુ બે વસ્તુની જરૂર હતી. એક તો ’ટર્મ ભરવી’ એટલે સત્ર સાચવવાં. વર્ષમાં ચાર સત્ર હોય. એવા બાર સાચવવા. બીજી વસ્તુ કાયદાની પરીક્ષા આપવી. સત્ર સાચવવા એનો અર્થ ’ખાણાં ખાવાં’, એટલે કે, દરેક સત્રમાં લગભગ ચોવીસ ખાણાં હોય તેમાંથી છ ખાવાં. ખાણાં ખાવાં એટલે ખાવું જ એવો નિયમ નહીં; પણ નીમેલે વખતે હાજર થવું ને ખાણું પૂરું થવાનો વખત થાય ત્યાં સુધી બેઠા રહેવું.”
ગાંધીજી પોરબંદરમાં સ્કૂલના સમયથી ભણવામાં નબળા ય હતા અને ઉદાસ પણ હતા. લંડનનું ભણતર પણ ઉત્સાહપ્રેરક નહોતું. આત્મકથામાં તેઓ લખે છે, “ઇંગ્લંડના કાયદાનું વાચન હું નવ માસમાં ઠીક મહેનતે પૂરું કરી શક્યો. કેમ કે બૂમના ’કૉમન લૉ’નું મોટું પણ રસિક પુસ્તક વાંચતાં જ ઠીક ઠીક વખત ગયો. સ્નેલની ’ઈક્વિટી’માં રસ આવ્યો, પણ સમજતાં દમ નીકળ્યો … પરીક્ષાઓ પસાર કરી. ૧૮૯૧ના દસમી જૂને હું બારિસ્ટર કહેવાયો, અગિયારમીએ ઇંગ્લંડની હાઈકોર્ટમાં અઢી શિંલિંગ આપી મારું નામ નોંધાવ્યું, બારમી જૂને હિંદુસ્તાન તરફ પાછો વળ્યો … પણ મારી નિરાશા અને ભીતિનો પાર નહોતો. કાયદાઓ વાંચ્યા તો ખરા, પણ હું વકીલાત કરી શકું એવું તો મને કંઈ જ નથી આવડ્યું એમ લાગ્યું. બારિસ્ટર કહેવાવું સહેલું લાગ્યું, પણ બારિસ્ટરું કરવું અધરું જણાયું. કાયદાઓ વાંચ્યા પણ વકીલાત કરવાનું ન શીખ્યો.”
જીવનચરિત્ર્ય લેખક સુઝાન વોલેસ, ગાંધીજીને સમર્પિત વેબસાઈટ એમ.કે.ગાંધી ડોટ ઓ.આર.જી. પર લખે છે કે તેમણે પોરબંદરમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું, પછી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અને તે પછી ભાવનગરની શામળદાસ આર્ટ્સ કોલેજમાં ભરતી થયા હતા. અહીં તે છ મહિના જ ભણ્યા હતા અને પાછા પોરબંદર જતા રહ્યા હતા. તે વખતે આ એક માત્ર કોલેજ ડિગ્રી આપતી હતી.
પોરબંદરમાં થોડા સમય પસાર કર્યા પછી તેમણે ફરીથી કોલેજ કરવાનું નક્કી કર્યું હતું, પણ આ વખતે વિલાયત જઈને. પરિવાર અને નાતના વિરોધ વચ્ચે તેઓ લંડન ગયા હતા અને યુનિવર્સિટી કોલેજ લંડનમાં ભરતી થયા હતા, અને 3 વર્ષ પછી કાયદાની ડિગ્રી મેળવી હતી, એવું સુઝાન લખે છે.
આ જ વેબસાઈટ પર, ગાંધીજીના જીવન પરિચયમાં લખવામાં આવ્યું છે; “મહાત્મા ગાંધી 4 સપ્ટેમ્બર 1888ના રોજ ઇંગ્લેન્ડ ગયા હતા. તેમણે ઇનર ટેમ્પલમાં સત્ર રાખ્યાં હતાં અને નવ મહિના પછી પરીક્ષામાં પાસ થયા હતા. 10મી જૂન, 1891ના રોજ તેમને બારમાં બોલવામાં આવ્યા હતા અને બીજા દિવસે તેઓ ઇંગ્લેન્ડની હાઈ કોર્ટમાં ભરતી થયા હતા.”
વિનય લાલને યુ.સી.એલ.માં બેરિસ્ટર અને ઇનર ટેમ્પલના સદસ્ય એવા એક બેરિસ્ટરે કહ્યું હતું કે (બેરિસ્ટરનું વ્યવસાયિક સંગઠન) ઇન્સ ઓફ કોર્ટ ડિગ્રી નથી આપતું અને બ્રિટનની કોર્ટમાં ‘ભરતી’ થવા જેવું પણ કશું હોતું નથી.
વિનય લાલ લખે છે કે ગાંધીજી લંડનમાં ઇનર ટેમ્પલમાં જોડાયા હતા અને ત્યાં કાયદાનું ભણ્યા હતા એ હકીકત તો સ્પષ્ટ છે. વિકિપીડિયા પર ‘ઇનર ટેમ્પલ’ નામનું પેઈજ છે. તેમાં આપેલી માહિતી અનુસાર, બેરિસ્ટરો અને જજોના વ્યવસાયિક સંગઠન ઇન્સ ઓફ કોર્ટની ચાર ઇન છે; ગ્રે ઇન, ઇનર ટેમ્પલ, મિડલ ટેમ્પલ અને લિંકન ઇન. બારમાં જવું હોય અને ઇંગ્લેન્ડમાં પ્રેક્ટિસ કરવી હોય તો વિધાર્થીએ આ ચારમાંથી એક ઇનમાં સદસ્ય બનવું પડે. આ ઇનમાં, કાયદાની તાલીમ મળે છે અને તેનું સંચાલન માસ્ટર્સ અને બેંચની બનેલી કાઉન્સિલ કરે છે.
આ ઇન ડિગ્રી નથી આપતી એ વાત તો સાચી છે. એ અર્થમાં મહાત્મા ગાંધી પાસે કાયદાની ડિગ્રી નહોતી તે વાત ખોટી નથી. યુ.સી.એલ. તેની વેબસાઈટ પર તેના ‘ફેમસ એલુમનાઈ’માં મહાત્માનું નામ ગૌરવથી મુક્યું છે. ગાંધી સેવાશ્રમ વેબસાઈટ પર ગાંધીજીના જીવનચરિત્રમાં લેખક રાજકુમારી શંકર લખે છે કે લંડન ગયા પછી તેમણે યુનિવર્સિટી કોલેજ લંડનથી મેટ્રિકની પરીક્ષા બે પ્રયાસે પાસ કરી હતી.
એટલે એવું કહેવાય કે યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી ગાંધીજીએ મેટ્રિક કર્યું હતું અને ઇનર ટેમ્પલમાંથી કાયદાનું ભણતર લીધું હતું. તે વખતે ભારતથી આવતા વિધાર્થીઓમાં ઇનર ટેમ્પલ વધુ લોકપ્રિય હતું કારણ કે તેનાથી સમાજમાં તેના સર્ટિફીકેટથી એક ઈજ્જત મળતી હતી અને તે યુ.સી.એલ.ને સહાયક પણ ગણાતું હતું.
એટલે, મનોજ સિંહા જો એમ કહેતા હોય કે ગાંધીજી એલ.એલ.એલ. બી કે એલ.એલ. એમ નહોતા તો તે અર્ધ સત્ય છે. પૂરું સત્ય એ છે કે ગાંધીજીએ ઇનર ટેમ્પલમાંથી કાયદાના અભ્યાસનું સર્ટિફિકેટ મેળવ્યું હતું, પણ એ વાત સિંહા ન બોલ્યા.
બાય ધ વે, 1930માં ‘દાંડી યાત્રા’ને રાષ્ટ્રદ્રોહ ગણીને આ ઇનર ટેમ્પલના બેન્ચરોએ મહાત્મા ગાંધીને ઇનમાંથી નિષ્કાસિત કર્યા હતા. પાછળથી, 1988માં ટેમ્પલે મહાત્માની પુન:સ્થાપના કરી હતી.
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 02 ઍપ્રિલ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર