Opinion Magazine
Number of visits: 9446885
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહાત્મા ગાંધી અને હરમન કેલનબેક

નિલય ભાવસાર ‘સફરી’|Gandhiana|24 May 2018

Soulmates : The Story of Mahatma Gandhi and Hermann Kallenbach; By Shimon Lev; Orient Blackswan Private Limited 2012; First Published 2012

મહાત્મા ગાંધી અને હરમન કેલનબેકની પ્રથમ મુલાકાત વર્ષ ૧૯૦૩ અથવા ૧૯૦૪માં તેમના એક મિત્ર આર.કે. ખાન થકી દક્ષિણ આફ્રિકામાં થઇ હતી. ગાંધીજી અને કેલનબેક વચ્ચે થયેલા પત્રવ્યવહારમાંથી તેમની પ્રથમ મુલાકાત અંગેની કોઈ જાણકારી મળતી નથી. ગાંધીજી અને કેલનબેક વર્ષ ૧૯૦૮થી ૧૯૧૩ દરમિયાન ગાઢ મિત્રો બની રહ્યા.

આ પુસ્તકના પ્રથમ પ્રકરણ ‘ગાંધી અને કેલનબેકની મુલાકાત’માં લેખક કેલનબેકનો પ્રાથમિક પરિચય આપતા લખે છે કે વર્ષ ૧૮૯૬ના ઉનાળામાં પોતાની પરીક્ષાઓ પૂર્ણ કરીને હરમન કેલનબેક (૧ માર્ચ ૧૮૭૧થી ૨૫ માર્ચ ૧૯૪૫) દક્ષિણ આફ્રિકા આવ્યા હતા, કે જ્યાં તેમના કેટલાંક સગાંસંબંધીઓ અગાઉથી જ સોનાં અને ખનનના વ્યવસાયમાં પોતાનું સ્થાન બનાવી ચૂક્યા હતાં. દક્ષિણ આફ્રિકા આવ્યા કે તેના બીજા દિવસથી જ કેલનબેકે એક જર્મન આર્કિટેક્ટ માટે કાર્ય કરવાનું શરૂ કરી દીધું અને ત્યારબાદ તે જ વર્ષ(૧૮૯૬)માં ઓક્ટોબર મહિનામાં તેમણે પોતાની એક અલગ જ આર્કિટેક્ટની ઓફિસ શરૂ કરી.

પ્રથમ નજરે વિરોધાભાસી દેખાતા એવા આ બંને મહાનુભાવોના વ્યક્તિત્વની ઓળખ કરાવતા લેખક લખે છે કે જ્યારે એકબાજુ હરમન કેલનબેક ઊંચા, ગોરા, ખડતલ, યહૂદી, ધર્મનિરપેક્ષ, અવિવાહિત, આડંબરી, ભારે પ્રતિભાશાળી અને સમૃદ્ધ આર્કિટેક્ટ, વિવિધ પ્રકારની રમતગમત, થિયેટર, મોજશોખ, સ્ત્રીઓમાં રસ ધરાવતા વ્યક્તિ હતા અને પોતાનો અંગત જુસ્સો સંતોષવા માટેના વ્યસની હતા. ત્યારે બીજી બાજુ ગાંધીજી એ એક એશિયન વકીલ, વૈરાગી, કરકસરયુક્ત જીવન જીવતા, ધર્મ પ્રત્યે કેન્દ્રિત, નૈતિકતા અને સત્યમાં માનનારા વ્યક્તિ હતા. તેઓ (ગાંધીજી) એક એવા કૌટુંબિક વ્યક્તિ હતા કે જેમણે બ્રહ્મચર્યનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને સામાજિક સુધારા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. એક વખત આર.કે. ખાન થકી ઓળખાણ થયા બાદ ગાંધીજી અને કેલનબેક, ધર્મ અને જીવનશૈલી વિષયક ગહન ચર્ચાઓ કરતા હતા અને તેઓ બંને મોટેભાગે ઝીગલરનાં શાકાહારી ભોજનાલયમાં જ મળતા હતા. આમ, આ પ્રથમ પ્રકરણમાં દક્ષિણ આફ્રિકા આવેલા હરમન કેલનબેકના પ્રારંભિક વર્ષો અને વ્યવસાયની વાત રજૂ કરવામાં આવી છે, સાથે તેમની ગાંધીજી સાથેની પ્રાથમિક મુલાકાત અને ચર્ચાઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે.  

આ પુસ્તકના દ્વિતીય પ્રકરણ ‘ઉપલું ઘર અને નીચેનું ઘર’ની શરૂઆતમાં જ લેખક નોંધે છે કે ‘તેઓ (ગાંધીજી અને કેલનબેક) ધર્મમાં દરેક પ્રવૃત્તિનાં મૂળ શોધવાના પ્રયત્નો કરી રહ્યા હતા’. વર્ષ ૧૯૦૮ના માર્ચ મહિનામાં ડરબનથી પરત આવ્યા બાદ, ગાંધીજી જોહાનિસબર્ગ સ્થિત કેલનબેકના મકાનમાં તેમની (કેલનબેકની) સાથે લગભગ દોઢેક વર્ષ જેટલું રહ્યા. પરંતુ, આ વિષયક વિવિધ સંશોધકો દ્વારા પણ ઇતિહાસમાં ક્યાં ય વધારે નોંધ લેવામાં આવી નથી. આ પ્રકરણમાં કેલનબેક પર પડેલો ગાંધીજીનો પ્રભાવ, તેઓ સાથે રહેતા હતા તે સમયનો ઘટનાક્રમ અને ગાંધીજી સાથે રહેતા કેલનબેકમાં આવેલ ફેરફારની વિગતે વાત કરવામાં આવી છે. આ જ પ્રકરણમાં ‘કેલનબેકના તેમના પરિવારને લખેલા પત્રો’ શીર્ષક હેઠળ પોતાના ભાઈ સાયમનને લખેલા એક પત્રમાં કેલનબેક લખે છે કે ગત ત્રણ મહિનાથી ગાંધીજી મારી સાથે રહે છે અને રસોડામાં એક જ ટેબલ પર મારી સામે બેસીને લખી રહ્યા છે. તેઓ ભારતીય છે અને તેમનો ધર્મ હિંદુ છે. છેલ્લાં પાંચ અઠવાડિયાથી અમારે ત્યાં કોઈ જ નોકર નથી અને અમે પોતાનું બધું જ કાર્ય જાતે કરી રહ્યા છીએ. આ પ્રકારના જીવનથી વ્યક્તિનો સ્વતંત્ર રીતે વિકાસ થાય છે અને વ્યક્તિ વધારે સારો બને છે.

આ પુસ્તકના ત્રીજા પ્રકરણ “ટોલ્સટોય ફાર્મ”ની શરૂઆતમાં ‘ગાંધીજી પર ટોલ્સટોયનો પ્રભાવ’ શીર્ષક હેઠળ ગાંધીજી તેમના જીવનમાં ટોલ્સટોય અને તેમનાં પુસ્તકથી કેવી રીતે પ્રભાવિત થયા, અને તે સિવાય કેલનબેક ટોલ્સટોય વિશે કેટલું જાણતા હતા, તે વાત નોંધવામાં આવી છે અને સાથે લેખક એ પણ નોંધે છે કે ગાંધીજીએ કેલનબેકની હાજરીમાં હિંદ સ્વરાજનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું કે જે ટોલ્સટોયને મોકલવામાં આવ્યું હતું, વર્ષ ૧૯૧૧ના ઓગસ્ટ મહિનામાં જ્યારે કેલનબેક યુરોપનો પ્રવાસ ખેડી રહ્યા હતા, ત્યારે તેમણે હિંદ સ્વરાજનો જર્મનીમાં અનુવાદ કરવાનો વિચાર કર્યો હતો પરંતુ, સંદર્ભ-ગ્રંથ અને શબ્દકોશના અભાવે તેઓ આ અનુવાદ કરી શક્યા નહોતા. વર્ષ ૧૯૧૦ના જૂન મહિનામાં ટોલ્સટોય આશ્રમની સ્થાપનાના બે મહિના પછી કેલનબેકે ટોલ્સટોયને એ મુજબનો પત્ર લખ્યો હતો કે આ આશ્રમનું નામ ‘ટોલ્સટોય ફાર્મ’ કેમ રાખવામાં આવ્યું છે અને તે પત્રનો પણ આ પ્રકરણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાય ટોલ્સટોય ફાર્મમાં હરમન કેલનબેકનો મહત્ત્વનો ફાળો (જેમાં ટોલ્સટોય ફાર્મની રચના, ફાર્મમાં થતી વિવિધ પ્રવૃત્તિઓ વગેરે) અને દક્ષિણ આફ્રિકાના સમયમાં કેલનબેક ગાંધીજીના અગ્રણી આધ્યાત્મિક ભાગીદાર હતા તેની પણ માંડીને વાત કરવામાં આવી છે.

આ પુસ્તકના ચોથા પ્રકરણમાં હરમન કેલનબેકની યુરોપ યાત્રાની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. કેલનબેક તારીખ ૩૧ જુલાઈ ૧૯૧૧ના રોજ દક્ષિણ આફ્રિકાથી નીકળ્યા અને ૧૯ ઓગસ્ટ ૧૯૧૧ના રોજ તેઓ લંડન પહોંચ્યા અને ત્યાં તેઓ કુલ ૨૨ દિવસ રોકાયા હતા. આ દરમિયાન તેઓની (ગાંધીજી અને કેલનબેક) વચ્ચે પત્રવ્યવહાર થતો રહેતો કે જેના કેટલાક અંશ આ પ્રકરણમાં નોંધવામાં આવ્યા છે. કેલનબેકની ઓગસ્ટના અંતમાં ટોલ્સટોયની કૃતિઓનું ભાષાંતર કરનાર અનુવાદક Aylmer Maudeને મળ્યા હતા અને ટોલ્સટોય વિશે Maude શું વિચારે છે, તેનો એક અહેવાલ તેમણે ગાંધીજીને મોકલ્યો હતો અને તેનો ઉલ્લેખ આ પ્રકરણમાં છે. ઈંગ્લેંડમાં ત્રણ વ્યસ્ત અઠવાડિયા પસાર કર્યા બાદ કેલનબેક, ડૉ. પ્રાણજીવન મહેતાને મળવા માટે બેલ્જિયમ ગયા હતા અને ત્યાં તેમનો ભેટો હેનરી પોલકની સાથે થયો હતો. આ ત્રણેયે ત્યાં ફિનિક્સ ફાર્મ, ટોલ્સટોય ફાર્મ અને ગાંધીજી વિશે ચર્ચાઓ કરી હતી. અને ત્યારબાદ કેલનબેક તેમના પરિવારને મળવા માટે જર્મની ગયા હતા. આ પ્રકરણમાં ‘જર્મની-કેલનબેક તેમના પરિવાર સાથે’ શીર્ષક હેઠળ કેલનબેકની આ મુલાકાતનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. જ્યારે આગળ ‘જ્યુડીથ’ શીર્ષક હેઠળ કેલનબેકની ભત્રીજી જ્યુડીથ સાથેના તેમના (કેલનબેકના) સંબંધોની લાંબી વાત લેખકે કરી છે.

આ પુસ્તકના પાંચમાં પ્રકરણની શરૂઆતમાં લેખકે ‘ટોલ્સટોય ફાર્મમાં દૈનિક જીવન’ શીર્ષક હેઠળ કેલનબેકના તારીખ ૬ ફેબ્રુઆરી, ૧૯૧૨થી લઈને ટોલ્સટોય ફાર્મમાં પસાર કરેલા દિવસો અને અનુભવોની વિગતે વાત કરી છે, જે પૈકી કેલનબેકે એક પત્રકારને ટોલ્સટોય ફાર્મમાં ‘ગાંધીજીનું ટોલ્સટોય ફાર્મમાં જીવન’ વિષયક ઇન્ટરવ્યૂ આપ્યો હતો, તેના કેટલાક અંશ પણ અહીં નોંધવામાં આવેલ છે. વર્ષ ૧૯૧૨ના ઓક્ટોબર મહિનામાં કેલનબેકે તેમની ડાયરીમાં નોંધ્યું છે કે ગાંધીજીના ઊંડા પ્રભાવથી હવે હું મારો આર્કિટેક્ટનો વ્યવસાય ત્યાગી રહ્યો છું. ત્યારબાદ તેમણે ટોલ્સટોય ફાર્મમાં હાથ વડે થતી મજૂરીનું તમામ કાર્ય કર્યું કે જેમાં ફળોનાં વૃક્ષો રોપવાં, ખાડા ખોદવા, પાઈપલાઈન નાખવી, શાકભાજીની ખેતી માટેનું મેદાન તૈયાર કરવું, લાકડાં ચીરવાં, સ્ટેશનથી લાકડાં લાવવાં, પાણીની ટાંકી ઊભી કરવી અને ખેતરની વાડ બાંધવી, જેવાં કાર્યોનો સમાવેશ થતો હતો. આ પ્રકરણમાં જ આગળ ગોખલેની (ઓક્ટોબર-નવેમ્બર ૧૯૧૨માં) ટોલ્સટોય ફાર્મની અને કેલનબેક સાથેની મુલાકાત, ગાંધીજી વર્ષ ૧૯૧૩ના જાન્યુઆરી માસમાં ટોલ્સટોય ફાર્મ છોડે છે અને દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના ઝાયોનવાદ (Zionism) તરફના અભિદર્શનની વાત કરવામાં આવી છે. ‘મણિલાલ ગાંધી પર સંકટ’ શીર્ષક હેઠળ કે જ્યારે મણિલાલ ગાંધીએ કેલનબેકની ઓફિસે પત્ર લખ્યો હતો (સાથે ગાંધીજીને સંબોધન કરતી એક અંગત ચિઠ્ઠી પણ બીડવામાં આવી હતી) કે જેમાં ફિનિક્સ ફાર્મના પરિણીત શિક્ષિકા જેકી સાથેના તેમના (મણિલાલના) પ્રણયની કબૂલાત કરતી વર્ષ ૧૯૧૩ની ઘટનાનો પણ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પુસ્તકના છઠ્ઠા પ્રકરણમાં ‘કેલનબેકની ડાયરી – જેનેટને પત્ર’ શીર્ષક હેઠળ લેખક લખે છે કે દક્ષિણ આફ્રિકામાં કેલનબેકની વિગતવાર લખેલી ડાયરી હાલ કેલનબેક આર્કાઇવમાં રાખેલી છે. તેમાં પણ મહત્ત્વની વાત એ છે કે કેલનબેક જ્યારે જેલમાં હતા, ત્યારે તેમણે બહેન જેનેટ માટે લાંબી અને વિગતવાર ‘ડાયરી-પત્ર’ (૨૧ નવેમ્બર ૧૯૧૩થી ૧૬ ડિસેમ્બર ૧૯૧૩) લખ્યા હતા કે જેમાં તે સમયની ઘટનાઓની નોંધ કરવામાં આવી છે. આ પ્રકરણમાં આગળ દક્ષિણ આફ્રિકામાં ૧૫ સપ્ટેમ્બર, ૧૯૧૩ના રોજ શરૂ થયેલ સત્યાગ્રહ અને તેમાં કેલનબેકની ભૂમિકા શું હતી, તેની વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. આ સમયે માઉન્ટેઈન વ્યુ સ્થિત કેલનબેકનું મકાન સત્યાગ્રહીઓ માટેનું મુખ્યાલય બની ગયું હતું અને કેલનબેકે આ હેતુથી જ ત્યાં રૂમ બનાવડાવ્યા હતા. આગળ ‘કેલનબેકની ધરપકડ’ શીર્ષક હેઠળ કેલનબેક દ્વારા લિખિત પોતાની ધરપકડ(૧૦ નવેમ્બર, ૧૯૧૩ના રોજ)ની સમગ્ર ઘટનાનું વર્ણન અહીં નોંધવામાં આવ્યું છે. જેમાં જેલવાસ દરમિયાનની પ્રવૃત્તિઓમાં કેલનબેક લખે છે કે તેઓ જેલમાં દરરોજ બે કલાક શાકભાજીના બગીચામાં કામ કરતા હતા, પુસ્તકો વાંચતા હતા અને પત્રો લખતા હતા અને તેમણે ત્યાં હિન્દી ભાષા શીખવાનું અને ભગવદ્ ગીતા વાંચવાનું પણ શરૂ કર્યું હતું. અને અંતે આ પ્રકરણમાં ‘દક્ષિણ આફ્રિકા છોડતી વેળાએ’ શીર્ષક હેઠળ અહીં કેલનબેક દ્વારા આપવામાં આવેલ વિદાય વેળાના ભાષણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પુસ્તકના સાતમાં પ્રકરણ ‘પ્રથમ વિશ્વયુદ્ધ – ગાંધીજી અને કેલનબેકનું છૂટા પડવું’ની શરૂઆતમાં લેખક લખે છે કે ગાંધીજી, કસ્તૂરબા અને કેલનબેકે ૧૮ જુલાઈ, ૧૯૧૪ના રોજ દક્ષિણ આફ્રિકા છોડ્યું અને ઇંગ્લેન્ડ જતાં રસ્તામાં સ્ટીમરમાં ગાંધીજી કસ્તૂરબાને ગીતા અને રામાયણના પાઠ વાંચી સંભળાવતા હતા અને કેલનબેકને દરરોજ એક કલાક ગુજરાતી ભાષા શીખવાડતા હતા. ત્યાર બાદ કેલનબેક ઇંગ્લેન્ડમાં જ રોકાઈ ગયા હતા અને ગાંધીજી ભારત આવ્યા હતા. ત્યાર બાદ કેલનબેકને અટકાયત કેમ્પમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા અને બાદમાં તેઓને જાન્યુઆરી ૧૯૧૭માં છોડવામાં આવ્યા, ત્યાંથી લઈને થોડા સમય સુધી તેઓ ગાંધીજીનો સંપર્ક સાધી શક્યા નહોતા, તે ઘટનાનો પણ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વધુમાં આ પ્રકરણમાં ‘કેલનબેક દક્ષિણ આફ્રિકા પરત આવ્યા’ શીર્ષક હેઠળ ગાંધીજી અને કેલનબેકનો ભાવનાત્મક પત્રવ્યવહાર, કેલનબેક ફરી આર્કિટેક્ટનો વ્યવસાય શરૂ કરે છે તેની વાત છે.

આ પુસ્તકના આઠમાં પ્રકરણ ‘ગાંધી અને ઝીઓન દરમિયાન’માં શરૂઆતમાં ઝીઓનિસ્ટ અને ભારતનાં સંબંધોની સંક્ષિપ્ત ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી છે. ત્યાર બાદ ભારત જઈને ત્યાંના નેતાઓને ઝીઓનિસ્ટ વિચારધારાનો પરિચય આપવા માટે કેલનબેકનું નામ સૂચવવામાં આવે છે, તે ઘટનાનું વર્ણન છે. આગળ લેખક લખે છે કે આ કાર્ય માટે કેલનબેક ૨૦ મે, ૧૯૩૭ના રોજ ભારત આવે છે અને તે દિવસે મુંબઈની ઉડતી મુલાકાત લઈને રાતની ટ્રેનમાં જ તિથલ જવા માટે નીકળે છે. તે સમયે ગાંધીજી આરોગ્યના પ્રશ્નને ધ્યાનમાં રાખીને તિથલમાં મહાદેવ દેસાઈના ઘરે રોકાયા હતા. કેલનબેક ત્યાં સવારે સાડા ચારે પહોંચે છે અને મહાદેવ દેસાઈ તેમને લેવા માટે ત્યાં હાજર હતા અને તે સમયે ગાંધીજી તેમના શિષ્યોની સાથે સવારની પ્રાર્થના કરી રહ્યા હતા. વધુમાં ‘ઝીઓનિઝમ: ગાંધીજી પર કેલનબેકનો પ્રભાવ’ શીર્ષક હેઠળ કેલનબેક ગાંધીજીને ઝીઓનિસ્ટ કાર્યનું મહત્ત્વ સમજાવવાનો પ્રયાસ કરે છે તે અને તે સિવાયના અન્ય રાજકીય મુદ્દાઓ પણ અહીં ચર્ચવામાં આવ્યા છે. અને આ પ્રકરણના અંતમાં કેલનબેકના ભત્રીજી હન્ના લઝારે વર્ષ ૧૯૩૮ના જૂન મહિનામાં ગાંધીજીના આશ્રમની મુલાકાત લીધી હતી, તેનું પણ અહીં વર્ણન છે જેમાં હન્ના લઝારની ડાયરીના કેટલાક અંશ પણ નોંધવામાં આવ્યા છે.

આ પુસ્તકના અંતિમ પ્રકરણ ‘યહૂદીઓ’માં સૌપ્રથમ ગાંધીજીના યહૂદીની દુનિયા, નાઝી જર્મની અને પેલેસ્ટાઇનના બે મુખ્ય પ્રશ્નોને રજૂ કરતો લેખ (૨૬ નવેમ્બર, ૧૯૩૮ના રોજ સમાચારપત્રોમાં પ્રકાશિત થયો હતો) ‘યહૂદીઓ’ની ચર્ચા કરવામાં આવી છે. કે જેનાથી ગાંધીજીના ઘણાં મિત્રો અને પ્રશંસકો નારાજ થયા હતા. આગળ ‘કેલનબેકની ભારતની બીજી મુલાકાત’ શીર્ષક હેઠળ તારીખ ૨૧ જાન્યુઆરી, ૧૯૩૯ના રોજ તેઓ બોમ્બે આવે છે, તે સમગ્ર મુલાકાતનું વર્ણન કરવામાં આવ્યું છે. અને અંતમાં ‘દ્વિતીય વિશ્વયુદ્ધ અને હરમન કેલનબેકનું મૃત્યુ’ શીર્ષક હેઠળ લેખક નોંધે છે કે કેલનબેક દુઃખી અને એકલા દક્ષિણ આફ્રિકા પરત ફરે છે અને માર્ચ ૧૯૪૫માં તેઓ મૃત્યુ પામે છે.

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

24 May 2018 admin
← ઉનાળાને માણી શકાય?
તારો છેડલો તું માથે રાખને જરા આ તો ચૈતર વૈશાખના વાયરા →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved