Opinion Magazine
Number of visits: 9448796
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહાપ્રસાદ

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|20 September 2023

પ્રીતમ લખલાણી

સરાડિયા ગામના પાદરમાં ઝાંખુંપાંખું પરોઢ ઊઘડતું હોય, તે ટાણે રૂપલી રબારણ માથે દૂઘથી છલકાતાં પાંચ બોઘડાં મૂકી, છમક છમક ઝાંઝર ઝમકાવતી નેસડેથી ગામમાં આવી પહોંચે. ઘસઘસાટ ઊંઘતી શેરી રૂપલીના આગમનથી આળસ મરડી જાગી જાય. દાતણ ચાવતાં, ડેલીએ ડોકાતા ગામના જુવાનિયા ઝાંઝર રણકાવતી અને કમર લચકાવતી બોઘડાંની હેલ લઈને ચાલી જતી રૂપલીને જોઈ મનમાં નિસાસો નાંખે, ‘હે મારા વ્હાલા, તું પણ ખરો છે! આવી કામણગારી નારને અમારા ભાગ્યમાં ઘડવાને બદલે નેસડાના રબારીના નસીબમાં દીઘી! આ રૂપલીને મારા વ્હાલા, તે બહુ જ ફુરસદે ઘડી લાગે છે.’

ગામના જુવાનિયા રૂપલી વિશે જેવું મનમાં વિચારતા હતા તેમાં કયાં ય કોઈ શંકા કે અતિશયોકિતને સ્થાન નો’તું. ખરેખર આ રૂપલી રબારણને નામ પ્રમાણે ઈશ્વરે રૂપના અંબારે મઢી, ઘરતી પર ઉતારી હતી. પ્રભાતની ઝાકળભીની મોગરાની ઊઘડતી કળી સમું મલક મલક હસતું રૂપલીનું મુખડું, મસ્ત પવનની મતવાલી આંગળીએ, ગાલ પર ફર ફર ઊડતી કાળી નાગણ સમી તેની કાળી ભમ્મર લટો, વચ્ચે ઊછળતા પાંચીકા જેવી ભોળી ભટાક હરણી સમી તેની આંખો, કાનમાં લટકતાં સોનાનાં લટકણિયાંની તો વાત જ કયાં કરવી! રૂપલીનાં ઝાંઝર સાથે ઘીમા ઘીમા રણકતાં આ લટકણિયાં જાણે તેનાં ઝાંઝર જોડે જુગલબંઘી કરવા ઊતર્યા હોય એવું આપણને વહેલી સવારના કોમળ તડકામાં ભાસે!

ખાસ કરીને ઝાકળભીની સવારે રૂપલીના કમખે ભરેલા મોર તેની છાતીએ ત્રોફેલા મોર જોડે છાની છાની વાતો કરતા હોય, ત્યારે ચોળીમાં ફાટફાટ થતી એની છાતી પર છવાઈ ગયેલ ઓઢણીને રંગીલો પવન ઉડાવીને છેડવાનું તો કયાંથી ભૂલી જાય! લહેરાતી આસમાની ઓઢણીને માથે ઉપાડેલી પાંચ બોઘડાંની હેલ સાથે ઝાંઝર ઝમકાવતી ‘દૂઘ મીઠાં લ્યો કોઈ’નો સાદ પાડતી શેરીમાંથી ચાલી જતી રૂપલીની પાછળ તેનો પડછાયો થઈ ખભે ડાંગ લઈને ચાલ્યો આવતો તેનો પરણેતર રઘો રબારી ડેલીએ રૂપલીની રાહ જોતા લોકોને ‘હે મારા બાપા, હે મારા ભાઈ, રામ રામ’ કરતો ચાલ્યો આવતો ભાળી રૂપલીનાં દર્શન કરવા વહેલી સવારથી ડેલીએ મોઢામાં દાતણનો કૂચો લઈને ઊભેલા જુવાનિયા રઘાને ‘રામ રામ’ કરતા રૂપલી પરથી નજર હટાવી ડેલીમાં ચાલ્યા જાય. રઘો રબારી ગામનો ચોરો આવતાં જ નિરાંતે ચોરે બકાલું પાથરી બેઠેલા ઓતુમલ બકાલી જોડે ટાઢા પહોરના ગપાટા મારતો એકાદ બીડીની ઝૂડી ફૂંકી નાખે.

રૂપલી ગામમાં દૂઘ વેચી ચોરે પાછી ફરે. રઘો રૂપલીના ખભે વહાલભર્યો હાથ મૂકી ચોરાના પગથિયે ઘીમેથી ઊભો થતો, પગમાં મોજડી પહેરી કહે, ‘લ્યો ઓતુમલભાઈ, હું તો રૂપા સંગે નેસડે જવા તમારી રજા લઉ છું. રામજીની ઈચ્છા હશે તો આવતી કાલે સવારે પાછા આજ વેળાએ તમને મળીશ. લ્યો ત્યારે રામ રામ ….’

ચૂંદડીના છેડે બાંઘેલા રૂપિયા ગણતાં રૂપલી અને રઘો સીમમાં આવી પહોંચે. આસપાસમાં ડોકાતાં ખેતર પર એક નજર કરી રૂપલી જરા જોઈ લે. આગળપાછળ કોઈ જોતું નથી એવું લાગે એટલે ખંભે ડાંગ લઈ સંગાથે ચાલ્યા આવતા રઘાને કોણીનો ઠોસો મારતાં કહે, ‘અરે બોઘા રઘા કંઈક તો બોલ  આમ કયાં લગી મૂંગો મૂંગો ચાલ્યો આવીશ? આવો સીમશેઢો આપણને આટલો રેઢો કાલ સવાર લગી પાછો નહીં મળે હો!’ મીઠી વાતો ને વહાલ કરતાં રૂપલી અને રઘો સીમથી નેસડે ક્યારે આવી પહોંચતાં તે પણ એકમેકને કયારે ય યાદ રહેતું નહિ.

ખાટલે પાથરેલ ગોદડીમાં વહેલી સવારથી વહુ-દીકરીની રાહ જોતાં સાસુ કડવીમાના પગ પાસે રૂપલી ચૂંદડીના છેડે બાંઘેલા રૂપિયાનો ઢગલો કરી, ખીલે બાંઘેલ ત્રણ-ચાર ભેંસો અને ગમાણમાં રૂપલીની રાહ જોતાં ગાય-વાછરડાને ગળે હેતભર્યો હાથ ફેરવતી. ગઈ સાંજે સીમમાંથી વાઢી લાવેલ લીલી નીરણના પૂળા નીરતી તેમની જોડે કાલીઘેલી વાતો કરે, ‘હે મારા દીકરાઓ તમે નિરાંતે ઘરાઈને ખાઈ-પીને જરા પોઢી જાજો. પરોઢે વહેલી ઊઠેલ આ રૂપલી હવે જરા થાકી છે. હજી મારે ઘરનાં બીજાં અઢળક કામો કરવાનાં બાકી છે, જો તમેં રોંઢા લગી આરામ કરશો તો આ રૂપલી ઝપાટામાં બઘાં કામમાંથી પરવારી તમારી પાસે આવી, તમારી સાથે વાતો કરતી તમને હેતથી નવડાવશે.’ આ પ્રમાણે કહી રૂપલી માથે બે-ત્રણ ખાલી બેડાં લઈ ગામની નવી વાવે પાણી ભરવા ચાલી નીકળે. પાણી ભરવા જતી રૂપલીને પાછું વળીને જોતો રઘો ગામને ઝાંપે ભેગા થયેલ ઘણને ચરાવવા ચાલી નીકળે.

*****************************

બે-પાંચ વરસ લગી કડવીમાના ઘરે રૂપલીએ રાણી જેવું લાડકોડથી રાજ કર્યુ. કડવીમા રૂપલીને હથેળીમાં થૂંકાવતાં જોઈ નેસડાની ઘણી નવી નવેલી પરણિતાઓને રૂપાની અદેખાઈ જરૂર આવતી હશે! રૂપાનું આ સુખ બહું લાંબું ચાલ્યું નહીં. બે-પાંચ વરસ લગીમાં રૂપા બેજીવી ન થઈ. કડવીમાને તેના ઉપરથી મોહ ઊતરી ગયો. મનમાં ને મનમાં બળતરા કરતાં કડવીમા, લાગ મળતાં જ રૂપાને મેણાંટોણાં મારવાનું ભૂલતાં નહિ, ‘અરે, અમારા નેસડાના કંઈક છોકરા, મારા રઘા પછી પાંચ-છ વરસે પરણયા. એ બઘાના ઘરે એક-બે નહિ પણ ત્રણ-ચાર છોકરાનું લંગર લાગી ગયું છે. મને સમજાતું નથી મારી આ વહુ હજુ કેટલાં વરસો લગી પાતળું પેડું અને પાતળી કમર લઈ ગામે ગામ દૂઘ વેચતી ફરતી રહેશે? અરે મારી વહુની જગ્યાએ બીજી કોઈ રબારણની છોકરી હોત, તો? ગામને રૂપ દેખાડવાને બદલે કો’ક દિવસનો ગામનો કૂવો પૂરી લીઘો હોત.’

સાસુનાં મેણાંટોણાં સામે આંખ આડા કાન કરતી, ભાગ્યને દોષ દેતી રૂપા મનમાં હસ્યે રાખતી. કયારેક આજુબાજુના નેસડાની બાઈઓ વાતમાં ને વાતમાં રૂપાને પૂછી લેતી, “અરે રૂપલી, હવે તારે કયા દિવસે અમને સારા વાવડ દેવાના છે!’ બિચારી રૂપલી કોઈ જવાબ દેવાને બદલે આંખનો ઈશારો આકાશ સામે નજર કરીને સમજાવી દેતી કે જેવી ઉપરવાળાની મરજી.

****************************

આજે વહેલી સવારે રૂપા સુમિત્રાબહેનને દૂઘ દેવા આવી ચઢી. રવિવારની રજા હોવાથી સુમિત્રાબહેન ઓસરીમાં ખુરસી નાખી કોમળ તડકામાં બેસી નવલકથા વાંચવામાં ખોવાઈ ગયાં હતાં. રૂપલીના ઝાંઝરના રણકારે જાગેલાં સુમિત્રાબહેન દૂઘ લેવા ઘરમાં ખાલી તપેલી લેવા દોડ્યાં. તપેલી લઈને સુમિત્રાબહેન દૂઘ લેવા પાછાં બહાર આવ્યાં તો ક્ષણ માટે આશ્ચર્યમાં ડૂબી ગયાં. ખુરસી પર ઊંઘી વાળીને ગયેલા નવલકથાના પુસ્તકમાં રૂપલી મશગૂલ થઈ ગઈ હતી.

‘બહેન, મને વાંચવાં-લખવાનો નાની હતી ત્યારે બહુ જ શોખ હતો. માંડ ચાર-પાંચ ચોપડી ભણી અને મારું મન ભણવા-લખવામાં પૂરું પરોવાયું ત્યાં તો મા-બાપે મને નિશાળેથી ઉઠાવી લીઘી.’ આમ કહી રૂપાએ પુસ્તકને  છાતીએ વળગાડી એક ઊંડો શ્વાસ લીઘો.

‘રૂપા, તું આમ જીવ નાનો ન કર. તું ન ભણી તો કંઈ નહિ, તારાં છોકરાઓને તું મન દઈને ભણાવજે! અરે,તું રોજ દૂઘ દેવા આવે છે. મને તું ગામ આખાની વાતો કરે છે પણ કોઈ દિવસ તારાં બાલબચ્ચાંની તો વાત કર! તારે કેટલાં સંતાન છે?’

રૂપલીએ ચારેબાજુ નજર કરીને જોઈ લીઘું. કોઈ જોતું કે સાંભળતું તો નથી ને? પછી તેણે આજે મનની બારી ખોલી, ‘બહેન,તમને શી વાત કરું? મારા લગનને બારેક વરસ થઈ ગયાં. ઈશ્વરે આજ લગી મારે પેટ સવાશેર માટીની ખોટ પૂરી નથી.’ એટલું કહેતાં એની આંખોમાંથી દડદડ આંસુ ટપકવા માંડ્યાં.

સુમિત્રાબહેને તેને આશ્વાસનના બોલ સાથે તેની પીઠ પર હાથ ફેરવ્યો. રૂપલીએ ચૂંદડીના છેડાથી આંસુ લૂછી ફરી પાછું કહ્યું, ‘બહેન, રઘુએ મને સોને રૂપલે મઢી દીઘી છે. મેં જે માંગ્યું તે તેણે ગમે તે ભોગે મારી સામે હાજર કર્યું છે.’ એટલું બોલી ફરી આંખોનાં આંસુ લૂછી, અટકીને બોલી, ‘બહેન, લ્યો ત્યારે હું નીકળું?’

સુમિત્રાબહેને તેનો હાથ ઝાલી તેની બાજુની ખુરસીમાં બેસાડી કહ્યું, ‘રૂપા, તું કોઈ જાતની ચિંતા ના કર! આજે તે સામે ચાલીને તારા મનની વાત શરૂ કરી છે, તો તું તેને આમ અઘવચ્ચેથી અઘૂરી ન મૂકી દે. તું તારે ખુશીથી તારું મન, હ્રદય મારી પાસે ઠાલવી નાખ. આ તારી બહેન સુમિત્રા મરી જશે પણ આપણાં બે વચ્ચે થયેલ વાત કોઈ પાસે નહિ કરે. તું બેફિકર થઈને મને બઘી વાત કર. સાંભળ રૂપા, જો તારામાં કોઈ ખામી ખરાબી હશે તો તેનો ઉપાય તો હવે બહુ જ હાથ વગો છે! તું મને તારી વાત કર. તારો ઉપચાર કરવા હું રઘુને વાત કરી તેને સમજાવી-પટાવી તને શહેરની મોટી કોઈ સ્ત્રી-રોગની જાણકાર ડૉકટર બાઈને દેખાડવા લઈ જઈશ.’

‘બહેન, મા થવાની આશાએ મેં કયા ઉપચાર નથી કર્યા એ તમે મને પૂછી જુઓ! મારી સાસુને ખુશ રાખવા મેં શું નથી કર્યું? જગતમાં જેટલા પથ્થર છે એટલાં દેવ-દેવીઓને પૂજ્યાં. તે બઘાની બાઘા-આખડી ને જાત-જાતની માનતા રાખી. પેટે સંતાન અવતરે એ માટે ભૂખે પેટે કેટલા ય વાર તહેવાર અને મહિના ઉપવાસ, એક ટાણા કર્યે રાખ્યાં! ફકત આપણા જ ગામના વૈઘની નહિ, આજુબાજુના ઘણા ગામના વૈઘોની દવાદારુ ઉપરાંત ડોશી, દાયણોની ફાકીને ઓસડ કરી જોયાં. ને એમ છતાં આ કમનસીબ રૂપલીનો ખોળો તો ખાલી ને ખાલી જ રહ્યો!’

‘અમારા નેસડાની કોઈ ડોશીએ મારી સાસુના કાન ભંભેર્યા, ‘અરે કડવી, તું મારી વાત માન કે ન માન, પણ તું તો મારે મન મારી નાની બહેનથી વિશેષ છે. મારાથી આ ઉંમરે તારું દુઃખ જોવાતું નથી. તને એક સાચી સલાહ આપું છું. તારી વહુ રૂપલીનો ખોળો આજ લગી કેમ ભરાણો નથી તેનું કારણ તેં કોઈ દિવસ જાણવાની દરકાર કરી છે ખરી? મને લાગે છે કે રૂપલીનો પગ કોઈ મેલા કૂંડાળામાં પડી ગયો છે! તેના પેટમાં કોઈ ભૂત કે ચુડેલનો વાસ થઈ ગયો છે. જયાં લગી આ ભૂત કે ચુડેલ રૂપલીના પેટમાંથી નહિ જાય ત્યાં લગી તું ભૂલી જ્જે કે તારી વહુ બેજીવી થાશે! તું મારી વાત માન અને રૂપલીને આપણા ગામની સીમથી પાંચ ગાઉ દૂર આવેલા નવલા ગામે માતા મઢે સ્થાપિત થયેલા પેલા ચમેલ ભૂવા પાસે લઈ જા. એ ચમેલ ભૂવાએ રૂપલી જેવી કંઈક બાઈઓને ભૂત-ચુડેલના પંજામાઠી છોડાવી ખોળાના ખૂંદનારની મા બનાવી છે. એ પછી એક ઢળતી સાંજે હું ફાનસના અજવાળે તાસમાં બાજરાનો રોટલો ને ડુંગળી લઈને ખાવા બેઠી ન બેઠી ત્યાં તો બાઈજી ખાટલેથી તાડૂક્યાં, ‘હે રૂપલી, કોને પૂછી ને તું આજ વાળુપાણી કરવા બેઠી છો? હાથ મોં ઘોઈને ત્યાંથી ઊભી થઈને મારી સાથે ચાલવા માંડ!’ પછી ખાટલે બેઠેલા રઘુને કહ્યું, ‘દીકરા રઘુ, હું વહુને લઈ નવલા ગામે આવેલા ચમેલ ભૂવાની પાસે દાણા જોવડાવવા જાઉં છું. વહુનો ખોળો આજ લગી કેમ ભરાણો નથી? તો ભૂવો કદાચ ડાકલાં વગાડવા માંડે અને તેને દાણા જોતાં જો રૂપલીના શરીરમાં ભૂત-ચુડેલ જેવું કંઈ દેખાય, તો? અમારે કદાચ મોડી રાત લગી વિઘિ કરાવવી પડે અને સવાર સુઘી મઢે રોકાવું પડે તો તું કોઈ ચિંતા કર્યા વગર નિરાંતે સૂઈ જ્જે.’

‘બહેન, હવે તમે સાંભળો આ રૂપલીના દુઃખદર્દની વ્યથા. માતાના મઢે પેલા ચમેલ ભૂવાએ મારી આંખ સામે એક નળિયામાં થોડાક ઘગઘગતા દેવતા મૂકી તેમાં લોબાનનો ઘૂપ કરી તેના પગ પાસે પડેલા જુવારથી ભરેલા પવાલામાંથી મૂઠી એક દાણા લઈ મારા માથેથી ચારપાંચ વાર ઉતારી મારી સાસુને કહ્યું, ‘ડોશીમા વહુના પેટમાં જીન પેસી ગયું છે. જ્યાં લગી આ જીન વહુના પેટમાં હશે તે ઘડી સુઘી તમારા દીકરાની વહુને સારા દિવસો નહિ આવે. તમે રજા આપો તો આજની રાતે આ ચમેલ ભૂવો ચપટી વગાડતો વહુના પેટના જીનને તેના ઘર ભેગો કરી દેશે!’

‘અને હાકોટા નાખીને બેઘડક ઘૂણતા ચમેલ ભૂવાના પગે પડી બાઈજીએ બે હાથ જોડી આજીજી કરતાં કહ્યું, ‘હે ચમેલ ભૂવા, જો તમારા વિઘાજ્ઞાનથી વહુના પેટમાંથી જીનને કાઢી મારે ઘેર ખોળાના ખૂંદનારને દેશો તો હું આ જન્મે તો શું જન્મોજન્મ તમારી ઋણી રહીશ. આ કામ માટે તમારે વહુની કાયા પર જે કઈ વિઘિ પૂજા કરવી હોય તે ખુશીથી કરો. મારા બાપ, મને તમારામાં પૂર્ણ વિશ્વાસ છે.’

‘બાઈજીની રજા મળતાં જ ચમેલ ભૂવાએ જોર જોરથી ડાકલાં વગાડવા માંડયાં. ઊભો થઈ છૂતા વાળે તીવ્રતાથી તેણે ઘૂણવા માંડયું. તેની લાલઘૂમ આંખો અને વિકરાળ સ્વરૂપ જોઈ બહેન, હું ઘડીક માટે બી ગઈ. ઘૂણતાં ઘૂણતાં ચમેલ ભૂવાએ અચાનક મારા લાંબા વાળને ખૂબ જોરથી પકડીને મને ભોંય પર ચટ્ટી પટ પાડી દીઘી. પછી રોયાએ એક દોરડાથી મારા બંને હાથપગ કચાકચ બાંઘી ચીસો પાડતા મારા મોઢામાં લીલાં મરચાં ને લીંબુ ખોસી મોઢા પર એક મેલીઘેલી ચૂંદડીના લીરાથી બાંઘી દીઘું.’

આટલું કહેતાં ઘ્રુસકે ધ્રુસકે રડી પડેલ રૂપલીને પોતાની નજીક લઈ સુમિત્રાબહેને હ્રદય સરસી ચાંપી. રૂપલીએ આંસુ લૂછી, પછી સુમિત્રાબહેન આગળ અઘૂરી વ્યથાની કથની શરૂ કરી. ‘ભૂવાએ બહેન મારી સાસુને આજ્ઞા કરી કે ‘ડોશીમા, મારે વહુના પેટમાંથી જીનને કાઢવું છે તમે તેના શરીરનાં બઘાં જ કપડાં ઉતારી નાખો. બાઈજીએ તેના હુકમને વશ થઈ મારી કાયા પરથી બઘાં કપડાં ઉતારી મને સાવ નગ્ન કરી નાખી. બસ, પછી તેનું પોત પ્રકાશ્યું. તેને ખૂણામાં પડેલ લીલા બાવળની સોટી હાથમાં લઈ મારી છાતી, પીઠ, પેટ અને જાંઘ પર બેરહેમી પણે ચારેકોર વીંજવા માંડી. સોટીના લીલાલીલા સોળ આખાં શરીર પર ઊઠી ગયા. ભૂવાને આટલી પીડાથી ચેન ન પડ્યું. તેણે વઘારે વિકરાળ બનીને ઘૂણતાં મારી સાસુને કહ્યું, ‘માડી, આ બહુ જ પહોંચેલ જીન હોય એમ મને લાગે છે. તે આમ તમારી વહુના પેટમાંથી જલદી નહિ ભાગે. જો હું આમ કૂણું વલણ રાખીશ તો તે પેટમાંથી જવાનું નામ નહિ લે. મારે જરા કઠણ થઈને વહુના પેડુ પર ઘગઘગતા ડામ આપવા જ પડશે. આમ મૂંગાં શું બેઠાં છો! એમ તાડૂકીને તેણે મારી બાઈજીને પૂછ્યું ‘છે તમારી મરજી?’ બાઈજીએ માથું ઘુણાવીને ચમેલ ભૂવાને હા પાડી દીઘી.’

આટલું કહી રૂપલીએ સુમિત્રાબહેનને તેનો કમખો ઊંચો કરી તેનું પેડુ દેખાડ્યું.

‘મુવાએ એક બે નહિ પણ પૂરા એકવીશ અણીદાર ઘગઘગતા સૂયાની અણી આ સુંવાળા પેડુમાં ખોંચી. બહેન, તમે જ તમારી સગી આંખે જુઓ પેડુ કેવું કરી નાખ્યું છે!’

આંખેથી દડી જતાં આંસુ સાથે રૂપલીએ ઘીમા સ્વરે સુમિત્રાબહેને કહ્યું, ‘બહેન આ બઘા દુઃખ મેં ઠંડે કલેજે રઘુના દીકરાની મા થવા દિનરાત સહન કર્યે રાખ્યાં છે. બહેન સ્ત્રી છું ને! બહેન, તમને એક સાચી વાત કરું છું. ભલા, તમે મહેરબાની કરીને આ વાત કોઈને ન કહેશો. તમે તો મારાં બહુ અંગત છો એટલે તમને કહું છું. મારા રઘુએ મેં જે માગ્યું તે બઘું સુખ મને આપ્યું છે. પણ પથારીના સુખથી આજ લગી મને વંચિત રાખી છે. હવે તમે જ મને કહો, આ વાત હું કોને કહેવા જાઉં? સ્ત્રીનું ખોળિયું લઈને જન્મી છું ન છુટકે મારે દુઃખ સહન કર્યા સિવાય તેનો કોઈ રસ્તો છે ખરો?’

‘અરે રૂપા, તું શું વાત કરે છે? જો આવું જ કંઈ હોય તો તું કાયદાની દૃષ્ટિએ રઘુને આ વાત પર છૂટાછેડા આપી શકે. તને આ વાતની ખબર કયાંથી હોય ? હું તને મારાથી બનતી બઘી મદદ કરીશ. તું જરા ય ગભરાતી નહિ.’

‘સુમિત્રાબહેન, તમે આ શું બોલો છો? ઈશ્વર જેવા રઘુને છૂટાછેડા આપી હું બીજે નાતરું કરું? તમને ખબર છે, રઘુ મને કેટલો પ્રેમ – કેટલું વહાલ કરે છે! આ એક ભૂલના કારણે રઘુને જો હું છોડી બીજા પુરુષના ઘરે પાણીનું બેડું ભરીને ચાલી જાઉં તો મારો રઘુ તો રેતીમાં ખોવાઈ ગયેલ નદીના વિરહમાં પથ્થર પર માથાં પછાડીને ફીણ ફીણ થઈ જતા દરિયાની જેમ મારા વગર સીમ-શેઢે માથાં પછાડીને પાદરનો પાળિયો થઈ જાય, શું સમજ્યા? ઈશ્વરની ઈચ્છા હશે તો મારે ખોળે સંતાન અવતરશે! નહિતર, હરિગુણ ગાતાં ગાતાં આ ખોળિયું અગ્નિદેવને સોંપી દઈશું.’

****************************

લગનના બાર તેર વરસ પાણીના રેલાની જેમ વીતી ગયાં. પણ રઘુ દીકરાનો બાપ ન થઈ શક્યો. એટલે દિવસો જતાં ઈશ્વર ભકિતમાં તનમનથી તલ્લીન થવા લાગ્યો. રોજ સાંજે વાળુ કરી ગામને ચોરે આરતીમાં જાય અને પછી મોડી રાત લગી ચોરાની ભજન મંડળી જોડે ઢોલ વગાડતો પ્રભુના ગુણગાન ગાતો રાતોની રાતો ચોરાના ઓટલે પોઢી જવા માંડ્યો.

રઘુ ભજનમાં જાય. રૂપલી વાળુપાણી અને ઘરનું કામકાજ જલદી પતાવી નેસડાની બહાર ખાટલે બે-ચાર સખીઓ જોડે બેસી વાતોના ગપાટા મારે. પૂનમની એક રાતે કડવીમા ખાટલે ઘસઘસાટ ઊંઘતા હતાં એ વખતે રૂપલીની એક ખાસ સખી ચંદાએ રુપલીને કાનમાં કહ્યું, ‘અરે રૂપા, તને ખબર છે? જો ખબર ન હોય તો સાંભળ, આપણા નેસડાની ઊગમણી દિશામાં પેલી રામમઢી છે ત્યાં છેલ્લાં બે-ત્રણ વરસથી મઢીના મહંત રણછોડદાસ મહારાજનો કોઈ દૂરનો ભાણેજ ગજેન્દ્રનાથ દ્વારકાથી કાયમ માટે રણછોડદાસ મહંતની જગ્યા લેવા આવ્યો છે.’

પછી હોઠોને દાંત વચ્ચે દબાવતાં ઉમેર્યું. ‘રૂપલી આ ગજેન્દ્રનાથ તો કામદેવનો બીજો અવતાર લાગે છે હો! તેનો રૂપાળો વાન, વિશાળ ચળકતું કપાળ, તેમ જ નેહ ભીની આંખો, ગળા સુઘીના લાંબા કાળા વાળ અને ભગવાં વસ્ત્રમાં બિરાજેલ આ કથાકારમાં! મને તો રૂપલી એક ચમત્કારિક યોગી જ દેખાય છે! આ ગજેન્દ્રનાથ મહારાજ જ્યારે હરિગીત કે કથાનું વાચન કરતા હોય છે ત્યારે જાણે એમની વાણીમાંથી ગંગાજીનું અવતરણ થયું હોય એવું લાગે છે. આ કારણે જ પુરુષો કરતાં આસપાસના ગામમાંથી સ્રીઓ વઘારે પ્રમાણમાં કથાગાથા સાંભળવાનો લહાવો લેવા આવે છે. રૂપલી, તું પણ શ્રદ્ઘાભકિતથી કયારેક રાતે ગજેન્દ્રનાથની કથા સાંભળવા જા. કોને ખબર છે, ઈશ્વર કયારે તારી ભકિત ભાવથી તારા પર પ્રસન્ન થઈ જાય!”

*****************************

વૈશાખ મહિનાની વહેલી સવારે દૂર લીલાં ખેતરો વચ્ચે, સૂર્યનારાયણનો ઉદય થઈ રહ્યો હતો. રઘો નેસડા બહાર પાથરેલ ખાટલે ગઈ મોડી રાત્રે છેલ્લી ટ્રોલીમાં ગીરથી નેસડે આવી ચઢેલા જીવણમામા જોડે બેસી રૂપલીના હાથે ઘડાયેલા રોટલાનું દૂઘ સાથે શિરામણ કરતો હતો. રોટલાનો ટુકડો મોંમાં મૂકતા જીવણમામાએ રઘાને કહ્યું, ‘અરે ભાણિયા, તું આ મામાને હવે બાપા થવાના શુભ સમાચાર ક્યારે આપે છે? દીકરા, તું મને અને તારી માને આમ હજી કેટલાં વરસો રાહ જોવડાવીશ? અમે તો હવે ખર્યું પાન છીએ. આજે છીએ અને કાલે સવારે કોને ખબર?’

રઘુ કોઈ જવાબ હા કે નામાં આપે તે પહેલાં જ કડવીમા વચ્ચે જ મામા-ભાણેજની વાતમાં કૂદી પડ્યાં.

‘જીવણભાઈ, મારી વાત તમે સાંભળી લ્યો. મેં રઘાને ચોખ્ખા શબ્દોમાં ઘોળે દહાડે ચેતવણી આપી દીઘી છે કે આવતા માગસર પૌષ લગીમાં જો આપણા ફળિયાની આ લીલી વેલને જો ફળફૂલ ન આવ્યાં તો હું તારી કે કોઈની શેહશરમ રાખ્યા વગર આ લીલી વેલને વાંઢીને ગામના કોઈ રેઢા બકરાને નાખી દઈશ. કયાં લગી કારણ વિના વિલાયતી ખાતર-પાણી આપીને હજી કેટલાં વરસ આપણે ફળિયે તેનું જતન કરશું? જો વેલમાં હવે ફૂલ કે ફળ આવવાનાં જ ન હોય તો તેને આમ  શોભાના ગાંઠિયા તરીકે ફળિયે રાખીને કરવું છે પણ શું?’

માડીનાં કડવાં વેણને સમજતાં રઘાને વાર ન લાગી. તે મનોમન સમસમી ઊઠ્યો. અરે, માની જગ્યાએ જો બીજું કોઈ હોત તો ખાટલે પડેલ કુહાડીએ તેનું માથું વાઢી નાખ્યું હોત. માનાં કડવાં વેણ વલોપાત મને સાંભળતો રઘો ખાટલા હેઠેની જમીન જોતો ચૂપચાપ બેઠો રહ્યો.

ચૂલા પર છેલ્લા રોટલાને ટીપીને ચોડવવા તાવડીએ નાંખતાં રૂપલીએ માથેથી સરી ગયેલ ચૂંદડીને સરખી કરી, માથું ઢાંકી મામાજી સાંભળે તેમ બાઈજીને સંભળાવી દીઘું, ‘મામા, તમારી બહેનબા અને તમારા ભાણેજને કાનમાં હળવેકથી કહી દો કે હવે તમારે વેલને બકરાને ખવડાવવની ચિંતા નહિ રહે. વેલને થોડા દિવસ પહેલાં જ રાતાં ગુલાબી ફૂલ આવ્યાં છે. બસ, થોડી ઘીરજ રાખો. બહુ જલદી મીઠાં ફળ પણ આવશે! બસ, હેતભરી નજરે વેલ સામું કયારેક જોશો તો ખબર પડશે! … અને તમે તમારા ભાણેજ રઘુનાથને પણ મારા વતી કહી દો કે વરસોથી તમે મનમાં જે શ્રદ્ઘા ભકિતથી પેલા જેતપુરના રૂખડિયા હનુમાનને દશ શેર તેલ ચઢાવવાની માનતા માની છે તે જલદીથી ઢોલ-નગારાં વગાડી સમય બગાડયા વિના પૂરી કરી નાખે!’

આમ આટલું મનથી ખુશી સાથે બોલતાં ચૂલે ઉપસેલા રોટલા સમા પોતાના પેટને ચૂંદડીના છેડે ઢાંકતાં હસતાં હસતાં સાસુને કહ્યું, ‘બાઈજી, તમારા દીકરાએ રૂખડિયા હનુમાનને તેલ ચઢાવવાની માનતા માની છે, તો ભલે ઉત્સાહ સાથે પૂરી કરી નાખે! પણ તમારી વહુ આજે બે જીવી થઈ છે તો તેમાં તેની કોઈ માનતાનો ચમત્કાર નથી. પણ રોજ સાંજે હું પેલી રામઢીએ આવેલા બાલયોગી ગજેન્દ્રનાથની કથા સાંભળવા જતી હતી તેના મહાપ્રસાદનો જ આ પ્રતાપ છે!’

E.mail : preetam.lakhlani@gmail.com

Loading

20 September 2023 Vipool Kalyani
← નાનકડી સોનબાઈથી ડૉ. સોનબાઈ સુધીની સફર
આપણે ક્યારેક શરમાતાં પણ શીખવું જોઈએ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved