Opinion Magazine
Number of visits: 9446691
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મધ્યાહ્ન ભોજન યોજના : ભૂખ ભાંગે છે, ભેદ નહીં !

ચંદુ મહેરિયા|Opinion - Opinion|11 November 2021

ભારતની પ્રાથમિક શાળાના બાળકોને પૂરક પોષણ પૂરું પાડતી મધ્યાહ્ન ભોજન યોજના હવે પી.એમ. પોષણ યોજના કહેવાશે! કેન્દ્રીય મંત્રીમંડળે ૨૦૨૧-૨૨થી ૨૦૨૫-૨૬ના પાંચ વરસ માટે મધ્યાહ્ન ભોજન યોજનાને નવા નામે અને નવા રૂપે અમલી બનાવવા મંજૂરી આપી છે.

ઈ.સ. ૧૯૨૩માં, મદ્રાસ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરી વિસ્તારોની શાળાનાં બાળકો માટે પોષક આહાર યોજના શરૂ કરી હતી, તે ઘટનાને હવે તો સો વરસ થશે. ૧૯૩૦માં પોંડિચેરીમાં ફ્રેન્ચ વહીવટી તંત્રે પણ આવો પ્રયાસ કર્યો હતો. આઝાદી બાદ, ૧૯૬૨-૬૩માં, તમિલનાડુમાં કે. કામરાજે નાના પાયે અને પછી ૧૯૮૨માં એમ.જી. રામચન્દ્રને સમગ્ર રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના શરૂ કરી હતી. બાળકો જોગ બપોરાંની આ યોજના શરૂ કરનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય હતું. કાઁગ્રેસી મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકીએ ૧૯મી નવેમ્બર ૧૯૮૪ના રોજ ગુજરાતમાં મધ્યાહ્ન ભોજન યોજના આરંભી હતી. રાજ્યના ૬૮ તાલુકાથી તેની શરૂઆત કરવામાં આવી હતી. ડિસેમ્બર ૧૯૮૪માં તેનો વ્યાપ વધારીને સમગ્ર રાજ્યમાં લાગુ પાડી હતી.

૧૯૯૫ના સ્વાતંત્ર્ય દિવસથી દેશના ૨,૪૦૮ તાલુકામાં અમલી મધ્યાહ્ન ભોજના યોજના, ૧૯૯૭-૯૮માં, આખા દેશમાં લાગુ કરવામાં આવી હતી. કેન્દ્ર પુરસ્કૃત અર્થાત્‌ કેન્દ્ર સરકારના આર્થિક અનુદાનથી અમલી મધ્યાહ્ન ભોજન યોજનામાં પહેલાં કેન્દ્રનો ફાળો ૭૫ ટકા હતો, જે હવે ૬૦ ટકા છે. ધોરણ એકથી આઠના, છથી ચૌદ વરસના, ૧૧.૨૦ લાખ શાળાના, ૧૧. ૮ કરોડ બાળકો આ યોજનાના લાભાર્થી છે. નિમ્ન પ્રાથમિક શાળાનાં બાળકો માટે ૪૫૦ કેલેરી અને ૧૨ ગ્રામ પ્રોટીન, ઉચ્ચ પ્રાથમિક શાળાના બાળકો માટે ૭૦૦ કેલેરી અને ૨૦ ગ્રામ પ્રોટીનયુક્ત ગરમ રાંધેલું ભોજન આપવાના માપદંડ નક્કી કરવામાં આવેલ છે. કેન્દ્ર સરકાર મધ્યાહ્ન ભોજન યોજનાના ધોરણ ૧થી ૫ના બાળકો માટે પ્રત્યેક બાળક દીઠ ૧૦૦ ગ્રામ અને ૬થી ૮ ધોરણના બાળકો માટે ૧૫૦ ગ્રામ અનાજ પૂરું પાડે છે. બાળકોને દુકાળના સમયે વેકેશનમાં પણ આ ભોજન આપવાની જોગવાઈ છે. કોરોના મહામારીમાં શાળાઓ બંધ હોવાથી બાળક દીઠ નિર્ધારિત રોકડ રકમ કે અનાજ આપવામાં આવ્યું હતું.

મધ્યાહ્ન ભોજન યોજનાના – ઉદ્દેશ બાળકોને શિક્ષણ તરફ વાળવા, શિક્ષણનો વ્યાપ વધારવો, નિરક્ષરતા નિવારણ, પોષણક્ષમ પૂરક આહાર પૂરો પાડી કુપોષણ નાબૂદી, ગરીબી નિવારણ, આરોગ્યમાં સુધારો, રોજગારી પૂરી પાડી બેરોજગારી ઘટાડવી, શાળા બહાર ધકેલાતાં બાળકોનું પ્રમાણ ઘટાડવું, બાળકોમાં જ્ઞાતિ, લિંગ, ધર્મના ભેદભાવ સિવાય સામાજિક સમાનતા અને એકતા વિકસાવવી વગેરે – છે. પરંતુ યોજનાના ઘણાં ઉદ્દેશ કાગળ પર જ રહ્યાં છે.

લાંબા ગાળાથી આ યોજના અમલી હોવા છતાં તે સામાજિક સમાનતા સ્થાપવામાં નિષ્ફળ અને ભ્રષ્ટાચારનો પર્યાય હોવાની વ્યાપક ફરિયાદો છે. આ વાત તેના મૂલ્યાંકનના સરકારી – બિનસરકારી પ્રયાસોમાં ઉજાગર થઈ છે. ખુદ ગુજરાત સરકારે યોજનાના અમલીકરણના ત્રીજા જ વરસે એનું મૂલ્યાંકન જાણીતી સંશોધન સંસ્થા ‘સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ’ (સુરત) પાસે કરાવ્યું હતું. આ મૂલ્યાંકનનું મહત્ત્વનું તારણ યોજનાના નબળા અમલીકરણનું, રાજકીય ઇચ્છાશક્તિના અભાવનું અને વહીવટી તંત્રની ઉપેક્ષાનું હતું. આજે સાડા ત્રણ દાયકે પણ તે સાચું છે.

યોજનાને કારણે બાળકોનું પ્રાથમિક શાળામાં દાખલ થવાનું પ્રમાણ નિ:શંક વધ્યું છે. પરંતુ યોજના માત્ર સરકારી અને સરકાર અનુદાનિત શાળાઓમાં જ અમલી છે દેશમાં હવે ખાનગી પ્રાથમિક શાળાઓનું પ્રમાણ વધી ગયું છે, ત્યારે આ યોજના પર આદિવાસી-દલિત-પછાત-વંચિત-ગરીબ લાભાર્થી બાળકોને નબળા અને ગુણવત્તાહીન શિક્ષણમાં લિપ્ત રાખવાનું આળ છે.

૨૦૧૮નો નીતિ આયોગનો એક અભ્યાસ મધ્યાહ્ન ભોજન આરોગતી બાળાઓનાં કદ-કાઠી બિન લાભાર્થી બાળાઓના પ્રમાણમાં વધ્યાં હોવાનું જણાવે છે. તે થકી કુપોષણ નાબૂદીનું યોજનાનું લક્ષ સંતોષાતું હોવાનું આશ્વાસન નીતિનિર્માતાઓ લે છે. દેશમાં પાંચ વરસથી ઓછી વયના ૫૦ ટકા બાળકો કુપોષિત છે. એટલે ૬થી ૧૪ વરસના બાળકોને મધ્યાહ્ન ભોજનનું બટકું ફેંકીને કુપોષણની સમસ્યા હલ કરી શકાશે નહીં. વળી દેશમાં યોજનાની સફળતાનો દર ૭૨ ટકા અને ઉત્તર ભારતના રાજ્યોમાં ૪૦થી ૬૦ ટકા છે. એટલે આ યોજના દ્વારા સંપૂર્ણ નહીં પણ આંશિક જ કુપોષણ મુક્તિ થઈ શકશે.

‘શાળાઓમાં જ્ઞાતિ, ધર્મ અને લિંગ આધારિત કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખ્યા સિવાય બાળકોને એક સાથે જમવાનું આપવામાં આવે’ એવો યોજનાનો મહત્ત્વનો અને ઉમદા હેતુ છે. આ યોજના દ્વારા સામાજિક સમાનતા સધાય અને બાળકો બચપણથી જ જ્ઞાતિ-ધર્મના પૂર્વગ્રહોથી મુક્ત બને તેવો યોજનાનો હેતુ હોય, અને બીજી તરફ ન માત્ર ગુજરાતમાં, દેશભરમાં દલિત બાળકો પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો હોવાની ફરિયાદો સતત ઊઠે છે. ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના ગડેરી અને મૈનપુરી જિલ્લાના દૌદાપુર ગામના બનાવો તાજેતરના છે. આ બંને ગામોમાં દલિત બાળકોને જુદા જમવા બેસાડાતા હતા. ભેદભાવની ફરિયાદ પછી ફરજ મોકુફ થયેલા આચાર્યા બહેનોએ તેમના કૃત્યને સામાજિક પરંપરા લેખાવ્યું છે !

જાણીતા સમાજશાસ્ત્રી આઈ.પી. દેસાઈના ૧૯૭૬ના ‘અનટચેબિલિટી ઈન રુરલ ગુજરાત’ના અભ્યાસમાં, સંશોધન હેઠળના ૫૯માંથી ૫૮ ગામોમાં દલિત બાળકો સાથે શાળામાં આભડછેટ રાખવામાં આવતી ન હોવાનું જણાયું હતું. તેના દસ વરસ બાદના બે યુવા સંશોધકો કિરણ દેસાઈ અને સત્યકામ જોશીના અભ્યાસમાં, ‘મધ્યાહ્ન ભોજન યોજનાના અમલે શિક્ષકોના જ્ઞાતિકીય પૂર્વગ્રહો સપાટી પર આણ્યાનું, કથિત ઉચ્ચવર્ણીય શિક્ષકો ભોજન માટેની બેઠક વ્યવસ્થામાં  સભાનપણે કથિત અસ્પૃશ્ય બાળકોને અલગ બેસાડતા હોઈ, બાળકોમાં બચપણથી સામાજિક દૂષણ રોપાઈ રહ્યાનું’ નોંધાયું છે. એ રીતે સામાજિક ભેદભાવને મિટાવવાનો ઉદ્દેશ ધરાવતી મધ્યાહ્ન ભોજન યોજના પોતે જ નવા રૂપે આભડછેટ જન્માવનારી બની છે.

ભારતીય જ્ઞાતિ વ્યવસ્થામાં રોટી-બેટી વ્યવસ્થાનો નિષેધ હોઈ ભોજન જ્ઞાતિવ્યવસ્થાનું કેન્દ્ર છે. તેનો વધુ એક પુરાવો ૨૦૧૦નો અમેરિકાના ‘રોબર્ટ કેનેડી સેન્ટર ફોર જસ્ટિસ એન્ડ હ્યુમન રાઈટ્સ’ અને ગુજરાતના ‘નવસર્જન ટ્રસ્ટ’નું ‘અન્ડરસ્ટેન્ડિંગ અનટચેબિલિટી’ સંશોધન છે. ગુજરાતના ૫૬ તાલુકાના ૨,૫૮૯ ગામોમાં પ્રવર્તતી અસ્પૃશ્યતાનો આંખ ઉઘાડનારો આ અભ્યાસ, ગુજરાતમાં દલિત બાળકો પ્રત્યે મધ્યાહ્ન ભોજનમાં ૫૩.૮ ટકા જેટલી ઊંચી આભડછેટ પળાતી હોવાનું, જણાવે છે. સંશોધકોને દલિતોની આંતરિક આભડછેટ પણ મધ્યાહ્ન ભોજન યોજનામાં જોવા મળી હતી. ગુજરાતમાં દલિતોની કહેવાતી ઊંચી જાતિનાં બાળકો નીચી જાતિના મનાતા સફાઈ કામદારોનાં બાળકો પ્રત્યે મધ્યાહ્ન ભોજન યોજનામાં ૧૭.૪ ટકા આભડછેટ પાળતા હતા. એટલે રાજ્યની ૧૭.૪ ટકા શાળાઓમાં બપોરના સરકારી ભોજનમાં દલિત, બિનદલિત એવી બે જ નહીં પણ બિનદલિત, દલિત અને દલિતમાં દલિત એવા સફાઈ કામદારોના બાળકો એવી ત્રણ પંગતો જોવા મળતી હતી!

એકતાળીસ સંશોધન સંસ્થાઓ દ્વારા ૨૦૧૦થી ૨૦૧૨ દરમિયાન ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઓરિસ્સા અને ગુજરાતની ૧૮૬ શાળાઓની મધ્યાહ્ન ભોજન યોજનાની કરેલી તપાસમાં પણ દલિત બાળકો પ્રત્યેનો સામાજિક ભેદભાવ જોવા મળ્યો હતો.

દેશના આશરે બાર કરોડ બાળકોને આવરી લેતી મધ્યાહ્ન ભોજન યોજના, સરકાર દ્વારા દુનિયાની સૌથી મોટી આહાર યોજના તરીકે પ્રચારિત થયેલી છે. કલ્યાણ રાજ્યને વરેલી આપણી લોકશાહી સરકારો માટે આ એક મહત્ત્વની યોજના છે. પરંતુ તેની સફળતા માત્ર આંકડાઓની માયાજાળથી કે નવા નામકરણથી ન આંકવી જોઈએ. વાસ્તવમાં આ યોજનાથી સામાજિક સમાનતા, એકતા અને ભાઈચારાની દિશામાં કેટલા ડગ માંડી શકાયા તે પણ ચકાસવું રહ્યું. આ યોજના બાળકોની ભૂખ ભાંગવા સાથે ભેદ ભાંગવામાં કેટલી ખરી કે ઊણી ઊતરી છે તેના આધારે પણ તેની સફળતા મૂલવવી જોઈએ.

e.mail : maheriyachandu@gmail.com

Loading

11 November 2021 admin
← દિવાળીથી દેવદિવાળી
રોમાન્ટિક વડોદરા પર ઊભેલું મારું લિટરરી વડોદરા →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved