તેનું સ્મિત કરોળિયાના ડંખ જેવું છે. તેને ફરી ભૂખ ન લાગે ત્યાં સુધી હું થીજેલો પડ્યો રહું છું … એકબીજાને બાનમાં રાખ્યા હોય તેવાં અમે સવારે એકબીજાના ચહેરા પહેરી ચાલ્યા જઈએ છીએ.
— ટેડ હ્યુજ (લવસોન્ગ)
‘મને એવું કોઈ મળ્યું નથી જે મારામાં ઉભરાતો આદિમ પ્રેમ ઝીલી શકે અને એટલી જ તીવ્રતાથી મને પાછો પણ આપે. મારી રાખમાંથી ઊભી થઈ હું ફરીવાર પોતાને ખતમ કરીશ …’ આ શબ્દો છે વિશ્વયુદ્ધોત્તરકાળની સૌથી પ્રભાવશાળી કવયિત્રી સિલ્વિયા પ્લાથના. પણ કોઈ એમ કહે કે આ શબ્દો મધુબાલાના છે કે પછી મેરેલિન મનરોના છે તો અનુભૂતિનું જે એક સત્ય હોય છે એ દૃષ્ટિએ એ વાત પણ માનવી પડે. અને તો પછી આવી રહેલા વેલેન્ટાઇન ડે નિમિત્તે આ ત્રણેના અધૂરા રહેલા પ્રેમની અને અકાળે આથમી ગયેલા જીવનની વાત કરવી પડે. યોગાનુયોગ સિલ્વિયા પાથની પુણ્યતિથિ અને મધુબાલાનો જન્મદિન આ જ દિવસોમાં છે.
સિલ્વિયા પ્લાથનો જન્મ 1932માં. મેરેલિન મનરોનો 1926માં અને મધુબાલાનો 1933માં. સિલ્વિયા પ્લાથ અમેરિકન કવયિત્રી, મેરેલિન મનરો હૉલીવૂડ અભિનેત્રી અને મધુબાલા ભારતીય અભિનેત્રી. ત્રણેની લોકપ્રિયતા સ્થળ અને કાળની સરહદો વટાવી ગઈ છે. ત્રણેની આસપાસ ગ્લેમર વીંટળાયેલું હતું. ચાહકોની કમી નહોતી છતાં ત્રણે સાચા પ્રેમને માટે વ્યાકુળ હતી અને ત્રણે વહેલી વયે અકાળ મૃત્યુનો ભોગ બની હતી. મેરેલિન મનરોએ 36 વર્ષે અને અને સિલ્વિયા પ્લાથે 33 વર્ષે આત્મહત્યા કરી હતી. મધુબાલાના હૃદયમાં કાણું હતું, તે 36માં વર્ષે મૃત્યુ પામી હતી.
જર્મન મૂળની સિલ્વિયા પાથ મેસેચ્યુએટ્સમાં જન્મી, ગ્રેજ્યુએટ થયા પછી ફૂલબ્રાઈટ સ્કોલરશીપ લઈને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણવા માટે ઇંગ્લેન્ડ આવી અને જાણે તેની જ રાહ જોઈ રહ્યો હોય એમ ત્યાં તેને મળ્યો મહત્ત્વાકાંક્ષી બ્રિટિશ કવિ ટેડ હ્યુઝ. બંને મળ્યા અને ચાર મહિનામાં તો પરણી પણ ગયાં. સર્જકો વચ્ચેના પ્રેમનાં ઉદાહરણ અનેક છે, પણ પરિણામ બે જ છે. બંને એકમેકને સમૃદ્ધ કરે છે અથવા તો ખલાસ કરે છે. સિલ્વિયા અને ટેડની કહાણી કઇંક આવી જ હતી.
સિલ્વિયા આઠ વર્ષની ઉંમરથી કાવ્યો લખતી, જિંદગીને અને મૃત્યુને અત્યંત ઉત્કટતાથી ચાહતી, અંદરના અજબ પ્રકાશથી ચમકચમક થતી, અત્યંત સુંદર અને સંપૂર્ણતાની આગ્રહી. ટેડ પણ તેવો જ હતો. ઊંચો, ચુસ્ત, શાલીન અને સર્જનાત્મકતાથી ધબકતો.
પણ સિલ્વિયાનો એક બીજો ચહેરો પણ હતો. હતાશા અને સ્ફૂર્તિ બંને તેના તીવ્રતમ સ્વરૂપમાં એકસાથે સિલ્વિયામાં વસતાં અને તે એકથી બીજે છેડે ફંગોળતી રહેતી. અત્યંત સંવેદનશીલ, ઉત્તેજનાભરી અને આદિમ અતિરેકોમાં જીવનારી સિલ્વિયાના જાત સાથેના સંઘર્ષનો અને સાહિત્ય અને પ્રેમની દુનિયામાં વિજય મેળવવાની તેની પાગલ ઝંખનાનો કોઈ છેડો ન હતો. તેને ઇલેક્ટ્રિક શૉક સાથેની માનસિક સારવાર લેવી પડી હતી. ટેડ અને સિલ્વિયા વચ્ચે ઉન્માદભર્યો પ્રેમ હતો, પણ ઊભરો શમ્યા પછી સિલ્વિયાની ઈમોશનલ ઇનસ્ટેબિલિટી અને ટેડના અંતર્મુખીપણા અને પુરુષ તરીકેના અહંકાર વચ્ચે ઘર્ષણ પણ ઓછું ન થતું. તોફાનોથી ભરેલા લગ્નજીવનનો અંત વેદનાભર્યા હૃદયભંગમાં આવ્યો. અનેક વિટંબણાઓ છતાં તે સતત લખતી રહી. અને એક દિવસ તેણે ઓવનમાં માથું મૂકી સ્વિચ ઓન કરી દીધી. સિલ્વિયાના મૃત્યુએ ટેડને એવો તોડી નાખ્યો કે ત્રણ વર્ષ સુધી તે કવિતા લખી શક્યો નહીં. ‘લવસોન્ગ’ નામના કાવ્યમાં હ્યુજે લખ્યું છે, ‘તેનું સ્મિત કરોળિયાના ડંખ જેવું છે. તેને ફરી ભૂખ ન લાગે ત્યાં સુધી હું થીજેલો પડ્યો રહું છું … એકબીજાને બાનમાં રાખ્યા હોય તેવાં અમે સવારે એકબીજાના ચહેરા પહેરી ચાલ્યા જઈએ છીએ.’ સિલ્વિયાના મૃત્યુ પછી તેની અપ્રગટ કાવ્યો શોધી તેના સંગ્રહો પ્રગટ કરનાર બીજું કોઈ નહીં, તેનો પ્રેમી અને પતિ ટેડ હ્યુજ હતો. આ કરુણ પ્રેમકહાણીનું પૂરું રહસ્ય કોઈ પામી શક્યું નથી.
હૉલીવૂડ સ્ટાર મેરેલિન મનરોનું મૂળ નામ નોર્મા જીન બેકર. માત્ર 16 વર્ષની ઉંમરે મેરેલિનને પરણાવી દેવામાં આવી, લગ્ન એકાદ વર્ષ જ ટક્યું. એ પછી એક ફોટોગ્રાફરની નજર નોર્મા પર પડી. તેની કેટલીક તસવીરો છપાઈ પણ ખરી. કેટલીક કંપનીઓએ તેને મોડેલ ગર્લ તરીકે પસંદ કરી. સંઘર્ષના સમયમાં તેણે કોઈ કેલેન્ડર માટે ન્યુડ પોઝ પણ આપ્યા હતા. 1950માં નોર્મા મેરેલિન મનરો તરીકે પહેલી ફિલ્મ ‘ધ આસ્ફાલ્ટ જંગલ’માં દેખાઈ.
મેરેલિન ખૂબ સુંદર હતી. કોમળ ચહેરો, મીઠો અવાજ અને સંઘેડાઉતાર શરીર. આ સંપત્તિનું તે નિ:સંકોચ પ્રદર્શન પણ કરતી. નિવૃત્ત ફૂટબોલ પ્લેયર દિમીએગો સાથે લગ્ન કરી તેણે બીજા વર્ષે છૂટાછેડા લીધા. એ જ વર્ષે તેને જહોન કેનેડી સાથે પ્રેમ થયો. કેનેડી ત્યારે પ્રમુખની ચૂંટણી લડવાની તૈયારી કરતા હતા અને સંબંધને જાહેરમાં સ્વીકારવા તૈયાર ન હતા. મેરેલિનની સફળ ફિલ્મોની વણઝાર ચાલુ હતી. મેરેલિને પ્લે રાઇટર આર્થર મિલર સાથે લગ્ન કર્યાં. મિલરે મેરેલિન માટે ખાસ લખેલી ફિલ્મ ‘ધ મિસફીટ’ આવી તે વર્ષે જ બંને છૂટાં પડ્યાં. ફિલ્મ રિલિઝ થઈ ત્યારે તે એક ફ્રેંચ અભિનેતાના પ્રેમમાં હતી અને પ્રેગ્નન્ટ હતી. દરમ્યાન જહોન કેનેડી અમેરિકાના પ્રમુખ થયા. એક ભવ્ય સમારંભમાં મેરેલિને કેનેડી માટે ‘હેપી બર્થ ડે પ્રેસિડેન્ટ’ ગીત ગાયું. તેના થોડા મહિના પછી મેરેલિન મોટા પ્રમાણમાં બાર્બીચ્યુરેટ્સ (ઊંઘની ગોળી) લેવાથી મૃત્યુ પામી. તેની આત્મહત્યા હત્યા હતી એવી પણ એક થિયરી છે.
મેરેલિન મનરોની લોકપ્રિયતા તેના જમાનાના લગભગ બધા સ્ટાર કરતાં વધારે હતી. ત્યારનાં અનેક મોટાં માથાં તેના પ્રેમમાં હતાં. પછીનાં વર્ષોમાં તેનું વ્યક્તિત્વ ખીલ્યું, પણ નાણાંની રેલમછેલ અને ગ્લેમરની ઝળહળ વચ્ચે આડેધડ જિવાઈ રહેલી જિંદગી, પ્રબળ ઊર્મિશીલતા, અસલામતી, એકલતા, બનતા-તૂટતા સંબંધો – સંયોજન કઈંક એવું થયું કે જીવ લઈને ગયું. હોલિવૂડમાં સુંદર અભિનેત્રીઓનો તોટો નથી, પણ મેરેલિનની કક્ષાનું સૌંદર્ય અને તેના જેટલું જટિલ વ્યક્તિત્વ ભાગ્યે જ કોઈનું હશે.
બોલીવૂડની અત્યંત સુંદર અભિનેત્રી મધુબાલાને ‘ઇન્ડિયન મેરેલિન મનરો’નું ઉપનામ મળેલું હતું. મેરેલિન હયાત હતી ત્યારે એક પ્રખ્યાત મેગેઝિનમાં મધુબાલાનો મોટો ફોટો મૂકીને હેડિંગમાં લખ્યું હતું કે ‘ધી બીગેસ્ટ સ્ટાર ઇન ધી વર્લ્ડ – એન્ડ શી ઇઝ નોટ ઇન બેવરલી હિલ્સ’. ‘બેવરલી હિલ્સ’ એ પોશ વિસ્તાર છે જ્યાં હોલિવુડના મોટા મોટા સ્ટાર્સ રહે છે.
રૂપેરી પડદાની વિનસ ગણાતી મધુબાલાના સૌંદર્યની તોલે આજ સુધી કોઈ અભિનેત્રી આવી શકી નથી. તેનું મૂળ નામ મુમતાઝજહાં બેગમ દેહલવી. હતું. અત્યંત ગરીબ પઠાણ પરિવારનાં 11 ભાઈ-બહેનોમાં તેનું સ્થાન પાંચમું હતું. પિતાની નોકરી જતી રહેતાં નાનકડી મુમતાઝને લઈને તેઓ મુંબઈ આવી ગયા. દેવિકારાણીએ મુમતાઝને ‘બસંત’ ચિત્રમાં કામ અપાવ્યું. ‘મધુબાલા’ નામ પણ તેમણે જ આપ્યું. 14 વર્ષની ઉંમરે તે નાયિકા તરીકે ‘નીલકમલ’માં ચમકી અને ‘મહલ’ પછી તે છવાઈ ગઈ. તેના હૃદયમાં કાણું હતું જેનો એ જમાનામાં કોઈ ઈલાજ ન હતો. મધુબાલાના પ્રેમમાં ઘણા લોકો હતા, તે પણ એમને કોઈક રીતે ચાહતી હશે – જેમાં લતીફ નામના એના બાલવયના સાથીથી માંડી કેદાર શર્મા, કમાલ અમરોહી, પ્રેમનાથ અને અન્ય નામો ઉમેરી શકાય – પણ એ પૂરેપૂરી સમર્પિત થઈ શકી તો દિલીપકુમારને. પણ પ્રેમી અને પિતા આ બે પુરુષોના અહંકારે એ પ્રેમનો ભોગ લીધો. કિશોરકુમાર સાથેના લગ્ન બંને પક્ષે તડજોડ જેવાં હતાં. અંતે તો બીમારી અને મૃત્યુ સામે એ એકલી જ લડી. અકાળ મૃત્યુએ ચાહકોના હૃદયમાં એની સૌન્દર્યમૂર્તિને અખંડ અને અકબંધ રાખી.
સિલ્વિયા પ્લાથે લખ્યું છે, ‘પરહેપ્સ વ્હેન વી ફાઇન્ડ અવરસેલ્વઝ વોન્ટિંગ એવરીથિંગ, ઈટ ઈઝ બીકોઝ વી આર ડેન્જરસલી ક્લોઝ ટુ વોન્ટિંગ નથિંગ …’ આ ઉક્તિ તેના કે મધુબાલા કે મેરેલિનના જ નહીં, ક્યાંક ક્યાંક આપણા અજંપ ઉધામાઓને પણ સ્પર્શી લેતી નથી?
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 09 ફેબ્રુઆરી 2025