Opinion Magazine
Number of visits: 9504757
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મળતાં મળે એવી સ્વરાજત્રિપુટી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|12 March 2020

ગાંધી-સરદાર-નેહરુ

સરદાર પટેલના જીવન વિશે માઈલસ્ટોન કહેવાય તેવું રાજમોહન ગાંધીલિખિત પુસ્તક ‘સરદાર પટેલ : એક સમર્પિત જીવન’ (પ્રથમ આવૃત્તિ : જુલાઈ ૧૯૯૪) લખાયું ત્યારે સરદારના જીવનઆધારિત નાનાંમોટાં થઈને ચાળીસ જેટલાં જીવનચરિત્ર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં લખાઈ ચૂક્યાં હતાં. સરદાર વિશે પૂરતું સાહિત્ય ઉપલબ્ધ હોવા છતાં સરદાર પટેલને નવીન પરિપ્રેક્ષ્યમાં રાજમોહન ગાંધીએ મૂકી આપ્યા. પણ સમય બદલાય છે તેમ ઇતિહાસની ઘટના-વ્યક્તિને નવી પરિપાટી પર મૂકી આપવાનો અવકાશ હોય છે; એટલે સરદારના નિર્વાણમાસ[૧૫ ડિસેમ્બર, ૧૯૫૦]માં તેમના વિશે અંક અહીં પ્રસ્તુત કરીએ છીએ.

સરદાર પટેલના જીવનનાં અજાણ્યાં પાસાં તેમના સમકાલીન સાથી મહાદેવભાઈ દેસાઈ અને પ્યારેલાલે મૂકી આપ્યાં છે. ‘ગાંધીજીના સિપાઈ’ લેખમાં ગાંધીજી-સરદારના સંબંધોને આરંભથી અંત સુધી મૂલવીને મૂકવામાં આવ્યા છે. અગ્રલેખમાં સરદાર, નેહરુ અને ગાંધીજીના અરસપરસ સંબંધોનું એક તટસ્થ આલેખન મળી રહે તે હેતુથી તેનો સમાવેશ કર્યો છે.

સરદાર પટેલની વાત આવે ત્યારે નેહરુ, ગાંધીજીનું નામ અચૂક લેવાય છે. આ ત્રિપુટીનો દેશ પર ઊંડો પ્રભાવ રહ્યો છે અને આજે પણ રાજકીય વાતાવરણમાં તેઓનું નામ ગુંજતું રહે છે. આ ત્રણેયના સંબંધમાં અરસપરસ મતભેદ હોવા છતાં એકબીજા પ્રત્યે સન્માન આપવામાં ક્યારે ય ઓટ દેખાઈ નથી. દેશના અત્યંત ઘટનાપ્રચુર અને નાજુક સમયમાં પણ તેઓએ સંવાદ કરીને સંતુલિત નિર્ણયો લીધા છે, તેમાં કેન્દ્રવર્તી ઉદ્દેશ પ્રજાહિતનો છે. દેશનાં આરંભિક વર્ષોમાં મજબૂત નીંવ મૂકનારા આ ત્રણેયના સંબંધો બાબતે કેટલીક ભ્રાંતિ છે. તેનું તટસ્થ આલેખન જૂજ જોવા મળે છે. ગુજરાતમાં જ્યારે આ અંગે ચર્ચા થાય છે, ત્યારે તેમાં નેહરુના પક્ષે મહદંશે ટીકાઓ આવે છે. પરંતુ આ ત્રણેયનો એકમેક સાથેનો મનમેળ-કાર્યમેળ કેવો હતો, તે દર્શાવવાનો પ્રયાસ અહીં વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી પ્રકાશ ન. શાહે અગ્રલેખમાં કર્યો છે.

°°°

ગાંધીનેહરુપટેલ … એક મળતાં મળે એવી સ્વરાજત્રિપુટી! સ્વરાજસંગ્રામ અને સ્વરાજનિર્માણની જોડકડી એમણે એકમેકની વિશેષતા, એકમેકની મર્યાદા અને એકમેકના મતભેદ વચ્ચે સુપેરે સાચવી જાણી. બેઉ અર્થમાં કદ અને કાઠીએ જુદા. વયમાં વળી પિતા, મોટાભાઈ અને નાનાભાઈ સરીખાઃ એક વાણિયો, બીજો બ્રાહ્મણ, ત્રીજો પટેલ. ત્રણે કે’દીના નાતજાતની વંડી ઠેકી ગયેલા, અને નવયુગી નાગરિકતા સારુ મથનારા.

આ જોડકડીને સારુ નાજુકનિર્ણાયક ઘડી ૧૯૪૭માં સ્વરાજની ઉષા વેળાએ સ્વર્ણગૈરિક એટલી જ રક્તિમ પરિસ્થિતિમાં હતી. ઇસ્લામને આધારે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું ત્યારે મનોવૈજ્ઞાનિક રીતે એના હિંદુ અડધિયા પેઠે રાષ્ટ્રવિચાર શક્ય હતો. વિભાજનની વિભીષિકા અને શોકાન્તિકા વચ્ચે એને સારુ સહજ સ્વીકૃતિ પણ સંભવતી હતી. પણ મહાત્મા, પંડિત અને સરદાર ત્રણેએ પોતપોતાની રીતેભાતે બિનસાંપ્રદાયિક બંધારણનો પથ પ્રશસ્ત કર્યો. એક ધર્મપુરુષ, બીજા બૌદ્ધિક તો ત્રીજા હાડના કિસાન.

મુંબઈના બિરલા હાઉસમાં ગાંધીજી, જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલ

જૂનાગઢની નવાબી કાળધર્મ પામી અને સોમનાથના પુનર્નિર્માણની સહજ લાગણી સામે આવી તે હાડના કિસાને સંકલ્પ રૂપે જાહેર કરી, બૌદ્ધિકે એના પ્રશ્નો અને ઉપયોગિતા બેઉ છેડેથી વલણ પ્રગટ કીધું, કૅબિનેટ એ તરફ આગળ વધી પણ મહાત્માએ કહ્યું કે બિનસાંપ્રદાયિક મુલક કોઈ એક ધર્મસ્થાનની સીધી જવાબદારી લે એ ચીલો દુરસ્ત નથી. કૅબિનેટમાં આપણા કિસાને (સરદારે) આગ્રહ રાખ્યો કે બાપુની સલાહ જોતાં આપણે પબ્લિક ટ્રસ્ટનો રાહ લેવો જોઈએ. ત્રણે એમના મતભેદ સાથે એક બિનસાંપ્રદાયિક એકંદરમતી પર આવી ઠર્યા.

પટેલ અને નહેરુ બેઉ ગાંધીને બાપુ કહેતા. પણ પટેલ અને ગાંધી વચ્ચે વયનું અંતર આખાં છસાત વરસનું હતું. ગાંધી અને જવાહર વચ્ચે ખાસાં વીસ વરસનું અંતર હતું. મૌલાના આઝાદે પાછળના ગાળામાં નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન એવા વલ્લભભાઈને પૂછ્યું પણ હતું કે વડાપ્રધાનપદ માટે તમે કેમ આગ્રહ ન સેવ્યો. પટેલે મૌલાનાને કહ્યું હતું કે આપણે અહમદનગર જેલમાંથી છૂટ્યા — તમે, જવાહર ને હું — ત્યારથી હું તો શરીરે કોરાઈ ગયેલો છું અને ગમે ત્યારે ઢબી પડીશું. મારાથી ૧૪ વરસ નાના જવાહર પાસે એ સ્વાસ્થ્ય અને એ વર્ષો છે જે મારી પાસે નથી.

વલ્લભભાઈ ખરે જ વહેલા ગયા, ૧૯૫૦ના ડિસેમ્બરમાં. રિયાસતોના વિલીનીકરણપૂર્વક પ્રજાસત્તાક બંધારણ સમ્પન્ન કરીને. તે પૂર્વે ઇંદોરમાં એમણે કસ્તૂરબા ટ્રસ્ટના કાર્યક્રમમાં લગભગ છેલ્લાં ભાષણો પૈકી કહી શકાય એવું જે ભાષણ કર્યું એમાં કહ્યું કે બાપુ મને જ્યાં મૂકીને ગયા ત્યાં છું અને જવાબદારી નિભાવું છું. જવાહરલાલ આપણા નેતા છે એવું પણ એ પક્ષનાં વર્તુળોમાં અંદરબહાર તહેદિલ કહેતા. બાપુ સોંપી ગયા તે માત્ર બીજા ક્રમનો હોદ્દો નહોતો — પિતાએ મોટા ભાઈને નાના ભાઈની જે જવાબદારી ભળાવી હતી એ પણ હતી. પિતાની તરફનું ખેંચાણ અને નાના ભાઈ માટેનો વાસ્તવવત્સલ દાયિત્વબોધ! તમે જુઓ તો ખરા જાન્યુઆરી ૧૯૪૮ પછી પોતે એક વાર ગંભીર તબિયતે લગભગ ડેલીએ હાથ દઈ આવ્યા છે. પાછા ફરવાનું થયું ત્યારે દાક્તરજોગ પહેલો જ ઉદ્ગાર છે : હું બાપુ પાસે જતો’તો, ને તમે મને કેમ રોક્યો.

બાપુ પાસે જવું છે, પણ નાના ભાઈની ફિકર ઓછી તો નથી. ભાગલા પછી ચાલુ હિજરતદોર જોતાં નહેરુ-લિયાકત વાતચીત વાટે હલ જરૂરી હતો. લિયાકત, વલ્લભભાઈને મળવા આવ્યા એ વિશે મણિબહેનની ડાયરી બોલે છે  : બાપુએ (પિતા વલ્લભભાઈએ) લિયાકતને કહ્યું કે જવાહર તખતે છે ત્યારે સમાધાન કરી લો ને. (મારી પાસે તો વર્ષો નથી પણ જવાહર પછી જે આવશે તે આટલો શાંતિપ્રિય અને સમજશીલ ન પણ હોય.) આગળ ચાલતાં મણિબહેન ઉમેરે છે : વાત કરતાં કરતાં બાપુ(વલ્લભભાઈ)ની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં — મને થાય છે કે બાપુ(ગાંધીજી)નું થયું એવું તો જવાહરનું નહીં થાય ને — રાતે એની ચિંતામાં ઊંઘ ઊડી જાય છે.

અને હવે જુઓ. સમજૂતી થઈ. બંગાળમાં એ બાબતે અજંપો અને ઉદ્રેક, બલકે રોષની લાગણી પણ છે. મોટો ભાઈ નાનાને કહે છે : તારું કામ નહીં. મારી જે છાપ છે એને જોરે બંગાળને હું સમજાવી શકીશ. અને પોતે બાદલી તબિયતે કોલકાતા પહોંચી સમજૂતીની તરફેણમાં વાતાવરણ બનાવે છે. હાસ્તો, ત્રીસમી જાન્યુઆરીની સાંજે શાસન અને જાહેર જીવનમાંથી બાપુને મળેલ સૌથી છેલ્લા જણ પોતે હતા અને તારે જવાહર સાથે રહેવાનું છે એ બાપુના બોલે વીંધાયા એટલા જ પ્રોવાયા પણ હતા. નાનો ભાઈ વાયકા પ્રમાણે જરી બેકદર જણાતો હશે, પણ એની સમજ પાછી સહૃદય ને સાબૂત છે. સંસદના પરિસરમાં સરદાર વિશે કશુંક લખવાનું છે ને સૌ મૂંઝાય છે ત્યારે વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સોજ્જું શબ્દઝૂમખું સુઝાડે છે — લખો કે ‘એકતાના સ્થપતિ’.

ગમે તેમ પણ, સ્વરાજ સરકારના પ્રખર ટીકાકાર રહેલા લડાકુ સમાજવાદી મધુ લિમયે એક મુદ્દે ગાંધી પર વારી ગયેલ છે. અને તે એ કે આ માણસે જાહેર જીવનમાં પોતાની પછીની પેઢીની ખેવના અને બઢતીને અચ્છી અગ્રતા આપી જાણી. વારુ, કોણ છે આ નેહરુ? પૂછો ક્રાંતિવીર ભગતસિંહને. એમણે લખ્યું છે કે અમારી સામે (નવી, યુવા પેઢી સામે) વારે વારે આવતાં ને ઊભરતાં બે નામ જવાહર અને સુભાષનાં છે. ધારો કે એ બેમાંથી કોઈ ચોક્કસ પસંદગી કરવી હોય તો — રહો, તમે તરત સુભાષબાબુનું નામ લો એ પહેલાં ભગતસિંહને સાંભળો : સુભાષ નહીં પણ જવાહર; કેમ કે સુભાષ જેટલા ભાવાવેશી છે એટલું વિચારનારા નથી. જવાહર ભાવનાપ્રવણ જરૂર છે, પણ આર્થિક-સામાજિક વિચારણમાં અત્યંત સભાન ને સજ્જ છે. તો, ‘વંદે માતરમ્’ના ભાવનાપ્રવણ નારાથી ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ના (આર્થિક-સામાજિક ન્યાય અને સમતાલક્ષી ક્રાંતિ)ના નારા લગી ભગતસિંહ સાથે જે સંક્રાન્તિ થઈ એને બૂજનારા અને સમજનારા પૈકી કૉંગ્રેસ તરુણાઈમાં જવાહર છે.

જરા જુદી રીતે જોઈએ તો સ્વરાજ સાથે નેહરુ – પટેલ સરકારમાં પેઠા અને બેઠા છે. ગાંધી સરકારની બહાર છે, કેમ કે તે ગાંધી છે. ગાંધી લોકમોઝાર છે માટે સ્તો આઝાદીના જશન વેળાએ સુદૂર બંગાળમાં છે. ભાગલા સ્વીકારવાની અનિવાર્યતા વચગાળાની સરકાર દરમ્યાન સ્વાનુભવે સમજાતાં નેહરુપટેલ એક અર્થમાં ગાંધીને બાદ રાખીને આગળ ચાલ્યા છે. પણ બંનેનો પિંડ ગાંધીસંપર્કે બંધાયેલો હોઈ તે નકરા રાજવટીલા નથી પણ લોકમાંહેલા પણ છે.

આ લોકમાંહેલા હોવું તે શી વસ છે, સમજીએ જરી. ગાંધીએ દાંડીકૂચ વાટે નમકનાં જે ડંકાનિશાન વજડાવ્યાં — નાતજાતકોમવરણથી ઉફરાટે — લોકસમસ્તની જીવન જરૂરતનાં, એમાં દેશભક્તિના ગર્જનતર્જનની કે ભારતમાતા જેવાં કોઈ અમૂર્ત ખયાલાતવશ અંધાધૂંધ વર્તનને અવકાશ નહોતો. એમાં નરવાનક્કુર માનવ્યની વાત જરૂર હતી. છેક ૧૯૨૨માં ગુજરાતની પહેલી અંત્યજ પરિષદ મળી ત્યારે અતિથિવિશેષ વલ્લભભાઈએ પરિષદસ્થળે શું જોયું? જેમને સારુ, બલકે જેમની પરિષદ હતી તે વરણ આખી છેવાડે બેઠેલી હતી. વલ્લભભાઈ જેનું નામ, એમણે કથિત મંચ છોડી એમની વચ્ચે પોતાની બેઠક લીધી — અને એ સાથે પરિષદનું કેન્દ્ર ગુણાત્મક રીતે બદલાઈ ગયું. લોકશાહી રાજવટમાં સરદાર એ કોઈ મોરચા પરની અગર તો સરકારી પાયરી પરની ઓળખ હોય તો હોય, ન હોય તો ન હોય; પણ તમે ક્યાં છો, કોની સાથે છો એ તમારી વાસ્તવિક સરદારીનું દ્યોતક છે. ગાંધીસૂચવ્યા નેહરુપટેલ સ્વરાજનિર્માણની દૃષ્ટિએ આંબેડકરને બરકે છે. માઈસાહેબે (ડૉ. શારદા કબીર ઉર્ફે સવિતા આંબેડકરે) સંસ્મરણોમાં લખ્યું છે કે અમારાં લગ્ન પછી અમને કોઈ કૅબિનેટ પ્રધાને સર્વપ્રથમ જમવા બોલાવ્યા હોય તો તે સરદારે!) બારડોલીની લડતને તો હજુ વાર છે, પણ કોઈએ સરદારચરિત્ર લખવું હોય તો તે અંગે ખરેખરની કટ ઑફ લાઇન તમને વલ્લભભાઈના અંત્યજપ્રસંગમાંથી મળી રહે છે. સરદાર હોવું તે માત્ર રાજવટનો ને રાજદ્વારોનો મામલો નથી. લોકશાહીમાં સરદારીનાં મૂળિયાં લોકમોઝાર હોવાં જોઈએ.

જવાહર પણ તમે જુઓ. ૧૯૩૫ના બંધારણ પ્રમાણે પ્રાંતિક સ્વરાજ માટેની ચૂંટણીઝુંબેશ વેળા કોઈ ગામમાં રાતવરત પહોંચ્યા છે. લોક રાહ જોતું બેઠું છે; અને જેવા એ પૂગ્યા, ‘ભારતમાતા કી જય’ સાથે પડ જાગતું અને ગાજતું થઈ ગયેલ છે. જવાહર પૂછે છે, ભાઈ — આ ભારતમાતા શું છે. કોઈ નદીનાળાંનું, હિમાલય ને ગંગાનું નામ લે છે. કોઈ વળી ભૂગોળ આખી ચીતરવા જેવું કરે છે. ‘ભાઈ,’ જવાહર કહે છે, ‘જય તો લોકોની હોય. તમારા ચહેરા પરની મુસ્કાન તે ભારતમાતાનું સ્મિત; ને તમારી આંખમાં આંસુ તે ભારતમાતાનાં આંસુ.’

રાષ્ટ્ર નામની કોઈ અમૂર્ત ને નકરી ભાવાવેશી ખયાલાતથી હટીને મૂર્ત માનવ્યનો આ મહિમા ગાંધીને સેવનારા પંડિત અને કિસાન બેઉને, બૌદ્ધિક અને કર્મઠ બેઉને બરાબર છે અને એ એમની દેશભક્તિને ઝનૂની ચોકઠાની બહાર લોકકેન્દ્રી બનાવી રહે છે. સ્વરાજસંગ્રામ વેળા, એકદા, જવાહર લંડનમાં સભા સંબોધવાના છે ત્યારે એમની ઓળખ ‘હિંદનો અવાજ’ એમ અપાઈ છે. જવાહર બોલવા ઊભા થાય છે ને કહે છે, અવાજ હું હોઈશ, પણ હૃદય તો વર્ધા-(સેવાગ્રામ)માં છે.

જવાહરલાલના આ હૃદયબોલ એમને અને વલ્લભભાઈને મતભેદ છતાં લગભગ એક જ તરંગલંબાઈએ મૂકી આપે છે. એમના મતભેદો પત્રવ્યવહારમાંયે સચવાયા છે. એક પત્રમાં વલ્લભભાઈ લખે છે, ‘તમે આવું કેમ કહ્યું (કે કર્યું), બાપુને એથી કેટલું દુઃખ હશે તે તમે જાણતા નથી. જોયું તમે, મોટો ભાઈને નાના ભાઈ બંધુવત્સલ ઠપકો આપે છે કે બાપુને કેવું દુઃખ તારાથી પહોંચ્યું હશે એનો વિચાર તો કર.

તમે જોયેલો છેલ્લામાં છેલ્લો દીનહીન માણસ, એને કેન્દ્રમાં રાખીને કરવો જોઈતો જે તે નિર્ણય, આ ગાંધીનો મેનિફેસ્ટો. જવાહરલાલના સમાજવાદમાં સામ્યવાદ નહીં પણ લોકશાહી સમાજવાદમાં — ચાલના તો આ જ વિચારની. અને વલ્લભભાઈ ઉદ્યોગપતિઓના મિત્ર ખરા. પણ કેવા મિત્ર? અમદાવાદનું નગરસંચાલન સંભાળ્યું ત્યારે પાણીવેરા લેખે એમની પાસેથી વધુ રકમ વસૂલ કરી; કેમ કે ઘરવપરાશનું પાણી એક વાત છે અને ઔદ્યોગિક વપરાશનું પાણી બીજી વાત છે.

ગાંધીનેહરુપટેલની ચર્ચામાં આપણે ત્યાં, એમને સામસામે મૂકીને વિવાદ અને મુલવણીનો ચાલ છે. પણ, વિશ્લેષણની દૃષ્ટિએ એ ઠીક હોય તો પણ, સમજની રીતે એ ત્રણે ક્યાં ને કેવા એકત્ર મળે છે એ જોવું ઘટે છે. અને ત્યારે સમજાઈ રહે છે કે સ્વરાજનિર્માણના આરંભકાળે મળતાં મળે એવી એક સ્વરાજત્રિપુટી થકી કેવી નસીબવંતી પ્રજા આપણે છીએ.



સૌજન્ય : “नवजीवनનો અક્ષરદેહ”, ડિસેમ્બર 2019; પૃ. 399-402

Loading

12 March 2020 admin
← જે તોફાનો ૭૨ કલાક પછી રોકી શકાતાં હોય, તે એક કલાકમાં પણ રોકી જ શકાય છે. મહાત્મા ગાંધીએ રોક્યાં હતાં
યશવંત દોશી : ઘસાઈને ઉજળા થવાના મંત્રને સાહિત્યજગતમાં આચરનાર સંપાદક અને ચરિત્રકાર →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved