અંગ્રેજીમાં એક શબ્દપ્રયોગ છેઃ રિઇન્વેન્ટિંગ ધ વ્હીલ. એટલે કે શોધાઈ ચૂકેલું ફરી ફરી શોધવું. ઇતિહાસમાં, સમાજમાં, સાહિત્યમાં ઘણી વાર નવા જ્ઞાનના સર્જનની સાથે, અગાઉ શોધાઈ કે લખાઈ ચૂકેલું પણ વખતોવખત યાદ કરવું જરૂરી બને છે. ગુજરાતના પ્રથમ હરોળના સર્જક અને જાહેરજીવન-રાજનીતિમાં પણ એટલો ઊંડો રસ લેનારા, ‘લોકભારતી’ ખ્યાત મનુભાઈ પંચોળી ‘દર્શક’નાં લખાણ વાંચતાં એ લાગણી મનમાં તાજી થાય. તેમની બહુ વખણાયેલી નવલકથાઓ ઉપરાંત નાગરિક સમાજ, લોકશાહી અને શાસનકર્તાઓની સરળ સમજ માટે તેમનાં લખાણ પાયારૂપ બને એમ છે. ભલે તે જુદા સમયમાં લખાયાં હોય.
ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી જોઈ ચૂકેલા ‘દર્શકે’ ‘પશ્ચિમના ચાણક્ય’ ગણાતા મેકિયાવેલીના રાજકારણ વિશેના વિચારોને યાદ કર્યા હતા. પંદરમી સદીના ઇટાલીમાં થઈ ગયેલા રાજકારણી અને લેખક મેકિયાવેલીએ પણ ચાણક્યનાં કેટલાંક લખાણની જેમ રાજાની સત્તા કેમ કરીને મજબૂત બને, તે વિશે લખ્યું હતું અને તેમાં પ્રજાકીય ખાસિયતોનું વિશ્લેષણ પણ ચોટદાર શબ્દોમાં કર્યું હતું. ‘દર્શકે’ તેને આ શબ્દોમાં ગુજરાતીમાં ઉતાર્યું, ‘જે પ્રજા માટે રાજ્ય કામ કરે છે તે પ્રજા હકીકતમાં ભોળી અને બીકણ છે, તો બીજી બાજુ લોભી અને લાલચુ છે. તેને તત્કાળ સુખની ઝંખના છે. એટલે તેને કોઈ સિદ્ધાંતો જ નથી કે નથી કોઈ આદર્શની ભાવના. અરે, તમે લાંબા ગાળે કોઈ નંદનવન ઊભું કરવાની યોજના કરો તેની પણ કંઈ પડી નથી. તો તત્કાળ ખરેખર કંઈ આપી દો તેવું પણ નથી. હા, તેમને તત્કાળ કંઈક મળી ગયું તેવો ભ્રમ થવો જોઈએ. લોકોને કશું દઈ દેવું અનિવાર્ય નથી. સત્તા માટે કંઈ પણ કરવું તે ખોટું પણ નથી. પ્રજાને વચનો-દેખાવ દ્વારા જીતી લો. લોકોને મંદિરમાં જવાનું-શ્રદ્ધા રાખવાનું ગમે છે. તો તમે પણ મંદિરમાં જાવ. તમને શ્રદ્ધા છે તેવો દેખાવ કરો.’
મેકિયાવેલીનું વિશ્લેષણ સચોટ હોવા છતાં, તેનો ઉપયોગ પ્રજાને નાગરિક તરીકે ઘડવા માટે નહીં, પ્રજાની નબળાઈનો ગેરલાભ ઉઠાવીને રાજ્ય ટકાવી રાખવા માટે થયો. ગુજરાતીમાં હિટલરની આત્મકથાની જેમ મેકિયાવેલીનાં લખાણો માટે પણ વિવેકવિહોણું મનોરુગ્ણ આકર્ષણ જોવા મળે છે. તેનાથી બચીને ‘દર્શકે’ મેકિયાવેલીનાં લખાણોથી થયેલા નુકસાન વિશે ટીકા કરી હતી. લોકશાહી સંદર્ભે તેમનું બીજું પ્રિયપાત્ર હતું સોક્રેટિસ. ગ્રીસમાં એથેન્સમાં થયેલા સીધી લોકશાહીના પ્રયોગમાં સોક્રેટિસનું વિશેષ મહત્ત્વ છે. અન્યાયી કાયદાની નજરમાં ગુનેગાર ઠર્યા પછી મૃત્યુદંડની સજા તરીકે હસતા મોઢે ઝેર પીનાર સોક્રેટિસનું શું સ્વપ્ન હતું? ‘દર્શકે’ લખ્યું, ‘સોક્રેટિસ ઇચ્છતો હતો કે લોકશાહીનું ટોળાંશાહીમાં, ઘેટાંશાહીમાં, લાંચરુશવતથી ખરડાયેલી મતશાહીમાં પરિવર્તન ન થાય અને તે માટે જીવનભર મથ્યો … બીજી રીતે વિચારીએ તો સોક્રેટિસે જિંદગી આખી લોકોને તેમના અધિકારોની સુરક્ષા કરી શકે તે માટે જ્ઞાન-ડહાપણ આપવાની કોશિશ કરી. તેણે સતત લોકોને ચેતવ્યા કર્યા, સમજાવ્યા જ કર્યા કે ભાઈ તમે ખોટે રસ્તે છો. આ રસ્તે તમે ચડો છો તેમાં તમને અને લોકશાહીને નુકસાન થશે.’
સોક્રેટિસ માનતો હતો કે સવાલો પૂછવા અને મતદારોને કેળવવા એ લોકશાહીનો મૂળભૂત અધિકાર છે. મારી ફરજ છે કે મારે લોકોને કેળવવા, લોકોને વિચાર કરતા કરવા અને લોકોનાં મૂલ્યોનું પરિવર્તન કરવું. મૂલ્ય-પરિવર્તન કર્યા વિનાની લોકશાહી એ ભયજનક છે. લોકશાહીમાં મત એટલો જરૂરી નથી, પક્ષ એટલો જરૂરી નથી, બંધારણ પણ પછીના નંબરે આવે. પહેલી જરૂર મતદારોની કેળવણીની છે. મારે એક જ સત્તા જોઈએ છેઃ મતદારોને કેળવવાની.
સોક્રેટિસના જમાનામાં ગ્રીસમાં સોફ્સ્ટિો હતા, જેમના વર્તમાન અવતારો આજુબાજુ નજર નાખતાં સહેલાઈથી મળી આવશે. તેમના વિશે ‘દર્શકે’ લખ્યું હતું, સોક્રેટિસના સમયમાં પણ બુદ્ધિશાળી અને પ્રભાવશાળી વક્તાઓ હતા. તે સોફ્સ્ટિો કહેવાતા. સોક્રેટિસે તેમની જોડે ચર્ચા કર્યા પછી નિર્ણય બાંધેલો કે આ સોફ્સ્ટિો બુદ્ધિની વારવનિતાઓ છે. બુદ્ધિની મદદથી સારાને ખરાબ અને ખરાબને સારું દેખાડી શકે તે સોફ્સ્ટિ. લોકોના મત મેળવવા માટે ચાતુરી જોઈએ, આકર્ષણ ઊભું થવું જોઈએ, દલીલો જોઈએ, છટા જોઈએ, લોકોને આંજી નાખવા માટેની કળા જોઈએ – આ બધું સોફ્સ્ટિો પૈસા લઈને ઉચ્ચ વર્ગના લોકોને શીખવતા હતા. તેમણે શીખવાડ્યું કે સામાજિક કાયદા તો માણસે પોતાની સગવડ માટે કર્યા છે. સગવડ હોય ત્યારે પાળવા ને ન હોય ત્યારે નહીં. તેમાં કશું સનાતન સત્ય જેવું ન હોય. લોકશાહીમાં સોફ્સ્ટિો તો હોવાના જ, પણ સોક્રેટિસ નથી હોતા એની ચિંતા છે.
વિશ્વના ઇતિહાસના અને સાહિત્યના અભ્યાસી દર્શક દૃઢપણે માનતા હતા કે સત્તા મળ્યા પછી સત્તાધારીને અંકુશમાં ન રાખીએ તો સત્તાધારી પ્રજા પર ચડી બેસે છે. એટલે રાજ્ય બરાબર કામ કરે છે? આપણે તેનું કામ કેમ ચકાસવું? તેના પર કેમ અંકુશ રાખીશું? રાજ્યની દાનત કેવી છે? આ બધા સવાલોના જવાબ આપણા માટે અગત્યના છે. એટલે રાજનીતિશાસ્ત્રનો આ પાયો દરેક નાગરિકે સમજવો-શીખવો રહ્યો. પણ સવાલ એ છે કે મતદારોને કેળવવા કેવી રીતે?
દર્શકે લખ્યું હતું, મતદારોને કેળવવાની હિંમત નથી, કેળવવાની કોઈની ધીરજ નથી, કેળવવાની કોઈની તૈયારી નથી અને કેળવવા માટે જોઈતું સાતત્ય નથી અને મતદારોને કેળવવા એટલે શું? પ્રોપેગેન્ડા એ કેળવણી નથી. એ તો જાગીરી પ્રચાર છે, સત્ય નહીં. આ ચાલે તો પછી મતદાર જેવી કોઈ ચીજ જ નહીં રહે. ત્યાર પછી શું થશે? તેમણે માર્મિક રીતે લખ્યું હતું કે પછી અભિપ્રાયો હશે, વિચાર નહીં હોય.
લોકશાહીને તેમણે ‘પોલિસેન્ટર્ડ સોસાયટી’ ગણાવીને લખ્યું હતું કે લોકશાહીમાં સત્તાનાં વિવિધ કેન્દ્રો હોય છે. મજૂરોનું એક કેન્દ્ર હોય છે, માલિકોનું બીજું, ખેડૂતોનું ત્રીજું. આ ભાતભાતનાં જુદાંજુદાં સત્તાનાં-બળનાં કેન્દ્રો, વિચારનાં કેન્દ્રો, અનુભવનાં કેન્દ્રો, તે બધાં જ્યારે અનુભવોની અભિવ્યક્તિ કરે છે ત્યારે તેમાંથી એક સરવાળો નીકળે છે કે આ કરો તો લગભગ સર્વને માન્ય રહેશે. જે રાજ્યપદ્ધતિની અંદર આ પોલિસેન્ટર્ડ સોસાયટીનો ખ્યાલ જ ન હોય અને એકકેન્દ્રી સમાજ મનમાં હોય તે લોકશાહીની ગમે તેટલી વાતો કરતા હોય તો પણ ખરેખર એ લોકશાહીમાં માનતા નથી. રાજ્યનો અંકુશ એક વસ્તુ અને રાજ્ય સિવાય બીજાં સત્તાકેન્દ્રો જ ન હોય એ બીજી વસ્તુ છે.
આવું થતા આગળ જતાં મતદારોનો પણ એકડો નીકળી જવાનો.
આગળ ઉલ્લેખેલી વિગતો જાણ્યા પછી વર્તમાન સ્થિતિને સમજવા માટે તેનું અજવાળું પણ પૂરતું થઈ પડે, એમ નથી લાગતું?
e.mail : uakothari@gmail.com
સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 20 ઑક્ટોબર 2019