Opinion Magazine
Number of visits: 9655928
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માતૃભક્ત મન્જિરો

સુરેશ જાની|Opinion - Opinion|7 February 2026

ત્રીજા દિવસે માછલીઓનું એક મોટું ટોળું હાથવગું થયું હતું. ઘણી બધી માછલીઓ પકડી શકાશે અને દુઃખના દા’ડા ફરી નહીં જોવા પડે; એવી આશા બંધાઈ હતી. પણ કરમ બે ડગલાં આગળ હતું.  એકાએક દરિયાઈ વાવાઝોડું ધસી આવ્યું. અને મન્જિરોની બધી આશાઓ પર પાણી ફરી વળ્યું. વાવાઝોડાની સાથે એ લોકો સાત સાત દહાડા સુધી દિશાના કોઈ ભાન વિના ખેંચાતા રહ્યા. સાતમે દિવસે એક અજાણ્યા ટાપુની નજીક તો આવ્યા પણ એમની હોડી ખડકની સામે ખાબકી અને એને તોડી ફોડીને, એ દુ:શ્મન વાવાઝોડાએ એમના ગામથી એમને એ સાવ નિર્જન ટાપુ પર ફંગોળી દીધા. ઉપર આકાશ અને નીચે ધરતી.

૧૮૨૭ની સાલમાં જાપાનના દરિયાકિનારે આવેલા સાવ નાનકડા ગામ ‘નાકાહામા’માં જન્મેલો મન્જિરો સાવ ગરીબ વિધવા માનો, સૌથી મોટો દીકરો હતો. બાપનું મરણ થતાં, એના માથે ઘર ચલાવવાની જવાબદારી માત્ર નવ વર્ષની ઉમરે આવી પડી હતી. પાંચ પાંચ વર્ષ કાળી મજૂરી કરી માંડ ખાવા ભેગાં એ લોકો થતા. એની દશા પર દયા આવતાં, ડેન્ઝો નામના માછીમારે ભાડે લીધેલી હોડીમાં સહિયારી ભાગીદારીમાં માછલીઓ પકડી સ્વતંત્ર ધંધામાં બીજા ત્રણ એના જેવા જ વખાના માર્યા કિશોરો સાથે એને લીધો હતો. એની સાથે એણે પોતાના બે ભાઈઓ ગોમોન અને જુસુકેને અને એક દોસ્ત તોરેમોનને પણ લીધા હતા. કુલ પાંચ જણનો કાફલો. બધા સ્વતંત્ર ધંધાની કમાણીમાંથી ગરીબાઈની રેખાની ઉપર આવી જવાની આશામાં નાચતા અને કૂદતા હતા.

 અને પહેલી જ સફરમાં આ દુર્ભાગ્ય …

અને એ સાવ નિર્જન ટાપુ પર એમણે પાંચ મહિના માંડ માંડ કાઢ્યા. ચાર મહિના તો ત્યાં આવીને રહેલા યાયાવર આલ્બ્બેટ્રોસ પક્ષીઓનો શિકાર કરીને એમની ભૂખ ભાંગતી; પણ પીવાના પાણીનાં ત્યાં સાંસાં હતાં. થીજેલા બરફમાંથી ટપકી ટપકીને માંડ પાણી ભેગું કરી શકાતું. મંજિરો સિવાયના બધા માંદા પડી ગયા હતા. કદાચ એમનો ઉગાર કરવા કોઈ વહાણ આવી જાય; તો પણ પાછા જાપાન પહોંચવાના વિચારે પણ એ સૌ કંપી જતા. સાવ સાદા કારણે કે, ૧૬૦૩ની સાલથી ૧૮૫૫ સુધી જાપાને બહારની દુનિયા સાથેનો સમ્પર્ક સમ્પૂર્ણ રીતે કાપી નાંખ્યો હતો. માત્ર ડચ જહાજોને જ નાગાસાકી નજીકના એક ટાપુ પર લાંગરવા દેવામાં આવતા; અને ડચ ખલાસીઓ ત્યાં લગભગ કેદીઓની જેમ જીવન ગુજારી શકતા. બીજા કોઈ પણ દેશનું વહાણ, તોપમારના ભયથી જાપાનના કિનારાની નજીક જવાની હિમ્મત કરી ન

મન્જિરો

શકતું. જાપાનની કોઈ પણ વ્યક્તિ જાપાનની બહાર જઈને પાછી આવે; તો તેની સામે દેશ છોડવાના ગુના માટે કાયદેસર ખટલો માંડવામાં આવતો; અને મોટે ભાગે તો ફાંસીની સજા થતી.

આમ દુર્ભાગી જાપાનીઓ માટે જીવનમાં કોઈ જ આશા ન હતી.

અને ૧૮૪૧ના જૂન મહિનામાં એમનું ભાગ્ય જરીક ખુલ્યું. વ્હેલનો શિકાર કરતા, ‘જ્હોન હાઉલેન્ડ નામના અમેરિકન વહાણે એ ટાપુની નજીક લંગર નાંખ્યું અને બે હોડીઓમાં એના બાર ખલાસીઓ ટાપુ પરથી કાચબા પકડવા ઉતર્યા. આ કમનસીબોની કરમકહાણી હાથ અને મોંના હાવભાવ વડે એમણે જાણી અને વહાણ પર એમને આશરો આપ્યો. મંજીરો અને એના સાથીઓએ આવા ફિક્કા રંગના માણસો કદી જોયા ન હતા. પરદેશીઓને તો જાપાનમાં ભયાનક દેખાવવાળા રાક્ષસો જ માનવામાં આવતા હતા. પણ આ વહાણના દયાળુ સ્વભાવવાળા કેપ્ટન વિલિયમ વ્હિટફિલ્ડની કૃપાથી વહાણ પર એમને આશરો મળ્યો અને એ સૌ પણ વ્હેલના શિકારના કામમાં જોતરાઈ ગયા.

મંજીરોના સાથીઓ તો હજી હતાશામાં જ ગરકાવ હતા; પણ માંડ ૧૪ વર્ષની ઉમરનો મંજિરો તરવરાટવાળો હતો. એને એ સમજાઈ ગયું કે, જાપાનના માછીમારો કરતાં આ અમેરિકનો ઘણા વધારે કાબેલ હતા. મધદરિયે વ્હેલનો પીછો કરીને એનો શિકાર કરી શકતા; અને ઘણા મોટા વહાણને હંકારી શકતા હતા. એના મિલનસાર સ્વભાવ અને નવું તરત શીખી લેવાની ધગશ અને આવડતના કારણે એ તો કેપ્ટનનો માનીતો બની ગયો; અને ફટાફટ શિકારની અને વહાણ ચલાવવાની કળા શીખવા લાગ્યો.

૧૮૪૧ના નવેમ્બર મહિનામાં ઓગણીસ વ્હેલોનો શિકાર કર્યા પછી હવાઈ ટાપુઓના સૌથી મોટા બંદર હોનોલુલુમાં વહાણ પહોંચી ગયું. મંજિરો સિવાયના ચારેય જણા તો ત્યાં રહી જ પડ્યા. એમને નોકરી અને રહેવાની વ્યવસ્થા થઈ ગઈ. પણ મંજિરોને કેપ્ટને પોતાની સાથે અમેરિકા આવવા કહ્યું. ચબરાક મંજિરોએ આ તક ઝડપી લીધી; અને એની જિંદગીનું એક નવું પ્રકરણ શરૂ થયું.

જાન્યુઆરી-૧૮૪૨માં વહાણે હોનોલુલુ છોડીને વહેલના શિકારની બીજી યાત્રા શરૂ કરી; ત્યારે મન્જિરો એના કામદારોમાંનો એક બની ગયો હતો. અને હવે તે વખાનો માર્યો નિરાશ્રિત ન હતો. હેલ્પર તરીકે એને ચોખ્ખા નફાનો ૧૪૦મો ભાગ પણ મળવાનો હતો. હવે તે અમેરિકન વહાણ પર કમાતો ધમાતો બન્યો હતો. પણ … એના અંતરમાં તો કાળી લ્હાય સતત બળ્યા કરતી. એની ગરીબડી માતા એની મદદ વિના બીજાં ભાંડવોને શી રીતે ખવડાવતી હશે; એની ચિંતા એના હૈયાને કોરી ખાતી.

      સોળ સોળ મહિના લગણ એ લોકો વ્હેલ માછલીઓને ગોતતા, પેસિફિક મહાસાગરના પટને ફંફોળતા રહ્યા. તાહિટી, ગુનામ અને કેપ હોર્ન (દક્ષિણ અમેરિકાનો દક્ષિણ છેડો) થઈને ‘જ્હોન હાઉલેન્ડ’ વહાણ ૧૮૪૩ના મેની સાતમી તારીખે મેસેચ્યુસેટ્સના ન્યુ બેડફર્ડ બન્દરે, સાડા ત્રણ વર્ષની લાંબી સફરના અંતે પાછું ફર્યું. મન્જિરોને માદરે વતન છોડ્યાને અઢી વર્ષ પૂરા થયાં હતા.

અને…

   પહેલા જાપાનીઝે અમેરિકન ધરતી પર પગ મૂક્યો. આ નવી દુનિયાની અજીબો ગરીબ જીવન શૈલી જોઈને મન્જિરો તો હેરત પામી ગયો. થોડાક દિવસ પછી કેપ્ટન વ્હીટ્ફિલ્ડ મન્જિરોને પોતાની સાથે, ધંધાદારી કામ માટે ન્યુયોર્ક પણ લઈ ગયો. એને વ્હેલના તેલ અને હાડકાંનો સારો ફાયદો મળે એવો ઘરાક ગોતવાનો હતો. અને પોતાના જૂના મિત્ર એબન અકીનને મન્જિરોને રાખવાની અને ભણાવવાની જવાબદારી સોંપી. સોળ વર્ષની ઉમરનો મન્જિરો એના જીવનની પહેલી શાળમાં એકડો ઘૂંટવા લાગ્યો!

    બે મહિના પછી, કેપ્ટન વ્હિટ્ફિલ્ડે કમાણી તો રોકડી કરી જ લીધી; પણ આલ્બરટાઈન કીથ સાથે લગ્ન પણ કરી લીધાં. એની નવોઢાને પણ મન્જિરો બહુ ગમી ગયો; અને ત્રણે જણાં ન્યુ બેડફર્ડના સામા કિનારે ફેરહેવન પાછા વળ્યા. કેપ્ટને નવું ઘર ખરીદી લીધું; અને મન્જિરો એમના પાલક પુત્રની જેમ એમની સાથે રહેવા લાગ્યો. ત્યાંની બાર્ટલેટ એકેડેમીમાં વહાણવટા અને સર્વે ઈંગની તાલીમ પણ મન્જિરો લેવા લાગ્યો.

   કેપ્ટન સાથે અઢી વર્ષ આમ ગાળ્યા બાદ; મન્જિરોને થયું કે, તેણે હવે જાતે કમાવું જોઈએ. આથી કેપ્ટનની પરવાનગી લઈને તે કેપ્ટન ઈરા ડેવિસના ‘ફ્રેન્કલિન’ નામના જહાજ પર રસોઈયાના મદદનીશ તરીકે જોડાઈ ગયો. ૧૮૪૬ના મેની ૧૫મી તારીખે ૨૪ સાથીઓ સાથે ફ્રેનક્લિન જહાજે સફર આદરી. એક વરસ પછી, વ્હેલની શોધમાં એટલાન્ટિક મહાસાગર ખુંદતાં ખુંદતાં; આફ્રિકાની દક્ષિણ ટોચ ‘કેપ ઓફ ગુડ હોપ’ થઈને જાપાનના દરિયાની નજીકથી પસાર થયું. જાપાનના માછીમારોની હોડીની નજીકથી એ લોકો પસાર થયા.

    આખી દુનિયાનો ચકરાવો ફરી ચૂકેલા મન્જિરોને આશા બંધાઈ કે, કેપ્ટન તેને જાપાનના કિનારે ઉતારી દેશે; અને પોતાની વ્હાલસોયી માતાની સાથે એનું પુનર્મિલન થશે. પણ એ આશા ઠગારી નીવડી. જાપાનની વિદેશીઓ માટેની નફરતની ડેવિસને પૂરી ખબર હતી. ખાલી ખાધસામગ્રીની આપલે કરીને જહાજ હોનોલુલુના અમેરિકન કિનારા તરફ ધસી ગયું.

અને ૧૮૪૮ના સપ્ટેમ્બર મહિનામાં મન્જિરો હોનોલુલુ પરના એના જાપાની સાથીઓને ફરી મળી શક્યો. એમાંનો એક જુસુકે તો ગુજરી પણ ગયો હતો.

એક મહિનો ત્યાં ગાળ્યા બાદ, જહાજ તો વધુ વ્હેલના શિકાર માટે આગળ ધપ્યું. પણ કશીક માંદગીના કારણે કેપ્ટન ડેવિસની હાલત ખરાબ થઈ ગઈ; અને તે લગભગ ગાંડા જેવો બની ગયો; અને ખલાસીઓ તરફ હિંસક બનવા લાગ્યો. બધાએ ભેગા મળીને એને કેદી બનાવી દીધો; અને એના મદદનીશને કેપ્ટન બનાવ્યો. મન્જિરોના વહાણ ચલાવવાના અને બીજા કામોની અદ્દભુત આવડત જાણીને બધાએ આ નવા કેપ્ટનના મદદનીશ તરીકે તેની નિમણૂંક એકમતે કરી દીધી.

ફિલિપાઈન્સના મનીલા બન્દર પર વહાણ લાંગર્યું ત્યારે ત્યાંના અમેરિકન કોન્સલે ડેવિસને જેલમાં પૂરી દીધો; અને વહાણ ફરીથી આવ્યું હતું; તે રસ્તે પા્છું વળ્યું. અને છેવટે ૧૮૪૯ના સપ્ટેમ્બર મહિનામાં વહાણ લગભગ સાડા ત્રણ વર્ષની સફરના અંતે ન્યુ બેડફર્ડ પાછું ફર્યું. તેમણે ૫૦૦થી વધારે વ્હેલોનો શિકાર કર્યો હતો. સફરના અંતે, ૩૫૦ ડોલર જેટલી માતબર રકમ મન્જિરોને મળી.

અને મન્જિરોએ ગાંઠ વાળી કે, અમેરિકાની ધરતી પર ખૂબ કમાણી કરી; પોતાનું વહાણ ખરીદવું અને પોતાની તાકાત પર વ્હાલી માને મળવા જાપાન પાછું ફરવું.

**************************

મન્જિરો અમેરિકા પાછો ફર્યો, ત્યારે અમેરિકા એક ચેપી રોગમાં ઘેરાયેલું હતું; અને મન્જિરોને પણ એ રોગે ઘેરી લીધો. કયો હતો એ રોગ? એનું નામ હતું ‘ગોલ્ડ ફીવર’ – સોનેરી તાવ! ‘કેલિફોર્નિયામાં સોનું મળ્યું છે.’ – એ સમાચારે ઘણા અમેરિકનો પાગલ બની ગયા હતા; અને રાતોરાત લખપતિ બની જવાની લ્હ્યાયમાં પોતાની બધી મૂડી વેચી સાટીને કેલિફોર્નિયાના સેક્રેમેન્ટો ( હાલની રાજ્યધાની) નજીક સોનું ખોદી કાઢવાના કામમાં જોતરાઈ ગયા. હતા.

મન્જિરો પાંત્રીસ ડોલરની ટિકિટ ખર્ચીને અને વહાણમાં મદદનીશ તરીકે કામ કરીને તે આખા અમેરિકા ખંડની પરિક્રમા કરીને સાન ફ્રાન્સિસ્કો પહોંચી ગયો. ત્યાંથી સોનું મળતું હતું, એ વિસ્તારમાં જવા, એણે નવા શરૂ થયેલા સ્ટીમથી ચાલતા વહાણમાં મુસાફરી કરી. એક મહિનો તો તેણે મજૂર તરીકે કામ કર્યું; પણ સોનું મેળવવાની કળા હસ્તગત કરીને જાતે એ કામમાં પરોવાઈ ગયો. બે જ મહિના આમ કામ કરીને તે ૬૦૦ ડોલર કમાયો. ભેગી થયેલી મૂડી લઈને તે તો હોનોલુલુ લઈ જતા સ્ટીમ વહાણમાં બેસી ગયો. ત્યાં પહોંચીને એના જૂના સાથીઓને જાપાન પાછા ફરવાનો પોતાનો પ્લાન સમજાવ્યો. પણ ‘ત્યાં પાછા ફરીને ફાંસી જ મળવાની.’ –એ ભયથી ડેન્ઝો અને ગોમન સિવાય કોઈ તૈયાર ન થયું.

પણ પોતાનું નાનકડું વહાણ ખરીદવા મન્જિરો પાસે એકઠી થયેલી મૂડી પૂરતી ન હતી. તેણે છાપામાં મદદ માટે જાહેરાત આપી; અને ત્યાં રહેતા હમદર્દ રહેવાસીઓની ઉદાર મદદનો ધોધ વહેવા લાગ્યો. ૧૬૦ ડોલર રોકડા, કપડાં, કમ્પાસ, વગેરે, સફરને માટે જરૂરી સામગ્રી તેને આમ મળી ગઈ. એણે ‘એડવેન્ચરર’ નામની નાની હોડી ખરીદી.

     આ સમય દરમિયાન ૧૭, ડિસેમ્બર -૧૮૫૦ના રોજ ‘સેરા બોઈડ’ નામનું વેપારી જહાજ હોનોલુલુના બંદરમાં લાંગર્યું. તે સાન ફ્રાન્સિસ્કોથી શાન્ઘાઈ જતાં રસ્તામાં વેપારી સામગ્રી લે વેચ કરવા હોનોલુલુ આવ્યું હતું. મન્જિરોએ એના કેપ્ટનને વિનંતી કરી કે, ત્રણે જણાને એની હોડી સાથે એની પર સફર કરવા દે; અને જાપાનના કિનારાથી થોડે દૂર એમને ઉતારી દે. મન્જિરો તો હોનોલુલુમાં ખાસો પ્રખ્યાત બની ચૂક્યો હતો. આથી એ જહાજના કેપ્ટનને પણ એને માટે સહાનુભૂતિ થઈ. જો કે, કેપ્ટનને પણ મહેનત કરી શકે તેવા ખલાસીઓની જરૂર પણ હતી જ. એના મોટા ભાગના સાથીઓ ઓલ્યા ‘સોનેરી તાવ’ લાગવાના કારણે ભાગી ગયા હતા! હોનોલુલુના ગવર્નરે તેને સરસ પ્રમાણ પત્ર પણ આપ્યું. હોનોલુલુના રહેવાસીઓએ પણ કેપ્ટન ‘જ્હોન મન્ગ’ને મુબારકબાદી આપી.

   અને છેવટે … મન્જિરો અને તેના સાથીઓની માદરે વતન તરફની સફર શરૂ થઈ. ૭૦ દિવસની સફર બાદ ‘સેરા બોઈડ’ જાપાનના ‘લૂ ચૂ’ ટાપુના ‘ઓકીનાવા’ બંદરથી ચાર જ માઈલ નજીક આવી પહોંચ્યું. આ કથાની શરૂઆતમાં જણાવ્યું છે ; તેવી જ તોફાની હવા એ વખતે ચાલી રહી હતી. સખત પવન અને સ્નોનું અવિરત આક્રમણ જારી હતાં. કેપ્ટને મન્જિરોને ઉતરાણ કરવાના જોખમો અંગે ચેતવ્યો. પણ દસ દસ વરસની તપશ્ચર્યા અને વહાણવટાની તાલીમ અને સાધનાના પ્રતાપે, મન્જિરો હવે ઘણો વધારે કાબેલ અને આત્મવિશ્વાસથી ભરપૂર હતો. ગરીબડી અને વ્હાલી માને મળવાની અને એને માટે ખરીદી રાખેલી ભેટોથી એને ઢાંકી દેવાની આતુરતા એના શરીરમાં નવા પ્રાણનો ધસમસતો સંચાર કરી રહી હતી.

  અને છેવટે એ બધાં તોફાની પવનોને અતિક્રમીને મન્જિરો અને તેના બે સાથીઓએ માદરે વતનની જમીન પર પગ મુક્યા.

કિનારા પરના ગ્રામવાસીઓ આ વિચિત્ર કપડાં પહેરેલા, પરદેશી જેવા લાગતા માણસોને જોઈને ગભરાઈ ગયા; અને એમને આવકારવાને બદલે ભાગીને દૂર જતા રહ્યા. માત્ર અડધા કલાકમાં જ સ્થાનિક પોલિસે એમને પકડી લીધા. એમની હોડી અને એમાંની બધી મતા સરકાર હસ્તક કરવામાં આવી. પણ એમને ફાંસીની સજા; એ વિસ્તારના ડેઈમ્યો (સ્થાનિક સૂબો) નારિયાકિરાની સંમતિ વિના ન આપી શકાય; એથી એમને ઓકિનાવાની જેલમાં પૂરી દેવામાં આવ્યા; અને ઘનિષ્ઠ પૂછતાછ શરૂ થઈ. સાત મહિના સુધી પાંચ પોલિસ ઓફિસરોએ એમની સાથે માથાકૂટ કરીને એક લાંબો લચક હેવાલ બનાવ્યો અને ડેઈમ્યોની જાણ માટે મોકલી આપ્યો.

મન્જિરો, એના સાથીઓ અને જાપાનના સદ્દભાગ્યે નારિયાકિરા ઉદારમતવાદી હતો; અને જાપાનની એ સદીઓની ‘બંધ બારણાં’ની નીતિનો વિરોધી હતો. એને આ હેવાલમાં બહુ જ રસ પડ્યો અને તેણે મન્જિરો અને તેના સાથીઓ સાથે રૂબરૂ જાતમાહિતી મેળવવાનું નક્કી કર્યુ. અને તેને પોતાની માન્યતા સાચી લાગી. એને પ્રતીતિ થઈ ગઈ કે, જાપાન વિશ્વમાં થઈ રહેલી પ્રગતિની સાથે તાલ નહીં મીલાવે તો, અત્યંત શક્તિશાળી અમેરિકાનું આક્રમણ હાથવેંતમાં જ છે.

નારિયાકિરાના હેવાલના આધારે જાપાનના સમ્રાટના જમણા હાથ જેવા શોગુને ૧૮૫૧ના ઓક્ટોબર મહિનામાં મન્જિરો અને એના સાથીઓને જાત તપાસ માટે નાગાસાકી બોલાવી લીધા. ફરી છ મહિના એ જ જેલની વ્યથા; અને ઘણી બધી સતામણીઓ, સવાલ, જવાબ. બીજું કોઈ હોય તો પાગલ જ બની જાય. પણ મન્જિરો જુદી માટીનો હતો. તેણે પોતાનું અને પોતાના સાથીઓનું ધૈર્ય ટકાવી રાખ્યું. તેણે શોગુન અને તેના અધિકારીઓને પોતાની વાતની સચ્ચાઈની પ્રતીતિ કરાવી દીધી. અમેરિકાનાં વહાણોને જાપાનમાં પુરવઠા માટે આવવા દેવામાં કશું જોખમ નથી; અને જાપાનને એનાથી બહુ જ મોટો ફાયદો થઈ શકે એમ છે; એ વાત પણ મન્જિરો તેમને સમજાવી શક્યો.

છેવટે, ૧૮૫૨ના જૂનમાં એમનો છૂટકારો થયો; અને મન્જિરો એની માને મળવા નાગાસાકીથી નીકળ્યો. અનેક મુસીબતો વાળી એમની સફર બાદ, ૧૮૫૨ની પાંચમી ઓક્ટોબરે, સોળ વરસ બાદ મન્જિરો એની મા, અને ભાંડવોને મળી શક્યો. એની મા, ભાઈ બહેનો અને ગ્રામવાસીઓને આમ બનશે, એની સ્વપ્નમાં પણ આશા ન હતી. બધાં આનંદમાં ઘેલા ઘેલા બની ગયાં.

પણ આ આનંદ ત્રણ દિવસ જ ટકવાનો હતો ને? મન્જિરોને પાછા એમના વિસ્તાર ટોસાના ડેઈમ્યો યામાનુચી સાથે ચર્ચા માટે જવું પડ્યું. પણ હવેની એની જીવનયાત્રા એને જાપાનના ઉચ્ચ વર્તુળોમાં ટોચે પહોંચાવવાની હતી. યામાનુચી મન્જિરોની વાતોથી અને શોગુન તરફથી મળેલી સૂચનાના કારણે એટલો તો પ્રભાવિત બની ગયો કે, તેણે મન્જિરોને અત્યંત માનભર્યો ‘સમુરાઈ’નો ખિતાબ આપ્યો. સાવ હલકી જાતના માછીમાર – માત્ર ‘મન્જિરો’ નામધારી – આ જવાંમર્દની ઓળખ હવે ‘મન્જિરો નાકાહામા’ બની. હવે એની કમરે બે તલવારો ચમકતી હતી. એક સમુરાઈની ૧૭ વર્ષની કન્યા ‘તેત્સુ’ સાથે એનાં લગ્ન પણ થયા.

મન્જિરોની આગલી જિંદગી એને ઉપર અને ઉપર ચઢાવવાની હતી; એટલું જ નહીં; પણ જાપાન પણ સમૃદ્ધિ અને તાકાતના પંથે, એક મહાન વિશ્વ સત્તા બનવાનું હતું.

અને ૧૮મી જૂન-૧૮૫૩માં એક અભૂતપૂર્વ ઘટના બની. કોમોડોર મેથ્યુ પેરીના નેતૃત્વવાળી, અમેરિકાના નૌકાદળની ચાર અત્યંત શતિશાળી સ્ટીમરો જાપાનના ઈડો અખાતમાં લાંગરી. શોગુને જાપાનની બધી તાકાત એકઠી કરીને કોમોડોર પેરીને જાપાનનો દરિયામાંથી ભાગી જવા તાકીદ કરી. પણ પેરી પાસે શોગુનની તાકાત કરતાં ઘણી વધારે લડાયક સામગ્રી હતી. પેરીએ જાપાનના સમ્રાટ સાથે વાટાઘાટો કર્યા વિના પાછા વળવાની કોઈ તૈયારી ન બતાવી; અને જો એની આ માંગણી સ્વીકારવામાં ન આવે તો ઈડો બંદર પર તોપમારો શરૂ કરવાની ધમકી પણ આપી દીધી.

અસહાય બની ચુકેલા શોગુન માટે આ વાત સ્વીકાર્યા વિના કોઈ છૂટકો જ ન હતો. તેણે  અમેરિકા વિશે જાણકારી ધરાવતા એકમાત્ર જાપાનીઝ તરીકે મન્જિરોને સલાહ માટે બોલાવી લીધો. અનેક દિવસોની વાટાઘાટો પછી, જાપાન અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો થયા; અને જાપાનના માટે નવા યુગનું બારણું ખુલ્લું થઈ ગયું.

જાપાનના અમેરિકા જનાર યુવાનોને અંગ્રેજીનું શિક્ષણ આપવા માટે મન્જિરોની નિમણૂંક થઈ.

૧૮૫૯માં હોકોડાટે ખાતે, નવી ઢબના વહાણો બાંધવા માટેની સંસ્થા પણ તેણે સ્થાપી અને જાપાનના વ્હાણવટાનો નવો યુગ શરૂ થયો.

૧૮૬૦માં અમેરિકામાં જાપાનની પહેલી એલચીના દુભાષિયા તરીકે તેણે ફરી એકવાર અમેરિકાની ધરતી પર પગ મુક્યો. પણ રસ્તામાં નડેલ તોફાની ઝંઝાવાતમાં એની વહાણવટાની કુશળતાના પ્રતાપે વહાણ ડુબતું બચ્યું હતું. આ વાતની જાણ થતાં જાપાનના સમ્રાટે મન્જિરોનું ખાસ બહુમાન કર્યું હતું.

૧૮૭૦માં મન્જિરોને ફરી વખત અમેરિકા જવાની તક મળી. ત્યારે તે પોતાના પાલક પિતા જેવા કેપ્ટન વ્હીટ્ફિલ્ડને ફેરહેવનમાં મળ્યો અને ભેટી પડ્યો. પાછા વળતાં તેણે લન્ડન ખાતે ભરાયેલ આંતરરાષ્ટ્રીય પરિષદમાં જાપાનના પ્રતિનિધિ તરીકે હાજરી પણ આપી. જાપાન પાછા વળ્યા બાદ ટોકિયો ખાતે અંગ્રેજી ભાષાના પ્રોફેસર તરીકે મન્જિરોએ એની શેષ જિંદગી પૂરી કરી. આજે એ સંસ્થા યુનિવર્સિટી ઓફ ટોકિયો તરીકે ઓળખાય છે.

૧૮૯૮માં મન્જિરોનો દેહવિલય થયો ત્યારે તે જાપાનની એક અત્યંત સન્માનનીય વિભૂતિ બની ચુક્યો હતો.

શિકોકૂ ટાપુની અશિઝુરી ભૂશિર પર મંજિરોનું બાવલું

મન્જિરોએ ધાર્યું હોત તો, બાકીની જિંદગી અમેરિકન તરીકે ગાળી શક્યો હોત; અને ઘણું ધન અને કીર્તિ કમાઈ શક્યો હોત. પણ એના દિલમાં જલતી આગે એને એક જ દિશામાં હંકારે રાખ્યો – એની વ્હાલી માની સેવામાં. અને એ જ પ્રબળ પ્રેમ અને સંઘર્ષે એની એ આકાંક્ષા પૂરી કરી એટલું જ નહીં; એના માદરે વતનની પણ એ અમૂલ્ય સેવા કરી શક્યો. જાપાન આજે જે છે; એમાં મન્જિરોનું પ્રદાન અજોડ છે; અને રહેશે.

સંદર્ભ

https://en.wikipedia.org/wiki/Nakahama_Manjir%C5%8D

e.mail : surpad2017@gmail.com

Loading

7 February 2026 Vipool Kalyani
← ભીખુ પારેખ : જીવન અને વિચાર 
ચલ મન મુંબઈ નગરી—327  →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—327 
  • નાનમ પણ ન લાગે …?
  • સેનાપ્રમુખની નિર્ણય -કટોકટી : રાષ્ટ્રીય નેતૃત્વની આઘાપાછી?
  • આજ સુધી અજાણ્યા રહેલા બે અંગ્રેજી અનુવાદ
  • મહાશ્વેતાદેવી: વંચિતોની કલમ, શતાબ્દી નમન

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved