ઑગસ્ટ મહિનામાં શંકરસિંહ વાઘેલાએ તેમના અડધો ડઝન સમર્થક વિધાનસભ્યો સાથે કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપ્યું ત્યારે કૉન્ગ્રેસને વગર ચૂંટણીએ પરાજિત ઘોષિત કરી દેવામાં આવી હતી.
રાજ્યસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસના ઉમેદવાર અહમદ પટેલને ક્રૉસવોટિંગ દ્વારા પરાજિત કરવાના હતા અને એ રીતે કૉન્ગ્રેસનું મૉરલ તોડી નાખવામાં આવ્યું હતું. આ પહેલાં આ વરસના પ્રારંભમાં BJPએ ઉત્તર પ્રદેશમાં બે-તૃતીયાંશ બેઠકો મેળવીને દેશને ચોંકાવી દીધો હતો. ત્રિપાંખિયા જંગમાં કોઈ પક્ષને બે-તૃતીયાંશ બેઠક મળે એ માની ન શકાય એવી ઘટના હતી. નોટબંધીની યાતના પછી દેશના સૌથી મોટા રાજ્યમાં યોજાયેલી મહત્ત્વની ચૂંટણી હતી અને એમાં BJPએ આવો ભવ્ય વિજય મેળવ્યો હતો.
એ ઘટનાના બે અર્થ કરવામાં આવ્યા હતા. એક અર્થ એવો કરવામાં આવ્યો હતો કે નરેન્દ્ર મોદી આપણે ધારીએ છીએ એના કરતાં પણ વધુ લોકપ્રિય છે અને લોકોની તેમનામાં અખૂટ શ્રદ્ધા છે. આનો અર્થ એ થયો કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી નરેન્દ્ર મોદીના ગજવામાં છે. જો ઉત્તર પ્રદેશમાં BJP બે-તૃતીયાંશ બહુમતી મેળવી શકે તો લોકસભામાં ૨૦૧૪ કરતાં પણ વધુ બેઠકો મળે તો નવાઈ નહીં. આને કારણે કેટલાક રાજકીય હરીફોમાં ભય પેસી ગયો હતો અને તેમને લાગવા માંડ્યું હતું કે સામે પાણીએ તરવાનો કોઈ અર્થ નથી અને પ્રવાહપતિત થવામાં લાંબા ગાળાનું હિત છે. બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર અને ગુજરાતના મૂળ સંઘી શંકરસિંહ વાઘેલાનો શરમ છોડીને ગુલાંટ મારનારા પ્રવાહપતિતોમાં સમાવેશ થાય છે. તેમને એવી ખાતરી થઈ ગઈ હતી કે ભવિષ્ય નરેન્દ્ર મોદીનું છે એટલે તેમની આંગળી પકડી લેવી જોઈએ.
એ સમયે નરેન્દ્ર મોદી અને BJPની ટીકા કરનારા કેટલાક પત્રકારો પણ ડરી ગયા હતા અને જે નહોતા ડર્યા તેમને ડરાવવામાં આવતા હતા. ગૌરી લંકેશ પછીની અભદ્ર નુક્તેચીનીઓ યાદ હશે. બીજી બાજુ કેટલાક હિતચિંતકો ટીકા કરવાની હિંમત ધરાવનારા પત્રકારોને સાવધાન રહેવાની સલાહ આપતા હતા. મને ઓછામાં ઓછા છએક મિત્રોના સાવધાન રહેવાની સલાહ આપનારા ફોન આવ્યા હતા જેમાંના કેટલાક BJPના અને નરેન્દ્ર મોદીના સમર્થક હતા. તેમને પણ એમ લાગતું હતું કે નરેન્દ્ર મોદીનું એકહથ્થુ શાસન ૨૦૧૪ સુધીની વાસ્તવિકતા છે એટલે મારા જેવાએ દુસ્સાહસ કરીને નુકસાન ન વહોરવું જોઈએ. હું તેમને જવાબ આપતો હતો કે અંતરાત્માને વફાદાર રહીને જીવવાના જિંદગીમાં બહુ ઓછા પ્રસંગ આવતા હોય છે આ એમાંનો એક છે.
બીજું અર્થઘટન એવું કરવામાં આવ્યું હતું કે આ EVMની કમાલ છે. બહુજન સમાજ પાર્ટીનાં નેતા માયાવતી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ આમાં અગ્રેસર હતાં. આમ આદમી પાર્ટીએ તો દિલ્હીની વિધાનસભામાં EVMને કઈ રીતે મૅનેજ કરી શકાય છે એનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન પણ આપ્યું હતું. એ સમયે EVM સામેની શંકાઓને ખાટી દ્રાક્ષ તરીકે ઓળખાવવામાં આવી હતી. ખેર, વૉટર વેરિફિયેબલ પેપર ઑડિટ ટ્રેઇલ નામની ચબરખી મતદાતાને હવે ખાતરી કરાવવા માટે આપવામાં આવે છે એ આ ઊહાપોહનું પરિણામ હતું.
તો નોટબંધીના વસમા સમયની પણ મતદાતાના ચિત્ત પર કોઈ અસર નહોતી થઈ, બલકે મતદાતા વધુ નરેન્દ્ર મોદી તરફ ઢળ્યો છે એ ગયા ઑગસ્ટ મહિના સુધીની વાસ્તવિકતા લાગતી હતી. એટલે તો નીતીશકુમારે પાલો બદલ્યો હતો અને શંકરસિંહ વાઘેલા BJPને મદદરૂપ થવા કૉન્ગ્રેસમાંથી બહાર આવ્યા હતા. બન્નેને ખાતરી થઈ ગઈ હતી કે ભવિષ્ય BJPનું છે. એટલે તો પત્રકારોને ધમકાવવામાં આવતા હતા, ચેતવણી આપવામાં આવતી હતી અને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવતી હતી. તો પછી અચાનક એવું શું બન્યું કે માત્ર બે મહિનામાં લોકોના મનમાં નરેન્દ્ર મોદી અને BJP પ્રત્યે અભાવ થવા લાગ્યો? શું GSTના કારણે જે જુલાઈ મહિનામાં લાગુ કરવામાં આવ્યો હતો?
ચાર કારણો મુખ્ય છે. એક તો રહી-રહીને છેવટે રિઝર્વ બૅન્કે કહેવું પડ્યું હતું કે નોટબંધીનું પગલું નિષ્ફળ નીવડ્યું છે. ઘણા સમય સુધી જૂની નોટો ગણવામાં સમય વિતાવીને રિઝર્વ બૅન્ક સરકારને મદદ કરી રહી હતી, જાણે બૅન્કોમાંથી જૂની નોટો ગણ્યા વિના જોખીને કોથળામાં પાછી ફરી હોય. જાણે કે રિઝર્વ બૅન્કના અધિકારીઓ નોટ ગણવાનાં મશીનો વાપરવાની જગ્યાએ હાથેથી નોટ ગણતા હોય. ૩૦ ઑગસ્ટે રિઝર્વ બૅન્કે નાછૂટકે વાર્ષિક અહેવાલ બહાર પાડવો પડ્યો હતો અને એમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે નોટબંધી એ કહેવાતા મગરમચ્છને મારવા માટે તળાવ સૂકવીને માછલાં મારનારું પગલું હતું. મગરમચ્છ તો એક પણ હાથ લાગ્યો નથી, પરંતુ માછલાં મરી ગયાં.
આ જાહેરાત વ્યવસ્થાકીય સુધારાઓ ઇચ્છનારા અને વડા પ્રધાન એમ કરવા પ્રતિબદ્ધ છે એમ માનનારા ભોળા ભારતવાસી માટે આઘાતજનક હતી. તો પછી શા માટે નોટબંધી કરવામાં આવી હતી? એ સતત પુછાતો રહેતો સવાલ છે. સરકાર એનો કોઈ સંતોષકારક ઉત્તર આપી શકતી નથી.
બીજું કારણ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ(GST)નું હતું. ચોવીસે કલાક મીડિયાની હેડલાઇન તરફ નજર રાખવાની આદત ધરાવતા વડા પ્રધાન દરેક ઘટનાને ઇવેન્ટમાં ફેરવી નાખે છે અને એના કેન્દ્રમાં પોતાને રાખે છે. GSTની બાબતમાં પણ એવું જ બન્યું હતું. GST જેટલો જટિલ ટૅક્સ લૉ એકેય નથી. ખુદ નાણાપ્રધાન GST વિશે ખુલાસાઓ કરી શકતા નથી. જો GSTને બીજી આઝાદી જેવી ઇવેન્ટ તરીકે લાગુ ન કર્યો હોત તો કેટલીક જગ્યાએ સુધારા કરવા અને કેટલીક જગ્યાએ પાછા ફરવા જગ્યા પણ બચી હોત. GST એવું ગળાનું હાડકું બની ગયું છે કે નથી એ ગળે ઊતરતું કે નથી એ થૂંકી શકાતું. આખરે GST ઐતિહાસિક ઘટના હતી અને ઐતિહાસિક ઘટનાઓ વારંવાર નથી બનતી.
ત્રીજું કારણ ડોકલામમાં ચીનની હાજરી હતું. આ પણ એ જ અરસાની ઘટના છે અને હજી ચીની સૈનિકો ડોકલામમાં છે. ૧૫ ઑગસ્ટે લાલ કિલ્લા પરથી વડા પ્રધાન દેશને સંબોધતા હતા ત્યારે ચીની સૈનિકો ડોકલામમાં કબજો જમાવીને બેઠા હતા. વડા પ્રધાન લાલ કિલ્લા પરથી કે પછી સંસદમાં કે અન્યત્ર એક હરફ ઉચ્ચારવાની હિંમત નહોતા કરી શક્યા. એક ઝાટકે ચીનાઓએ નરેન્દ્ર મોદીની ૫૬ ઇંચની છાતીને ઉઘાડી પાડી દીધી હતી. ચીનાઓ આજે પણ શિયાળો હોવા છતાં ડોકલામમાં બેઠા છે એ હવે સાબિત થઈ ગયું છે અને વડા પ્રધાન ચૂંટણીસભાઓમાં એનો ઉલ્લેખ સુધ્ધાં કરી શકતા નથી.
નરેન્દ્ર મોદીએ તેમનું નાક કાપવા તેમ જ તેમને રાજકીય રીતે કમજોર કરવા પાકિસ્તાન કાવતરાં કરી રહ્યું છે એવો આરોપ કર્યો હતો. તેમણે આવો આરોપ જો ચીન સામે કર્યો હોત તો તેમના આરોપમાં તથ્ય હોઈ શકે છે એમ માનવાનું મન પણ થાત. ચીન આવું કરી શકે એમ છે. હું તો ત્યાં સુધી કહું છું કે માત્ર નરેન્દ્ર મોદીની છાતીને ઉઘાડી પાડીને ભારતના લોકોની નજરે તેમને નીચા દેખાડવા ચીને ડોકલામમાં પ્રવેશ કર્યો હોય તો નવાઈ નહીં.
ચોથું કારણ અમિત શાહના પુત્ર જય શાહનો ભ્રષ્ટાચાર છે. એની વિગતથી દરેક ભારતીય પરિચિત છે એટલે એને અહીં નોંધવાની જરૂર નથી. હું ખાતો નથી અને ખાવા દેતો નથી એવો દાવો કરનારા વડા પ્રધાન તેમના હનુમાનના પરાક્રમ વિશે ચૂપ છે એ જોઈને શ્રદ્ધાવાન ભારતીય ચોંકી ગયો છે.
ભારતના નાગરિકને હવે ખાતરી થવા લાગી કે સાહેબ પાસે નથી કોઈ વિઝન, નથી એવી કોઈ મર્દાનગી કે નથી સ્વચ્છ જાહેર જીવન માટેની નિસબત. તો પછી સાહેબ પાસે છે શું? મતદાતા શોધવા લાગે છે અને તેને શું હાથ લાગે છે? વિચારો.
સૌજન્ય : ‘કારણ-તારણ’, “ગુજરાતી મિડ-ડે”, 15 ડિસેમ્બર 2015