વીસમી સદીના પૂર્વાર્ધના કદાચ સૌથી વધુ પ્રભાવક અર્થશાસ્ત્રી જ્હોન મેનાર્ડ કેઇન્સે 1920માં એક પ્રખ્યાત લખાણ લખ્યું હતું, જે આજના આપણા સમય માટે પણ લખી શકાયું હોત. એ પછી એક સદી વીતી ગઈ છે અને આજે જેને આપણે વૈશ્વિકીકરણ કહીએ છીએ તેનો પ્રથમ તબક્કો પૂરો થયો છે ત્યારે, કેઇન્સ પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જે કંઈ બોલ્યા હતા તે અહીં લંબાણથી ટાંકવા જેવું છે :
“માનવજાતની આર્થિક પ્રગતિમાં કેટલીક અસાધારણ ઘટનાઓ બની છે, જેનો અંત ઓગસ્ટ 1914માં આવી ગયો હતો! ….. લંડનના રહેનાર એક વ્યક્તિ ટેલિફોન દ્વારા ઑર્ડર આપી શકે છે, પથારીમાં સવારની ચા પીએ છે, આખી દુનિયાની વિવિધ ચીજો જોઈએ તેટલા પ્રમાણમાં વાપરે છે અને પોતાના ઘરના બારણે તે વહેલામાં વહેલી તકે આણી શકે છે; સાથે સાથે એ જ ક્ષણે અને એ જ સાધનો દ્વારા કોઈ પણ જાતની તકલીફ વિના તથા પસીનો પાડ્યા વિના, કુદરતી સંસાધનોમાં પોતાની સંપત્તિનું રોકાણ કરી શકે છે અને દુનિયાના કોઈ પણ ખૂણામાં નવું સાહસ શરૂ કરીને તેનાં ફળ અને લાભ મેળવી શકે છે ……. જો તે ઈચ્છે તો તે કોઈ પણ દેશમાં કે કોઈ પણ પ્રકારની આબોહવા ધરાવતા પ્રદેશમાં જવા માટે સસ્તું અને આરામદાયક સાધન મેળવી શકે છે … પણ સૌથી મહત્ત્વની બાબત એ છે કે તે પોતાની આ સ્થિતિને, જો તેમાં વધુ સુધારો થવાનો હોય તો સામાન્ય, નિશ્ચિત અને કાયમી ગણે છે અને જો તેમાં સહેજ પણ વિપરીત ફેરફાર થાય તો તે તેને નીતિનાશને માર્ગે જનારી, કૌભાંડી અને ટાળી શકાય તેવી ગણે છે.”
આંતરરાષ્ટ્રીય સંબંધોના નિષ્ણાતો આપણને સતત કહી રહ્યા છે કે અણુશસ્ત્રોને લીધે અત્યારે વિશ્વયુદ્ધ થવાની શક્યતાઓ નથી. પરંતુ તેને બદલે કોરોનાની મહામારી, વિદ્વાનો જેને વૈશ્વિકીકરણનો બીજો તબક્કો કહે છે તેનો અંત લાવી શકે છે. આ બીજો તબક્કો 1980ના દાયકામાં શરૂ થયો હતો, અને તે ચાર દાયકા સુધી ચાલ્યો છે. આ યુગમાં અમુક વર્ગના મનુષ્યો દુનિયાના કોઈ પણ ખૂણે ઉત્પન્ન થયેલી ચીજો માટે ઇન્ટરનેટ દ્વારા ઓર્ડર આપી શકે છે અને દુનિયાના કોઈ પણ ખૂણામાં મૂડીરોકાણ કરી શકે છે.
આર્થિક રીતે જ જોઈએ તો, વૈશ્વિકીકરણ એટલે મૂડી, વસ્તુઓ અને શ્રમની મુક્ત હેરફેર માટે રાષ્ટ્રીય સરહદોનો ઇન્કાર. મજૂરોનું આવાગમન કદી પણ મૂડી અને વસ્તુઓ જેટલું મુક્ત હતું જ નહીં. મૂડી અને વસ્તુઓના હવે ટુકડા થઈ ગયા છે. કોણે કઈ વસ્તુ આખી પેદા કરી છે, તેની ખબર પડવી જરૂરી નથી. સ્થળાંતરિત મજૂરો પણ અગાઉ હતા તેમ જ વહેંચાઈ ગયા છે. વંશીય રીતે, જાતિગત રીતે અને ધાર્મિક રીતે તે મુખ્ય પ્રવાહથી કેટલા વેગળા છે, તે કોઈ પણ વ્યક્તિ જોઈ શકે તેમ છે. તેથી, શ્રમનો પ્રવાહ વહે છે પણ, જો તે મોટા પ્રમાણમાં હોય તો તેમાં વતનપરસ્તીનું જમણેરી રાજકારણ હંમેશાં જન્મ લે છે. તેવું રાજકારણ આપણને ભાગ્યે જ વસ્તુઓ અને મૂડીની હેરાફેરીમાં થતું દેખાય છે.
કોરોના મહામારી પહેલાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વૈશ્વિકીકરણના સાતત્યપૂર્વક ટીકાકાર રહ્યા છે. તેમણે ખાસ કરીને સ્થળાંતરિત બિન-ગોરા મધ્ય-દક્ષિણ અમેરિકન સ્પેનિશ લોકોને તથા મુસ્લિમ લોકોને પોતાના રાજકીય ગુસ્સાનું લક્ષ્યાંક બનાવ્યા હતા. પરંતુ તે મુક્ત વ્યાપાર અને ઓછા ખર્ચની શોધમાં ચીનમાં જંગી મૂડીરોકાણ કરતા, તથા એ રીતે નોકરીઓ અમેરિકામાંથી ચીનમાં લઈ જતા ઉદ્યોગપતિઓના વિરોધી રહ્યા છે. મુક્ત વ્યાપારને નાથવા માટે તેમણે અમેરિકામાં થતી આયાતો પર વધુ જકાત નાખી છે અને અમેરિકન ઉદ્યોગપતિઓને પોતાની મૂડી પાછી અમેરિકામાં લઈ આવવા માટે હાકલ કરી છે. યુરોપમાં પણ યુનાઇટેડ કિંગ્ડમના નેતૃત્વ હેઠળ આ જ પ્રકારનું રાજકારણ, ઓછા બૂમબરાડા સાથે, ખેલાઈ રહ્યું છે.
અનેક મોટાં અર્થતંત્રો કોરોના મહામારીમાં સપડાયાં છે ત્યારે તે આ રાજકીય હુમલાનું શું કરશે? વાસ્તવવાદી રાજકીય અર્થમાં આ પ્રશ્નનો જવાબ, વૈશ્વિકીકરણના બીજા તબક્કાએ ચીનને કેવી રીતે લાભ કરી આપ્યો છે, તેના પર ધ્યાન આપ્યા વિના આપણે આપી શકીએ તેમ નથી.
અલબત્ત, એ નોંધવું જોઈએ કે વૈશ્વિકીકરણના 1815થી 1914ના પ્રથમ તબક્કામાં ચીને બહુ સહન કરવું પડ્યું હતું. 1800માં વિશ્વનું ૩૩ ટકા ઔદ્યોગિક ઉત્પાદન ચીનમાં થતું હતું. પછી બે અફીણ યુદ્ધોમાં ચીન હાર્યું. એટલે 1900 સુધીમાં તેના ઔદ્યોગિક ઉત્પાદનનું પ્રમાણ ઘટીને માત્ર છ ટકા થઈ ગયું હતું. અત્યારે વધુ મહત્ત્વની બાબત એ છે કે વૈશ્વિકીકરણના બીજા, 1980-2014ના તબક્કામાં ચીન આરંભમાં બહુ પાછળ રહી ગયું હતું. 1980માં તે ઔદ્યોગિક ઉત્પાદનમાં દુનિયામાં 48મા ક્રમે હતું. 1982માં તેની જી.ડી.પી. આશરે 200 અબજ ડોલર હતી અને ભારત પણ અર્થતંત્રનું તેટલું જ કદ ધરાવતું હતું.
છેલ્લામાં છેલ્લી માહિતી અનુસાર ચીન 13.6 લાખ કરોડ ડોલર સાથે દુનિયાનું બીજા ક્રમનું અર્થતંત્ર છે. અમેરિકા 20.5 લાખ કરોડ ડોલર સાથે પ્રથમ ક્રમે છે. પણ એ જાપાન (4.9 લાખ કરોડ), જર્મની (4.૦ લાખ કરોડ), યુનાઇટેડ કિંગ્ડમ (2.8 લાખ કરોડ), ફ્રાન્સ (2.8 લાખ કરોડ) અને ભારત (2.7 લાખ કરોડ) કરતાં ઘણું આગળ છે. 2018માં ચીન દુનિયાભરમાં સૌથી વધુ વ્યાપાર કરતો દેશ હતો. તેની નિકાસ 2.5 લાખ કરોડ ડોલર હતી, જ્યારે અમેરિકાની 1.6 લાખ કરોડ ડોલર હતી. વળી, 2018માં ચીનમાં 203 અબજ ડોલરનું સીધું વિદેશી રોકાણ (FDI) થયું હતું, જે જર્મની, જાપાન, ફ્રાન્સ અને યુનાઇટેડ કિંગ્ડમ કરતાં પણ વધારે હતું. ભારતમાં 48 અબજ ડોલર અને અમેરિકામાં 258 અબજ ડોલર FDI તે વર્ષે આવ્યું હતું. આમ, ચીન અમેરિકા પછી બીજા ક્રમે હતું. ચીનમાં કેટલું બધું વિદેશી રોકાણ આવ્યું હતું!
કોરોના મહામારીના સંદર્ભમાં તબીબી સાધનસામગ્રીના આંકડા વધુ આશ્ચર્યજનક છે. રક્ષણાત્મક સર્જિકલ વસ્ત્રો, પ્લાસ્ટિક ફેસ શીલ્ડ, કપડાંના માસ્ક અને થર્મોમિટરના 50થી 80 ટકા પુરવઠા માટે અમેરિકા ચીન પર આધાર રાખે છે. વૅન્ટિલેટર અને હાથનાં સેનિટાઈઝરનો 20 ટકા પુરવઠો પણ ચીનથી આવે છે. ઉદ્યોગપતિઓ અને અર્થશાસ્ત્રીઓ આ વલણો સંપૂર્ણપણે આર્થિક છે એવી ગમે તેટલી દલીલ કરે, તો પણ તે એમ દર્શાવે છે કે ચીનમાં મોટા પાયે ઉત્પાદન કરવાનું કેટલું આસાન છે. જો ચીન આ મહત્ત્વનો પુરવઠો પૂરો પાડવાનું બંધ કરે તો માત્ર પશ્ચિમના જગતના નેતાઓ જ નહિ પણ દુનિયાભરના નેતાઓ ચિંતાતુર બની જાય, અને તે રાષ્ટ્રીય સલામતીનો સવાલ તો ખરો જ !
પોતાના ગોટાળા છૂપાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ ચીનને બલિનો બકરો બનાવવા માંગે છે, પણ રાજકીય પવન અત્યારે ટ્રમ્પથી સાવ જુદી દિશામાં ફૂંકાઈ રહ્યો છે. વુહાનમાં કોરોના વાઇરસ કેવી રીતે જન્મ્યો તેની માહિતી ચીને કેવી રીતે છુપાવી છે એની બધી સાચી કે ખોટી શંકાઓ બાજુ પર મૂકીએ તો પણ, દુનિયાભરની રાજધાનીઓમાં ચીન પ્રત્યેનો રોષ સ્પષ્ટપણે દેખાય છે. કોરોના મહામારીને લીધે અચાનક આવી પડેલી ભારે વેદનામાંથી જન્મેલો આ રોષ વૈશ્વિકીકરણના અર્થતંત્ર પર અસર પાડશે જ એમાં કોઈ શંકા નથી.
હવે મજૂરોના આંતરરાષ્ટ્રીય આવાગમન ઉપર અગાઉ કરતાં વધારે પ્રમાણમાં નિયમન આવશે. તાજેતરના દાયકામાં બન્યું હતું તેના કરતાં વધારે પ્રમાણમાં, પશ્ચિમની રોકાણકાર કંપનીઓએ પોતાના મૂડીરોકાણમાં રાજકીય જોખમ કેટલું છે તેના પર ધ્યાન આપવું જ પડશે. માત્ર જ્યાં મજૂરોનું ખર્ચ ઓછું હોય ત્યાં જવાનું જે વલણ હતું તે છોડીને હવે તેઓ તેમની મૂડી પોતાના દેશમાં પાછી લઈ જાય અથવા ભૌગોલિક રીતે તેમના પુરવઠાની સાંકળને ફરીથી ગોઠવે એમ પણ બને. હમણાંથી અનેક વસ્તુઓ માટે વૈશ્વિક સ્તરે પુરવઠાની સાંકળ હકીકતમાં ચીનની સાંકળ બની ગઈ હતી. આ પ્રકારનું આર્થિક કેન્દ્રીકરણ હવે રાજકીય રીતે ટકાઉ બની શકે તેમ લાગતું નથી.
બજાર આધારિત આર્થિક વ્યવસ્થામાં આર્થિક કાર્યક્ષમતા એક મુખ્ય બાબત ગણાય છે. પણ નજીકના ભવિષ્યમાં એ મુદ્દો હવે પાછળ ધકેલાઈ જશે. રાજકારણ હવે આર્થિક નીતિઓનું ચાલક બળ બનશે, બજાર આધારિત તાર્કિકતા નહિ. વૈશ્વિકીકરણનો અંત નહિ આવે પણ, તે વધારે પશ્ચાદભૂમાં ધકેલાઈ જશે. આપણે મૂડીવાદના નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 02 જૂન 2020