લાગે છે કે આપણે દરેક વાતમાં પૉઝિટિવિટી શોધી કાઢવામાં માહેર બની ગયાં છીએ.
પંદર વર્ષની જ્યોતિકુમારી તેના બીમાર પિતાને ગુરુગ્રામથી સાઇકલ પર બેસાડીને વતન બિહાર લઈ ગઈ. તેણે 1,200 કિલોમીટરની યાત્રા સાત દિવસમાં પૂરી કરી. જ્યોતિના સાહસને બધાં બિરદાવી રહ્યાં છે. સાઇકલ ફૅડરેશન ઑફ ઇન્ડિયાએ જ્યોતિને ટ્રાયલ માટે બોલાવી અને કહ્યું કે જ્યોતિ ટ્રાયલમાં સફળ થશે તો એને દિલ્લી સ્થિત નેશનલ સાઈકલિંગ એકડેમીમાં સ્થાન આપવામાં આવશે. જ્યોતિના સાહસનો ઉલ્લેખ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાન્કાએ ટ્વીટમાં પણ કર્યો અને તેનાં વખાણ કર્યા છે. આપણે રાબેતા મુજબ તેનાથી રાજી પણ થઈ ગયાં.
આ મજબૂરીને પણ આપણે ગૌરવનો મોકો બનાવી દીધો. જરા વિચારો તો ખરાઃ આ ગૌરવની વાત છે? આ દૃશ્યો વિશ્વમાં આપણી કેવી તસવીર બતાવી રહ્યાં છે? ઈવાન્કાની ટ્વીટથી આપણે સૌ હરખાઈ ગયાં. પણ આપણે એ વાત તો ભૂલી જ ગયાં કે થોડા સમય પહેલાં ટ્રમ્પ એમના પરિવાર સાથે ભારતયાત્રા પર આવ્યા હતા, ત્યારે આપણી સરકારે મોટા પાયે ખર્ચ કર્યો હતો અને એમની સામે ફૂલગુલાબી ચિત્ર રજૂ કર્યું હતું. અમદાવાદમાં ટ્રમ્પના પ્રવાસમાર્ગ પરનાં ઝૂંપડાંને ઢાંકી દેવા માટે તેની આગળ દીવાલ ચણી દેવાઈ હતી.
પરંતુ જ્યોતિની તસવીરો તો મજબૂરી અને ગરીબીની કહાણી કહી રહી છે. અને ગરીબી અને મજબૂરી ગૌરવ લેવાની વાત છે ખરી? બીજી રીતે વિચારીએ તો, આપણી સરકાર દ્વારા કરવામાં આવેલો ખર્ચ તો માથે જ પડ્યો કહેવાય ને? જ્યોતિએ કેમ ગુરુગ્રામથી દિલ્લી સાઇકલસફર ખેડવી પડી, એની પાછળ ઘણાં કારણો હતાં. જ્યોતિના બીમાર પિતાને લૉક ડાઉનના કારણે યોગ્ય સારવાર નહોતી મળી રહી. રૂપિયાના અભાવે ભોજનની સમસ્યા પણ ઊભી થઈ. મકાનમાલિક ઘર ખાલી કરવા માટે દબાણ કરી રહ્યા હતા. મજબૂરીવશ જ્યોતિએ સાઇકલ પર વતન જવાનું નક્કી કર્યું.
આવી મજબૂરી ફક્ત જ્યોતિની જ નહીં, પગપાળા વતન જઈ રહેલા મોટા ભાગના શ્રમિકોની છે. જ્યોતિ તો એક ઉદાહરણ છે. સરકાર દ્વારા મોટા મોટા દાવા કરવામાં આવે છે. 20 લાખ કરોડનાં પૅકેજ જાહેર કરવામાં આવે છે ને જમીની હકીકત સાવ જુદી છે. પરંતુ આપણને પ્રશ્નો નથી થતા. આપણને દરેક વાતમાં સારું જોવાની ટેવ પડી ગઈ છે અથવા સારું બતાવવામાં આવે છે. એટલે આપણે મજબૂરીને પણ ગૌરવના અવસરમાં ફેરવી નાખીએ છીએ.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 30 મે 2020