Opinion Magazine
Number of visits: 9745926
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN ==

સુમન શાહ|Opinion - Opinion|29 December 2021

મારી એક લાગણી દૃઢ થયા કરી છે કે આપણે ત્યાં ગુજરાતી સાહિત્યનું અધ્યાપન ખાડે ગયું છે ને એ દુખ:દ સ્થિતિ-પરિસ્થતિ સુધાર માગે છે.

'મારી વિદ્યાયાત્રા'માં એક ખણ્ડ છે : 'ક્લાસરૂમ સીક છે' : એનો એક અંશ —

: ૮ : ન પ્રમદિતવ્યમ્ :

વ્યાખ્યાન એક ઘટના છે – ધર્મકાર્ય. એનાં બે પાસાં છે : વ્યાખ્યાતા બોલે એ; અને શ્રોતા સાંભળે એ : ઍક્સ્પ્રેશન અને કમ્યુનિકેશન. અભિવ્યક્તિ અને સંક્રમણ. વ્યાખ્યાનમાં એ બન્નેનો સમ્પુટ રચાય – જેમ બે હાથ જોડીએ એટલે ‘નમસ્કાર’ રચાય છે. ક્યારેક આ છેડેથી ભાઇ બોલ્યા જ કરતા હોય પણ સામા છેડે કશું પ્હૉંચતું જ ન હોય. ઊલટું પણ બને. આ તરફથી જેવું પીરસાય કે તરત આ તરફ આરોગાય.

મારા દીકરાનો એક મિત્ર બન્ને ચૉથાપાંચમામાં હશે ત્યારની, વડોદરાની, વાત છે.  ઘણી વાર સહજપણે અમારી જોડે જમી લેતો. ત્રણ ભાખરી પછી તો પૂછવું જ પડે – આપું કે? ડોકું હલાવી એ ‘હોવ’ બોલતો ને પાંચમી ભાખરી વખતે પણ ‘હોવ’ બોલતો ! મજા આવતી. સમર્થ વ્યાખ્યાતાનું આવું થાય છે. એ જેટલું કંઈ બોલે, સામેવાળા ‘ઓઇયાં’ કરી જાય. એ થાકે નહીં, ધરાય; એમ લાયક વિદ્યાર્થી પણ થાકે નહીં, ધરાય.

સંક્રમણની વાતો ફરી ક્યારેક.

હાલ માત્ર અભિવ્યક્તિની અને તેમાં ય કેટલીક વ્યવહારુ વાતો કરું :

પહેલી વાત છે, રોજે રોજ અભિવ્યક્ત થતા રહેતા એ ભાઈ કે બહેનની વ્યાખ્યાતાને છાજે એવી રુચિકર અવસ્થા, પોઝિશન, ગ્રેસફુલ ઍટિટ્યુડ. વર્ગમાં દાખલ થતાંવેત એનો સમગ્ર દેખાવ – ઍપીયરન્સ – સુઘડ લાગવો જોઈએ. વર્ગમાં અધ્યાપક લાલઘૂમ ખમીસ-પાટલૂનમાં ને વાળની ‘સ્પાઇકી’ કે ‘મોહૉક' સ્ટાઇલમાં આવે, તો ચાલે?

વડોદરામાં અમારા પ્રૉફેસર કંટકના વર્ગમાં એક વિદ્યાર્થી નાઇટસૂટમાં આવેલો. સંસ્કારનગરીમાં નાઇટસૂટ ‘ફૅશન’રૂપે પ્રવેશેલો એ જમાનાની વાત છે – લેટ ફિફ્ટીઝ. કંટકસાહેબે એને એવા તો ગુસ્સાથી ગેટ-આઉટ કરી કાઢેલો, ન પૂછોની વાત.

અમારા એક પણ્ડિત અધ્યાપક હમેશાં ધોતી-ઝભ્ભા-બન્ડીમાં હોય, માથે સફેદ ટોપી. અગાઉના પણ્ડિતો ખેસ ધારણ કરે ને પાઘડી પણ પ્હૅરે. આજના અધ્યાપકે પણ્ડિતોના પહેરવેશને અનુસરવાની જરૂર નથી.

હવે બહેન-અધ્યાપકોની વસતી વધી છે. સમજાય એવું છે કે એમના બ્લાઉઝની નૅક કે બૅક-ની ડૅપ્થ જે હોય એ, પણ સાડીછેડો કે જો દુપટ્ટો હોય તો, યથાસ્થાને જોઈએ. આ કોઈ ડોસાછાપ દુરાગ્રહ નથી, પ્રૉફેશનલ ઍટિકેટને માટેનો – વ્યવસાયપરક શાલીનતાને માટેનો – સદાગ્રહ છે.

બીજું, મુખ સ્વચ્છ જોઈએ. એમાં પ્રમાદ ન ચાલે. કોઈ કોઈ અધ્યાપકો ટી-ટેબલ પર બાજુવાળાના કાનમાં મૉં ઘાલીને બોલતા હોય છે. બધા બોલ સ્વમુખદુર્વાસમિશ્રિત થતા હોય છે. ભાષા-ભવનના મારા એક સહકાર્યકર, મોટા વિદ્વાન, વર્ગમાં જતાં પહેલાં હમેશાં બ્રશ કરીને જતા. કહેતા : સુમનભાઇ, આ વિદ્યા-વચન-પ્રવચન માટેની શુચિતા છે : કેટલી સરસ વાત !

ત્રીજું, જૂતાં પર ધૂળ ન ચાલે, પૉલિશ ભલે ન હોય. હવે તો દોડવાના સફેદ શૂઝ પણ ચાલે છે. અધુનાતન તો કેવા – લાલ ! ભૂરા ! મોરપીંછ ! કેમ કરીને કહું કે અધ્યાપકના શૂઝ પણ ફૉર્મલ જ જોઇએ? જર્મનીમાં સંસ્કૃતના જર્મન પ્રૉફેસર વર્ગમાં સૌ પહેલાં પોતાના શૂઝ કાઢી નાખે છે ને બૉર્ડ પર ‘ઓમ્ ગુરવે નમ:’ લખ્યા પછી વ્યાખ્યાન શરૂ કરે છે. એ જાણ્યું ત્યારે સારું જ લાગેલું પણ આપણી સ્થિતિ જોડે સરખામણી થતાં દુ:ખી થઈ જવાયેલું. કપડવણજની કૉલેજમાં એક મિત્રઅધ્યાપક સ્લીપરમાં આવતા. વધેલા સૂક્કા નખ અને એમની ‘ફટી એડિયાં’ મને હજી દેખાય છે.

મને સારી પેઠે ખબર છે કે આજનો અધ્યાપક આ બધી બાબતોમાં આટલો બધો ભદ્દો તો નથી જ નથી, છતાં પ્રૉફેશનલ ઍટિકેટને કોઈ છેડો નથી.

પૂર્વજોએ સ્વાધ્યાય અને પ્રવચન બાબતે પ્રમાદ ન કરવા કહ્યું છે. મારું મન્તવ્ય છે કે એમાં આવો બધો પ્રમાદ પણ ન ચાલે – ભલે એ કાયિક, બાહ્ય અને સ્થૂળ છે. સ્વીકારો કે વ્યાખ્યાન, શિષ્ટ ઘટના છે. એમાં શુચિતા-શાલીનતા, મોટી પૂર્વશરત છે. મનની પવિત્રતા કે હૃદયની સચ્ચાઇ તો, એ પછીની વાતો છે.

વ્યાખ્યાન નામના ધર્મકાર્યનું અનુષ્ઠાન વર્ગખણ્ડ છે. આપણે ત્યાં એની કેવીક જોગવાઇ છે? કેટલીયે કૉલેજોમાં અધ્યાપકનાં ટેબલ-ખુરશી પ્લૅટફૉર્મ પર નથી હોતાં. છેલ્લી પાટલીવાળાંનાં ચ્હૅરા ન દેખાય. અધ્યાપક અને વિદ્યાર્થીના સ્થાન-ગ્રહણનો આ મુદ્દો મહત્ત્વનો છે. ગુરુ સદા ઉચ્ચાસને હોય. એ મહિમાવન્ત અર્થને ક્ષણભર જતો કરીએ, પણ વિદ્યાર્થી એટલું તો સમજી રાખે કે અધ્યાપક એનાથી એકાદ સ્તર ઊંચે હોય છે.

Picture Courtesy : Focused Collection

મેં સૂત્ર રચ્યું છે કે ‘અ ટીચર શૂડ બી હર્ડ’. એને કાન દઈને સાંભળવો ઘટે છે. અધ્યાપક વર્ગમાં પ્રવેશે ત્યારે ઊભા થઇને વિદ્યાર્થીઓ અભિવાદન કરે એવું કેટલી કૉલેજોમાં થતું હશે? ઉદાસીન થઈને અધ્યાપકોએ પણ આ આગ્રહને પડતો મેલ્યો હોય તો નવાઇ નહીં.

અમેરિકામાં વર્ગમાં કૉલેજિયનો ટાંટિયા જે તરફ જેટલા ફેલાવેલા રાખવા હોય એટલા રાખી શકે છે.

હું એક શાળામાં ગયેલો. પ્રિન્સિપાલ મને આખી શાળા બતાવતા’તા. અમે ચાલતા’તા. એક કોરિડોર આવ્યો. છોકરા-છોકરીઓ ભીંતે અઢેલીને આમતેમ સૂતેલાં પડેલાં. મારું આશ્ચર્ય શમતું ન્હૉતું. પણ ત્યાં તો એ સૌને મેં ‘હાય કાર્લ ! ગુડ મૉર્નિન્ગ !’-નો ઘોર કરતાં સાંભળ્યાં. ન શમેલું આશ્ચર્ય વધ્યું કેમ કે મૉર્નિન્ગ-વિશ એમણે પોતાના પ્રિન્સિપાલ કાર્લને કરેલી – સૂતેલાં રહીને ! કાર્લે પણ એટલી જ ઊલટથી ‘મૉર્નિન્ગ !’ કહેલું. અતિશયોક્તિ વગર કહું છું કે બાળકોની એ સહિયારી બૂમમાં મને વિનયનો આછો પણ સાચો સૂર આજે પણ સંભળાય છે.

અભિવ્યક્તિનો ચીલાચાલુ અર્થ એવો કે વ્યાખ્યાતાએ અસ્ખલિત, સડસડાટ, વ્યક્ત થવું. ન ભાષિક સ્ખલન કે ન બોલવામાં અચકાટ-ખચકાટ. જો કે કલાત્મક અભિવ્યક્તિ માટે તો ધીરજ અને સમજદારીથી ઘણું ઘણું કરવું રહે છે :

સૌ પહેલાં તો, એણે કે અન્ય વક્તાઓએ પણ હમેશાં સંક્રમણની ઇચ્છાથી અને પૂરી ગરજથી બોલવું. એવી તૉરી ન રાખવી કે સમજશે સમજવાના હશે તો !

દરેક વિષયમુદ્દાની વાત ફોડ પાડીને કરવી. મભમ નહીં ગબડાવવાનું. બોલ્યું બધું સાર્થક લાગવું જોઇએ. વિના કારણ સંસ્કૃત અવતરણો નહીં ઝુલાવવાનાં. અઘરા અંગ્રેજી શબ્દો નહીં ફટકારવાના.

કુંભારના ઘડાની જેમ દરેક મિનિટે વક્તવ્યને ઘાટ મળવો જોઇએ.

ગૂંચવાડિયા મુદ્દાઓને ચાતરી નહીં જવાના, સીધા કરી બતાવવાના. જ્ઞાનની ન દેખાતી બાબતો તરત દેખાય; છુપાયેલી વસ્તુઓ બહાર આવે; ઢંકાયેલું ખુલ્લું થાય; વગેરે બધું વર્ગમાં એક જાદુની જેમ થવું જોઇએ.

સંસ્કૃત શબ્દો વાપરીને કહું તો, અધ્યાપકે સ્ફુટ કરવું, અર્થપૂર્ણ કરવું, સ્પષ્ટ કરવું, દર્શાવવું, પ્રગટ કરવું, અનાવૃત કરવું. ખરેખર તો આ બધાં અભિવ્યક્તિનાં અંગોપાંગ છે.

સ્વની સર્જકતાને ખન્ત અને તન્તથી વળગી રહેનારા અધ્યાપક માટે આમાંનું કશું પણ અશક્ય નથી. સર્જકતા જાદુ છે. એથી વ્યાખ્યાન કે દુનિયાની હર કોઇ વસ્તુ કલાત્મક બની જાય છે.

કલાકારને આપણે ત્યાં ઐન્દ્રજાલિક – જાદુગર – કહ્યો જ છે. સુખ્યાત વ્યાખ્યાતાઓ ઐન્દ્રજાલિક હોય છે. એમના માટે કોઈ પણ વક્તવ્ય કોઈ પણ પ્રસંગે સહજ હોય છે. જુઓ ને, ચીલાચાલુ અભિવ્યક્તિનું અને આ જાતની કલાત્મક અભિવ્યક્તિનું, બન્નેનું, સંક્રમણ તો થાય જ છે. પણ પહેલી વખતે, સંક્રમણ વિદ્યાર્થીના કાને પહૉંચતાંમાં પતી જાય છે; જ્યારે બીજી વખતે, એના કાને થઇ ચિત્તમાં યોગ્ય સ્થાને ઠરી રહે છે.

= = =

(December 29, 2021: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

29 December 2021 admin
← ભારતમાં દર દસ વ્યક્તિએ એક વ્યક્તિ વૃદ્ધ છે !
ભારતમાં માનવ અધિકારોની ઉપેક્ષા થાય છે ? →

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved