(૧૦) વ્યાખ્યાન ઍક્ટિન્ગ નથી, પરફૉર્મન્સ છે
= = = વર્ગવ્યાખ્યાનોના અને અન્ય વ્યાખ્યાનોના મારા આજ સુધીના સુ-દીર્ઘ અનુભવનો એક સાર એ છે કે વ્યાખ્યાન રજૂઆત જરૂર છે, પરફોર્મન્સ, પણ એ ઍક્ટિન્ગ નથી. = = =
કોઈ કોઈ અધ્યાપકો સાભિનય વ્યાખ્યાન કરતા હોય છે. હાથ ઊંચા-નીચા કે લાંબા-ટૂંકા કરે. નયન આમતેમ ફેરવતા રહે. મુખમુદ્રાઓ બદલ્યા કરે. અહીંથી તહીં આવ-જા કરે. શક્ય બધું આંગિકમ્ કરે. એને એમ હોય કે – અભિનયથી વ્યાખ્યાન અને હું છવાઇ જઇશું.
નાટકના ‘ખાં’ ગણાઇ ગયેલા એક અધ્યાપકનો સાંભળેલો પણ સાચમાચનો એક કિસ્સો કહું :
કહેનારે કહ્યું મને : એક અધ્યાપક, હમેશાં નાટ્યાત્મક વ્યાખ્યાન કરે છે; કહે, દાખલો આપું, નવલકથામાં આવેલા વર્ણનને એમની સ્ટાઇલમાં સાંભળો; કહે :
અધ્યાપક આસ્તેથી બોલે છે : રૂમનાંઆં … બારણાંઆં … ખૂલ્યાંયાં (અધ્યાપક સાઇડમાં જઈને બારણાં ખોલવાનું માઇમ કરે છે). પ્રિયતમે પ્રિયાને પલંગમાં સૂતેલી જોઈ (અધ્યાપક લયપૂર્વકના હસ્તાભિનયથી ‘સૂતેલી’ દર્શાવે છે). પછી હળવેકથી ઢંઢોળી (અધ્યાપક હળવેકથી ઢંઢોળવાની ચેષ્ટા કરે છે). પ્રિયતમ નમ્રતાથી બોલ્યો – વ્હાલી કુંજુઉઉ …! (ખરેખર તો અધ્યાપક બોલેલા) … જો, મારે તારા જીવનમાં પાછા ફરવું છે … આટલી વખત મને માફ કરી દે … સદા કાળ તારો જ રહીશ … એમ કહી પ્રિયતમે એને બાહુપાશમાં લીધી. (અધ્યાપક બાહુ ફેલાવીને હવામાં બાથ ભીડી બતાવે છે. અને, લાઇક ધૅટ લાઇક ધૅટ કરતા, ફટાફટ, હતા એવા થઈ જાય છે). તાજ્જુબ થઈ વર્ગ એમને જોતો રહી જાય છે.
આ ઉદાહરણમાં મને લાગેલું કે કહેનારે અતિશયોક્તિ કરી છે, પણ વાત પાછળનો કટાક્ષ હું પકડી શકેલો.
વર્ગવ્યાખ્યાનોના અને અન્ય વ્યાખ્યાનોના મારા આજ સુધીના સુ-દીર્ઘ અનુભવનો એક સાર એ છે કે વ્યાખ્યાન રજૂઆત જરૂર છે, પરફોર્મન્સ, પણ એ ઍક્ટિન્ગ નથી.
મેં વ્યાખ્યાનને સર્જકતા સાથે જોડવાની વાત કરેલી. એ સર્જકતાનો શુભારમ્ભ અધ્યાપકના અવાજથી થાય છે. એણે અવાજનું મૉનિટરિન્ગ આવડવું જોઈએ. જરૂર પડ્યે સૉફ્ટ કે હાર્ડ; ફાસ્ટ કે સ્લો.
બીજું, પરફૉર્મન્સને વાગ્મિતાનો હમેશાં ખપ પડે છે. અલબત્ત, વ્યાખ્યાતાએ વાગ્મી નથી થઈ જવાનું પણ વાણીનો ઉચિત માત્રામાં વિનિયોગ કરવાનો છે : એક્કી શ્વાસે ન બોલવું. યતિ, વિરામ – અંગ્રેજીમાં જેને ‘પૉઝ’ કહે છે – એ લેવા. જરૂર હોય ત્યાં પ્રવાહી થઈ જવું : સૂર – ટોન – જાળવવો. કાકુ, સ્વરભાર, હ્રસ્વત્વ-દીર્ઘત્વ કે આરોહ-અવરોહ પણ જાળવવાં.
લખવામાં, અલ્પ અર્ધ પૂર્ણ અને ગુરુ વગેરે વિરામચિહ્નો છે. આજ્ઞાર્થ છે. પ્રશ્નાર્થચિહ્ન છે. ઉદ્ગારવાચક છે. આ બધાં વાણીનાં રૂપો છે. લખીએ ત્યારે તેમ જ બોલીએ ત્યારે પણ એ પ્રગટ થવાં જોઈએ. એટલે તો, સારા લેખકના લેખનમાં જેમ એનો અવાજ 'સંભળાતો' હોય છે તેમ સારા વક્તાની વાણીમાં એનું લેખન ‘દેખાતું’ હોય છે.
સાહિત્યકલા ભાવો અને તદનુસારી અર્થોની સૃષ્ટિ છે. સાહિત્યના અધ્યાપકો પોતાની સર્જક વાણી વડે ભાવોનું ‘અર્થપૂર્ણ દર્શન’ કરાવે અને અર્થોનું ‘ભાવપૂર્ણ શ્રવણ’ કરાવે એ બહુ જરૂરી છે.
વાણીના વિનિયોગને વિશેની ઉચિત સભાનતાથી અભિવ્યક્તિ વધારે સુન્દર બને અને એથી શ્રોતાને વક્તા સાથે જોડાયેલા રહેવાની મજા આવે. સારા વક્તાઓને એ ખાસ આવડતું હોય છે. શ્રોતાને જરા જેટલો ય ચસકવા ન દે.
જો કે અતિ સભાનતા નુક્સાન કરશે. અધ્યાપક ચાવળો લાગશો. આપણા એક વિદ્વાન વિવેચક બોલવામાં પણ હ્રસ્વત્વ-દીર્ઘત્વ અણીશુદ્ધ જાળવતા – પરિશુદ્ધ ! ‘કૂતરું’ બોલે તો ‘કૂઊ’ – એમ લાંબું સંભળાય. જોઈ શકાય કે ‘રું’-ના અનુસ્વાર વખતે એમના નાકનાં ફોરણાં કેટલે ઊંચે ચડી ગયાં. આરોહ-અવરોહની ચડ-ઊતરથી પણ વક્તા ઘરેડિયો લાગે છે. ઉતાવળે બોલનારને સભા સાંભળવાનું બંધ કરી દે છે.
છેવટે તો ઔચિત્ય જ વ્યાખ્યાતાને અને વ્યાખ્યાનને બચાવી શકે. પરમ ઔચિત્ય એ છે કે વ્યાખ્યાનને અન્તે વ્યાખ્યાતાએ સભામાં કે પોતાના ઘરે થોડા સમય માટે મૌન ધારણ કરવું. મૌન પણ વાણીનું જ એક રૂપ છે.
વ્યાખ્યાનના અનેક પ્રકારો છે. પોતે અધ્યાપક હોય એ નાતે દરેક જગ્યાએ એ-ની-એ સ્ટાઇલમાં લૅક્ચરબાજી કરે તે ન ચાલે. આવકાર-પ્રવચન, વક્તા-પરિચય, અવૉર્ડીની નવાજેશના ફન્કશનમાં પ્રશંસા-વચન, શોકાંજલિ કે આભારદર્શન જેવાં સાવ સામાન્ય વક્તવ્યોને પણ સુન્દર રૂપ આપી શકાય છે. જો કે સવિશેષે તો એ વક્તાની વૈયક્તિક સર્જકતાના પ્રતાપે થવાનું.
પણ, શું ન કરવું કે અનિવાર્યપણે શું કરવું એ કહું :
આવકારમાં પોતાની સંસ્થાની જીવનકથા કહીને લાંબું સ્તુતિગાન ન કરવું. કહેવું તો એ યોગ્ય કહેવાય કે – અમે કાર્યક્રમ પાછળના સાહિત્યિક આશયને ચરિતાર્થ કરવા જોડાયા છીએ.
તાજેતરના એક સમારમ્ભમાં એક જાણીતા વાર્તાકાર-વક્તાનો પરિચય માત્રવિવેચક તરીકે અપાયો. એ તો જાણે બરાબર, પણ સમારમ્ભ તો ટૂંકીવાર્તાઓના પુસ્તક-લોકાર્પણના હતો ! જાણકારો જાણતા હતા કે એ વક્તા ૬ વાર્તાસંગ્રહોના વાર્તાકાર છે, નેશનલ અવૉર્ડી છે, ૨૫ વર્ષથી ટૂંકીવાર્તાને માટેની વર્કશૉપ્સ ચલાવે છે. ખરેખર તો, એ બધી વીગતોને પ્રસંગોચિત વીગતો કહેવાય. સભાને એની જરૂર હોય છે. વક્તાનો આડોતેડો નહીં પણ માત્ર પ્રસંગોચિત પરિચય યોગ્ય ગણાય.
ઍન્કર કે એ કામ કરતો અધ્યાપક ગોખી મારેલાં કવેતાઇ રસિકડાંથી વક્તા અને વિષયને જોડ્યા કરે એથી એ પોતે રસકડો જરૂર લાગે છે, પણ એટલે જ, સભા ધ્યાનસ્થ નથી થઈ શકતી. રાહ જોતી થઈ જાય છે – બીજું રસિકડું ક્યારે આવશે !
અવૉર્ડી કે દિવંગત સાહિત્યકારની સંસિદ્ધિઓના પણ ગુણાનુવાદ કરાય; ત્યારે એની ટીકા ન કરાય. શોકાંજલિસભામાં મૃતક સાથેના પોતાના ‘સબંધ’-ની વાતોનાં વડાં ન કરાય. ‘પોતાની અતિ વ્યસ્તતામાંથી કીમતી સમય કાઢીને પધાર્યા’ – જેવું મસ્કાછાપ આભારવચન ઘણું જ ચવાયેલું તો છે જ, પણ ફાલતુ ખુશામત સૂચવે છે.
Pic Courtesy : Newdesignfile.com
અભિવ્યક્તિ આટલી સુચિન્તિત હોય એટલે સંક્રમણ નામનું ફળ મળે જ મળે. તેમ છતાં, સંક્રમિત થનાર સહભાગી વિદ્યાર્થીઓની કે અન્ય શ્રોતાઓની પણ એ સફળતામાં એટલી જ જવાબદારી છે.
વર્ગમાં બેઠેલો પ્રત્યેક વિદ્યાર્થી સંક્રમણની ઇચ્છા અને ગરજથી ચિત્ત ધરી રહ્યો છે એમ માનવું વિશફૂલ થિન્કિન્ગ છે. ત્યાં વિદ્યાના અર્થીની સરખામણીએ પરીક્ષાના અર્થી વધારે હોય છે. સાહિત્યસભાઓમાં પણ જેને સહેતુક શ્રોતા કહેવાય એવા તો જૂજ મળે. કૉલેજોમાં જેને ગુરુનો 'અન્તેવાસી’ કહેવાય એવો તો કો’ક સદ્ભાગીને જ મળે. મોટા ભાગના ‘આગન્તુક' હોય છે. અધ્યાપક એવા મિક્સ્ડ્ લૉટને સમ્બોધતો હોય છે.
તેથી સંક્રમણ હમેશાં 'પર્ટિક્યુલર કેસ’ હોય છે. કોને થયું કોને ન થયું તેનાં કારણોની વિશિષ્ટ તપાસમાં ઊતરવું પડે છે.
અભિવ્યક્તિ બાબતે ‘ઇન જનરલ’ કહી શકાય છે એવું સંક્રમણ વિશે નથી કહી શકાતું.
તેમ છતાં, એટલું ચૉક્કસ કે વિદ્યાર્થીમાં સંક્રમિત થવાની દાનત હોય, વિદ્યાવૃત્તિ હોય, તો અધ્યાપક એને જરૂર સંભળાય, એ સાંભળતો રહે, ને એમ સંક્રમણ શરૂ થાય. પરન્તુ સંક્રમણ સમ્પન્ન થયું તો ત્યારે જ કહેવાશે જ્યારે અધ્યાપકની વાતો એને સમજાઇ હોય બલકે એની સંચિત સમજમાં ઘડીભર ઠરી હોય.
જો કે, શરૂ થઈને સમ્પન્ન થતાં સુધીમાં તો રીસેસ પડી જાય, છૂટવાનો બેલ પણ પડી જાય. આજના સરેરાશ વિદ્યાર્થીમાં જોડાવાની જિગર નથી એટલી છૂટવાની લ્હાય વધારે છે !
આ સઘળી આપણી કરુણ વાસ્તવિકતા છે ને તેનો મને તો હૃદયથી સ્વીકાર છે ને એટલે સ્તો આટલી નુક્તેચીની !
દીવાલો વિનાની યુનિવર્સિટીના આ વિષયમાં, લેખનકલા, વાચન અને ચર્ચા એ ત્રણ પરિમાણની વાત બાકી રહે છે. એ દરેક વિશે પણ મારે ઘણું કહેવું છે, માંડીને કહેવું છે. પણ એટલે જ, બાકી રાખું છું, કોઈ બીજા તબક્કે.
મધુર રસભરી કેરીને ચૂસતાં ચૂસતાં ગોટલા લગી તો ટૅસથી પ્હૉંચી જવાય, પણ પછી ગોટલાને અમુક હદથી વધારે નથી ચૂસી શકાતો, જતો કરવો પડે છે. સાહિત્યકલાની વાતનું પણ એવું છે. મીન્સ, બીજા સુ-અવસરની રાહ જોવી રહે છે.
= = =
(January 17, 2022: Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર