કપાસીસાહેબે મારી જિંદગીને ઘણી રીતે ઘાટ આપ્યો છે. સિનેમામાં મને જે રસ છે, તેનું શ્રેય કપાસીસાહેબને આપું છું. હું પાંચમા ધોરણથી બારમા ધોરણ સુધી વિદ્યાનગર સ્કૂલમાં ભણ્યો. એ બધાં વર્ષો એ આચાર્ય હતા. તેમની આચાર્યની કૅબિનમાં સિનેમા પરનાં પુસ્તકોની લાઇબ્રેરી હતી. કુરોસાવા, હિચકૉક, ફેલિની વિશેનાં પુસ્તકો મને ત્યાં મળ્યાં. એમની ઑફિસમાં એક રેડિયો પણ હતો, જેની પર તેઓ બી.બી.સી. સાંભળતા. દેવું કરીને પણ ફિલ્મ ફૅસ્ટિવલ જોવો જોઈએ એમ એ માનતા. હું સાતમા ધોરણમાં હતો ત્યારે ભારત વિરુદ્ધ પાકિસ્તાનની ટેસ્ટમૅચ જોવા મારે મુંબઈ જવાનું હતું. વર્ગશિક્ષક ગેરહાજરીની મંજૂરી આપતા ન હતા. એટલે કપાસીસાહેબે સહેજ પણ કડકાઈ વિના એમને બહુ સરસ રીતે સમજાવ્યા, વાત એમને ગળે ઊતારીને મને મુંબઈ જવા માટેની મંજૂરી મેળવી આપી. સાવ નાની, દેખીતી રીતે મામૂલી બાબતોમાંથી આનંદ મેળવવાની વૅલ્યૂ મને એમનામાં જોવા મળી. મારા બાબા (પ્રા. જયંત જોશી) કહે છે : ‘સુખી થવું હોય, તો વધારે વસ્તુઓ નહીં મેળવવાની, પણ વસ્તુઓ પાસેથી વધારે મેળવવાનું – નોટ મોર થિન્ગ્સ, બટ મોર ફ્રૉમ થિન્ગ્સ.’ કપાસીસાહેબ આ વૅલ્યૂ મુજબ જીવ્યા.
કપાસીસાહેબ ખાવાપીવાના તો શોખીન હતા જ, પણ એમાં ય એમની કેટલીક ખાસ વાતો મને યાદ આવે છે. જેમ કે, પોંક હોય તો અંદર કાળા મરી હોવાં જ જોઈએ. પોંક ઓટલા પર બેસી ખાવાનો, લાડુ હીંચકા પર બેસીને પડિયામાં લઈને ખાવાનો, લસ્સી ઉત્તરપ્રદેશના ગામડામાં ટાંગામાં બેસીને પીવાની. હું પહેલી વાર આબુ ગયો ત્યારે રબડી ખાવા જવા માટેનો મૅપ મને એમણે દોરી આપ્યો હતો.
નાનીનાની વસ્તુઓમાંથી મોટો આનંદ મેળવવાની એમની ક્ષમતા બહુ મોટી હતી. વળી, એમના આનંદ ઍક્સપેન્સિવ કે એક્સ્ટ્રાવેગન્ટ, મોંઘા કે ઠાઠમાઠવાળા ન હતા. મને નથી લાગતું કે એ ક્યારે ય પરદેશ ગયા હોય. પણ એ આ ધરતી પર જ ખુશ હતા.અમે દર્પણ પર રિહર્સલ કરતા એ વખતે ત્યાં સાંજે લાભશંકર ઠાકર, ચિનુ મોદી અને મધુ રાય બેસવા માટે આવતા. હૅન્ગ-અરાઉન્ડ કરવા – ખાલી કપાસીસાહેબ સાથે બેસવા માટે આવતા.
અગિયારમા-બારમા ધોરણમાં હું સાયન્સમાં હતો. એ વર્ગમાં હું ફિશ આઉટ ઑફ વૉટર હતો. કપાસીસાહેબ ગુજરાતી વિષય ભણાવવા આવે, ત્યારે જે કવિતા શીખવવાના હોય, તેનું પઠન મારે કરવાનું રહેતું. ભગતસાહેબની ‘ચાંદની’ કે પ્રહ્લાદ પારેખની ‘ઘાસ અને હું’ કવિતાઓનું પઠન … એવી કવિતાઓ મેં વાંચી હોવાનું સાંભરે છે. તાલીમ આપવાની, હોંસલો આપવાની એમની આ રીત હતી. એ સાયન્સ ક્લાસમાં મારું સેલ્ફ એસ્ટીમ તૂટી ન જાય તેનું તેમણે ધ્યાન રાખ્યું હતું. એક જાણીતા જર્મન ડાયરેક્ટર વર્નર હરઝૉગની એમણે મને બહુ વાતો કરી હતી. પછી એ ડાયરેક્ટરને હું જ્યારે લૉસ એન્જેલિસમાં મળ્યો, ત્યારે એના કામ વિશે મારી જાણકારીથી એમણે અચંબો અનુભવ્યો હતો. અલબત્ત, મેં એની ક્રૅડિટ કપાસીસાહેબને જ આપી. હમણાં હું જે એક ફિલ્મ લખી રહ્યો છું, તેમાં એક ગુજરાતી પાત્રનું નામ મેં કપાસી આપ્યું છે, એમને યાદ કરવા માટે. બે-એક વર્ષ પહેલાં હું એમને મળ્યો, ત્યારે મેં એમને આ કહ્યું પણ હતું. મને એમ હતું કે એ આ ફિલ્મ જુએ તો સારું.
એક વાર એક શિક્ષકે મને વર્ગની બહાર સજા તરીકે ઊભો રાખ્યો હતો. કપાસીસાહેબ ત્યાંથી નીકળ્યા. એમણે મને સજાનું કારણ પૂછ્યું. મેં સાચું કારણ કહ્યું કે ‘હું બાજુવાળા ભાઈબંધ સાથે વાતો કરતો હતો.’ સાહેબે પૂછ્યું, ‘શેની વાતો ચાલતી હતી?’ એટલે મેં કહ્યું કે મારા પપ્પાએ ગઈ કાલે બી.બી.સી. પર મને સંભળાવેલ જસ્ટ-અ-મિનિટ નામના કાર્યક્રમની વાત ભાઈબંધ સાથે કરતો હતો.’ એટલે કપાસીસાહેબ કહે, ‘આવી વાતો તો ક્લાસમાં કરવાની જ ન હોયને ! આવ આપણે એની વાત ઑફિસમાં કરીએ.’ પછી એ મને ઑફિસમાં લઈ ગયા. ત્યાં રેડિયો ચાલુ કર્યો, અને એ સમયે પેલા જસ્ટ-અ-મિનિટ પ્રોગ્રામનો રિ-રન (પુનઃપ્રસારણ) ચાલતો હતો તે સંભળાવ્યો. મારા ભણતરમાં પહેલાં બે-ત્રણ વર્ષ અમારી સ્કૂલમાં બેલને બદલે મ્યુિઝક વાગતું. પછી કદાચ શાળા મોટી થતાં એ અટક્યું. મારી સ્કૂલ પૂરી થઈ તે પછી પણ કૉલેજ અને યુનિવર્સિટીનાં વર્ષોમાં કપાસીસાહેબ મારો ખ્યાલ રાખતા.
મારા બે ગ્રેટ મૅન્ટૉર્સ છે. એક, (નિરંજન) ભગતસાહેબ અને બીજા કપાસીસાહેબ. એમણે મને જિંદગી વિશે એ રીતે વિચારતા શીખવ્યું કે તે રીતે વિચારવાનું આ બે વિના હું ક્યારે ય ન શીખ્યો હોત. આવા શિક્ષકો મને કોઈ પણ કૉલેજ કે યુનિવર્સિટીમાં મળ્યા ન હોત. હું પાંચમા ધોરણમાં હતો, ત્યારે એમના કહેવાથી મેં નસિરુદીન શાહનું ‘ઝૂ-સ્ટોરી’ જોયું હતું. એવું નથી કે એ ઉંમરે એ નાટક મને સમજાયું. પણ આ નસિર ને બીજાં નામ મેં ત્યારે સાંભળ્યાં, એ બીજ રોપાયાં. કપાસીસાહેબની આનંદ લેવાની તાકાત પુ.લ. (દેશપાંડે) જેવી હતી. પુ.લ.ને ‘આનંદયાત્રી’ કહ્યા છે. કપાસીસાહેબ પણ આનંદયાત્રી હતા. એમનામાં પુ.લ. જેવી અસાધારણ પ્રતિભા ન હતી, પણ તેમની આનંદ માણવાની ક્ષમતા બહુ મોટી હતી. સાધારણ માણસ પણ કેવી આનંદમય જિંદગી જીવી શકે એ એમના ટેમ્પરામેન્ટમાં હતું. એમણે ક્યારે ય કોઈ એક્સપર્ટીઝનો, નિપુણતાનો ક્લેઇમ કહેતાં દાવો કર્યો ન હતો. એ જાણકારીનો દેખાડો ન કરતા, એની બડાશ ન હાંકતા, જજમેન્ટલ ન બનતા. એમનો ક્લેઇમ એ ક્લેઇમ ઑફ લવ હતો. લવ ફૉર ફિલ્મ્સ, લવ ફૉર મ્યુિઝક, ફૉર ક્રિકેટ, ફૉર ફૂડ.
મારી ‘થ્રી ઇડિયટ્સ’ ફિલ્મમાં ફ્રી-થિન્ક રૅંન્ચોના પાત્ર પાછળ કપાસીસાહેબનું શિક્ષણદર્શન છે. તેમના માટે શિક્ષણ બંને હતું – ઍન્જૉયમેન્ટ ઍન્ડ ઇનવૉલ્વમેન્ટ!
[શબ્દાંકન : સંજય શ્રીપાદ ભાવે]
૨૬ જુલાઈ ૨૦૧૭
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2017; પૃ. 13-14
![]()

