Opinion Magazine
Number of visits: 9448942
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

(૨૦) મારે વિશે – નમ્રતાપૂર્વક (૨)

સુમન શાહ|Opinion - Literature|15 March 2021

= = = = હું પ્રેમને પરમ સત્ય ગણું છું કેમ કે હું પ્રેમ કરું કે તરત સામાને ખબર પડે છે, સામો કરે કે તરત મને ખબર પડે છે. હું ન કરું કે એ ન કરે તો પણ તરત બધી ખબરો પડે છે. પ્રેમને પુરવાર નથી કરવો પડતો. મનુષ્યજીવનનું એકેય સત્ય આટલું સદ્ય, નિરાવરણ, પ્રમાણથી પર, સહજ અને સરળ નથી = = = =

આમ તો, ‘આ જો હોય મારું અન્તિમ પ્રવચન’ શ્રેણીના વ્યાખ્યાનમાં મારે વિશે ઘણું કહી ચૂક્યો છું. બાકી, મારે વિશે જાહેરમાં કશું કહેવાની કે લખી બતાવવાની મને ટેવ નથી.

છતાં, વિદ્યાની યાત્રાનો યાત્રિક છું એટલા માટે કેટલુંક વધારે કહેવું જરૂરી જણાય છે. ખાસ તો, મારે વિશેની અફવાઓ અંગે ફોડ પાડીને કહેવું જોઈએ કેમ કે એ અફવાઓ મારા યાત્રામાર્ગની બન્ને બાજુએ ઊભીને મારી મશ્કરીમાં ખિલ ખિલ હસતી પૂતળીઓ જેવી લાગે છે.

એક અફવા એવી કે મારો ચ્હૅરો મહાન ગાયક જગજિતસિંહ જેવો છે. આગળના સમયમાં એ રાજેશ ખન્નાના ચ્હૅરા જેવો ગણાયેલો. કોઈ કોઈને એ સુનિલ ગાવસકરના ચ્હૅરા જેવો લાગેલો. મારે એટલું જ કહેવું છે કે મારો ચ્હૅરો મારો છે, સુમન શાહનો છે.

ખરેખર તો, હું એ હકીકત બાબતે અફસોસ સેવું છું કે મને સુન્દર શરીર નથી મળ્યું.

મેં જણાવેલું છે કે —

દૂરના ભૂતકાળમાં પણ હું કેટલો ન-રૂપાળો બલકે કદરૂપો લાગતો હોઈશ. સૂકલકડી શરીર. પ્હૉળી-પ્હૉળી ખાખી ચડ્ડી. માપથી મોટું ખમીસ. એના સોલ્ડર પર, બહાર, ઊભું ટાંકેલું ખીંટી-કાંટું. મને ભલે કાળામાં ગણો. મારા રંગ અંગે ઇશ્વરને ફરિયાદ નથી. પણ એની અમુક કલાક્ષતિઓ માફ કરાય એવી નથી : જેમ કે નાકને પૉઇન્ટેડ કરી શકાયું હોત : સમગ્ર દેહ-પ્રતિમા હજી ચાર-પાંચ ઇન્ચ ઊંચી ઘડી હોત તો સર્જકતા દીપી ઊઠત.

મેં કોઈ વાર કહ્યું છે કે મારી બાબરી ઉતરાવવાનું આળસ હશે કે જે કારણ હશે, મને બા ચોટલો વાળતી. એક વાર અમારી જ્ઞાતિના વાર્ષિકસમ્મેલનના એક નાટકમાં હું છોકરી બનેલો, કહો કે બનાવાયેલો. ત્યારે મને બનાવટી ચોટલો અને બીજી બનાવટી ચીજો વળગાડાયેલી. સાહિત્ય સમાજમાં પ્રવેશ્યા પછી મેં જોયું કે દાઢી અને વાળ વધારવાથી કવિ અને અથવા કલાકાર જેવા દેખાવાય છે. એટલે મને હૉંશ થયેલી કે મારે મારાં દાઢી અને વાળ વધારવાં જોઈએ. પણ દાઢી માટે રશ્મીતાની ધરાર ના હતી અને વાળ નહીં વધારવાનું એક કારણ એણે એ આપેલું કે અધ્યાપકને એ ન શોભે. આ કોરોનાકાળમાં વાળ ન-છૂટકે વધારવા પડ્યા છે – જેને હું ‘કોરોના હૅઅર સ્ટાઇલ’ કહું છું.

બીજી અફવા એવી કે મને ગુસ્સો બહુ આવે છે. સાચું છે પણ અર્ધસત્ય છે. ગુસ્સો કરાવનારનાં કરતૂતો પણ એટલાં જ જવાબદાર ખરાં કે નહીં? ગુજરાતી ભાષામાં સાહિત્યને નામે જે કંઈ મન્દપ્રાણ લખાતું હોય, તેના લેખકો પર તો ઠીક પણ તેનું અનુમોદન કરનારા વિવેચકો પર મને ગુસ્સો જરૂર આવે છે. એ જ રીતે, પોતાના ભાઈબન્ધો, બેનપણીઓ, અને આજુબાજુનાંઓનાં લખાણોમાં દમ ન હોય તો પણ  તેમની સાથેના અંગત સમ્બન્ધોના વળતર રૂપે ઇનામ-અવૉર્ડની લ્હાણ કરનારાઓ સંસ્થાપતિઓ વિશે, બેઢંગ સમ્પાદનો કરનારા બજારુ સમ્પાદકો વિશે, મારું લખ્યું પૂરું વાંચ્યા-સમજ્યા વિના પંચાત કરનારાઓ પર, ને ખાસ તો, સાહિત્યના સમકાલીન ઇતિહાસ સાથે ચૅડાં કરનારા મોટાભાઓ વિશે મને બહુ જ ગુસ્સો આવે છે.

બાકી, જીવનના એક પ્રસંગમાં એક વાર, ત્રીસેક વર્ષ પહેલાંની વાત છે, મેં એક માણસને છુટ્ટો મોટો લોઢિયો પથ્થર મારેલો ! ગભરામણ અને સામાવાળાથી બીકના કારણે ગુસ્સો કુણ્ઠિત હશે તે નિશાન ચૂકી જવાયેલું. પણ વાર્તાઓના મારા સર્જને મારા ગુસ્સાને ક્રમે ક્રમે ઠાર્યો છે.

મેં લખ્યું છે —

વાર્તાલેખનથી મારી જીવન વિશેની સમજ ચોખ્ખી થતી રહી છે. મનુષ્યને વધુ ને વધુ સહાનુભૂતિથી જોવાનું ચાલુ થયું છે. એ મારા જેવો કેમ નથી થતો, એ હઠ ઑગળવા લાગી છે. એની અંગત વાસ્તવિક્તામાં પ્રવેશવાનું હવે વધારે ગમે છે. જે જેવું છે તેવું સ્વીકારવું, પહેલું જરૂરી જણાય છે. એવા સ્વીકાર પછી જ કશું પણ સુધરી શકે. આ વલણને લીધે આપણા નબળા સાહિત્યસંદર્ભને પણ, એ આપણી વાસ્તવિકતા છે એવા મનોભાવથી, ઓળખતો થયો છું.

એટલે સમુદાર કે લસરી જતો ભાસું છું તેની મને ફૉમ છે. સાહિત્યમાં મને શત્રુ લેખતા હોય કે જેમને હું એમ લેખતો હોઉં એ બંનેને વિશે ક્ષમાર્થી થવાનું હવે વધારે ગમે છે. અમિત્ર થઈ ગયેલાને ફરીથી ભેટવાનું કે નમિત્રને મિત્ર બનાવવાનું માનસ પહેલાં ન્હૉતું, હવે છે.

જો કે ગુસ્સો નથી જ આવતો એમ કહેવાનો દમ્ભ નહીં ઓઢું. દાખલા તરીકે, કશી તાકીદ ધરાવતા અને શ્રમપૂર્વકના મારા મૅસેજના જરૂરી જવાબ નહીં આપનાર પર ગુસ્સો આવે જ છે. પણ ત્યારે, મારાથી બોલાતું નથી, કહો કે હું બોલતો નથી, મૌનમાં જતો રહું છું.

સંલગ્ન અફવા એ છે કે હું હમેશાં પ્રેમને જ કેન્દ્રમાં મૂકું છું અને વાર્તાઓ મેં પ્રેમ સિવાય કશાની કરી નથી. આ પણ અર્ધસત્ય છે. એ અર્થમાં કે એ પ્રૅમલાપ્રૅમલીની વાર્તાઓ નથી. વાર્તા ‘જરાક જેટલું છેટું’ કે ‘સિમૅન્ટ’ દર્શાવે છે કે મેં પ્રેમની અશક્યતાઓ પણ ચીંધી છે, જેનાથી માનવજીવન ખારું થઈ જાય છે. જો કે સર્જકતા તો કરુણ સંગીત જનમાવીને જ ટકી શકે છે.

મેં કહ્યું છે —

બાળલગ્ન કે કાચી વયનાં લગ્ન હોય છે તેમ બાળપ્રેમ કે કાચી વયનો પ્રેમ પણ હોય છે. મને એ જાતના પ્રેમનો, જો કે નિષ્ફળ, અનુભવ જરૂર મળેલો. અલબત્ત, પ્રેમ માટે, ઉમ્મર ગમે તે હોય, ખાસ પ્રકારનું બાળકપણું જરૂરી છે. કેમ કે હોશિયારીથી દુનિયાનાં બધાં કામ કરી શકાય છે, પ્રેમ નથી કરી શકાતો. મને એ જાતના પ્રેમમાં પડવાનો અવસર પણ સાંપડેલો, જેમાં, હું સફળ થયો. પ્રેમને અંગેની મારી એક માન્યતા પણ જણાવી દઉં : હું પ્રેમને પરમ સત્ય ગણું છું કેમ કે હું પ્રેમ કરું કે તરત સામાને ખબર પડે છે, સામો કરે કે તરત મને ખબર પડે છે. હું ન કરું કે એ ન કરે તો પણ તરત બધી ખબરો પડે છે. પ્રેમને પુરવાર નથી કરવો પડતો. મનુષ્યજીવનનું એકેય સત્ય આટલું સદ્ય, નિરાવરણ, પ્રમાણથી પર, સહજ અને સરળ નથી.

ત્રીજી અફવા એવી કે હું સિનેમા-થીએટરમાં, મલ્ટિપ્લૅસમાં, ને મ્યુઝિક-કૉન્સર્ટમાં નથી જતો. હા પણ આમસ્ટર્ડામમાં કે અમેરિકામાં હોઉં ત્યારે ઘરે લગભગ રોજ એક મૂવી જોતો હોઉં છું. લખતો હોઉં ત્યારે હમેશાં કશુંક શાસ્ત્રીય સંગીત, મોટે ભાગે વાદ્યસંગીત ધીમા અવાજે ચાલતું હોય છે. લોક કહે એમ દરેક વાતે જીવી બતાવવાનું ને પાછું કહેવાનું પણ ખરું, એ ક્યાંનું સાહિત્ય છે?

ચૉથી અફવા એ કે હું વિવેચક છું. બરાબર, સિદ્ધાન્તમાં અને સવિશેષે પ્રત્યક્ષમાં મેં ઘણું કામ કર્યું છે. પણ હું વિવેચક છું એ અર્ધ કે એકચતુર્થાંશ સત્ય છે. આવું હું ગણિતની રીતભાતમાં ન બોલું પણ મેં હમણાં જ કામૂને એમ બોલતા સાંભળ્યા – એટલે કે, વાંચ્યા. ૧૯૫૭માં એમણે Demain-માં એક ઇન્ટર્વ્યૂ આપેલો. એમને એવા મતલબનું પૂછવામાં આવેલું કે – આજના સંઘર્ષભર્યા સમયમાં માણસે લડવાનું છે, પણ, એની એક બાજુએ સઘળું સારું છે અને બીજી બાજુએ ઘણું બધું ખોટું છે, તમારે શું કહેવાનું છે? તો કામૂ રિચર્ડ હિલેરીનો એક અનુભવ યાદ કરે છે. હિલેરીએ કહ્યું છે : We were fighting a lie in the name of a half-truth : કામૂને હિલેરીના આ અનુભવ-વચનમાં નિરાશા દેખાઈ છે, છતાં ઉમેરે છે કે – અરે, ક્વાર્ટર-ટ્રુથને નામે પણ જૂઠ સામે તો લડવું જ જોઈશે !

કામૂ પોતાને વિશે …

Picture Courtesy : Google Images

મેં જણાવેલું છે કે —

મને વિવેચક ભલે ગણો, એના ઉત્તમોત્તમ અર્થમાં હું એ નથી. એમ ભાસ્યા કર્યું છે કે ઉજ્જડિયા ગામના બેચાર એરંડિયામાંનો એક છું, અનુપજાઉ છું. તેમ છતાં, મારાં વિવેચનો વડે હમેશાં મેં સાહિત્યપદાર્થની ભરપૂર ખેવના કરી છે. ગુજરાતી ભાષા-સાહિત્યના વિકાસનું હિત હરદમ ચિન્તવ્યું છે. મારી મને મળેલી ઓળખ એ હિતચિન્તાના કાયમના સહભાગી તરીકેની છે : ગુજરાતી ભાષામાં છેલ્લા અર્ધશતક ઉપરાન્તનાં વર્ષોથી ચાલી રહેલા સાહિત્ય-સર્જન-વિવેચન-વિચાર નામના એક અપરમ્પરાગત શૈલીના કન્ટિન્યુડ ડિસ્કોર્સનો હું સહભાગી રહ્યો છું, નિત્યના વિચારપરામર્શનો સહભાગી રહ્યો છું : અરે, એ હેતુએ પૂરા પ્રેમે કરીને મેં ‘વિવેચક’-ગાળને ઘીની નાળ ગણી છે. ‘બરોડા-સ્કૂલ’ના કે ફલાણા-છાપના ગણાઇને કારકિર્દીમાં મોટાં મોટાં નુક્સાન વેઠ્યાં છે. સમજ-ના-સમજભરી ચર્ચાઓથી લાધેલાં માન-અપમાન સ્વીકાર્યાં છે. પણ આમાંની એકેય વાતનું મને ક્યારે ય અંગત દુ:ખ નથી વસ્યું. બલકે, એ આપણી સાહિત્યિક વાસ્તવિકતા છે એમ ગણીને તેનો મેં ભરપૂર અંગીકાર કરેલો છે.

પાંચમી અફવા એવી કે હું આધુનિક વાર્તાકાર છું અને મને જીવનનો કશો અનુભવ નથી -એમ કે મને રમતગમતમાં રસ નથી. મને અનુઆધુનિક વાર્તાકાર નહીં ગણનારા પણ કેટલાક છે. તેઓ વળી એમ કહે છે કે હું આઇવરી ટાવરમાં રહું છું, જમીન પર વસનારાંની મને ખબર નથી. મને ભલે આધુનિક-અનુઆધુનિક કહો ને મનઘડંત ટીકાઓ કરો, સત્ય એ છે કે હું વાર્તાકાર છું. મારો મનસૂબો છે કે હું ઓછામાં ઓછી બે વાર્તા એવી લખી શકું, જે વિશ્વસાહિત્યમાં બેસી શકે એવી હોય.

હું આઈવરી ટાવરમાં નહીં પણ આઠમા માળે જરૂર રહું છું, અમદાવાદમાં. આમસ્ટર્ડામના ઘરે ત્રીજા માળે અને અમેરિકાના ઘરે પહેલા માળે. પણ દરેક ઘરમાં મારા રૂમની બારી રોડ પર પડતી હોય છે. સવારથી માંડીને સાંજ લગી જનજીવનને હું પૂરી લગનથી એ બારીએથી જોતો હોઉં છું. કમ્પ્યૂટરની વર્લ્ડ વાઇડ વિન્ડો તો ખરી જ. એક વાર્તાકાર તરીકે મને જૅન્તી-હંસા અને છોટુ દેખાયાં છે, સૅક્સ ‘મજાનો ડખો’ લાગી છે; ફટફટિયું કે વર્ચ્યુઅલિ રીયલ સૂટકેસ અનુભવાયાં છે; સોમાસેઠે રવજી ભાભાના જીવનમાં જનમાવેલી કાગારોળ સંભળાઈ છે; ‘જામફળિયામાં છોકરી’ દેખાઈ છે પણ ‘ફૉક્સવેગન છોકરી અને રૅનોડસ્ટર છોકરો’ પણ દેખાયાં છે; વિદેશે બનેલો ‘બનાવ’ કે નૉર્થટ્રેઇલ પાર્કનાં ટૅરિટોરિયલ બર્ડ્ઝ, શું વિધવિધના જીવન-અનુભવોનાં ફળ નથી તો શું છે ભલા’દમી?

અનુભવ માટે જમીન પર વસનારાં જોડે હરુભરુ થઈને કાદવકીચડ ગૉલ્યા હોય ને ધૂળમાં રમ્યો હોય એ જ અનુભાવર્થી? એવા અનુભવાર્થીને હું નાનો, કાચો ને કાયર ગણું છું.

સર્જકનું હૃદયતન્ત્ર સાબદું હોય તો નિરન્તર ધબકતું જ હોય છે અને એના તાર ઝણઝણી ઊઠતા હોય છે અને સંગીત જનમતું હોય છે અને એ સંગીત હમેશાં અને વધારે આસ્વાદ્ય અને ઘણું કલામધુર હોય છે.

મેં કહેલું છે —

ફળિયામાં ચચૂકા કૉડીઓ લખોટીઓ રમતા. સતોડિયું ને લંગડી ખરાં, પણ આંખ ફૂટવાની બીકે બૉલબૅટ નહીં, ઘૂંટણ છોલાઈ જવાની બીકે હુતુતુ નહીં. એક વાર કાણિયા કે ઢબુ પૈસાથી પત્તાં રમવા બાજુની ખડકીમાં, ત્રિકમજીની ખડકીમાં, પ્હૉંચી ગયેલો. પાછળથી આવીને પિતાજીએ જોરથી થપ્પડ મારેલી તે નથી ભૂલ્યો. એ પછી જીવનમાં પત્તાં કદી પ્રવેશી શક્યાં નથી. આજે આત્મવિશ્વાસથી હું એક જ રમત રમી શકું છું – ચેસ. કેમ કે, કહેતો હોઉં છું, એમાં લકની નહીં, ઇન્ટેલિજન્સની – બુધ્ધિની – જરૂર પડે છે !

પથ્થર મારતો માણસ

Picture Courtesy : Public Domain Pictures

મને વાણિયા પટેલ બ્રાહ્મણ અને મારા મુસ્લિમ મિત્રો તો યાદ છે જ પણ એ મોચી એ વાળંદ એ ભરવાડ એ દરજી અને એ લવારના દીકરા જોડેની દોસ્તીઓ પણ યાદ છે. નામ લઈ શકું : શાન્તિ. દિલીપ. મેઘો. મંજુ. હિમતો. વતન જઉં ત્યારે એમાંના કોઈ કોઈને મળવાનું થાય છે. એમની ઉન્નતિ જોઈજાણીને સારું લાગે છે. કલાઇ કરનારા આવતા, છરી-ચપ્પાં-કાતરને ધાર કરનારા આવતા, તે કારીગરોને; પવાલું ઘઉં કે ચોખા સાટે કાશીબોર, જાંબુ કે સીતાફળ વેચનારીઓને, જરી-કસબના તાર માટે જૂના બનારસી સાલ્લા ખરીદનારાઓને, કે અમારા બલકે ગામ આખાના સારામાં સારા દૂધવાળાને, નથી ભૂલ્યો. પાનના ગલ્લા કે લખોટી-સોડાની લારીઓ તેમ જ ગામના જુગારીઓ સટોડિયાઓ શેઠિયાઓ દાક્તરો ઘોડાગાડીવાળાઓની મુસ્લિમ બિરાદરી, બધ્ધું યાદ છે. ‘ઘોડાગાડી બોલાવી લાવ, નહિતર તારા બાપાની તબિયત જોવા નહીં આવું’ એમ કહેનારા દાક્તરકાકા યાદ છે. એમને ઘોડાગાડી જોઈએ જ કેમ કે એ જાડાપાડા હતા, મોટા પેટવાળા અને ઠિંગણા.

અને, કૉલેજ તેમ જ યુનિવર્સિટીકાળના યુવા વયના ખટમીઠા અનુભવો તો અપરમ્પાર છે, એનો કશો પાર નથી. એમાં હવે ઍરપોર્ટો યુરપનાં શહેરો ટ્રામ કારો, અમેરિકામાં સ્ટોર્સ મૉલ પાર્ક, વગેરેના અનેક પ્રસંગો ઉમેરાતા ચાલે છે.

પણ મને એ બધા અનુભવોને ભાષામાં મૂકીને ‘મોટા’ સાહિત્યકાર થઈને મ્હાલવાનું કદી ગમ્યું નથી. મારી સાહિત્યકલાને વિશેની સમજ મને એવું લખતાં રોકે છે. જીવનમાં જે કંઈ બન્યું હોય એને સીધેસીધું સાહિત્યમાં ઠઠાડીએ, તેને હું કલાદ્રોહ ગણું છું. વાચક / ભાવક / સમાજ વગેરે સૌનો પણ એ દ્રોહ છે.

મેં કહ્યું છે —

છેવટે તો મને માણસમાં અને તેની અસ્તિત્વપરક સારીનરસી ખાટીતૂરી પણ નિરન્તર ચાલતી વારતામાં જ સર પડ્યો છે. એને હું મારી વસ્તુસામગ્રી ગણું છું – કન્ટેન્ટ. અને આજે ઉમેરું કે રૂપ – ફૉર્મ – તો મને મારી સર્જકતા સરજી આપે છે.

ભાષામાં એક લેખક મારા જેવો જુદો હોય, તમારી જોડે મેળમાં ન હોય, એ વાતનું દુ:ખ કે સુખ? સમજવા માગીએ તો સમજાય એવું છે.

= = =

(March 14, 2021 : USA)

Loading

15 March 2021 admin
← ૨૦૧૯માં ગુજરાતમાં કોમી હિંસા
સમ્યક સાહિત્યની વિભાવના →

Search by

Opinion

  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved