અમેરિકામાં એક વૃદ્ધ માણસને $500 ઉધાર લેવાની જરૂર પડી, તેથી તે સ્થાનિક બેંકમાં ગયો. બેંકરે તેનું સ્વાગત કર્યું અને લોન અરજી ભરવાનું શરૂ કર્યું.
બેંકર : “તમે પૈસાનું શું કરવાના છો?”
વૃદ્ધ : “ચાંદી ખરીદીશ, ઘરેણાં બનાવીશ અને પછી તેને વેચીશ.”
બેંકર : “અને તમારી પાસે જામીનગીરી (Collateral – કોલેટરલ) માટે શું છે?”
વૃદ્ધ : “મને ખબર નથી કે જામીનગીરી (કોલેટરલ) શું છે?”
બેંકર : “જો તમે લોન ચૂકવી ન શકો તો કોલેટરલ એ મૂલ્યવાન વસ્તુ છે જે અમે રાખીએ છીએ. શું તમારી પાસે કોઈ વાહનો છે?”
વૃદ્ધ : “હા, 1979ની શૈવી પિકઅપ છે.”
બેંકર : “તે નહીં ચાલે. પશુધન છે ?”
વૃદ્ધ : “મારી પાસે ઘોડો છે.”
બેંકર : “ઘોડો કેટલાં વર્ષનો છે?”
વૃદ્ધ : “ખબર નથી … તેને દાંત નથી.”
ઘણા બધા પ્રશ્નો પછી, બેંકરે લોન મંજૂર કરી.
થોડાં અઠવાડિયાં પછી, વૃદ્ધ પાછો આવ્યો અને તેણે બેંકરને $500 આપ્યા.
બેંકર : “ધંધો સારો હોવો જોઈએ ! બાકીના પૈસાનું તમે શું કરવાના છો?”
વૃદ્ધ : ” મારી પાસે રાખીશ.”
બેંકર: “તમે તેને બેંકમાં કેમ જમા (ડિપોઝિટ) નથી કરાવતા?”
વૃદ્ધ : “મને ખબર નથી કે ડિપોઝિટ શું છે?”
બેંકર : “તમે પૈસા અમારી બેંકમાં મૂકો છો, અમે તેનું ધ્યાન રાખીએ છીએ, અને જ્યારે પણ તમને તેની જરૂર હોય, ત્યારે તમે તેને ઉપાડી શકો છો.”
વૃદ્ધ : “તમારી પાસે જામીનગીરી (ડિપોઝિટ) માટે શું છે?”
બેન્કવાળા KYC – Know Your Customer(તમારા ગ્રાહકને જાણો)નો આગ્રહ રાખતા હોય છે. દર વખતે આપણી ઓળખના પુરાવા રજૂ કરવા પડે છે. મારી નોકરીની શરૂઆત થઈ ત્યારથી મેં બેન્કમાં સેલેરી એકાઉન્ટ ખોલાવ્યું હતું. હવે એમાં પેન્શન જમા થાય છે. છેલ્લાં 35 વર્ષથી ખાતું છે અને વારંવાર KYC કરાવવું પડે છે ! મની લોન્ડરિંગ, આતંકવાદી ધિરાણ, છેતરપિંડી અને identity theft – ઓળખ ચોરી જેવા નાણાકીય ગુનાઓને રોકવા માટે KYC જરૂરી છે, એવું બેંક કહે છે. KYCથી કેટલા માલિયા, જમાલિયા, મોદીયાઓ રોકાયા એ તો રામ જાણે !
આપણા જેવા સામાન્ય નાગરિકોને અકારણ હેરાન કરવામાં આવે છે અને કેટલાક માલિયા-મોદીયાઓ બેન્કને ચૂનો લગાડી ભાગી જાય છે અને બેન્ક KYCની રાહ જોઈને બેસી રહે છે !
મેં એક દિવસ બેન્ક મેનેજરને કહ્યું : “મારે તમારું KYC કરાવવું પડશે ! અમે તો 35 વર્ષથી એકધારું ખાતું ધરાવીએ છીએ. મેનેજરો તો આવે છે ને જાય છે ! નકલી યુગમાં અમારે અમારી સલામતી તો જોવી જ પડે ને ! માંઝી જો નાવ ડૂબોયે તો ઉસે કૌન બચાયે?”
એ બીચારો હસી પડ્યો !
[સૌજન્ય : નિલેશ થાનકી,
16 ઓગસ્ટ 2025.
કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય / આર.કે. લક્ષ્મણ]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર