આજે લગભગ 25 ટકા સ્ત્રીઓ કમાય છે ને આ ટકાવારી વધતી જાય છે, પણ સમાજની માનસિકતા એ ઝડપે બદલાતી નથી. પુરુષો હજી ઘરકામને પોતાનું માનતા નથી, અને સ્ત્રી બેવડો બોજો વહ્યે જાય છે. પોતાનાં ખોરાક, ઊંઘ, આરામ, આનંદ અને કસરત પર એનું ધ્યાન રહેતું નથી. આપણી સંસ્કૃતિ પણ સ્ત્રીને પોતાની જાતને સૌથી છેલ્લે મૂકવાનું શીખવે છે.
નિયમિત ભોજન; તાજાં ફળ–શાકભાજી અને ઘરનું બનેલું ખાવાનું, 10 મિનિટ સૂર્યપ્રકાશ, 15 મિનિટ કસરત અને આઠ કલાક ઊંઘ. આટલું મળે તેટલો અવકાશ દરેક પુરુષને તેમ દરેક સ્ત્રીને જોઈએ. માનવ તરીકે સ્ત્રીને જીવન, સ્વાતંત્ર્ય અને સુખની પ્રાપ્તિનો અધિકાર છે. શોષણનો વિરોધ એ દરેક વ્યક્તિની નૈતિક જવાબદારી છે.
ગયા વર્ષે એક અભિનેતાએ એક નવા રાજકીય પક્ષની સ્થાપના કરી અને કહ્યું કે જો પોતે ચૂંટાશે તો ગૃહિણીઓને વેતન અપાય તેવું કરશે. એક નેતાએ તેનું સમર્થન કર્યુ, ‘સરસ. ગૃહિણીઓને વેતન મળશે તો તેમના શ્રમનું ગૌરવ થશે અને તેમનું સશક્તીકરણ પણ થશે.’ સામે એક અભિનેત્રીએ વિરોધ કર્યો, ‘ગૃહિણીનાં પ્રદાનનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. તેને વેતન આપવું એ તેનું ગૌરવ હણવા જેવું છે.’
માનવ અધિકાર અને માનવગરિમા આ શબ્દો જૂના ને જાણીતા છતાં ઘણાં ક્ષેત્રોમાં એના પૂરા અર્થમાં ઊઘડતા નથી, તેમાંનું એક છે સ્ત્રીઓના અધિકાર. ‘હ્યુમન રાઈટ્સ’ શબ્દ પુરુષ અને સ્ત્રી બન્નેને સમાવી લે તો છે, પણ અધિકારોના મામલે વાત જુદી થઈ જાય છે. એકને અધિકાર મળે છે, બીજાને મેળવવા પડે છે. 10 ડિસેમ્બર – માનવ અધિકાર દિન નિમિત્તે વાત કરીએ આ ‘જુદી વાત’ની.
માનવ-અધિકાર એટલે માનવ હોવાને કારણે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના વ્યક્તિને પ્રાપ્ત થતા અધિકારો. માનવ-અધિકારનાં બીજ ગ્રીસના સ્ટોઇક ચિંતકોએ રજૂ કરેલા ‘પ્રાકૃતિક કાયદા’ની વિભાવનામાં રહેલાં છે. તેઓ માનતા કે સૃષ્ટિનાં તમામ જીવંત સર્જનમાં એક સનાતન અને વિશ્વવ્યાપી શક્તિ રહેલી હોય છે, આથી માનવવર્તનને કાયદાઓથી નહીં, પ્રાકૃતિક નિયમોથી મૂલવવું જોઈએ. રોમન વિચારક સિસેરોએ આ નિયમોને સરકારોથી પણ ઉપરવટના કહ્યા, જેમાંથી ક્રમશ: પ્રાકૃતિક અધિકારોનો ખ્યાલ વ્યાપક બન્યો અને ધર્મસુધારણાની સાથે વિકસ્યો – જેમાં પ્રત્યેક ક્ષેત્રમાં બૌદ્ધિક, સામાજિક, ધાર્મિક, રાજકીય અને આર્થિક સ્વાતંત્ર્ય માટેની માગ હતી. ટૉમસ એક્વાઇનસ, હ્યૂગો, ગ્રોશિયસ, સ્પિનોઝા, ફ્રાંસિસ બેકન, લૉક, વૉલ્તેર, મૉન્તેસ્ક અને રૂસો જેવા વિચારકો અને વિવિધ ક્રાંતિઓ દ્વારા આ અધિકારોની વિભાવના પરિપુષ્ટ થતી રહી. 1776માં અમેરિકાના બંધારણની ઘોષણામાં એને આવરી લેવામાં આવી : ‘અમે એ સ્વયંસિદ્ધ સત્યને સ્વીકારીએ છીએ કે તમામ માનવો જન્મે સમાન છે. પરમ સર્જકે તેમને કેટલાક અદેય અધિકારો દીધા છે; જેમાં જીવન, સ્વાતંત્ર્ય અને સુખની પ્રાપ્તિના અધિકારો સમાયેલા છે.’ પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુદ્ધોને કારણે માનવ-અધિકારોની સ્થિતિ ચિંતાજનક બની એથી સંયુક્ત રાષ્ટ્રસંઘે 10 ડિસેમ્બર, 1948ના રોજ ‘યુનિવર્સલ ડેક્લેરેશન ઑવ્ હ્યૂમન રાઇટ્સ’ ઘોષિત કર્યું. યુનોના તમામ સભ્ય રાષ્ટ્રોએ તેનો સ્વીકાર કર્યો.
આ પશ્ચાદ્દભૂમાં વાત કરીએ ઘરનાં કામનાં મૂલ્યની. મુદ્દો નવો નથી. ઘરનાં કામનું મૂલ્ય થવું તો જોઈએ. પણ તેની ગણતરી કેવી રીતે કરવી? પૈસા કોણ આપે? જો પતિ આપે તો પત્ની તેની પગારદાર નોકર ન ગણાય? ને ઘરના કામમાં શું શું ગણવું? રસોઈ, સફાઈ, વ્યવસ્થા, બાળઉછેર, વૃદ્ધોની સંભાળ, આવક અને ખર્ચનું મેનેજમેન્ટ, વ્યવહારિક કામો, નિર્ણય, સામાજિક સંબંધો સાચવવા – આ બધાની પૈસામાં કિંમત કઈ રીતે અંકાય? વાત તો સાચી – ગૃહિણીનાં પ્રદાનનું મૂલ્ય આંકવું મુશ્કેલ છે. પણ એનો અર્થ એવો પણ નહીં કે પછી તેની કિંમત કરવાની જ નહીં. આપણે તો ગૃહિણીનાં કામને કામ જ નથી ગણતા. ગૃહિણી પણ ‘હું કંઈ નથી કરતી’ એવું કહેવા ટેવાઈ ગઈ છે. ઘરનું કામ ‘બિનઉત્પાદક’ ગણાય છે. આ ‘બિનઉત્પાદક’ કામમાં સ્ત્રીના રોજના છ કલાક જાય છે જેની સામે પુરુષ આ કામમાં અડધીથી પોણી કલાક માંડ ખર્ચે છે. ઘરમાં વ્યવસ્થાની જરૂર સ્ત્રી અને પુરુષ બંને માટે જરૂરી છે. પણ પુરુષ ઘરમાં મહેમાનની જેમ રહે છે અને જવાબદારી બધી સ્ત્રી પર હોય છે.
પચાસ વર્ષની મીરાના પતિને મહિનામાં પંદર દિવસ બહારગામ ફરવું પડે છે. મીરા ગૃહિણી છે, પણ તેને બે દિવસ પણ ક્યાંક જવું હોય તો નીકળાતું નથી કેમ કે તેની બે દીકરીઓ નોકરી કરે છે. ઘરડા સસરા બીમાર છે. બધાના સમય, આદતો, ગમાઅણગમા સચવાય તેવી રસોઈ બનાવવી, શાકભાજી-ફળો-કરિયાણું લાવવું ને ભરવું, કામવાળી બહેનો પર દેખરેખ રાખવી, પતિના જવા-આવવાની તૈયારી કરવી અને કંઈ કેટલું ય. પતિ જે કરે છે તેનું તેને તગડું નાણાકીય વળતર મળે છે, પણ તેના વિના ઘર ચાલે છે. મંજરી જે કરે છે તેનું તેને કોઈ નાણાંકીય વળતર મળતું નથી. પણ તે ન હોય તો ઘર ચાલતું નથી. હવે તેનાં કામને પૈસામાં મૂલવવું હોય તો કઈ રીતે મૂલવવું ?
નીના ૩૫ વર્ષની છે. બાળકના જન્મ સમયે તેણે નોકરી છોડી અને બાળક દોઢ વર્ષનું થયું ત્યારે નોકરી ફરી શરૂ કરી. કામવાળી હતી, આયા અને રસોઈયણ રાખ્યાં. આ બધાના પગારમાં ખાસ્સા રૂપિયા જાય છે. એ લોકો પોતાના સમયે પોતાનું કામ સારી રીતે કરે છે, પણ એમ છતાં પ્રીતાને ઘરનું અને બાળકનું ઘણું કામ સતત પહોંચતું રહે છે.
અને નિવૃત્તિ. બાસઠ વર્ષનાં હેમાબહેન પર વેવાઈઓની સરભરાથી માંડી નોકરી કરતી વહુનો સમય સાચવવા સુધીની જવાબદારી છે. દીકરી અને પુત્રવધૂની સુવાવડો, જે પણ ઘરમાં જાય ત્યાં બાળકને સાચવવાનું, યુવાન પેઢીના રુટિન સાથે, કામકાજની પદ્ધતિ સાથે એડજસ્ટ થવાનું. પતિ સાથે જ હોય છે. તેમને એડજેસ્ટ થવાનું હોતું નથી. એમને સમયે સમયે ચા, નાસ્તો, જમવાનું હાથમાં મળે છે. મધુબહેન ત્રણ પેઢીની સગવડ અને મન સાચવવા દોડ્યાં કરે ને એમના પતિ સવારે લાફીંગ ક્લબમાં જાય, બપોરે-રાતે ખાઈ-પીને ટી.વી. જુએ, સાંજે ફરવા જાય.
કોરોનામાં પતિ-પત્ની બંનેને વર્ક ફ્રોમ હોમ થયું. ત્યાં પણ એ જ કહાણી – પતિને ઘર કે બાળક વળગતાં નથી. પત્ની ગમે તેટલી યુવાન હોય, આધુનિક હોય; તેને બધું જ વળગે છે અને જો તે મુક્ત થવા જાય તો ઘર અને બાળક રખડી પડે છે. મોટા ભાગની સ્ત્રીઓ ઘર-વ્યવસાય બંનેને સંભાળી તો લે છે, પણ તેમાં તેની શારીરિક-માનસિક તંદુરસ્તીનો ભોગ લેવાઈ જાય છે.
આ કારણથી અનેક આધુનિક યુવતીઓ બાળક અને લગ્નને પણ ટાળે છે ને પરણેલી અને છૈયાંછોકરાંવાળી સ્ત્રીઓને અદેખાઇ આવી જાય એવા દમામથી જીવે છે ખરી, પણ લગ્ન અને સંતાનો સામાજિક સ્વીકાર માટે જરૂરી તો ગણાય છે. પરિણીત અને સંતાન ન ઈચ્છતી નેહાને ટ્યુબલ લિગાટેશન એટલે કે બાળક ન થાય તેવું નાનું ઓપરેશન કરાવવું હતું. પણ ડૉક્ટરો એ કરવા તૈયાર ન થયા એટલું જ નહીં એ જેને પ્રોગ્રેસિવ ગણતી હતી એવા મિત્રોએ પણ નેહાના નિર્ણયને વિકૃત કહ્યો અને ડૉક્ટરોનો પક્ષ લીધો.
આ બધું આપણી આસપાસ જ છે. આજે લગભગ 25 ટકા સ્ત્રીઓ કમાય છે ને આ ટકાવારી વધતી જાય છે, પણ સમાજની માનસિકતા એ ઝડપે બદલાતી નથી. પુરુષો હજી ઘરકામને પોતાનું માનતા નથી, અને સ્ત્રી બેવડો બોજો વહ્યે જાય છે. પોતાનાં ખોરાક, ઊંઘ, આરામ, આનંદ અને કસરત પર એનું ધ્યાન રહેતું નથી. આપણી સંસ્કૃતિ પણ સ્ત્રીને પોતાની જાતને સૌથી છેલ્લે મૂકવાનું શીખવે છે. ફિટનેસ ઍપ્સ અને જિમ્નેશિયમના ઘોડાપૂર છતાં દોડધામભરી જિંદગી અને સ્ટ્રેસ એનું કામ કરે જ છે.
નિયમિત રીતે સવારનો નાસ્તો, બપોરનું અને રાતનું ભોજન; તાજાં ફળ-શાકભાજી અને ઘરનું બનેલું ખાવું, બિસ્કીટ-મીઠાઈ-તળેલાં નાસ્તા-ફાસ્ટ ફૂડ-ચોકલેટ બને તેટલાં ઓછા ખાવાં, 10 મિનિટ સૂર્યપ્રકાશ લેવો, 15 મિનિટ કસરત કરવી અને આઠ કલાક સૂવું. આટલું મળે તેટલો અવકાશ દરેક પુરુષને તેમ દરેક સ્ત્રીને જોઈએ. સ્ત્રી માનવ છે, અને તેને જીવન, સ્વાતંત્ર્ય અને સુખની પ્રાપ્તિનો અધિકાર છે તે તેણે પોતે, પુરુષે, પરિવારે અને સમાજે બધાએ સમજવાનું છે, કેમ કે શોષણનો વિરોધ એ દરેક વ્યક્તિની નૈતિક જવાબદારી છે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 11 ડિસેમ્બર 2022