
સુમન શાહ
જાણીતું છે કે Puzzle નામની પ્રવૃત્તિમાં જુદા જુદા ટુકડા ભેગા કરીને એક સરસ ડિઝાઇન ઊભી કરવાની મજા આવતી હોય છે. 3D Puzzle-થી તો ત્રણ પરિમાણવાળી વસ્તુઓ કે Model Kit-થી રમકડાં જેવાં પ્લેન, બસ કે વૃક્ષ પણ રચી શકાય છે. નાના નાના ઘણા ટુકડા હોય અને ઘણો સમય ખરચાય, પણ પૂરું થયા પછી સર્જન કર્યાનો આનન્દ આવે.
જો કે કોઈ કારણે એ સર્જનના બધા ટુકડા છૂટા પડી ગયા હોય તો ફરીથી જોડવાનું અઘરું, કંટાળો પણ આવે, તેમછતાં, એનું પુન:સર્જન કરવાની ઇચ્છા તો સળવળ્યા જ કરે …
આજકાલ મારી સાહિત્ય વિશેની સમજનું એવું થયું છે. એ સમજ મને ટુકડાઓમાં વેરવિખેર લાગે છે. એ ટુકડાઓ એટલે સાહિત્યવિષયક સમ્પ્રત્યયો. ગુજરાતી, સંસ્કૃત અને પશ્ચિમના કે વિશ્વસાહિત્ય વિશેના સમ્પ્રત્યયો.
સમ્પ્રત્યય એટલે ચર્ચાવિચારણામાં પ્રયોજી શકાય, લાગુ કરી શકાય, એવો પ્રત્યય – સર્વસમ્મત ખયાલ, વિચાર કે સમજ.
જરા માંડીને વાત કરું :
બી.એ. અને એમ.એ. દરમ્યાન હું સંસ્કૃત સાહિત્ય ભણ્યો, કારકિર્દી દરમ્યાન થોડું કાવ્યશાસ્ત્ર ભણાવ્યું, એ વિશે યથાશક્ય લખ્યું, એ બધાં વર્ષોના અધ્યવસાયને પરિણામે મારી સમજ આવા આવા સમ્પ્રત્યયોથી બંધાઈ હતી —
શબ્દશક્તિઓ – અભિધા લક્ષણા વ્યંજના (ધ્વનિ) તાત્પર્ય. ભાવસમૂહ સંયોજન રસસમૂહ. રસનિષ્પત્તિ. ચેતોવિસ્તાર હૃદયસંવાદ આનન્દાનુભૂતિ. કવિકર્મ. કાવ્યની વ્યાખ્યા, કાવ્યનિર્માણ. ભાવયિત્રી પ્રતિભા. વાચક ભાવક સહૃદય. અલંકાર વક્રોક્તિ. રીતિ. રમણીયતા. ઔચિત્ય. પ્રતિભા વ્યુત્પત્તિ અભ્યાસ. સદ્ય:પરનિર્વૃતિ, કાન્તાસમ્મિત ઉપદેશ વગેરે કાવ્યપ્રયોજનો.
દલપત-નર્મદે જે કંઇ લખ્યું તેથી ગુજરાતી સાહિત્યના અર્વાચીન અવતારની પૂર્વભૂમિકા ઊભી થઈ. પણ્ડિત યુગના સાહિત્યકારોએ જે કંઈ લખ્યું તેથી સાહિત્ય એના અખિલ સ્વરૂપમાં સાવયવ આકાર પામ્યું. ગાંધીયુગમાં પાણ્ડિત્યના પ્રસાર વડે સાહિત્યને જનસામાન્ય સુધી લઈ જવાની કોશિશ થઈ. આધુનિક યુગમાં ગુજરાતી સાહિત્યને પશ્ચિમના અને વિશ્વના સાહિત્યિક પરિવેશમાં મૂકીને જોવાનો અને એને પરિણામે વિકાસ સાધવાનો પ્રયાસ થયો.
એ વારાફેરા અનુસારની મારી સમજ આવા આવા સમ્પ્રત્યયોથી બંધાઈ હતી —
મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય. ધર્મ અને સાહિત્ય. સમાજ અને સાહિત્ય. ગ્રન્થ અને ગ્રન્થકારનું વિવેચન. જોડણી અને લેખનકૌશલ. સંસ્કૃત અક્ષરમેળ વૃત્તો અને અગેય પ્રવાહી પદ્યરચના. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓ વચ્ચે સંઘર્ષ અને સમન્વયવિષયક વિચારસરણી. ચિન્તન-દર્શન અને સાહિત્ય.
પ્લેટો – વર્લ્ડ ઑફ આઇડીઆઝ, સત્યથી કલા બે પેઢી દૂર, એ માન્યતા. ઍરિસ્ટોટલ – લિટરેચર ઇઝ ઇમિટેશન. ઇમિટેશન – કમ્પ્લીટ ઇન ઇટસૅલ્ફ – સીરિયસ. કૅથાર્સિસ.
ફિલસૂફીમાં રેને દેકાર્ત, હેગલ, હાઇડેગર, કાન્ટ, નીત્શે, હ્યુસેર્લ, હાઇડેગર, સાર્ત્ર વગેરે દાર્શનિકોનાં કેન્દ્રવર્તી મન્તવ્યો.
પદ્ય તેમ જ ગદ્યમાં વિવિધ સાહિત્યપ્રકારો. આપણું અને ભારતીય સાહિત્ય તેમ જ અંગ્રેજી ઉપરાન્તનું પશ્ચિમનું અને વિશ્વનું સર્જનાત્મક સાહિત્ય. તદન્વયે લેખન – આસ્વાદ – સમીક્ષા.
લિટરરી વર્ક ઍઝ કૉમ્યુનિકેશન. લિટરરી વર્ક ઍઝ ટ્રાન્સફર્મેશન. લિટરેચર ઍન્ડ સિગ્નિફિકેશન. કૃતિ એક સાવયવ હસ્તી. કૃતિલક્ષી વિવેચના. કાવ્યબાની અને શૈલી. લેખન અને સર્જન. ભાષા અને સાહિત્યભાષા. વ્યવહારમાં અર્થ અને સાહિત્યિક અર્થ.
પ્લેટો-ઍરિસ્ટોટલથી માંડીને એલિયટ અને ‘નવ્ય વિવેચન’ તેમ જ સંરચનાવાદ કે વિઘટનશીલ વિવેચના પર્યન્તની સાહિત્યવિવેચનાનો પરિચય. એ પરિચય અનુસારની ગુજરાતીમાં વાતવિચારણા. તે વિશે વ્યાખ્યાનો અને લેખન. અનુવાદકાર્ય. સાહિત્યકૃતિ અને આસ્વાદન. તન્ત્રીકાર્ય અને સાહિત્યિક સમ્પાદન.
આ સમગ્ર અધ્યવસાય દરમ્યાન મેં મારી આસપાસમાં વસતા લોકોના જીવનમાં, રાજ્ય અને રાષ્ટ્રના જીવનમાં, ચોખ્ખાં પરિવર્તનો જોયાં. વ્યક્તિ અને વિશ્વને જોવાની દૃષ્ટિમતિમાં બદલાવ જોયા. જીવનદર્શનો અને જીવનને વિશેની ફિલસૂફીઓનાં વિવિધ રૂપો અવલોક્યાં.
આ સર્વને જોડીને કશી જુદી વાત માંડવાનો પ્રયાસ કરીશ.
મારું મન્તવ્ય છે કે અંગત સમજદારી અને યત્કિંચિત્ જ્ઞાન વિના, અને ખાસ તો તેના ઇતિ-હ-આસના સ્મરણ વિના, નજીકના ભાવિ વિશે કંઈપણ બોલવાનો આ સમયમાં કશો અર્થ ન સરે.
= = =
(24Dec24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર