Opinion Magazine
Number of visits: 9746065
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માએ નેત્રમણિ મુકાવ્યા!

આશા બૂચ|Opinion - Opinion|24 February 2022

હા, સાચ્ચે જ.

બંને આંખમાં નેત્રમણિ મુકાવ્યા જાણીને પુત્રો અને પુત્રીઓ સપરિવાર માની ખબર લેવા આવી પહોંચ્યાં. પૌત્રો અને દોહિત્રીઓ હોંશે હોંશે દાદી-નાનીને હાથ પકડીને જમવા લઇ જવા દોડી આવ્યાં. સગાં-સંબંધીઓએ વારાફરતી મુલાકાત લઈને ખાતરી કરી લીધી કે હવે માસીને ‘નવી’ આંખે તેઓ બધાં વધુ નમણાં અને સુંદર દેખાવા લાગ્યાં છે! જનોઈ આપે પછી કાશીએ ભણવા જવાનો પરવાનો મળતો તેમ નેત્રમણિ  મુકાવ્યા પછી જાણે ‘માજી’ કહેવડાવવાનો લ્હાવો મળ્યો, તેનો હરખ કરવા સહુ આવી ચડ્યાં!

સહુથી મોટી વાત તો એ બની કે ઘણાં વર્ષે માને પોતાનાં સંતાનો સાથે વાત કરવાનો સમય મળ્યો કેમ કે થોડા દિવસ ઘરકામમાંથી મુક્તિ મળી. મા રજા પર ગઈ! ભણેલાં સંતાનો અને તેમાં ય આ ઇન્ટરનેટની યુનિવર્સિટીના સભ્ય હોવાને નાતે એ લોકોને આપણી આંખમાં કીકીની પાછળ એક પારદર્શક લેન્સ હોય, જેમાંથી પ્રકાશ કિરણો પસાર થઈને રેટિનામાં જાય અને આપણે બધા પદાર્થો, લોકો અને દ્રશ્યો જોઈ શકીએ એ સમજાવવાની જરૂર ન રહે. નાનાં ભૂલકાંઓને રસ હતો, નવી આંખ કેવી રીતે મળી એ જાણવામાં. જ્યારે કહ્યું કે ઉંમર મોટી થતાં લેન્સની પારદર્શકતા ઓછી થઇ, બધું ઝાંખું દેખાવા લાગ્યું એટલે ઓપરેશન કરવું પડ્યું, ત્યારે દાદી-નાની અમારી સાથે દોડા દોડી કરતી રહી. એ હવે આખરે ‘મોટી’ થઇ ખરી, એમ કબુલ્યું એટલે મર્માળું હસવા લાગ્યાં. મોટો પૌત્ર તો તેની વિગતો જાણવા આતુર એટલે માએ પણ ચિત્રો દોરી બતાવ્યું. પહેલા આંખમાં ટીપાં નાખી એનેસ્થેસિયા આપ્યું, કોર્નિયામાં બે નાના કાપ મૂકી લેન્સ સુધી પહોંચી, લેન્સનો ધૂંધળો થઇ ગયેલ પડ કાઢી, લેન્સના બારીક ટુકડા કરી એક ટ્યુબથી શોષી લીધા અને બરાબર માપનો કૃત્રિમ નેત્રમણિ નાખી આપ્યો અને એ સમગ્ર પ્રક્રિયા માત્ર દસ મિનિટમાં પૂરી થઇ એ જાણીને એ તો ખુશ થતો રમવા ચાલ્યો ગયો. એ તો સ્થૂળ ચક્ષુની વાત હતી, નજર અને દૃષ્ટિની વાત બાકી હતી.

….. અને માએ વાત માંડી, “મારાં મા-પાપાના ખોળામાં હતી ત્યારે તેમની આંખો દ્વારા આસપાસના લોકો અને વસ્તુઓનો પરિચય થયો. ફળિયામાં અને શેરીમાં રમતી થઇ, ત્યારે જાત અનુભવે બધાને અલગ અલગ રૂપમાં જોવા લાગી. ભણતર અને ઘડતરે હકીકતો અને માહિતીઓમાં સમજણના રંગ પૂર્યા. ઉચ્ચ શિક્ષણ અને વ્યવસાયમાં જોડાવાની સાથે તો જાણે દૃષ્ટિને પાંખ આવી. નજર ઘર, ફળિયા અને ગામને ઠેકીને છેક પોતાના પ્રાંત, રાજ્ય, દેશ અને છેવટ દુનિયાના બનાવો ઉપર ફરી વળી. દૃષ્ટિ વિશાળ થઈ, કેટલાક મંતવ્યો ઘડાયા, કેટલાક વિચારો ચુસ્ત થયા, પણ છતાં હજુ નજરને નજીકનો વર્તમાન અને દૂરનું ભાવિ જોવાની ક્ષમતા હતી. ચાલીસી વટાવતાં જાણે જોવા-જાણવા જેવું બધું જોઈ-જાણી લીધું હોય તેમ માનવા લાગી. અને નજીકનું જોતાં તકલીફ થઇ, વાંચવા માટે ચશ્માં પહેરવાં પડ્યાં. પ્રૌઢ થયાનો સંકોચ થયો.”

આટલું બોલીને મા અટકી. જાણે આંખ આગળ દૃષ્ટિકોણમાં આવેલ પરિવર્તનને કારણે પોતાના વ્યક્તિત્વમાં આવેલ બદલાવ દેખાયા. ફરી માની નજર અને દૃષ્ટિના પરિવર્તનની કહાની શરૂ થઇ, “હવે સાંભળો, સાઈંઠના ઉંબરે પહોંચતાં તો જાણે આંખ સામે દેખાય તે જરા ધૂંધળું લાગવા માંડ્યું. પરણેલાં સંતાનો જાણે મારી કાળજી નથી કરતા, મારો આદર ચૂકે છે એવું લાગે. નિવૃત્ત થયા બાદ કોઈ મારી વાત સાંભળતું નથી, એનો રંજ રહ્યા કરે. દેશ-દુનિયાના બનાવોને તેના સાંપ્રત સંદર્ભને બદલે પોતાના અનુભવોને આધારે મૂલવવા લાગી. હવે જાણે અમારા જમાનામાં હતું તે બધું સારું હતું અને આ નવો જમાનો ખરાબ આવ્યો એવું રોજેરોજ ભાસવા લાગ્યું. બસ, ત્યારે આંખના ડોકટરે કહ્યું, બે’ન, તમને મોતિયો આવ્યો છે, ઉતરાવી લો, બધું સારું થઇ જશે.

અને થયું પણ એવું. નેત્રમણિ મુકાવી ઘેર આવી, ભગવાનનો પાડ માનવા દીપ પ્રગટાવી બે હાથ જોડ્યા, પ્રાર્થના શરૂ કરી કે તરત થયું, હું દીવો કરું, પેલો જ્હોન કેંડલ કરે અને વૉરન (જુઇશ) સાત મીણબત્તી સળગાવે. મેં બે હાથ જોડયા, એન્ડ્રુ બે હાથના આંકડા ભીડીને ગોઠણિયે બેસે અને મુસ્તફા બે હાથ આકાશ તરફ ઊંચા કરે. હું રુદ્રાક્ષની માળા ફેરવું, જૂલી પ્રેયર બીડ્સ લે, ફાતિમા તસ્બી પકડે. હું હર હર મહાદેવનો ઉચ્ચાર કરું, ઇબ્રાહિમ અલ્લાહ હો અકબર બોલે અને બલવીર સિંહ વાહે ગુરુદી કી ફત્તેહ લલકારે. આ બધામાં શો ફર્ક એવું લાગવા માંડ્યું.

ઘરકામમાંથી મળેલી મુક્તિને કારણે મન ફરી વિચારે ચડ્યું. આ નવા નેત્રમણિની કમાલ તો જુઓ, મારાં માસીએ માથે ઓઢેલું છે, મને મળવા આવેલી અમ્રિત કૌરના માથે ઢાંકેલ દુપટ્ટો અને ફરીદાનો હિજાબ મને તો પોતપોતાની રીતે નારીની માન મર્યાદા રાખવાનો તરીકો જ લાગે છે. મારા હિંમતકાકા મંદિરમાં પૂજા કરી તિલક કરીને આવ્યા, મારી સાથે કામ કરતા માર્કના ગળામાં ક્રોસ છે, જગતાર સિંગની પઘડી બડી ચંગી લાગે, મારો કોલેજ સમયનો દોસ્ત હસન દાઢી રાખે છે તો પીઢ લાગવા માંડ્યો અને અમારો વકીલ જોની (જુઇશ) માથા પર નાની કેપ પહેરે એ જોઉં છું, તો વિચાર આવે કે અહા, આ દુનિયા કેવી સુંદર જુદા જુદા પ્રકારના લોકોથી ભરપૂર છે! આખી દુનિયા માત્ર કરેણના ફૂલોથી છવાઈ ગઈ હોત તો આપણને ન ગમત. એટલે તો કુદરતે અસંખ્ય રંગ, રૂપ, સુગંધવાળાં ફૂલો બનાવ્યાં.

મને આ કોણ જાણે શું થઈ ગયું છે, આ પશુ, પક્ષીથી માંડીને માનવી સુધ્ધામાં વિવિધતા દેખાવા માંડી, પણ પેલી ‘જુદાઈ’ જાણે મારા જૂના લેન્સ સાથે ગાયબ થઇ ગઈ! મને લાગે છે કે હવે હું તમને બધાંને તમારી દૃષ્ટિથી જોતી થઈશ અને દુનિયાના તમામ લોકો, તેમના પહેરવેશ, ખાન-પાન, તેઓના ધર્મ અને સંસ્કૃતિ અને રીત રિવાજો તેમ જ બધી ઘટનાઓને પારદર્શક લેન્સથી જોતી થઈશ. આ કહેવાતા ‘નેતાઓ’ અને ‘વડાઓ’ને કહું છું, તમારે જો કઇં કામ કરવું હોય તો અમને સારી શિક્ષણ અને સ્વાસ્થ્યની વ્યવસ્થા પૂરી પાડો, પીવાનું પાણી અને રોજગાર પૂરા પાડો, બાકી અમારા ભાઈ ભાંડરુઓમાં ભંગ પડાવવા જશો તો તમને ખસેડીને મારા જેવી નવા નેત્રમણિ મૂકાવેલી મહિલાઓ અને સજજનોને વહીવટ કરવા બેસાડી દઈશું જેથી સ્વકેન્દ્રી, સ્વાર્થી અને સંકુચિત દૃષ્ટિવાળી જૂની આંખોના પડળને દૂર કરીને પારદર્શક નેત્રમણિ દ્વારા જોતી આંખો દ્વારા સાચું ભાળી શકે તેવું તંત્ર મળે.”

નેત્રમણિ મુકવાથી આવો જાદુ થાય? માને તો ફાયદો થયો જ પણ તેમના સંતાનોને પણ લાભ થયો. 

e.mail : 71abuch@gmail.com

Loading

24 February 2022 admin
← ગાંધીનું દૂધ પીધેલા
સરકારી સ્કૂલોમાં ભણવા હવે બાળકો જન્મતાં જ નથી કે શું? →

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved