સાવધાન, દિલ્હીમાં મુઘલ રાજ આવી રહ્યું છે, એવા જેહાદી યુદ્ધનાદ સાથે ભા.જ.પે. જમાવેલ માહોલ વચ્ચે દિલ્હી વિધાનસભાની ચૂંટણી ૧૧મી ફેબ્રુઆરીએ (દીનદયાલ સંવત્સરીએ) ૨૦૧૪-૧૫ની જેમ આ વખતે પણ એક એવું પરિણામ લઈને આવી જેને તમે ભા.જ.પ.ને ઇષ્ટ અશ્વમેધ સિદ્ધિ સામે વળી એક વાર લવકુશ ઘટના રૂપે જોઈ શકો. આમ તો, મતદાનમાં સાધારણપણે તમારો કાર્યદેખાવ તેમ જ ઍન્ટિ-ઇન્કમબન્સી જેવાં વાનાં લક્ષમાં લઈ પરિણામની શક્યતાઓ વિચારાતી હોય છે, પરંતુ કેજરીવાલે (આપે) જો પ્રત્યક્ષ કાર્યદેખાવ પર આક્રમક તેવરથી ભાર મૂકી પ્રચાર કર્યો તો ભા.જ.પ.ને જડી રહેલું નવું રામ રમકડું શાહીનબાગ હતું. જો કે, આપમાં લવકુશ જોઈએ તે સાથે ભા.જ.પ.માં રામરાજ્ય જોવાની એક પરિસ્થિતિ પેદા થાય છે, પણ તે વિશે ઘડીક રહીને.
જ્યાં સુધી નાગરિક સમાજનો સવાલ છે, સંવિધાન અને તિરંગાની સાથે દિલ્હીમાં જ નહીં, પણ દેશમાં ઠેકઠેકાણે ઊભરેલ સ્વયંસ્ફૂર્ત શાહીન બાગો અવશ્ય એક મોટી ઘટના છે. પરંપરાગત મુસ્લિમ નેતાગીરી કરતાં સવિશેષ તો મહિલાપહેલ એની પૂંઠે છે, અને આ જમાવટની માંગ પણ કોઈ કોમી / મજહબી ધોરણે મર્યાદિત નહીં એવા પૂરા કદની નાગરિકતાને ધોરણે છે. એક રીતે, ભાગલા વખતે જે તૂટી ગયેલો તાંતણો જોડવાની કોશિશ ગાંધી-નેહરુ-પટેલ-આઝાદની હતી – અને આંબેડકરની પહેલકારીમાં રાષ્ટ્રીય નેતૃત્વે જે દિશામાં બંધારણીય એકંદરમતી સરજી હતી – એનું અનુસંધાન શાહીન બાગ મિજાજમાં માલૂમ પડે છે. ઊલટ પક્ષે, પ્રત્યક્ષ કાર્યદેખાવમાં શૂન્ય જેવા ભા.જ.પે. આ મિજાજને કેમ જાણે તે કોઈ કોમી (કૉમ્યુનલ) ઉઠાવ માત્ર હોય એ રીતે એના પર આક્રમક પ્રહારાત્મક જ નહીં પણ કમરપટ્ટા તળેની દલીલોનો મારો ચલાવ્યો. પ્રત્યક્ષ કાર્યદેખાવની ઐસીતૈસી પણ કથિત રાષ્ટ્રવાદનો રણધ્વનિ નાગરિકના કાન બહેર મારી જાય એ હદે (અને તે પણ સત્યાસત્યવિવેક વગર) એ ભા.જ.પ.ની રૂખ આ દિવસોમાં રહી.
૨૦૧૪માં ગમે તેમ પણ વિકાસનું અંજીરપાંદ (ફિગલીફ) જાળવવાની વ્યૂહકારી હતી. પણ હમણેના ગાળામાં ખુલ્લંખુલ્લા આક્રમક કોમી તેવર (સામે પડે તે પાકિસ્તાની એ તરજ પર જ) ભા.જ.પ.ની વડી ઓળખ લેખે આ ચૂંટણીપ્રચારમાં તો ખાસ ઊપસ્યા. એની સામે પ્રજાની રોજિંદી જીવનજરૂરત – ખાસ તો, વીજળી, પાણી, શિક્ષણ અને સ્વાસ્થ્ય પરના ભાર સાથે, કહો કે કેવળ અને કેવળ ગવર્નન્સને ધોરણે ચૂંટણીમાં દરમિયાન થવું એ કેજરીવાલ અને આપનો નાગરિક રવૈયો રહ્યો. આ સંદર્ભમાં, ભા.જ.પી. હુકમના એક્કા જેવા શાહીન બાગ મુદ્દે કેજરીવાલ અને સાથીઓએ ખપપૂરતું બોલી એકંદરે કિનારો કરવાનું વલણ લીધું, કેમ કે કાર્યદેખાવ પર કોમી પ્રચારને હાવી થવાનો મોકો તેઓ આપવા માગતા નહોતા.
એક તાત્કાલિક વ્યૂહ તરીકે આપના આ અભિગમનું ઔચિત્ય પ્રમાણીએ તો પણ લાંબા ગાળાના પરિપ્રેક્ષ્ય રૂપે તે બાબતે ગંભીર તપાસ અને પ્રજાકીય આત્ખોજ કરવાપણું સાફ છે. કેજરીવાલ અને સાથીઓને વિવેકસર પણ જરી ઊંચે સાદે જે એક સવાલ આપણે પૂછવા જેવો હતો અને છે, તે એ છે કે તમારા કાર્યદેખાવને સલામ, પણ વિચારધારાને ધોરણે તમે ક્યાં ય ઊભા છો એ અંગે ક્યારે ખોંખારાભેર બોલશો. આખા કેજરીવાલ મંત્રીમંડળમાંથી એકમાત્ર મનીષ સિસોદિયા (અને તે પણ કદાચ એક જ વાર) અસંદિગ્ધ શબ્દોમાં બોલ્યા હતા કે શાહીન બાગનો મુદ્દો અને માંગ સાચાં છે અને એને મારું સમર્થન છે. મતગણતરીમાં પોતે હારતા હોય એવો જે એક તબક્કો આવી ગયો ત્યારે આ વિધાન ન કરવું ઠીક રહ્યું હોત એવી પણ એમની સાહેદી છે.
શીલા દીક્ષિતના કાર્યકાળ પછીની ત્રણેત્રણ ચૂંટણીમાં લક્ષમાં આવતું એક જાડું અવલોકન અહીં પ્રસ્તુત છે. અને તે એ કે કેજરીવાલ અને મોદી વચ્ચે દિલ્હીના સરેરાશ મતદારને પક્ષે કોઈ મૂલ્યવિવેક કદાચ નથી; કેમ કે એને શિક્ષણ-સ્વાસ્થ્ય આદિની અપીલ છે, તેમ કથિત રાષ્ટ્રવાદને અંગે પણ તીવ્રતા છે. એટલે કેજરીવાલની સૂચિત અને સંભવિત ફતેહ પછી અને છતાં દેશજનતાની વિકલ્પભૂખ જે પણ સંતોષાશે, એમાં વાસ્તવ અને આભાસની અજબ જેવી મિલાવટ હશે. જળ અને મૃગજળ વચ્ચે હોઈ શકે એ હદે નહીં તો પણ એમાં કશુંક ખૂટતું, કંઈક અંતર જેવું હશે, જરૂર.
આપ પ્રકારનાં આશાસ્પદપણે ઊભરેલાં પરિબળોને હાલ ચાલી રહેલી ઇતિહાસપ્રક્રિયાની રગ અને ગમ કંઈક તીવ્રપણે હોવી જોઈએ : દેશનો નોંધપાત્ર મુસ્લિમ તબકો સ્વરાજ (વિભાજન) આગમચ થોડાં વરસ અગાઉના રાજકારણથી હટીને પ્રજાસત્તાક સ્વરાજને ધોરણે બિનસાંપ્રદાયિક રાષ્ટ્રકારણ ભણી ઢળી અને વળી રહ્યો છે. એક સમય હતો જ્યારે ગાંધી-નેહરુ-પટેલ-આઝાદ પર મુસ્લિમ લીગનો આરોપ હતો કે તમે હિંદુતરફી છો. બીજી બાજુ, આ જ નેતાઓને સંઘપરિવારના તેમ હિંદુમહાસભાના ત્યારના અગ્રજો મુસ્લિમ તરફી ચીતરતા હતા. આમ તો, અત્યારે ભા.જ.પ. પોતાના ટીકાકારોને (જેમ કે, શાહીન બાગ સ્કૂલને) મુઘલયુગ તરીકે ધરાર ઓળખાવે છે, કંઈક એવો જ કિસ્સો એ હતો.
યાદ આવે છે, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર બેઠે ‘દિલ્હી સલ્તનત’ની ભાષામાં બોલતા હતા. મનમોહન સિંહના નેતૃત્વવાળી સરકાર સાથે દેશની એકતામંડિત સમવાયી નાતાને સ્વીકારતી નહીં પણ પડકારતી ભૂમિકા એમની હતી. આવી જ જેહાદી માનસિકતા કથિત સામેવાળા સામે આ ચૂંટણીમાં શીર્ષ-સત્તાવર્તુળો મારફતે પ્રગટ થતી માલૂમ પડી. કેન્દ્રીય મંત્રી ‘ગોલી મારો’ પ્રકારનાં સૂત્રો પ્રેરે એને અંગે ચૂંટણીપંચે થોડીક પ્રચારબંધીનું ઠપકાત્મક વલણ જરૂર લીધું, પણ આવા વિષાક્ત ઉશ્કેરણીજનક ભાષણ સામે એફ.આઈ.આર. નોંધાવવાનું એને ન સૂઝ્યું. એકંદરે સરજાયેલું દૃશ્ય ઘોડા નાસી છૂટ્યા પછી તબેલે તાળાં મારવા સરખું હતું. પ્રજ્ઞા ઠાકુરને હું ગાંધીજી અંગેનાં એમનાં વિધાનો માટે માફ નહીં કરી શકું એવા ઉદ્ગારો પછી પણ વડાપ્રધાન આવા અન્ય પ્રસંગોએ મોડેથી (અને તે પણ એકાદ વાર ફક્ત) બોલીને નિજમાં નિમગ્ન પેશ આવે એ રાબેતો આ દિવસોમાં પણ જોવા મળ્યો. વિકાસ કે વાસ્તવિક કામગીરીથી નિરપેક્ષપણે કેવળ કોમી ઉશ્કેરણીગત મતસંચય આ પક્ષને ફાવતો આવ્યો.
એની સામે દેશમાં શાહીન બાગ નિમિત્તે નાગરિક (સિવિક) કે બંધારણીય (કૉન્સ્ટિટ્યૂશનલ) રાષ્ટ્રવાદની જે ભૂમિકા બંધાતી આવે છે એની સક્રિય કદરબૂજ વગર આપની ફતેહ ઊણીઅલૂણી બની રહેશે. અહીં અલબત્ત પ્રચારના છેલ્લા દોરમાં આપે રાષ્ટ્રનિર્માણ પર મૂકેલા ભાર અને રાષ્ટ્રભક્તિના સિલેબસ-સમાસની જાહેરાતની નોંધ લેવી જોઈએ. લોકોનાં કામ કરવાં, સેવા કરવી એ રાષ્ટ્રભક્તિ છે એવું પણ આપ-વચન પણ હમણેના દિવસોમાં જરી મુખરપણે શીર્ષસ્તરેથી સાંભળવા મળ્યું છે એ સાચું; પણ તેમાંથી પેકેજિંગની બૂ ઉઠે છે કે સાચમાચ છે એ નક્કી કરવા માટે થોડી રાહ જોવી રહેશે. મુદ્દે, નીચે કેજરીવાલ અને ઉપર મોદી એવી જે સમજ છેલ્લાં વરસોમાં દિલ્હીના એકંદર મતદાર માનસમાં રૂઢપ્રતિષ્ઠ હોવાનું સમજાય છે એની મૂર્છા કેમની વળશે એ પાયાનો પ્રશ્ન છે. પક્ષબાંધણી અને વિચારધારા પરત્વે નર્યાનકરા ટેક્નોક્રેટ પ્રશાન્તકિશોર જેમ બધી છાવણીને વારાફરતી સેવા આપે છે એ પ્રકારના ન્યૂ નૉર્મલમાં આપણી વિકલ્પખોજનો જવાબ નથી તે નથી.
ભા.જ.પ.ના કથિત રામ સાથે આપ એના મતદારોમાં રામને દેખીતા પડકાર સાથે પણ હનુમાનવત્ સત્તાભાગી તરીકે ઉભરી શકે એવું તો ન થવું જોઈએ. જયપ્રકાશના આંદોલન સાથે નવયુવા નાગરિક પરિબળોની જોડાજોડ જાહેર જીવન અને રાજકીય પ્રથામાં સંઘ સ્વીકૃતિ બની એ હકીકત છે. કૉંગ્રેસે તરુણ ર્તૂર્ક ચંદ્રશેખર અને સાથીઓના આગ્રહી સૂચન મુજબ જે.પી. સાથે સંવાદનો રાહ ન લીધો, ન તો તે પછી કટોકટી તબક્કે હાડના કૉંગ્રેસજનો ઈંદિરા કૉંગ્રેસમાં અવાજ ઉઠાવી શક્યા. તેથી આ નવયુવા પરિબળોની જોડાજોડ જનતાપક્ષના જનસંઘ ઘટક રૂપે સંઘ પરિવારની એક જગ્યા જરૂર બની. આગળ ચાલતાં અણ્ણા આંદોલનની ઉદ્યુક્તિ સાથે વળી નવયુવા પરિબળો અને સંઘ પરિવારની ઓર સ્વીકૃતિ બની. અરવિંદ કેજરીવાલ અને નરેન્દ્ર મોદી, જુદા રાજકીય ગોત્ર છતાં અણ્ણા આંદોલનના જ (ભલે છેડાફાડ છતાં) લાભાર્થી છે. સ્વાતંત્ર્ય સંગ્રામ અને જે.પી. આંદોલનના અનુસંધાનમાં આપ વાટે નવેસર આગળ જવાની શક્યતાને યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ આદિની હકાલપટ્ટીથી મોચ લાગી અને મોડ પણ બદલાઈ ગયો.
અલબત્ત, ટાઈમ્સે મથાળેથી પોકારીને ઠીક જ કહ્યું કે આપની હૅટ્રિક(લાગટ ત્રીજી વારકી ફતેહ)નો ભા.જ.પી. હૅઈટ-ટ્રીક (ધિક્કાર પ્રયુક્તિ) પરની સરસાઈનો આ અવસર છે. કથિત લવકુશ ઘટના થકી કંઈક આશ્વસ્તતા અને આનંદ સાથે, રૂપાળું છોકરું નજરાઈ ન જાય એવા વાત્સલ્યે પ્રેરિત કાળી ટીપકી જેવી આ કેવિયટનુમા ટિપ્પણી … કાશ, એ અને શાહીન બાગ મિજાજ પરસ્પર અવિનાભાવ વિલસી શકે!
ફેબ્રુઆરી ૧૨, ૨૦૨૦
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2020; પૃ. 01 તેમ જ 14