Opinion Magazine
Number of visits: 9447578
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લૂ, જરી તું ધીરે ધીરે વા, કે મારો મોગરો વિલાય!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|16 May 2019

હૈયાને દરબાર

ગાંધીયુગના સર્જક, લેખક, વિવેચક, કવિ, નવલકથાકાર તથા સાહિત્યના સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ એવૉર્ડથી સન્માનિત ઉમાશંકર જોશીનું વિપુલ સાહિત્યસર્જન આપણને અચંબિત કરી દે એટલું અગાધ છે.

નાનપણથી જેમની કવિતાઓ સાથે અમારો ઉછેર થયો એ કવિ ઉમાશંકર જોશીનું એક હ્રદયસ્પર્શી ગીત લૂ, જરી તું ધીમે-ધીમે વા … સાંભળીને તરત જ એ વિશે લખવાની ઈચ્છા થઈ ગઈ. ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા અને ગીત અમે ગોત્યું … જેટલું એ પ્રચલિત નથી, પરંતુ ચૂકાય એવું પણ નથી. એમાં ય આ ઋતુકાળમાં તો બરાબર બંધ બેસે છે.

તાજેતરમાં જ અમદાવાદના ધોમધખતા તાપનો આકરો મિજાજ જોઈ લીધો. લૂ કોને કહેવાય એ પરચો ય મેળવી લીધો. ગુજરાતમાં નાનપણમાં થોડાંક વર્ષો વિતાવ્યા હતાં, પરંતુ આવી ભયંકર ગરમીનો અહેસાસ ક્યારે ય થયો ન હતો. ૪૫ ડિગ્રી તાપમાનમાં ભૂલેચૂકે બપોરે બહાર નીકળ્યાં તો ખલાસ! ચામડી તતડી જાય અને ગાત્રો શિથિલ થઇ જાય. દેશભરમાં આ હિટવેવ પ્રસર્યો હોય ત્યારે વિરહની આગ અને આભમાંથી વરસતી આગને પ્રતિબિંબિત કરતું આ મધુર ગીત સાંભળીને ચંદનના લેપની અનુભૂતિ થયા વિના રહે નહીં. ગગનમાંથી અગનવર્ષા વરસતી હોય ત્યારે ય કવિની કલમ અટકતી નથી. કવિ ફક્ત ચાંદની રાતની રોમેન્ટિક કવિતા જ સર્જે એવું નથી. કવિહ્રદય કીડીથી માંડીને કમ્પ્યુટર સુધી કલ્પનાનો ચેતોવિસ્તાર કરી શકે છે.

આજનું ગીત કવિ શિરોમણી ઉમાશંકર જોશીએ બહુ સંવેદનાસભર લખ્યું છે. વાત ભલે એમાં આકરા ઉનાળાની છે, પણ એની નજાકત તો જુઓ! લૂ જરી તું ધીમે-ધીમે વા કે મારો મોગરો વિલાય …! મોગરાનું સુગંધિત વ્યક્તિત્વ અને નજાકત નારીહ્રદયનો સંકેત આપે છે. આ ગીતના શબ્દો અને સ્વરાંકન એવાં સચોટ છે કે સાંભળતાં જ ઉનાળાનો તાપ વિસરાઇ જાય. આભમાંથી ધગધગતા અંગારા વરસતા હોય ત્યારે નાજુક-નમણી નારના કેશ પર ઝૂલતા મોગરાની શું વલે થાય એ તો બહુ સ્વાભાવિક કલ્પના છે, પરંતુ વાત છે અહીં વિરહાગ્નિની, પ્રતીક્ષાની, પ્રેમની અને પ્રિયતમની.

લાભશંકર ઠાકરે ઉ.જો.ની જન્મ શતાબ્દી નિમિત્તે ‘પરબ’માં એક લેખ લખ્યો હતો તેમાં આ ગીતની વાત માંડીને કરી હતી. તેમણે લખ્યું હતું કે, "લૂ પછી ગીતસર્જકે અલ્પવિરામ લીધો છે, તેથી ગાયકે અલ્પવિરામ લેવો અનિવાર્ય. આ અલ્પવિરામ નાટ્યાત્મકતાનો અનુભવ કરાવે છે. નાયિકા લૂ પર અટકે અને વિરામ એટલે કે સાયલન્સ સર્જાય. નાયિકાના અંત:કરણમાં મોગરો પણ ભાવસંકેત દર્શાવે છે. આ ગીતરચના રંગમંચને પ્રત્યક્ષ કરે છે. ડ્રામેટિક રૂપ સાથે પ્રત્યક્ષ થતા ગીતના આરંભ પછી ગીતની લયાત્મક, સ્ટ્રકચરલ બ્યૂટીમાં કેવું રૂપાંતર આવે છે તે ગીતના આ અંતરામાં દર્શાવ્યું છે:

પાંખો થંભાવી ઊભું સ્થિર આભપંખી,
સૃષ્ટિ મધ્યાહ્ન કેરા ઘેનમાં છે જંપી.
એકલી અહીં હું રહી પ્રિયતમને ઝંખી …

નાયિકા પોતે આભપંખીને અનુભવે છે. પાંખો છે પણ થંભાવી દીધી છે. ઉનાળાની નિ:સ્તબ્ધ, શાંત બપોરે આખી સૃષ્ટિ ઘેનમાં જંપી ગઈ છે ત્યારે નાયિકાના દિલની ધડકનનો લયબદ્ધ રવ એકમાત્ર પ્રિયતમ જ સાંભળી શકે ને! અપલક નેત્રે એ પ્રિયતમની પ્રતીક્ષામાં છે. અહીં વિરહિણીની એકલતા અને ઉત્કટ એવી પ્રિયતમની ઝંખનાની ક્ષણો પ્રત્યક્ષ થાય છે. તાપ કરતાં વિરહની આગથી એ તપી ગઈ છે. એટલે જ પ્રિયતમની છાયા ઓઢીને જાતને શીતળતાનો અહેસાસ કરાવે છે. ઉત્કટ આશા અને અભિલાષા સાથે એ રાહ જુએ છે, વ્હાલમની.

આ ભાવવાહી ગીતના સંદર્ભમાં ઉમાશંકર જોશીનાં દીકરી સ્વાતિ જોશી કહે છે, "બાપુજીએ એટલું વિપુલ સર્જન કર્યું છે કે અત્યારે હું વિચારું તો મને એમ થાય કે આટલો સમય એમને ક્યાંથી મળતો હશે? પરંતુ બાપુજીના મનમાં કવિતા સતત રમતી હોવાનું અમે અનુભવ્યું છે એટલે એ કોઈપણ સ્થળે, સમયે લખી શકતા. ખાસ તો રાત્રે અમે ઊંઘવાની તૈયારી કરતા હોઇએ ત્યારે એ ટેબલ પર બેસી લખવા માટે સજ્જ થઇ રહ્યા હોય. વિવિધ હોદ્દાઓ પર હોવાને લીધે એમને ટ્રેનમાં પ્રવાસ ખૂબ કરવો પડતો હતો તેથી એમની કેટલીય રચનાઓ ટ્રેનમાં લખાઈ છે. ‘મહાપ્રસ્થાન’ નામનું દીર્ઘકાવ્ય તો મને બરાબર યાદ છે કે અમે મારાં બાના અસ્થિ પધરાવવા ગંગોત્રી ગયાં હતાં ત્યારે ઘરે પરત આવ્યા પછી એમણે તરત તે વિશે લખ્યું હતું. એમનો પરિવાર એટલે અમે ચાર જ નહીં પણ એમના અસંખ્ય વિદ્યાર્થીઓ, મિત્રો અને શુભેચ્છકો બધાં જ. આ બધાં અમારે ત્યાં અવારનવાર આવીને રહે. શિક્ષકના ઘરે જઈને વિદ્યાર્થી રહે એ વાતની તો આજના જમાનામાં કલ્પના ય ન થઈ શકે. મૂળ મુદ્દે એમને જીવનમાં જ ખૂબ રસ હતો તેથી જ એ સાહિત્યમાં આટલું બધું ખેડાણ કરી શક્યા એવું મને લાગે છે.

વ્યવસાયે એડ્વોકેટ, પરંતુ સંગીતમાં ખૂંપી ગયેલા આ ગીતના સ્વરકાર અમર ભટ્ટ કહે છે, "ઉમાશંકર જોશીના જન્મશતાબ્દી વર્ષ ૨૦૧૧માં ‘પરબ’નો આખો અંક એમનાં કાવ્યોના આસ્વાદનો હતો. કવિ લાભશંકર ઠાકરે એમાં આ ગીતને ઉમાશંકર જોશીનું એક પ્રભાવક ગીત કહ્યું હતું. ત્યારથી આ ગીત સ્વરબદ્ધ કરવાની અદમ્ય ઈચ્છા હતી. કવિની શબ્દ પસંદગી ગમી ગઈ. પ્રથમ પંક્તિમાં ‘ધીરે ધીરે’ લૂની ગતિ માટે અને બીજીમાં ધીમે ધીમે કોયલના અવાજ માટે – ‘ધીરે ધીરે’ અને ‘ધીમે ધીમે’માં આમ ફેર નથી, છતાં શું ફેર છે એનું આ ઉદાહરણ છે. આમ તો ભર ગરમીના બપોરે પ્રિયતમની રાહ જોતી સ્ત્રીની ઉક્તિ છે એમાં. કવિએ ચિત્ર આપ્યું છે –

‘ઊભી છું ઓઢીને પ્રિયતમની છાયા’.

પ્રથમ પંક્તિ અનાયાસ સ્વરબદ્ધ થઇ. સ્થાયીમાં રાગ ચારુકેશીના સ્વરો છે. કોમળ નિષાદથી ગીત શરૂ થાય છે એમાં ‘લૂ’ને સંબોધન છે એ અનુભવી શકાશે. બીજી પંક્તિમાં એ જ સ્વરમાં કોકિલા’ને સંબોધન છે એ કહેવાની જરૂર નથી.

‘ધીરે ધીરે’ પંચમથી અને ‘ધીમે ધીમે’ તાર સપ્તકના ષડ્જથી સ્વરસંગતિ કરે છે. ‘વા અને ગા’ પણ કેટલી જુદી જુદી રીતે ગાઈ શકાય છે તે ગીત સાંભળો તો જ જાણી શકો. ઉમાશંકર જોશીનાં કાવ્યગાનના અમારા આલબમ ‘ગીતગંગોત્રી’માં આ ગીત હિમાલી વ્યાસ-નાયકે ભાવવાહી રીતે ગાયું છે. હવે તો એ ખાસ્સું લોકપ્રિય થયું છે.

હિમાલીનું પણ આ પ્રિય ગીત છે. "ઉમાશંકર જોશીના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે જ આ ગીત કમ્પોઝ થયું હતું. આ સર્વાધિક સુંદર ગીત ગાવાની તક મને મળી એ મારું અહોભાગ્ય છે. અમદાવાદમાં તો એટલું બધું લોકપ્રિય થયું છે કે ત્યાંના દરેક કાર્યક્રમમાં એની ફરમાઇશ આવે જ અને વન્સ મોર થાય. અમરભાઇની કમ્પોઝ કરવાની શૈલી પણ એવી છે કે દરેક શબ્દ ઉઘાડીને ગાવાનો. તેથી ગાવાની ખૂબ મઝા આવે છે. આવાં ઉત્તમ ગીતો ગુજરાતી પ્રજા સુધી વધુ ને વધુ પહોંચવા જોઈએ.

વાત તદ્દન સાચી છે. ગુજરાતી ભાષામાં ખૂબ ઉત્કૃષ્ટ કવિતાઓ લખાય છે અને સ્વરબદ્ધ થાય છે. આપણે ગુજરાતીઓએ એ સાંભળવા માટે ફક્ત કાન કેળવવાની જરૂર છે. આ ગીત મળે તો જરૂર સાંભળજો. કદાચ આંખમાંથી આંસુ ટપકે, ચારુકેશીના વિરહી સ્વરો છે, પરંતુ ગરમીના આકરા મિજાજમાં એ મોરપીંછની હળવાશ અને સુંવાળપ આપશે એની ગેરંટી. ઉ

———————

લૂ, જરી તું ધીરે ધીરે વા,
         કે મારો મોગરો વિલાય!
કોકિલા, તું ધીમે ધીમે ગા,
         કે મારો જીયરો દુભાય!
પાંખો થંભાવી ઊભું સ્થિર આભપંખી,
સૃષ્ટિ મધ્યાહ્ન કેરા ઘેનમાં છે જંપી.
એકલી અહીં હું રહી પ્રિયતમને ઝંખી …
                                    લૂ, જરી તું ……
ધખતો શો ધોમ, ધીકે ધરણીની કાયા:
ઊભી છું ઓઢીને પ્રિયતમની છાયા;
પરિમલ ઊડે, ન ફૂલ હૈયે સમાયાં …
                                    લૂ, જરી તું ……
કોકિલા, તું ધીમે ધીમે ગા,
         કે મારો જીયરો દુભાય;
લૂ, જરી તું ધીરે ધીરે વા,
         કે મારો મોગરો વિલાય.

• કવિ : ઉમાશંકર જોશી  • સંગીતકાર : અમર ભટ્ટ  • ગાયિકા : હિમાલી વ્યાસ-નાયક

https://www.youtube.com/watch?v=0npAWbFMHkM

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 16 મે 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=507129   

Loading

16 May 2019 admin
← શિરીષ સમીપે
નીરવ પટેલે મોત સામે મલકતાં રહીને સાંપ્રદાયિકતા અને અસમાનતા પર તેજાબી રાજકીય કવિતા રચી →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved