આપણે ત્યાં જાહેર કાર્યક્રમો હજુ આજે પણ સમયસર શરૂ થતા નથી. કાર્યક્રમ સમયસર શરૂ ન થાય, તેના કારણમાં ક્યારેક વક્તા મોડા પડ્યા હોય કે આયોજકો શ્રોતાઓની રાહ જોતા હોય, ત્યારે ભાગ્યે જ કોઈ સ્પષ્ટતાઓ થાય છે. સૌથી દુઃખદ વાત એ છે કે શ્રોતાઓને વિવેકબુદ્ધિ કે આદર સન્માન આપવા બાબતે ખબર નથી એમ ધારી લેવામાં આવે છે! પ્રવક્તા જ્યારે કહે ત્યારે તાળિયો પડતી રહે એવી અપેક્ષા સેવવામાં આવે છે. આવું બધું ‘ગુજરાત લૉ સોસાયટીના ફાઉન્ડેશન ડે ના’ શનિવાર તા. ૪-૮ ના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમમાં યોજાયેલ સવારના કાર્યક્રમમાં પણ બન્યું.
લૉર્ડ ભીખુ પારેખ આપણા એક અભ્યાસી વક્તા છે. તેમને સાંભળવા એ લહાવો છે. માત્ર આ કાર્યક્રમ માટે તેઓ લંડનથી આવ્યા હતા. જે કંઈ વક્તવ્ય આપ્યું. તે ઉપરની પ્રાસંગિક બાબતોને ભુલાવી દેનારું હતું.
કાર્યક્રમ તો એક ખાનગી શૈક્ષણિક સંસ્થાનો હતો, પરંતુ તેના સમાચાર પૂર્વે અને પછી કદાચ અમદાવાદના એકમાત્ર દૈનિક ‘નવગુજરાત સમય’માં આવ્યા હતા. અગાઉ નગરમાં આવો કોઈ મહત્ત્વનો કાર્યક્રમ હોય, તો રસ ધરાવતા લોકોને અખબારો દ્વારા જાણ થતી. હવે આ વિશે તમે ચોક્કસપણે કંઈ કહી શકતા નથી. જાણવા મળે પણ ખરું અને ન પણ મળે. વળી, આજકાલ નિમંત્રણ વગર જવામાં લોકો અવઢવ અનુભવતા હોય છે. આમંત્રણ વિના ન જવાય, એવું આપણે માનતા થઈ ગયા છીએ. ‘નવગુજરાત સમય’માં લૉર્ડ ભીખુ પારેખના ફોટા સાથે આ કાર્યક્રમના જે સમાચાર પ્રગટ્યા હતા, તેમાં અંતે ‘કાયદાવિદો, અધ્યાપકો અને કાનૂની અભ્યાસમાં રસ ધરાવતા અભ્યાસુઓ પણ આમંત્રિત છે’ એમ સ્પષ્ટતા હોવા છતાં કેટલાકની અવઢવ ચાલુ રહી હતી!
હવે સારા વક્તાઓનો દુકાળ છે. તજ્જ્ઞ હોય એ પોતાની તજ્જ્ઞતા સામાન્ય લોકોને સરળ ભાષામાં પહોંચાડી ન શકે, તો એનો મતલબ રહેતો નથી. ભીખુ પારેખ અંગ્રેજીમાં કે ગુજરાતીમાં, ગમે તેમાં બોલતા હોય, પરંતુ તેમને પ્રત્યાયનકલા સહજ સાધ્ય છે. તેઓ બહુ ઓછા શબ્દોમાં, બહુ ઓછા સમયમાં, પોતાની વાત શ્રોતાસમૂહને પહોંચાડવા સક્ષમ હોય છે. તેમની આ કુનેહનો ફરી એક વાર પરિચય થયો.
વિષય વાંચીએ તો મૂંઝવણ થાય કે આપણને આ બધું સમજાશે કે નહીં, એવો અઘરો વિષય હતો : લીગલ પ્લુરાલિઝમ ઍન્ડ કલ્ચરલ ડાયવર્સિટી. આપણને થાય કે આ તો બહુ ઓછાને સમજાશે કે સમજાવી શકાય તેવો વિશિષ્ટ વિષય છે. પણ ભાગ્યે જ કોઈને તકલીફ પડી.
કોઈ પણ કાયદો ત્યાંના કલ્ચરમાંથી ઊભો થયો હોય છે. તેથી કલ્ચરને સમજવું સૌપ્રથમ જરૂરી છે. જે કલ્ચર ન સમજે તે કદાચ કાયદો પણ ન સમજે, એમ કહી એના બે દાખલા આપ્યા. ચીનમાં એક પતિને આડા સંબંધો રાખનારી પત્નીની હત્યામાં આરોપમાં ન્યાયાધીશ મૃત્યુદંડ આપવા વિચારતા હતા. તેમણે આરોપી સામે બહુ ઝીણવટથી જોયું. તેઓ એ જાણવા માગતા હતા કે આવા જઘન્ય કૃત્ય બદલ આરોપી પશ્ચાત્તાપ અનુભવી રહ્યો છે કે કેમ. ન્યાયાધીશને પેલાના ચહેરા પર એવા ભાવ ન વર્તાયા. પરિણામે તેમણે મૃત્યુદંડની સજા ફટકારી. હકીકત એવી હતી કે ચીનમાં લોકો આવી અંતરતમ સંવેદનાની જાહેર અભિવ્યક્તિ કરતા હોતા નથી. આવી સંવેદના વ્યક્ત કરવાની ચીનમાં તદ્દન અલગ પરંપરા છે, જેની ન્યાયાધીશને જાણ ન હતી. લૉર્ડ પારેખે બીજો દાખલો આપ્યો જે નાઇજિરિયાનો હતો. ત્યાંની કોઈ મહિલાએ બાળકના ચહેરા પર મોટી ઈજા કર્યાના ગુનામાં તેને અદાલતમાં હાજર કરવામાં આવી હતી. આ આદિવાસી સમાજ પોતાની ઓળખ કાયમી કરવા માટે આવું કંઈક કરતો હોય છે. આદિવાસી સંસ્કૃિત મુજબ તે માત્ર એક સંસ્કાર કે પરંપરા હતી માતાએ બાળક પર ઈજાનો ગુનો કર્યાનો ઇરાદો ન હતો. આપણે કહેવાતા સંસ્કારી બનીએ છીએ, પછી વિવિધ સંસ્કૃિતના સંસ્કારો વિશે એવી ઊંડી સમજ ધરાવતા હોતા નથી. પ્રાદેશિક સંસ્કૃિત પણ કાયદાને પ્રભાવિત કરતી હોય છે એના આ દાખલા હતા. ન્યાયાધીશ આ બધાથી અજાણ હોય, તો કેવો ન્યાય તોળી બેસે તેનો સંકેત તેમાં હતો.
આપણા દેશમાં વિવિધ ધર્મો છે. ધર્મોના વિવિધ અંગત કાયદાઓ છે. સાંસ્કૃિતક વૈવિધ્ય એટલું બધું છે કે ખાનપાન, રીતિરિવાજ, કુટુંબ, લગ્ન, છૂટાછેડા, વારસાઈ વગેરે બાબતે તદ્દન વિપરીત એવી પરિસ્થિતિ પણ જોવા મળે છે. આમ, પર્સનલ લૉને આપણે સાંસ્કૃિતક ઓળખ ગણીને તેનો આદર કરતા હોઈએ છીએ, પરંતુ હવે દેશમાં લોકોએ ઘડેલું બંધારણ છે. એની કોઈક ચોક્કસ વિભાવના પણ છે. (લૉ સોસાયટીના મૅનેજમેન્ટમાં સક્રિય અને જાણીતા હાઈકોર્ટના વકીલ સુધીર નાણાવટી લૉ કૉલેજના દાખલ થતા પ્રત્યેક વિદ્યાર્થીને બંધારણના આમુખની નકલ જળવાઈ શકે તે માટે લૅમિનેટ કરીને આપતા હોય છે.) આ અંગત કાયદાઓ બંધારણ સાથે સંઘર્ષમાં આવે અથવા બંધારણમૂલ્યોને અનુરૂપ ન હોય, ત્યારે જે મુશ્કેલીઓ ઊભી થાય છે, તે આપણે અનુભવીએ છીએ. પરિણામે યુનિફૉર્મ સિવિલ કોડની વાત આવે છે.
બંધારણની કલમ-૪૪માં સરકાર યુનિફૉર્મ સિવિલકોડ માટે પ્રયાસ (endeavour) કરશે એમ કહેવાયું છે. સંઘર્ષ ટાળીને ધીરે-ધીરે ઉદ્દેશ સિદ્ધ કરવાનો છે. યુનિફોર્મ એટલે ગણવેશ એવો અર્થ ઘણા પ્રશ્નો જન્માવે છે, તેથી ભીખુ પારેખને કૉમન સિવિલ કોડનો વિચાર વધુ ઉચિત જણાય છે. બધા માટે સમાન (common) કાયદો એક સર્વાંગી અને સર્વસમાવેશી સંસ્કૃિતના નિર્માણ વિના તે શક્ય ન બને. આપણા મોટા ભાગના અંગત કાયદાઓ સ્ત્રીઓ પ્રત્યે પૂર્વગ્રહ અને અનુદાર વલણ ધરાવે છે, જે બંધારણની મૂળભૂત ભાવનાથી વિપરીત છે, તેથી તેમાં સુધારા અનિવાર્ય છે.
લૉર્ડ ભીખુ પારેખે આ વ્યાખ્યાન દરમિયાન જે મહત્ત્વની વાત કરી તે એ હતી કે આપણે ફૅમિલી એટલે કે કુટુંબનો અતિ સીમિત અર્થ કરીને સ્વીકારી લીધો છે. આપણે સામાન્યપણે પત્ની અને બાળકો એવા વિભક્ત કુટુંબને જ ફેમિલીમાં સમાવીએ છીએ. વારસાઈ વખતે પણ એટલો જ સંકુચિત વિચાર કરીએ છીએ. એમણે વિગતે સંદર્ભ આપ્યા વિના એમ કહ્યું કે કુરાનમાં આવું કંઈક છે, એવું એમણે સાંભળ્યું છે. તે એ છે કે વારસામાં ૧૫થી ૨૦ ટકા માતાપિતાને જવા જોઈએ; કારણ કે લગ્નથી પત્ની આવી અને બાળકો થયાં તે પૂર્વેનો ઉછેર તો મા-બાપે કર્યો છે. વળી, ભાઈ-બહેન સાથે તે ઊછર્યો છે, તે દરમિયાન તેના જીવનનું મહત્ત્વનું ઘડતર થયું છે, તેથી અમુક ટકા ભાઈઓને જવા જોઈએ. પછી બાકી રહે તે ચોક્કસપણે પત્ની અને બાળકોને જવું જોઈએ. મારા મતે આ મુદ્દો નવો અને વિચારણીય છે. (એવું જ કંઈક ૬-૮ના ‘દિવ્ય ભાસ્કર’માં છે. નેધરલૅન્ડમાં ‘ધ કૅર’ નામનો પ્રોગ્રામ ચાલે છે જેમાં શહેરમાં ભણવા આવતા વિદ્યાર્થીઓ ઓલ્ડ એજ હોમ્સમાં વૃદ્ધો સાથે રહે છે. ભાડાના બદલે તેમની સારસંભાળ રાખે છે, નવી ટૅક્નોલૉજી તેમને શીખવે છે.) માનવસંસ્કૃિત તરીકે આપણે જો ખરેખર વિકસવું હોય, તો GDPના ખ્યાલથી આગળ પણ આવી રીતે વિચારતાં શીખવું પડશે. અન્યથા માનવસમાજ વૃદ્ધિ પામશે, વિકાસ નહિ સાધી શકે.
વ્યાખ્યાનની શરૂઆતમાં આગળના ક્રિકેટરના સંદર્ભને જોડીને ભીખુભાઈએ સચિનને ભારતરત્ન અને ભારતરત્ન પ્રાપ્ત કરનાર દ્વારા થતી નાનાં-મોટાં ઉત્પાદનોની જાહેરાતના સંદર્ભે થોડા જ સમય પર તેંડુલકર સાથે થયેલી વાતની જિકર કરી. જવાબો સંતોષકારક ન હતા. ‘રાષ્ટ્રપતિનો નિર્ણય’ હતો અને તેમના તરફથી ‘મનાઈ ફરમાવવામાં આવી નથી’, એવા તદ્દન પ્રાથમિક કક્ષાના જવાબો હતા!
સૌજન્ય “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2018; પૃ. 11.00 તેમ જ 15.00