સૅક્સ્યુઅલ રીલેશનશિપ : લેખાંક – 8 : ઑપ્ટિમમ ગ્રિપ :
પૉન્તિને વિશ્વ સાથે પાનું પાડવાની માનવીય રીતિમાં સવિશેષે રસ પડ્યો છે. એને તેઓ coping કહે છે. એટલે કે આપણે માણસો આસપાસના વિશ્વ સાથે પાનું પાડીએ છીએ, અમુક પરિસ્થતિનો મુકાબલો કરીએ છીએ, સામનો કરીએ છીએ, તે.
ત્યારે હમેશાં ઇચ્છીએ છીએ કે પરિસ્થિતિને કાબૂમાં લઇ શકીએ, પરિસ્થિતિ આપણા અંકુશમાં આવી જાય, એ પર સારામાં સારી – ઇષ્ટતમ – પકડ મેળવી શકાય. એવી પકડને પૉન્તિ optimum grip કહે છે.
આપણે નિપુણતાથી કોપિન્ગ કરીએ, કશા વિચારથી કે વિચારણાથી દોરવાયા વિના, ત્યારે શરીર આપણું પરિસ્થતિ પર ઇષ્ટતમ પકડ મેળવી લેતું હોય છે.
કોપિન્ગની આ માનવીય લાક્ષણિકતા વર્ણવીને પૉન્તિએ ‘ઍન્ગ્ઝાઇટી’ ‘રિસ્ક’ વગેરે અસ્તિત્વવાદી વિભાવનાઓને બાજુએ મૂકી દીધી છે, એમ કેટલાક વિદ્વાનોનું માનવું છે.
પૉન્તિનું કહેવું એમ છે કે આપણે માણસો આપણા શરીર વડે હમેશાં એવું વર્તન કરીએ છીએ જેથી ન તો વસ્તુની વધુ નજીક જવાય, ન તો વધુ દૂર. આપણે સંતુલન સાધીએ છીએ. નહિતર, વસ્તુ જેની બની છે એ વીગતોને ચૂકી જવાય.
પૉન્તિ દાખલો આપતાં પૂછે છે – આપણે મ્યુઝિયમમાં જઈએ છીએ ત્યારે શું થાય છે? કહે છે, ત્યારે શરીર ભીંતે લટકતા ચિત્રથી દોરવાતું ચાલે છે – શરીર એવું ઑપ્ટિમમ ડિસ્ટન્સ સાધે છે કે એથી ચિત્રની સમૃદ્ધિને વધુ ને વધુ પામી શકાય, ચિત્રના ફૉર્મની – રૂપની – સ્પષ્ટતાને વધુ ને વધુ પામી શકાય.
મ્યુઝિયમનું દૃષ્ટાન્ત તો ચાક્ષુસ છે, ચક્ષુ વડે વસ્તુને પામી શકાઈ, વસ્તુનો સાક્ષાત્કાર થયો. પણ કોપિન્ગ અને ઓપ્ટિમમ ગ્રિપ હમેશાં હરેક ઇન્દ્રિયના પ્રસંગે સંભવે છે. વધારે સમજવા જેવી વાત એ છે કે શરીર અને કોઈ પણ પર્સેપ્શન કદી છૂટાંછૂટાં નથી હોતાં.
સામાન્યપણે એમ મનાતું હોય કે પર્સેપ્શન કોઈ પણ પરિવેશના કે વાતાવરણના અમુક હિસ્સામાંથી માહિતીને ગાળી નાખે છે, પણ પૉન્તિ જુદું એમ કહે છે કે, ના, પર્સેપ્શન તો શરીર અને વાતાવરણ વચ્ચે ચાલતી નિરન્તરની આન્તરક્રિયા છે – શરીર વાતાવરણને અને વાતાવરણ શરીરને નિત્ય જોડતાં રહે છે. પૉન્તિ ચેતનાને પણ આ આન્તરક્રિયાનું પરિણામ ગણે છે.
પૉન્તિના આ દૃષ્ટિબિન્દુ અનુસાર, એમનો કોઈ પણ વાચક સૅક્સ્યુઅલ રીલેશનશિપ વિશે સ્વતન્ત્રપણે વિચારી શકે છે. જેમ કે, સાહચર્ય કેળવાય અને સંવનન સંભવે ત્યારે સ્ત્રી / પુરુષ એકમેકને નાથતાં હોય છે, એટલે કે કોપિન્ગ કરતાં હોય છે. અને તેઓ સમ્ભોગ દરમ્યાન એકમેકને પકડમાં લેતાં હોય છે એ વર્તનનું ઉત્તમ દૃષ્ટાન્ત ઑપ્ટિમમ ગ્રિપ હોય છે.
એમણે કહ્યું કે સંવેદનો અનુભવના એકમો છે. જેમ કે, મને અગ્નિને દાઝતાં જે જે વેદનો અને સંવેદનો થયાં હોય એ બધાંનો સમવાય તે એ અગ્નિનો મારો અનુભવ. માણસ ક્રિયાઓ વિશે ચિન્તવી શકે છે કેમ કે એ ચિન્તન-પૂર્વ પ્રકારની એક ભૂમિકા ધરાવે છે. શરીરની આ લાક્ષણિકતાને કારણે જ્ઞાન ચેતનાથી મેળવાય છે એ પ્રરૂઢ ખયાલથી છૂટી શકાયું અને ફિલસૂફી એ રૂપે વધુ વાસ્તવિક બની.
પૉન્તિ ફિનૉમિનોલૉજિથી એવે દૂર ખસ્યા જેને તેઓ ‘ઇન્ડાયરેક્ટ ઑન્ટોલૉજિ’ અથવા ‘ઑન્ટોલૉજિ ઑફ ધ ફ્લેશ ઑફ ધ વર્લ્ડ’ કહે છે. વિશ્વના હાડમાંસને લક્ષમાં લેતું એમનું આ દર્શન એમના છેલ્લા પુસ્તકમાં, ‘વિઝિબલ ઍન્ડ ઇન્વિઝિબલ’-માં સવિશેષે વ્યક્ત થયું છે.
પરમ્પરાગત ફિલસૂફીના કેન્દ્રમાં ઇશ્વર હતો, અર્વાચીન ફિલસૂફીના કેન્દ્રમાં મનુષ્ય મુકાયો, પૉન્તિના દર્શનમાં શરીર કેન્દ્રમાં મુકાયું. માણસ શરીરસ્વરૂપે અસ્તિત્વમાં સંડોવાયેલો, વિષય છે – સબ્જેક્ટ છે. આપણે જોયું છે કે સાર્ત્ર સબ્જેક્ટને ‘ફૉર ઇટસૅલ્ફ’ અને ઑબ્જેક્ટને ‘ઇન-ઇટસૅલ્ફ’ કહે છે. ચેતના બન્નેની વચ્ચે અને બન્નેમાં માણસની અવરજવરને શક્ય બનાવનારું એક માધ્યમ મનાયું હતું, પૉન્તિમાં ચેતનાના એ માધ્યમ સ્વરૂપનો ધ્વંસ જોવા મળે છે.
એમણે ‘પ્રાયમસિ ઑફ પર્સેપ્શન’ પ્રયોગ સરજ્યો. મતલબ, શરીર વડે સૌ પહેલાં આપણે વિશ્વને પામીએ છીએ, ને પછી વિશ્વની ફિલસૂફી લખીએ છીએ…
= = =
(March 6, 2022: Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર