સૅક્સ્યુઅલ રીલેશનશિપ : લેખાંક -૩ : બૅડ ફેઇથ :
= = = અમથાલાલને ખબર હોય કે પોતે એક સામાન્ય અમદાવાદી છે પણ મજનૂના જમાનાનો હોય એમ અનેક સ્ત્રીઓ આગળ પોતાને મહા મોટા લવર તરીકે ઠઠાડે છે ને બધો વખત સૌ સામે જાતને એમ જ ખપાવતો ફરે છે = = =
‘બીઇન્ગ ઍન્ડ નથિન્ગનેસ’-માં સાર્ત્રે મનુષ્ય-વ્યક્તિને મળેલી અપારની અબાધિત સ્વતન્ત્રતાનો ખૂબ જ પક્ષ લીધો છે – કહો કે, વકીલાત કરી છે.
એ સ્વતન્ત્રતાની કવાયતે કરીને માણસ પોતાના જીવનની ભૂમિકા ઘડે છે. એટલે, દાખલા તરીકે અમથાલાલ, બીજાંઓના આધાર વિના પોતાનું અસ્તિત્વ સરજી શકે છે. અમથાલાલની એવી આત્મસર્જકતાને ઈશ્વરની સર્જકતા સાથે સરખાવી શકાય; જો કે સાર્ત્ર ઈશ્વરમાં ન્હૉતા માનતા.
પરન્તુ સાર્ત્ર એ જ મુદ્દો વિકસાવે છે અને કહે છે કે માણસ સ્વતન્ત્ર છે તેથી પોતાની પસંદગીઓ પ્રમાણે વર્તી શકે છે. પોતાને પસંદ પડે એ સ્વીકારે, ન પણ સ્વીકારે, ‘હા’ પાડે, ‘ના’ પણ પાડે. એમ પોતાની સ્વતન્ત્રતાને પ્રયોજવાની એની પાસે વિધ વિધની શક્યતાઓ હોય છે. માણસ નામે સ્વતન્ત્ર અમથાલાલ સકારાત્મક અને નકારાત્મક ઘણું ઘણું અને જાતભાતનું વિચારી શકે છે, બોલી શકે છે, કરી શકે છે.
પરન્તુ જો માણસને ગડ બેસે કે પોતાની અંદર શૂન્યતા છે, તો એ હાંફળોફાંફળો થઈ જાય છે ને ઍન્ગ્વીશ અનુભવે છે. ઍન્ગ્વીશ એટલે મનોયાતના; દેસીમાં કહું કે જીવને થતો, કઢાપો.
એવી પીડા વખતે, માણસથી અપારની પેલી સ્વતન્ત્રતા વેઠાતી નથી. સ્વતન્ત્ર છું એ હકીકત એનાથી સ્હૅવાતી નથી. અને ઍન્ગ્વિશથી છૂટવા માણસ બૅડ ફેઇથનો, આશરો કરી લે છે. જાતને છેતરવાનું અને છાવરવાનું શરૂ કરી દે છે. માણસમાત્ર, અમથાલાલ કે આપણામાંનો કોઈ પણ લાલ કે લાલી પોતાની જાતને અવારનવાર છેતરે છે.
કેટલા ય લોકો પોતાની જાતને ઠસાવતા હોય છે કે – પોતાનામાં નિર્ણયો લેવાની શક્તિ નથી. કોઈ પસંદગી પર પ્હૉંચીને તેને સાર્થક કરવાનું પોતામાં બળ નથી. એવાં સ્ત્રી કે પુરુષે પસંદગીને માટેનું સ્વાતન્ત્ર્ય ગુમાવ્યું હોય છે. આ બૅડ ફેઇથ છે, વંચના, આત્મવંચના. સાર્ત્ર એને mauvaise foi કહે છે.
આપણે જોઈએ છીએ કે પુરુષો પ્રેમમાં તો પડી જાય છે, પણ પછી બૅડ ફેઈથ આચરીને ‘હા’ કે ‘ના’ નથી કહેતા. વચ્ચેની દશામાં પડ્યા રહે છે. સમ્બન્ધનું ભવિષ્ય લટકતું થઈ જાય છે. અને ’હા’ કહે ત્યારે કે ‘ના’ કહે ત્યારે બહુ મૉડું થઈ ગયું હોય છે. સામી સ્ત્રી દારુણ પરિતાપનો ભોગ બની હોય છે. બૅડ ફેઇથને કારણે કેટલીયે છોકરીઓ લગ્ન પૂર્વેના જાતીય વ્યવહાર માટે કે અનિચ્છનીય ચેષ્ટાઓ માટે ‘ના’ પાડવાની હિમ્મત નથી કરી શકતી, અવઢવમાં રહે છે, અથવા જે થાય તે થવા દે છે …
બીજું એ કે આ બધાં જનો યોગ્ય પસંદગી તો નથી જ કરી શકતાં પરન્તુ એમને માટે બીજાંઓએ કરેલી પસંદગી અનુસાર ગોઠવાઈ જાય છે અને જેવું જિવાય એવું જીવવા માંડે છે. ભારતીય પરમ્પરાગત લગ્નોમાં, પહેલાં, માબાપ કે મામામાસી નક્કી કરે કે કયો મૂરતિયો વર થવાને અથવા કઈ કન્યા વધૂ થવાને લાયક છે. લાકડે માંકડું જોડાતું લાગે તો કહે કે વખત જતાં ઘીના ઠામમાં ઘી પડી રહેશે. પણ સામસામાં વાસણ જ ન ધરાયાં હોય તો ઘી ક્યાં ઢળે? લગ્ન જેવી સાવ જ વ્યક્તિગત બાબતમાં પરિવારગત કે સમાજગત આ દખલગીરી એક અર્થમાં દમ્ભ છે, એક સુદૃઢ અને સમાજવ્યાપ્ત વંચના છે.
વંચનાને વરેલાં જનો માટે સાર્ત્ર બે ઉદાહરણ આપે છે. એક છે, વેઇટરનું ઉદાહરણ; મારા શબ્દોમાં :
એક વેઇટર વેઇટરે કરવાનાં તમામ કામ ઉત્તમ રીતે કરતો હોય, આપણને પૂરી ખાતરી થાય કે સરસ. આમ તો, સારું કહેવાય. પણ સાર્ત્ર એ માણસને ‘પ્લે-ઍક્ટિન્ગ ઍટ અ વેઇટર’ કહે છે. એ એમને એક યન્ત્ર – ઑટોમેશન – લાગે છે, જેણે વેઇટર હોવાના સત્ત્વને બસ ટકાવી રાખ્યું છે. સાર્ત્ર એની એ વર્તણૂકને અતિશયિત ગણે છે. કહે છે કે એના જેવી વ્યક્તિઓ પસંદગીથી સરજાતા સંભવિત જોખમોને કે દાયિત્વોને કલ્પી શકતી નથી.
મને વિચાર આવે કે સાર્ત્રના આ વેઇટરને એમ તો થવું જોઈએ ને કે પોતે વકીલ થઈ શક્યો હોત ! એ જુદી વાત છે કે ડીગ્રી માટે મહેનત કરવી પડત એ મુદ્દે એ ડરી ગયો હોય. પણ એણે કદી વિચાર્યું નહીં કે એ પસંદગી એની કારકિર્દીમાં ખુલ્લી પડી હતી.
સાર્ત્ર સૂચવે છે કે કોઇ એક સમયે તો એને લાગવું જોઈએ ને કે પોતે હકીકતે વેઇટર નથી, બલકે એક એવો સભાન મનુષ્ય છે, જે પોતાને વેઇટર ગણીને છેતરી રહ્યો છે.
સાર્ત્રે આપેલું બીજું ઉદાહરણ, મારા શબ્દોમાં :
એક યુવતી ડેટ પર ગઈ હોય છે – ધ ફર્સ્ટ ડેટ પર. યુવક યુવતીના શરીરની પ્રશંસા કરે છે. યુવતી પ્રશંસા પાછળના જાતીય સંકેતને પામી જાય છે, પણ ગનેહને કરે છે. ઊલટું, જાણીસમજીને પોતાની જાતને પેલાએ કરેલી પ્રશંસા અનુસાર ઠીક ઠીક દોરવે છે – પેલો એનો હાથ પકડે છે તો નથી તરછોડતી કે નથી પેલાનો હાથ પોતે પકડતી. પોતાના હાથને અમસ્તો પેલાના હાથમાં ઢીલોઢાલો – લિમ્પી – પડી રહેવા દે છે. કેમ કે, પેલો આગળની છેડછાડ કરે તો શું કરવું એનો એને સમય મળી જાય. યુવતી સ્વીકાર અને અસ્વીકાર વચ્ચે પોતાની ઇચ્છાને સંતાડી રાખે છે.
Pic courtesy : Pixabay
વાત એમ છે કે પેલાની પ્રશંસાને એ પોતાના શરીર સાથે જોડતી નથી, પણ પોતાના હાથને એક વસ્તુ – ઑબ્જેક્ટ – રૂપે વાપરે છે. અને હાથ તો માધ્યમ – આખું શરીર જ વળી ! એમ કરીને પસંદગીને માટેના પોતાના સ્વાતન્ત્ર્યની અવગણના કરે છે, જાતને છેતરે છે.
આપણે જોઈએ છીએ કે અનેક પુરુષો સ્ત્રીઓને પટાવે ત્યારે જાતને પણ પટાવતા હોય છે. અમથાલાલને ખબર હોય કે પોતે એક સામાન્ય અમદાવાદી છે પણ મજનૂના જમાનાનો હોય એમ અનેક સ્ત્રીઓ આગળ પોતાને મહા મોટા લવર તરીકે ઠઠાડે છે ને બધો વખત સૌ સામે જાતને એમ જ ખપાવતો ફરે છે. કોઈ કોઈ સ્ત્રીઓ પણ પુરુષને લલચાવે, બનાવટ કરે, છેતરે, ત્યારે તેઓ પણ જાતને છેતરતી હોય છે. એવી સ્ત્રીએ કશા ડરને કારણે એક પ્રિયા, એક સન્મિત્ર, એક સન્નારી કે એક પત્ની થઈને જીવવાના વિકલ્પને છાવર્યો હોય છે.
સાર્ત્ર એમ દર્શાવે છે કે લોકો ભલે જાતને ઠસાવે કે પોતા પાસે પસંદગીનું સ્વાતન્ત્ર્ય નથી, પરન્તુ તેઓ જાતને એમ નહીં જ કહી શકે કે પોતે સભાન મનુષ્યો નથી. સભાન મનુષ્ય-નો અર્થ એ કે એને પોતાનાં ધંધાકીય કાર્યો સાથે કે વ્યવહારુ તાકીદો સાથે કે અરે, કશાં મૂલ્યો સાથે પણ ખાસ કશી લેવાદેવા હોતી નથી.
જુઓ, આત્મવંચનાનાં રૂપો બદલાતાં રહે છે. સાર્ત્ર એક રૂપ માટે રસાયણવિજ્ઞાન અને ભૌતિકવિજ્ઞાનમાં વપરાતી ‘metastability’ સંજ્ઞા પ્રયોજે છે. ઉર્જાની એ એક વચગાળાની સ્થિતિ છે. દાખલા તરીકે, એક ઢોળાવ પર બૉલ અમુક જગ્યાએ હૉલોમાં – દરમાં – અટકી પડ્યો હોય, એને જો જરાક જ ધકેલવામાં આવે તો દરમાં ગોઠવાઈ જશે, પરન્તુ એને જો થોડા દબાણથી ધકેલવામાં આવે તો બૉલ ગગડીને ઢોળાવને તળિયે જતો રહેશે.
વાતને અટકતી કે લટકતી રાખનારાઓ એ જ કરતા હોય છે. જેમ કે, જૂઠ આચરવું કે બોલવું એક સ્વરૂપની આત્મવંચના છે. જૂઠડાને ખબર હોય છે કે સાચું શું છે, પણ પોતાની વાણી વડે સાચને દબાવી રાખે છે, લટકતું રાખે છે. જૂઠના આચરણ વખતે બે જણનું હોવું જરૂરી છે – એક તો જૂઠડો પોતે અને એને જોનારો કે સાંભળનારો એક બીજો. એક જૂઠ બોલે છે, બીજો સાંભળે છે.
સમજો, એ છે અણગમતા સાચને છુપાવવાનો કે સાચને ગમતીલા જૂઠ રૂપે ઠસાવવાનો રૂડો એવો પ્રયાસ !
સાર્ત્ર એટલે સુધી કહે છે કે જૂઠ આચરનાર અને એને ચલાવી લેનાર બન્ને, જોવા જઈએ તો, એક જ છે !
આમ, સ્ત્રી કે પુરુષ પસંદગીઓ માટેની પોતાની સ્વતન્ત્રતાને પ્રયોજે નહીં અને બધું દમ્ભ, બનાવટ કે જૂઠાણાં આચરીને ચલાવે, તો દેખીતું છે કે સમ્બન્ધો લૂઝ થઈ જશે ને કો’ક દિવસે તૂટી જ જશે.
વાતને સાર એ છે કે જાતીય વ્યવહારોમાં – સૅકસ્યુઅલ રીલેશન્સમાં – કશું અદ્ધરતાલ ન રખાય – ‘હા’ તો ‘હા’, ‘ના’ તો ‘ના’ !
= = =
(January 27, 2022: Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર