= = = = આમે ય, સુખ એટલે શું? પૈસાટકા ને પદપ્રતિષ્ઠાથી સુખ મળે પણ સાચકલા સમ્બન્ધનું સુખ તો અનોખું, એના જેવું કશું નહીં ! હર પળ જીવને બસ સારું લાગે, એ સુખ! = = = =
2019-ના May મહિનાની ૯ તારીખે મેં આ પેજ પર ‘લૂઝ કનેક્શન’ લેખ મૂકેલો – નિબન્ધિકા. પછીથી તો ‘લૂઝ કનેક્શન’ નામે માનવ-સમ્બન્ધોની વાત કરતી નિબન્ધિકાઓની લેખશ્રેણી કરેલી.
હવે એ નિબન્ધિકા-શ્રેણીમાં આગળ વધવું છે…
ત્યારે ૧૦૦થી પણ વધુ મિત્રોનું એ પર ધ્યાન ગયેલું. એક મિત્રે મને ફોનમાં કહેલું કે ‘લૂઝનેસ’ જેવી માનવ-સમ્બન્ધોમાં બીજી અનેક સટપટર હોય છે, મને એમ છે કે તમે માનવસમ્બન્ધો વિશે આવું બધું વધારે લખો. મેં એમને કહ્યું કે તમારો ‘સટપટર’ શબ્દ મને ગમ્યો છે, કેમકે સમુચિત છે. હું પ્રયત્ન કરીશ. આભારી છું.
પછી એ ‘સટરપટર’ શબ્દે મારા મગજમાં ચકલીની જેમ કૂદાકૂદ કરવા માંડેલી. મને થયું, સમ્બન્ધોમાં ઝીણી-મોટી કેટલી બધી સટરપટર હોય છે; મારે એ વાતો કરવી જોઇએ. પણ મને થયું, હું કોઇ મનોવિજ્ઞાની કે સમાજવિજ્ઞાની તો છું નહીં. થયું, નથી કરવી એવી વાતો, કે લખવું પણ નથી એવું કશું.
છતાં સટરપટરની સટરપટર ચાલુ રહી. સટરપટર મને કહે, તારી પાસે સાહિત્યસર્જનની સૂઝબૂઝ જે કંઇ છે ને એથી તને માણસની જે અને જેટલી કંઇ ખબર પડી છે એને આધારે મિત્રો આગળ બે વાત કરવામાં તારું શું જાય છે, વાંધો શો છે, વિજ્ઞાનબિજ્ઞાનની ચિન્તા છોડ …
એટલે, વાત આગળ ચાલેલી.
લૂઝ કનેક્શન શ્રેણીમાં મેં અત્યાર સુધીમાં કહ્યું એને દેસીમાં કહેવું હોય તો
આમ કહી શકાય :
બારણું બરાબર નહીં વાસ્યું હોય તો સ્ટોપર મારી શકાશે નહીં. એટલે કે, સમ્બન્ધો અધબોબડા હશે તો કાયમ માટે સ્ટોપ કરવાનું મુશ્કેલ રહેશે. કાં તો બારણાં સજ્જડ બંધ કરી રાખો અથવા બારણાં ખુલ્લાં રાખો ને સ્ટોપરો રાખો જ નહીં, હોય તો કાઢી નાખો.
માનવ-સમ્બન્ધોનાં કનેક્શન્સ લૂઝ ન રહે તે માટે આ શ્રેણીમાં મેં ત્રણ જુદા જુદા ઇલાજ દર્શાવ્યા હતા એમ કહેવાય :
૧ : હમેશાં તમે ‘ટાકો બેલ’-ના ‘ફાયર સૉસ’-ની જેમ સામી વ્યક્તિને તમારામાં રસ પડે એવું કરો.
૨ : સમ્બન્ધમાં હમેશાં ખુલ્લાપણું બલકે કંઇપણ કહેવાની મૉકળાશ અને ‘હા’ કે ‘ના’ કહેવા-સાંભળવાની ઉદારતાભરી ખુલ્લાદિલી રાખો.
૩ : સમ્બન્ધ બાંધવા અને તેને ટકાવી રાખવા માટે તમારી ઈચ્છાશક્તિમતિનો હમેશાં ભરપૂર વિનિયોગ કરો :
જો આટલું કરી શકાય તો અનુભવાશે કે સમ્બન્ધ ખરો છે. અને, એટલે સુખ અનુભવાશે.
આમે ય, સુખ એટલે શું? પૈસાટકા ને પદપ્રતિષ્ઠાથી સુખ મળે પણ સાચકલા સમ્બન્ધનું સુખ તો અનોખું, એના જેવું કશું નહીં ! હર પળ જીવને બસ સારું લાગે, એ સુખ !
Picture Courtesy : iStock
પ્લગ-પિન બરાબર હોય, પાવર લાઇન ઑન હોય, એટલે સ્વિચ પાડીએ કે તરત બધી લાઇટો ફટાફટ થઇ જાય. આસપાસનું વિશ્વ આખું ઝાકઝમાળ – રંગરંગીન દીવા – ઝુમ્મરોની રોશની – દીવાળી દીવાળી – ધૉળે દિવસે દીવાળી.
પ્રતીતિ થાય કે બધાં કનેક્શન બરાબર છે. ક્મ્પ્યૂટર અને ફોન ફાસ્ટ ચાલે. કારનાં ટાયર ટાઇટ હોય, એમાં પૂરતી હવા હોય, કશાં ડચકાં વિના કે કશી ગરબડ વિના ચાલે. એમાં હોય એ મ્યુઝિક સૂરીલાં સંભળાય.
વૅલ-કનેક્ટેડ પ્રેમની પ્રતીતિ પણ આવી અને એટલી જ સુખદ હોય છે …
આ દુનિયાનું મોટામાં મોટું સુખ કયું છે, જાણો છો? આપણને જ્યારે બરાબ્બર લાગે છે કે કનેક્શન એકદમ ફિટ ઍન્ડ ફાઇન છે, સૉલિડ છે, ફન્કશનલ છે. તો થશે, અરે યાર, એ મને કેટલું બધું ચાહે છે; મારા જેવું સુખી કોઇ નથી.
આ, આમ લખી નાખવાની ચીજ નથી, અનુભવવાની વસ્તુ છે. અને અનુભવીઓને એની પ્રતીતિ છે જ.
(April 6, 2021: USA)