સ્તનોના ભારને લીધે થોડુંક નમેલી – સ્તોકનમ્રા સ્તનાભ્યામ્. કવિ કાલિદાસે શકુન્તલા માટે કહ્યું છે. કવિ કાલિદાસે દુષ્યન્ત પાસે બોલાવરાવ્યું છે – વયમ્ તત્ત્વાન્વેષી, અમે (આપણે) તત્ત્વના અન્વેષક છીએ.
સંદર્ભથી તો એમ સૂચવાય છે કે – નારીરૂપ શકુન્તલાના દેહતત્ત્વના અમે અન્વેષક છીએ – એને ઢૂંઢનારા છીએ. રાજાઓ પોતાને માટે વટભેર ‘અમે’ બોલતા હોય છે. જો કે ‘અમે’ કહીને દુષ્યન્તે આમાં માઢવ્યને પણ સંડોવ્યો લાગે છે. માઢવ્ય વિદૂષક છે – લિટરરી આર્કિટાઇપ – પણ આ નાટકમાં એ એક પાત્ર છે. શકુન્તલા માટે દુષ્યન્તને સલાહસૂચનો કરે છે, વ્યવહારુ ધોરણે શું કરી શકાય વગેરે બાબતોનું માર્ગદર્શન આપે છે.
હું ભણતો’તો ત્યારે થતું કે પ્રેમના મામલામાં એકાદ માઢવ્ય જેવો જોડે હોય તો સારું થાય …
કાલિદાસ ક્યારેક ન લખવાનું લખે છે, અતિશયોક્તિ કરે છે. તેમ છતાં, કાલિદાસ મને કામલક્ષી સૌન્દર્યના મોટા સર્જક લાગ્યા છે.
પરન્તુ સૌન્દર્યને હું હ્યુમન કનેક્શનનું મહા રસાયન લેખું છું. એના કારણે અને પ્રતાપે લૂઝ કશું પણ લૂઝ નથી રહેતું. કેમ કે સૌન્દર્ય ઇનૉર્મસ કનેક્ટિવિટી ધરાવે છે – વિપુલ સંયોજનક્ષમતા. કેમ કે સૌન્દર્યમાં ઇન્ક્રૅડિબલ ઍટ્રેક્શન હોય છે – અપ્રતિમ આકર્ષણ. બે શરીરોને ખેંચે જોડે ઇન્દ્રિયગ્રામને હચમચાવે અને તેમનાં મન-હૃદયને એક કરી દે. મારી ધારણા છે કે અર્ધનારીનટેશ્વરની કલ્પનાનું મૂળ રસાયન સૌન્દર્ય હશે. સોશ્યલ મીડિઆને ગમે એટલું ઇનકારો, કનેક્ટવિટી એનો પ્રાણ છે.
Kaine Cruz -South African singer-song writer
Picture courtesy : Connectmedia.biz
દેહની સુન્દરતાનો સર્વસામાન્ય ખયાલ આવો છે : ગોરો રંગ; વ્યક્તિ ન ઊંચી, ન ઠીંગણી; ન જાડી, ન પાતળી. ઘઉંવર્ણ ચાલે, કાળો વર્ણ ન ચાલે. આંખો બહુ મોટી નહીં, બહુ ઝીણી પણ નહીં. નાક ચીબું ન ચાલે, અણિયાળું બરાબર પણ લાંબું ન ચાલે. એક જમાનામાં, વાંકડિયા વાળ સારા ગણાતા હતા, છોકરીઓ હવે તો સ્ટ્રેઇટ કરાવી લે છે. પણ વાળ હોવા જોઈએ, ટાલ ન ચાલે.
મને એક વાત યાદ આવે છે : અમે વડોદરામાં ગાંધીનગર ટાઉનહૉલની પાછળ રહેતાં હતાં, અમારી પડોશમાં એક છોકરી રહેતી હતી, ૨૩-૨૪ની. એના વાળ એના પગની પાનીએ પ્હૉંચતા હતા. રશ્મીતાએ એક વાર પૂછ્યું એને : મૅનેજ કેવી રીતે કરે છે? : આન્ટિ, બહુ મુસીબત છે, મમ્મી મદદ કરે ત્યારે શૅમ્પૂ થઈ શકે છે : તને આટલા લાંબા વાળ ખુલ્લા રાખવા ગમે છે? : બહુ જ, બ્હાર નીકળું ત્યારે બધા જોઈ રહે છે : તે વખતે તું શું કરે? આંખો કાઢે? ગુસ્સે થાય? : ના, હું સ્મિત કરું છું. કેમ કે એથી મને સારું લાગ્યું હોય છે : એનું નામ હતું, ગંગા.
આમ, સૌન્દર્ય એકથી બીજાંઓને અને પછી ઘણાંઓને જોડે છે, રસી દે છે. સુન્દર પુરુષોની અને ખાસ તો સુન્દરીઓની વારતાઓ સદીઓ લગી ચાલ્યા કરતી હોય છે. જાણો કે સોશ્યલ મીડિયા સૌથી વધુ આગળ કરે છે, ફૅમિનાઇન બ્યુટિને. એક મોજણી અનુસાર, વીસમી સદીના ઉત્તરાર્ધમાં જન્મેલી વિશ્વની જીવન્ત બાવન સુન્દરીઓની વારતાઓ હાલ સોશ્યલ મીડિયા પર ચાલુ છે. એમાં, ઍન્જેલિના જૉલિ, માહિરા ખાન, જૅનિફર લૉરેન્સથી માંડીને દીપિકા, ઐશ્વર્યા અને પ્રિયંકા પણ છે.
આપણો અનુભવ છે કે સુન્દર સ્ત્રીને, સુન્દર પુરુષને તેમ જ સુન્દર કલાકૃતિને જાણીમાણીને માણસ ઝૂમી ઊઠે છે, નાચવા લાગે છે. ચિત્ર શિલ્પ અને સ્થાપત્ય નજરને સ્થિર કરી દે છે, સ્તબ્ધ થઈ જવાય. સંગીત ડોલાવે છે અને સાહિત્ય આપણા ચિત્ત-બુદ્ધિકોષને સંતર્પે છે, માણસ આનન્દમાં આવી જાય છે.
હું કલાસૌન્દર્યની વાત મારા વિદ્યાર્થીઓને શીખવતો, ત્યારે ક્હૅતો – કલાકૃતિ સુડોળ હોય છે, એટલે કે, એમાં સૌષ્ઠવ હોય છે, ચોફેરની નમણાશ, સિમેટ્રી. કોઈ એક ભાતમાં ગોઠવેલી દીવાસળીઓનું દૃષ્ટાન્ત આપીને સમજાવતો કે એમાં, સુરેખતા સમાનતા સુસંરચના સુલય અને આકાર કે ઘાટ હોય છે. ચિત્રકૃતિમાં રંગ આગન્તુક છે, રુચિપૂર્ણ રંગ ભળ્યા હોય તો સારી વાત છે. કલાસૌન્દર્ય હમેશાં સ્વયંસમ્પૂર્ણ હોય છે, સ્વકેન્દ્રિત હોય છે. પણ એ સમ્પૂર્ણતા છલકાતી રહેતી હોય છે. એ કેન્દ્રની ત્રિજ્યાઓ હમેશાં વિસ્તરતી રહેતી હોય છે. એ વિસ્તૃતિ ભેદોનો નાશ કરી દે છે. કલાકૃતિમાં સર્વ ભેદોનો વિલય હોય છે, ભેદો જો ગૂંથ્યા હોય, તો તેની પણ એક રમણીય ભાત હોય છે.
કેટલીક સામા છેડાની સમજદારી સ્થિર થયેલી છે : એ તો જાડિયો છે, નહીં ચાલે : જવા દો, એ તો પાતળી સપાટ છે : પરન્તુ પાતળા દેહ માટેનો પ્રેફરન્સ પણ જોવા મળે છે – પાતળી પરમાર : જ્યોતીન્દ્ર દવેએ ક્યાંક આવા મતલબનું લખ્યું છે : જાડલિયા જોરવશ નહીં, પ્રેમવશ થઈશ : એ તો કાળિયો છે, શું કરવાનું. પણ ઘણી વાર વાંધો નથી આવતો, મન માની જાય છે – શામળિયો છે પણ કામણગારો છે – શામળી છે પણ સરસ છે.
દેહલક્ષી પછીનો એ ગુણલક્ષી ખયાલ છે. પુષ્પની ગન્ધ તેનો ગુણ છે. પુષ્પોના તો કુદરતે અગણિત રંગો સરજ્યા છે. અમેરિકામાં જોવા મળતાંનાં તો ક્યારેક નામ પણ ન આવડે, કલ્પનાઓ કરવી પડે. લાગે કે કેટલાંયે અમેરિકન ફૂલો છે રંગરંગીન, પણ સુવાસ? હોય, પણ એવી હળવી કે નાક નજીક લઈ જવું પડે. સુવાસ, સુગન્ધ, ઉપરાન્ત આપણે ફૉરમ, પીમળ, જેવી અર્થચ્છાયાઓ વાપરી શકીએ. કવિ પ્રહ્લાદ પારેખે એક જ કાવ્યમાં ન-છૂટકે પ્રયોજેલી ખુશબો, પમરાટ, ગન્ધ, સુરભિ વગેરે અર્થચ્છાયાઓ વાપરી શકીએ. પણ કયા ફૂલ માટે કઇ અર્થચ્છાયા બંધબેસતી છે, તે ન સૂઝે. ગુણલક્ષીતા સંદર્ભે – ગોરાં તો ગધેડાં પણ હોય છે અને – નગરવધૂ છે, ગણિકા ભલે છે, ગુણિયલ છે જેવી ઉક્તિઓ પણ સ્થિર થયેલી છે. દારૂડિયાને, જુગારીને, પરસ્ત્રીગામીને, એ ગમે તેટલો ગોરો ને રૂપાળો કેમ નથી, કોઇ પસંદ નથી કરતું. એના દુર્ગુણ એના દેહસૌન્દર્યને ખાઈ જાય છે, ભૂંસી નાખે છે.
જેમ કે, કેટલીયે વ્હાઈટ અમેરિકન છોકરીઓ જાડિયા બ્લૅક છોકરાને પસંદ કરતી હોય છે, પ્રેમમાં પડે છે ને લગ્ન પણ કરે છે. કુદરત તો રંગભેદમાં માનતી જ નથી. નહિતર એણે વ્હાઇટ, બ્લૅક, બ્રાઉન, યલો રંગની જાતિઓ ન સરજી હોત. સસલાં સફેદ ખરાં, બ્રાઉન પણ હોય છે. કબૂતર ગ્રે ખરાં, સફેદ પણ હોય છે, સફેદમાં કાળાં ટપકાંવાળાં પણ હોય છે. કહેવાય છે કે હાથી સફેદ પણ હોય છે, કાગડા સફેદ પણ હોય છે, મેં એકેયને નથી જોયા.
બાકી, બધા ભેદ માણસે સરજ્યા છે. અસ્પૃશ્યતા જેવું જ માણસજાતને માથે બીજું કલંક, રંગભેદ છે. અંગ્રેજી શબ્દ છે, ઍપરથાઇડ. આફ્રિકી ભાષાઓમાં એનો અર્થ છે, ભેદકતા – ઍપાર્ટનેસ. ગાંધીજી અને માર્ટિન લ્યુથર કિન્ગ – સીનિયર અને જુનિયર, નેલ્સન મંડેલા અને સાહિત્યકાર જેમ્સ બાલ્ડવિન સહિતનું આખુંયે બ્લૅક લિટરેચર, ભારતીય / ગુજરાતી દલિત લિટરેચરની જેમ જ, એ મનુષ્યસરજિત દૂષણો સામે ઝઝૂમ્યાં છે, લડ્યાં છે.
નીગ્રો કૉઝ માટે જીવનભર જુદ્ધે ચડેલા જેમ્સ બાલ્ડવિન માટે એક વાત કહેવાય છે – એ કે અન્યાય અને શોષણ સામે શાસન અને સિસ્ટમ્સને તતડાવતાં જલદ વાક્યો બાલ્ડવિને લખ્યાં છે એવાં કોઈ બીજાએ નથી લખ્યાં; કોઈ બીજો નથી લખી શકયો. નૉંધવું જોઈએ કે બાલ્ડવિન નવલકથાકાર નિબન્ધકાર નાટ્યકાર એટલે કે સાહિત્યકાર હતા અને એમનું હૈયું કરુણાળુ હતું. ’ધ ફાયર નૅક્સ્ટ ટાઇમ’-માં બાલ્ડવિન પોતાના શૈશવને સંભારે છે ત્યારે એક સ્થળે હૃદયદ્રાવક શબ્દોમાં કહે છે; એ ફકરો, વિદ્વાનોએ બહુ વાર ટાંક્યો છે. હું એનો કામચલાઉ અનુવાદ આપું છું :
“મારાથી ઉમ્મરમાં થોડીક જ મોટી છોકરીઓ દેવળનાં વૃન્દગાન કે સન્ડે સ્કૂલમાં શીખવાડાયેલાં ગીત ગાતી હતી, કુલીન મા-બાપની દીકરીઓ, ત્યારે, મને, એમના વિકસી રહેલા સ્તનના કે એમનાં કૂલાંના ગોળાવો નહીં, પણ એમની આંખો, એમની ઉષ્મા, એમની સુગન્ધી અને એમના બેસી ગયેલા અવાજ – એ બધાં એટલાં બદલાયેલાં લાગેલાં કે હું મૂંઝાઈ ગયેલો. એ એમનું માન્યામાં ન આવે એવું, અતુલનીય, સ્વરૂપાન્તર હતું.”
આપણે ત્યાંના પીડિત શોષિત વર્ગોની ઋજુ વયની છોકરીઓ વિશે આવી અનુકમ્પા પ્રેરનારી વાણી ભાગ્યે જ સાંભળવા મળે છે. મુમ્બઇના ધારાવીની બાળાઓને સિદ્ધિવિનાયક મન્દિર જોવા પણ મળ્યું હશે ખરું? પૂજાઅર્ચન તો દૂરની વાત ! સ્માર્ટ સિટી અમદાવાદના ગરીબ પછાત વિસ્તારોની બાળાઓ કયા મન્દિરોમાં જઈ શકી છે? એ વિશે આપણે શું જાણીએ છીએ? ‘ધર્મ-જાતિના ભેદ નથી, અહીં સૌ કોઈ પ્રવેશી શકે છે’ – એવાં પાટિયાં જરૂર લટકાવ્યાં હોય છે !
પરન્તુ મનુષ્ય કલાકૃતિ જેટલો સુન્દર નથી હોતો. કોઈ કોઈ બાળક હોય છે, પણ ભાગ્યે જ. તે છતાં સંસાર કેમ ચાલે છે? એટલા માટે કે સૌન્દર્ય છેવટે તો એક સંવાદ છે, સમવિષમ સૂરોનું સંયોજન છે. આપણો અનુભવ છે કે સુન્દર સ્ત્રીને સુન્દર પુરુષને તેમ જ સુન્દર કલાકૃતિને જાણીમાણીને આપણે ઝૂમી ઊઠીએ છીએ, નાચવા લાગીએ છીએ. ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય આપણી નજરને સ્થિર કરી દે છે. સંગીત આપણને ડોલાવે છે અને સાહિત્ય આપણા ઇન્દ્રિયગ્રામને તેમ જ મન-હૃદયને સંતર્પે છે. સર્વ અવયવો કદ-માપથી સંવાદી હોય એવા સમ્પન્ન સંયોજનને કારણે જ જીવ પ્રગટે છે – શું ગર્ભમાં કે શું કલાકૃતિમાં.
વિશ્વની બાવન સુન્દરીઓની મોજણી કરનારા પેલા નિષ્ણાતો કહે છે કે આ સ્ત્રીઓનું સૌન્દર્ય તો ખરું જ પણ એમાં અમે સૌન્દર્યથી કશુંક વિશિષ્ટ પણ અનુભવીએ છીએ.
પણ મારે એમ કહેવું છે કે એ વિશિષ્ટ કશુંક તો સુન્દર પુરુષોમાં, સુન્દર કલાકૃતિઓમાં, સુન્દર સાહિત્યકૃતિઓમાં, કહો કે સૌન્દર્ય જ્યાં જ્યાં અનુભવાય ત્યાં ત્યાં હોય છે, એટલું જ કે આપણે એ વિશિષ્ટ તત્ત્વનું નામ નથી પાડી શકતા.
બીજું મારે એ કહેવું છે કે સુરૂપતા જેવો જ બીજો શબ્દ છે, કુરૂપતા. સૌન્દર્ય જેવો જ બીજો શબ્દ છે, કદર્ય. વિદ્યાર્થીઓને ક્હૅતો – ઉપર લખ્યા મુજબ – કે કલાકૃતિમાં સર્વ ભેદોનો વિલય હોય છે, ભેદો જો ગૂંથ્યા હોય, તો તેની પણ એક રમણીય ભાત હોય છે. એ માટે હું દીવાસળીઓનું દૃષ્ટાન્ત વિસ્તારતો : સફેદની સાથે ઊભી કાળી કે ત્રાંસી ભૂરી અથવા બધી જ આડી ગુલાબીની સાથે સૂતેલી સફેદ તેમ જ લીલી જો એક સરખી-અણસરખી ભાતમાં ભળી હોય, તો એ સર્જન પણ સુન્દર જ લાગે છે. તાત્પર્ય, સુરૂપ જોડે કુરૂપ, સૌન્દર્ય જોડે કદર્ય, એવી જે ત્રીજી કૃતિ સરજાય છે, એ પણ એટલી જ રસપ્રદ હોય છે.
‘અભિજ્ઞાનશાકુન્તલમ્’-ના કાલિદાસની જોડે ‘ધ ફાયર નૅક્સ્ટ ટાઇમ’-ના બાલ્ડવિનને મૂકી જુઓ. ત્રીજા જ વિચારો પ્રભવશે અને એ એટલા જ આહ્લાદક અને પ્રેરક હશે.
વિચારો કે સંસાર ચાલે છે તે કેમ ચાલે છે. એટલા માટે કે સૌન્દર્ય છેવટે તો કાળાં-ગોરાંના અથવા સુરૂપ-કુરૂપના સંયોજનથી રચાતો સંવાદ છે. રાગ પણ સંવાદી-વાદી સૂરોથી હોય છે. આધુનિક ચિત્રકારોએ બતાવી દીધું કે રાજા કે રાજકુમારી મૉડેલ હોય, એ કશી અનિવાર્યતા નથી. બૉદ્લેરે દર્શાવ્યું કે દુરિતનાં પણ પુષ્પો હોય છે – ધ ફ્લાવર્સ ઑફ ઇવિલ. નિત્શેએ, કામૂએ, અને તમામ અસ્તિત્વાદી ચિન્તકોએ એવા મતલબનું કહ્યું કે જીવનના હારમોનિયમની એકાદ કી બસૂરી છે, એટલે જ જીવન સુન્દર છે.
આ લેખનો સાર એટલો જ છે કે દરેક મનુષ્યે કાળાં-ગોરાંના, સુરૂપ-કુરૂપના, સંવાદી-વાદીના, સર્વ ભેદ ભૂલીને એથી રચાતી સુન્દર જીવનભાતને જ વશ રહી જીવવું – કેમ કે ભેદોનો પાર નથી. એક ભેદ બહુ આસાનીથી બીજા ભેદો સરજી લે છે. જીવનનું વાજું બસૂરા સૂર સાથે વગાડવાની મજા કંઈક ઑર છે.
આ લેખનો મારે લેવા જેવો સાર એ છે કે જાણવા કરતાં માણવાની ચીજ સૌન્દર્ય વિશે મારે ઝાઝું ન લખવું જોઈએ. પણ સૌન્દર્યની આ ઇનૉર્મસ કનેક્ટિવિટી વિશે તો મારે મારાથી જેટલું લખાય એટલું લખવું જોઈશે …
= = =
(June 10, 2021: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઈસબૂક દિવાલેથી સાભાર