Opinion Magazine
Number of visits: 9446688
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકશક્તિનું લાવણ્ય ક્યારે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|12 March 2017

પાક્ષિક “નિરીક્ષક”નો તંત્રીલેખ :

તમે એને ‘મોદી, મોદી, ઑલ ધ વે’ કહી શકો. ક્યાં છે રાહુલ ગાંધી, એવું આધ્યાત્મિક અજ્ઞાન પ્રગટ કરી શકો. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી મોદીને નામે અગાઉથી ખતવી શકો. જેમ ટ્રમ્પની ફતેહમાં જોયું અને અન્યત્ર જણાઈ રહ્યું છે તેમ જાગતિક જમણેરી જમાનાની એક સાહેદીરૂપે જોઈ શકો : ૨૦૧૭ની ૧૧મી માર્ચે પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવાનાં પરિણામો પછી આ પ્રાથમિક પ્રતિક્રિયા લગારે ખોટી નથી. કબૂલ કે જેમ ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ તેમ મણિપુર ને ગોવા સુવાંગ ભાજપનાં નથી. કબૂલ કે પંજાબે કૉંગ્રેસને નિર્ણાયક બહુમતી આપી છે, અને અકાલી-ભાજપ ગૃહમાં ત્રીજા ક્રમે મુકાઈ ગયાં છે. ભાઈ, બધું સાચું પણ મણિપુરમાં ભાજપની આવી ને આટલી હાજરી પૂર્વે કદાપિ નહોતી. ગોવા ખોઉં ખોઉં છતાં હાજરી તો ઠીક જ છે. ગમે તેમ પણ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં અદ્યાપિ પર્યંત વિક્રમી વિજય સાથે આ ઘટનાક્રમને મોદી, મોદી, ઑલ ધ વે એમ વર્ણવ્યા વગર અને આ પ્રક્રિયામાં પક્ષપ્રમુખ અમિત શાહની વ્યૂહકારીને બિરદાવ્યા વગર ન જ રહી શકો, એ સાદો પ્રાથમિક હિસાબ છે.

પણ જે જીત્યો, જીત્યો અને જીત્યો તે સો ટચનો સિકંદર એવી કોઈ સમજ પર ઠરવાનું હોય તો નાગરિક છેડે એ એક ગરબડગોથું જ લેખાશે. ૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરે જે બન્યું – અને તેને પગલે ૧૯૯૩માં નવી વિધાનસભા ચૂંટણીમાં અયોધ્યા લેતાં લખનૌ ખોયા જેવો ઘાટ ઊપસી રહ્યો – તે પછી તેવીસ વરસે સુવાંગ ભાજપ સરકાર આવે છે. તો શું તે દરમ્યાન ભાજપની અહીંથી થતી રહેલી ટીકા, ૨૦૦૨ના હિંસક ક્રમ સબબ સરકારી મેળાપીપણા અને વિચારધારાકીય વરખ બાબતે અસંદિગ્ધ આલોચના, આ બધું જ આપોઆપ રદ લેખાશે? એક વસ્તુ આ ગાળામાં વખતોવખત સાંભળવાની મળતી રહી છે કે તમે જેટલી ટીકા કરો છો એટલું એ આગળ વધે છે.

પ્રશ્ન જો કે આ છે : જે ટીકા થઈ તે સ્વતઃ ગ્રાહ્ય છે કે નહીં? એટલે કે ટીકા ન કરવી તેવી તમારી વ્યૂહાત્મક સલાહ છે કે પછી ટીકા પોતે જ ખોટી છે? જો ટીકામાં દમ હોય (અને તંત્રીના મતે છે) તો આજે એ સ્વીકાર્ય બને કે ન બને, એ કરતી વેળાએ પોતાની સમજ મુજબ એક ઇતિહાસકર્તવ્ય બજાવ્યાનું જે પણ સુખ તે તો છે જ છે. વૈશ્વિક સ્તર પર એકંદરે જમણેરી ઉછાળો જોવા મળે છે ત્યારે પણ જો ટીકાનો દોર ચાલુ રાખીએ તો સામેપૂર પણ આપણે મતે એક સાચી વાત કહ્યાનો, ભલે દૂઝતા જખમનો કે મીઠી વલૂરનો આનંદ તો છે જ છે. અને મોટી વાત, જે આજે વ્યૂહાત્મક સલાહકારોને નથી વસતી તે તો કદાચ એ છે કે કાળક્રમે જ્યારે નવી રચનાની વેળા સામે આવશે ત્યારે આ ટીકાટિપ્પણમાંથી એક વૈકલ્પિક ભાત હાથવગી હોઈ શકશે. તે ઉપરાંત, બને કે, ચાલુ ટીકાદોર ચાલુ પ્રક્રિયા (એટલે કે વિક્રિયામાં કિંચિત્‌કવચિત્‌સંસ્કારક (કરક્ટિવ) ભૂમિકા પણ ભજવી શકે.

વાજપેયી-અડવાણી-નમો નેતૃત્વમાં ભાજપની જે કૂચ મે ૨૦૧૪ સાથે પરાકાષ્ઠાએ પહોંચતી માલૂમ પડી એને વિગતોના ઉજાસમાં જોવીતપાસવી રહે છે. અયોધ્યા આંદોલન સાથે પોતે વિમર્શ આખો બદલી નાખ્યો એમ અડવાણી કહેતા રહ્યા છે. પણ ૧૯૯૮થી ૨૦૦૪નો વાજપેયી શાસનકાળ, આ બદલાયેલા કહેવાતા વિમર્શને બંધારણીય આણ અને નાગરિક ધોરણોની માજામાં રાખવાની એક કોશિશ હતી. આ કાચીપાકી-કાલીઘેલી કોશિશ, એ સંદર્ભમાં તંગ દોરની નટચાલ, તે વાજપેયીનું કંઈક જમા પાસું હતું. વાજપેયીને આ કોશિશમાં મળી રહેલી મદદ જો સંઘ પરિવારની સંભવિત સત્તાસુવિધાવશ હશે તો ટીકાકારોની ટીકાવશ પણ હશે, એનો આપણને કદાચ ખયાલ જ નથી આવતો. વાજપેયીએ જે સ્વીકૃતિ બનાવી હતી એના ફીલગુડ માહોલનો લાભ ૨૦૦૪માં મળશે એવી અડવાણીની ગણતરી હતી પણ તે પાછી અને કાચી પડી એનું કારણ ગુજરાત ૨૦૦૨ની કલંકકથા હતી, એવું વાજપેયીનું ખુદનું કહેવું હતું.

પણ તે સાથે ભાજપે અયોધ્યાઉત્તર પથ-સંસ્કરણ(કોર્સ કરેકશન)ની જે પ્રક્રિયા એળે નહીં તો બેળે પણ શરૂ કરી હશે તે ય સમજવા જેવી છે. ૧૯૯૩ની ચૂંટણીમાં મુલાયમ અને માયાવતી એકત્ર આવ્યાં તે સાથે ૧૯૯૨ની કથિત અયોધ્યા ફતેહ કદ મુજબ વેતરાઈ ગઈ અને ભાજપ ઉજળિયાત હિંદુઓના પક્ષ તરીકે સત્તામાંથી ફેંકાઈ ગયો. આ પડકાર કેવળ સવર્ણ હિંદુ ઓળખમાંથી બહાર આવવાનો હતો. ૧૯૯૩ અને ૨૦૧૭ વચ્ચે રાજનાથ સિંહને જે ટૂંકો કાળ મળ્યો એમાં એમણે એમ.બી.સી. (મોસ્ટ બેકવર્ડ કલાસ) જોગવાઈઓનો પાસો ફેંક્યો તે આ દિશાનો હતો. ૧૯૯૫માં ભાજપે ગુજરાતમાં સુવાંગ ફતેહ મેળવી, કેશુભાઈ પટેલના નેતૃત્વમાં અને શંકરસિંહ-નમોની આખા પગની ને પૂરા દિમાગની વ્યૂહકારીમાં, એમાં સોશ્યલ એન્જિનિયરીંગની દિશા ઉમેદવારપસંદગીમાં અભિપ્રાય પકડવામાં આવી હતી. તે પછી તરતના મહિનાઓમાં પક્ષની ગોવા બેઠકમાં નમોએ એનો વિગતે ખયાલ પણ આપ્યાનું સ્મરણ છે. અલબત્ત, ચિંતનાત્મક સ્તરે પક્ષમાં આનું શ્રેય આજે પક્ષખારિજ ગોવિંદાચાર્યને નામે જમે બોલે છે. હકીકતે, ૧૯૯૩માં લખનૌ ખોયું, ‘આજ પાંચ પ્રદેશ, કલ સારા દેશ’ એ સૂત્ર ભોઠું પડ્યું ત્યારે દીનદયાલ શોધ સંસ્થાનમાં મળેલી ચિંતન બેઠકમાં ઉમા ભારતીએ આખી વાત સચોટપણે મૂકી હતી કે ચેહરા, ચરિત્ર ઔર ચાલ બદલના હોગા. ૨૦૦૧ના ઑક્ટોબરમાં દિલ્હીનીમ્યા દંડનાયક તરીકે મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે જાતદેખરેખ નીચે ખાસ કાળજીભેર પ્રસારિત કરેલા બાયોડેટામાં પોતાની ઓ.બી.સી. ઓળખ પણ અધોરેખિત કરી હતી. વિશ્વનાથ પ્રતાપસિંહના મંડલાસ્ત્રને મંદિર સાથે સમન્વિત કરવાની આ રાજનીતિ હતી, જેમાં હિંદુ ઓળખનુંં (એમાં વળી એનું સહજરૂપે થોડાક ટકા સવર્ણોમાં સમેટાઈ જવંુ) કેટલું અપૂરતું છે અને એક નાના ટોચકા સિવાય કેટલા બધાને પોતાનામાં ભેળવવાની (એક મેઘધનુષી સંકલનાની) જરૂર છે એનો એકરાર અને સ્વીકાર હતો. જો કે, હિંદુત્વ નામની રાજકીય વિચારધારાની પોતાની મર્યાદાઓ અને ભયસ્થાનો વિશે કોઈ સભાન આત્મતપાસ ભાગ્યે જ હશે.

વસ્તુતઃ કેવળ ‘અગડો’ને બદલે ‘પીછડોં’ની રાજનીતિ એ એક વૈચારિક અભિગમ તરીકે રામ મનોહર લોહિયાની ભેટ હતી. ‘કલાસ’ અને ‘કાસ્ટ’ બંનેની સમજ આ દેશજ સમાજવાદીને ઠીક ઠીક હતી. ઉત્તરપ્રદેશમાં યાદવસીમિત સામાજિક ન્યાયની રાજનીતિને નમો અમિતે સર્વ બિનયાદવ પછાતોને ચૂંટણીમાં પ્રતિનિધિત્વ આપવાની રીતે પેલું મંડલમંદિર મેળાપીપણું અંકે કર્યું. યોગી આદિત્યનાથ જેવાઓએ કોમવાદી મુદ્દા સળગતા રાખીને કે નમોએ સ્મશાન વિ. કબ્રિસ્તાન જેવી તથ્યનિરપેક્ષ મરોડમાસ્તરીથી અગર તો અમિત શાહે સામેવાળાઓને ‘કસાબ’ કહીને મૂળના કોમી ધ્રુવીકરણના પાયાને સાચવી લીધો અને તે સાથે નાના-નાના બિનયાદવ ઓ.બી.સી. તબકાને સાંકળીને તે વિસ્તાર્યો. માયાવતીએ મોટે પાયે મુસ્લિમ ઉમેદવારો ઊભા રાખીને તો ૨૦૧૪ની જેમ જ ૨૦૧૭માં એકે મુસ્લિમ ઉમેદવાર નહીં ઊભો રાખીને નમો-અમિતે હિંદુ મતોનું દૃઢીકરણ પાકું કર્યું. આ પ્રક્રિયામાં માર્કેટને અલબત્ત ન જ ભુલાય. નમોએ ગુજરાતની ૨૦૧૨ની ચૂંટણીથી આગળ કરેલું એક વાનું ‘એસ્પિરેશનલ મિડલ કલાસ’- કંઈક અભીપ્સુ, કંઈક ખુદગર્જ મધ્યમવર્ગનું હતું. ઊંચો મધ્યમવર્ગ જે નરસિંહ રાવ – મનમોહનસિંહની ભેટ છે તે નમો-અમિતનો જાનૈયો કે’દીનો હતો જ. નમોનું હિંદુત્વ અને વિકાસવેશ બેઉ મંડલમંદિર માર્કેટ ત્રિશૂલ છે તે સમજવા જેવું છે.

પીછડોંકી રાજનીતિનો જે દેશજ સમાજવાદ લોહિયા લાવ્યા એનો સંદર્ભ વ્યાપક લોકશાહી સમાજવાદનો હતો અને તે માટેની પાવડા-મતપેટી-જેલ ભરો રાજનીતિની ચાલતાના ‘સપ્તક્રાન્તિ’ની હતી. જયપ્રકાશ ચિત્રમાં આવ્યા ત્યારે એમણે જગવેલ અને ગજવેલ અપીલ ‘સમ્પૂર્ણ ક્રાન્તિ’ની હતી. ઈંદિરા ગાંધીના વોટ બેંક પોલિટિક્સથી કે નમો-અમિતના મંડલ મંદિરમાર્કેટવાદથી ઉફરાટે તે નવા અને ન્યાયી સમાજની ખોજ હતી. કૉંગ્રેસ, સમાજવાદી પક્ષ, બહુજન સમાજ પક્ષની દેખાઈ આવે એવી (અને એથી ચૂંટણીમાં નસિયતપાત્ર) મર્યાદાઓ સામે આ ત્રિશૂલ હાલ તો સફળ થઈ રહ્યું છે. પણ તેમાં સાચો જવાબ નથી, એ ક્યારે સમજાશે?

દેખીતો દેશમિજાજ આજની તારીખે બેલાશક ‘બદરીકી દુલ્હનિયાં’નો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તત્કાળ પ્રતિક્રિયામાં કહ્યું છે કે નોટબંધીના ટીકાકારોને પ્રજાએ વોટબંધી ફરમાવી છે. અને વાત પણ સાચી છે. એક પણ દાવા કે કારણની કોઈ પ્રતીતિકર સાહેદી નથી. વાસ્તવિક હાડમારીનો દોર નજરોનજર પસાર થયો છે. પણ એની તપાસ કે તમા વગર આમ માનસે મોદીમાં એક ‘ડુઅર’ (કરી જાણનાર) અને તારણહારને જોવો પસંદ કર્યો છે. રૂપાણીએ ગુજરાત ભાજપ ‘યુપીમેં તીનસો, ગુજરાતમેં દેઢસૌના સૂત્ર સાથે તાનમાં હોવાની વાચા આપી છે- અને ખાસ તો, ગુજરાતમાં કોઈ ત્રીજાને સ્થાન નથી તેમ કહ્યું છે.

જ્યાં સુધી ત્રીજાનો સવાલ છે, બે ત્રણ મુદ્દા લાજિમ છે. દેશમાં સર્વત્ર દ્વિપક્ષ પ્રથા નથી. તામિલનાડુમાં એ.ડી.એમ.કે. – એ.આઈ.ડી.એમ.કે. સાથે કૉંગ્રેસે કે ભાજપે સમજૂતી કરવી પડે છે. મહારાષ્ટ્રમાં શિવસેના કે પંજાબમાં અકાલીદળ એનાં ઉદાહરણ છે. ઉત્તર પ્રદેશના એક હિસ્સામાં જેમ કે અપના દલ છે જેની સાથે ભાજપની સમજૂતી ચાલે છે. બીજું, પરિવર્તનની રાજનીતિ બધો વખત બધાને માટે બે પક્ષોમાં સીમિત રહી શકે નહીં. ‘આપ’નો ઉદય એનું તરતનાં વર્ષોનું ઉદાહરણ છે. પંજાબમાં એની આશાઅપેક્ષા ભોંઠી પડી છે તે સાચું; પરંતુ તે મુખ્ય વિપક્ષ બને છે તે પણ સાચું છે. ગુજરાતમાં હમણે હમણે એણે ઠીક નેટવર્કિંગ કર્યાના હેવાલો છે એથી રૂપાણીનો ત્રીજું કોઈ નહીં એ ઉદ્‌ગાર સમજી શકાય એમ છે. જો કે આપના ગુજરાત એકમે જૂના સાથીઓને મનાવી લઈ ઠીક જ કર્યું છે, પણ પંજાબે અને ખાસ તો ગોવાએ દર્શાવી આપ્યું છે તેમ આશાવાદ હાજરી પુરાવવાથી વધુ કલ્પવાની જરૂર નથી. પણ વૈકલ્પિક વિચારનું એક કેન્દ્ર જાગતું રહે એ તો જરૂરી હતું, છે અને રહેશે. નલિયા પ્રકરણમાં જણાઈ રહ્યું છે તેમ મેચ ફિક્સિંગના સંજોગોમાં તો ખાસ.

દરમ્યાન, મોદીના ઉદયમાં (ઈંદિરાજી જેવી) એક ગરીબ તારણહાર મુદ્રા રવિશંકર પ્રસાદ સહિતના લોકોએ અલબત્ત સકારાત્મક ધોરણે નોંધી છે. મનરેગા વિસ્તારીને તો ગરીબીની રેખા તળેના વર્ગને મફત ગેસ મળી શકે ત્યાંથી માંડીને જનધન ખાતા સહિતના વાનાં અહી સાંભરે છે. છેવાડાના માણસને કંઈક પણ મળે એથી રાજી જરૂર થઈએ, પણ જૉબલેસ ગ્રોથની અનવસ્થાનો ઉગાર નમો-ટ્રમ્પ અર્થનીતિમાં નથી. ‘મેઈક ઈન ઈન્ડિયા’ વાસ્તવમાં ‘મેઈકબિલીવ ઈન ઈન્ડિયા’ બની રહેવાને નિર્માયેલ છે.

વિજયી રાજાને ક્યાંક પરંપરાગત સલાહ અપાયાનું સંભળાતું રહ્યું છે કે એક માણસ ખાસ નીમવો જે કાનમાં બધો વખત ‘ચેત રાજા, ચેત’ ‘જાગ, રાજા, જાગ’, ‘જરી સમ્હલકે’ કહેતો રહે. ‘મનકી બાત’ને વરેલ પ્રતિભા કને આવી કોઈ સોઈ છે કે કેમ તે આપણે જાણતા નથી. પણ નાગરિક છેડેથી આપણી પ્રજાસૂય ચિંતા, નિસબત ને તાકીદ તો ‘લીગલ સોવરેન’ (રાજ્યકર્તા) કરતાં વિશેષ કરીને ‘પોલિટિકલ સોવરેન’ કહેતાં જનસાધારણ જોગ રહેવાની કે જરી સંભાળીને – મારા ભાઈ, જાગતો રહે. ચેતતો રહે.

આ અગ્રનોંધ પૂરી કરવામાં છું અને આજની તારીખનો જોગાનુજોગ સામે આવે છે. કથિત વિમર્શ પલટુ અયોધ્યાયાત્રા સામે, રક્તરંજિત કોમી ધ્રુવીકરણને ધોરણે નવા વિભાજનની સ્થિતિ સરજનાર યાત્રા સામે, દાંડીકૂચનું સ્મરણ એક દોષહર ને જોશભર નોળવેલ શું છે. નાતજાત કોમલિંગ ધરમ મજહબ સઘળું વટીને લવણ મુદ્દે સૌને એકત્ર કરી એણે લોકશક્તિનું લાવણ્ય પ્રગટ કીધું હતું. વિવેકપુત લોકશક્તિના લાવણ્યને ઝંખતો, કોઈ ચંદનમહેલમાં નહીં પણ નાગરિક સમાજમાં રોપાયેલ વિકલ્પવિમર્શ … પથ પણ, ધ્રુવતારક પણ!

માર્ચ ૧૨, ૨૦૧૭ 

સૌજન્ય “નિરીક્ષક”, 16 માર્ચ 2017; પૃ. 01, 02 તથા 15

Loading

12 March 2017 admin
← પૈડાંવાળી ખુરશીને સહારે જીવતા પ્રોફેસરને માઓવાદીઓ સાથેના કાવતરા માટે આજીવન કેદની સજા
ડાયોજિનીસ તડ ને ફડ કહેનાર વાસ્તવવાદી ફિલોસોફર →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved