Opinion Magazine
Number of visits: 9449933
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકમિલાપ – નતમસ્તકે પ્રણામ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|3 February 2020

આખરે એ છવ્વીસમી જાન્યુઆરી આવી ને ગઈ. લોકમિલાપે વિદાય લીધી.

ભાવનગરમાં ‘લોકમિલાપ’નાં ફળિયામાં – કે જ્યાં ઉજમ અને ઉલ્લાસભર્યા મનભર પુસ્તકમેળા થતા હતા – તે ફળિયામાં એક અનૌપચારિક કાર્યક્રમ ગોઠવાયો હતો. તેમાં ‘મહેન્દ્ર મેઘાણી’ નામનાં એક પુસ્તકનું, તેના ૯૬ વર્ષના ચરિત્રનાયક અને તેમના પરિવારજનોને હસ્તે વિમોચન કરવામાં આવ્યું.

આ નાનકડું પણ મહત્ત્વનું પુસ્તક ગુજરાતના નોખા પત્રકાર-સંશોધક ઉર્વીશ કોઠારીએ તૈયાર કર્યું છે. સાર્થક પ્રકાશને વ્યક્તિવિશેષો પર ‘સાર્થક સંવાદ શ્રેણી’ હેઠળ બહાર પાડેલાં આ ચોથા પુસ્તકમાં મહેન્દ્રભાઈની મુલાકાતો દ્વારા તેમનાં ‘જીવન-સર્જનનું અંતરંગ આલેખન’ છે. ઉપરાંત તેમની જિંદગીની પહેલી વખત નોંધાયેલી તવારીખ અને તેમના થકી સંપાદિત, અનુવાદિત અને સંક્ષેપિત પુસ્તકોની યાદી છે.

ઉર્વીશે આ પુસ્તક મહેન્દ્રભાઈના દિવંગત ભાઈ તેમ જ સાધુ-સમ ગ્રંથવિક્રેતા નાનકભાઈ મેઘાણી અને તેમનાં ‘પુત્રીવત્‌ સાથી’ હંસાબહેનને અર્પણ કર્યું છે. હંસાબહેને મહેન્દ્રભાઈના હાથે પુસ્તક સ્વીકાર્યું ત્યાર બાદ મહેન્દ્રભાઈએ બે-ત્રણ મિનિટ વાચન કર્યું. તેમણે ૧૯૫૦માં દેશના પહેલાં ગણતંત્રદિને લોકમિલાપનાં કામનો  જે ‘મિલાપ’ માસિકથી પ્રારંભ કર્યો હતો તે માસિકના ડિસેમ્બર ૧૯૭૮ના અંતિમ તંત્રીલેખનો અંશ વાંચ્યો. લેખનો ઘણો હિસ્સો ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના ગુજરાતી સાહિત્યના સમર્પિત અધ્યાપક અને રંગકર્મી મહેન્દ્રસિંહ પરમારે તેમની લાક્ષણિક હૃદયસ્પર્શી શૈલીમાં વાંચ્યો. રુચિસંપન્ન વાચક અને ભાવનગરના કાપડના વેપારી ભરતભાઈ શાહે મહેદ્રભાઈનું ગૌરવ કરતી પદ્યરચનાઓ વાંચી.

અમદાવાદથી ભાવનગરમાં પ્રવેશતાં નારી ચોકડી નામના ચાર રસ્તા આવે છે. તેના થોડાં પહેલાં રસ્તાની બાજુમાં માંડવો કરીને પેંડા બનાવી રહેલાં એક વેપારીને રસ્તો પૂછ્યો : ‘ભાવનગરમાં સરદારનગર જવું છે’. ભાભાએ પૂછ્યું : ‘સરદારનગરમાં ક્યાં જાવું છે ?’ અમે કહ્યું ‘લોકમિલાપ’. એમણે વળતો સવાલ કર્યો : ‘એ તો આજે પૂરું થાય છે ને?’ વળી રસ્તામાં એક ગલ્લાવાળા, એક રિક્સાવાળા અને એક પોલીસવાળા ભાઈઓને પૂછવાનું થયું. બધાને લોકમિલાપની ખબર હતી. અમારામાંથી એકે ટીખળ કરી : ‘અમદાવાદમાં આશ્રમ રોડ પર ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ની ઑફિસ પાસે  ઊભા રહીને સાહિત્ય પરિષદનું પૂછો તો ખબર નથી હોતી!’ જો કે સવાલ તો લોકનો જ છે!

એમ થયું કે આ હિસાબે કાર્યક્રમમાં તો બસો-પાંચસો લોકો હશે. ઉર્વીશે તો બહુ નાના પાયે અને સાદી રીતે કાર્યક્રમ વિચાર્યો છે. લોકમિલાપનાં બારણે ફૂટપાથ પર વિદ્યાર્થી યુવક-યુવતીઓ પ્લૅકાર્ડસ્‌ લઈને ઊભા હતાં. પ્લૅકાર્ડસ પર લોકમિલાપનાં પુસ્તકોનાં મુખપૃષ્ઠો હતાં : ‘અરધી સદીની વાચનયાત્રા’, ‘કોન-ટિકિ’, ‘ગીત એક ગાયું ને વાયરે વાયું’, ‘જ્વાલા અને જ્યોત’, ‘યાદગાર કાવ્યો’ ‘વિસરાતાં કાવ્યો’. સહુથી સરસ પ્લૅકાર્ડ હતું ‘આભાર લોકમિલાપ’. આ યુવાઓ પછી ફળિયામાં કાર્યક્રમમાં જોડાયાં.

અભિવાદન અને વાચન બાદ કેટલાંકે ‘ઘોળી ઘોળી પ્યાલા ભરિયા’ નામનું પુસ્તક મહેન્દ્રભાઈની સહી સાથે વસાવ્યું. આ પુસ્તક ‘વિદાય વેળાએ લોકમિલાપનું અંતિમ પ્રકાશન’ એમ પ્રસિદ્ધ થયું છે. સાડા પાંચસો પાનાંનું આ સંપાદન મહેન્દ્રભાઈએ તે જ નામે ૧૯૯૬માં બહાર પાડેલા એક સંચયની બીજી  સંવર્ધિત આવૃત્તિ છે. તેમાં મેઘાણી-સાહિત્યમાંથી ચૂંટેલાં કાવ્યો, નવલિકાઓ, લોકગીતો અને લોકવાર્તાઓ છે. આ પુસ્તક લેવાં ઉપરાંત કેટલાંક મહેન્દ્રભાઈ સાથે તસવીરો ખેંચતા હતાં. એ બધાં થઈને ભાવેણાનાં પોણાસો સ્ત્રી-પુરુષ પુસ્તકપ્રેમીઓ આ પ્રસંગે ઉપસ્થિત હતાં, તેમાં વડીલોની સંખ્યા વધુ નોંધપાત્ર હતી. જો કે ગયાં પંદરેક દિવસથી તો લોકમિલાપમાં ખૂબ અવરજવર હતી. સવા મહિના જેટલા સમયથી લોકમિલાપ પુસ્તકો પર ૨૦% વળતર આપતું હતું.

કાર્યક્રમ ભાવુક ન બની જાય છતાં ય તેની આત્મીયતા જળવાય તે રીતે ઉર્વીશે સંચાલન કર્યું. છતાં ય  કૂણાં તડકાવાળી સ્વચ્છ સવારે પણ હૈયાં કંઈક ઘેરાયેલાં હતાં. ‘આ દિવસ અઘરો તો રહ્યો જ’, એમ ‘સ્ત્રીઆર્થ’ નામનો ખૂબ મહત્ત્વનો શબ્દ વહેતો મૂકનાર ભાવનગરનાં વાર્તાકાર પ્રતિભાબહેને ફેસબુક પર નોંધ્યું છે.

મહેન્દ્રભાઈએ વાંચ્યું : ‘ગુજરાતની ફૂલવાડીમાં ‘મિલાપ’ પણ નાનકડું પુષ્પ બનીને ખીલ્યું, અને પુષ્પની જેમ જ સ્વાભાવિકપણે એ ખરી પડે છે. આજે નહીં પણ બે-પાંચ વરસે એને ખરવાનું તો હતું જ. ખીલવામાં જેમ આનંદ હતો, તેમ યથાકાળે ખરી પડવામાં પણ એક જાતની સાર્થકતા અનુભવાય છે.’  

આ શબ્દો મહેન્દ્રભાઈએ ડિસેમ્બર ૧૯૭૮ના અંતિમ તંત્રીલેખમાંથી વાંચ્યાં. ગયાં ચારેક દાયકાથી લોકમિલાપ પ્રકાશન અને પુસ્તકભંડારના મિશનને  જીવનનનો સર્વોચ્ચ અગ્રતાક્રમ તરીકે મૂકનાર દંપતી એટલે મહેન્દ્રભાઈના ચિરંજીવી ગોપાલભાઈ અને ગોપાલભાઈનાં જીવનસંગિની રાજુલબહેન.

આ દંપતીએ ફેસબુક પર ૧૭ નવેમ્બરે નિખાલસતાથી નિર્મળભાવે લખ્યું છે : ‘સિત્તેર વર્ષની સાહિત્યયાત્રા હવે પૂરી કરીએ છીએ. પુસ્તકપ્રેમીઓનો પહેલો પ્રતિભાવ હોય જ કે કેમ બંધ કરો છો? દરેક પ્રારંભનો અંતિમ પડાવ ક્યારેક તો આવવાનો જ. લોકમિલાપના હાલના સંચાલકો આશરે પચાસ વર્ષોથી આ મનગમતું કામ કરી રહ્યાં છે. હવે તેમની ઇચ્છા આ કામને વિરામ આપી અન્ય પ્રવૃત્તિઓ કરવાની છે, જે એક પુસ્તક-ભંડાર ચલાવતા મોકળાશથી થઈ શકેલ નથી. … પુસ્તક ભંડાર દ્વારા ભાવનગર શહેર તથા દેશ-વિદેશના સાહિત્યપ્રેમીઓને પુસ્તકો પૂરાં પાડ્યાં, સેંકડો પુસ્તકમેળાઓ કર્યા, અનેક પુસ્તક યોજનાઓ કરી, બાળફિલ્મોનાં આયોજન થયાં. આવાં વિવિધ મનગમતાં કાર્યો થયાં તેના પાયામાં લોકમિલાપના અનેક કાર્યકરોની નિષ્ઠાપૂર્વકની મહેનત તથા પુસ્તકચાહકોનો સહકાર. ભાવનગરની પ્રજાએ અમને આટલાં વર્ષો નર્યો પ્રેમ આપીને એક આદર્શ પુસ્તકભંડાર ચલાવવાની  હોંશ સંતોષી છે. એમને, સમગ્ર ગુજરાતના તથા વિદેશના પુસ્તક-પ્રેમીઓને વિદાયની પળે નતમસ્તકે પ્રણામ.’

પુસ્તક ચાહકો પણ કહેશે : નતમસ્તકે પ્રણામ !

પૂર્ણવિરામે પ્રણામથી કૃતજ્ઞતા જાગે પણ શાતા મળવાની ? મહેન્દ્રભાઈએ ડિસેમ્બર ૧૯૭૮માં ‘મિલાપ’ને વિરામ આપ્યો ત્યારે ‘લોકમિલાપ’ પૂરબહારમાં હતું. પણ નવેમ્બર ૨૦૧૯માં ગોપાલભાઈએ લખ્યું તે પછી ગુણવત્તાભર્યાં પુસ્તકોની, એટલે કે  સંસ્કાર – સિવિલાઇઝેશનની દુનિયામાં, લોકમિલાપ જેવું બીજું કશું ગુજરાતમાં પૂરબહારમાં નથી.

‘ત્યારે કરીશું શું?’ ટૉલ્સ્ટૉયને અને મહેન્દ્રભાઈને સતાવી ચૂકેલો સવાલ હવે ઘણાંને સતાવવાનો.

૨૮ જાન્યુઆરી ૨૦૨૦

E-mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2020; પૃ. 23 તેમ જ 14 

છબિ સૌજન્ય : રક્ષાબહેન ભટ્ટ, ઉર્વીશભાઈ કોઠારી, યશભાઈ મેઘાણી

Loading

3 February 2020 admin
← માનવ-સભ્યતામાં બન્યું એમ કે વાણીનું સ્થાન લેખને લીધું અને લેખન છેલ્લે મુદ્રણ બની ગયું
‘હેલ્લારો’ની કરોડરજ્જૂ છે, સર્જકવૃંદની સમાજનિષ્ઠા →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved