દેશ અભૂતપૂર્વ લૉક ડાઉનના બીજા (હવે ત્રીજા) તબક્કા નીચે કચડાઈ રહ્યો છે, ત્યારે લૉક ડાઉન સફળ થયું કે નહીં અને એ સફળતા એટલે શું, તેના પર નજર નાખવાનું યોગ્ય ઠરશે. લૉક ડાઉનથી કોરોના વાઇરસના ફેલાવાને અંકુશમાં રાખી શકાયો છે, તેવા દાવાને અત્યારે બાજુ પર રાખીએ, એટલા માટે કે જો સફળતા મળી જ હોત, તો લૉક ડાઉન લંબાવવામાં આવ્યું ન હોત અને એટલા માટે પણ કે નિષ્ણાતો કદાચ આપણને એમ કહે છે કે વાઇરસને આસાનીથી નાથી શકાય તેમ નથી, તે કદાચ થોડાક વધુ સમય માટે આપણી વચ્ચે રહેશે અને અને થોડા થોડા સમયે તે માથું ઊંચક્યા કરશે. પણ કોરોના વાઇરસ સામેના ‘યુદ્ધ’માં વિજય મળે તો પણ જ્યારે ભારત સામાન્યવત્ સ્થિતિમાં પાછું ફરશે ત્યારે તે પહેલાંના જેવી નહીં, પણ એક નવી જ સામાન્ય સ્થિતિ હશે.
ભવિષ્યની આ સામાન્ય સ્થિતિ છેલ્લાં ચાર સપ્તાહમાં જે ત્રણ સફળ કથાનક ઊભાં કરાયાં છે તેની પર આધાર રાખશે. પહેલું છે ન બોલાયેલું, પણ બધે જ ફેલાયેલું આ કથાનક. તે એ છે કે આપણે લોકશાહી સાથે શું કરી રહ્યા છીએ. ભવિષ્યના ઇતિહાસકાર એમ ચોક્કસ કહેશે કે એક ઉપખંડ સમાન દેશને લૉક ડાઉન દ્વારા ઓછાવત્તા પ્રમાણમાં સ્થગિત કરવાની એક અસાધારણ કવાયત હતી અને તેમાં આટલી બધી વસ્તીને ઘરમાં કેદ કરી નાખવામાં આવી હતી. આ સફળતાનું મહત્ત્વ શું? રોગચાળા સામેની દેશની લડાઈ મજબૂત કરવાના ઉત્સાહમાં જુદા જુદા પક્ષો સાથે મસલતો કરવામાં ન આવી, સમવાયતંત્રના સિદ્ધાંત નેવે મુકાયા, અદાલતી વ્યવસ્થાને અવગણવામાં આવી. એ તમામને રાજકારણ અને શાસનની જૂની પોથીમાંનાં રીંગણાં સમજી લેવામાં આવ્યાં. લૉક ડાઉનનો બીજો તબક્કો આવ્યો ત્યારે પણ ગૃહ મંત્રાલય કેરળની હાંસી એમ કહીને ઉડાવે છે કે તે કેન્દ્ર સરકારની યોજનાનો અમલ કરી રહ્યું નથી અને તે તો પોતાની રીતે જ ચાલે છે. સ્પષ્ટ છે કે ભારતમાં શાણપણનો સ્રોત, સરકારી નીતિનું મૂળ અને સત્તાનું કેન્દ્ર એક જ છે.
લૉક ડાઉન લાદવાનો સત્તાધિકાર કઈ સરકારને કોણે આપ્યો તેવો સવાલ પૂછવામાં આવતો નથી. આપત્તિ સંચાલન ધારો રોગચાળાની સ્થિતિને આવરી લે છે કે નહીં તે અંગે કોઈ ચર્ચા થતી નથી. કોઈને એની ચિંતા નથી કે આપણી પાસે રોગચાળા અંગે કોઈ લોકશાહી રીતે ઘડાયેલો કાયદો નથી અને ગુલામી સમયના કાયદા પર આપણે આધાર રાખી રહ્યા છીએ. રાજકીય પક્ષો આ બધા મુદ્દા વિષે અંધારામાં તીર મારે છે. આપણે એવો સિદ્ધાંત નક્કી કરી લીધો છે કે પરિણામ મહત્ત્વનું છે, કાર્યવાહીઓ નહિ. એક વિદ્વાને થોડીક વિનમ્રતાથી એમ કહ્યું છે કે આ ‘વહીવટી કટોકટી’ છે.
આજે કદાચ ઘણાને ખ્યાલ નહીં આવે અને બહુ ઓછા લોકો એ બાબતે સંમત થશે કે લૉક ડાઉન આપણી લોકશાહી માટે સૌથી ખતરનાક પ્રયોગ સાબિત થશે. આ કંઈ માત્ર કેન્દ્ર સરકારનો કે શાસક પક્ષ સાથેનો મામલો નથી. લૉક ડાઉનની ડરામણી સફળતા એ છે કે લોકશાહીને જબરજસ્ત રીતે સ્થગિત કરી નાખવામાં આખો શાસક વર્ગ અને લોકો સ્વેચ્છાએ સંમત છે. જે ઝડપથી મુલ્કી અને પોલીસ સત્તાવાળાને આખી વસ્તીને ઘરમાં કેદ કરવામાં કામે લગાડવામાં આવ્યા તે ભવિષ્યમાં કોઈ પણ સરમુખત્યાર માટે એક નમૂનારૂપ પાઠ બની જઈ શકે છે. સ્વેચ્છાએ સ્વીકારવામાં આવેલા માનસિક અને બૌદ્ધિક લૉક ડાઉનમાંથી બહાર આવવાનું ભારત માટે ઘણું કઠિન બની જશે. સર્વોચ્ચ અદાલતમાં લૉક ડાઉનનો અમલ કરવા માટે લશ્કર ગોઠવવા માટેની અરજી થઈ, તે પણ કંઈ બહુ આશ્ચર્યજનક નથી.
કહેવાનો મતલબ એ નથી કે કોરોના વાઇરસના ખતરા સામે લડવા શારીરિક અંતર રાખવા માટે મક્કમ નીતિની જરૂર નહોતી. આ દલીલ તો તેનું શું પરિણામ આવ્યું છે તે અંગે છે. આપણે હવે લોકશાહીની ઘોર ખોદવાનું માળખું તૈયાર કર્યું છે. કોઈ જાહેર હિતની વાત કરવી હોય કે લોકોની સુખાકારીની વાત કરવી હોય તો હવે તમને લોકશાહીના પાયાના સિદ્ધાંતો તજી દેવાની મંજૂરી મળી જશે. આજે કદાચ તમને આ પગલું વાજબી લાગે અને માધ્યમો તથા વિપક્ષોએ એમ જ કહ્યું છે, લોકોએ તે શાંતચિત્તે કબૂલ કરી લીધું છે. આપણી પાસે એવી કઈ ખાતરી છે કે ભવિષ્યમાં આપણી લોકશાહીમાં કાપ મૂકીને જ શાસન નહીં ચલાવવામાં આવે?
સામાજિક અંતર ઊભું કરવાની આપણી યોજનામાંથી બે બીજી કહાનીઓ ઊભી થાય છે. એક તો હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે લાંબા સમયથી જે અંતર છે, તે અંગેની છે. આ સામાજિક અંતર વધે તે માટે શક્ય તેટલા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, અને તે પણ એ રીતે કે કે જેથી બંને સમુદાયો માટે શાંતિથી સાથે જીવવાનું કપરું થઈ જાય. દિલ્હીમાં તબલિઘી જમાતની જે બેજવાબદાર સભા મળી તેણે આ વિષચક્ર જેવા અંતરમાં ઉમેરો જ કર્યો. કોરોના મહામારીના થોડા સમય પહેલાં દિલ્હીમાં થયેલાં રમખાણોની પશ્ચાદભૂમાં મુસ્લિમોને ગાળો ભાંડવાનું શરૂ થયું હતું. તે તબલિઘી જમાતના મુદ્દાને પકડીને, તેની સાથે તેને કશો સંબંધ ન હોવા છતાં, આગળ ચાલ્યું. જો તમને યાદ હોય તો નાગરિકતા પરિવર્તન કાયદાના વિરોધમાં થયેલા દેખાવો એ મુસ્લિમોનો વિરોધ છે — અને વધારે ખરાબ તો એ કે તે ભારતવિરોધી દેખાવો છે — એવી છાપ સતત ઊભી કરવામાં આવી હતી. તેની પરથી આ શૈલી બહુ સ્પષ્ટ થઈ જાય છે.
કોરોના વાઇરસનો ફેલાવો અને લૉક ડાઉનના ભંગ બાબતે માત્ર સોશિયલ મીડિયા જ નહીં, મુદ્રિત અને વીજાણુ માધ્યમો પણ અતિ ઉત્સાહપૂર્વક હિંદુ-મુસ્લિમ વિભાજનમાં સરી પડ્યાં. છેલ્લાં ચાર સપ્તાહ દરમિયાન કહાનીની આ શૈલીએ એવી ઊંડી અસર પાડી છે દરેક બાબતને ધાર્મિક સમુદાયના સંદર્ભમાં જ જોવાની આદત પડી ગઈ છે, એમ સમજાવવામાં આવે છે કે મુસ્લિમો ભારતનાં હિતો વિરુદ્ધ કાવતરાં કરે છે. તે એટલી હદ સુધી કે ‘કોરોના જિહાદ’ એવો શબ્દપ્રયોગ પણ ફેલાયો અને આ ગંદા કોમવાદના વાઇરસને ફેલાતો અટકાવવા માટે કોઈ સરકારે કોઈ પ્રયાસ કર્યો નહીં. આ કથાનક કંઈ નવું નથી, પરંતુ આજની આ સ્થિતિમાં તેનું જે સીધું પ્રદાન છે તેને પિછાણવાની જરૂર છે. દેશમાં અનેક ભાગોમાં મુસ્લિમોના સામાજિક-આર્થિક બહિષ્કારથી આપણે હવે કદાચ માત્ર એકાદ કદમ જ દૂર છીએ. એક વાર એ થઈ જશે પછી સામાજિક અંતર બનાવી રાખવાના એક સદી જૂના પ્રોજેક્ટમાં સંપૂર્ણ સફળતા મળી ગઈ હશે.
એટલી જ બેચેની પેદા કરનારી બાબત એ છે કે વિવિધવર્ગો વચ્ચેનો ભેદ વધારે વાસ્તવિક, વધારે તીવ્ર અને છતાં રાજકીય રીતે નકામો છે, તે લૉક ડાઉન દ્વારા નિશ્ચિત થઈ ગયું છે. ભારતના મધ્યમ વર્ગમાં લૉક ડાઉનને જે જોરદાર ટેકો મળ્યો છે તે માત્ર એ વર્ગના ભોળપણને કારણે જ નથી પરંતુ, તે વર્ગ પોતાના સિવાય બીજા કશા સાથે સામાજિક રીતે જોડાયેલો નથી તે પણ એક કારણ છે. છેલ્લાં ચાર સપ્તાહ દરમિયાન વિસ્થાપન, નિરાધારપણું અને ભૂખમરાની અનેક કહાણીઓ જાણવા મળી છે. રસ્તામાં ફસાઈ ગયેલા મજૂરો વિશેની માહિતી તો મળતી જ રહે છે. પરંતુ મધ્યમ વર્ગનો અંતરાત્મા એની નોંધ લેવા જેટલો પણ ખળભળ્યો નથી. આપણે વ્યક્તિગત રીતે ઉદારતા બતાવીએ છીએ, દાનનો મહિમા ગાઈએ છીએ અને પછી ગાઢ નિદ્રામાં પોઢી જઈએ છીએ. ગરીબોનું અને ગરીબો માટેનું રાજકારણ અનિચ્છનીય બની ગયું છે. રાજકારણ એવી માગણી નથી કરતું કે કોરોના મહામારી સામેનાં કોઈ પણ પગલાંમાં સૌ પ્રથમ તો અસહાય વર્ગોને પડતી મુસીબતો દૂર કરવા માટેની સારી નીતિ હોય? કહેવાનો અર્થ એ નથી કે ભારતનું રાજકારણ કદી પણ ગરીબો પ્રત્યે સંવેદનશીલ રહ્યું જ નથી. પરંતુ અત્યારે તો ચૂંટણીમાં ફાયદો થશે એવી વાહિયાત ગણતરી પણ રાજકીય પક્ષોને ગરીબોના અધિકારો માટે લડવા પ્રેરણા આપતી નથી.
આ બેવડું સામાજિક અંતર છે : બહુમતી સમુદાય લઘુમતીથી દૂર અને બોલકો પ્રભાવશાળી વર્ગ ગરીબ જનતાથી દૂર. આવું બેવડું સામાજિક અંતર લોકશાહીના કદને વેતરી નાખવાના કથાનકમાં બરાબર બંધ બેસે છે. બહુમતવાદી અને મધ્યમ વર્ગસંચાલિત સામાજિક વિશ્વમાં લોકશાહીનું સ્થાન નામ માત્રનું નહીં તો છેવાડે જ હોય એ સ્વાભાવિક છે. આપણે આ ‘યુદ્ધ’ની શરૂઆત ‘જાન હૈ તો જહાન હૈ’ના સગવડભર્યા ઉચ્ચ આસનેથી કરી હતી. આ આસનને હવે ફેરવીને ‘જાન ઔર જહાન’ કરાયું. એમ કરીને આપણે એ સ્વીકાર્યું કે આપણે જીવન અને જીવનનિર્વાહ બંને કદાચ ગુમાવી બેસીશું. એ અત્યંત વાસ્તવિક શક્યતાની વચ્ચે આપણે ત્રણ પ્રકારની કહાણીઓ વચ્ચે ફસાયેલા છીએ : લોકશાહી ઓછામાં ઓછી કરો, ધર્મો વચ્ચેનું અંતર મહત્તમ કરો અને ગરીબોથી છેટા રહો. શું લૉક ડાઉન પછીના કાળમાં આપણું જીવન ભારતમાં આ રીતે આકાર પામશે?
અનુવાદ : પ્રો. હેમન્તકુમાર શાહ
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 04 મે 2020