સાઇબર શ્રિંક્સથી દૂર રહેવું જરૂરી છે કારણકે માત્ર પૉઝિટીવીટીના ડૉઝીસથી જિંદગી નથી જીવી શકાતી
૧૯૯૩માં એક અંગ્રેજી ફિલ્મ આવી હતી, ‘ગ્રાઉન્ડહૉગ ડે’. હેરોલ્ડ રેમિસે ડાયરેક્ટ કરેલી આ ફેન્ટસી કૉમેડી ફિલ્મમાં બિલ મરી અને એન્ડી મૅકડૉવેલ મુખ્ય પાત્રો ભજવતાં હતાં. બિલ મરી એક ચેનલમાં ‘મોસમ કી જાનકારી’ આપવાનું કામ કરનારો જર્નાલિસ્ટ ફિલ છે જેણે પેન્સિલવેનિયામાં ઉજવાતા ગ્રાઉન્ડહૉગ ડેનું લાઇવ રિપોર્ટિંગ કરવાનું હોય છે. સંજોગોવસાત્ તે ટાઇમ લૂપમાં ફસાઇ જાય છે, અને સતત તે ૨જી ફેબ્રુઆરીએ જે ઘટનાઓ ઘટી હતી તેમાં જીવ્યા જ કરે છે, તેના અથાક પ્રયત્નો ચાલ્યા કરે છે જેથી એ પેટર્નમાંથી તે બહાર આવી શકે પણ કમનસીબે એવું કંઇ થતું નથી. એકવાર તેને સમજાઇ જાય છે કે તે આ ટાઇમ લૂપમાંથી નહીં નિકળી શકે એટલે તે તેમાં જ કોઇ મોજ મસ્તી શોધી લે છે. સતત ખાતા રહેવું, વન નાઇટ સ્ટેન્ડ કરવા, નાનકડી ચોરી સુધ્ધાં કરવી વગેરે કારણ કે તેને દરેક આવનારા દિવસે શું થવાનું છે તેની બરાબર ખબર રહેતી અને તે જાણકારી તેણે પોતાને એન્ટરટેઇન કરવાના હેતુથી એક્સપ્લોઇટ કરવાની શરૂઆત કરી. એક તબક્કે કંટાળેલા ફિલે જાતભાતની રીત અપનાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો, પણ તેમાં ય તેની કોઇ કારી ન ફાવી. તે પોતાની પ્રોડ્યુસર મિત્ર રીતાને આખો મામલો ગંભીરતાથી સમજાવે છે જે તેને કહે છે કે ફિલે આ ક્ષણોને આશીર્વાદ માનીને જીવવી જોઇએ. ફિલ બીજા દિવસથી લોકોને મદદ કરવાનું શરૂ કરે છે કારણ કે કોને મદદની જરૂર હશે તે તેને પહેલેથી જ ખબર હતી. તે સર્જનાત્મક વસ્તુઓ કરે છે, પિયાનો શીખે છે, આઇસ સ્ક્લ્પચર બનાવતા શીખે છે, ફ્રેંચ બોલતા શીખે છે – છતાં ય એક ગરીબગુરબાં માણસને તે બચાવી નથી શકતો. સ્વિકારની ભાવના ફિલને બહેતર ઇન્સાન બનાવે છે અને અંતે તે રીતા સામે પોતાના પ્રેમનો એકરાર પણ કરે છે. અને આખરે તે ટાઇમ લૂપની ચુંગાલમાંથી બહાર આવે છે.
આ ફિલ્મની સ્ટોરી અહીં વિગતવાર લખવાનું કારણ એટલું જ કે, જે રીતે ગ્રાઉન્ડહૉગ ડે ફિલ્મનો હિરો ટાઇમ લૂપમાં ફસાઇ જાય છે અને એકની એક જિંદગી રોજ જીવે છે, માળું એવું જ કંઇ આપણી સાથે આ વાઇરસને કારણે થઇ રહ્યું છે. વાઇરસની બીજી લહેર જોખમી સાબિત થઇ રહી છે અને કડક લૉકડાઉનના ભણકારા કંપારી છોડાવી દે. પહેલું લૉકડાઉન તો સોશ્યલ મીડિયાની રમતોમાં, વાસણો ઘસવામાં અને રસોઇ કરવામાં આપણે કાઢ્યું, સહેજ કળ વળી અને ગણતરીના મહિનાઓમાં પહેલાં જેવી જ હાલત ફરી માથે મરાશેનો ડર આપણને અકળાવી રહ્યો છે. આપણે ડિપ્રેશન, એન્ક્ઝાઇટી, સ્ટ્રેસ, ઇન્સોમ્નિયા જેવા શબ્દોને જિંદગીમાં સાહજિક બનાવી દીધાં છે. સંબંધો સુધરવા અને વણસવાની વાત નથી પણ એકધારાપણાનો થાક વર્ણવી શકાય તેવો નથી. જ્યારે વાઇરસનું દુનિયામાં નામો નિશાન નહોતું ત્યારે ય એમ હતું કે આપણે બધાં એક ઘટમાળમાં જ જીવતા હતા. કામ કરવું, સમય મળે તો બહાર જવું, મિત્રોના ખબરઅંતર પૂછવા, તેમને મળવું વગેરે. પરંતુ અત્યારે જે એકધારાપણું છે એ સાવ અણધાર્યું છે. માળું ક્યારે કોના માઠા સમાચાર આવે, ક્યારે કોને વાઇરસનું સંક્રમણ થાય જેવો એક ડર અથવા તો ચિંતા આપણા મનમાં ક્યાંક ધરબાયેલી હોય જ છે.
આ પરિસ્થિતિ અંગે અમદાવાદ સ્થિત ગુજરાતના જાણીતા મનોવૈજ્ઞાનિક ડૉ. પ્રશાંત ભીમાણીનું કહેવું છે, “સૌથી મોટી સમસ્યા છે સોશ્યલ મીડિયા પર માનસિક સ્વાસ્થ્યની સલાહ આપતા લોકો. પૉઝિટીવીટીના ડૉઝ લઇને જીવી નથી શકાતું એમાં નક્કરતા ઉમેરવાની તસ્દી લેવી જ પડે. સોશ્યલ મીડિયા પર બધાં કંઇ પણ સલાહ આપે છે પણ તેમને આ વિશે લગીરેક જાણકારી નથી. સાઇબર ટોળાંશાહીની અસરો સાવ ખોટી પડે છે. જે તમને મેડિટેશન કે પ્રાણાયામ કરવાની સલાહ આપતું હશે તે સાઇબર શ્રીંકને એ નથી ખબર કે કોઇ વ્યક્તિને IOP – ઇન્ટ્રા ઓપ્યુલર પ્રેશર હોય તો તે પ્રાણાયામ ન કરી શકે, પણ અહીં કોણ આ બધી બાબતોની ગણતરી ય કોણ કરે છે.”
તેમણે જણાવ્યું કે રોગચાળાને પગલે ગુજરાતમાં આત્મહત્યાના રોજના ૨૦ બનાવ બને છે. આજથી ૧૦૨ વર્ષ પહેલાં જે સ્પેનિશ ફ્લુ ફેલાયો હતો તે પછી પણ આત્મહત્યાનું પ્રમાણ વધી ગયું હતું. વળી WHOના મતે દરેક સાતમો ભારતીય માનસિક રોગી છે. આ આંકડા કંઇ નાનાસૂના નથી. બેરોજગારીની તલવાર રોજ ધાર કાઢે છે, કામ છે તો તે ધાર્યા પ્રમાણે થઇ નથી શકતું, એકધારી ઘટમાળનો થાક અને કંટાળો મનને સતત સતર્ક કે પ્રફુલ્લિત રહેવામાં ય આડાં આવે છે.
ડૉ. પ્રશાંત ભીમાણીનું કહેવું છે કે, “આવા સંજોગોમાં તમે બિંજ વૉચ કરો તો તેની પસંદગી પણ જાળવીને કરો. તમારા મનને બહેતર ફીલ કરાવે તેવી ડૉક્યુમેન્ટ્રીઝ જુઓ, સત્ય રમણીય હશે ત્યારે તેમાંથી આશા જન્મશે. તમારા માઇન્ડસેટને ચેન્જ કરવામાં આવી નાની પસંદગીઓ બહુ પ્રભાવી કામ કરતી હોય છે કારણ કે તેની હાકારાત્મક અસર ન્યુરોપ્લાસ્ટિસિટી પર થાય છે. તમારે રોજ એક જૂના મિત્ર સાથે વાત કરવી જોઇએ અને એક નવા મિત્ર સાથે વાત કરવી જોઇએ, કારણ કે જૂના મિત્ર સાથેની વાતચિત કેથાર્ટિંક હોય, તેમાં મનનો ઘણો ઊભરો ઠલવાઇ જાય અને નવાસવા મિત્ર સાથે વાત કરો તો જરા જાળવીને મર્યાદામાં વાત થાય એટલે બે પ્રકારના સામાજિક વહેવારનું સંતુલન થાય. તમારી પોતાની આગવી કોઇ ડિશ હોય તે બનાવો તો પણ તમારા મનને સારું લાગશે.”
મેન્ટલ હેલ્થની વાત તાણ થઇ જાય તે રીતે કરવાનો અર્થ નથી. વાઇરસ એક ન ગમે એવું સત્ય છે અને તે સ્વીકારવા સિવાય છૂટકો નથી. કંટાળો જીવનનો ભાગ છે પણ તે જીવન ન બની જાય તેની તકેદારી રાખ્યા સિવાય છૂટકો નથી. આ પીડામાં આપણે સાથે છીએ, એ એક માત્ર વિચાર જો થોડી રાહત આપતો હોય તો એમ. પૉઝિટીવીટીનું વેક્સિન પણ ઉપરછલ્લું લાગે જો આપણે વિચારોની પેટર્નને ન તોડીએ તો. તમે બધાં જ આ વૈચારિક એકધારાપણાને તોડવામાં સારી પેઠે સફળ થાય તેની શુભેચ્છા.
બાય ધી વેઃ
રોગચાળા દરમિયાન ડૉ. ભીમાણીએ જાતભાતનાં કેસિઝ જોયા. બાળકોમાં ડર છે કે તે પોતાના મા-બાપ ખોઇ બેસશે અને એ ડરને કારણે તેઓ પેરન્ટ્સને નજરની સામેથી ખસવા જ નથી દેતા – સેપરેશન એન્ક્ઝાઇટીના કિસ્સા વધ્યા છે. અચાનક જ એક ટીનએજ છોકરીને લાગવા માંડ્યું કે તેના માતા-પિતાની અપેક્ષા પ્રમાણે તે જીવી નથી રહી એટલે તે મિસફિટ છે અને તેણે મરી જવું જોઇએ. પતિ-પત્નીના સંબંધોમાં સંદિગ્ધતા આવવા માંડી જેમ કે એક મહિલાને બ્રેન સ્ટ્રોક આવ્યો, તેની સારવાર ખડે પગે કરાઇ, તેનો પતિ સતત તેની સાથે હતો પણ તે સાજી થઇ તો તેણે સૌથી પહેલાં તેની એક્સ બૉયફ્રેન્ડને જાણ કરી જેની સાથે તે પહેલાંથી જ સંપર્કમાં હતી અને પછી આ આખી વાતમાંથી છૂટવા ડૉમેસ્ટિક વાયલન્સનો ઉપયોગ કરાયો. આવા કેસિઝ વગર રોગચાળાએ પણ થતા હતાં, પણ તેનું પ્રમાણ અને પ્રકાર વધારે ગુંચવાયેલા બન્યા છે. ફ્રોઇડ અનુસાર જેની ના હોય તે કરવાનું મન થાય એ માણસનો સ્વભાવ છે. આપણને ખબર છે શું નથી કરવાનું અને શું કરવાનું છે પણ એ અનુસરવું અઘરું તો છે પણ પેલું કહે છે, ‘બહુત કઠિન હૈ ડગર પનઘટ કી ..’ રસ્તા છે જ અને તેની પર ચાલવું જ રહ્યું, ભલે ગ્રાઉન્ડહૉગ ડે જેવી જિંદગી જતી હોય પણ ઘટમાળમાં રાહત શોધે જ છૂટકો.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 ઍપ્રિલ 2021