૧૩ મે, ૨૦૨૦
ખરા ‘સુપર સ્પ્રેડર’ કોણ?
અમદાવાદમાં કોરોનાના કેસ ઓછા થવાનું જરા ય નામ જ નથી લઈ રહ્યા! પરિણામે કોરોનાને નિયંત્રણમાં લાવવા નવી ટીમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા કમિશનર પણ નિયુક્ત કરાયા. નવી ટીમે અમદાવાદને ૭મીથી ૧૫મી મે સુધી સંપૂર્ણ લૉક ડાઉન હેઠળ જાહેર કર્યું. દૂધ અને દવાની દુકાન સિવાય કંઈ જ ખુલ્લું રાખવાની પરવાનગી નહોતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજના મુજબ એ એક અઠવાડિયામાં શાકભાજીના ફેરિયાઓ અને કરિયાણાની દુકાનના દુકાનદારોના કોરોના ટેસ્ટ કરીને તેમને હેલ્થ કાર્ડ આપવામાં આવ્યાં, જેથી કરીને તેમનામાંથી કોઈ કોરોના સંક્રમિત હોય તો તેમને 'સુપર સ્પ્રેડર' બનતા અટકાવી શકાય.
હવે જેમને 'સુપર સ્પ્રેડર'ની ઓળખ આપવામાં આવી છે, તેમને હેલ્થ કાર્ડ કેવી રીતે અપાયા છે, તેનો અનુભવ કહું. મારા ઘરની એકદમ નજીક કોર્પોરેશન સંચાલિત આરોગ્ય કેન્દ્ર છે. મારી ખાસ દોસ્ત પણ આ આરોગ્ય કેન્દ્રમાં મૅડિકલ સ્ટાફ તરીકે ફરજ નિભાવે છે. હકીકતમાં આ હેલ્થ કાર્ડ ટેસ્ટ કર્યા વગર જ અપાયાં છે. ટેસ્ટ અને સ્ક્રિનિંગ બંને અલગ બાબત છે. શાકભાજીના ફેરિયાઓ અને કરિયાણાની દુકાનના દુકાનદારોના ટેસ્ટ નહીં, પરંતુ સ્ક્રિનિંગ થયા છે. એક-એક આરોગ્ય કેન્દ્રમાં સવારથી જ હેલ્થ કાર્ડ મેળવવા માટે બસો-ત્રણસો વ્યક્તિઓની લાઈન લાગે. આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ઓછો. ટેસ્ટ કીટ પૂરતા પ્રમાણમાં છે જ નહીં. ઉપરાંત ટેસ્ટ નહીં કરવાનો ઉપરથી આદેશ પણ છે. સ્ટાફની એક કે બે વ્યક્તિ થર્મલ ગન લઈને બેસે. એકાદ સ્ટાફ સભ્ય હેલ્થ કાર્ડ બનાવે. થર્મલ ગનમાં બે વ્યક્તિ વચ્ચે થોડી ક્ષણોનું અંતર રાખવું પડે, જેથી થર્મલ ગનની સિસ્ટમ રિવાઇઝડ થઈ શકે.
પરંતુ બસો-ત્રણસો વ્યક્તિઓની હેલ્થ કાર્ડ માટેની લાઈન હોય અને બીજા એટલા જ દરદીઓ ઓ.પી.ડી.ની લાઈનમાં ઊભાં હોય. ત્યાં સ્ટાફ પાસે એટલો સમય જ ન હોય કે તે બે વ્યક્તિ વચ્ચે થર્મલ ગનની સિસ્ટમને રિવાઇઝ કરી શકે. જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ સ્ટાફની ક્ષમતા ઘટતી જાય. અંતે એ લોકો પણ જાણે છે કે આ પ્રકારના સ્ક્રિનિંગનો કોઈ જ અર્થ નથી. મોટા ભાગનાં દરદીઓ કોરોનાનાં લક્ષણો વિનાના છે. કદાચ કોઈને તાવ હોય તો એકાદ પેરાસિટેમોલ લઈને સ્ક્રિનિંગ દરમિયાન સંક્રમિત હોવાની શંકામાંથી બચી શકાય. એટલે અંતે સ્ક્રિનિંગની પ્રક્રિયાનો પણ જેમ દિવસ ચડે તેમ ત્યાગ કરવામાં આવે. હું કૉર્પોરેશનના સ્ટાફનો દોષ નથી જોતી. તે તો જીવનાં જોખમે પોતાની ફરજ નિભાવી રહ્યાં છે. પરંતુ સ્ક્રિનિંગને ટેસ્ટિંગમાં ખપાવીને બધાંને આ રીતે હેલ્થ કાર્ડ આપી દેવાયાં તે માટે કૉર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને તંત્રની જવાબદારી ન ગણાય? આવા નિર્ણયથી જેમને હેલ્થ કાર્ડ અપાયાં છે તેમની તંદુરસ્તીને તો જોખમ છે જ, ઉપરાંત શહેરના તમામ નાગરિકોને પણ એટલું જ જોખમ છે. પેટનો ખાડો પુરવા શાકભાજીના ફેરિયાઓ બહાર નીકળે, કરિયાણાની દુકાનના દુકાનદારો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે દુકાન ખુલ્લી રાખે તો એ બધા 'સુપર સ્પ્રેડર' કહેવાય! આવા લોકવિરોધી નિર્ણય લેતા અને ખાલી કાગળ ઉપર પદ્ધતિને અનુસરતા તંત્રને શું કહેવું જોઈએ? 'સુપર કૉન્સ્પિરેટર' કહી શકાય?
ઔદ્યોગિક એકમોની જોહુકમી
૨૪ મે, ૨૦૨૦
લૉક ડાઉન-૪માં ઔદ્યોગિક એકમો શરૂ કરવાની છૂટછાટ આપવામાં આવી છે. જો કે આ છૂટછાટ અમુક શરતોને આધીન છે. જેમ કે, શારીરિક અંતર જાળવવું, માસ્ક – સેનિટાઈઝરનો ઉપયોગ કરવો વગેરે. કોરોનાના નામે શ્રમ કાયદાઓમાં કામદારવિરોધી ફેરફારો પણ કરવામાં આવ્યા. કામના ૮ કલાકના બદલે ૧૨ કલાકનો નિયમ પણ અનેક રાજ્યોમાં લાગુ કરવામાં આવ્યો. અમદાવાદ જિલ્લામાં પણ અનેક ઉદ્યોગ એકમો લૉક ડાઉન ૪ની સાથે શરૂ થયાં. સાણંદ, બાવળા, ધોળકાના આખા પટ્ટામાં અનેક ફાર્માસ્યુટિકલ કંપનીઓ આવેલી છે. એક જાણીતી ફાર્માસ્યુટિકલ કંપનીએ પોતાનો પ્લાન્ટ શરૂ કરી દીધો હતો. ત્યાંના ૩૧ જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં પ્લાન્ટ થોડા દિવસ માટે બંધ પણ કરી દેવાયો હતો. આજની તારીખે આ પ્લાન્ટ ફરીથી શરૂ કરી દેવાયો છે. આ તમામ ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં અમદાવાદ જિલ્લાના વિવિધ ગામડાંઓના લોકો દવાઓના પૅકેજિંગમાં ઊભા રહીને નોકરી કરે છે. તેમાં મહિલા કામદારો પણ હોય છે. જ્યારે આ ફાર્માસ્યુટિકલ કંપનીઓ શરૂ કરાઈ ત્યારે અનેક ગામના સરપંચોનો વિરોધ હતો. પણ એમની વાત તો કોણ સાંભળે?
આજે ધોળકા તાલુકામાં કોરોના જે કેસ આવ્યા છે, તે આ કંપનીઓને આભારી છે. ધોળકા તાલુકાના જ એક ગામમાં રહેતી મારી એક દોસ્ત સાથે ફોન પર વાતચીત થઈ. તેણે આ ફાર્માસ્યુટિકલ કંપનીઓ વિશે જે કહ્યું એ ચિંતાજનક બાબત છે. તેના ગામમાંથી પણ અનેક લોકો આ કંપનીઓમાં નોકરી કરે છે. અનેક કંપનીઓએ પોતાના કર્મચારીઓને રીતસરની ધમકી જ આપી છે કે ૩૦મી મે સુધી જે કર્મચારી હાજર નહીં થાય તેની નોકરી રહેશે નહીં. વાત માત્ર આટલી જ નથી. નોકરી પર આવતા તમામ કર્મચારીઓ પાસે એવાં લખાણ પર સહી પણ લેવામાં આવે છે કે નોકરી દરમિયાન જો કોઈ કર્મચારી કોરોના સંક્રમિત થશે તો કંપનીની કોઈ જ જવાબદારી રહેશે નહીં. લાચારીને વશ થઈને કર્મચારીઓને સહી કરવી પણ પડે છે. કારણ કે આવક વગર ભૂખથી મરવું, એના કરતાં કોરોનાથી મરવું સારું!
બીજી પણ એક વાત. આ કંપનીઓમાં કામ કરતી સ્ત્રીઓની સ્થિતિ તો સાવ ખરાબ છે. સતત ૧૨ કલાક ઊભા રહીને કામ કરવું એક આસાન વાત નથી. આ કારણે આ મહિલા કામદારોની શારીરિક સ્થિતિ બગડવાની ત્રણ – ચાર ઘટનાઓ બનતાં હાલ તો મહિલાઓને આઠ કલાક જ કામ કરવા કહ્યું છે. પરંતુ ઓછા સ્ટાફ સાથે ચાલતી આ કંપનીઓ આવનારા દિવસોમાં મહિલા કામદારોને નોકરીમાં રાખશે કે કેમ, તે સવાલ છે. ધોળકા તાલુકાનું ઉદાહરણ આ ફાર્માસ્યુટિકલ કંપનીઓની જોહુકમીનું પરિણામ છે. એક ફાર્માસ્યુટિકલ કંપનીના ચાર કર્મચારી મૃત્યુ પામ્યા છે. કંપનીઓની આવી જ દાદાગીરી રહેશે તો પરિસ્થિતિ બગડી શકે છે.
e.mail : vaghelarimmi@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 01 જૂન 2020