રાત્રે જ ઘર છોડવું પડ્યું
પ્રમાણિકપણે સ્વીકારું તો કોરોના મહામારીની ગંભીરતા શરૂઆતમાં મને પણ નહોતી સમજાઈ. મનમાં સતત એ દલીલ થયા કરતી કે આપણા દેશમાં તો રોજે રોજ ટી.બી., ડેન્ગ્યુ, ત્યાં સુધી કે ભૂખમરાથી પણ લોકો મરે છે, ત્યાં કોરોનાથી શું ડરવાનું? પણ કોરોનાની મહામારીએ લોકોમાં કેવો ડર (એક હદે ખોટો પણ) પેદા કર્યો છે, તે મને પોતાને થયેલા એક અનુભવથી સમજાયું. જેમ જેમ કોરોનાની બીમારીને લગતા સમાચાર આવતા ગયા, તેમ તેમ તેની ગંભીરતા પણ સમજાતી ગઈ. WHOની વેબસાઈટ પરની માહિતી અને અમુક ડૉક્ટર મિત્રો સાથેની વાતચીતથી કોરોનાની ગંભીરતા વધુ કેળવાઈ. શરૂઆતમાં જ લોકોમાં વિતરણ કરવા માટે માસ્ક બનાવવાનું નક્કી કર્યું. નર્મદ મેઘાણી લાઇબ્રેરી, મીઠાખળી અમદાવાદ ખાતે લૉક ડાઉન પહેલા જ માસ્ક બનાવવાનો પ્રયાસ ચાલુ કર્યો. અમે થોડાં ઘણાં મિત્રો નર્મદ મેઘાણી લાઇબ્રેરીમાં વધુ ને વધુ સમય ફાળવીને માસ્ક બનાવતાં. મર્યાદિત સાધનો સાથે વધુને વધુ સમય આપી શકીએ, તો વધુ માસ્ક બનાવી શકીએ. એટલે અમારા એક ખૂબ જ નિકટના મિત્રએ મીઠાખળીમાં જ આવેલા તેમના ખાલી પડેલા ઘરે રહેવાની સંમતિ આપી. ઘરેથી આવવાજવાનો સમય બચી જાય, લૉક ડાઉન દરમિયાન અવર જવરની તકલીફ ના પડે એટલે એ ઘર મળવાથી અમને પણ સગવડ થઈ.
એક દિવસ સવારે એ ઘરની સાફસફાઈ કરી. આખો દિવસ લાઇબ્રેરીમાં માસ્ક બનાવ્યા. રાત્રે લગભગ સાડા દસ વાગ્યે બધું કામ આટોપીને એ ઘરે સુ
સૂવા માટે ગયાં. હજુ તો હું મારો સામાન બહાર કાઢીને સૂવાની તૈયારી કરતી હતી, ત્યાં તો જોરજોરથી લોકોનો અને દરવાજા ખખડાવવાનો અવાજ લાગ્યો. દરવાજો ખોલીને જોયું તો પંદર-વીસ સ્ત્રી પુરુષો હતા. મને કહ્યું કે તમારે અત્યારે જ અહીંથી જતા રહેવું પડશે.'
હું હજુ કઈ પૂછવા કે કહેવા જઉં ત્યાં તો બૂમ પડી કે, 'દૂરથી વાત કરો'. લોકોનો ડર સમજાઈ ગયો. અમદાવાદની સોસાયટીમાં કોઈ બહારની વ્યક્તિઓ માટે પ્રવેશબંધી આવી ગઈ હતી. સોસાયટીઓ – મહોલ્લાઓમાં નાકાબંધી શરૂ થઈ ગઈ હતી. આ ડરના માહોલમાં દલીલો કે તર્કને કોઈ સ્થાન નહોતું. મનમાં અપમાન તો લાગ્યું. પણ દલીલ કરવાને બદલે મારો સામાન સમેટવા પાંચ-દસ મિનિટનો સમય માગ્યો. દસેક મિનિટમાં સામાન લઈને એ ઘરને તાળું મારતી વખતે આ પંદર વીસ સ્ત્રી-પુરુષોને અહીં રહેવા માટેનું કારણ સમજાવવાની કોશિશ કરી. પણ કોઈ સાંભળવા જ તૈયાર નહોતું. એ લોકો મારાથી દૂર ઊભા હતાં. આ ડરેલા લોકોએ પોતાની સોસાઇટીમાંથી ચોકીદાર અને સફાઈ કામદારને કાઢી મૂક્યા હતા. અતિ શિક્ષિત અને અતિ સંપન્ન આ લોકોને સોસાયટીના ખૂણે ઉભરાતા કચરાથી જરા ય પરેશાની નહોતી. આ ઘટના ૨૪મી માર્ચની છે, જ્યારે રાજ્ય કે શહેરમાં કોરોનાના દરદીઓ હજુ મોટી સંખ્યામાં નહોતા નોંધાયા. આ નવી આભડછેટથી રાત્રે સાડા દસ- અગિયાર વાગ્યે ઘર છોડવું પડ્યું. જો કે એનો બહુ અફસોસ નહોતો. એ દિવસે કોરોનાનો ડર કેવો હોય એ મને સમજાયું. એ રાત્રે અશાંત થયેલા ચિત્તે ઊંઘ પણ નહોતી આવી. મનમાં સતત એ ડર પણ પેદા થયો કે આ નવી આભડછેટ હજુ કેટલા લોકોના ભાગે વેઠવાની આવશે!
સમાજમાં અસ્વીકારનો ડર
એર ફોર્સના વિમાનો 3જી મેના રોજ શ્રીનગરથી ત્રિવેન્દ્રમ્ અને કચ્છથી દિબ્રુગઢની વચ્ચે ઊડશે અને રસ્તામાં આવતી કૉવિડ હોસ્પિટલો પર ફૂલો વરસાવશે. ચીફ ઑફ ડિફેન્સની પ્રેસ કોન્ફરન્સમાં આ અપેક્ષા બહારની જાહેરાત સાંભળતી હતી. ત્યાં જ મારી દોસ્ત પ્રતિમાનો ફોન આવ્યો કે એનાં ઉર્મિલામાસીને કોરોના પોઝિટિવ આવ્યો છે.
૪૧ વર્ષનાં ઉર્મિલામાસીના પરિવારમાં તેમના સહિત કુલ પાંચ સભ્યો છે. ૧૨ અને ૯ વર્ષનાં બે બાળકો, તેમના પતિ અને તેમનાં ૭૫ વર્ષનાં વૃદ્ધ સાસુ. ઉર્મિલામાસી, સરસપુર વોર્ડના આરોગ્ય કેન્દ્રમાં લિંક વર્કર તરીકે કામ કરે છે, જેનું સમગ્ર સંચાલન શારદાબહેન હૉસ્પિટલથી થાય છે. એમનું રહેવાનું ઈંટવાડાની ચાલી, સરસપુર ખાતે. કોરોનાની મહામારી વચ્ચે લિંક વર્કર, આશા વર્કર, કૉર્પોરેશનની પ્રાથમિક શાળાના શિક્ષકો વગેરેને સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. જ્યાં ડૉક્ટર-નર્સને માંડ સુરક્ષાના સાધનો મળતાં હોય ત્યાં લિંક વર્કર, આશાવર્કર બહેનો તો આ વ્યવસ્થામાં ઘણાં 'નાનાં માણસો' કહેવાય. એમને વળી સુરક્ષાનાં સાધનો આપવાનાં હોય? સરસપુર વોર્ડમાં રાધેશ્યામની ચાલીમાં સર્વે દરમિયાન ઉર્મિલામાસી સંક્રમિત દરદીના સંપર્કમાં આવ્યાં અને તેમને પણ કોરોનાનો ચેપ લાગ્યો. પોતે સંક્રમિત દરદીના સંપર્કમાં આવ્યાં છે, એવી જાણ થતાં જ તેમનો ટેસ્ટ થવો જોઈએ, તેવી શારદાબહેન હૉસ્પિટલના તંત્રને વારંવાર રજૂઆત કરી. પણ જવાબ માત્ર એકઃ 'સ્ટાફનો ટેસ્ટ નહીં કરવાનો આદેશ છે'. શારદાબહેન હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટને પણ તેમણે રજૂઆત કરી. પણ પરિણામ કંઈ નહીં. છેક આઠ-દસ દિવસ પછી તેમનામાં કોરોનાનાં લક્ષણો દેખાતાં અનેક રજૂઆત કર્યા પછી તેમનો ટેસ્ટ ૨૯ એપ્રિલે કરવામાં આવ્યો. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.
શરૂઆતમાં તો તે ખૂબ જ ડરી ગયાં. સિવિલ કોવિડ હૉસ્પિટલના સમાચારોથી એમને ડર લાગી ગયો હતો કે હૉસ્પિટલમાં તો ના જ જવું. પણ પરિવારજનોની ઘણી સમજાવટ પછી આખરે તે માન્યાં અને ૨૯મી તારીખે એસ.વી.પી હૉસ્પિટલ, અમદાવાદમાં દાખલ થયાં. હવે એક હૉસ્પિટલ માટે દરદીએ કેટલી સફર કરવી પડે, તે પણ જોઈએ.
ઉર્મિલામાસીને એસ.વી.પી.માંથી નવી બનેલી ૧,૨૦૦ પથારીની સિવિલ હૉસ્પિટલમાં ૧લી મેના રોજ લઇ જવાયાં. ત્યાંથી ૧લી મેના રોજ રાત્રે ૨.૦૦ વાગ્યે (એટલે કે બીજી મેના રોજ) ગુજરાત કૅન્સર સોસાયટીની હૉસ્પિટલમાં અને બીજી મેના રોજ રાત્રે ૧૧ વાગ્યે સમરસ કોવિડ કેર સેન્ટરમાં લઇ જવાયાં. તેની પાછળનાં કારણ તો વિવિધ છે. મુખ્ય કારણ તો તંત્ર વચ્ચે સંકલનનો અભાવ. જો કે રાત્રે જ શા માટે આવી ફેરબદલ કરવી પડી, તેનું કારણ શોધ્યું જડે એમ નથી. રાત્રે સ્થળમાં કરાતી આ પ્રકારની ફેરબદલ, દરદીમાં અને એમાં ય સ્ત્રી દરદીમાં કેવા પ્રકારની માનસિક તાણ ઊભી કરતી હશે તેની તો કોણ પરવા કરે!
ઉર્મિલામાસીને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ટીમ જે રીતે લેવા માટે આવી તે પણ જાણવા જેવું છે. ચાલીની સાંકડી ગલીઓમાં તેમના ઘર સુધી પહોંચતાં વચ્ચે જેટલાં પણ ઘર આવ્યાં તે તમામ ઘરમાં લોકોને અંદર ધકેલવામાં આવ્યા. ત્યાં સુધી તો ઠીક, પરંતુ તમામ ઘરની લાઈટો પણ જબરદસ્તી બંધ કરાવવામાં આવી. આ વાત જ્યારે મેં સાંભળી ત્યારે મને નવાઈ અને આઘાત બંને લાગ્યા. આવું તો કાશ્મીરના ગામોમાં આપણું લશ્કર કોઈ આતંકવાદીને પકડવા જાય ત્યારે કરે છે. પણ અહીં લાઈટો બંધ કરવા પાછળનો તર્ક મને તો નથી જ સમજાતો.
ઉર્મિલામાસીનો ટેસ્ટ મોડો થયો એટલે સ્વાભાવિક છે કે તેમના થકી તેમના કુટુંબીજનો પણ સંક્રમિત થયાં જ હોય. તેમનાં બે બાળકો, પતિ અને સાસુને નિકોલના કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યાં. પણ તેમનો ટેસ્ટ કરાયો નથી. ત્યાં સુધી કે તેમનાં વૃદ્ધ સાસુનો પણ ટેસ્ટ કરવામાં નથી આવ્યો. કારણ તો એ લોકો નથી જણાવતા. પણ આપણે સમજવાનું છે કે સંક્રમિત દરદીઓની સંખ્યા ઓછી બતાવવા ટેસ્ટ જ કરવામાં નથી આવી રહ્યા. એમનાં કુટુંબીજનોને એવું કહેવાયું છે કે ૧૪ દિવસ પછી ઘરે મોકલતાં પહેલાં તેમનો ટેસ્ટ કરાશે અને ત્યારે જે રિપોર્ટ આવશે એ મુજબ આગળની કાર્યવાહી થશે. એક રૂમ, રસોડાના ઘરમાં સાથે રહેતાં કુટુંબીજનોને ચેપ ન લાગ્યો હોય એવું બને નહીં. પણ 'ઉપરથી' આવેલા આદેશ વિરુદ્ધ કંઈ થઇ શકે નહિ. સમરસના આ સેન્ટરમાં ઘણીવાર ખાવાનું બગડેલું આવે છે. એકાદ વાર ફરિયાદ કરી તો જવાબ મળ્યો કે આવી ગરમીમાં તો ખાવા બગડે! હવે એમને ફરિયાદ કરવાનું મન પણ નથી થતું. કારણ કે મનમાં ડર લાગે છે. એક બાજુ બાળકો, પતિ અને વૃદ્ધ સાસુની ચિંતા તો બીજી બાજુ જ્યારે ઘરે પાછા જશે ત્યારે આસપાસના લોકો એમને સ્વીકારશે કે નહીં, એ બાબતનો ડર.
ઝંખવાયેલો આત્મવિશ્વાસ પાછો મળ્યો
મનનભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન સંચાલિત આરોગ્યકેન્દ્રમાં ટેકનિશિયન તરીકે કામગીરી બજાવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના આ આરોગ્ય કેન્દ્રો કેવાં છે? અલબત્ત આ આરોગ્ય કેન્દ્રની ટીકા કરું તે પહેલાં એ જણાવી દઉં કે કોઈ પણ ખાનગી દવાખાના કરતાં હું આ આરોગ્ય કેન્દ્રો પર વધુ વિશ્વાસ ધરાવું છું. આ આરોગ્ય કેન્દ્રોનું ચિત્ર એટલે રોજની સરેરાશ ૫૦૦ – ૬૦૦ દરદીઓની ઓ.પી.ડી. હોય. સવારે તો મોટાભાગનો સ્ટાફ કેસ કાઢવાની બારીએ જ મળે — પછી ભલે કેસ કાઢવાનું કે દવા આપવાનું પોતાની જવાબદારીમાં આવતું ન હોય. આ આરોગ્ય કેન્દ્રોમાં કામ કરતા ફાર્માસિસ્ટ, ટેકનિશિયન, કૉન્ટ્રાક્ટ પર કામ કરતા અન્ય કર્મચારીઓ, રોજ સેંકડો દરદીઓના સીધા સંપર્કમાં આવે. એક ડિસ્પોઝેબલ માસ્ક સિવાય બીજું કંઈ જ તેમની સુરક્ષા માટે હોતું નથી. મનનભાઈ પણ કોરોના સંક્રમિત કોઈ દરદીના સંપર્કમાં આવ્યા હશે. એટલે એ પણ કોરોનાથી સંક્રમિત થયા. મનનભાઈનો આખો ઘટનાક્રમ પણ જાણવા જેવો છે. તેમનામાં કોરોનાના કોઈ જ લક્ષણો ન હતાં. પરંતુ તેમનું આરોગ્ય કેન્દ્ર ક્લસ્ટર ઝોનમાં આવતું હોવાથી તમામ કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા. મનનભાઈનો ટેસ્ટ ૧૩ એપ્રિલના રોજ થયો. ૧૫ એપ્રિલે એમને જાણ કરવામાં આવી કે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ફરી ૧૯ એપ્રિલે જાણ કરવામાં આવી કે તેમનો રિપોર્ટ નેગેટિવ નહીં, પરંતુ પૉઝિટિવ આવ્યો છે. એક વાર નેગેટિવ આવેલો રિપોર્ટ પોઝિટિવ કેવી રીતે થઈ જાય એ તો આપણું તંત્ર જ જણાવી શકે! માની લઈએ કે કદાચ ભૂલ થઈ ગઈ હશે. લેખિત રિપોર્ટ તો મનનભાઈએ જોયો જ નથી. પણ આવી ગંભીર મહામારીમાં તરત પગલાં લેવા જ પડે. એટલે મનનભાઈ એસ.વી.પી. હોસ્પિટલમાં ૧૯મી તારીખે દાખલ તો થઈ ગયા. સિવિલની કોવિડ હોસ્પિટલની સાપેક્ષે એસ.વી.પી.ની સુવિધા સારી હતી, કમ સે કમ ખાવા-પીવાની બાબતમાં તો ખરી જ. પણ મનનભાઈમાં કોઈ લક્ષણો નહોતાં. એટલે એમને સમરસના કેર સેન્ટરમાં લઈ જવામાં આવ્યા. આ સમરસ કેર સેન્ટરનું વર્ણન મનનભાઈના શબ્દોમાં નીચે મુજબ છેઃ
“આશરે ૫૦૦-૬૦૦ લોકો આ સેન્ટરમાં છે. માત્ર બે જ કૂલરમાં પાણી આવે છે. ખાવા-પીવાની, ચા-નાસ્તાની કોઈ જ નિયમિત વ્યવસ્થા નથી. જેને મૅડિકલ સ્ટાફ કહી શકાય એવું કોઈ જ હાજર નથી. કોઈ શિક્ષિત – જવાબદાર વ્યક્તિ પણ દેખાતી નથી. ક્યાં ય પૂછપરછ કે ફરિયાદ કરી શકાય એવી કોઈ વ્યવસ્થા નથી. ખાવા પીવાનું ખૂટી જાય તો ભૂખ્યા રહેવું પડે. સાફસફાઈ થતી જ નથી. વધેલો એઠવાડ/કચરાટોપલી ત્રણ-ચાર દિવસે એકાદ વાર સાફ/ખાલી થાય છે. ઘણી વાર દરદીઓ જાતે જ ખાવાનું પીરસે છે.”
મનનભાઈ તો પોતે કૉર્પોરેશનના જ સ્ટાફ સભ્ય છે. ક્યાંયથી, કોઈ સાંભળવાવાળું ના મળ્યું તો તેમણે જાતે પોતાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં જાહેર કર્યો. તેનાથી તાત્કાલિક ધમકીનો એક ફોન આવ્યો મનનભાઈ પર અને પછી તો નોકરી જતી રહેશે એવા ફોનનો મારો ચાલુ થઈ ગયો. જો કે તે આ ધમકીથી ડરી જાય એવા નથી. મનનભાઈ ભાંગી તો ત્યારે પડ્યા જ્યારે જાણ્યું કે ગામમાં એમના ઘરના લોકોને કોઈ બોલાવતું નથી, એમના ખેતરમાં કામ કરતા મજૂરોને કોઈ કંઈ વેચાણથી આપતું નથી. આ સામાજિક બહિષ્કાર તેમને કૉર્પોરેશનની બેદરકારીથી પણ વધારે ખટક્યો.
૨૯ એપ્રિલે મનનભાઈનો રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને ઘરે જ આઇસોલેશનમાં રહેવાની શરતે રજા મળી છે. અલબત્ત તેઓ ત્રણ દિવસ પહેલાં જ ઘરે જઈ શક્યા હોત. પણ ૨૫મી એપ્રિલે સમરસમાં જે દરદીઓના રિપોર્ટ આવ્યા, એ ડેટાબેઝની આખી ફાઇલ જ ઊડી ગઈ. એટલે ફરીથી તમામના ટેસ્ટ કરવા પડ્યા. છેવટે સાજા થઈને તે ઘરે પહોંચ્યા. ગામમાં કુટુંબીજનો સામાજિક બહિષ્કારથી મનનભાઈનું ચિત્ત ઝંખવાઈ ગયું હતું. પણ તે સરખેજ ખાતેના પોતાના ફ્લૅટમાં પહોંચ્યા ત્યારે પાડોશીઓએ તાળીઓ અને ફૂલોથી તેમનું સ્વાગત કર્યું. એટલે તેમનો ઝંખવાઈ ગયેલો આત્મવિશ્વાસ ફરીથી ખીલી ઊઠ્યો.
e.mail : vaghelarimmi@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 16 મે 2020