Opinion Magazine
Number of visits: 9504446
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લાઇબ્રેરીઓ રૂપી ભર્યા ભંડારો ન હોત તો આજનો માહિતીયુગ વામણો રહી ગયો હોત, ઇન્ટરનેટ માયકાંગલું રહી ગયું હોત

સુમન શાહ|Opinion - Literature|30 July 2017

વૉશિન્ગટન-ડીસીમાં કૅપિટલ હિલ ખાતે આવેલી ‘ધ લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસ’ વિશ્વની મોટામાં મોટી લાઇબ્રેરી છે

અમેરિકાની ‘લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસે’ ‘ધ કાર્ડ-કૅટલોગ…’ નામનો ગ્રન્થ બહાર પાડ્યો છે. એક જબરી સાંસ્કૃતિક ઘટના -જે આજકાલ સમાચારોમાં છે. વૉશિન્ગટન-ડીસીમાં કૅપિટલ હિલ ખાતે ત્રણ બિલ્ડિન્ગમાં પથરાયેલી ‘ધ લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસ’ વિશ્વની મોટામાં મોટી લાઇબ્રેરી છે. યુનિવર્સલ. કેમકે એમાં વિશ્વભરની ૪૫૦-થી પણ વધુ ભાષાઓનાં ૩૮ મિલિયન પુસ્તકો છે. ૭૦ મિલિયન હસ્તપ્રતો, ૩-થી વધુ મિલિયન રૅકૉર્ડિન્ગ્સ, ૧૪ મિલિયન ફોટોગ્રાફ્સ, ૫-થી વધુ મિલિયન નક્શા. બધું મળીને ૧૬૪ મિલિયન આઇટેમ્સ. અપારની વિવિધતા છે : રાષ્ટ્ર નાતજાત કે ધરમકરમના કશા જ ભેદભાવ વગરના સંખ્યાબંધ વિષયો. પુસ્તકો, ક્રાઉન ડૅમિ વગેરે વિવધ આકારોમાં. દુનિયાના કેટલાય દેશોમાં ચાલતાં સંશોધનોના નમૂના અને સિદ્ધ સંશોધનગ્રન્થો. ૧૮૦૦-માં સ્થપાયેલી આ લાઇબ્રેરી પહેલાં તો ન્યૂ યૉર્કમાં હતી. ૧૮૧૨-ના યુદ્ધમાં બ્રિટીશરોએ લાઇબ્રેરીની ઘણી બધી સામગ્રીનો નાશ કરી નાખેલો. એટલે પ્રૅસિડેન્ટ થૉમસ જેફરસનની અંગત લાઇબ્રેરીનાં બધાં જ પુસ્તકો ખરીદી લઇને એને સ-જીવન કરાયેલી. આજે તો એનું બજેટ $642 મિલિયન છે. પણ એના સર્વપ્રથમ ગ્રન્થપાલ જ્હૉન જે. બેકલિનો પગાર, ધારો તમે, કેટલો હશે ? હન્ડ્રેડ થાઉઝન્ડ્સ ? ના. રોજના બે ડૉલર ! પાછું એણે ‘હાઉસ ઑફ રીપ્રેઝેન્ટેટિવ્સ’-નું કારકુનીકામ પણ કરવાનું !

ગ્રન્થનું આખું શીર્ષક છે, ’ધ કાર્ડ-કૅટલોગ : બુક્સ, કાર્ડ્ઝ, ઍન્ડ લિટરરી ટ્રેઝર્સ’. પ્રકાશન વર્ષ, ૨૦૧૭. હાર્ડ કવર. 7.9 x 1 x 9.4 inches સાઇઝ. ૨૨૪ પેજીસ. મૂલ્ય $22.48. એમાં, દન્તકથારૂપ લાઇબ્રેરી ઑફ અલેક્ઝાન્ડ્રિયા-થી માંડીને ૧૯૭૬-થી શરૂ થયેલી કમ્પ્યૂટરાઇઝ્ડ બુક ઇન્વેન્ટરી ડેટાબેસિસ લગીની તવારીખ છે. લાઇબ્રેરી નામની માનવીય વ્યવસ્થાનો સંક્ષિપ્ત ઇતિહાસ, એનો સર્વસાર.

આ વાતે મને મારો એક વરસોજૂનો બનાવ યાદ આવે છે : ૧૯૮૨ આસપાસની વાત. બનેલું એમ કે યુનિવર્સિટી લાઇબ્રેરીમાંથી મારે એક પુસ્તક જોઇતું’તું. ત્યાં ઘણાં કાર્ડ્ઝ, પણ મને આવડે નહીં એટલે ઘણી વાર પછી એક કાર્ડ પર પુસ્તકનું નામ અને નમ્બર શોધી શકેલો. કાપલી બનાવીને હું ઘોડો શોધતો રહ્યો -જે પર મને જોઇતું પુસ્તક અસવાર હતું. બહુ વાર લાગી. હું બેઝમૅન્ટમાં ગયો. બાજુમાં એક મદદનીશભાઇ ફરતો’તો. મેં એને કહ્યું, આ જોઇએ છે, ઘોડો બતાવશો ? મેં કાપલી એના હાથમાં મૂકી. એ લઇને એ જેમજેમ આમતેમ ભમતો થયો તેમતેમ હું પણ એની પાછળ ને પાછળ આમ ને તેમ ભમતો રહ્યો. કંટાળીને મેં પૂછ્યું -કેટલે છે ? તો કશો ઉત્તર નહીં. અમારી ઘોડશોધ ચાલુ રહી. પછી ઘોડો મળ્યો, પણ એ તો તરત ચાલી જવા લાગ્યો ! મેં કહ્યું, અરે પણ, પુસ્તક શોધવામાં મદદ તો કરો ! તો પણ એ ચૂપ ચાલતો રહ્યો, કશો ઉત્તર નહીં. મેં ઘણાં પુસ્તક ઉથલાવ્યાં, પણ નિષ્ફળતા જ મળી. કેમકે ઘોર અવ્યવસ્થા હતી. મને થાય, યુનિવર્સિટી-લાઇબ્રેરીમાં મદદનીશ વ્યક્તિ યુનિવર્સિટી-ટીચરને મદદ કદાચ ન કરે પણ મૂંગાની જેમ કશો ઊથલો જ ન આપે એ તે શી વાત છે ! મેં દયનીય વદને જોયું તો એ બીજા ઘોડાઓ પરની ધૂળ ઉડાડતો’તો. એની નિકટતમ જઇ મેં કહ્યું -પ્લીઝ, નથી મળતું, મદદ કરોને. ડોકું નકારમાં હલાવતો એ નિ:શબ્દ ત્યાંથી પણ ચાલી ગયો.

એ દિવસોમાં મને આવી સિસ્ટમલેસ સિસ્ટમ માટે ગુસ્સો બહુ આવે -હશે મારી ઉમ્મર ૪૨. એટલે, હું સીધો પ્હૉંચ્યો મુખ્ય ગ્રન્થપાલ પાસે. વીતકકથા કથી. તો એ હસે ! મેં પૂછ્યું : હસો છો શું ? તો કહે : સુમનસર, એ તો મૌની છે, એની વાઇફ મરી ગઇ એ પછી એણે ચિરકાલીન મૌન ધારણ કર્યું છે : મેં કહ્યું : તો પછી એને દૂધેશ્વર-સ્મશાન પાસેના કોઇ મન્દિરમાં મૂકી આવોને, લાઇબ્રેરીમાં શું કામ રાખ્યો છે ! લાઇબ્રેરીમાં મૌન વાચકોએ રાખવાનું હોય, મદદનીશોએ નહીં ! : તો પણ એ હસતા રહ્યા. પછી કહે, કંઇ ન કરી શકાય, ટ્રેડ-યુનિયન…મેં કહ્યું, ભલે, બાય. હું મનોમન બબડેલો કે અહીંથી જલ્દીથી નહીં નીકળી જઉં તો મગજ મારું વધારે ફરી જશે. સાચું ન લાગે, પણ એ પછી એ યુનિવર્સિટી-લાઇબ્રેરીમાં હું જવલ્લે જ ગયો છું. આ ગમખ્વાર બનાવ સાથે આ ‘લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસ’ અને તેના આ ‘કાર્ડ-કૅટલોગ’-ની કશી સરખામણી કરાય ? કશીપણ તુલનાત્મક ચેષ્ટા કરનારો પાગલ જ હોઇ શકે !

હું એમ કહેતો’તો કે ‘કાર્ડ-કૅટલોગ’-માં ફોટોગ્રાફ્સ ચિત્રો પુસ્તકોની પહેલી આવૃત્તિ વખતનાં ટાઇટલ પેજીસ અને મૂળ કાર્ડ્ઝની ૨૦૦થી પણ વધુ રંગીન છબિઓ વગેરે અઢળક સામગ્રી નવેસર નિર્મિત કરીને મૂકી છે. આ લાઇબ્રેરી સાથેના મારા એક અનુબન્ધની વાત ઉમેરું. મિત્ર કિશોર જાદવના સૂચનથી મેં મારી ‘નવ્ય વિવેચન પછી—‘ પુસ્તિકાની (૧૯૭૭) કેટલીક નકલો આ ‘લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસ’-ને મોકલી આપેલી. એટલે, ૧૯૯૨-માં પહેલી વાર અમેરિકા જવાનું થયું ત્યારે મારે અને પત્ની રશ્મીતાએ જોવું’તું કે લાઇબ્રેરીવાળાઓએ મારી એ પુસ્તિકાને ક્યાં રાખી છે. જાણે દીકરીને માબાપ એના સાસરે પહેલી વાર જોવા-મળવા ગયાં હોય. પણ કમનસીબે અમારે લાઇબ્રેરીનાં માત્રબહારથી દર્શન કરીને સંતોષ માનવો પડેલો. બાકી, સાહિત્યરસિકોને અહીં શેક્સપીયરના ‘ફર્સ્ટ ફોલિયો’-થી માંડીને ‘યુલિસિસ’ જોવા મળે. નૅથેનિયલ હૉથર્નના ‘સ્કારલેટ લેટર’-ની પહેલી આવૃત્તિ જોવા મળે. ‘હકલબરી ફિન’-ની પહેલી આવૃત્તિ મળે, જેમાં એના વિખ્યાત લેખક માર્ક ટ્વેઇનના હસ્તાક્ષરમાં લખાયેલી નોંધ વાંચવા મળે. કોઇપણ વીગત મેળવીને સાહિત્યરસિકો રાજી રાજી થઇ જાય એવું આ માતબર પ્રકાશન છે. જોકે, આ સમગ્રના મૂળમાં શબ્દ નામનું માનવીય સત છે. શબ્દના ય મૂળમાં વસતા હૃદયભાવો છે. મનુષ્યની જ્ઞાનપિપાસા છે. એટલે, આ ધરખમ દસ્તાવેજનું જેટલું મૂલ્ય કરીએ, ઓછું છે.

કાર્ડ્ઝ કે સૂચિ જેવાં સાધનો અધ્યેતાઓ માટે ઉપયોગી, કહો કે અનિવાર્ય, છતાં મારા જેવાઓ જાતે કાર્ડ કે સૂચિ બનાવતાં કંટાળે છે. એમ કે, જાણકાર ત્રાહિત વ્યક્તિ પણ કરી શકે એવું સાદું કામ છે. વળી, આ ઇન્ટરનેટયુગમાં કોઇપણ વીગત કે યથેચ્છ માહિતી સ્માર્ટફોન પર મિનિટોમાં મેળવી શકાય છે. ‘ગૂગલ’ મહારાજ પાસે કંઇપણ માગો, વાત વાતમાં કેટલુંય ધરી દે છે. એવાં એવાં કારણોથી ‘કાર્ડ-કૅટલોગ’-ની ટીકા કરનારા પણ નીકળી આવ્યા છે. કહે છે, આ તો અમસ્તો ભભકો છે ! એટલે લગી કે લાઇબ્રેરીઓ પણ એઓને હવે અનિવાર્ય નથી લાગતી. બિનજરૂરી લાગે છે. પરન્તુ એ લોકો વીસરી જાય છે કે માઉસ ને ક્લિક્-ના સથવારે ઉપાડી શકાતું કંઇપણ આવા કૅટલોગોમાં, વિવિધ ડિક્ષનરીઓમાં, અને લાઇબ્રેરીઓનાં લાખ્ખો પુસ્તકોમાં સૈકાઓથી સંઘરાયેલું છે ! એ ભર્યા ભંડારો ન હોત તો આજનો માહિતીયુગ વામણો રહી ગયો હોત, ઇન્ટરનેટ માયકાંગલું રહી ગયું હોત. જોકે આ બધાંની નીચે સૂતેલો સવાલ એ છે કે -લાઇબ્રેરી મહાન હોય કે સામાન્ય, કાર્ડ-કૅટલોગ હોય કે ન હોય, સ્માર્ટ ફોન હોય કે ન હોય, પુસ્તક મેળવીને તમારે એનું કરવું છે શું ? ખરેખર વાંચવું છે ? … દરેકે જાતને પૂછવું …

===

સૌજન્ય : ‘સાહિત્ય સાહિત્ય’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 29 જુલાઈ 2017

Loading

30 July 2017 admin
← જ્યાં સુધી આપણે બધા સુનીલ શિતપ બનવા માગીએ છીએ ત્યાં સુધી શિતપોનો સૂર્યાસ્ત થવાનો નથી
બસ, અમસ્તા જ પ્રેમ જતાવવો એ એના જીવનનો ભાગ છે. →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved