Opinion Magazine
Number of visits: 9454887
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લેખન, મુદ્રણ, પ્રકાશન ક્ષેત્રના અગ્રણી ઇચ્છારામ ‘ગુજરાતી’ દેસાઈ

દીપક મહેતા|Opinion - Literature|3 April 2019

“નિસ્તેજ થયેલી સ્વતંત્રતાને સતેજ કાંતિમાન કરવાની જરૂર છે કે નહીં? આપણા હક્ક આપણને વખતસર મળે નહિ અને એક નબળા ગુલામની માફક આપણા પર જુલમની ઝોંસરી ભેરવે ત્યારે આપણે આપણા ખરા હક્કને સારુ સ્વતંત્ર ન થવું? આ ઓશિયાળો અવતાર ક્યાં સુધી ભોગવવો? પરાધીનપણાની પીડા અતિશય દુઃખદાયી છે. આ ગુલામગીરી હવે વેઠાતી નથી! સ્વતંત્રતા યશસુખનું ધામ છે. સ્વતંત્રતા આપણા ઉત્સાહનાં કાર્યો સમય પરત્વે કરાવે છે. અહા! વહાલી સ્વતંત્રતા!”

કહી શકશો, આ શબ્દો ક્યારે, કોણે, લખ્યા અને છાપ્યા હશે? ૧૮૮૫માં ઇન્ડિયન નેશનલ કોન્ગ્રેસની સ્થાપના થઇ તે પહેલાં, ૧૮૭૮ના જાન્યુઆરીમાં આ શબ્દો પ્રગટ થયા હતા, સુરતથી પ્રગટ થતા માસિક ‘સ્વતંત્રતા’માં. એ માસિક શરૂ કર્યું હતું ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ નામના એક પચીસ વર્ષના નોન-મેટ્રિક યુવાને. અગાઉ મુંબઈમાં ‘આર્યમિત્ર’ અને ‘મુંબઈ સમાચાર’માં અખબારમાં કામ કરવાનો થોડો અનુભવ લીધેલો તેની મૂડી, અને કેટલાક મિત્રોનો સાથ.

૧૮૭૮ના વર્ષમાં જ સુરત સુધરાઈએ ઘરવેરો ને દુકાન વેરો દાખલ કર્યો. સરકારે મીઠા પરનો કર બમણો કર્યો અને લાઈસન્સ ટેક્સ દાખલ કર્યો. આ બધાના વિરોધમાં સુરતમાં ૧૮૭૮ના એપ્રિલમાં હડતાલ પડી, હુલ્લડ થયું. પોલીસને આ હુલ્લડ માટે ‘સ્વતંત્રતા’માં પ્રગટ થયેલાં લખાણો જવાબદાર લાગ્યાં. આથી તેની સાથે સંકળાયેલી આઠ વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી. તેમાંના એક ઇચ્છારામ. અદાલતમાં કેસ ચાલ્યો જે ‘સુરત રાયટ કેસ’ તરીકે જાણીતો થયો. આરોપીઓનો બચાવ કરવા માટે ફિરોઝશાહ મહેતા અને બેરિસ્ટર ગિલ ઊભા રહ્યા. પાંચ મહિના ખટલો ચાલ્યા પછી બધા આરોપી નિર્દોષ જાહેર થઇ છૂટ્યા. અગાઉ જે શબ્દો ટાંક્યા છે તે જ્યારે ‘સ્વતંત્રતા’માં પ્રગટ થયા ત્યારે તેના લેખકનું નામ છાપ્યું નહોતું. પણ એ શબ્દો અને બીજાં લખાણો પોતાનાં છે એવી કબૂલાત ઇચ્છારામે અદાલતમાં સ્વેચ્છાએ આપેલી. જો  કે આ ખટલા પછી ‘સ્વતંત્રતા’ લાંબુ ન જીવ્યું. ૧૮૭૯ની આખરમાં તે બંધ થયું. આ આખી ઘટના વિષે પછીથી ઇચ્છારામે લખ્યું છે: “સુરતના હુલ્લડ કેસમાં અમારા બે પરનો આરોપ ફીતુરી લખાણ લખવાને લાગતો હતો. બીજાઓ પર ભાષણ કરવાનો હતો. લગભગ સાડા પાંચ મહિના સુધી એ કેસ ચાલ્યો હતો. છ આરોપીઓ જો ગુનેગાર ઠરે તો અમારે માટે મોતનાં લાકડાં તૈયાર જ હતાં.”

કોણ હતા, આ ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ? બાપદાદાની મૂળ અટક તો હતી ‘નીમકસારી.’ અકબર બાદશાહે કુટુંબના આદિપુરુષ નારણદાસ તાપીદાસને સુરત અને ભરૂચ જિલ્લાનાં કેટલાંક ગામોમાં પાકતા નમક (મીઠા) પર કર ઉઘરાવવાનો હક્ક આપેલો. એટલે તેઓ ‘નીમકસારી’ તરીકે ઓળખાયા. પણ પછીથી કુટુંબની અટક દેસાઈ થઇ. એ કુટુંબનાં સૂર્યરામ અને પ્રાણકુંવરને ત્યાં સુરતની દેસાઈ પોળમાં ૧૮૫૩ના ઓગસ્ટની ૧૦મી તારીખે ઇચ્છારામનો જન્મ. પિતા સૂર્યરામે અંગ્રેજ સરકારના લશ્કરમાં સાત રૂપિયાના પગારે સિપાઈ તરીકેની નોકરીથી કારકિર્દી શરૂ કરેલી. પહેલા અફઘાન યુદ્ધમાં લડવા કાબુલ ગયેલા. લડાઈમાં પંદર-સોળ ઘા સામી છાતીએ ઝીલીને પાછા આવેલા. માસિક ૪૬ રૂપિયાના પેન્શન સાથે નિવૃત્ત થયેલા.

શરૂઆતનો અભ્યાસ ગામઠી નિશાળમાં કર્યા પછી ૧૮૬૬માં સુરતની અંગ્રેજી સ્કૂલમાં ઇચ્છારામ દાખલ થયા. પણ ભૂમિતિનો ભારે કંટાળો એટલે ક્લાસ બંક કરીને બાલાજીના મંદિરમાં કથા-વાર્તા સાંભળવા ચાલ્યા જાય. તેર વર્ષની ઉંમરે લગ્ન. ભણવામાં મન ચોંટતું નહોતું. તબિયત પણ નરમગરમ રહેતી. એટલે મેટ્રિક થતાં પહેલાં જ અભ્યાસ છોડ્યો. પણ વાંચવા-લખવાનો જબરો શોખ. છાપેલાં પુસ્તકો ઉપરાંત હસ્તપ્રતો વાંચતાં પણ શીખી ગયેલા. ક્યારેક પુસ્તક ખરીદવાના પૈસા ન હોય તો આખેઆખા પુસ્તકની નકલ હાથે લખીને કરી લેતા! પણ પુસ્તકો વાંચવાથી કાંઈ રોજ રોટલા ભેગા ન થવાય. તેમાં વળી એક વાર માએ ઠપકો આપ્યો: ‘રામને રળવું નહિ, ને સીતાને દળવું નહિ.’ બસ. સુરતના ‘દેશીમિત્ર’ છાપખાનામાં જઈ ટાઈપ કમ્પોઝ કરવાનું કામ શીખ્યા. પણ નોકરીનાં ફાંફાં. એમાં વળી મા સાથે ઝગડો થયો. બેકાર જમાઈને મહિને પચાસ રૂપિયા આપવાનું સસરાએ શરૂ કર્યું, અને રહેવા માટે પોતાનું એક મકાન આપ્યું.

૧૮૮૦ની એક સવારે ઇચ્છારામના બાળપણના દોસ્ત મગનલાલ ઠાકોરદાસ મોદી (સુરતની એમ.ટી.બી. કોલેજ શરૂ કરવા માટે બે લાખ રૂપિયાનું દાન આપનાર. રૂના મોટા વેપારી.) ખાસ ઇચ્છારામને મળવા મુંબઈથી સુરત આવ્યા. તે વખતે ઇચ્છારામ  કાનના દુખાવા અને તાવથી પીડાતા હતા. પણ તેની દરકાર કર્યા વગર મગનલાલે કહ્યું: “આમ સસરાનું ખાઈને ક્યાં સુધી પડ્યો રહીશ? ચાલ મારી સાથે મુંબઈ. અહીં બેકારીમાં સબડવા કરતાં તો મુંબઈમાં મરવું સારું.” અને મગનલાલ લગભગ પરાણે ઇચ્છારામને મુંબઈ લઇ ગયા. તાવ તો રસ્તામાં જ ઉતરી ગયો. કાનનો દુખાવો પણ ઘટી ગયો. હકીકતમાં મગનલાલને સુરત મોકલ્યા હતા એક જાણીતા વ્યાપારી અને જાહેર જીવનના અગ્રણી સર મંગળદાસ નથ્થુભાઈએ. તેઓ નવું અઠવાડિક કાઢવા માગતા હતા અને તેના અધિપતિ (તંત્રી) તરીકે ઇચ્છારામની ભલામણ થઇ હતી. આ વાત જાણતાં જ ઇચ્છારામ  તો રાજીના રેડ. મુંબઈમાં કવિ નર્મદને મળ્યા, મણિલાલ નભુભાઈને મળ્યા, રતિરામ દુર્ગારામ દવેને મળ્યા, બીજા કેટલાક અગ્રણીઓને મળ્યા. સૌનો સહકાર માગ્યો. મળ્યો. નવા અઠવાડિક માટે કવિ નર્મદે નામ સૂચવ્યું: ‘ગુજરાતી.’ અને ૧૮૮૦ના જૂનની છઠ્ઠી તારીખે ‘ગુજરાતી સાપ્તાહિક’નો પહેલો અંક બહાર પડ્યો. પહેલા ચાર મહિના દર અઠવાડિયે નકલો મફત વહેંચી. છતાં પહેલા વર્ષને અંતે ગ્રાહકોની સંખ્યા ફક્ત ૧૪૫! પણ સાથોસાથ બે હજાર નકલ મફત વહેંચાતી. ઇચ્છારામ પર સુરત રાયટ કેસના વખતથી ફિરોઝશાહ મહેતાનો ઊંડો પ્રભાવ હતો. આથી ૧૮૮૫માં ઇન્ડિયન નેશનલ કોન્ગ્રેસની સ્થાપના થઇ ત્યારથી ‘ગુજરાતી’ સાપ્તાહિકનું વલણ સતત કોન્ગ્રેસ તરફી રહ્યું. એ વખતે કોંગ્રેસની તરફેણ કરતું તે મુંબઈનું એકમાત્ર પત્ર હતું.

પહેલું પાનું અંગ્રેજી લખાણનું. તે પછી તાજા સમાચાર. પછી અગ્રલેખ, હપ્તાવાર નવલકથા, રમૂજી કોલમ, વિશિષ્ટ લેખો, ચર્ચાપત્રો, વીણેલા વર્તમાન, અને છેલ્લે સામાન્ય સમાચાર એવો ‘ગુજરાતી’નો ઢાંચો રહેતો. દર વર્ષે ગ્રાહકોને ભેટ પુસ્તક આપવાની શરૂઆત ‘ગુજરાતી’એ કરી જે પછીથી ઘણાં સામયિકોએ અપનાવી. તેવી જ રીતે ‘ગુજરાતી’એ હપ્તાવાર નવલકથા છાપવાનું શરૂ કર્યું ત્યારથી આજ સુધી હપ્તાવાર નવલકથા એ આપણાં અખબારો અને સામયિકોનું લગભગ એક અનિવાર્ય અંગ બની ગઈ છે. ‘ગુજરાતી’ના સચિત્ર દિવાળી અંકો પણ એ વખતે આગવી ભાત પાડતા. ગુજરાતીની સેવાની કદર રૂપે ૧૯૦૪માં તેનો રજત મહોત્સવ મુંબઈમાં ધામધૂમથી ઉજવાયેલો.

ઇચ્છારામ હાડે લેખક અને પત્રકાર. દોડવું હતું ને ઢાળ મળ્યો. ‘ગુજરાતી’ને સતત વધુ તેજસ્વી બનાવવા મથ્યા. પહેલાં ચાર વર્ષ તો તે રતનજી નસરવાનજી આંટિયાની દેખરેખ નીચે ફોર્ટ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાતું. પણ પારકું પ્રેસ, એટલે ક્યારેક વહેલું મોડું થાય. ભાષા-શુદ્ધિ પૂરી ન જળવાય. રૂપરંગમાં બાંઘછોડ કરવી પડે. એટલે સૌથી સારો રસ્તો પોતાનું પ્રેસ કરવાનો. સર મંગળદાસને વાત કરી. તેમણે ત્રણ હજાર રૂપિયા આપ્યા અને ૧૮૮૩ના જાન્યુઆરીમાં શરૂ થયું ‘ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ.’ પણ અઠવાડિકના છાપકામથી કાંઈ પ્રેસ પગભર ન થાય. એટલે ઇચ્છારામે પુસ્તકો છાપવાનું શરૂ કર્યું. શું આજે, કે શું એ વખતે, ધાર્મિક પુસ્તકો સૌથી વધુ અને સતત વેચાય. પણ એ પાંડિત્યભર્યાં નહિ, પોપ્યુલર હોવાં જોઈએ. એટલે ૧૮૮૫માં પ્રેમાનંદનાં ‘ઓખાહરણ’ અને ‘નળાખ્યાન’ છાપ્યાં. પછી તો ઢગલાબંધ ધાર્મિક પુસ્તકો પ્રગટ કર્યાં, દર વર્ષે પંચાંગ તૈયાર કરાવી છાપ્યાં.

બીજું, સૌથી વધુ વેચાય નવલકથા. ૧૮૮૬માં પોતાની નવલકથા ‘હિન્દ અને બ્રિટાનિયા’ છાપી. નવલકથાએ દેશમાં અને દેશની બહાર ચકચાર જગાડી. તેના પર દેશદ્રોહનો આરોપ મૂકી ખટલો ચલાવવાની માગણી થઇ. ઈંગ્લન્ડ, અમેરિકા, અને રશિયામાં પણ તેને વિષે ચર્ચા થઇ. વ્યવહારકુશળ ઇચ્છારામે આ પબ્લિસિટીનો લાભ લીધો. ૧૮૮૭માં ‘ગુજરાતી’ના ગ્રાહકોને ‘હિન્દ અને બ્રિટાનિયા’ની નકલ ભેટ આપવાની જાહેરાત કરી. રાતોરાત ગ્રાહક સંખ્યા ૯૦૦માંથી વધીને ૨૫૦૦ થઈ ગઈ! અલબત્ત, પછીથી ઓરિએન્ટલ ટ્રાન્સલેટરનો અભિપ્રાય સ્વીકારીને સરકારે એ નવલકથા વિરુદ્ધ કોઈ પગલાં ન લેવાનું નક્કી કર્યું. બસ, પછી તો પોતાની અને બીજાની નવલકથાઓ ઇચ્છારામ ટપોટપ છાપવા લાગ્યા, અને લોકો ખરીદવા લાગ્યા.

પણ ઇચ્છારામ અને ગુજરાતી પ્રેસ દ્વારા ગુજરાતી સાહિત્યનું સૌથી મોટું અને મહત્ત્વનું કામ થયું તે તો ૧૮૮૬થી શરૂ કરીને છપાયેલા ‘બૃહત્ કાવ્યદોહન’ના આઠ ભાગ. (મૂળ યોજના દસ ભાગની હતી, પણ પહેલા આઠ ભાગ જ ઇચ્છારામની હયાતીમાં પ્રગટ થઇ શક્યા.) અનેક મધ્યકાલીન ગુજરાતી કવિઓનાં કાવ્યો શોધી, મેળવી, સંશોધી આ આઠ ભાગમાં ઇચ્છારામે પ્રગટ કર્યાં. આ માટે ગુજરાતમાં વ્યાપક પ્રવાસો કર્યા. દરેક ભાગમાં કોઈ એક-બે કવિના જીવન-કવન વિશેનો વિસ્તૃત અભ્યાસ લેખ કોઈ જાણકાર પાસે લખાવી છાપતા. આજે આપણને તેમની સંપાદન-સંશોધન પધ્ધતિમાં મર્યાદાઓ જણાય, પણ મધ્યકાલીન ગુજરાતી કવિતાને મુદ્રિત રૂપે રજૂ કરવાનો આ વ્યાપક અને પ્રથમ પ્રયત્ન હતો. પણ એક લેખક તરીકે તેમને સૌથી વધુ લોકપ્રિયતા મળી તે તો ૧૮૯૧થી પ્રગટ થયેલ ‘ચન્દ્રકાન્ત’ના ત્રણ ભાગોને લીધે. ‘ગુજરાતી’એ તેની દસ કરતાં વધુ આવૃત્તિ છાપી હતી એટલું જ નહિ, આજ સુધી આ પુસ્તક થોડાં થોડાં વર્ષે ફરી છપાતું રહ્યું છે. એક જમાનામાં તેના હિન્દી અને મરાઠી અનુવાદો પણ લોકપ્રિય બન્યા હતા.

એ જમાનો હતો મુવેબલ ટાઈપનો, બીબાંનો. ઝાઝું છાપવા માટે ઝાઝા, સારા, ટકાઉ બીબાં જોઈએ. એ માટે મુંબઈ-અમદાવાદની બીબાં બનાવનારી ફાઉન્ડ્રીઓ સાથે સતત લમણાઝીંક કરવી પડે, મોં-માગ્યા ભાવ આપવા પડે, ડિલીવરી વહેલી-મોડી થાય તે ચલાવી લેવું પડે. એના કરતાં પોતાની જ ટાઈપ ફાઉન્ડ્રી શરૂ કરી હોય તો? જે મગનલાલ મોદી સુરતથી મુંબઈ લઇ આવ્યા હતા તેમને વાત કરી. ટાઈપ ફાઉન્ડ્રીના એક અનુભવી કાલીદાસ પૂંજારામ પારેખને સાથે લીધા, અને ઈ.સ. ૧૯૦૦ના ઓક્ટોબરની ત્રીજી તારીખે, દશેરાના દિવસે, મુંબઈમાં ગિરગામ વિસ્તારમાં ગાયવાડી ખાતે ગુજરાતી ટાઈપ ફાઉન્ડ્રી શરૂ કરી. ‘ગુજરાતી’ છાપવા અંગેની અગવડ તો દૂર થઇ જ, પણ ધંધાની એક નવી દિશા ઉઘડી. વખત જતાં દેવનાગરી, અંગ્રેજી, ગુરુમુખી, અને બીજી ભાષાના ટાઈપ પણ બનાવીને વેચ્યા. જે જમાનામાં આપણા દેશના ભલભલા ઉદ્યોગપતિઓએ બેકવર્ડ ઈન્ટિગ્રેશનનું નામ પણ નહોતું સાંભળ્યું એ જમાનામાં ઇચ્છારામે એ કરી બતાવ્યું. પોતે લેખક અને પત્રકાર, એટલે સામયિક શરૂ કર્યું. તે છાપવા માટે પ્રેસ શરૂ કર્યું. તેને ટાઈપ પૂરા પાડવા માટે ટાઈપ ફાઉન્ડ્રી શરૂ કરી.

કારકિર્દીની શરૂઆતમાં ‘સ્વતંત્રતા’ સામાયિકને કારણે બ્રિટિશ સરકારની ખફગી વહોરવી પડી હતી. છતાં ‘ગુજરાતી’ સાપ્તાહિકમાં પણ ઉદ્દામ લખાણો છાપવાનું ઇચ્છારામે બંધ કર્યું નહોતું. ૧૯૧૦માં ‘પ્રેસ એકટ’ પસાર થયો અને એ અંગે ફરી મુશ્કેલી ઊભી થઈ. એ કાયદા હેઠળ સરકારે એવાં લખાણો ન લખવા-છાપવા અંગે ‘ગુજરાતી’ પાસેથી ૨૫૦૦ રૂપિયાની જામીનગીરી લીધી. એ દિવસે કોર્ટમાંથી ઓફિસે ગયા પછી ઇચ્છારામે કહ્યું: “મેં પત્રકાર તરીકેનું મારું જીવન આજથી પૂરું કર્યું છે. મારો ઉત્સાહ મરી ગયો છે.” તે પછી તેમણે ‘ગુજરાતી’માં ભાગ્યે જ કશું લખ્યું. ૧૯૧૨ના ડિસેમ્બરની પાંચમી તારીખે રાત્રે હૃદયરોગના હુમલાથી મુંબઈમાં ઇચ્છારામનું અવસાન થયું. ઓગણીસમી સદીની છેલ્લી પચ્ચીસીમાં આપણાં ભાષા, સાહિત્ય, પત્રકારત્વ, સંશોધન-સંપાદન, મુદ્રણ, પુસ્તક અને સામયિક પ્રકાશન વગેરેને પાંચ ડગલાં આગળ લઈ જવાનું કામ ઇચ્છારામે ‘ગુજરાતી’ દ્વારા કર્યું. બલ્કે, ઇચ્છારામ અને ‘ગુજરાતી’ એકબીજા સાથે એવાં તો ઓતપ્રોત થઇ ગયાં હતાં કે ઇચ્છારામ  ‘ગુજરાતી’ દેસાઈ એ બંનેની ખરી ઓળખ બની ગઈ.

xxx xxx xxx

Flat No. 2, Fulrani, Sahitya Sahawas, Madhusudn Kalelkar Marg, Kalanagar, Bandra (east), Mumbai 400 051

(“નવનીત સમર્પણ”, ઍપ્રિલ 2019; પૃ. 102-108)

Loading

3 April 2019 admin
← નવી યોજના
કૉન્ગ્રેસનો ચૂંટણીઢંઢેરો જોતાં લાગશે રાહુલ ગાંધી ગંભીર રાજકારણ કરી રહ્યા છે →

Search by

Opinion

  • વિશ્વ શાંતિ દિવસે અશાંત અરાજકતા તરફ એક નજર 
  • હકાલપટ્ટી
  • GEN-Z
  • સોક્રેટિસ ઉવાચ – ૧૧
  • પન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે …  અપની જગહ સે કૈસે પરબત હિલ જાયે?

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved