Opinion Magazine
Number of visits: 9461079
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લેખક હોવું એટલે

અરુંધતી રૉય, અરુંધતી રૉય|Opinion - Opinion|3 September 2019

‘પેન’ અમેરિકાએ આ પ્રવચન આપવા માટે મને બોલાવી તેને હું મારું ગૌરવ સમજું છું. સાથે બેસીને સાહિત્ય વિશે વિચારવા માટે આનાથી વધારે જગ્યા કઈ હોઈ શકે? અને તે પણ આ પળે, જ્યારે આપણે માનીએ છીએ કે આ સમયગાળાને આપણે સમજીએ છીએ, ભલે પૂરેપૂરો નહીં તો થોડો આછોપાતળો પણ.

જ્યારે બરફનાં શિખરો ઓગળવા માંડ્યાં છે, સમુદ્રો ગરમ થતા જાય છે અને પાણીનાં સ્તર નીચાં જઈ રહ્યાં છે, પૃથ્વી પરનાં આપણાં જીવનને ટકાવી રાખવા પરસ્પરાવલંબનની બારીક જાળ જર્જરિત થવા લાગી છે; આપણી પ્રખર બુદ્ધિ માણસ અને મશીન વચ્ચેની ભેદરેખા તોડી નાખવા તરફ આપણને દોરી રહી છે અને એથી વધુ પ્રખર આપણો અહંકાર પૃથ્વી પર એક પ્રજાતિ તરીકે આપણું અસ્તિત્વ ટકાવી રાખવાની ક્ષમતાને ઢાંકી રહ્યો છે, જ્યારે આપણી યાંત્રિક ગણતરીઓ આપણી કળા ઉપર ચડી બેઠી છે અને લાગે છે કે તે જાણે એવા ભવિષ્ય તરફ મીટ માંડી રહી છે, જેમાં મોટા ભાગના માનવોની આર્થિક પ્રવૃત્તિમાં સહભાગી થવાની કે તેમને મહેનતાણું ચૂકવવાની જરૂર ન જણાતી હોય.

બરાબર આવા સમયે આપણી પાસે વ્હાઇટ હાઉસમાં ગોરા મહામાનવ બિરાજે છે, ચીનમાં નવ્ય સામ્રાજ્યવાદીઓ છે, યુરોપના રસ્તાઓ પર નીઓ-નાઝીનાં ટોળાં ઊભરાય છે, ભારતમાં હિન્દુ રાષ્ટ્રવાદીઓનું જોર વધતું જાય છે અને અન્ય દેશોમાં ઘાતકી રાજકુંવરો અને છીછરા સરમુખત્યારો આપણને અજ્ઞાત ભાવિ તરફ દોરી જાય છે.

આપણામાંથી ઘણાએ એવું સપનું સેવેલું કે અન્ય પ્રકારનું વિશ્વ શક્ય છે, તેઓ હજુ પણ એ સપનું જુએ છે અને એ તેમનું સપનું અથવા તો દુઃસ્વપ્ન તે ભયાનક સ્વરૂપેે ચરિતાર્થ થવામાં છે.

મૂડીવાદની કારણ વગરની લડાઈઓ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓને ધરાર અવગણવાનો આપણો લોભ આપણા ગ્રહને જોખમમાં મૂકે છે અને તેને નિરાશ્રિતોથી ભરી દે છે. આ બધામાં વાંક વધારે તો અમેરિકાની સરકારને માથે જ જાય છે. અફઘાનિસ્તાન પર ચડાઈ કર્યાનાં સત્તર વર્ષ પછી, તાલિબાનને ઉથલાવી મૂકવાની નેમ સાથે બૉમ્બમારો કરીને અફઘાનિસ્તાનને પથ્થરયુગમાં ધકેલી દીધા બાદ હવે અમેરિકન સરકાર ફરી પાછી એ જ તાલિબાનો સાથે વાતચીત કરવા તૈયાર થઈ છે. તે દરમિયાન તેણે ઇરાક, લિબિયા અને સિરિયાને ખતમ કરી નાખ્યા. લાખો લોકોએ યુદ્ધમાં અને કાયદાઓના ઉલ્લંઘનને કારણે જાન ગુમાવ્યા, ઘણા વિસ્તારો અંધાધૂંધીમાં ધકેલાયા, કેટલાંક પ્રાચીન શહેરો જમીનદોસ્ત થઈ ગયાં. આ વેરાન થઈ ગયેલા અને કાટમાળમાં ફેરવાયેલા વિસ્તારોએ ISIS નામના રાક્ષસને પેદા કર્યો છે. હવે તે આખા વિશ્વમાં ફેલાયો છે. જેને અમેરિકાનાં યુદ્ધો સાથે કોઇ સંબંધ નથી તેવા સામાન્ય લોકોની તે હત્યાઓ કરે છે. છેલ્લા પાંચ વર્ષોમાં અમેરિકાને આ યુદ્ધોએ કમાણી કરાવી છે અને તેણે આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ સ્વેચ્છાએ ફોક કરી દીધી છે. આમ, અમેરિકન સરકારે પોતાની જાતને ઠગ કે બદમાશની વ્યાખ્યામાં બરાબર બંધ બેસાડી દીધી છે. અને હવે, ફરી પાછી એ જ જૂની ઝખમ દેવાની રમતો, એ જ પુરાણાં જુઠ્ઠાણાં અને અણુશસ્ત્રો વિષેના એ જ જૂના ફેક ન્યૂઝ સાથે તે ઈરાન પર બૉમ્બ વરસાવશે. જો એવું કરશે તો અત્યાર સુધીની તેની આ સૌથી મોટી ભૂલ ગણાશે.

આ વિષમ પરિસ્થિતિ સાથે આપણે ભવિષ્ય તરફ નજર નાખીએ તો, આ મૂર્ખતાભર્યા ભીષણ હુમલાઓ, ફેસબુકના લાઇક્સ, આતંકવાદીઓની આગેકૂચ, ફેક ન્યૂઝની સફળ ચાલ, અને એવું લાગે છે કે જાણે  આપણે સર્વનાશ તરફ અન્ય કરતાં આગળ થઈ જવાની દોડ લગાવી રહ્યા છીએ – આ બધામાં સાહિત્ય માટે અવકાશ ક્યાં છે? કોને સાહિત્ય કહીશું? અને તે કોણ નક્કી કરશે? સ્વાભાવિક છે કે આ પ્રશ્નોનોે નૈતિક રીતે કોઈ એક જવાબ નથી. તો, જો તમે મને રજા આપો તો, હું મારો પોતાનો આ સમયમાં લેખક તરીકે હોવાનો અનુભવ કહેવા માગું છું – આવા સમયમાં એક લેખક કેવી રીતે બનવું? ખાસ કરીને ભારત જેવા દેશમાં જ્યાં અનેક સદીઓ એક જ વખતે જિવાઈ રહી છે, તેમાં આ પ્રશ્નોનો જવાબ પકડવા માટેની મથામણની વાત કહેવા માગું છું.

થોડાં વર્ષો પહેલાં, એક રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોતી હું છાપું વાંચતી હતી. તેના અંદરના પાના પરના એક નાનકડા સમાચાર પર મારી નજર પડી. બે માણસોની સામ્યવાદનું પ્રતિબંધિત સાહિત્ય વહેંચવા માટેના આરોપસર ધરપકડ થયેલી. તે સમાચાર મુજબ, જે પ્રતિબંધિત સાહિત્ય ઝડપાયું તે અરુંધતી રૉયનાં કોઈ પુસ્તકો હતાં. આ વાતને વધારે વખત નહોતો થયો ત્યાં, હું એક કૉલેજની અધ્યાપિકાને મળી, જે જેલમાં પુરાયેલા કેટલાક કર્મશીલોને કાનૂની મદદ કરવા માટેની તજવીજ કરતી હતી. આમાંના ઘણા કર્મશીલો વિદ્યાર્થીઓ હતા કે ગામડાના લોકો હતા ‘જે રાષ્ટદ્રોહની ગતિવિધિઓ’ માટે જેલમાં હતા. આમાંના મોટા ભાગના કૉર્પોરેટ્‌સ દ્વારા જમીનમાં ગેરકાયદે કીમતી ધાતુઓનું ખોદકામ અને મોટા બાંધકામના પ્રકલ્પો માટે લાખો લોકોને પોતાની જમીન પરથી અને ઘરોમાંથી ખદેડી નાખવાના વિરોધમાં હતા. તેના કહેવા મુજબ ઘણા બધા આ કેદીઓનાં કબૂલાતનામાંમાં – જે મહદ્દ અંશે જબરજસ્તીથી કરાવેલાં હતાં – મારાં પુસ્તકોનાં લખાણોનો સંદર્ભ હતો, જેને કારણે પોલીસે તેમને ખોટે રસ્તે ચડી ગયેલા કહ્યા. તેણે બાદમાં કહ્યું કે પોલીસ આ બધા અંકોેડા જોડીને તમારી સામે કેસ બનાવવામાં વ્યસ્ત થઈ ગઈ છે.

આ બાબતે મારાં જે પુસ્તકોની વાત હતી, તે કોઈ નવલકથા નહોતી (તે વખતે મેં માત્ર એક જ નવલકથા લખેલી : The God of Small Things.) આ પુસ્તકો હતાં મને મળેલી સત્ય હકીકતોને આધારે ઘડેલી વાતો. એક રીતે જોઈએ તો વાર્તાઓ, પણ જુદા પ્રકારની, પણ કહેવાય તો વાર્તાઓ જ. જંગી કૉર્પોરેટ્‌સે જંગલો, નદીઓ, ખેતીના પાકો, બીયારણો, જમીનો, ખેડૂતો, મજૂર-કાયદાઓ, નીતિનિર્ધારણ પર કરેલા હુમલાઓ વિશેની હકીકતો પર આધારિત એ વાર્તાઓ હતી. અને હા, અમેરિકા પરના ૯/૧૧ પછી અનેક દેશો પર NATOએ કરેલા હુમલાઓ પર આધારિત વાર્તાઓ. મોટા ભાગની વાર્તાઓમાં લોકોએ આ હુમલા સામે કેવી લડત આપી તેની વાત હતી. ખાસ પ્રસંગની વાર્તા, ખાસ નદીઓ, પર્વતો, કૉર્પોરેટ્‌સ સામે ચોક્કસ માનવસમુદાયે આપેલી લોકલડત, અને આ બધી લડતોને કેવી રીતે કચડી નાખવામાં આવી, તેની વાર્તાઓ. આ બધા પર્યાવરણ માટેના ખરા લડવૈયાઓ હતા, સ્થાનિક લોકોએ વૈશ્વિક સંદેશ સાથે, આ હોનારતને તે આકાર લે તે પહેલાં ઓળખેલી. અને તેમ છતાં તે બધા ખલનાયકો કહેવાયા – રાષ્ટ્રવિરોધી, વિકાસ અને પ્રગતિના અવરોધકો તરીકે તેમના વિશે સતત કહેવાયા કર્યું. ભારતના એક પૂર્વ વડાપ્રધાને, મુકતબજારના પુરસ્કર્તાએ, તે સ્થાનિક લોકોને, આદિવાસીઓને ગેરિલા કહ્યા. મધ્ય ભારતના જંગલમાં કૉર્પોરેટ પ્રોજેકટો સામે લડનારા આદિવાસીઓને ‘દેશની આંતરિક સલામતી સામેનો સૌથી મોટો પડકાર’ કહ્યા. ‘Operation Green Hunt’ નામે લડાઈ જાહેર કરાઈ. જંગલો લશ્કરના માણસોથી ઊભરાઈ ગયાં. તેમના શત્રુઓ હતા વિશ્વના સૌથી ગરીબ માણસો. આફ્રિકા, ઑસ્ટ્રેલિયા, લેટિન અમેરિકા જેવા અન્ય દેશોમાં પણ આમ જ બન્યું.

મારા નિબંધો જ્યારે પહેલી વાર પ્રસિદ્ધ થયા (પહેલા બહુ વાચક – સંખ્યા ધરાવતાં સામયિકોમાં, પછીથી ઇન્ટરનેટ પર અને છેલ્લે પુસ્તકરૂપે), ત્યારે કેટલાંક વર્તુળોમાં તે અઢળક શંકાઓ સાથે જોવાયા, વધુ તો એ લોકો દ્વારા જે જરૂરી નથી કે રાજકારણ સાથે અસંમત હોય. તે લખાણો એવા ખૂણે ગોઠવાયાં જેને પરંપરાગત વિચાર મુજબ સાહિત્ય કહેવાય છે. વિપુલ પ્રમાણમાં પ્રત્યાઘાતો આવ્યા તે સમજી શકાય તેમ હતું, ખાસ કરીને જેમનો ઝુકાવ વર્ગીકરણ કરવા તરફ હતો – કારણ કે તેઓ એ સમજી ન શક્યા કે આ શું કહેવાય, ચોપાનિયાં કે વિવાદાસ્પદ લખાણો, શૈક્ષણિક કે પત્રકારત્વ વિષયક લખાણ, પ્રવાસવર્ણન કે માત્ર સાદું સાહિત્યિક સાહસ ? કેટલાક માટે તો એને લખાણ ગણવું પણ યોગ્ય નહોતું : “ઓહ, તમે લખવાનું કેમ બંધ કરી દીધું છે? અમે તમારા નવા પુસ્તકની રાહ જોઈએ છીએ.” બાકીનાએ કલ્પના કરી કે મેં બીજા કોઈ માટે મારી કલમ ઉધાર આપી છે, પૈસા કમાવા લખ્યું છે. બધા પ્રકારની સલાહો મને અપાઈ “મને તમારું પેલું બંધો પરનું લખાણ બહુ ગમ્યું, “શું તમે મારા માટે બાળકોના યૌનશોષણ વિષે લખી શકો?” (આવું ખરેખર બનેલું) મને કડક ભાષામાં પ્રવચનો અપાયાં. (વધુ તો ઉપલા વર્ગના શિષ્ટ પુરુષો દ્વારા) કે મારે કેવી રીતે લખવું, કેવા વિષયો પર લખવું, અને કેવા ભાવ સાથે લખવું.

પણ બીજી જગ્યાઓએ, એમ કહીએ કે રાજમાર્ગની અંદરની બાજુએ, આ નિબંધો તરત જ ભારતની અન્ય ભાષાઓમાં ભાષાન્તરિત થઈ ગયા, ચોપાનિયાં રૂપે છપાયા અને જંગલોમાં, નદીકાંઠે, જે ગામડાઓ પર હુમલા થયેલા ત્યાં, વિશ્વવિદ્યાલયોનાં પરિસરોમાં જ્યાં વિદ્યાર્થીઓ જુઠ્ઠાણાંઓથી તંગ આવી ગયેલા ત્યાં મફતમાં વહેંચાયા. કારણ કે એ વાચકો, જે આ પરિસ્થિતિની સન્મુખ હતા, જે આ દાવાનળથી દાઝેલા હતા, તેમની બિલકુલ અલગ સમજ હતી કે સાહિત્ય કોને કહેવાય અને કેવું હોવું જોઈએ.

આ બાબતોનો ઉલ્લેખ મેં એટલા માટે કર્યો કે તેણે મને શીખવ્યું કે સાહિત્યની જગ્યા રચાય છે લેખકો અને વાચકો દ્વારા. આ એક રીતે બહુ નાજુક જગ્યા છે, પણ એવી કે જેને અન્ય કોઈ તોડી શકતું નથી. જ્યારે એ તૂટી જાય છે, ત્યારે આપણે લેખકો ફરી બાંધીએ છીએ. કારણ કે આપણને આશરો જોઈએ છે. મને આ વિચાર બહુ ગમ્યો કે એવું સાહિત્ય રચો, જેની લોકોને જરૂર છે. સાહિત્ય એ લેખકને આશરો પૂરો પાડે છે. બધા પ્રકારના આશરાઓ.

કાળક્રમે, વણબોલાયેલી સહમતી થઈ.

હું કર્મશીલ લેખક ગણાવા લાગી. આ વર્ગીકરણમાં અંદરની વાત એ હતી કે કલ્પિત કથા (fiction) રાજકીય નહોતી અને નિબંધો એ સાહિત્ય નહોતું. મને યાદ છે કે એક વાર હું હૈદ્રાબાદની કૉલેજના વ્યાખ્યાનખંડમાં પાંચસોથી છસો વિદ્યાર્થીઓ સામે બેઠી હતી. મારી ડાબી બાજુ, એ પ્રસંગના અધ્યક્ષ, વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ બેઠા હતા અને મારી જમણે કવિતાના અધ્યાપક હતા. ઉપકુલપતિ મારા કાનમાં ગણગણ્યા : ‘તમારે કલ્પિત કથાઓમાં વધુ સમય ન આપવો જોઈએ. તમારું રાજકીય લખાણ એવું છે જેના પર તમારે વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.’ જમણી બાજુએથી કવિતાના અધ્યાપક કાનમાં બોલ્યા : તમે કલ્પિત કથાઓ તરફ ક્યારે પાછા ફરશો? તેની તાતી જરૂર છે. બાકી જે કંઈ તમે કરો છો, તેનો કોઈ અર્થ નથી.’

મને ક્યારે ય એવું નથી લાગ્યું કે કલ્પિતકથાઓ (fiction) અને હકીકતોનું બયાન (non-fiction) કરતા નિબંધો કોઈ પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માગતાં બે પરિબળો છે જે એકમેક સામે લડે છે. એ વાત સાચી કે તે બન્ને એક સમાન નથી, પણ તેમની વચ્ચે ફેર નક્કી કરવો મને અઘરો પડે છે. હકીકત અને કલ્પના એ બે વિરોધી શબ્દો નથી. જરૂરી નથી કે એક બીજા કરતાં સાચું જ હોય, બીજા કરતાં વધારે તથ્યાત્મક હોય અથવા તો બીજા કરતાં વધારે વાસ્તવિક હોય અથવા તો, મારી વાત કરું તો, પહેલું બીજા કરતાં વધારે વ્યાપક વર્ગમાં વંચાય છે. હું માત્ર એટલું જ કહી શકું કે એ લખતી વખતે મારા શરીરમાં થતા ફેરફારોને હું અનુભવી શકું છું.

બે અધ્યાપકોની વચ્ચે બેસીને હું એ બન્નેની વિરોધાભાસી સલાહોનો આનંદ માણતી રહી. હું માત્ર હસીને બેસી રહી અને મેં જ્હૉન બર્ગ પાસેથી મેળવેલો પહેલો સંદેશો હું વિચારતી રહી. તે બહુ સુંદર હસ્તલિખિત પત્ર હતો, એક એવા લેખક તરફથી, જે મારા માટે વર્ષોથી હીરો રહ્યા હતા : ‘તારું કલ્પિત લખાણ અને હકીકતોનું બયાન કરતું લખાણ – તે બન્ને તારા બે પગ બનીને તને આખા વિશ્વનું ભ્રમણ કરાવશે’. મને આ બાબતે આ વાતથી સંતોષ થયો.

જ્યારે મારી સામે કેસ બનાવવામાં આવ્યો, તે ક્યારે ય હજુ સુધી તો નહીં – કોઈ પરિણામ સુધી પહોંચ્યો નથી. હું આજે  અહીંયાં છું, મારા લખાણના બે પગ પર ઊભી છું, તમારી સામે બોલું છું, પણ મારા અધ્યાપક – મિત્ર જેલમાં છે, તેમની પર આરોપ છે કે તે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે. ભારતની જેલો રાજકીય કેદીઓથી ભરચક છે – મોટા ભાગના પર આરોપ છે કે કાં તો તેઓ માઓવાદી છે અથવા મુસ્લિમ આતંકવાદી છે. આ બધા શબ્દોના અર્થ એટલા તો વિસ્તારી મૂકાયા છે કે જે કોઇ સરકાર સાથે અસંમત થાય, તેમનો આમાં સમાવેશ થઈ જાય. ભારતમાં ચૂંટણી પહેલાંની ધરપકડોમાં અધ્યાપકો, વકીલો, કર્મશીલો અને લેખકો જેલમાં છે. તેમની ઉપર વડાપ્રધાન મોદીની હત્યાનું કાવતરું ઘડ્યાનો આરોપ છે. એ કાવતરાનો પ્લૉટ એટલો તો વાહિયાત છે કે છ વર્ષનું બાળક પણ તેમાં સુધારા સૂચવી શકે. આ ફાસીવાદીઓને માટે કલ્પિત લખાણનો સારો વર્ગ શરૂ કરવાનું મને મન થાય છે.

સરહદ વગરના સંવાદદાતાઓ કહે છે કે ભારતદેશ પત્રકારો માટે દુનિયાનો છઠ્ઠા નંબરનો સૌથી વધુ ખતરનાક દેશ છે. આ નંબર અફઘાનિસ્તાન, સિરિયા, યમન અને મૅક્સિકોથી જરાક જ ઊંચો છે. અહીંયાં મારે જરા રોકાઈને PENનો આભાર માનવો જોઈએ કે તે લેખકો અને પત્રકારો, જે જેલમાં છે, જેના પર મુકદ્દમાઓ ચલાવાયા છે અને જેમનાં લખાણોમાં કાપકૂપ થાય છે, તેમને રક્ષણ પૂરું પાડે છે. આજ નહીં તો કાલે, આપણામાંથી કોઈ એક, આ આગની હરોળમાં છીએ. આપણી ચિંતા કરનારી કોઈ સંસ્થા છે, એ બહુ મોટું આશ્વાસન છે.

ભારતમાં જે કોઈ જેલમાં છે તે નસીબદાર છે. ઓછા નસીબદારો મૃત્યુને ભેટ્યા છે. ગૌરી લંકેશ, નરેન્દ્ર દાભોલકર, એમ.એમ. કુલબુર્ગી અને ગોવિંદ પાનસરે, આ બધાં કટ્ટર હિન્દુત્વના આલોચકો હતાં, તેમની હત્યા થઈ. તે બધી ઉચ્ચ સ્તરેથી થયેલી હત્યાઓ હતી. મોટા કદના ભ્રષ્ટાચારોને ઉઘાડા પાડનારા અને માહિતી અધિકાર કાયદા માટે કામ કરનારા અનેકો માર્યા ગયા છે અથવા શંકાસ્પદ સંજોગોમાં મૃત-અવસ્થામાં મળ્યા છે. છેલ્લાં પાંચ વર્ષોમાં ભારતે ટોળાં દ્વારા હત્યા (Iynching) કરનારા દેશ તરીકેની ઓળખ ઊભી કરી છે. મુસ્લિમ અને દલિતોને હિન્દુત્વના અગ્રેસરોએ ધોળા દિવસે જાહેરમાં લાકડી અને ચાબુકોથી ફટકારીને મારી નાખ્યા છે કે જીવતા સળગાવી દીધા છે અને તેના વીડિયો બહુ ખુશી-ખુશી યુ ટયુબ પર અપલોડ થયા છે. ટોળાં દ્વારા ઉઘાડેછોગ, નિર્લજ્જપણે થતી આ હત્યાઓ ચોક્કસપણે સ્વયંસ્ફૂર્ત નથી જ. અલબત્ત, મુસ્લિમો સામે હિંસા એ કોઈ નવી વાત નથી અને દલિતો સામેની હિંસા તો પુરાણકાળથી છે આ મારપીટ એ સ્પષ્ટ વૈચારિક ધારાને આધારે છે.

આ હિંસા આચરનારા ટોળાંઓ જાણે છે કે તેને સર્વોચ્ચ સ્થાનેથી રક્ષણ મળે તેમ છે. રક્ષણ માત્ર સરકાર તરફથી કે વડાપ્રધાન તરફથી નહીં, પણ એ સંસ્થા દ્વારા જે આ બન્નેને નિયંત્રિત કરે છે. જમણેરી અંતિમવાદી, ફાસીવાદ તરફી રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ(RSS)ની સ્થાપના ૧૯૨૫માં થયેલી, તેના સ્થાપકો યુરોપના ફાસીવાદથી ખાસ્સા પ્રભાવિત હતા. તેઓ પ્રગટપણે હિટલર અને મુસોલિનીના પ્રશંસકો હતા અને ભારતના મુસ્લિમોની સરખામણી જર્મનીના યહૂદીઓ સાથે કરતા હતા. તેઓએ ૯૫ વર્ષો સુધી અવિરતપણે ભારતને ઔપચારિક રીતે હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવા માટે પ્રયાસો કર્યા. તેમણે જાહેર કર્યા મુજબ તેમના દુ:શ્મનો મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને સામ્યવાદીઓ છે.

અત્યારની શાસક ભારતીય જનતાપાર્ટી આર.એસ.એસ.ના રાજકીય સંસદીય વિભાગ તરીકે કામ કરે છે. ભારતના અને આંતરરાષ્ટ્રીય મીડિયાના ઘણા લોકો, તેવી જ રીતે જે પોતાને બિનસામ્પ્રદાયિક અને ઉદારમતવાદી માને છે, તેવા લોકોએ બી.જે.પી.ને જમણેરી, રૂઢિચુસ્ત રાજકીય પાર્ટી, સ્વતંત્ર હસ્તી તરીકે ઓળખવાનો આગ્રહ રાખીને, અજાણતા કે જાણીજોઈને તેના આર.એસ.એસ. સાથેના અંતર્ગત સંબંધોને નગણ્ય ગણીને તેમનો રાજકીય સત્તા મેળવવાનો રસ્તો આસાન કરી આપ્યો છે.

આ બધા કેટલાં વર્ષોથી મારા લખાણોના વિષયો છે, કલ્પિત તેમ જ તથ્યાત્મક લખાણો.

The God of Small Things, જે ૧૯૯૭ની સાલમાં પ્રસિદ્ધ થયું, તે જે દુનિયામાં હું મોટી થઈ, તેને વર્ણવવા માટેની ભાષા અને તેના સ્વરૂપની ખોજનું પરિણામ હતું. એ ખોજ હતી મારા માટે અને એ લોકો માટે, જેમને હું પ્રેમ કરતી હતી, જેમાંના કેટલાક તો કેરાલાથી એકદમ જ અજાણ હતા. હું આર્કિટેક્ચરનું ભણેલી, મેં પટકથાઓ લખેલી અને હવે નવલકથા લખવાનું મન થયું. એવી નવલકથા, જે માત્ર નવલકથા જ હોય, એવી નહીં કે જેમાંથી ફિલ્મ બને એવી ઇચ્છા હોય કે સિદ્ધાન્તો વિષેનું જાહેરનામું હોય અથવા એક પ્રકારની સામાજિક સંધિ હોય. મને બહુ નવાઈ લાગેલી જ્યારે કેટલાક વિવેચકોએ તેને જાદુઈ વાસ્તવિકતા તરીકે વર્ણવી – એવું કેવી રીતે બની શકે? એ પુસ્તકની પાર્શ્વભૂમિ છે – અયેમેનેમમાં ટેકરી પરનું એક જૂનું મકાન, મારાં દાદીમાની અથાણાં બનાવતી ફૅકટરી, જેમાં હું મોટી થઈ (મારી પાસે હજુ પણ કેટલી બરણીઓ અને તેના પર લગાવવાનાં લેબલો પડ્યાં છે), મીનાચલ નદી  આ બધી મારે માટે ખરબચડી વાસ્તવિકતા છે, જે વિદેશી વિવેચકો માટે વિદેશી અને જાદુઈ હતા. બહુ સારુ. પણ હું ન્યુયૉર્ક કે લંડન માટે એવું વિચારવાનો મારો અધિકાર અનામત રાખું છું.

પણ મારા ઘર કેરાલામાં, તે નવલકથાનો સ્વીકાર બિલકુલ બિનજાદુઈ હતો. ભારતના સામ્યવાદી પક્ષ, માક્‌ર્સિસ્ટ, જેણે ૧૯૫૯થી કેરાલા પર અવારનવાર રાજ કર્યું છે, તેને એમાં પોતાના પક્ષની આલોચના લાગી. મારા પર બહુ ઝડપથી સામ્યવાદવિરોધીની છાપ લાગી ગઈ, તેમને આ નવલકથાનો પ્લૉટ રોતલ-વાચાળ-ઊંઘરેટો, સામંતશાહી લાગ્યો. મેં ટીકા કરી હતી, એ વાત સાચી અને હું ડાબેરીઓ વિષે તીક્ષ્ણ ટીકાકાર હતી, જે દ્વારા મારો અર્થ એ હતો કે ભારતના વિવિધ સામ્યવાદી પક્ષો જ્ઞાતિ પ્રત્યે માત્ર અપારદર્શક જ નહોતા, પણ ખાસ તો વધારે પડતા જ્ઞાતિવાદી હતા. નવલકથામાં અમ્મુ (સિરિયન ખ્રિસ્તી સ્ત્રી) અને વેલુથા (દલિત પુરુષ)નો સંબંધ સમાજને માન્ય નહોતો, તે આશ્ચર્ય અને ભીતિ સાથે જોવાયો. આ ભીતિ નવલકથામાં દેખાડાયેલા પુરુષ-સ્ત્રીના સંબંધ કરતાં વધારે તો જ્ઞાતિના રાજકારણને કારણે હતી. એક મુખ્ય પાત્રનું પાત્રાલેખન, કોમરેડ કે.એન.એમ. પિલ્લઈનો પોતાની પત્ની કલ્યાણી સાથે અને અમ્મુ સાથેનો સંબંધ, છૂટાછેડા લીધેલી એક સ્ત્રી, જેમાં માતૃત્વની અપાર મૃદુતા છે અને સાથે સાહસિક અને અવિચારી આત્મઘાતી બૉમ્બર પણ છે, જે રાત્રે પુરુષને પ્રેમ કરે છે અને દિવસે બાળકોને પ્રેમ કરે છે, તેને માન્યતા ન મળી. પાંચ વકીલોએ ભેગા મળીને મારી સામે ક્રિમિનલ મુકદ્દમો ઠોકી દીધો. મારી સામે અશ્લીલતા અને જાહેર નૈતિકતાને પ્રદૂષિત કરવાનો આક્ષેપ હતો.

નવલકથાની બહારની કેટલીક બાબતો હતી, જે પણ આસપાસ ઘૂમરાતી રહી. મારાં મા. મેરી રૉય, જેમણે સિરિયન ક્રિશ્ચિયનના વારસાના કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારેલો અને તે મુકદ્દમો જીતી ગયેલાં. આ કારણે સ્ત્રીઓને પિતાની સંપત્તિમાંથી ચોથો ભાગ અથવા રૂ.૫,૦૦૦/- બેમાંથી જે ઓછા હોય તે મળે, તે હક્કો મળતા થયા. હવે તો સ્ત્રીઓને સમાન ભાગ મળે છે. આને કારણે ખાસ્સો ઊહાપોહ થયો. આ વાત સમજી શકાય તેવી હતી કે આ બધા પાછળ એ ઇરાદો હતો કે આ મા-દીકરીને પાઠ ભણાવવાની જરૂર છે. તે દરમિયાન મારી સામેનો મુકદ્દમો ત્રીજા કે ચોથા હિયરિંગમાં આવ્યો. The God of Small Thingsને બૂકરપ્રાઇઝ મળેલું. તેણે લોકોના અભિપ્રાયોમાં ભાગલા પડ્યા. એક સ્થાનિક મલયાલી સ્ત્રી આવું સન્માનનીય આંતરરાષ્ટ્રીય પારિતોષિક મેળવે એ કંઈ નાની-સૂની બાબત ન હતી, એવે વખતે તેની સામે વિરોધ કરવો કે તેનું બહુમાન કરવું? હું મારા વકીલ સાથે અદાલતમાં હાજર હતી, જેણે મને વિશ્વાસ સાથે કહેલું કે તમારા પુસ્તકનું કેટલાંક લખાણ બહુ અશ્લીલ કહેવાય તેવું છે. પણ તેણે કહ્યું કે, કાયદાની રૂએ, કળાની અભિવ્યક્તિને સમગ્રતા સાથે જોવી પડે, અને કારણ કે સમગ્ર પુસ્તક અશ્લીલ નથી, તે આપણી પાસે મુકદ્દમો લડવા માટેનું વાજબી કારણ છે. ન્યાયાધીશે પોતાનું સ્થાન ગ્રહણ કર્યું અને કહ્યું. દરેક વખતે જ્યારે આ મુકદ્દમો મારી સામે આવે છે, ત્યારે મને છાતીમાં દુખાવો ઊપડે છે. તેમણે મુકદ્દમાની દલીલ સાંભળવાનું મુલતવી રાખ્યું. તેના પછી આવેલા ન્યાયાધીશે પણ એમ જ કર્યું. તે દરમિયાન લોકોએ પુસ્તકની ભાષા અને પુસ્તકના અમર્યાદ સંબંધો સિવાયની વાતો, ખાસ તો બાળકો પ્રત્યે દેખાડાતી લાગણીઓને પુરસ્કારી. હજુ આજે પણ ઘણા માટે અમ્મુ અને વેલુથા વચ્ચેના સંબંધને વિનાસંકોચ સ્વીકારવો આકરો પડે છે. તે મુકદ્દમાને રદ્દબાતલ થતાં દસ વર્ષ લાગ્યાં. 

મે ૧૯૯૮માં, The God of Small Thingsના પ્રકાશનના એક વર્ષથી ઓછા સમયમાં, ભારતના ઇતિહાસમાં પહેલી વખત, ભા.જ.પ.ના વડપણ હેઠળની સરકાર કેન્દ્રમાં આવી. તે વખતના વડાપ્રધાન, અટલ બિહારી વાજપેયી આર.એસ.એસ.ના સભ્ય હતા. તેમણે પદભાર સંભાળ્યાનાં કેટલાંક અઠવાડિયાંમાં આર.એસ.એસ.નું અણુબૉમ્બ બનાવવાનું લાંબા સમયનું સપનું સાકાર કર્યું. પાકિસ્તાને તરત પોતે બનાવેલા અણુબૉમ્બનો ધડાકો કરીને પ્રતિભાવ આપ્યો. અણુબૉમ્બનો ધડાકો એ રાષ્ટ્રવાદનો દેખાડો કરવાની શરૂઆત હતી, જે આજે ભારતમાં જાહેર વ્યાખ્યાનોમાં સહજ બની ગયું છે. અણુબૉમ્બની સફળતાની  ઉજવણીની એ અમર્યાદ ધમાલને જોઈને હું હેબતાઈ ગયેલી. એની પ્રશંસા કેટલાક માની ન શકાય તેવા ખૂણેથી પણ થયેલી. એ વખતે મેં મારો પહેલો નિબંધ લખેલો, ‘The End of Imagination’, જેમાં મેં અણુબૉમ્બનો વિરોધ કરેલો. મેં કહેલું કે અણુબૉમ્બની હરીફાઈ આપણી વિચારશક્તિને કુંઠિત કરી નાખશે. મેં લખેલું : મારા મનમાં અણુબૉમ્બ મૂકવાની બાબતને હું બિનભારતીય અને બિનહિન્દુ માનું છું. એવે વખતે હું રાજ્યતંત્રથી સ્વતંત્ર થવાનું પસંદ કરું છું, અને મારી જાતને હું હાલતું ચાલતું પ્રજાસત્તાક રાષ્ટ્ર જાહેર કરું છું, તેના શા પ્રત્યાઘાતો આવ્યા હશે, તે હું તમારી કલ્પનાશક્તિ પર છોડું છું.

The End of Imagination એ મારો પહેલો નિબંધ હતો. મારાં તથ્યો આધારિત નિબંધોને હવે વીસ વર્ષ થવા આવ્યાં. એ એવાં વર્ષો હતાં જ્યારે ભારત વીજળીક ગતિથી બદલાઈ રહ્યું હતું. દરેક નિબંધ માટે મેં તેના આકાર, ભાષા, સ્વરૂપ અને કહેવાની રીતની શોધ આદરી. જેટલી અનિવાર્યતા સાથે હું પ્રેમ, વિયોગ કે બાળપણ વિષે લખી શકું છું, એટલી જ અનિવાર્યતા સાથે શું હું સિંચાઈ વિષે લખી શકું? જમીનના ક્ષારીકરણ, ગટર યોજના, ખેતીના પાકો કે નદી પરના બંધો વિષે લખી શકું? શું હું એક ચોક્કસ વિચારધારાના ભાગ રૂપે કરેલી ગોઠવણી અનુસાર મેળ બેસાડી દે છે કે ખાનગીકરણ કરી નાખે છે, તે વિષે લખી શકું? વીજળીના યુનિટના દર વિષે લખી શકું? એવી બાબતો જે સામાન્ય લોકોના જીવનને અસર કરે છે, તેવી બાબતો વિષે લખી શકું? એ પણ પત્રકાર તરીકે નહીં, પણ એક વાર્તા કહેતા હોય તેવી રીતે? શું આ વિષયોને સાહિત્યમાં બદલી શકાય? એવું સાહિત્ય જે બધા માટે હોય, એવા લોકો માટે કે જે લખી કે વાંચી નથી શકતા, પણ જેમણે મને શીખવ્યું છે કે કેવી રીતે વિચારાય અને વંચાય પણ.

મેં પ્રયાસ કર્યો અને નિબંધો લખાવા માંડ્યા અને તે સાથે પાંચ વકીલો પણ જાગ્યા. (અગાઉના પેલા પાંચ નહીં, પણ અન્ય) અને સાથે આવ્યા ક્રિમિનલ મુકદ્દમાઓ, ખાસ તો કોર્ટની અવમાનના વિષેના. એમાંનો એક બહુ ટૂંકી જેલ સાથે પૂરો થયો, બીજો હજુ ચાલે છે. ચર્ચાઓ બહુ ઉગ્ર રહેતી. ક્યારેક હિંસક પણ હંમેશાં બહુ મહત્ત્વની.

દરેક નિબંધે મને એટલી મુશ્કેલીઓ આપી હતી કે મેં મારી જાતને વચન આપેલું કે હું ફરીથી બીજા નિબંધો નહીં લખું. પણ અનિવાર્યપણે, એવી પરિસ્થિતિઓ નિર્માણ થતી રહી કે શાંત બેસી રહેવાના કારણે મારા માથામાં ભયંકર ખળભળખટ થયો. મારા લોહીમાં એવી પીડા ઊપડી કે મારે નમતું જોખવું પડ્યું અને મેં લખ્યું. જ્યારે મારા પ્રકાશકે મને સૂચવ્યું કે આ નિબંધોનું એક પુસ્તક પ્રકાશિત કરીએ, ત્યારે મને તેની સંખ્યા જોઈને ભારે નવાઈ લાગી કે મારું બંડખોર મન ૧૦૦૦ પાનાં જેટલું લાંબું થઈ ગયું છે. મારા લખાણનાં વીસ વરસ દરમિયાન હું બંડખોરોના અડ્ડાઓમાં ગઈ, અદ્‌ભુત અને સાથે સુંદર એવા સામાન્ય માણસોને મળ્યા બાદ કલ્પિતકથા મારા તરફ વળી. એ સ્પષ્ટ થયું કે માત્ર કલ્પિત નવલકથા જ મારી અંદર ઘડાઈ રહેલા વિશ્વને જાળવી શકશે, એવું વિશ્વ જે આપમેળે વૈશ્વિક કથા રચતું હતું. મને ખબર હતી કે એ માફ ન થઈ શકે તેટલી હદે ગૂંચવાયેલી હશે, રાજકીય હશે, અને અંગત હશે. મને ખબર હતી કે The God of Small things ઘર વિશે હતી, તેના મધ્ય ભાગમાં તે ભગ્નહૃદયના કુટુંબ વિષે હતી, The Ministry of Utmost Happiness ત્યારે શરૂ થઈ, જ્યારે ઘરનું છાપરું ઊડી ગયું હતું અને ભગ્નહૃદયો ચૂરચૂર થઈ ગયાં હતાં અને તેના ટુકડાઓ યુદ્ધગ્રસ્ત તળેટીઓ અને શહેરોમાં વેરાયેલા હતા. તે નવલકથા હતી પણ તેની વૈશ્વિક કથા ઘરઆંગણાના બધા આકારોને નકારે છે. નવલકથા કોને કહેવાય અને કોને ન કહેવાય, તેવી પ્રણાલીઓને ફગાવી દીધી છે. તે મારા મનના વિશ્વમાં રહેલું એક મહાન નગર છે, જેમાં મારો વાચક એક નવા વસાહતી તરીકે પ્રવેશે છે. થોડોક ડરેલો, થોડોક દબાયેલો, પણ અત્યંત ઉશ્કેરાયેલો. તે શહેરને સમજવા માટે વાચકે તેમાં સોંસરવું ચાલવું પડશે, તેમાં ખોવાઈ જવું પડશે અને તેમાં રહેતા શીખવું પડશે. નાના કે મોટા લોકોને મળતા શીખવું પડશે. ટોળાને પ્રેમ કરતા શીખવું પડશે. તે નવલકથા એવી રીતે વાત કહે છે, જેને અન્ય કોઈ રીતે કહી ન શકાય. ખાસ કરીને કાશ્મીર, જ્યાં માત્ર કલ્પના સત્ય હોઈ શકે, કારણ કે ત્યાં સત્ય બોલી શકાતું નથી. કાશ્મીર વિષે પ્રામાણિકતાથી બોલવું શારીરિક ઈજાના જોખમ સિવાય શક્ય નથી.

ભારત અને કાશ્મીર અને કાશ્મીર અને ભારતની વાતો, તેને હું જેમ્સ બાલ્ડવિને કહ્યું છે તેનાથી વધારે સારી રીતે કહી ન શકું : “અને તેઓ મારી વાત માનશે નહીં, ખાસ તો એ કારણે કે તેમને જાણ થશે કે હું કહું છું તે સત્ય છે”. કાશ્મીરની કથા તેના માનવ-અધિકારોના અહેવાલોનો  કુલ સરવાળો નથી. તે માત્ર હત્યાકાંડો, શારીરિક પીડા, ગુમ થઈ જવું અને સામૂહિક કબરો અથવા ભોગ બનનારા અને જુલમ કરનારા વિષે નથી. જે કેટલીક મહાભયંકર ઘટનાઓ કાશ્મીરમાં બની છે, તે જરૂરી નથી કે માનવ-અધિકારના હનનમાં ગણાય. એક લેખક માટે, કાશ્મીર માનવપદાર્થ માટે મહત્ત્વનો પાઠ આપે છે.  સત્તા, સત્તાવિહોણા, વિશ્વાસઘાત, વફાદારી, પ્રેમ. રમૂજ, વિશ્વાસ .. એ લોકો પર શું-શું વીતતું હશે, જે દસકાઓથી લશ્કરના કબજા હેઠળ જીવતા હશે? સતત ભયના ઓથાર વચ્ચે કઈ વાટાઘાટો થતી હશે? ત્યાંની ભાષાનું શું થતું હશે?

કાશ્મીરના પ્રવાસ દરમિયાન પહેલી બાબત જે મેં The Ministry of Utmost Happinessમાં શરૂ કરી તે કાશ્મીરી અંગ્રેજી ABCDને વ્યવસ્થિત ગોઠવી.

A = Azad/ Army/ Allah/ Attack/ AK-47/ Ambush/ Aatankwadi/ Armed Forces Special Power/ Act/ Area Domination// Al bad/ AI Mansoorian/ AI Jehad/ Afghan/ Amarnath Yatra

B = BSF/ Body/ Blast/ Bullet/ Battalion/ Barbed Wire/ Burst/ Border cross/ Boobytrap/ Bunker/ Bite.

C = Cross Border/ Cross fire/ Counter Intelligence/ Catch and Kill/Custodial Killing/ Compensations.

અને તેમ આગળ ..

આ ઉપરાંતઃ એ લોકોનું શું થતું હશે, જે વહીવટદારો છે, જે આ બધું પચાવે છે, અને ત્રાસને વ્યાજબી ઠેરવે છે? એ લોકોનું શું થતું હશે, જે આ બધું આમ જ તેમના પોતાના નામે ચાલવા દે છે? કાશ્મીરની વાતો ટુકડાઓને જોડવાની રમત છે, જેના ટુકડાઓ એકમેક સાથે બેસતા નથી. ત્યાં ટુકડાઓ જોડવાથી કોઈ આખરી ચિત્ર ઊપસતું નથી.

અજાણ્યા લોકોએ મારાં પાનાંઓમાં પ્રવેશ કર્યો. ૯.૩૦થી એમાંનો એક હતો વિપ્લવ દાસગુપ્તા. એક ઇન્ટેલિજન્સ ઑફિસર, તે જ્યારે આવ્યો અને એકવચનમાં બોલવા લાગ્યો, ત્યારે હું હતોત્સાહ થઈ ગઈ. મને લાગ્યું હું જાણે તેના માથામાં ઘૂસી ગઈ છું અને પછીથી મને ખબર પડી કે એ મારા માથામાં ઘૂસી ગયો છે. થથરાવી મૂકે તેવી તેની ખલનાયકી નહોતી, પણ હતું તેનું વાજબીપણું, તેની બુદ્ધિમત્તા, તેની વિનોદવૃત્તિ, તેનું સ્વ-અવમૂલ્યન, તેની આંતરિક નિર્બળતા. તે પછી પણ, બાંધકામનો કૉન્ટ્રાક્ટર મિ. ડી.ડી. ગુપ્તા એ કથાનું નાનું પાત્ર, જે જોઈ શકતો હતો તે દાસગુપ્તાની સંસ્કારિતા અને તેનું વિદ્વત્તાપૂર્ણ રાજકીય પૃથક્કરણ જોઈ શકતા નહોતા. મિ. ગુપ્તા ઇરાકથી આવ્યા છે, ત્યાં ઘણાં વર્ષો સુધી વિસ્ફોટને ખમી શકે તેવી દીવાલો બાંધીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, જે દીવાલોના ફોટાઓ તેમણે ગર્વ સાથે પોતાના મોબાઇલમાં રાખ્યા છે. તેમણે ઇરાક અને કાશ્મીરમાં રહ્યા બાદ જે કંઈ જોયું છે, તે પછી દુઃખી થઈને ચારે બાજુ જુએ છે કે ક્યાં ય તેને પોતાનું ઘર માની શકે એવું કંઈ દેખાય છે ખરું? પોતાના દેશમાં જે કંઈ બની રહ્યું છે, તેને જોયા બાદ તેમની સમજપૂર્વકની આકારણી એ છે કે આ બધું લાંબે ગાળે વિસ્ફોટો સહન કરી શકે તેવી દીવાલોની બજાર ઊભી કરશે.

નવલકથાઓ તેના લેખકોને ગાંડપણની ધાર પર લાવી દે છે. નવલકથાઓ લેખકો માટે આશરો પણ બને છે.

લેખક તરીકે મેં The God of Small things‌નાં પાત્રોને રક્ષણ આપ્યું છે, કારણ કે તેઓ નિર્બળ હતાં. The Ministry of Utmost Happinessનાં ઘણાં પાત્રો, મોટે ભાગે, તેના કરતાં પણ વધારે નિર્બળ છે, પણ તેઓ મને રક્ષણ આપે છે. ખાસ કરીને અંજુમ, જેે આફતાબ તરીકે જન્મ્યો હતો. તે પછીથી જન્નત નામના અતિથિગૃહનો માલિક તેમ જ વહીવટદાર બને છે. એ અતિથિગૃહ જૂની દિલ્હીની દીવાલોની બહાર, નધણિયાતા મુસ્લિમ કબ્રસ્તાન પાસે આવેલું હતું. અંજુમ પુરુષ અને સ્ત્રી વચ્ચેની, જાનવર અને માનવ વચ્ચેની અને જીવન અને મૃત્યુ વચ્ચેની સરહદોને હળવી બનાવે છે. આ કઠોર બનતી જતી દુનિયામાં મારે જ્યારે સખત સરહદોના આતંકથી આશરો જોઈએ, ત્યારે હું તેની પાસે જાઉં છું.

તમે બધા જ્યારે અહીંયા છો ત્યારે ..

મારે તમારી એક તરફેણ જોઈએ છે. લોકો આપણી સ્વતંત્ર તપાસના અહેવાલોને પહેલાં કરતાં વધારે વાંચે છે અને ટેકો આપે છે. અને ઘણી સમાચારસંસ્થાઓની માફક, આપણે એવો રસ્તો પસંદ કર્યો છે, જે આપણા પત્રકારત્વને બધા માટે સહજપ્રાપ્ય બનાવે છે, પછી તેઓ ક્યાં રહે છે અથવા તેમને કેટલું પોસાય છે, તે ગૌણ બની જાય છે.

અમે જે કંઈ ફાળો તમારા જેવા વાચકો પાસેથી મેળવીએ છીએ, નાનો કે મોટો, તે સીધો જ અમારા પત્રકારત્વના ખર્ચમાં જાય છે. આ ટેકો અમને અમારું કામ ચાલુ રાખવામાં મદદ કરે છે, પણ આપણે આ ચાલુ રાખવાનું છે અને તેને આવનારા સમયે વધારવાનું છે.

આભાર.                                                  

[અનુવાદ – મુનિ બી. દવે]

(આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત લેખિકા અરુંધતી રૉયે, મે ૨૦૧૯માં PEN અમેરિકા નિમંત્રણથી આપેલ આર્થર મિલર વક્તવ્યમાં વ્યક્ત કરેલા વિચારો અહીં ટુંકાવીને મૂક્યા છે. – સંપાદક.)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2019; પૃ. 03-07

લંડનથી પ્રકાિશત “ધ ગાર્ડિયન” દૈનિકમાં મે 2019 વેળા આ વ્યાખ્યાનની સંક્ષિપ્ત રજૂઆત થઈ છે તેની આ લિંક પણ અહીં સાદર (વિ.ક.) :-

https://www.theguardian.com/commentisfree/2019/may/13/arundhati-roy-literature-shelter-pen-america

Loading

3 September 2019 admin
← ભારત ૨૦૧૯, અર્થપ્રકરણી પૂર્વરંગ
સત્તા અને ધનશક્તિમાં અટવાતું ન્યાયતંત્ર ! →

Search by

Opinion

  • ગરબો : ગુજરાતી પ્રજાની સંસ્કૃતિનું સૌભાગ્ય
  • राहुल गांधी से मत पूछो !
  • ઝુબીન જુબાન હતો …
  • પુણેનું સમાજવાદી સંમેલન : શું વિકલ્પની ભોં ભાંગે છે?
  • રમત ક્ષેત્રે વિશ્વ મંચ પર ઉત્કૃષ્ટતાની નેમ સાથેની નવી ખેલકૂદ નીતિ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • શૂન્ય …
  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved