
રાજ ગોસ્વામી
ટાટા પરિવારની જાણીતી હસ્તી સિમોન ટાટાનું 5મી ડિસેમ્બરે 95 વર્ષની વયે અવસાન થઈ ગયું. સિમોન ટાટા ટ્રેન્ટનાં ચેરપર્સન એમેરિટસ અને ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાનાં માતા તેમ જ ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાનાં સાવકાં માતા હતાં. મોટાભાગના આમ લોકોને સિમોનનું નામ સ્મૃતિમાં ન હોય તે શક્ય છે, પરંતુ લેક્મે બ્યુટી બ્રાન્ડ સૌની જીભે હશે. આ લેક્મેને (અને પાછળથી વેસ્ટસાઈડને) એક સફળ પ્રોડક્ટ બનાવવા પાછળ સિમોનનું દિલ અને દિમાગ હતું. લેક્મેની એ કહાનીમાં ભારતના વિકાસની પણ એક ગાથા છે.
કહાનીની શરૂઆત 1953માં થઇ હતી. જીનીવામાં જન્મેલી 23 વર્ષીય સિમોન દૂનોયેર તે વર્ષે ફરવા માટે ભારત આવી હતી. તે જીનીવામાં (ટાટા જૂથની) એર ઇન્ડિયા માટે કામ કરતી હતી. મુંબઈમાં તે રતનજી ટાટાના દીકરા નવલ ટાટાને ભટકાઈ. નવલ 26 વર્ષના હતા અને ડિવોર્સ લીધેલા હતા, જેમાંથી તેમને બે સંતાનો હતાં; રતન અને જિમી.
1955માં નવલ સાથે લગ્ન કરીને સિમોન કાયમ માટે મુંબઈ આવી ગઈ. તે સમયે સ્વતંત્રતા પછીનું ભારત નવા સપનાંઓ, નવી આશાઓ અને આત્મનિર્ભરતાની તાજી હવામાં થનગનતું હતું. પંડિત નહેરુના નેતૃત્વમાં 1950નો દાયકો દેશના આર્થિક પુનનિર્માણનો સમય હતો. ટાટા જૂથ એમાં મોખરાની ભૂમિકા નિભાવી રહ્યું હતું.
નહેરુ ત્યારે ‘બોમ્બે ક્લબ’ તરીકે ઓળખાતા મુંબઈના ઉદ્યોગપતિઓને નિયમિત મળતા હતા અને આર્થિક નીતિઓમાં માર્ગદર્શન મેળવતા/આપતા હતા. એવી જ કોઈ એક ચર્ચામાં તેમણે સહજ ચિંતા વ્યક્ત કરી હતી કે ભારતીય મહિલાઓ યુરોપિયન અને અમેરિકી કોસ્મેટિક્સ પર નિર્ભર છે, જેના કારણે મોટી માત્રામાં વિદેશી ચલણ દેશમાંથી બહાર જઈ રહ્યું છે. એટલું જ નહીં, નાણાં મંત્રાલયે વિદેશી કોસ્મેટિક્સની આયાત પર પાબંધી મૂકી દીધી. એટલે અકળાયેલી મહિલાઓએ નહેરુ પર કાગળો લખ્યા.
તે સમયે ભારતમાં કોસ્મેટિક ઉત્પાદન ગુણવત્તાની દૃષ્ટિએ નબળું હતું. નહેરુએ આ મુદ્દે જે.આર.ડી. ટાટા સાથે ચર્ચા કરી હતી (જે બોમ્બે ક્લબના આગેવાન હતા). ટાટાએ તે વાતને માત્ર આર્થિક સમસ્યા નહીં, બલકે ભારત માટે સૌંદર્ય અને સ્વદેશીના ગૌરવનો નવો અધ્યાય લખી શકાય તેવા અવસર તરીકે જોઈ હતી. તે પછી ટાટા ગ્રુપની કંપની TOMCO મારફતે એક એવી ભારતીય કોસ્મેટિક બ્રાન્ડ શરૂ કરવાની યોજના બનાવાઈ, જે માત્ર ભારતીય ત્વચા અને હવામાન માટે જ અનુકૂળ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય ગુણવત્તા સાથે પણ મેળ ખાતી હોય.
જ્યારે પ્રોડક્ટ તૈયાર થઇ, ત્યારે તેનું નામ રાખવાનો પ્રશ્ન આવ્યો – એવું નામ જે આધુનિક પણ હોય અને ભારતીય પણ. એની મથામણમાં એક ફ્રેન્ચ ઓપેરા પર ધ્યાન ગયું. સંગીતકાર લિઓ ડિલિબે આ ઓપેરાની રચના કરી હતી. તે થિયોડોર પાવી નામના લેખકની વાર્તાઓ અને અને પિયરે લોતી નામના લેખકની નવલકથા ‘લે મેરેજ’ પર આધારિત હતું.
એમાં એક બ્રાહ્મણ છોકરી અને બ્રિટિશ સૈનિક વચ્ચેના પ્રેમની વાર્તા હતી. 1883માં પેરિસમાં તેનું પરફોર્મન્સ થયું હતું. ઓપેરાનું નામ હતું ‘લેક્મે,’ જે છોકરીનું પણ નામ હતું. તે સંસ્કૃત ‘લક્ષ્મી’નું અપભ્રંશ હતું. નામમાં ભારતીય ઓળખ પણ હતી અને યુરોપિયન આકર્ષણ પણ. આ સંયોગ ટાટા ગ્રુપને ઘણો પસંદ આવ્યો અને બ્રાન્ડનું નામ લેક્મે રાખવાનો નિર્ણય લીધો. આ તે સમયની ભારત-ફ્રાન્સ સાંસ્કૃતિક અંતર્ધારાનું પણ પ્રતિક હતું – એક આંતરરાષ્ટ્રીય વિચારથી ઊભરેલી સ્વદેશી ઓળખ.
મુંબઈના પેડર રોડ પર એક નાનકડી ઓફિસમાં લેક્મેની શરૂઆત થઇ હતી. શરૂઆતમાં ઉત્પાદન ઓછું હતું, પરંતુ તેની લોકપ્રિયતા ઝડપથી વધી અને માંગ પણ. તે પછી તેનું ઉત્પાદન સિવરી સ્થિત TOMCOની ફેક્ટરીમાં ફેરવવામાં આવ્યું. 1961માં સિમોન ટાટા એમાં જોડાયાં, અને તે પછી લેક્મેની અસલી ઉડાન શરૂ થઇ. આગામી બે દાયકાઓમાં તેમણે આ બ્રાન્ડને આગળ વધારી અને લોકોને તેમના વિચારો બદલાવીને તેમને વધુ આત્મવિશ્વાસભર્યા અને આધુનિક બનાવ્યા. 1970 અને 1980ના દાયકામાં તેમના નેતૃત્વ હેઠળ લેક્મેએ માત્ર ગ્લેમરથી જ નહીં, પરંતુ ભારતીય મહિલાઓની ઇચ્છાઓ અને તેમના બજેટને અનુકૂળ પ્રોડક્ટ બનીને પ્રગતિ કરી.
સિમોને તેને યાદ કરીને કહ્યું હતું, “અમારી પાસે એક કોસ્મેટિક કંપની હોવા છતાં, કોઈ પ્રોડક્ટ નહોતી – કોલ્ડ ક્રીમ પણ નહીં. ટાટાના ડિનર પર મને બોર્ડમાં સામેલ થવાની ઓફર થઇ હતી. ત્રણ દિવસ પછી મેં જાતને કહ્યું હતું – કેમ નહીં? મને ખબર નહોતી તે ઓફર મને ક્યાં લઇ જશે.”
સિમોન ટાટાએ ફક્ત બ્રાન્ડને વ્યવસાયિક રીતે સંગઠિત જ નહોતી કરી, પરંતુ તેની ઓળખને આધુનિક રૂપ પણ આપ્યું. તેમના નેતૃત્વ શૈલીમાં યુરોપીય નમ્રતા અને ભારતીય બજારની સમજનો અનોખું સંમિશ્રણ હતું. ઉત્પાદનોની ગુણવત્તા, પેકેજિંગ, જાહેરાત અને બ્રાન્ડિંગ – આ તમામ પાસાઓમાં નિયમિત સુધારાએ લેક્મેને ભારતીય સ્ત્રી-સૌંદર્યની સમાનાર્થી બનાવી દીધી.
ધીરે-ધીરે લેક્મે કેવળ એક કોસ્મેટિક બ્રાન્ડ ન રહેતાં, ભારતમાં સુંદરતા અને આત્મવિશ્વાસનું સાંસ્કૃતિક પ્રતિક બની ગઈ. તેની વધતી લોકપ્રિયતા અને બદલતા બજારમાં સાથે 1996માં ટાટા ગ્રૂપે તેને હિન્દુસ્તાન યુનિલિવરને વેચી દીધી, જેણે આ બ્રાન્ડને વધુ વિસ્તૃત બ્રાન્ડમાં ફેરવી દીધી. આજે લેક્મે માત્ર ભારતીય બજારની જ અગ્રગણ્ય કોસ્મેટિક બ્રાન્ડ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની ઓળખ બનાવી ચૂકી છે.
એક જૂના ઈન્ટરવ્યુના સિમોને કહ્યું હતું, “60ના દાયકામાં, દેશમાં સુંદરતાનો અર્થ નિશ્ચિત રૂપે કોઈ કોસ્મેટિક્સ સાથે નહોતો. બધું જૂનવાણી હતું – એક તરફ પ્રાકૃતિક, હર્બલ પ્રોડક્ટ્સ હતી અને બીજી તરફ ટેલ્કમ પાવડર. બસ, એમાં જ બધું આવી ગયું. મેકઅપ વર્જિત હતો. તમે મેકઅપ કરીને બહાર ન જઈ શકો, લિપસ્ટિક સુદ્ધાં નહીં. સિવાય તમારે બેડ-ગર્લ કહેડાવવું હોય.”
એક અર્થમાં, લેક્મેની કહાની ભારતના વિકાસની કહાની પણ છે – જેમાં એક નાની આર્થિક ચિંતા, એક ઉદ્યોગપતિની દૃષ્ટિ, એક વિદેશી ઓપેરાની પ્રેરણા, અને એક મહિલાના નેતૃત્વએ મળીને એવી બ્રાન્ડ બનાવી જે હવે લાખો ભારતીય મહિલાઓની દૈનિક જીવનનો હિસ્સો બની ગઈ છે. આ કહાની બતાવે છે કે પ્રેરણા ક્યારે ય કોઈપણ દિશાથી આવી શકે છે – ક્યારેક રાષ્ટ્રની જરૂરિયાતમાંથી, ક્યારેક સંસ્કૃતિમાંથી, અને ક્યારેક કોઈ જૂની ફ્રાંસીસી ધૂનમાંથી. લેક્મે એ વાતની જીવંત સાબિતી છે કે જ્યારે સ્વદેશી વિચાર વૈશ્વિક દૃષ્ટિ સાથે મળે, ત્યારે પરિણામ ફક્ત એક બ્રાન્ડ નહીં, પણ એક વિરાસત બને છે.
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’, ‘સંસ્કાર’ પૂર્તિ, સંદેશ; 14 ડિસેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

