Opinion Magazine
Number of visits: 9447122
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લૉન્ડ્રી રૂમ

અભિમન્યુ આચાર્ય|Opinion - Short Stories|17 December 2022

મિસિસ નાયરે જ્યારે તેમના ડ્રેસીંગ ટેબલ પર રહેલા પ્રેયર પ્લાન્ટના લંબગોળ, મંકી-વોશ સ્ટાઈલના પાંદડાં પર હાથ ફેરવ્યો, ત્યારે તેમને પોતાના કબાટમાં સંતાડેલી તેમની પાડોશીની આછા ભૂરા રંગની, મોગરાની ડીઝાઈનવાળી અંડરવેરનો વિચાર આવ્યો.

મિસ્ટર નાયર તેમના માટે થોડા દિવસ પહેલા જ પ્રેયર પ્લાન્ટ ભેટ લાવેલા, તેમની સત્તરમી એનીવર્સરી પર. જ્યારે બંને હજી એકદમ યુવાન હતા અને નવા નવા જ પરણેલાં હતા, ત્યારે મિસ્ટર નાયર તેમના માટે ઘણીવાર ફૂલો લાવતા. પ્રેમનું એ જ થાકેલું પ્રતીક. બંનેને ખબર જ ન પડી કે ફૂલોમાંથી સુવાસ ક્યારે ઊડી ગઈ. એક ક્ષણ, બધું જ મઘમઘી રહ્યું હતું, અને બીજી ક્ષણે, સુગંધ સૂકી હવામાં ફેરવાઈ ગઈ હતી. જો કે આ ક્ષણ અને તે ક્ષણ વચ્ચે બે સ્ટીલ-બોર્ન મૃત્યુ, ત્રણ ઘર, એક આખો દેશ, અને કેટલાં ય વર્ષો પસાર થઈ ગયેલાં.

બંનેએ જે દુનિયા બનાવેલી, બહારની દુનિયાથી અલગ, પોતાના જુદા જ નિયમોથી ચાલતી, જેમાં માત્ર એ બંને જ હતા, એ દુનિયાની દીવાલોમાં તિરાડો પડવા માંડી હતી. ત્યાંથી બહારની દુનિયા પ્રવેશી ગઈ હતી, અને તે બંનેની દુનિયા ખાલી તેમની નહોતી રહી. એનીવર્સરી ગીફ્ટ, હાથ પકડવા, બહાર ફરવા જવું—બધું કોઈ એવા સ્થળની યાદ અપાવતું જે સ્થળનું હવે કોઈ અસ્તિત્વ જ નહોતું રહ્યું.

બે વર્ષ પહેલા જ્યારે એ લોકો કેનેડા શિફ્ટ થયાં ત્યારે શરૂઆતમાં મિસિસ નાયરને એડજસ્ટ કરવામાં ઘણું અઘરું પડ્યું. અવાજોથી ભરેલા દેશમાં જન્મથી લઈને પહેલાં પાંત્રીસ વર્ષ કાઢ્યાં પછી કેનેડિયન ચુપ્પી તેમને ખાવા દોડતી. કેનેડામાં પડતાં બરફ જેટલી જ ધારદાર એ ચુપ્પી લાગતી, અને મિસિસ નાયરના મનને ઘણીવાર છોલી નાખતી. જો કે ધીરે ધીરે એ સેટ થતા ગયા. કાન પર જે અવાજો પડતાં — —  લૉન મોવરનું ધણધણવું, પસાર થતી ગાડીઓનું ધમધમવું, કૂકરની સીટીનું રણકવું, અને લૉન્ડ્રી મશીનમાં ઘૂમી રહેલાં પાણીનું ખળખળવું — તેમાં જ ઉષ્મા શોધવાનું મિસિસ નાયર શીખી ગયાં હતાં. તેમને થતું કે આ અવાજો જુદા-જુદા વાજિંત્રોમાંથી આવે છે અને આસપાસ રહેલી ચુપ્પી સાથે મળીને જાણે કોઈ સંગીત રચે છે. એ સંગીત સાથે તેમણે પોતાની રોજિંદી જિંદગીનો તાલ મેળવી લીધો હતો.

રસોઈ બનાવવી અને ફૂલછોડનું ધ્યાન રાખવા સિવાય જે પ્રવૃત્તિ તેમને સૌથી વધુ વ્યસ્ત રાખતી એ હતી લૉન્ડ્રી રૂમમાં કપડાં ધોવાની પ્રવૃત્તિ. દરેક બ્લોકના બેઝમેન્ટમાં લૉન્ડ્રી રૂમ હતો, જેને જે-તે બ્લોકમાં રહેલા એપાર્ટમેન્ટના બધા સભ્યો વાપરી શકતા. લૉન્ડ્રી રૂમમાં બે વોશર અને બે ડ્રાયર. વોશર કપડાં ધોઈ કાઢે, ડ્રાયર એને સૂકવી નાખે. મિસિસ નાયર માટે આખા બ્લોક દ્વારા વપરાતો લૉન્ડ્રી રૂમનો વિચાર જ અકલ્પનીય હતો. ભારતમાં તો પોતાના ઘેર અલગ વોશિંગ મશીન હતું, જેમાં પોતાના ઘરના સભ્યો જ કપડાં ધોતાં.

શરૂઆતમાં તો મિસિસ નાયરને રાહ જોવાનો સખત કંટાળો આવતો. એપાર્ટમેન્ટના મેનેજમેન્ટ તરફથી દરેક ભાડુઆતને સંદેશો મળેલો : લૉન્ડ્રી રૂમ કપડાં માટે ખાસ સુરક્ષિત જગ્યા નથી. ગમે ત્યારે કપડાંની ચોરી થઈ શકે છે. એટલે તમારાં કપડાં ધોવાઈને સુકાઈ ન જાય ત્યાં સુધી લૉન્ડ્રી રૂમમાં જ રહેવું. મિસિસ નાયર આ વાતથી દંગ હતાં. આખા એપાર્ટમેન્ટમાં મોટેભાગે વેલ-સેટલ્ડ, ગાડીઓવાળા ગોરા લોકો રહેતા, અને છતાં કપડાંની ચોરી થતી! એવું તો શું કારણ હશે?

એટલે જ્યારે તેમણે તેમની પાડોશીની અંડરવેર ઉપાડી, ત્યારે તેમણે જાતને કહ્યું કે આને ચોરી ન ગણી શકાય. મિસિસ નાયર જાણતા હતાં તે શું કરી રહ્યાં છે, જ્યારે તેમણે તેમની પાડોશીને કહેવાનું ટાળ્યું કે ડ્રાયરમાં હજી એક કપડું વધ્યું છે, જ્યારે તેમણે આસપાસ જોઈને હળવેથી એ કપડું પોતાના કપડાં વચ્ચે સરકાવી દીધું, જ્યારે તેમણે ડ્રાયરમાંથી તાજી જ નીકળેલી અને હજી હૂંફાળી અંડરવેરના સિલ્કને તેમના અંગૂઠા અને પહેલી આંગળી વચ્ચે પકડીને અનુભવ્યું.

*

સપ્ટેમ્બરમાં, કૉલેજનું નવું સત્ર શરૂ થયું ત્યારે થોડાં નવા ભાડુઆતો બ્લોકમાં રહેવા આવ્યા. બાલ્કનીમાં તેમના ફૂલ-છોડને પાણી પીવડાવતા મિસિસ નાયરે જોયું તો એક ચહેરો વેનીલા આઈસ્ક્રીમમાં કથ્થઈ ચોકલેટ ચિપ્સ દેખાઈ આવે એમ તેમના ધ્યાનમાં આવ્યો. આંખ પર ચડાવેલાં કાળા ગોગલ, જડબાની રેખાઓ અણિયાળી, ખુલ્લા વાળ પણ એવા સમજી વિચારીને વેર-વિખેર કરેલા કે સારા જ લાગે. છોકરીની ઉંમર હશે ચોવીસની આસપાસ. 

જ્યારે ઢસડાતી સૂટકેસ અને ખખડતાં વાસણનો અવાજ એકદમ નજીકથી આવવા લાગ્યો ત્યારે મિસિસ નાયર સમજી ગયા કે એ નવી છોકરી ‘૧૩-અ’માં શિફ્ટ થઈ રહી છે. તેમની બાજુના જ ફ્લેટમાં. એક દીવાલે.

તેની સાથે ભેટો તો થોડા દિવસ પછી થયો. લૉન્ડ્રી રૂમમાં. એકબીજાનાં નામ પૂછાયાં. છોકરીનું નામ હતું અંજલી કાલરા. લુધિયાણાની હતી.

મિસિસ નાયરની વણમાગી સલાહથી તેમની વાતચીત શરૂ થઈ.

‘અહીં કપડાંની ચોરી ઘણીવાર થાય છે. એટલે કપડાં પૂરા ધોવાઈને સૂકાઈ ન જાય ત્યાં સુધી અહીં જ રહે તો સારું.’

‘ખરેખર? મેં એ વાત સાંભળેલી તો ખરી, પણ હું નહોતી જાણતી કે વાત આટલી સિરિયસ છે. હવે એક કલાક હું અહીં શું કરીશ! મારી મિટિંગ પણ છે.’ અંજલી અકળાતા બોલી.

એક ક્ષણ ચૂપકીદી, પછી મિસિસ નાયરે કહ્યું – ‘તારે જો જવું પડે એમ હોય તો જઈ શકે છે. હું ધ્યાન રાખીશ.’

‘સાચે? તમે બહુ સ્વીટ છો! ચિંતા ન કરો, હું તમને દર વખતે હેરાન નહિ કરું. આજે મને ખબર નહોતી એટલે …’

‘કોઈ વાંધો નહિ. ચિંતા ન કર.’

‘બાય ધ વે, હું ૧૩-અમાં છું. તમે?’

‘શું વાત કરે છે!’ મિસિસ નાયરે ડોળ કરતા કહ્યું – ‘હું ૧૪-અ માં છું. એક દીવાલે. ચાલો, ઘણા સમયે પાડોશી મળશે. અમે બે વર્ષ પહેલા આવ્યાં ત્યારથી એ ઘર ખાલી જ હતું.’

‘હા, મને પણ એકદમ સસ્તામાં મળ્યું છે. તમને કોઈ જાણ છે શા માટે ખાલી હતું?’

‘હા…૧૩ નો આંકડો છે એટલે. અહીં લોકો એવા શુકન-અપશુકનમાં બહુ માને છે.’

અંજલીએ હસતા હસતા કહ્યું- ‘મારા માટે તો સારું જ છે.’

તેના હસવાના અવાજની કંપન નાનકડા લૉન્ડ્રી રૂમની દીવાલો સાથે અથડાઈ. અંજલી ચાલી ગઈ પછી મિસિસ નાયર એકલા લૉન્ડ્રી રૂમમાં બેસી રહ્યાં, ઘૂમરાતા-અટકતાં, ઘૂમરાતા-અટકતાં વોશરને જોતા રહ્યાં. ડીટરજન્ટની ખટુમડી ગંધ રૂમમાં ક્યારની પ્રસરી ગઈ હતી, પણ તેમના નાકને એ વાતનું હમણાં જ ધ્યાન આવ્યું, જાણે અંજલીને મળીને તેમની ઇન્દ્રિયો જડ ન થઈ ગઈ હોય!

*

એ પછી લૉન્ડ્રી રૂમમાં ત્રણવાર ભેટો થયો. પહેલી બે વાર તો આડી-અવળી વાતો થઈ. અંજલી બાયોકેમેસ્ટ્રીમાં માસ્ટર્ઝ કરી રહી હતી અને તેનું એક સત્ર જ બાકી હતું. તે ત્યાં ચાર મહિના માટે જ હતી.

જ્યારે અંજલીએ મિસિસ નાયરના કામ વિશે પૂછ્યું, ત્યારે મિસિસ નાયરને બે ઘડી સમજાયું નહિ શું કહેવું. થોડા પ્રયત્નો પછી શબ્દો તેમની પાસે આવ્યા. 

‘હોમ-મેકર છું’ – મિસિસ નાયરે કહ્યું. ‘મારા પતિ અહીંની ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરે છે.’ તેમણે ઉમેર્યું.

તેમની ત્રીજી મુલાકાત મહત્ત્વની હતી, કારણ કે ત્રીજી મુલાકાતમાં મિસિસ નાયરે અંજલીને ઓણમના જમણ માટે ઘેર બોલાવી.

‘કાલે ઓણમ છે. આવતીકાલે સાત વાગ્યે તું જો ડીનર પર આવી શકે તો …’ મિસિસ નાયરે વાક્ય પૂરું ન કર્યું.

અંજલી અચાનક મળેલા આ આમંત્રણથી થોડી બઘવાઈ ગઈ.

‘હા … હા .. ચોક્કસ.’ તે થોથવાતા બોલી.

તેણે ડ્રાયરમાંથી તેના કપડાં કાઢ્યાં અને પોતાની લૉન્ડ્રી બેગ ભરવા માંડી. કપડાંના ડૂચા વાળવાથી બેગ ભરચક થઈ ગઈ હતી અને ઉભરાઈ રહી હતી. તેણે ઠાંસી ઠાંસીને કપડાં ભર્યાં, છતાં એક મોજું તો તો ય નીચે પડ્યું જ. મિસિસ નાયરે તે ઉપાડીને અંજલીને આપ્યું.

‘થેંક યુ. કાલે મળીએ.’

બીજા દિવસે, મિસિસ નાયરે મિસ્ટર નાયરને સમયસર આવવાનું કહી દીધું કારણ કે તેમને ત્યાં બહુ સમય પછી કોઈ મહેમાન આવવાની હતી.

તેમણે રસોઈ બનાવવામાં રોજ કરતાં ઝાઝું ધ્યાન રાખ્યું. એક કૂકરમાં રસમ બની રહી હતી ત્યારે તેમણે આંબલીના ઠળિયા કાઢીને તેની છાલને ગરમ પાણીમાં બોળી રાખી, પછી એમાં મીઠું નાખીને મિક્સરમાં તેની ચટણી બનાવી.

હવે નાળિયેરનું કોચલું તોડવાનો વારો. કિચનના પ્લેટફોર્મ પર એક હાથે નાળિયેર પકડી તેમણે બીજા હાથમાં પકડેલા દસ્તાથી કોચલા પર હળવેથી ઠપકારવાનું શરૂ કર્યું. તિરાડો પડી, પાણીને ભાગી છૂટવાનો રસ્તો મળી ગયો. નાળિયેર તોડવાનું કામ મિસિસ નાયરને હંમેશાં ઉદાસ કરી દેતું. એક આખી, પૂર્ણ વસ્તુને ઠંડે કલેજે ધીરે ધીરે તોડવી એટલે શું?

પણ એ સમયે આવા વિચારોને મિસિસ નાયરે આઘા રાખ્યા. જ્યાંથી તિરાડ પડેલી, ત્યાંથી તેમણે નાળિયેર પકડ્યું, અને બળ કરીને ખેંચ્યું. પાણી નીચે ઢોળાયું, અને કોચલાની ધાર તેમનો અંગૂઠો છોલી ગઈ. લોહી નીકળ્યું.

લોકો બરફના પહાડો પર સ્કીઈંગ કરે એમ લાલ ટીપાં નાળિયેરના અંતરિયાળ, કોમળ, સફેદ ભાગ પર લસર્યાં.

મિસિસ નાયરે ડેટોલથી હાથ ધોઈ, અંગૂઠા ફરતે બેન્ડ-એઈડ લગાવી દીધી. પછી, નાળિયેર પરથી લોહી સાફ કરીને નાળિયેર છીણી નાખ્યું. ચટણી બનાવી. જો ઓણમ ન હોત અને કોઈ આવવાનું ન હોત તો તેમણે વાત ત્યાં જ પૂરી કરી હતી, પણ મિસિસ નાયરને તેમની માતાને શીખવેલી વાત યાદ હતી : ખાલી ચટણી સૂકી ય લાગી શકે. એવું હોય તો વઘાર કરવો. એટલે મિસિસ નાયરે ચટણી ઉપર રાઈ, ચપટીક અળદની દાળ, મીઠો લીંબડો અને સૂકાં લાલ મરચાંનો વઘાર ય કર્યો.

સાંજ પડી. ઓણમનું જમણ તૈયાર હતું. મિસ્ટર અને મિસિસ નાયર ટેબલ પર રાહ જોઈ રહ્યાં હતાં.

સાત વાગ્યા. મિસિસ નાયર ઊંચા-નીચા થયાં. તેમણે કાન સરવા કર્યા, ક્યાંક દીવાલની આરપારથી તેમની પાડોશીની કોઈ હિલ-ચાલ સંભળાય છે કે કેમ એ જોવા. કોઈ નાનો અમથો ય અવાજ, નાનું અમથું ય આશ્વાસન કે તેમની મહેમાન આવવા માટે તૈયાર થઈ રહી છે. પણ દીવાલો શાંત રહી.

‘આપણે ચાલુ કરીએ?’ મિસિસ નાયરના અવાજમાં ભૂખ ચોખ્ખી વર્તાઈ રહી હતી.

‘હું જઈને પૂછી આવું? બાજુમાં જ તો રહે છે!’ સવા સાત થયા એટલે મિસિસ નાયરે કહ્યું.

મિસિસ નાયર જઈને ૧૩-અની બહાર ઊભા રહ્યાં. દરવાજો ખખડાવવાના જ હતા પણ કશાક કારણથી તેમનો હાથ અટકી ગયો. કોઈને ન આવવું હોય અને પરાણે ખેંચી લાવવું એ કેટલું વાજબી હતું? આવું વિચારી મિસિસ નાયર પાછા ફર્યાં.

‘મહેમાન આવે છે કે નહિ?’ મિસ્ટર નાયર બોલ્યા. તેમની ધીરજ હવે ખૂટી ગઈ હતી.

‘ના … વ્યસ્ત છે.’ મિસિસ નાયરે નીચું જોતા કહ્યું.

‘અને આ અંગૂઠામાં શું થયું?’

‘નાળિયેર તોડતી વખતે થયું. હશે, આપણે ચાલુ કરીએ.’

જમતી વખતે મિસ્ટર નાયરે અંજલી વિશે પૂછ્યું. મિસિસ નાયરે તેમની નવી પાડોશીની બધી જ વાત કરી. જમવાનું પત્યું ત્યાં સુધી અંજલીની જ વાતો ચાલતી રહી. અંજલીના અભાવમાં ય તેની હાજરીનો ઓછાયો રસમ, પુલીસેરી, થોરણ, અવીઅલ, પાયસમ, બધા પર વર્તાતો રહ્યો.

*

‘આઈ એમ સોરી હું ઓણમ માટે ન આવી શકી. કંઈક અરજન્ટ આવી ગયું. પણ વાંધો નહિ, આઈ વોન્ટ ટુ મેઈક અપ ફોર ઈટ. હું તમને અને મિસ્ટર નાયરને આમંત્રણ આપું છું, મારે ઘેર ડીનર માટે.’ થોડા શરમના ભાવ સાથે એ લોકો લૉન્ડ્રી રૂમમાં મળ્યાં ત્યારે અંજલીએ કહ્યું.

‘ઈટ્સ ઓકે, એવી કોઈ જરૂર નથી.’ મિસિસ નાયરે તેમનાં કપડાં વચ્ચે ડ્રાયર શીટ્ઝ ભરાવતા કહ્યું.

‘ના … મારો આગ્રહ છે. પ્લીઝ.’ અંજલીએ કહ્યું.

મિસિસ નાયરે કોઈ જવાબ ન આપ્યો.

‘અને એ શું છે?’ અંજલીએ મિસિસ નાયરના ડ્રાયરમાં નાખેલાં કપડાં સામે જોતા કહ્યું.

‘ડ્રાયર શીટ. મશીનમાં કપડાં સૂકાય ત્યારે કરચલી પડી જાય છે. પણ જો કપડાંની વચ્ચે આ ભરાવો તો કરચલી નથી પડતી.’

‘અચ્છા. હું પણ ખરીદી લઈશ.’ અંજલીએ ડોકું ધુણાવ્યું.

મિસિસ નાયરે અંજલીનો ચહેરો જોઈ છેવટે નમતું જોખ્યું.

‘સારું. હું આવીશ. પણ મારા હસબન્ડનું નક્કી નહિ.’

‘એમને પણ કહેજો, મારા વતી. મને ગમશે. કાલે મળીએ. સાત વાગે.’

તે રાત્રે, પથારીમાં, મિસિસ નાયરે અંજલીના આમંત્રણ વિશે મિસ્ટર નાયરને કહ્યું. મિસ્ટર નાયરને વિચિત્ર લાગ્યું.

‘લોકો જબરું કરતા હોય છે! છે ખાલી થોડા મહિનાઓ માટે, તો આમ અકારણ સંબંધ કેમ વધારવા માંગતા હશે? સરખે સરખી ઉંમર હોય તો ય સમજાય. પણ એ ક્યાં, અને આપણે ક્યાં!’

‘તમે આવશો?’

‘ના.’

મિસ્ટર નાયર આટલું બોલી પોતાના ફોનમાં ખોવાઈ ગયા.

મિસિસ નાયર પથારીમાંથી ઊભા થઈ પોતાના ડ્રેસિંગ ટેબલ તરફ ગયાં. તેના પર પ્રેયર પ્લાન્ટનો છોડ હતો. મિસિસ નાયરને હંમેશાં એ વાત અજબ લાગતી, કે દિવસે, સૂરજના તીક્ષ્ણ કિરણો પ્લાન્ટને ભેદતા આખા રૂમને અજવાળતા, એ વખતે પ્લાન્ટનાં પાંદડાં સમતલ સૂઈ રહેતા, એકદમ મુડદાલ. પણ રાત્રે, ચાંદનીમાં, સુષુપ્ત વાસનાઓની જેમ, પાંદડાં ટટ્ટાર ઊભા રહેતા, તેમની ટોચ એકબીજા સાથે જોડાઈ જતી, જાણે કોઈએ પ્રાર્થના કરવા હાથ જોડ્યા હોય.

મિસિસ નાયરે અરીસામાંથી મિસ્ટર નાયરને જોતા જોતા કપડાં કાઢી નાઈટ ડ્રેસ પહેર્યો. મિસ્ટર નાયરનું આ તરફ ધ્યાન જ ન હતું. પોતે નગ્ન, કે અર્ધ-નગ્ન હોય ત્યારે મિસ્ટર નાયર કદી તેમની સામું જોતા નહિ. ફોનમાં શું જોતા હશે એવો પ્રશ્ન મિસિસ નાયરને થયો. એક વાર દરવાજો ખખડાવ્યા વગર બેડરૂમમાં ઘૂસી ગયેલા ત્યારે તેમણે મિસ્ટર નાયરને ખૂબ શરમજનક હાલતમાં જોયેલા. તેમણે તરત ‘સોરી’ કહીને દરવાજો બંધ કરી દીધેલો. ત્યારબાદ મિસ્ટર નાયર બાથરૂમમાં ગયા ત્યારે મિસિસ નાયરે તેમનો ફોન ચેક કરેલો. ફોનમાં ચાલુ થયેલા વીડિયોને જોઈને મિસિસ નાયરને ઘણું દુઃખ થયેલું. જેટલી ઉત્સુકતાથી મિસ્ટર નાયર આ બીજા શરીરોને જોતા, એટલી ઉત્સુકતાથી તેમના શરીરને છેલ્લે મિસ્ટર નાયરે ક્યારે જોયું હશે?

મિસિસ નાયર પોતે ય પોતાના શરીર સામું નહોતા જોઈ શકતા. જ્યારે પણ જોતા ત્યારે એક જ વસ્તુ દેખાતી—તેમના પેટ પરનું નિશાન, એ લાંબો કાપો જે તેમના શરીરને બે સરખા ભાગમાં વહેંચી દેતો હતો.

જો કે તે દિવસે, લાઈટ્સ બંધ કરતા પહેલા તેમના શરીરની બીજી એક વસ્તુ પણ મિસિસ નાયરને દેખાઈ—તેમની આંખોના ખૂણે પડી રહેલી કરચલી.

*

અંજલીના ઘરમાં ઘૂસતા જ મિસિસ નાયરના નાકમાં આદુ-લસણના વઘારની તીવ્ર સુગંધ પેસી ગઈ. અંજલીએ પનીરની સબ્જી બનાવેલી હતી.

મિસિસ નાયરે નોંધ્યું કે અંજલીએ ઘર વ્યવસ્થિત દેખાય એનો બને એટલો પ્રયત્ન કરેલો. ફર્શ પર કચરો વાળેલો હતો પણ પોતું નહોતું કરેલું. આછા આછા ડાઘા, જો ધ્યાનથી જોવો, તો દેખાઈ જાય. કિચનના બેઝીનમાં ગંદા વાસણો પડેલાં હતાં, પણ પ્લેટફોર્મ સાફ હતું. સોફો બારી નજીક ખસેડવામાં આવ્યો હતો, રૂમમાં વધુ અવકાશ મળે એટલે. પણ સોફા પર રહેલા ચોરસ ઓશીકાં પર અલગ અલગ રંગના કવર હતા. પીળી ફેઈરી લાઈટ્સ સીલીંગ પરથી લટકીને રૂમને ઝગમગ કરી રહી હતી. સોફાની પાસે નાનું ટેબલ હતું, જેના પર મની પ્લાન્ટ ગોઠવાયેલો હતો.

‘થેંક યુ, આવવા માટે.’

‘સોરી, મારા હસબન્ડ ન આવી શક્યા.’

‘કોઈ વાંધો નહિ. તમે બેસો, હું ખાવાનું લઈને આવું છું.’

‘હું મદદ કરું?’

‘ના ના, તમે બેસો.’

મિસિસ નાયરે જોયું કે મની પ્લાન્ટનું એક પાંદડું સૂકાઈ રહ્યું હતું.

‘આને થોડું ધ્યાન આપવાની જરૂર છે.’ તેમનાથી બોલાઈ ગયું.

અંજલીને આ અચાનક નીકળી ગયેલા ઉદ્દગારથી આશ્ચર્ય થયું.

‘તમને ફૂલ-છોડનો શોખ છે?’

‘મને તેમના તરફ જે લગાવ છે તેના માટે શોખ શબ્દ નાનો પડે. મારી પાસે ઘણાં છે ઘેર. તને ગમે છે?’ મિસિસ નાયરે પણ પૂછ્યું.

‘ખરું કહું તો મેં ઝાઝું વિચાર્યું નથી. આ તો હું ડેકોરેશન માટે લાવેલી, જેથી લાગે કે આ ઘરમાં કોઈ માણસ રહે છે.’ અંજલીએ ખાવાનું સર્વ કરતા કહ્યું.

‘સુગંધ તો બહુ સરસ આવે છે!’

‘સ્વાદ પણ સારો આવે તો કામનું.’ અંજલીએ એક બેચેન સ્મિત કર્યું.

મિસિસ નાયરે કોળિયો લેતા પહેલાં ફરી એકવાર અંજલીનો આભાર માન્યો. અંજલીએ ફરી સ્મિત કર્યું.

મિસિસ નાયરે કોળિયો મોંમાં મૂક્યો અને તેમને સમજાયું કે મીઠું ઓછું છે. પણ આ વાત જાહેર ન કરવાનું તેમણે નક્કી કર્યું.

‘બહુ સરસ છે! સ્વાદ તો બહુ જ સરસ છે.’ મિસિસ નાયરે બને એટલા ઉત્સાહથી કહ્યું. તેમની આંખો જુઠ્ઠાણાની ચાડી ખાઈ ન જાય એટલે તેમણે નજર પ્લેટ પર જ રાખી. અંજલી પાણી લેવા ઊભી થઈ, પણ તેનાથી એક ચમચી નીચે પડી ગઈ. તે વાંકી વળી તે લેવા ગઈ. તેની આછા ભૂરા રંગની અંડરવેરે તેના પેન્ટમાંથી બહાર ડોકિયું કાઢ્યું. મિસિસ નાયરે એક ક્ષણ જોયું, અને પછી તરત નજર ફેરવી લીધી.

અંતમાં અંજલીએ બંને માટે આઈસ્ક્રીમ કાઢ્યો. આઈસ્ક્રીમ ખાતા ખાતા બંને વચ્ચે થોડી અંગત વાતો થઈ, બેનપણાં થયાં.

મિસિસ નાયરે જણાવ્યું કે તે હવે બાળકો કરી શકે એમ નથી. જીવનું જોખમ છે, અને અંદર ઘણા કોમ્પ્લીકેશન ઊભા થાય એમ છે. અંજલીએ કહ્યું કે તેનું થોડા સમય પહેલા જ તેના બોયફ્રેન્ડ સાથે બ્રેક-અપ થયું હતું, અને એટલે જ એ ઓણમના દિવસે મિસિસ નાયરને ત્યાં જમવા નહોતી આવી શકી.

‘એ જ દિવસે થયું?’ મિસિસ નાયરે પૂછ્યું.

‘ના, એનાથી થોડા દિવસ પહેલા. હું અહીં એટલે જ રહેવા આવી છું થોડો સમય. આમ તો નોર્મલ હોઉં છું હું, પણ ક્યારેક નથી જીરવાતું ત્યારે રૂમમાં પૂરાઈ રહું છું.’ અંજલીએ કહ્યું.

શા માટે સંબંધ તૂટ્યો એવું મિસિસ નાયરે ન પૂછ્યું. તેમને થયું કે આ એવી રેખા હતી જે તેમણે પાર કરવી ન જોઈએ. પોતે એવું વિચારીને મન મનાવ્યું, કે આજના યુવાનોની આ તાસીર છે. સંબંધ તોડવો-જોડવો, સંબંધોમાં ઘૂસવું-નીકળવું, એમ જ જેમ લોકો કોઈ હોટેલમાં આવે-જાય. એવી વ્યવસ્થા, એવો વૈભવ જે ન તો તેમને ઉપલબ્ધ હતો, ન પોસાય તેમ હતો.

‘પણ મેં એક છોકરો જોયેલો … ગોરો, ઊંચો, વાંકડિયા વાળવાળો. થોડા દિવસ પહેલા જ. મને થયું કે એ જ તારો …’ મિસિસ નાયરે એક નહિ તો બીજી રેખા પાર તો કરી જ.

‘ના … એ કોઈ નથી. શું કહું … એમ સમજોને કે એ કોપિંગ મિકેનીઝમ છે.’ અંજલીએ નીચું જોતા કહ્યું.

‘અને એનાથી કામ ચાલી જાય?’ મિસિસ નાયરે આગળ પૂછ્યું.

‘કામ, આમ જુઓ તો ચાલી જાય. બસ મનમાં જે ચહેરો ફરતો હોય તેને આ નવા ચહેરા સાથે બદલી નાખવાનો.’

બંને હવે આ સંવાદ જ્યાં જઈ રહ્યો હતો તેનાથી થોડા અચકાઈ રહ્યા હતા.

‘અને એવું શક્ય છે?’ મિસિસ નાયરથી રહેવાયું નહિ.

‘શક્ય તો શું નથી. પ્રાઈવેટ મોમેન્ટ્ઝમાં લોકો મનમાં આવી અદલા-બદલી કરતા જ હોય છે. ક્યારેક ચહેરાની, ક્યારેક તો આખે આખા…’ અંજલી વાક્ય પૂરું ન કરી શકી. મિસિસ નાયરની ખાલી પ્લેટે અંજલીને આખો સંવાદ બીજી  દિશામાં લઈ જવાની સગવડ કરી આપી. 

‘તમે વધુ આઈસ્ક્રીમ લેશો?’

‘ના ના, બસ. પેટ ભરાઈ ગયું. આટલું તો છેલ્લે ઇન્ડિયામાં હતી ત્યારે ખાધેલું.’ મિસિસ નાયરે પણ જાણે તંદ્રામાંથી બહાર નીકળતા હોય એમ કહ્યું, અને વિનયપૂર્વક પ્લેટ્સ ધોવામાં મદદ કરવાની ઈચ્છા બતાવી.

‘તમે ચિંતા ન કરો. હું કરી લઈશ.’

‘હું હવે નીકળું. મારા હસબન્ડ રાહ જોતા હશે.’

‘હા. ચોક્કસ. આવવા માટે થેંક્સ.’

થોડાં કલાકોમાં જ મિસિસ નાયર બેડરૂમના અરીસા સામે ઊભા હતાં. મિસ્ટર નાયર નિરાંતે નસકોરાં બોલાવી રહ્યાં હતા.

આજની અંજલી સાથેની વાત પછી મિસિસ નાયરને એક પ્રસંગ યાદ આવી ગયો. મિસ્ટર નાયરે તેમને કહેલું એક દિવસ : ‘હું જાણું છું આપણી વચ્ચે વસ્તુઓ ઠીક નથી. આપણે કંઈક નવું ટ્રાય કરીએ.’

મિસિસ નાયરે પહેલા હા તો પાડેલી, પણ મિસ્ટર નાયરે ત્યારબાદ જે પ્રસ્તાવ મૂક્યો તેનાથી તે ગુસ્સે થઈ ગયેલા.

‘ના … …હું નહિ કરી શકું. આપણા બેની વચ્ચે કોઈ ત્રીજાની હાજરી તો દૂર, કોઈ ત્રીજાનો વિચાર પણ હું ખમી શકું એમ નથી.’ મિસિસ નાયરે કહી દીધેલું. મિસ્ટર નાયરે એ દિવસ પછી આ વાત ક્યારે ય નહોતી કરી.

મિસિસ નાયરે નાઈટ-ડ્રેસ પહેર્યો, અને ચહેરા પર ક્રીમ લગાડ્યું. તેમનાથી અનાયાસે જ પોતાની સરખામણી અંજલી સાથે થઈ ગઈ. અંજલીના અણિયાળા જડબા સામે પોતાની ચરબી ભરેલી હડપચી, તેના ઘાટ્ટા, કાળા વાળ સામે પોતાના કપાળથી પાંખા થઈ રહેલા વાળ, તેના પાતળા પેટ સામે પોતાની વધી રહેલી ફાંદ, એ પણ નિશાનવાળી.

મિસિસ નાયરની આંખોમાં ઈર્ષા ફરી વળી. અંજલી માટે નહિ, તેની ઉંમર માટે. એ ઉંમર જે તમને નચિંત અને બેજવાબદાર થવાનું લાઈસન્સ આપે છે, એક એવી ટ્રેન જે મિસિસ નાયરની નજીકથી ઝડપથી પસાર થઈ ગઈ, અને એ વાતથી અજાણ કે એમાં ચડી જવાનું હતું, મિસિસ નાયર ક્યાંક બીજે જ જોતા રહ્યાં. હવે એ સ્ટેશન પર હતાં, એકલાં, રાહ જોતાં. ક્યારના ય. પણ શેની? હવે કોઈ ટ્રેન આવવાની નહોતી.

તેમણે અંગૂઠા પરથી બેન્ડ-એઈડ છેવટે ખેંચી કાઢી. ઘાવ હજી ય દેખાઈ રહ્યો હતો.

*

મિસિસ નાયરને હવે અંજલીનું કપડાં ધોવાનું શિડ્યૂલ સમજાઈ ગયું હતું. મંગળવાર અને શુક્રવાર, જ્યારે તેની કોલેજમાં રજા રહેતી. મિસિસ નાયરે પણ તેના શિડ્યૂલ સાથે તાલ મિલાવ્યો. પછી તો એવી સ્થિતિ થઈ ગઈ કે બંને વચ્ચે એક અશબ્દ સમજણ સ્થપાઈ ગઈ, કે મંગળવાર અને શુક્રવાર એટલે એ બંનેનો લૉન્ડ્રી દિવસ. એમાં ય કપડાં સૂકાવાના હોય ત્યારે તો અંજલી જતી રહેતી. મિસિસ નાયર ખુશીથી તેનાં કપડાંનું ય ધ્યાન રાખતાં. ડ્રાયર ફરતું બંધ થાય ત્યાં સુધીમાં અંજલી પાછી આવી જાય. ‘થેંક યુ સો મચ’, તે દર વખતે કહેતી.

એક દિવસ મિસિસ નાયરે નોંધ્યું કે અંજલી નવી ડ્રાયર શીટ્ઝ લાવી છે.

‘તમે કહ્યું ન હોત તો મને ક્યારે ય ખબર ન પડત કે આવું પણ કશુંક છે! થેંક યુ.’ અંજલીએ તેનાં કપડાં ડ્રાયરમાં નાખતા કહ્યું.

મિસિસ નાયરે વોશરમાં કપડાં ખાલી કર્યાં, અને બાજુના ખાનામાં ડીટરજંટ ભર્યું.

પછી મશીનમાં બંનેએ સિક્કા નાખ્યા. ખખડતા સિક્કા સાથે વોશર અને ડ્રાયર ફરવા શરૂ થયા. લૉન્ડ્રી રૂમ અવાજોથી ભરાઈ ગયો.

તેમણે આવી રહેલા શિયાળાની વાતો કરી. એમ, કે આ શિયાળો અત્યાર સુધીનો સૌથી ઠંડો શિયાળો રહેશે. એમ, કે આ વાત છાપાવાળા દર વર્ષે છાપે છે.

‘માઈનસ દસ ડિગ્રી હોય કે માઈનસ પંદર, એક પોઈન્ટ પછી શું ફેર પડે છે!’ અંજલીએ કહ્યું.

‘હા, એક હદ પછી કંઈ અનુભવાતું નથી. ખાલી જડ થઈ જવાય છે.’ મિસિસ નાયરે કહ્યું. અંજલીએ મિસિસ નાયર સામું જોયું, એ ચકાસવા કે એ હજી ઠંડીની જ વાત રહી રહ્યા હતા કે કોઈ બીજી જ.

થોડાં સમયમાં ડ્રાયરમાંથી ‘બીપ’નો અવાજ આવ્યો.

‘સારું. ફરી મળીશું.’ અંજલીએ ડ્રાયરમાંથી કપડાં કાઢતાં કહ્યું. તેની લૉન્ડ્રી બેગ ફરી ભરાઈ રહી હતી, કપડાંના ડૂચાથી. તે ઉતાવળમાં હોય એવું લાગી રહ્યું હતું.

ઝડપથી કપડાં ભરી તે લૉન્ડ્રી રૂમમાંથી નીકળી ગઈ.

મિસિસ નાયરે ડ્રાયર સામું જોયુ તો તેમને લાગ્યું હજી એકાદ કપડું રહી ગયું છે. તેમણે ખોલીને અંદર નજર કરી. આ એ જ કપડું હતું, જેણે અંજલીના પેન્ટમાંથી મિસિસ નાયર તરફ ડોકિયું કરેલું. ડ્રાયરમાંથી નીકળેલી, તાજી, ગરમ આછા ભૂરા રંગની અંડરવેર, જેના પર મોગરાનાં ફૂલ ચીતરેલા હતાં. મિસિસ નાયરને થયું કે અંજલીની પાછળ જઈને આ કપડું તેને દઈ આવે. પણ એ વખતે જ તેમને એક બીજો વિચાર આવ્યો.

અંજલી પાછળ જવાનું માંડી વાળતા તેમણે એ અંડરવેર પોતાનાં કપડાં સાથે ધીમેથી સરકાવી દીધી.

*

મિસિસ નાયર નહોતા જાણતા કે એ તેમને ફીટ આવશે કે કેમ. અંજલી તેમનાથી ઘણી પાતળી હતી. પણ મિસિસ નાયરે પ્રયત્ન ચાલુ રાખ્યો.

સાથળો પરથી ઉપર ચડાવતાં થોડો સમય થયો, પણ ચડી ગઈ. કમર ગૂંગળાઈ. સાથળ પાસે ઊગેલા વાળ ઘણા સમયે વર્તાયા. આ બધું હોવા છતાં મિસિસ નાયર કોઈ બીજી સ્ત્રીના અંડરવેરમાં સમાયા. માત્ર એ જ પહેરી તે મિસ્ટર નાયર સામે આવ્યા.

‘તું ઠીક છે? અને આ તારી તો નથી લાગતી.’ મિસ્ટર નાયરે એ જોતા કહ્યું.

મિસિસ નાયરે આંખોથી મિસ્ટર નાયરને નજીક આવવા આમંત્રણ આપ્યું. બહુ જ લાંબા સમય પછી તેમને પોતાના શરીરની શરમ ન આવી, કારણ કે આજે એ શરીર તેમને પોતાનું લાગી જ નહોતું રહ્યું.

‘અંજલીની છે.’ મિસિસ નાયરે વધુ નજીક સરકતા કહ્યું.

મિસ્ટર નાયર પહેલા ગૂંચવાયા, પછી મિસિસ નાયરનો ચહેરો જોઈ સમજ્યા. મહિનાઓ પહેલા પોતે કરેલી વાતનો રિસ્પોન્સ આજે મળ્યો છે એવું ધ્યાન જતા એ નજીક આવ્યા. તેમણે અંડરવેર પર હાથ મૂક્યો, અને પછી સ્મિત કર્યું.

ઘણા સમય પછી મિસ્ટર નાયરનું સ્મિત હોઠોના સીમાડા વટાવી આંખો સુધી પહોંચ્યું.

તે રાત્રે મિસિસ નાયરને યાદ આવ્યું કે તેમના હાથ-પગ છે, આંખ-કાન છે, સ્તનો છે, નાક છે, નિતંબ છે, ગરદન છે, નખ છે. તેમને લાગ્યું કે તેમના શરીરનું પોતાનાથી અલગ જ એક ધબકતું અસ્તિત્વ છે. શરીરના શ્વાસ છે. શરીર યાદો સંઘરે છે. શરીર રડે ય છે. મિસ્ટર નાયર ઊંઘી ગયા ત્યારે ય મિસિસ નાયર પ્રેયર પ્લાન્ટના લંબગોળ પાંદડાં પર હાથ ફેરવતા જાગતાં રહેલાં, કેટલું ય વિચારતા રહેલા. કેવું વિચિત્ર કે પોતાનું શરીર આટલું નજીક હોવા છતાં તેને ભૂલી જવાય છે, કેવું વિચિત્ર કે એની યાદ અપાવવા ઘણીવાર બીજા એક શરીરની જરૂર પડતી હોય છે, એ યાદ અપાવવા કે તે અહીં જ છે, તેની બધી જ મૃદુતા, બધી જ નબળાઈઓ સહિત.

*

એ ફૂલ-છોડ, જે માત્ર એનીવર્સરી પર અપાતા હતા, હવે દર અઠવાડિયે અપાવા લાગ્યા.

મિસ્ટર નાયરે બાલ્કનીને જાસૂદ, બોનસાઈ, ઓર્કિડ, ટ્યુલીપ, બધાથી ભરી દીધી. દર બે દિવસે ગુલાબનો બુકે અલગ.

‘તમારે આટલા બધા લાવવાની જરૂર નથી.’ મિસિસ નાયર કહેતાં.

‘તને કેટલા ગમે છે એ જાણું છું.’ મિસ્ટર નાયર હસીને જવાબ વાળતા.

અઘરું કામ તો મિસિસ નાયરનું હતું. દર મંગળવારે, લૉન્ડ્રી રૂમમાં અંજલીને મળવાનું. તેની આંખોમાં આંખો નાખીને જોવાનું, હસીને વાતો કરવાની. મિસિસ નાયરે જે રેખા ઓળંગેલી તેનો નશો અકબંધ હતો, તેના લીધે જ તેમને બધું જ જીવંત લાગી રહ્યું હતું.

એવામાં મિસ્ટર નાયર એક દિવસ એક નાનકડો મોગરાનો છોડ લઈ આવ્યા, જાણે ગરમ થઈ ગયેલા તેલમાં પોતાના તરફથી સૂકું લાલ મરચું નાખતા હોય એમ.

‘આની શું જરૂર હતી? અહીં તો આ આસાનીથી મળતા ય નથી, ઠંડા પ્રદેશમાં. ’ મિસિસ નાયરે કહ્યું, પણ તેમને અંદર અંદર આ વાત ગમી ય ખરા.

‘ઈટ્સ ઓકે. થોડું શોધવું પડ્યું. તારે ધ્યાન ય સરખું રાખવું પડશે આનું.’ મિસ્ટર નાયરે કહ્યું.

તેમનું ઘર હવે રંગોથી ભરેલું હતું, અને બાલ્કની સુગંધથી મઘમઘી રહી હતી.

દિવસે ફૂલ-છોડની સંભાળ લેવાતી. રાત્રે, બંને એક એક ઈંટ ધ્યાનથી ગોઠવતા, પોતાની દુનિયા ફરી બનાવવા. પણ તેમને ખબર નહોતી કે સમયે તેમને જાણ પણ ન થાય એમ ચોરીછૂપીથી તેમની દુનિયાની બ્લ્યૂપ્રિન્ટ બદલી નાખી હતી. હવે જે દુનિયા બની રહી હતી તેને શું કહેશું? જૂની દુનિયાનો પડઘો, કે એનો પડછાયો?

*

નવેમ્બરના અંતમાં એ વરસનો પહેલો બરફ પડ્યો ત્યારે તે લોકો વોશરને ફરતું જોઈ રહ્યાં હતાં. અંજલીના ચહેરા પરના ભાવ જોઈ મિસિસ નાયરને ચિંતા થઈ.

‘મિસિસ નાયર, એક વિચિત્ર વસ્તુ થઈ રહી છે.’ અંજલીએ કહ્યું.

‘શું?’

‘મને લાગે છે કે મારા અમુક કપડાં ક્યાંક મીસીંગ છે.’

‘હા, વિચિત્ર વાત તો છે. કારણ કે હું હોઉં ત્યારે તો કોઈ આવતું નથી અહીં.’

‘હા, ઘણું વિચિત્ર છે.’

મિસિસ નાયરે એક ઘડી વિચાર્યું. કોઈ નવો છોડ પસંદ કરી રહ્યા હોય એટલી સંભાળથી તેમણે શબ્દો પસંદ કર્યા.

‘એવું બની શકે કે તારાથી અમુક કપડાં વોશરમાં રહી જતા હોય. એવું બનતું હોય છે ઘણીવાર. મારાથી ય થાય છે. વોશર છે ય ઊંડું. ધોવાઈ જાય એટલે કપડાં એક તો ચોળાઈ જાય, અને ક્યારેક વોશરની દીવાલો સાથે ચીપકી જતા હોય છે.’

‘હા, એ એક જ શક્યતા છે.’ અંજલીએ કહ્યું. મિસિસ નાયર અંજલીના શબ્દો ઉકેલવા મથી રહ્યા.

‘આજે એકદમ સરખી રીતે જોઈ લેજે, કશું રહી ન જાય એટલે.’ મિસિસ નાયરે કહ્યું.

‘હા. આજે સરખું ધ્યાન રાખીશ.’

આ વાતની અસર તેમની વૈવાહિક આત્મીયતા પર પણ તરત પડી. મિસ્ટર નાયરે તેમની કમર પર હાથ મૂક્યો ત્યારે મિસિસ નાયરનું ધ્યાન ક્યાંક બીજે જ હતું. 

‘મને લાગે છે અંજલીને ખબર પડી ગઈ છે.’ મિસિસ નાયરે કહ્યું.

મિસ્ટર નાયરે તરત હાથ પાછો ખેંચી લીધો- ‘ખરેખર?’

‘હા. મને આખી વાતની હવે શરમ આવી રહી છે. હું જ મૂર્ખ એવું માની બેઠી કે એનું ધ્યાન નહિ જાય.’

‘કોઈ વાંધો નહિ. ડોન્ટ વરી. આપણી પાસે જે છે, એને બસ કોઈક રીતે પાછું સરકાવી દે.’ મિસ્ટર નાયરે તેમના ફોનમાં ખોવાઈ જતા કહ્યું.

‘આપણે આની જરૂર પડે એવું થવા જ નહોતું દેવાનું.’ થોડા સમય બાદ મિસિસ નાયર બોલ્યાં, પણ ત્યાં સુધીમાં તો મિસ્ટર નાયર એટલા દૂર થઈ ગયેલા કે મિસિસ નાયરના શબ્દો તેમના સુધી પહોંચ્યા જ નહિ. મિસિસ નાયર નિરાશાથી તેમના ડ્રોઅરમાં પડેલાં કપડાંને જોઈ રહ્યાં જેના પર નાના સફેદ ફૂલોની ડિઝાઈન હતી.

શુક્રવારે મિસિસ નાયર તે સાથે લઈ ગયાં, કોઈક રીતે એને પાછું સરકાવી દેવાં.

પણ જ્યારે તેમણે દર અઠવાડિયાની જેમ અંજલીના કપડાંનું ધ્યાન રાખવાની ઓફર કરી, ત્યારે અંજલીએ તેમને માનથી ના પાડી.

‘હું ઘણા સમયથી દર અઠવાડિયે તમને મારાં કપડાંનું ધ્યાન રાખવાનું કહું છું અને પોતે ભાગી જાઉં છું. તમને એનો ભાર લાગતો હશે. એ સારું ન કહેવાય. આજે હું અહીં જ રહીશ, તમે ચિંતા ન કરો.’ અંજલીએ સ્મિત કર્યું.

‘ના ના, એમાં ભાર શું. હું હજી કહું છું. તું જઈ શકે છે. તારાં કપડાંને કંઈ જ નહિ થવા દઉં.’

‘એ તો મને ખબર છે. પણ તો ય, આજે કંઈ નહિ તો તમને કંપની તો આપું.’ અંજલીએ કહ્યું. તેના અવાજની ઉષ્મામાં રહેલી ઠંડક મિસિસ નાયરને અડી, અને ધ્રુજાવી ગઈ.

મિસિસ નાયરે જ્યારે પોતાનાં કપડાં ડ્રાયરમાં નાખ્યાં, ત્યારે તેમને થયું કે અંજલી તેની અંડરવેર પકડી પાડે તો સારું. કબૂલાત કરવાની આખી લપમાંથી બચી જવાય. મિસિસ નાયરને સમજાયું કે કબૂલાત કરવા કરતાં રંગે હાથ પકડાઈ જવું જ વધારે સહેલું છે. પણ અંજલીનું ધ્યાન ન ગયું. એકાદ કલાક બંને લૉન્ડ્રી રૂમમાં બેસી રહ્યાં, આડી-અવળી વાતો કરતા. તેમની વાતો પર નહિ બોલાયેલા શબ્દો ઝળૂંબી રહ્યા હતા, છેક સુધી.

એ પછીના અઠવાડિયે મિસિસ નાયર લૉન્ડ્રી રૂમમાં એકલા હતાં. અંજલી નહોતી આવી.

પાછા જતી વખતે મિસિસ નાયર ‘૧૩-અ’ સામે રોકાયાં. દરવાજો ખખડાવ્યો. ચાર ટકોરા પછી દરવાજો ખૂલ્યો.

‘કેમ છે? આજે તું લૉન્ડ્રી રૂમમાં આવી નહિ એટલે મને થયું કે ચેક કરું, બધું બરાબર તો છેને. મને થયું તું ભૂલી ગઈ હશે કે આજે મંગળવાર છે.’ મિસિસ નાયરે કહ્યું.

‘હા … ના. એટલે … મને યાદ તો હતું, પણ મારી એક્ઝામ આવી રહી છે. અને પેકિંગ પણ ચાલુ કરવાનું છે. તમે મારું વેઈટ ન કરતા હવે. મારું બહુ ઠેકાણું નથી.’ અંજલીએ કહ્યું.

અચાનક મિસિસ નાયરને યાદ આવ્યું કે ડિસેમ્બર અડધો પસાર પણ થઈ ગયો છે, અને અંજલી જલદી જ એપાર્ટમેન્ટ છોડીને બીજે ચાલી જશે.

‘અરે હા … યાદ આવ્યું. પેકિંગમાં કોઈ હેલ્પ જોઈતી હોય તો કહેજે. અને તું બહુ બિઝી હોય તો મને તારી બેગ આપી દે, હું કરતી આવીશ. મને તો કંઈ ફેર નથી પડતો.’ મિસિસ નાયરે કહ્યું.

‘પાક્કું. એવી જરૂર પડી તો તો કહીશ જ ને. થેંક યુ.’ અંજલીએ સ્મિત કર્યું, અને પછી હાથ હલાવી દરવાજો બંધ કરી દીધો.

તે રાત્રે મિસિસ નાયરે કહ્યું – ‘તેને સો ટકા ખબર છે. આજે લૉન્ડ્રી રૂમમાં પણ નહોતી આવી.’

‘હશે. બહુ ચિંતા નહિ કરવાની.’ મિસ્ટર નાયરે ઉડાઉ રીતે કહ્યું.

મિસિસ નાયરે બધાં કપડાં ઉતારી તેમની પાસે પડી રહેલી અંજલીની અંડરવેર પહેરવાનો એક ઘેલછાથી પ્રયત્ન કર્યો. કમર પાસેથી ઘણી ખેંચાવાને લીધે ઈલાસ્ટીક ઢીલું પડી ગયું. અંડરવેર કોઈ કામની ન રહી.

મિસિસ નાયરે અરીસામાંથી જોયું. મિસ્ટર નાયર તેમને જોઈ રહ્યા હતા. પણ તેમના ચહેરા પર બધી જ ઈચ્છાઓ સૂકાઈ ગઈ હતી. તે ચહેરા પર દયાનો ભાવ જોઈને મિસિસ નાયરે તરત મોં ફેરવી લીધું.

*

તે પછી મિસિસ નાયર અંજલીને ક્યારે ય મળી ન શક્યાં. લૉન્ડ્રી રૂમમાં તો નહોતી જ આવતી, પણ ક્રિસમસ પર ફેરવેલ ડીનર પર મિસિસ નાયરે અંજલીને આમંત્રણ આપ્યું ત્યારે અંજલીએ કહ્યું કે તે નહિ આવી શકે કારણ કે તે વ્યસ્ત છે.

ડિસેમ્બરના છેલ્લા દિવસે, જ્યારે રસ્તા પર બધે જ બરફ ઝામી ગયો હતો, ત્યારે એક મૂવીંગ ટ્રક તેમના એપાર્ટમેન્ટની પાસે આવીને ઊભી રહી. મિસિસ નાયર તેમના લીવીંગ રૂમની બારીમાંથી બધું જોઈ રહ્યાં.

વાસણો ખખડવાનો, સૂટકેસના ઢસડાવાનો અવાજ આવ્યો. તેમણે બાલ્કનીમાંથી જોયું, અંજલીએ ધીરે ધીરે પોતાનો બધો સમાન ટ્રકમાં ભરી દીધો. ટ્રક ગઈ. તેની કાળી ગાડીમાં બેસીને ટ્રકની પાછળ પાછળ અંજલીની ગાડી પણ ગઈ, અને થોડી વારમાં દેખાતી બંધ થઈ. ખાલી ટાયરના નિશાન બરફમાં હજી દેખાઈ રહ્યા હતા.

મિસિસ નાયર થોડીવાર બેસી રહ્યાં. પછી ઊભા થઈ તેમણે ખૂણામાં પડેલો મોગરાનો છોડ ઉઠાવ્યો, અને જઈને ડસ્ટબિનમાં ફેંકી દીધો.

ઈમેઈલ- acharyaabhimanyu79@gmail.com
પ્રગટ : “પરબ”, નવેમ્બર 2022; પૃ. 18-32  
 

Loading

17 December 2022 Vipool Kalyani
← गुजरात चुनाव में भाजपा की जीत: ध्रुवीकरण की प्रमुख भूमिका
ચલ મન મુંબઈ નગરી—175 →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved